વેધ ભરમ્ ‌- 16 hiren bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વેધ ભરમ્ ‌- 16

રિષભે ફ્લેટની ડોરબેલ વગાડી એક મિનિટ પછી દરવાજો ખુલ્યો. દરવાજો ખુલતા જ સામે ઊભેલી સ્ત્રીને જોઇને રિષભ ચોંકી ગયો. તેને થોડીવાર તો પોતાની આંખ પર વિશ્વાસ ના થયો. પણ પછી વાસ્તવિકતા સમજાતા જ તે બોલી ઊઠ્યો “અરે અનેરી તું અહીં ક્યાથી?”

સામે અનેરીની હાલત પણ એવી જ હતી તે પણ રિષભને જોઇને આશ્ચર્ય ચકિત થઇ ગઇ હતી. તે બોલી “આ મારુ જ ઘર છે. તું અહી કેમ પહોંચી ગયો?”

“હવે અંદર આવવા દઇશ કે બધી જ વાતો અહીં જ કરવી છે.”

આ સાંભળી અનેરી બાજુ ખસી અને બોલી “અરે આવને તને જોઇને હું તો ભૂલી જ ગઇ કે તુ બહાર જ ઊભો છે.”

રિષભ ઘરમાં દાખલ થયો અને સામે પડેલા સોફા પર બેઠો. એકદમ લક્ઝુરીયસ ફ્લેટ હતો. ઘરનુ ઇન્ટિરિયર જોઇને જ રિષભે અનેરીની આર્થિક સ્થિતિનો અંદાજ લગાવી લીધો હતો. આમ પણ આ એરીયામાં ફ્લેટના ભાવ પણ ખૂબ ઊંચા હતા એટલે સામાન્ય માણસ તો અહીં ફ્લેટ ખરીદી શકે જ નહીં. રિષભ હજુ આ વિચારમાં ખોવાયેલો હતો ત્યાં અનેરી પાણી લઇને આવી એટલે રિષભે કહ્યું “મને આશા નહોતી કે તું જિંદગીમાં બીજી વાર મને મળીશ.” આ સાંભળી અનેરી હસી પણ તે હાસ્ય નેચરલ નહોતુ. રિષભે પાણી પીધુ એટલે અનેરીએ કહ્યું “બોલ હવે શું લઇશ ચા, કોફી કે ઠંડુ?” આ સાંભળી રિષભે કહ્યું “કંઇ નથી પીવુ બેસ અહીં. વાત કરવી છે.” આ સાંભળી અનેરી સામેના સોફા પર બેઠી એટલે રિષભે કહ્યું “જ્યારે શિવાનીએ અનેરી નામ કહ્યુ હતુ ત્યારે એક ક્ષણ મને તારી યાદ આવી હતી પણ પછી મે વિચાર્યુ કે તું અહી કયાથી હોય. આ એક સુખદ અકસ્માત છે કે તુ મારી સામે બેઠી છો.”

આ સાંભળી અનેરીના ચહેરા પર સ્માઇલ આવી ગયુ અને તે બોલી “હા તને જોઇને મને પણ એવુ જ થયેલુ કે મારી ભૂલ થાય છે. તુ અહી ક્યાંથી હોય?”

