કલાકાર ભાગ – 14
લેખક – મેર મેહુલ
“કૉફી કે ચા ?” અક્ષયે પુછ્યું, “શું ચાલશે ?”
“ઑફકોર્સ કૉફી” પલ્લવીએ હસીને કહ્યું, “કૉફી વિથ A.K.”
અક્ષયે સ્માઈલ કરી, આગળ જતાં એક કેફે નજરે ચડ્યો એટલે અર્ટિગા સાઈડમાં પાર્ક કરીને બંને કેફમાં ગયા.
“વાત છે ચાર વર્ષ પહેલાંની.. .” અક્ષયે આંખો બંધ કરીને વાત શરૂ કરી.
“હું દુબઈથી પરત ફરતો હતો, મેહુલસરનો હુકમ હતો કે હું તાત્કાલિક વડોદરા આવું. હું ‘સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ, અમદાવાદ’ માંથી બહાર નીકળ્યો એટલે સરનાં કૉલ શરૂ થઈ ગયાં. હું થાકેલો હતો એટલે મેં કૉલ એવોઇડ કર્યા. સરે મને લેવા માટે ગાડી મોકલી હતી. અમે અમદાવાદનાં ઉત્તર તરફના છેડે હતા, CTM થી સરે એક બોક્સ લેવાં કહ્યું હતું, જેને કારણે ડ્રાઇવરે સિટીમાંથી ગાડી ચલાવી.
ચોમાસાની ઋતુ હતી એટલે ઘીમાં છાંટે વરસાદ શરૂ થઈ ગયો હતો. હું ગાડીમાં બેસીને નિરાંતે સુઈ ગયો. ડ્રાઇવરે CTM ગાડી રોકીને બોક્સ લીધું એટલી વારમાં વરસાદ મોટા છાંટે શરૂ થઇ ગયો. મેં ફરી આંખો બંધ કરી દીધી. અમે થોડે જ આગળ પહોંચ્યા હશું ત્યાં ડ્રાઇવરે અચાનક જોરથી બ્રેક મારી. હું સૂતો હતો એટલે મારું માથું આગળની સીટ સાથે અથડાતાં સહેજ રહી ગયું. સમય રહેતાં મારો હાથ સીટ પર પડી ગયો.
“ઓ બેન, જોઈને ચાલો” ડ્રાઈવરે ગુસ્સામાં કહ્યું.
“સૉરી..સૉરી..સૉરી” હું બેઠો હતો એ દરવાજા પાસે આવીને એ બોલી, “મારે વડોદરા જવું છે અને કોઈ વાહન નથી રોકતું, પ્લીઝ મને લિફ્ટ આપી દો”
મારું ધ્યાન તેની વાતો પર હતું જ નહિં. હું તો તેને નિહાળવામાં વ્યસ્ત હતો. એ વરસાદમાં પલળી ગઈ હતી, જેનાં કારણે તેનાં ખુલ્લાં વાળ ખભા સાથે ચોંટી ગયાં હતાં. તેણે પહેરેલો સ્કાય બ્લ્યુ ડ્રેસ પણ તેનાં શરીર સાથે જોડાય ગયો હતો. પહેલાં મારી સાથે આવું કોઈ દિવસ નહોતું બન્યું. હું પ્રેમ નામનાં શબ્દોથી અજાણ હતો, અભણ હતો.
“મને લિફ્ટ મળશે ?” તેણે ફરી કહ્યું.
“શ્યોર” મેં સ્માઈલ કરીને દરવાજો ખોલ્યો.
“થેંક્યુ સો મચ” અંદર આવતાં તેણે કહ્યું.
