આગળના પ્રકરણમાં તમે વાંચ્યું,
વિક્રમ અને રેશ્મા બંને આર્કિયોલોજીસ્ટ છે અને બંને એ ભૂતકાળમાં સાથે કામ કરેલું. રેશ્માના બોસનું નિધન થઈ ગયું છે. રેશ્મા અને વિક્રમ એમની એક ગુપ્ત ફાઇલ મેળવવાનો પ્લાન કરી રહ્યા છે. એટલામાં વિક્રમને ખબર પડે છે કે એનો જૂનો પ્રતિસ્પર્ધી વિજય પણ એ ફાઇલ પાછળ છે. એટલે વિક્રમ જેમ બને એમ જલ્દી એ ફાઇલ સુધી પહોંચવાનો પ્લાન કરે છે. હવે આગળ......
ચેપ્ટર - 3
રાતના સાડા અગિયાર વાગ્યા હતા. ઉમીયાનગરની આસપાસ શાંતિ પ્રસરેલી હતી. રસ્તા પર માત્ર સ્ટ્રીટલાઇટ નું અજવાળું પથરાયેલું હતું. એ અજવાળામાં હારબંધ ગાડીઓ ઉભી હતી. એ સિવાય રસ્તા પર બીજું કઇ હતું નહીં. એમાંના એક ઘરનાં ડેલાં પર એક નેમપ્લેટ લગાવેલી હતી જેમા લખ્યું હતું.
" નારાયણ રેસિડન્ટ."
પ્રોફેસરના મકાન અને એમની ડાબી બાજુનાં મકાન વચ્ચે એક થોડી પાતળી ગલી હતી. એ ગલીમાં એક મોટરસાઈકલ ઉભી રહી શકે એટલી જ જગ્યા હતી. અને અત્યારે એક મોટરસાયકલ ત્યાં જ ઉભી હતી. મેઇન સ્ટ્રીટ કરતા અહીં વધારે પ્રકાશ ન હતો. એ થોડા પ્રકાશની માત્રામાં એ મોટરસાયકલ પર એક કાળુ જેકેટ પહેરેલ વ્યક્તિ બેઠો હતો. એને હેલ્મેટ પહેર્યો હતો. અને એના હાથમાં એક ફોટો હતો જેમાં એક વ્યક્તિ એના નાના પુત્ર સાથે બેઠો હતો.
એટલામાં એ વ્યક્તિનો ફોન વાગ્યો. એણે ફોન ઉપાડતા સામેથી એક સ્ત્રીનો અવાજ આવ્યો," હેલ્લો વિક્રમ, તું તૈયાર છે ને?"
વિક્રમે જવાબ આપ્યો, " હા હું તૈયાર છું.. તું મને ઇશારો કરીશ એટલે હું આવી જઇશ." કહીને એણે ફોન કટ કરી નાંખ્યો.
વિક્રમ ફરી એના હાથમાં રહેલા ફોટા સામે જોવા લાગ્યો. એ એનો અને એના પિતાનો ફોટો હતો. એ એના પિતાને ખુબ જ પ્રેમ કરતો હતો. જ્યારે એના પિતાનું મૃત્યુ થયું ત્યારે એ ત્રણ દિવસો સુધી એ આઘાત માંથી બહાર નહોતો આવી શક્યો. પણ ત્યારે એ હતો પણ માત્ર આઠ જ વર્ષનો. જ્યારે એ નાનો હતો ત્યારે એના પિતા અએને ઘણી રોચક કહાની સંભળાવતાં. એમાની એક વિક્રમના મગજ પર છપાઈ ગઈ. એ હતી સંબલગઢની કહાની.
એના પિતા હંમેશા કહેતા, " દીકરા.. સંબલગઢ એક પ્રાચીન અને અત્યંત શક્તિશાળી રાજ્ય હતું. એના રાજાઓની ઉંમર ત્રણસો વર્ષ જેટલી હોતી. અને એ ત્રણસો વર્ષમાં એ ક્યારેય ઘરડાં ન થતાં. હંમેશા જવાન જ રહેતા. એમના રાજ્યની પ્રજા પાસે પણ હંમેશા જવાન રહેવાની શક્તિ હતી. પણ પછી કંઇક થયું અને એ રાજ્ય હંમેશા માટે ગાયબ થઇ ગયું.."
