જીંગાના જલસા - ભાગ 1 Rajusir દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જીંગાના જલસા - ભાગ 1


પ્રિય વાચક મિત્રો આ મારું એક નવું સાહસ છે.એક પ્રવાસમાં બસનો કિલિન્ડર,આમ તો બસમાં કંડકટર હોય છે, પણ પ્રાઈવેટ બસના કંડક્ટર માટે ગામઠી શબ્દ કિલિન્ડર પ્રખ્યાત છે. આવા એક કિલિન્ડરની થોડી ખાટી-મીઠી રમૂજો સાથે પ્રવાસના અમુક સ્થળોની રજૂઆતો કરવા જઈ રહ્યો છું .મને આશા છે કે મારા આ સાહસને આપ સૌ વધાવીને મને પ્રેમ,હુંફ અને પ્રોત્સાહન પુરા પાડશો જ...


પ્રકરણ 1


રાતના અગિયાર વાગ્યે અમારી બસ ઉપડવાની હતી. અમે પ્રવાસનું નામ આપ્યું હતું "મિશનમસુરી". જે પંદર દિવસ અને સોળ રાત્રીનો પ્રવાસ હતો. જમવાનું બસ સંચાલક ઉપર હતું તેથી બસમાં અમારી સાથે રસોઈ માટે ત્રણ મહિલા મંછાબેન, હંસાબેન તથા વખતીબેન. બસ સંચાલક ભગતબાપા અને ડ્રાઇવર એમનો દીકરો વિજય. બસના કિલિન્ડર તરીકે હતો જીંગો.એનું સાચું નામ શું હતું એ તો હજી સુધી અમને ખબર નથી.પણ જીંગો જ નામ અમારા માનસ પટ પર હજુ સુધી કોતરાયેલ છે.

આ જીંગાનો આછેરો પરિચય આપુ. વાળ સિવડીના પૂંછડીના વાળની જેમ ઊભા, માથું જોતાં આપણને સેરો( કાટા વાળુ પ્રાણી જે આખું ગોળ દળા જેવું લાગે પણ પકડો તો કાટા લાગે એવું) જેવું લાગે,કપડાનો કલર ઓળખી ન શકાય એટલો મેલો.તમાકુ ખાઈ ખાઈને દાંત હોઠ જેવા રંગના થઈ ગયા હતા.હાથ-પગ પર મેલના ભીંગડા વળી ગયેલા. ખબર નહીં છેલ્લે ક્યારે નહ્યો હશે. વિજયભાઈને પૂછ્યું કે આ નંગ તમને ક્યાંથી મળ્યો? તો કહે:"એ પછી કહીશ,પણ કામ નો એકો છે અને મનનો ચોખ્ખો છે".

બરાબર 10:30 વાગ્યે બધા બસમાં બેસવા લાગ્યા. હું પ્રવાસ લીડર હોવાથી મારે કેબિનમાં બેસવાનું હતું.રસોઈ માટેનું રાસન બસની ઉપર ચડાવ્યું.તેલ, ગેસનો સિલિન્ડર,ચૂલો જેવી વસ્તુઓ બસની ડીકીમાં રાખવામાં આવી.બસની કેબિનમાં હું, રસોડાનું મહિલા મંડળ, ભગતબાપા અને જીંગો ગોઠવાયા.

ગંગાજળીયા મહાદેવની જય બોલાવી બસને વિજયભાઈએ ગાંધીનગરના રસ્તે રવાના કરી.

રાત્રિના ત્રણ વાગ્યાની આસપાસ લીમડી પાસે એક હોટલમાં બસ ઉભી રાખી.બસ ઊભી રહી એટલે જીંગાભાઈ સીધા બસની અંદર જઈને બોલ્યા; "ચાલો દસ મિનિટનો ચા પાણીનો વોલ્ટ છે.ફટાફટ નીચે જઈ ચા પાણી કરી ઉપર આવી જજો".

થોડા ઘણા મિત્રો જાગતા હતા એ નીચે ઉતરવા લાગ્યા. જીંગાભાઇ સુતા હતા એમને ઉઠાડીને પૂછે "ભાઈ તારે ચા-પાણી પીવા છે, ટોયલેટ જવું છે."ભાઈ કહે ના નથી જવું તો પાછા જીંગાભાઈ બોલે; "તો સૂઈ જા ભાઈ તારું નીચે કંઈ કામ નથી."

આ જોઈને મારાથી બોલાઈ ગયું કે "જીંગા સુવા દેને બધાને. શું કામ નીંદર બગાડે છે ખોટેખોટી?"