ત્યારબાદ થોડીવાર કોઇ કંઇ બોલ્યુ નહીં. બંને વાતની શરુઆત કયાંથી કરવી તે વિશે વિચારતા હતા. બંનેને ઘણું કહેવુ હતુ પણ કોઇ શરુઆત કરી શકતુ નહોતુ. આજે વર્ષો પછી બંને મળ્યા હતા. તેને લીધે બંને વચ્ચે એક અદ્રશ્ય અંતર હતુ. બંનેને ઘણી વાત કરવી હતી પણ તેના માટે જીભ ઉપડતી નહોતી. રિષભે મનોમન ઘણીવાર અનેરી સાથે વાતો કરેલી અને પ્રશ્નો પૂછ્યા હતા પણ અત્યારે હકીકતમાં તે સામે બેઠી છે તો જાણે તે પ્રશ્નો ગાયબ થઇ ગયા હતા. વર્ષોથી જે ક્ષણની રાહ જોઇ હતી તે અચાનક એવી રીતે સામે આવી ગઇ હતી કે શુ કહેવુ અને કેવી રીતે કહેવુ તે સમજાતુ નહોતુ. જોકે આ ક્ષણ માટે રિષભે ધણુ વિચાર્યુ હતુ. તે ઘણી ખરીખોટી કહેવા માંગતો હતો પણ જે હાલતમાં અનેરીને મળ્યો હતો તે તેને આ બધુ કહેવા રોકતુ હતુ. કેટલા વર્ષોથી અનેરી પ્રત્યે અંદર ભરેલી નફરત અનેરીને જોતા જ વરાળ થઇ ગઇ હતી. બંને એકબીજાને જોતા જ બેસી રહ્યા હતા. તે બંને છુટા પડ્યા તેને વર્ષો વિતી ગયા હતા પણ અત્યારે બંનેને એવુ લાગતુ હતુ કે જાણે હજુ કાલે જ તે બંને છુટા પડ્યા હોય. બંનેની મનોસ્થિતિ અત્યારે એવી હતી કે કહેવા અને પુછવા માટે ઘણુ બધુ હતુ પણ શરુઆત કોણ કરે તે પ્રશ્ન હતો. થોડીવાર એમ જ મૌન ક્ષણો પસાર થઇ ગઇ એટલે રિષભે તેની ડ્યુટીથી વાતની શરુઆત કરી “મને શિવાની પાસેથી ખબર પડી કે તારા પતિ બે વર્ષથી લાપતા છે. તે પણ તે જ ફાર્મહાઉસ પરથી લાપતા થયા છે જયાં દર્શનનું ખૂન થયુ છે.”

આ સાંભળી અનેરી જાણે સ્વપ્નમાંથી પાછી ફરી હોય તેમ બોલી “હા, તેના ગયાને લગભગ બે વર્ષ થઇ ગયા. હવે તો મને એવુ લાગે છે કે તે જ મને છોડીને ચાલ્યા ગયા છે. કેમકે અત્યાર સુધીમાં મને તેના વિશે કોઇ ખબર મળી નથી.”

આ બોલતા અનેરીની આંખોમાં ભીનાશ આવી ગઇ પણ તેણે તરતજ કંટ્રોલ કરી લીધો. આ સાંભળી રિષભે કહ્યું “જો તને કોઇ પ્રોબ્લેમ ન હોય તો મારે તે કઇ રીતે લાપતા થયા છે તે વિગતવાર જાણવુ છે.”

આ સાંભળી અનેરીએ કહ્યું “મને શું પ્રોબ્લેમ હોય? આ વાત તો આમપણ મે એટલા માણસોને કહી છે કે હવે મારા મોઢે થઇ ગઇ છે. પણ હવે મને નથી લાગતુ કે તે પાછા આવે. મે તેને શોધવા ઘણાં પ્રયત્ન કર્યા પણ હવે મે આશા છોડી દીધી છે.”

આ બોલતી વખતે અનેરીની આંખોમાં એક પીડા હતી. રિષભને આ પીડા દેખાઇ પણ તે સમજી ના શક્યો કે આ પીડા તેના પતિના ગુમ થવાની હતી કે તેની એકલતાની હતી. આમ તો અનેરીએ રિષભ સાથે જે કર્યુ તે પછી રિષભે તેના પર ખૂબ ગુસ્સો આવ્યો હતો. રિષભ અત્યાર સુધી તેને નફરત કરતો હતો અને મનોમન અનેરી દુઃખી થાય એવુ ઇચ્છતો હતો. અનેરીને મળતા જ તેની નફરત કોણ જાણે કેમ ગાયબ થઇ ગઇ હતી. અત્યારે રિષભે જાણ્યુ કે અનેરી દુઃખી છે તો રિષભને પણ દુઃખ થયુ. આ લાગણી રિષભને પણ સમજાતી નહોતી. અત્યારે તો કોઇ પણ ભોગે તે અનેરીનુ દુઃખ દૂર કરવા માગતો હતો.

“તુ મને બધી વાત કર. હું મારી તમામ તાકાત લગાવીશ તેને શોધવા માટે.” રિષભે સહાનુભૂતિ દર્શાવતા કહ્યું.

આ સાંભળી અનેરીના ચહેરા પર સ્મિત આવી ગયુ. આ સ્મિતમા રિષભને કટાક્ષ દેખાતો હતો જાણે તે કહેતી હોય કે આ બે વર્ષમાં કંઇ ના મળ્યુ તો હવે તું શુ શોધી શકવાનો. આ જોઇ રિષભને જવાબ દેવાનુ મન થયુ પણ તે કંઇ બોલ્યો નહીં.

