Yog-Viyog - 48 books and stories free download online pdf in Gujarati

યોગ-વિયોગ - 48

યોગ-વિયોગ

કાજલ ઓઝા વૈદ્ય

પ્રકરણ -૪૮

એરપોર્ટ ઉપર ઊભેલી શ્રેયાએ પોતાની ઘડિયાળ જોઈ. લગભગ સાડા આઠ થવા આવ્યા હતા. સાડા નવની ફ્લાઇટ એને સાડા દસે ગોવા ઉતારે. અલયની હોટેલ પહોંચતા બીજો અડધો કલાક...

‘‘ત્રણ કલાકમાં તો હું અલયના બાહુપાશમાં હોઈશ.’’ શ્રેયા રોમાંચિત થઈ ઊઠી. એણે અલયને કહ્યું હતું કે પોતે ચાર દિવસ પછી આવશે, પણ એનું કામ બે જ દિવસમાં પતી ગયું. બહુ મહત્ત્વની ડીલ માટે શ્રેયા કેટલાય દિવસથી બિઝી હતી. એને મુહૂર્ત પછી અલયના શૂટ પર જવાનો સમય પણ નહોતો મળ્યો.

સૂર્યકાંત અમેરિકા ગયા ત્યારે થોડી વાર માટે શ્રીજી વિલા ગઈ એટલું જ... ઘણા દિવસ થયા એ અલયને નિરાંતે મળી જ નથી.

અલય એના શૂટમાં બિઝી હતો અને એ બેંગલોરમાં એક મોટી આઇટી કંપની સાથે પોતાની કંપનીની ડીલ ક્રેક કરવામાં...

આજે રાત્રે ગોવા પહોંચીને હવે સળંગ ચાર દિવસ એ અલય સાથે ગાળી શકશે! શ્રેયાનું એક એક રોમ જાણે અલયના વિચારે થરથરી ગયું.

એણે એરવેઝના કાઉન્ટર પર જઈને પોતાની ટિકિટ આગળ કરી, ‘‘ફ્લાઇટ ડીલે તો નથી ને ?’’

‘‘યેસ મેમ !’’ કાઉન્ટર બેઠેલી છોકરીએ શ્રેયાનો બોર્ડિંગ પાસ આગળ કર્યો અને એના બેગેજ ટેગના સ્ટીકર પાસની પાછળ ચોટાડી દીધા, ‘‘માત્ર બે કલાક !’’

‘‘અરે રામ ! બે કલાક ?’’ શ્રેયાની એક એક મિનિટ જાણે એક એક કલાક જેવી હતી. જેવું કામ પત્યું કે સૌથી પહેલી એણે ગોવાની ફ્લાઇટની તપાસ કરવાનું કહ્યું હતું, એ રાત બેંગલોરમાં બગાડવા માગતી નહોતી. જેવી ખબર પડી કે સાડા નવની ફ્લાઇટ છે કે એણે ડીલના પેપર્સ તૈયાર કરવાનું કહ્યું, હોટેલ ગઈ, પેકિંગ કર્યું, પાછી ઓફિસ આવી, ડીલ સાઇન કરાવી અને સીધી એરપોર્ટ આવી ! એને અચાનક યાદ આવ્યું કે રાત્રે ગોવા પહોંચવાની ઉતાવળમાં સવારના બ્રેકફાસ્ટ પછી એણે કંઈ ખાધું પણ નહોતું...

એ કાઉન્ટર પર ગઈ. એક કોફી અને સેન્ડવિચ લીધા. બાજુમાં જ એક બુકસ્ટોલ હતો. એના ન્યૂઝ પેપર સ્ટેન્ડ પર આ મહિનાનું ‘જી’ હતું. ‘જી’ના કવર પેજ ઉપર અનુપમાનો ફોટો હતો. સાથે અલયની ફિલ્મની પબ્લિસિટી સ્ટોરી હતી...