"રાજુભાઈ તમને ખબર ન હોય!હજુ બસ ચાલુ કરીશું અને માંડ ટોપ ગિયરમાં પડશે ત્યાં આવશે અને બોલશે;મારે ટોયલેટ જવું છે બસ ઊભી રાખો! એના કરતાં અત્યારે પૂછવું સારું".

લે બોલો હવે આ અમને 16 રાત સૂવા દેશે કે કેમ? મને મનોમન પ્રશ્ન થયો અને થોડા હાસ્ય સાથે બસ નીચે ઊતર્યો.

ડિસેમ્બરની 15 તારીખ એટલે ઠંડી પુષ્કળ હતી. સ્વેટર,મફલર અને હાથ મોઝા પહેર્યા હતા તો પણ ઠંડીથી ધ્રુજારી ચડી જતી હતી.એટલે ગરમ ગરમ ચા પીને ઠંડી ઓછી થશે એવી ઈચ્છા જોર કરતી હતી.આમેય ત્યારે ખિસ્સામાં ભાર પણ ઓછો હતો પણ તોયે મન ચા પીવાનું કહેતું હતું.એટલે હું પણ બધા સાથે ચાની લિજ્જત માણવા હોટેલ અંદર આવી ગયો.

ચા-પાણી પીને બધા બસમાં ચડવા લાગ્યા, ત્યાં જીંગાભાઈ તમાકુની પડીકી કાઢી અને આખી મોઢામાં ઠાલવી દીધી એ પણ ચૂના સાથે ચોર્યા વગર! એટલે મેં પૂછ્યું ;"જીંગા તમાકુને તો ચૂના સાથે મસળીને ખાવાની હોયને"!

"રાજુભાઈ હાથમાં ચૂનો અને તમાકુ મસળી એટલે હાથ ગંદા થાય અને વળી એને ધોવા જવું.આપણને એવા ગોબરવેળા પસંદ નથી એટલે આપણે ચૂના સાથે ચોર્યા વગર જ ખાઈ લઈએ".

"વાહ સ્વચ્છતાના આગ્રહી!હાલ હવે બસમાં બેસ નહીં તો વિજયભાઈ રાડો નાખશે".

પછી બસ ગાંધીનગર તરફ રવાના થઈ.સવારે સાત વાગ્યે ગાંધીનગરથી થોડે દુર વાસણીયા હનુમાનજીની જગ્યા છે ત્યાં બસ ઉભી રહી.

સવારે નાહવા - ધોવાનું અને ફ્રેશ થઈને નાસ્તો અહીં કરવાનો હતો. બધા નીચે ઉતર્યા. જીંગાભાઈ બસની ડેકીમાંથી સ્ટૂલ કાઢી કાચ સાફ કરવા લાગ્યા.

રસોઈયા નાસ્તા માટે પૌવાબટેકા બનાવવાની તૈયારી કરવા લાગ્યા.બધા પ્રવાસી મિત્રો નાહવા માટે અને ફ્રેશ થવા માંડ્યા.

થોડા વખતમાં નાસ્તો તૈયાર થઈ ગયો.જીંગાભાઈ બસનો આગળનો કાચ સાફ કરતા કરતા ઉપર સુધી પહોંચ્યા.કાચ ઉપર સુધી સાફ કરવા પોતાનો પગ બસના બોનેટ ઉપર લટકાવીને ઊંચો થઈને સાફ કરતો હતો,જ્યારે મંછાબેનને પૌવાબટેકા રાખવા સ્ટૂલની જરૂરિયાત ઊભી થતાં તે સ્ટૂલ લાવ્યા.કાચ સાફ થઈ જતા જીંગાભાઈ નીચે જોયા વગર પગ સ્ટૂલ પર મૂકવા ગયા,પણ સ્ટૂલ તો ત્યાં હતું નહીં. પછી શું? જિગાભાઇ આવ્યા ઉંધા માથે નીચે. જોરદાર ભફાકો સંભળાયો એટલે બધા દોડીને ત્યાં આવ્યા."શું થયું જીંગા"? ભગત બાપા જીંગાને ઉભો કરતા બોલ્યા.

"શું શું થયું? સ્ટૂલ કોણ લઇ ગયું"?

"અરે એ તો હું આ પૌવાબટેકા રાખવા લાવીશું".

"પણ તારો ડોહો કહેવાય તો ખરાને કે સ્ટૂલ લઇ જાઉં છું એમ. સવાર સવારમાં મારું ઢીંઢુ ભાંગી નાખ્યું મંછાળી."