અનેરીએ વાત કરવાની શરુઆત કરતા કહ્યું “મારા પતિ વિકાસની આઇ.ટી કંપની હતી. જે અમે બંને સાથે ચલાવતા હતા. અમે બંને આઇ.ટી એન્જીનીયર છીએ. આ વાત લગભગ બે વર્ષ પહેલાની છે. અમારા મેરેજને ચાર પાંચ મહીના જેવો સમય થયો હતો. એક વિકએન્ડમાં વિકાસ થાક દૂર કરવા માટે કોઇ સારા રિસોર્ટમાં જવા માંગતો હતો. અમે બંનેએ નક્કી કર્યુ કે સાપુતારા કે કોઇ સારા રિસોર્ટમાં જઇએ. મે વિકાસને બુકીંગ કરવવાનુ કહ્યું પણ, વિકાસે કહ્યું કોઇ બુકીંગ કરવુ નથી એમ જ જવુ છે અને જ્યાં ગમે ત્યાં રહીશુ. કોઇપણ પ્રિપ્લાન્ડ વગરનુ રખડવુ છે. વિકાસનો આ શોખ હતો તેને બુકિંગ અને પ્લાન કરીને ફરવુ ક્યારેય પસંદ ના પડતુ તે કહેતો રખડવાની મજા તો તો જ આવે જોઇ કંઇક સરપ્રાઇઝ હોય. બધુ જ પ્રિ-પ્લાન્ડ હોય તો તે પ્રવાસની મજા જતી રહે છે. અમે બંને શુક્રવારે નિકળવાના હતા. ત્યાં અચાનક અમારા એક ક્લાયન્ટનો ફોન આવ્યો અને તેણે કહ્યું કે હું તમને શુક્રવારે મળવા આવીશ. તે ક્લાયન્ટ ચેન્નઇથી આવતા હતા. તે બે દિવસ અહીં રોકાયા. તેના આવવાને લીધે અમારો પ્લાન બગડી ગયો. તેને લીધે મારો મૂડ થોડો ખરાબ થઇ ગયો હતો. શનિવારે પેલા ક્લાયન્ટ ગયા પછી વિકાસે મને કહ્યું “ચાલ હવે નજીકમાં જ ક્યાંક જઇએ.”

પણ હવે મારો મૂડ નહોતો એટલે મે કહ્યું “હવે ક્યાં જઇશું? મારે હવે સુરતની બહાર કશે જવુ નથી.” આ સાંભળી વિકાસને કંઇક વિચાર આવ્યો અને તેણે દર્શનને ફોન કર્યો. ફોન મુકી તેણે મને કહ્યું “ ચાલ તારે સુરતની બહાર નથી જવુને. મે એવો બંદોબસ્ત કરી દીધો છે કે સુરતની બહાર પણ ન જવુ પડે અને આપણને રિસોર્ટ જેવુ વાતાવરણ પણ મળે. ચાલ જલદી તૈયાર થઇ જા.”

મારો મૂડ તો નહોતો પણ વિકાસનો ઉત્સાહ જોઇ હું કંઇ બોલી નહી. અમે બંને તૈયાર થયા અને કારમાં બેઠા એટલે વિકાસે કહ્યું “ચાલ આપણે દર્શનના ફાર્મ હાઉસ પર જવાનુ છે.”