“એક્ચ્યુઅલી, હું અહીં મારી બેન સાથે આવી હતી. તેને ઇમરજન્સી આવી ગઈ એટલે એ જતી રહી અને હું અહીં ફસાઈ ગઈ. મેં દીદીને કહ્યું હતું થોડીવાર મારી રાહ જુએ પણ એ ના સમજી” તેનો અવાજ મીઠો હતો. ગુલાબજાંબુનને ચાસણીમાં બોલીને મોંમાં રાખીએને જેટલું મીઠુ લાગે એટલો મીઠો. મારો થાક તેને જોઈને જ ઉતરી ગયો હતો પણ છેલ્લી રાતે હું સૂતો નહોતો એટલે આંખો ઘેરાતી હતી. એ શું બોલતી હતી એમાં મારું ધ્યાન નહોતું. હું તો તેની વાતોમાં હામી ભરતો હતો.
“બાય ધ વૅ, આઈ એમ આરાધના” તેણે મારા તરફ હાથ લંબાવીને કહ્યું.
“અક્ષય” એનાં મુલાયમ હાથ મેં મારો હાથ સોંપી દીધો.
“અક્ષય, નાઇસ નેઇમ. આઈ લાઈક યોર નેમ” તેણે કહ્યું.
“થેંક્યું” મેં લાંબા લહેકા સાથે કહ્યું.
“તું બીમાર છે ?” તેણે પુછ્યું.
“ના, કેમ પૂછ્યું ?” મને તેની સાથે વાતો કરવામાં મજા આવતી હતી. એ સામેથી બધી વાતો પુછતી હતી.
“ આંખો પરથી લાગ્યુ” તેણે કહ્યું.
હું જવાબ આપું એ પહેલાં મારો ફોન રણક્યો. મેહુલસર કૉલ પર કૉલ કરતાં હતાં. મેં ફોનને મ્યુટ મોડ પર રાખી બાજુમાં રાખી દીધો.
“કાલે રાત્રે હું સૂતો નહોતો એટલે” તેનાં તરફ જોઈને મેં જવાબ આપ્યો.
“ઇટ્સ ઓકે, ઘરવાળીનો કૉલ હોય તો રિસીવ કરી લે” એ હોઠોમાં હસતી હતી. મેં નકારમાં માથું ધુણાવ્યું, “હજી લગ્ન નથી થયા”
“તો પછી રાતે જાગીને શું કામ કરતો હતો” એ હસવા લાગી. હું પણ હસી પડ્યો.
“સારું, તું આરામ કર. હું સોંગ સાંભળું છું” તેણે ખોળામાં રાખેલાં નાના બેગમાંથી ઈયરફોન કાઢીને કાનમાં ચડાવ્યાં. વરસાદની છાંટ અડર આવતી હતી, મેં મારી બાજુનો કાચ ઉપર કરી દીધો. તેનાં તરફ ચહેરો ટેકવી મેં સુવાનું નાટક કર્યું. મારી આંખોમાં ઊંઘ દેખાય આવતી હતી પણ મને સુવાની જરાય ઈચ્છા નહોતી. પહેલીવાર કોઈ છોકરી પ્રત્યે લાગણીનો અનુભવ થતો હતો. આવી સ્થિતિમાં શું કરવું એ મને નહોતું સમજાતું. હું તેને ઝીણી આંખોએ જોતો હતો. તેણે દરવાજા પર હડપચી ટેકવી હતી. મારે તેની સાથે વાત કરવી હતી પણ કેવી રીતે શરૂઆત કરું એ મને સમજાતું નહોતું. થોડીવાર મેં તેની રાહ જોઈ પણ તેણે મારા તરફ ધ્યાન ન આપ્યું એટલે આપોઆપ મારી આંખો બંધ થઈ ગઈ.
મારી આંખો ખુલ્લી ત્યારે વડોદરા આવી ગયું હતું. ડ્રાઇવરે મને ઢંઢોળ્યો હતો.
“પેલી છોકરી ક્યાં ગઈ” મેં બાજુમાં નજર કરી ત્યારે એ બાજુમાં નહોતી.
“વડોદરામાં એન્ટર થયાં ત્યાં જ એ ઉતરી ગઈ અને તમને થેંક્યું કહેવાનું કહ્યું હતું” ડ્રાઇવરે કહ્યું.
