પડછાયો - ૧૫ Kiran Sarvaiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પડછાયો - ૧૫

પડછાયા એ કાવ્યાને પોતાની ઓળખાણ આપી કે તે વનરાજ સિંઘાનિયાનો પૂત્ર રૂદ્રરાજ સિંઘાનિયા ઉર્ફે રોકી છે અને તેની મોતનું કારણ અમન છે ત્યારે કાવ્યાને ખુબ જ દુઃખ થયું અને તે જમીન પર જ ફસડાઈ પડી.

"તારે હિંમત રાખીને સાંભળવું પડશે કાવ્યા.. તું પહેલાં મારી પૂરી વાત સાંભળી લે પ્લીઝ." પડછાયાના સ્વરૂપમાં રહેલો રોકી બોલ્યો.

"હા, તમે તમારી વાત કહો." કાવ્યા પોતાના દુઃખને દબાવી સ્વસ્થતા પ્રાપ્ત કરી બોલી.

"હા તો હું લંડનથી ઈન્ડિયા આવ્યો એના બીજા જ દિવસે ઓફિસ આવ્યો હતો અને તારો ઓફિસમાં છેલ્લો દિવસ હોવાથી તું રિઝાઈનની ફોર્માલિટી પતાવી રહી હતી અને મારી નજર તારા પર પડી અને હું મારી આસપાસ રહેલી દુનિયાને ભૂલીને બોલવા લાગ્યો, 'વાઉ! શું છોકરી છે.. આવી છોકરી તો મેં લંડન માં પણ નથી જોઈ. અરે દુનિયાભરની છોકરીઓ આ છોકરી આગળ પાણી ભરે એટલી સુંદર છે આ.. '

મારા આ વાક્યો સાંભળી મારી પાછળથી એક અવાજ આવ્યો, હા ખરેખર ખૂબ જ સુંદર છે, એનું નામ મિસીસ કાવ્યા અમન પટેલ છે. આ સાંભળી મેં પાછળ ફરીને જોયું તો એક યુવક મારી લગોલગ આવીને ઊભો રહી ગયો.

"શું? તે પરીણિત છે? જોઈને લાગતું નથી.‌ બાય ધ વે, હું રોકી છું અને તમે?" મેં એના તરફ હાથ લંબાવી કહ્યું.

"હું અમન પટેલ છું." એ સ્મિત સાથે બોલ્યો અને હાથ મિલાવ્યો.

"ઓહ! અમન પટેલ.. તો એ ખુબસુરતીના માલિક તમે છો એમ ને!"

"ના. માલિક તો નથી પણ એ ખુબસુરતીનો પૂજારી છું." અને પછી હું અને અમન હસવા લાગ્યા.

અમન સાથે થોડી ઘણી વાતો કરી હું મારા ડેડી પાસે જતો રહ્યો પણ મને અમનની આંખોમાં ત્યારે જ ગુસ્સાની ચિનગારી દેખાઈ ગઈ હતી.

એકાદ મહિના સુધી હું અમારી ઓફિસમાં જતો અને બધા કામકાજ પર દેખરેખ રાખતો. મારા ડેડી પણ ખુશ હતા કે હું હવે એમનાં કામકાજ પર ધ્યાન આપવા લાગ્યો છું.

એક દિવસ અમન ડેડીની ઓફિસમાં ગયો એના તુરંત બાદ મારા ડેડી એ મને તેમના ઓફિસમાં બોલાવ્યો અને મને કંપનીમાં આવવા માટે ના પાડી દીધી. મેં કારણ પૂછ્યું તો તેઓ બોલ્યા કે હું અમારી કંપનીના સ્ટાફ તથા મજૂરો સાથે ગેરવર્તણૂક કરું છું અને અમુકને તો મેં નોકરી પરથી કાઢી જ નાંખ્યાં છે.

હું સમજી ગયો કે અમને જ મારા ડેડીને મારા વિરુદ્ધ પટ્ટી ચઢાવી છે. આથી મેં ડેડીને કહ્યું કે તમે એ અમનના કહેવાથી જ મને અહીં આવવાની મનાઈ કરો છો ને! પણ હું કોઈ સ્ટાફ સાથે ગેરવર્તણૂક નથી કરતો અને નોકરીમાંથી તો બસ બે જણને જ કાઢી મૂક્યા છે અને તેઓ કામ તો કરતા નહોતા બસ નવરાં બેઠાં પત્તા રમતાં હતાં. એમને કાઢીને મેં કોઈ ખોટું કામ નથી કર્યું.

મારી વાત સાંભળ્યા પછી પણ ડેડીએ મને ઘરે જવા માટે કહી દીધું. હું જાણતો હતો કે ડેડી હવે મારી વાત નહીં માને આથી હું કંઈ પણ બોલ્યા વિના ત્યાંથી બહાર નીકળી ગયો. બહાર જ અમન અને બીજા પાંચ છ જણાં ત્યાં જ બેઠાં હતાં અને મને જોઈને ખડખડાટ હસવા લાગ્યાં અને અમન તો મારી પાસે આવીને બોલી પણ ગયો કે અમારા રસ્તામાં ના આવતો નહિંતર અંજામ હજુ વધુ ખરાબ આવશે.