ભગતબાપા એ માંડ માંડ જીંગાને શાંત પાડ્યો.

બધા નાસ્તો કરી ગાંધીનગર -માણસા હાઈવે પર આવેલ વાસણીયા હનુમાનજીના દર્શન કરવા ગયા. જગ્યામાં પ્રવેશતા જ 51 ફૂટની હનુમાનજીની મૂર્તિ સીધી જ નજર સમક્ષ દેખાઈ આવે.આપણ મનને મોહિત કરી લે એવી સરસ રીતે બનાવવામાં આવી છે.મંદિરના પરિસરમાં રામાયણના વિવિધ પ્રસંગોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. સાથે સાથે બીજા દેવી-દેવતાઓની મૂર્તિઓ પણ બેસાડવામાં આવી છે.કોઈ અલૌકિક જગ્યામાં આવ્યા હોઈ એવું વાતાવરણ મનમોહક હતું.

આરતીનો સમય હોવાથી બધાએ આરતીનો લાભ લઇ હનુમાનજીની પ્રસાદી આરોગી.પાછા બધા જ બસમાં ગોઠવાયા અને બસ સીધી જ અક્ષરધામના દરવાજે ઊભી રહી. મેં ઘડિયાળમાં જોયું તો નવને પંદર થઈ હતી.

ગાંધીનગરના અક્ષરધામ મંદિર બાબતે અમને ત્યાંના ગાઈડે આપેલી માહિતી મુજબ 1970માં યોગીજી મહારાજે આ જગ્યા પર પ્રાર્થના કરીને કહ્યું હતું કે "અહીંયા એક ભવ્ય મંદિરનું નિર્માણ થશે" અને 1979માં પ્રમુખસ્વામી મહારાજે આ જગ્યા પર મંદિરનો શિલાન્યાસ કર્યો હતો.અંતે 23 એકર જમીનમાં ફેલાયેલો અક્ષરધામ મંદિર 1992 માં તૈયાર થયું. આ મંદિરનું બાંધકામમાં લોખંડનો બિલકુલ ઉપયોગ કરવામાં આવ્યો નથી. 108 ફૂટ ઊંચું બાંધકામ કરવામાં આવ્યું છે.૧૫ એકરમાં બગીચો ફેલાયેલ છે .મંદિરની એક તરફ સંસ્કૃતિના વિવિધ પાત્રો તથા ઘટનાઓનુ ચિત્ર અને મૂર્તિ સાથે પ્રદર્શન પણ ગોઠવવામાં આવ્યું છે. અહીંનો વોટરશો અદભુત છે.એક નજારો છે વોટર શો.અમે બધાએ અક્ષરધામમાં મૂર્તિ પ્રદર્શન નિહાળ્યું.વોટર શો નો સમય ન રહેતા એ નજારો જોવાનો રહી ગયો.પણ હા અક્ષરધામનાં નિજ મંદિરની મૂર્તિ મનમોહક અને દીપાયમાનન તથા તેજોમય લાગી.

લગભગ બે કલાક બાદ બધા ફરીથી બસમાં ગોઠવાયા અને વિઠ્ઠલભાઈ પટેલ વિધાનસભા ભવન જોવા માટે પહોંચ્યા.

ગુજરાતના વિધાનસભા ભવનથી કોણ પરિચિત ન હોય.માટે અહીં વધુ વિગત આપતો નથી.અમે અંદર વિધાનસભા ભવન જોયું.બપોરના ભોજનમાં રોટલી, શાક,સંભારો,દાળ - ભાત અને છાશ ખૂબ મજા કરતા કરતાં આરોગ્ય.ભોજન બાદ સીધા જ અંબાજી જવા રવાના થયા.

રસ્તામાં સૌરાષ્ટ્રમાં જેમ રોડ પર કુતરા રખડતા દેખાય એમ અંબાજી રોડ પર વાંદરા દેખાવા લાગ્યા.અને જીંગાભાઇ અને વાંદરાને છત્રીસની આંકડો,એમ કહોને કે જીંગાને વાંદરા સાથે બાપદાદાના વખતથી વેર.એટલે રસ્તામાં જ્યાં વાંદરી એના બચ્ચાં સાથે દેખાય એટલે એ જોસથી બોલે વિજયભાઈ...અને વિજયભાઈ બસ ધીમી પાડે એટલે જીંગો તરત જ ચાલતી બસમાંથી નીચે ઉતરે અને વાંદરીના બચ્ચાંને લઈને બસમાં ચડી જાય.દરવાજે ઉભો રહીને વાંદરીને એનું બચ્ચું દેખાડે એટલે વાંદરી પાછળ પાછળ દોડે...થડીવાર આવું કાર્ય બાદ બચ્ચાંને છોડી દે.

