ડરના જરૂરી હૈ.. વીર વાઘેલા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડરના જરૂરી હૈ..

છત્રાલ થી મહેસાણા પર થોડી ઉતાવળ હતી એટલે જરૂર કરતાં વધુ સ્પીડ થી જઈ રહ્યો હતો..ચોમાસા નો દિવસ હતો.. ગામડે જવાનું હતું.. મિત્રો ગાંધીનગર થી આવવાના હતા અને અડાલજ ચોકડી થી સાથે જવાનું નક્કી થયું હતું પણ કોઈ કારણસર મિત્રો ને સવારે જ નીકળવું પડ્યું એટલે સાંજે મારે પણ એકલા જ નીકળવું પડ્યું..

ચોમાસા ના દિવસો હતો.. આકાશ માં કાળા ડિબાંગ વાદળો અડ્ડો જમાવીને ધરતી પર હુમલો કરવાની તૈયારી માં આમતેમ ભાગમભાગ કરતા હતા.. એમની ભાગમભાગ માં ટકરાવવા થી ક્યારેક ભીષણ અવાજ થતો હતો તો ક્યારેક એમના હથિયારો ટકરાવવા થી ધારદાર પ્રકાશ જાણે દુશ્મનો ની રણનીતિ જોવા આવતો હોય એમ ડોકાચિયા કરી જતો હતો..

એક તો સાંજ હતી અને ઉપર થી વાદળો નો ઘેરાવ એટલે અંધારું વધુ ગાઢ બની રહ્યું હતું.. વરસાદ ગમે ત્યારે તૂટી પડે એવું વાતાવરણ અંધારા ને વધુ ભયાનક બનાવતું હતું... માણસો ની અવરજવર ક્યાંય દેખાતી નહોતી કારણ કે આજુબાજુ 5-10 કિલોમીટર સુધી કોઈ ગામ કે વસાહત દેખાતી નહોતી.. અંધારું..કાળો રોડ અને સુસવાટા મારતા પવન માં વૃક્ષો લળી લળી ને જાણે એકબીજા ને ભેટી રહ્યા હતા.. આજુબાજુ જંગલ જેવું વાતાવરણ અને સાંજ ના કારણે સાધનો ની અવરજવર પણ બહુ ઓછી થઈ ગઈ હતી..

હું કાન માં એરફોન લગાવી ને 70 ના દસક ના લતા કિશોર મુકેશ ના ગીતો સાંભળતો સાંભળતો આગળ વધી રહ્યો હતો..લતાજી ના મધુર સ્વર માં ગુમનામ ફિલ્મ નું.. ગુમાનમ હૈ કોઈ.. બદનામ હૈ કોઈ.. કિસકો ખબર.. કોણ હૈ વો..સોન્ગ વાગી રહ્યું હતું.. ઘરે પહોંચવાની ઉતાવળ પણ હતી અને અચાનક સામે થી કોઈ રોડ પાસ કરતું હોય એવું નજરે પડ્યું.. મેં જોર થી બન્ને બ્રેક ને એક સાથે દબાવી પણ સ્પીડ વધુ હોવાના કારણે બાઈક સ્લીપ ખાઈને નમી ગયું પણ હજુ નીચે પડે એ પહેલાં મેં સંભાળી લીધું..અચાનક આ રીતે ઉભું રાખવાના કારણે બાઈક બંદ પડી ગયું હતું અને નમેલા બાઈક ને ઉભું કરી ને ચાલુ કરવા જાઉં ત્યાં જ કોઈ બાળક નો રડવાનો અવાજ સંભળાયો.. મેં આજુ બાજુ જોયું તો રોડ ની બાજુ ની એક ઝાડી તરફ થી અવાજ આવી રહ્યો હતો..

એક તો અંધારું હતું અને અવવાર જગ્યાએ બાળક નો રડવાનો અવાજ એટલે લાગ્યું કે કોઈ બાળક ને હેરાન કરતું હશે કે શું એમ માની બાઈક ને સ્ટેન્ડ કરી આવતા અવાજ તરફ ચાલવા માંડ્યો.. અવાજ ની થોડાક નજીક પહોંચ્યો ત્યાં અવાજ આવતો બંદ થઈ ગયો અને થોડી આગળ બીજી જગ્યાએ થી રડવાનો અવાજ આવવા લાગ્યું.. નક્કી કોઈ બાળક નું અપહરણ કરી ને જઇ રહ્યું છે એવું વિચારી હું એ તરફ ગયો.. જેવો અવાજ ની નજીક ગયો કે અવાજ બંદ થઈ ગયો અને એક બીજી જ બાજુ થી અવાજ આવવા લાગ્યો..