નાનકડો વિક્રમ હંમેશા પુછતો..," એવું શું થયું હતું પિતાજી કે એ ગાયબ થઇ ગયું? " ત્યારે એના પિતા જવાબ આપતા," એ તો મને પણ ખબર નથી બેટા કે શું થયું પણ એટલી ખબર છે કે એ રાજ્યમાં જરૂર કોઇ ગોઝારી ઘટના બની હશે. હા પણ એક વાત યાદ રાખજે કે આ કોઈ કાલ્પનિક કહાની નથી પણ સત્ય છે. એ રાજ્ય હતું અને હજી પણ કદાચ એના ખંડેરો ક્યાંક છુપાએલા છે. અને.. "
ટ્રીન.... ટ્રીન..... વિક્રમનો ફોન વાગતાં એ ફરી વર્તમાનમાં પરત આવી ગયો. પિતાને યાદ કરવાથી એની આંખો ભીની થઇ ગઇ. એણે પોતાની આંખો લૂછી અને ફોન ઉપાડ્યો. ફોન ઉપાડતા ભેર કટ થઇ ગયો. એ ઇશારો હતો. રેશ્મા તરફથી કે હવે એને અંદર જવાનું છે. એ બાઇક પરથી નીચે ઉતર્યો. એણે આગળ પાછળ જોઇને ખાતરી કરી કે કોઇ છે તો નહીને.. પછી એણે સામે રહેલી પાળી તરફ નજર કરી. આ પાળીની બીજી બાજુ પ્રોફેસરનું ઘર હતું અને એ પારીની એકદમ સામે એમના ઘરનો ગેસ્ટરૂમ હતો જેમાં રેશ્મા એની રાહ જોઇ રહી હતી. પાળીની ઉંચાઈ લગભગ વિક્રમ જેટલી જ હતી. એટલી પાળી ચડવી એના માટે આસાન હતી. પોતાનું હેલ્મેટ ઉતારીને બાઇકના હેન્ડલ પર રાખ્યું અને બાઇકને ડબલ સ્ટેન્ડ પર રાખી. પછી પોતે જે બાઇક ઢાંકવાનું કપડું લાવ્યો હતો એનાથી આખી બાઇક ઢાંકી દીધી. જેથી કોઇને શંકા ન જાય અને એમ જ લાગે કે આ બાઇક અહીંયા આજુબાજુ વાળાએ પાર્ક કરીને રાખ્યું છે. પછી એણે પોતાના બંને હાથ પાળી પર ટેકાવ્યા. અને એક પગ બાઇક પર ટેકાવીને એણે એક કુદકો મારીને પાળીની પર ચડી ગયો. અને બીજી બાજુ કુદકો મારીને ઉતરી ગયો. એ બાજુ ઘાસ હતું એટલે એને ઉતારવામાં વાંધો ન આવ્યો અને અવાજ પણ ન થયો. પછી એણે જોયું તો સામેના રૂમની બારી ખુલેલી હતી અને બારીમાંથી રેશ્મા એની તરફ જ તાકી રહી હતી. એ રેશ્મા પાસે જઈને ઉભો રહ્યો. રેશ્માએ એને જોઇને સ્માઇલ કરી. એણે પણ સામે સ્મિત કર્યું. અને પછી રેશ્મા ત્યાંથી ખસી ગઈ. પછી વિક્રમ ઠેકડો મારીને રૂમની અંદર આવી ગયો. અંદર આવતાભેર જ એણે રૂમનું નિરીક્ષણ કર્યું.
રૂમ એકદમ સામાન્ય સજાવટ વાળો હતો. બારીની બાજુની દીવાલને અડીને એક ડબલબેડ હતો અને એના પર સફેદ ચાદર પથારેલી હતી. બેડની સામે એક ટેબલ હતું અને એની બાજુમાં બાથરૂમ હતું. બીજી બાજુએ એક દરવાજો હતો જે રૂમને ઘરના હોલમાં ખુલતો હતો. અને એ દરવાજાની બાજુમાં થોડે ઉપર એક જાળી હતી. એ જાળી જોઇને વિક્રમને ખ્યાલ આવી ગયો કે એ જ એસી ડક્ટ છે. એમાથી થઇને એણે લાયબ્રેરી સુધી જવાનું છે. ઘડીભર એ એ જાળીને તાકી રહ્યો. એ પછી એણે રેશ્મા સામે જોઇને પુછ્યું..."બધું આપણા પ્લાન મુજબ જ છે ને? "
રેશ્મા એ જવાબમા કહ્યું, " હા. બધું ઓ.કે. જ છે. તું ચિંતા કરજે નહીં. બસ અવાજ ન થાય એનું ધ્યાન રાખજે. આમ તો એ માં દીકરો જાગવાના નથી. પણ આજુબાજુ વાળા જાગી ન જાય એનું ધ્યાન રાખવું પડશે. એટલે જે કર એ ધ્યાનથી કરજે. ઓ.કે.?"