“તે મને કેમ ના જગાડ્યો ?” મેં ઉદાસી ભર્યા અવાજે કહ્યું.
“મેડમે જ મને ના પાડી હતી”
“ઠીક” મારાં ખભા ઝૂકી ગયાં. આટલી સુંદર છોકરી બાજુમાં બેઠી હતી અને હું સુઈ ગયો હતો. મને મારી જાત પર ગુસ્સો આવતો હતો. પોતાની જાતને કોસતો કોસતો હું ઓફિસમાં ઘૂસ્યો.
“કૉલ કેમ રિસીવ નહોતો કરતો ?” હું અંદર પ્રવેશ્યો એટલે મેહુલસર મારી પર ત્રાટુકયા.
“સૉરી, હું થાકી ગયો હતો એટલે ઊંઘ આવી ગઈ” મેં કહ્યું.
“પેલું બોક્સ ક્યાં છે ?” મેહુલસરે પુછ્યું.
“ડ્રાઇવર નથી આપી ગયો ?” મેં પુછ્યું. બોક્સ વિશે મને કોઈ જાણ નહોતી.
“ના”
મેં ડ્રાઇવરને ફોન કરવા પોકેટમાં હાથ નાંખ્યો.
“ફોન અને બોક્સ બંને કારમાં રહી ગયું લાગે છે” મેં પોકેટ ફંફોળતા કહ્યું. મેહુલસરે અણગમા સાથે ડ્રાઇવરને કૉલ લગાવી મોબાઈલ મારાં હાથમાં આપ્યો.
“પેલું બોક્સ અને મારો મોબાઈલ કારમાં રહી ગયા છે, અંદર આપી જા” મેં કહ્યું.
“તમે નથી લઈ ગયા ?” ડ્રાઇવરે કહ્યું, “હું કારની સફાઈ કરું છું અને કારમાં કંઈ જ નથી”
“શું ?” મને ઝટકો લાગ્યો. ડ્રાઇવર ચૂપ રહ્યો. છેલ્લે મારાં હાથમાં મોબાઈલ ક્યારે હતો એ મેં યાદ કર્યું. હું જ્યારે આરાધના સાથે વાત કરતો હતો ત્યારે મેહુલસરનો કૉલ આવ્યો હતો અને મેં મ્યુટ કરીને બાજુમાં રાખ્યો હતો. મેં ફરી પોકેટમાં હાથ નાંખ્યો, મારું વોલેટ પણ ગાયબ હતું.
“ઓહહ શીટ” હું સમજી ગયો, “પેલી છોકરી ચોર હતી”
“કોણ છોકરી ?” મેહુલસરે પુછ્યું.
“અમદાવાદથી એક છોકરીને લિફ્ટ આપી હતી” મેં સંકોચ સાથે કહ્યું.
“એ બોક્સમાં શું હતું એ ખબર છે તને?” મેહુલસર ખારાં થઈ ગયા, “ ત્રણ કેસની ફાઇલ હતી એમાં”
“હું થોડીવારમાં જ તેને શોધીને ફાઇલ તમારાં હાથમાં આપું છું” ડ્રાઇવરને ફરી કૉલ લગાવી મેં કહ્યું.
“ગાડી કાઢ, આપણે બહાર જવાનું છે” મેં ઉતાવળથી કહ્યું. નીકળતાં સમયે મેં મેહુલસર તરફ નજર કરી, તેઓ ગુસ્સામાં જણાતાં હતાં. પહેલાં જ્યારે તેઓ ગુસ્સે થતાં ત્યારે હું તેને સમજાવી લેતો પણ અત્યારે ભૂલ મારી હતી, ખાસ કરીને મેં એક છોકરીને લિફ્ટ આપી હતી અને તે ચોર નીકળી હતી. મેહુલસર સાથે નજર ચુરાવી બહાર નીકળી ગયો.
“પેલી છોકરીને ક્યાં ઉતારી હતી ?” ડ્રાઇવરની બાજુની સીટમાં બેસતાં મેં પુછ્યું.