અમે પહેલા કંસાર હોટલમાં ગયા અને ત્યાથી જમવાનુ પાર્સલ કરાવ્યુ. ત્યારબાદ અમે ફાર્મહાઉસ પર પહોંચ્યા ત્યારે ત્યાં તેનો વૉચમેન હતો. પણ દર્શને તેને સૂચના આપી હતી એટલે તેણે અમને ફાર્મ હાઉસ બતાવ્યુ અને પછી તે જતો રહ્યો. તેના ગયા પછી અમે બંને ત્યાં ફ્રેસ થયા અને પછી મે ફાર્મ હાઉસના કિચનમાં બધી રસોઇ ગરમ કરી અને અમે બંને જમ્યાં. જમ્યા પછી અમે નીચે સ્વીમિંગ પૂલ પાસે રહેલા ગાર્ડનમાં જઇને બેઠા.. ત્યારબાદ અમે સ્વિમિંગપૂલમાં નહાયા અને પછી ફાર્મહાઉસની પાછળ દરીયામાં આવેલ ડૉક (દરીયા પર બનાવેલો લાકડાનો પૂલ) પર જઇ બેઠા બેઠા વાતો કરી. છેલ્લે અમે ઉપરના બેડરુમમાં ગયા અને ઊંધી ગયા. આ રાત્રી અમારા બંને માટે યાદગાર હતી. તે રાત્રે વિકાસ ખૂબ ખુશ હતા. હું સવારે ઊઠી તો વિકાસ બેડ પર નહોતા પણ તેનો મોબાઇલ ત્યાં ટેબલ પર પડેલો હતો. મને લાગ્યુ કે તે નીચે ગાર્ડનમાં હશે. હું નીચે ગઇ અને ગાર્ડનમા જોયુ તો ત્યાં પણ વિકાસ નહોતા. ત્યારબાદ હું આખા ફાર્મહાઉસમા ફરી વળી પણ વિકાસ ક્યાંય દેખાયા નહીં. મને લાગ્યુ કદાચ ક્યાંક બહાર ગયા હશે તો થોડીવારમાં આવી જશે. મે બે કલાક રાહ જોઇ છતા વિકાસ આવ્યા નહીં. મે ઓફિસ પર તપાસ કરી તો ત્યાં પણ તે નહોતા. ત્યારબાદ હું ઘરે ગઇ અને મે તેના બધા જ મિત્રો અને ઓળખીતાનો કોન્ટેક્ટ કરી તપાસ કરી પણ કોઇની પાસેથી માહિતી ના મળી. છેલ્લે મે પોલિસ કમ્પ્લેઇન કરી. પહેલા તો પોલિસે તપાસ કરવાનુ નાટક કર્યુ પણ પછી તો તે લોકોએ ચોખ્ખુ કહી દીધુ કે તમારા પતિનો કોઇ પતો નથી લાગતો. અમને કોઇ માહિતી મળશે તો અમે તમને જાણ કરીશું. દર્શને પણ મહેનત કરી હતી પણ કંઇ પરીણામ ન મળ્યુ.”

અનેરીએ વાત પૂરી કરી ત્યારે તેના ચહેરા પર અત્યાર સુધી ભોગવેલી યાતનાનો થાક દેખાતો હતો. રિષભ થોડીવાર ચૂપ રહ્યો અને પછીએ બોલ્યો “ જો કોઇએ તેનુ અપહરણ કર્યુ હોય તે તો શક્ય નથી કેમકે તો તો તે લોકોએ તોરો કોન્ટેક્ટ ફિરોતી માટે કર્યો હોત.” અને પછી થોડુ રોકાઇને રિષભે પુછ્યુ “વિકાસની કોઇ સાથે દુશ્મની હતી?” આ સાંભળી અનેરીએ કહ્યું “ના, બિઝનેસમાં કોમ્પીટીટર હતા પણ તેની સાથે પણ અમારા સંબંધ ખૂબ સારા હતા.” આ સાંભળી રિષભે થોડીવાર વિચાર કર્યો અને પછી પુછ્યું “તમે ફાર્મહાઉસ ગયા છો તે કોને કોને ખબર હતી?” આ સાંભળી અનેરી થોડીવાર વિચારમાં પડી ગઇ અને પછી બોલી “અત્યારે ચોક્ક્સ તો યાદ નથી પણ વિકાસે આ પ્લાન અચાનક બનાવ્યો હતો એટલે અમારા બંને સિવાય લગભગ એક દર્શનજ આ વાત જાણતો હતો.” આ સાંભળી રિષભને થોડી હતાશા થઇ કેમકે આ કેસના તપાસની પહેલી કડી જ દર્શન હતો અને તે હવે કોઇ જવાબ આપી શકે તેમ નહોતો.

“વિકાસ અને દર્શન વચ્ચે કેવા સંબંધો હતા? ક્યારેય કોઇ બાબતમાં તે બંને વચ્ચે પ્રોબ્લેમ થયેલો.” રિષભે પૂછ્યું.

“ના, તે બંને તો એકદમ ગાઢ મિત્રો હતા. દર્શનેજ વિકાસને આઇ.ટી કંપની ઊભી કરવામાં મદદ કરી હતી.” અનેરીએ કહ્યું. અને પછી બોલી “તુ આટલા વર્ષો પછી મળ્યો અને તે પણ કેવા સમયે. હવે બોલ શું પીવુ છે?”