શ્રેયા રોમાંચિત થઈ ગઈ. એણે તરત જ મેગેઝિન ખરીદી લીધું. એને ખાતરી હતી કે અલયે હજુ સુધી એ જોયું નહીં હોય. પછી એણે સ્ટેન્ડ પર બીજાં મેગેઝિન્સમાં નજર નાખી. ‘સ્ટારડસ્ટ’, ‘મૂવી’, ‘જીઆર-૮’ (ગ્રેટ) અને બીજાં સાત-આઠ મેગેઝિન્સમાં અલયની ફિલ્મ વિશે છપાયું હતું. બધાંમાં એને આ વરસની ઉત્તમ રિલીઝમાંની એક ગણાવાઈ હતી. નિર્માતા શૈલેષ સાવલિયાએ દાવો કર્યો હતો કે ફિલ્મ આવનારા પંદર દિવસમાં રિલીઝ થઈ જશે... ઓછામાં ઓછા ખર્ચે અને ઓછામાં ઓછા સમયમાં બનેલી અનુપમા ઘોષની આ અવિસ્મરણીય ફિલ્મ હશે.

દરેકમાં અલય, અનુપમા અને અભિષેકના ઇન્ટર્વ્યૂ હતા. અભિષેકે પણ અલયને ગુરુ દત્ત અને સુભાષ ઘાઇના અથવા રાજ કપૂર અને શામ બેનેગલના મિશ્રણ જેવો ગણાવ્યો હતો...

માત્ર હેડલાઇન અને સબ હેડિંગ પર નજર ફેરવતાં જ અનુપમાને શેર લોહી ચડી ગયું. ખાસ્સી વાર સુધી અનુપમા અલયના ઇન્ટર્વ્યૂઝ વાંચતી રહી. અલયના દરેક ફોટામાં અલય અભિષેક કરતા પણ હેન્ડસમ દેખાતો હતો. શ્રેયા ઘડીભર એ ફોટોગ્રાફ્સ સામે જોઈ રહી. પછી એણે ન્યૂઝ પેપર સ્ટોલવાળાના દેખતા જ અલયના ફોટાને પ્રગાઢ ચુંબન કર્યું...

અનુપમાએ આંખ મીંચીને અલયને એક ઊંડું પ્રગાઢ ચુંબન કરવા માંડ્યું. અલયે અનુપમાના બે હાથ વચ્ચેથી પોતાનો ચહેરો છોડાવવાનો ખૂબ પ્રયાસ કર્યો, પણ અનુપમાના મનમાં એ એરપોર્ટ ઉપર પોતાને સાચવીને ભીડમાંથી લઈ જતો અલય એવો તો છવાઈ ગયો હતો કે જે માણસે પોતાનું સન્માન બચાવ્યું એને સર્વસ્વ સમર્પિત કરવાના દૃઢ ઇરાદાથી એણે અલયને પીગળાવવા માંડ્યો હતો...

અલયે પોતાનાથી બનતા તમામ બળથી અનુપમાને એક વાર દૂર ખસેડવાનો પ્રયાસ કર્યો, પણ અનુપમા જાણે આજે વેલની જેમ વીંટળાઈ હતી અલયને. એણે નક્કી કરી લીધું હતું કે અલય કંઈ પણ કહે, આજે પોતે અલયની થઈને રહેશે.

અલય પણ જાણે જાતથી ડરી ગયો હતો. એને અનુપમાનું સૌંદર્ય નહોતું પીગળાવતું, કે નહોતી આ છોકરીની બુદ્ધિ એને ઇમ્પ્રેસ કરી શકતી... પણ આ છોકરીનું સમર્પણ અને અલય માટેની ઘેલછા અલયને ક્યારેક હચમચાવી જતી, આજે એ છોકરી જે રીતે અલયને વહાલ કરી રહી હતી એનાથી અલયને પોતાના તમામ સિદ્ધાંતો અને માન્યતાઓના પાયા હાલતા લાગ્યા.