“કેમ શું થયું સાહેબ ?”
“એ ચોર હતી, મારો માબાઇલ, પર્સ અને પેલું બોક્સ ચોરી લીધું તેણે” મેં કહ્યું, “તારું ધ્યાન ક્યાં હતું ત્યારે ?”
“મને શું ખબર હતી એ ચોરી કરવાની હશે, કારણ વગર તો તેનાં પર નજર ના નખાયને ?”
ડ્રાઇવરની વાત સાચી હતી, તેણે સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે એક છોકરી દિવસનાં અજવાળામાં ચોરી કરશે.
“એ વાત પણ સાચી છે” મેં કહ્યું, “તે એને જ્યાં ઉતારી હતી ત્યાં મને લઈ જા અને તારો ફોન આપ”
ડ્રાઇવરે ફોન આપ્યો એટલે મેં મારા ફોનમાં કૉલ લગાવ્યો. રિંગ વાગતી હતી પણ કૉલ રિસીવ નહોતો થતો. મેં ઘણી કોશિશ કરી પણ એકેય કૉલ રિસીવ ન થયાં.
ડ્રાઇવરે પંદર મિનિટમાં જે જગ્યાએ એ છોકરીને ઉતારી હતી ત્યાં ગાડી પહોંચાડી દીધી. ઉતરીને મેં આમ તેમ નજર કરી પણ કોઈ દેખાયું નહિ. છોકરી જે જગ્યાએ ઉતરી હતી એ વડોદરાથી થોડે દુર સૂમસામ જગ્યા હતી.
“ક્યાં ગઈ ?” હું બબડ્યો. એક રીતે મારે મારી વસ્તુ જોઈતી હતી અને બીજીરીતે હું તેને મળવા ઉત્સુક હતો. તેણે મારાં સ્યુટનાં પોકેટમાંથી પર્સ ચોરી કર્યું હતું. હું તેની આ ચાલાકી પર આફરીન થઈ ગયો હતો.
“સાહેબ, એને કલાક થવા આવી. હવે તો એ ક્યાંય નીકળી ગઈ હશે” ડ્રાઇવરે કહ્યું, “તમારાં ફોનનું લોકેશન ટ્રેક કરાવો”
“CID વાળા સાથે રહીને તારું પણ દિમાગ કામ કરવા લાગ્યું છે” મેં હસીને કહ્યું. મેહુલસરને કૉલ કરી મેં ફોનનું લોકેશન ટ્રેક કરવા કહ્યું.
“ચાલ, હવે એ નહિ મળે” ગાડીમાં બેસતાં મેં કહ્યું. ડ્રાઇવરે ગાડી ચલાવી. ગાડી થોડે આગળ ચાલી ત્યાં સામે એક છોકરી હાથ ઊંચો કરીને ઉભી હતી. ડ્રાઇવરે તેની પાસે ગાડી ઉભી રાખી. એ આરાધના જ હતી. મારી સામે જોઇને સ્માઈલ કરતી હતી.
(ક્રમશઃ)
આરાધના શું કરી રહી હતી ?, તેણે ચોરી કરી હશે કે અક્ષયની ભૂલ થઈ હશે ?, આરાધાનને મળીને અક્ષય કેવું રીએક્શન આપશે ?, શું થશે આગળ ?
નવલકથા કેવી લાગે છે તેનાં મંતવ્યો અચૂક આપજો જેથી આગળ લખવાની પ્રેરણા મળી રહે. શેર કરવા યોગ્ય લાગે તો નવલકથાની લિંક શેર પણ કરજો. મારી અન્ય નવલકથા સફરમાં મળેલ હમસફર ભાગ – 1 – 2, વિકૃતિ, જૉકર, ભીંજાયેલો પ્રેમ વગેરે મારી પ્રોફાઇલમાં છે જ સમય મળે તો એ પણ વાંચજો. આભાર.
- મેર મેહુલ
Contact info.
Whatsapp No. – 9624755226
Instagram - mermehul2898