“મારે કંઇ પીવુ નથી. હવે જો મારી વાત સાંભળ, આગળ જે થયુ તે ભૂલી જા. હવે હું અહી છું. તારા પતિને ગમે ત્યાંથી શોધી લાવીશ.” અને પછી ઊભો થતા બોલ્યો “ચાલ હવે હું નીકળુ છું ફરી પાછો મળીશ ત્યારે તારી ચા ટેસ્ટ કરીશ.” અને પછી ત્યાંથી બહાર નીકળ્યો. અનેરી તેને દરવાજા સુધી મૂકવા આવી. જતા જતા રિષભે કહ્યું “જો તને પ્રોબ્લેમ ન હોય તો હું તને ફરી પાછો મળીશ.”

“મારે પણ તને મળવુ છે. તું જ્યારે ફ્રી હોય ત્યારે આપણે મળીશું. અનેરીએ કહ્યું. રિષભને હજુ ઘણુ કહેવાનુ હતુ. ઢગલો વાતો અને અનેક પ્રશ્નો તેને પૂછવા હતા પણ અંદરથી કોઇક તેને રોકી રહ્યુ હતુ. જાણે કહેતુ હોય કે હવે આ અનેરી તારી અનેરી નથી રહી. હવે તે કોઇની પત્ની છે. તારી અનેરી વર્ષો પહેલા તને છોડી ગઇ હતી. આ યાદ આવતા જ વર્ષો પહેલાની યાદો ધક્કો મારીને ઉપર આવવા લાગી. આ યાદો ઉપર આવે તે પહેલા રિષભ અનેરીને બાય કહીને ત્યાંથી નીકળી ગયો. હવે તેને કોઇ કામ કરવાનો મૂડ નહોતો. વર્ષોથી જે યાદોને દબાવીને રાખી હતી, તે બધી કુદકો મારીને ઊભી થઇ ગઇ હતી. હવે આ યાદોને રોકી શકાય એમ નહોતી. આ બધી યાદો ફરીથી તેને ખેંચી લેવા માટે જોર કરી હતી. અને રિષભ પણ યાદોના મહાસાગરમાં ડૂબકી લગાવવા તૈયાર હતો. તે નીચે ગયો અને હેમલને કહ્યું “ચાલ હવે કામ કાલે કરીશું મને કવાર્ટર પર ઉતારી દે.” રિષભનો બદલાયેલો મૂડ જોઇ હેમલને નવાઇ લાગી પણ તેને સમજાઇ ગયુ હતુ કે હવે કોઇ કામની વાત નહીં થાય એટલે તે પણ ચૂપચાપ જીપમાં બેસી ગયો અને રિષભને તેના કવાર્ટર પર ઊતારી દીધો. રિષભ કવાર્ટર પર પહોચી, ચેન્જ કરી સીધો જ બેડ પર લાંબો થયો. આજે તે જમ્યો નહોતો પણ, હવે તેની ભૂખ મરી ગઇ હતી. હવે તેને ભુતકાળની યાદો ખેંચી રહી હતી. રિષભે પણ હવે કોઇ જાતના વિરોધ વિના મગજને તેના હવાલે કરી દીધુ અને યાદોના સમંદરમાં ડૂબકી મારી. એ સાથેજ તે આઠ વર્ષ પહેલાના ભુતકાળમાં પહોંચી ગયો.

--------------**********--------------***********-------------------**********-------------‌‌‌‌‌‌‌--

મિત્રો આ મારી ત્રીજી સસ્પેન્સ થ્રિલર નોવેલ છે. આ પહેલાની મારી બે નોવેલ “21મી સદીનું વેર” અને “વિષાદ યોગ” પણ સસ્પેન્સ થ્રિલર નોવેલ હતી. જો તમે આ નોવેલ હજુ સુધી ના વાંચી હોય તો તે તમે માતૃભારતી પરથી વાંચી શકો છો.

મિત્રો આ નોવેલ તમને કેવી લાગી છે તેનો પ્રતિભાવ મને મારા નીચે આપેલા વોટ્સએપ નંબર પર જરુરથી મોકલી આપશો. તમારા પ્રતિભાવ અને સલાહ સૂચન મારી નોવેલને વધુ સારી બનાવવા માટેની પ્રેરણા પૂરી પાડે છે. જો તમને આ નોવેલ ગમી હોય તો તમારા સ્નેહી મિત્રોને તે વાંચવા માટે ભલામણ કરજો.

--------------*****************------------***************------------*********---------------

HIREN K BHATT

MOBILE NO:-9426429160

EMAIL ID:-HIRENAMI.JND@GMAIL.COM