હું ત્યાંથી નીકળી ગયો અને ઘરે આવી ગયો. પણ મારું મન ઓફિસના વિચારોમાં જ હતું કે ડેડીએ કેવા કેવા લોકોને કામ પર રાખ્યાં છે. ડેડી બધાંને કેમ ઓળખી નથી શકતાં. આવાં લોકો ડેડીને છેતરી રહ્યાં છે. પણ એમાં મારાં ડેડીનો શું વાંક એ તો છે જ ભોળા. આ લોકો જ એમને છેતરીને પૈસા પડાવી રહ્યાં છે. પણ મારે એમને રોકવા તો પડશે જ. આમ ને આમ ચાલ્યાં રાખશે તો અમે સાવ ભિખારી થઈ જાશું.

આ પછી હું પંદરેક દિવસ ઘરે જ રહ્યો અને જૂના મિત્રો સાથે મળ્યો અને ખૂબ મજા કરી પણ મનમાં એ ચિંતા તો થયાં જ રાખતી. આથી મેં ડેડીની ઓફિસ જઈ એમને મળવાનો નિર્ણય કર્યો અને ત્યાં પહોંચી ગયો.

હું સીધો જ ડેડી ના કેબિનમાં ગયો. ડેડી મને જોઈને અચરજ પામ્યા. છતાં મને ખુરશી પર બેસવા માટે કહ્યું આથી મને ખુશી થઈ અને હું ફટાફટ ખુરશી પર બેસી ગયો. ડેડીએ પ્યૂનને કોફી લેવા માટે બોલાવ્યો. તે પાંચેક મિનિટમાં તો બે કોફીના મગ મૂકી ગયો અને અમે બંને બાપ દીકરો કોફી પીતાં પીતાં વાતો કરવા લાગ્યા.

થોડી વાર આડીઅવળી વાતો કર્યા પછી મેં સીધી જ કામની વાત કરી દીધી, 'ડેડી તમે તમારા સ્ટાફને વધુ પડતી છૂટછાટ આપી રહ્યા છો. તે લોકો તમને લૂંટી રહ્યા છે અને આટલો મોટો પગાર શા માટે આપો છો એમને..'

'જો બેટા, કંપનીને વધું ઊંચાઈ પર પહોંચાડવી હોય તો એનો એક જ ઉપાય છે કે સ્ટાફને ખુશ રાખો. એ લોકો ખુશ રહેશે તો વધુ મહેનત કરશે અને આથી પ્રોડક્ટ નું ઉત્પાદન પણ વધુ થશે. ટૂંકમાં ફાયદો તો આપણો જ છે ને.'

'હા તમારી વાત સાચી છે પણ આપણો સ્ટાફ એટલું ઉત્પાદન પણ ક્યાં આપે છે.'

'ક્યારેક એવું બને પણ સ્ટાફનાં મનમાં તો આપણા પ્રત્યે માન રહેશે અને તેઓ આજે નહીં તો કાલે સુધરી જશે અને પછી સારું કામ કરશે બેટા.'

'ચાલો હું એ બધું ભૂલી જાઉં પણ તમે વારેઘડીએ પ્રમોશન શા માટે આપો છો.' હું પરોક્ષ રીતે અમન તરફ ઈશારો કરી બોલ્યો.

'અમન હોશિયાર અને મહેનતું છોકરો છે દિકરા!' જાણે મારો ઈશારો ડેડી સમજી ગયા હોય એમ એમણે મને જવાબ આપ્યો.

ડેડીના જવાબથી હું સમજી ગયો કે ડેડી અમનના કહ્યાંમાં આવી ગયેલા છે અને એનું જ ઊંચું રાખશે. આથી હું થોડી આડીઅવળી વાતો કરી ત્યાંથી નીકળી ગયો.

મેં લંડન પાછાં ચાલ્યાં જવાનું નક્કી કરી લીધું અને આ વિશે ડેડીને પણ જણાવી દીધું. તેઓ આસાનીથી માની પણ ગયા. મને થયું હતું કે મારે વધુ મહેનત કરવી પડશે તેમને મનાવવામાં પણ તેઓ તરત જ માની ગયા. તેમને જાણે કોઈ ફર્ક જ નહોતો પડતો. હું વધુ દુઃખી થયા વગર લંડન જવાની તૈયારી કરવામાં લાગી ગયો હતો. મારી ફ્લાઈટ પણ બુક થઈ ગઈ હતી.

ડેડી એ મારા લંડન જવાના બે દિવસ પહેલા મારા માટે ઓફિસની બિલ્ડિંગમાં જ એક નાની એવી પાર્ટી આયોજિત કરી હતી. હું ખુશ થઈ ગયો કે મારા ડેડીને મારા માટે પ્રેમ છે જ. હું ખોટાં વિચારો કરીને દુઃખી થઈ રહ્યો હતો.