"જીંગા આવા અબોલ પ્રાણી સાથે આવું ન કરાય ભાઈ".

"રાજુભાઈ આ અબોલ પ્રાણી આપણી સળી કરે ત્યારે તમે બધા ક્યાં ખોવાય જાવ છો.ક્યારેક સમય મળે ત્યારે કહીશ કે આ અબોલ પ્રાણી આપણી કેવી પત્તર ઠોકી નાખે છે.અત્યારે શાંતિથી જોયા રાખો".

"હવે મારે શું જવાબ આપવો એ વિચારવાનું જ રહ્યું.ભલે ભાઈ મને કહેજે તારે આ વાંદરા હારે છત્રીસની આંકડો કેમ છે".

"હા ભાઈ આપણે ઘણાંય દિવસો સાથે રહેવાનું છે તો કેવું તો પડશે જ ને"!

સાંજના છ વાગ્યે અંબાજી મંદિરથી થોડે દૂર બસ પાર્ક કરી.બધા આરાસુરી અંબાજીમાતાના દર્શન કરવા નીકળ્યા.

બનાસકાંઠા જીલ્લાના દાંતા તાલુકામાં આવેલ અંબાજી મંદિર 51 શક્તિપીઠો પૈકીનું એક પરમ પવિત્ર શક્તિપીઠ છે.અંબાજીથી બે કિલોમીટર દૂર ગબ્બરની ગુફાઓ આવેલ છે,એવી માન્યતા પણ છે કે આ ગુફાઓ જ માતાજીની ઉત્પત્તિનું સ્થાન છે. દર ભાદરવી પુનમે અહીં વિશાળ મેળો ભરાય છે. અરવલ્લીની ગિરિમાળામાં આવેલા યાત્રાધામ દરિયાની સપાટીથી સોળસો ફૂટ ઉંચાઈ પર આવેલ છે.

મા આરાસુરી અંબાજી માતજીનાં દર્શન માટે લાખો ભાવિકો આવ્યા હતા.ચારેબાજુ જય અંબે, જય માતાજીના નાદ સંભળાવવા લાગ્યા.ભાવિકો દર્શન કરતા આગળ વધતા હતા.કોઈ કોઈ સુતા સૂતા તો કોઈ કોઈ ઉઘાડા પગની તો વળી કોઈ પગપાળા ચાલીને માતાના દર્શને આવ્યા હતા.આખું વાતાવરણ ભક્તિમય દેખાતું હતું.ખરેખર આવા ભક્તિમય વાતાવરણમાં મન પ્રફુલ્લિત બની ગયું. શ્રદ્ધાળુઓની મનની મનોકામના માં ભગવતી અંબિકા પૂર્ણ કરે છે, એવું સ્થાનિક લોકોનું કહેવું છે અને એ સાચું પણ હસે જ..તો જ આટલી ભીડ હોઈને ભક્તોની.અમે અંબાજી માતાની આરતીનો લાભ લઇ જીવનની ધન્યતા અનુભવી. બધા બસ તરફ પાછા આવ્યા.હવે ધર્મશાળા નક્કી કરવા ભગતબાપા અને જીંગાભાઈ નીકળ્યા.

લગભગ એક કલાક બાદ પાછા આવ્યા ત્યારે જીંગો ખૂબ હાંફતો હતો. અમે કારણ પૂછ્યું તો એ ભાઈ તો ખાલી હોઠ ફફડાવે રાખે અને હાથના ઈશારા કર્યા રાખે.