થોડુંક અજુગતું લાગ્યું અને સાથે સાથે દિમાગ માં ગામડા માં વડીલો પાસેથી સાંભળેલા પ્રસંગો માનસપટ પર ઉતારવા માંડ્યા.. અંધારું ..ચોમાસા ની રાત્રી..અવવાર જગ્યા...બાળક નો રડવાનો અવાજ અને બદલાતી અવાજ ની દિશા..હૃદય ના ધબકારા વધવા લાગ્યા.. ઠંડા વાતાવરણ માં આવતા ઠંડા પવન ની સામે જાણે લડી લેવું હોય એ રીતે પરસેવો બુંદ માં થી રેલા સ્વરૂપે વહેવા લાગ્યો.. ઝડપથી બાઈક પાસે પહોંચ્યો.. બાઈક ને ચાલુ કરવા ગયો તો જોયું તો ચાવી નહીં.. ઉતાવળ માં ચાવી ક્યાંક નીચે પડી ગઈ હશે .. મોબાઈલ કાઢી ને લાઇટ ચાલુ કરવાનો પ્રયત્ન કર્યો તો મોબાઈલ બંદ હતો.. શુ કરવું સમજ ની બહાર હતું.. મન માં માતાજી ના જાપ શરૂ થઈ ગયા હતા.. બે ચાર કડી હનુમાન ચાલીસા ની આવડતી હતી એ પણ જાણે ભુલાઈ ગઈ હતી.. ધબકારા જાણે કે કોઈની સાથે હરીફાઈ માં ઉતર્યા હોય એમ પોતાની સ્પીડ વધારી રહ્યા હતા.. પરસેવો હવે માથે થી શરીર સુધી વહેવા લાગ્યો હતો.. આમતેમ હાથ નાખી ને ચાવી શોધી.. બાઈક ને સ્ટાર્ટ કરવાનો પ્રયત્ન કર્યો પણ જાણે કે એય આજે પરીક્ષા લઇ રહ્યું હતું... હતી એટલી તાકાત થી કીક પર કીક મારવાની સાથે જેમ જેમ મગજ માં આવ્યું એવી હનુમાન ચાલીસા બોલવાનું ચાલુ થઈ ગયું હતું.. સામાન્ય સંજોગો માં ગળા માં જ ભરાઈ જતો અવાજ ઊંચો થઈને બહાર આવી રહ્યો હતો.. જીવનમાં પહેલીવાર એવું લાગ્યું કે હું પણ કલાકાર બની શકું છું.. ઘડીક માતાજી..ઘડીક હનુમાન ચાલીસા ખબર નહીં પણ એ બે મિનિટ માં કેટલાય દેવો ને યાદ કરી લીધા હતા અને કદાચ એમાંથી જ કોઈ દેવતા ના કાને અવાજ ગયો અને બાઈક સ્ટાર્ટ થઈ ગયું.. બાઈક ને ગિયર માં નાખી ને આગળ વધુ ત્યાંજ સામેથી એક નાનું છોકરું દોડી રહ્યું હતું... ખુલ્લા વાળ સાથે દોડીને એ બાજુ ની ઝાડી માં ગયું પણ હવે પગ ત્યાં ઉભા રહી શકે એમ નહોતા અને બાઈક ઉપડ્યું.. કેપેસિટી કરતા વધુ ઝડપ થી.. બાઈક કરતા અનેક ઘણી ઝડપે હૃદય ના ધબકારા આગળ વધી રહ્યા હતા.. સુસવાટા મારતા ઠંડા પવન માં પણ પરસેવો જાણે વરસાદ બની ને વહી રહ્યો હતો..

છેવટે પાછળ કે આજુબાજુ જોયા વગર સતત બાઈક ને હંકારી ને ઘેર પહોંચ્યો.. મોઢું ધોઈને ને પથારી માં પડ્યો ત્યારે એક હાશકારા ..હાશ..!! બચી ગયો..સાથે ક્યારે ઊંઘી ગયો ખબર ના પડી.. સવારે ઉઠ્યો ત્યારે તાવ પોતાની ઉચ્ચ સપાટી એ બેઠો હતો..

©વીર..