ઓફિસનો આખો સ્ટાફ પાર્ટીમાં હાજર હતો, અમન પણ હતો. બધા ખુશ દેખાઇ રહ્યા હતા. નાચી રહ્યા હતા, ઝુમી રહ્યા હતા અને અમુક ખાણીપીણીની મજા માણી રહ્યા હતા. હું તો મારા ડેડીની સાથે જ હતો. એક પળ પણ તેમનાથી દૂર નહોતો થઈ રહ્યો. અમે જમ્યા પણ સાથે જ!

હું બાથરૂમમાં ફ્રેશ થવા ગયો અને પાછો આવ્યો તો ડેડી ક્યાંય દેખાયાં નહીં. મને થયું કંઈક કામ હશે તો ગયાં હશે. અમન પણ નહોતો દેખાઈ રહ્યો. મને થયું એ પણ ડેડીની સાથે જ હશે કામમાં. આથી હું ત્યાં જ ટેબલ પાસે ખાલી ખુરશી પડી હતી તેમાં બેસી ગયો અને બધા નાચી રહ્યા હતા તેમને જોઈ રહ્યો હતો.

થોડી વાર થઈ હશે ત્યાં એક યુવક આવીને મને કહી ગયો કે મારા ડેડી મને બિલ્ડીંગની છત પર બોલાવી રહ્યા છે. હું વિચારમાં પડી ગયો કે ડેડી છત પર શું કરી રહ્યા છે અને મારું શું કામ હશે. હું વિચારતો વિચારતો છત પર ગયો પણ ત્યાં મને ક્યાંય ડેડી દેખાયાં જ નહીં.

મેં આમ તેમ જોયું પણ ડેડી ક્યાંય ના દેખાયાં આથી હું આખી છત ફરી વળ્યો પણ ડેડી ક્યાંય નહોતાં. આથી મને થયું કે એ યુવકે મજાક કરી હશે તેથી હું પાછો ફરી નીચે જવા ગયો ત્યાં જ સામે અમન ઊભો હતો. હું એને અવગણીને આગળ વધવા ગયો ત્યાં એણે મારો હાથ પકડી લીધો અને મને ત્યાં જ રોકાઈ જવા માટે કહ્યું.

હું મારો હાથ છોડાવવાનો પ્રયત્ન કરવા લાગ્યો પણ અમન ઊંચો પહાડી અને મજબૂત યુવાન હતો અને હું સામાન્ય યુવક અને ઓછો શક્તિશાળી આથી હું મારો હાથ તેની મજબૂત પકડમાંથી છોડાવી ના શક્યો અને ત્યાં જ ઊભો રહ્યો.

"તે દિવસે શું બોલ્યો હતો તું?" અમન મારા તરફ ધારદાર અવાજે બોલ્યો અને હું ફફડી ગયો. હું સમજી ગયો હતો કે અમન હું આવ્યો એ પહેલાં દિવસની વાત કરી રહ્યો છે આથી હું સીધો માફી માગવા લાગ્યો,

"સોરી અમન, મને ખબર નહોતી કે કાવ્યા તારી પત્ની છે આથી હું એ બધું બોલી ગયો હતો અને મેં કંઈ ખરાબ પણ ક્યાં બોલ્યું જ હતું!"

"હા અને યાદ રાખજે કે કાવ્યા મારી પત્ની છે અને એના તરફ જોવાની હિંમત પણ ના કરતો ક્યારેય." અમન રોકીનો હાથ છોડી બોલ્યો અને રોકી અમન તરફ સ્માઈલ આપી જવા લાગ્યો ત્યાં અમને પાછો એને પકડીને પોતાની સામે રાખી દીધો.

"તારા ડેડીને તે જ કહ્યું હતું ને કે મને જરૂર વગરનું પ્રમોશન આપે છે. એના લીધે મારી સેલેરી માં કાંપ મૂકી દીધો તારા ડેડી એ. હું તને છોડીશ નહીં." અમન ગુસ્સામાં ધુઆપુઆ થઈ ગયો હતો.

તે મને ધમકી આપવા લાગ્યો હતો. આથી મેં ફરીથી માફી માંગી અને મને છોડી દેવા માટે કહેવા લાગ્યો પણ અમન મને ખેંચીને છતની કિનારી પાસે લઈ આવ્યો અને મને કોલરથી પકડીને કિનારી પરથી બીજી બાજુ નમાવી દીધો. છત પર પાળ પણ ન હોવાથી હું વીસ માળ ઊંચી બિલ્ડિંગની ટોચ પરથી અમનના સહારે લટકી રહ્યો હતો. અમન મને સોરી બોલવા માટે કહેવા લાગ્યો. મેં ફરી પાછી માફી માંગી અને લગભગ પંદરેક વખત મેં અમનની માફી માંગી અને ડેડી પાસે એની સેલેરી વધારવાનું વચન આપ્યું.

અમન આ સાંભળી ખુશ થઈ ગયો અને મને પાછો છત પર ખેંચવા ગયો ત્યાં એના હાથમાં રહેલ મારા શર્ટનો કોલર ફાટી ગયો અને હું જોરદાર ચીસ સાથે નીચે પડી ગયો અને અમનના હાથમાં ફક્ત મારા શર્ટનો કોલર જ રહી ગયો.

***********

વધુ આવતા અંકે