વિક્રમે હકારમાં માથું હલાવ્યું. પછી એ પેલી જાળી તરફ જોવા લાગ્યો. એના મનમાં એક શંકા ઉપજી. એથી એણે રેશ્માને પુછ્યું," આ એસી ડક્ટ તો ઘરના બધા રૂમ સાથે જોડાયેલો હશે રાઇટ..?"
" હા. " રેશ્માએ કહ્યું.
" તો અહીંથી આગળ જતા આ ડક્ટ બે કે એનાંથી વધારે ભાગમાં વહેંચાઈ જતો હશે. તો મને કેમ ખબર પડશે કે હું લાયબ્રેરી વાળા ભાગમાં જઇ રહ્યો છું.?"
રેશ્મા પણ એના પ્રશ્ન સાથે સહમત હતી. એણે કહ્યું," વેલ.. મે ટ્રાય કરી હતી કે હું આનો બ્લુ પ્રિન્ટ મેળવી લઉ..પણ એ ન મળ્યો. એટલે હવે તારે એમાં જઇને જાતે જ જોવુ પડશે. અને એવું પણ નથી કે અહીંયા દસ પંદર રૂમ હોય એટલે તને આ કામ અઘરું લાગે.. માત્ર ત્રણ જ રૂમ છે. એક મેડમનો અને એક લાયબ્રેરી.. ત્રણ માંથી એકમાં તારે જવાનું છે એટલે એમાં કોઇ પ્રોબ્લેમ મને દેખાતી નથી. "
" હા એ પણ છે. " વિક્રમે કહ્યું. એની શંકા દુર થઇ ગઇ હતી. એટલે એણે તૈયારી કરવા માંડી. એણે પોતાનું બ્લેક લેધર જેકેટ ઉતારીને નીચે મુક્યું. એણે બ્લેક હાફ સ્લીવ રાઉન્ડ નેક ટી-શર્ટ પહેર્યું હતું. એમા એના શરીર પર કસરતની અસર ચોખ્ખી દેખાતિ હતી. એના બાજુઓ એટલા ફુલેલા હતા કે ટીશર્ટની બાંયુ એકદમ ચોંટી ગઈ હતી. અને એની કસરતી છાતી પણ એ જ સ્થિતિમાં હતી. કોઇપણ છોકરી એને અત્યારે જોઇ તો એ તરતજ એનાં પર ફીદા થઈ જાય. જેમ અત્યારે રેશ્મા થઇ રહી હતી. પણ તેણીએ પોતાના પર કાબુ રાખ્યો હતો. એને જુના દીવસો યાદ આવી ગયા. જ્યારે એ આ કસરતી શરીરનો પુરેપુરો ઉપયોગ લાભ લેતી. પણ હવે એ બંનેના અલગ થઇ ગયા પછી એણ વિક્રમ માટે એ ફીલ કરવાનુ બંધ કરી દીધું હતું. અત્યારે એ માત્ર કામ પર ધ્યાન આપી રહી હતી.
એણે જાળી પાસે એક ખુરશી ગોઠવી દીધી. વિક્રમે એ ખુરશી પર ચડીને જાળીને પકડીને ખેંચી. થોડીવારમાં જ જાળી નીકળી ગઇ. વિક્રમ ઉંચો થઇને જોવા લાગ્યો. એ ડક્ટમાં એ આરામથી સરકતા સરકતા જઇ શકે એટલી જગ્યા હતી. પણ અંદર અંધારુ હતું. એણે રેશ્માને ટેકો આપવા કહ્યું. રેશ્માએ ખુરશીથી થોડે ઉપર પોતના બંને હાથ વડે કામચલાઉ પગથિયું બનાવ્યું. જેથી વિક્રમ એના પર પગ મુકીને ડક્ટમાં ચડી શકે. આમ તો કોઇ બીજી સામાન્ય છોકરી હોત તો એ વિક્રમ જેવા ખમતીધરના વજનને ન ઉંચકી શકત. પણ આ રેશ્મા હતી. રેશ્મા રેગ્યુલર જીમ કરતી હતી. અને એનું શરીર પણ કંઇ કમ મજબૂત ન હતું. એણે માર્શલ આર્ટ પણ શીખેલા હતા.