અંતે કંટાળીને ભગતબાપા બોલ્યા અમે સાત ધર્મશાળામાં તપાસ કરી.એકેયમાં મેળ પડતો નહોતો.આઠમી ધર્મશાળા તરફ જતા હતા ત્યારે એક કૂતરું જીંગાની પાછળ પાછળ આવતું હતું. એટલે જીંગાભાઇ ગુસ્સાથી બોલ્યા:" એકતો ધર્મશાળાનો મેળ પડતો નથી ને તું પાછળ-પાછળ ઉહકારા કરતું આવે છે".એમ બોલી કુતરાના મોઢા પર જોરદાર લાત મારી,પણ આ તો કુતરાની જાત! થોડીવાર ઊંહકારા કરતાં કરતાં ઊભું રહ્યું ને પછી જોસથી ભસવા લાગ્યું એટલે આજુબાજુમાંથી સાત-આઠ કુતરા આવી ગયા. જીંગાને એમ કે ચપ્પલનો ઘા કરીશ એટલે એ બધા જતા રહેશે.પણ થયું ઉલ્ટું. ચંપલનો ઘા કર્યો તો બધા સામે દોડ્યા.. જીંગોતો ઝડપથી પહેલી ધર્મશાળામાં અંદર જતો રહ્યો.હું પણ અંદર ગયો.અંદર જગ્યા મળી ગઈ ને અમે બહાર નીકળ્યા તો પહેલા કુતરા પણ જીંગાની રાહે જ ઉભા હતા પછી શું ? જીંગાભાઈ આગળ અને કુતરા બધા પાછળ. અહીંયા પાર્કિંગ સુધી જીંગાભાઈ દોડ્યા! પાર્કિંગના ચોકીદારે લાકડીથી કુતરાને ભાગાવ્યા અને જીંગાભાઈ બચી ગયા.પણ જીંગાનું ચપ્પલ ત્યાં જ રહી ગયું.

વાત સાંભળી બધા હસવા લાગ્યા એટલે જીંગો બોલ્યો;"એમાં હસવું કેમ આવે છે.તમારી પાછળ દોડસે ત્યારે ખબર પડશે.પછી કાઢજો દાંત.હવે હાલો જલ્દી બસમાં બેસો. ધર્મશાળા એ જવાનું છે".

બધા ધર્મશાળામાં ભોજન કરી,આરામ કરવા પોત પોતાની પથારી કરી આડાં પડ્યા.વહેલી સવારે આબુ જવા રવાના થવાનું હતું.

ત્યાં જીંગો ઊંચા અવાજે બોલતો સંભળાયો એટલે હું બહાર આવ્યો.

"એય મંછાળી સવારે મને નીચે પાડ્યો તો તે તારો બાપ ઢીંઢુ બવ દુખે છે.હવે આપણી દવા- દારૂની પેટીમાંથી આયોડેક્ષ લાવ એટલે લગાડું કઈ ફેર પડે તો"....

મંછાબહેને પેટી ખોલી.. હવે ભણેલા તો હતા નહીં કે વાચીને આપે.આયોડેક્ષ પડતો મેકીને બામની ડબ્બી આપી જીંગાને.સાથે સાથે જીંગાભાઈ પણ ભણેલા ક્યાં હતા? એને પણ બામ આયોડેક્ષ સમજીને લગાવ્યો ,પછી તો શું બધાને બામની સુગંધ આવે એટલે પૂછે;"કેમ જીંગા ભાઈ શરદી થઈ કે શું?"

જીંગો વિચારે કે બધા કેમ આવું પૂછે એટલે આવ્યો સીધો મારી પાસે .

"રાજુભાઈ આજ કેમ બધા મને આવું પૂછયા રાખે કે શરદી થઈ?"

"જીંગા તે શું લગાવ્યું?"

"આયોડેક્ષ.સવારે પડી ગયો તો તે ઢીંઢુ દુખતું'તું એટલે લગાવ્યો.હવે થોડો આરામ છે."

આ સાંભળી મને હસવું આવ્યું...

"કેમ હસો છો.જવાબ આપવાનો કીધો તો પાછા દાંત કાઢે."

"એલા ભાઈ તે આયોડેક્ષ નહીં પણ બામ લગાવી એટલે બધા પૂછયા રાખે છે.સમજ્યો."

"આ મંછાળીનું મારે શું કરવું?લાગે છે આ ટુર પૂરી થાહે ત્યાં મને મારી નાખશે આ બાઈ."

"એય મંછાળી હાંભળે છે.તારો ડોહો જોઈને અપાય. આ બામ ઠોકી દીધી મને.હવે આખો વાહો બલે છે .બળબમ ડોબા જેવી."

ક્રમશ::

આબુ ઉપર જીંગાભાઈનું પરાક્રમ વાચવા આગળનો ભાગ વાંચવો રહ્યો.

આપના પ્રતિભાવ ની રાહે રાજુસર.....

પ્રિય વાચકમિત્રોમેં આ પહેલો ભાગ જીંગાના ઝલસા અપલોડ કર્યો છે.સાથે થોડી ઘણી પ્રવાસી માહિતી પણ રજૂ કરી છે. વાંચી યોગ્ય પ્રતિભાવ આપશો અને આ નવલકથાને આગળ વધારવી કે કેમ એનું સૂચન પણ કરજો.