રેશ્માના હાથ પર પગ રાખીને વિક્રમે પોતાના શરીરને આગળ તરફ ખેંચીને ડક્ટમાં ચડી ગયો. ડક્ટમાં અંધારુ હતું. એણે પોતાના પેન્ટના ખિસ્સામાંથી નાની ટોર્ચ કાઢીને ચાલું કરી. ટોર્ચના પ્રકાશમાં હવે તે બરાબર જોઇ શકતો હતો. તે આગળ જવા લાગ્યો.
સરકતા સરકતા એણે જોયું કે આગળ જતાં ડક્ટ બે ભાગમાં વહેંચાઈ જાય છે. એક સીધો જતો હતો અને એક ડાબી બાજુ. સૌપ્રથમ એણે સીધું જવાનું નક્કી કર્યું. એ સીધો સરકવાં લાગ્યો. આગળ જતાં ફરી એક વાર ડક્ટ બે બાજુ જતો હતો. એક સીધો અને એક ડાબી બાજુ. આ વખતે એણે ડાબી બાજુ જવાનું નક્કી કર્યું. અને એ એ તરફ વળ્યો. આગળ જતાં ડક્ટ ત્યાં જ પુરો થઇ ગયો. સામે કંઇજ હતું નહી. માત્ર સ્ટીલની દીવાલ આવી ગઇ.
વિક્રમે જોયું તો એની જમણી-બાજુ એક જાળી હતી. મતલબ એ એક રૂમમાં હતો. એ લાયબ્રેરી છે કે નહીં તે ચકાસવા માટે એણે જાળીમાંથી નજર કરી. જાળીના બે તાર વચ્ચેથી એને દેખાયું કે રૂમમાં એક બેડ છે અને એના પર કોઇક સુતુ છે. એણે નિસાસો નાખ્યો. એ ખોટા રૂમમાં આવી ગયો હતો. હવે ઉલટી તરફ સરકવા લાગ્યો. જતાં જતાં એણે રૂમમાં સૂતેલા વ્યક્તિ પર નજર કરી. એ એક આઠ દસ વર્ષનો છોકરો હતો. એને જોઇને ઘડીકવાર વિક્રમને એનાં પર દયા આવી ગઈ. કારણ કે એ છોકરાએ નાની ઉંમરમાં પોતાના પિતાને ખોઇ નાખ્યા હતા. આ દર્દ એ સારી રીતે સમજતો હતો. એ ભાવુક બની ગયો. પણ પછી તરતજ પોતાની ભાવુકતાને ખંખેરીને એ સ્વસ્થ થઇને આગળ ચાલ્યો ગયો. અને એ સીધો આગળ સરકવા લાગ્યો. એ થોડે આગળ ગયો તો ત્યાં સામે એને એક જાળી દેખાઇ. એ પાક્કું લાયબ્રેરી જ છે. એમ એ સમજી ગયો. અને એ આગળ વધવા લાગ્યો. જાળી પાસે પહોંચીને એણે જાળીને પકડીને ધક્કો માર્યો. થોડીવારમાં જાળી અલગ થઈ ગઈ. પણ વિક્રમે એ જાળીને પકડી રાખી જેથી કરીને એ નીચે પડે નહીં. નહીંતર જાળળી પડવાનો અવાજ દુર સુધી સંભળાય એમ હતું. એણે હળવેથી એ જાળીને આડી કરીને નીચે મુકી જેથી એ દીવાલને ટેકે ઉભી રહી ગઈ. અને જરા પણ અવાજ ન થયો. કારણ કે એસી ડક્ટ ભલે ઉંચુ ન હતું. પણ લાંબુ હતું. એલે વિક્રમને એમાંથી ઉતરવાંમાં સરળતા રહી. ઉતરીને એણે જોયું તો લાયબ્રેરીમાં અંધારુ હતું. એણે પોતાની ટોર્ચ ઓન કરીને આજુબાજુ જોયું.
અચાનક એની નજર એક વસ્તુ પર ગઇ.
(ક્રમશઃ)
* * * * * * * * * *