એને માનો, શ્રેયાનો, પિતાનો ચહેરો પોતાની બંધ આંખોમાં દેખાતો હતો. અનુપમાના હાથ અલયના શર્ટનાં બટન ખોલી રહ્યા હતા અને અલય એને રોકવાનો પ્રયાસ કરતો એનો હાથ પકડી રહ્યો હતો...

‘‘આજે મને નહીં રોકતો અલય... જિંદગીમાં એક વાર પોતાના ગમતા પુરુષના સ્પર્શમાં સ્ત્રી બનવાની લાગણી કેવી હોય છે એ અનુભવી જોવું છે મારે...’’

‘‘અનુ...’’ અલયના અવાજમાં એક અજબ પ્રકારનો કંપ હતો, ‘‘હું પણ પુરુષ છું, પછી મારાથી પણ મારી જાતને નહીં રોકાય હોં...’’

‘‘એ જ હું ઇચ્છું છું.’’ અનુપમાના અવાજમાં જાણે આમંત્રણ અને ઉન્માદ છલકાતા હતા, ‘‘અલય, એક વાર, એક વાર મારો સ્વીકાર કર. આ શરીર જે કેટલાય માટે એક ઝંખના - એક સપનું જિંદગીની એક માત્ર અભિલાષા છે એવું આ શરીર મારે તને સોંપી દેવું છે અલય, એક જ વાર. પછી હું જિંદગીમાં ક્યારેય, કોઈ દિવસ હું તારી પાસે કંઈ નહીં માગું...’’ એની આંખોમાં આંસુ આવી ગયાં હતાં.

‘‘અનુપમા, તું સમજતી કેમ નથી?’’

‘‘હું સમજવા માગતી નથી અલય, આખી જિંદગી મને આ શરીર નુમાઇશની અને દેખાડવાની ચીજ લાગ્યું છે ! કેટલાય પુરુષોની આંખો આ શરીર પરથી સાપની જેમ સરકીને પસાર થઈ છે. તો કેટલાયની નજરો ડંખી છે મને... ગળા સુધીનાં કપડાં પહેર્યાં હોય તોય મારાં કપડાંની આરપાર ઊતરતી એ નજરોએ મારા શરીરને બહુ મેલું કર્યું છે અલય, એક વાર... તારો એક વારનો સ્વીકાર મને અભિનેત્રીમાંથી સ્ત્રી બનાવી દેશે.’’ એ અલયની છાતીમાં માથું મૂકીને રડી રહી હતી. અલયનો હાથ એના ખુલ્લા વાળમાં બહુ જ હળવે ફરી રહ્યો હતો, ‘‘હું પડદા પરથી ઊતરીને જીવતી-જાગતી-શ્વાસ લેતી છોકરી બનવા માગું છું. એવી છોકરી જેને પોતાનાં સપનાં છે. જેને પોતાની આગવી જિંદગી છે અને જેને પોતાનો એક એવો પુરુષ છે, જેનાં એણે સપનાં જોયાં...’’

‘‘અનુ, તું ખૂબ સારી છોકરી છે.’’ અલયે એના ગાલ પર હળવું ચુંબન કર્યું, ‘‘હું મારી જાતને માફ નહી ંકરી શકું. તું એવું ઇચ્છે છે કે એક સીધીસાદી, સારી છોકરીનું જીવન બરબાદ કરવાના અપરાધભાવ સાથે હું છાતી પર બોજ લઈને જીવ્યા કરું ?’’

‘‘તને શું લાગે છે? તું મારો સ્વીકાર કરીશ, અને આપણી વચ્ચે એક વાર શરીરસંબંધ બંધાશે તો હું બરબાદ થઈ જઈશ ? કયા જમાનામાં જીવે છે અલય ? છોકરીનું ચારિત્ર્ય એના શરીર સાથે જોડતો જમાનો વીતી ગયો. હું નથી માનતી એવા ખોખલા આદર્શોને!’’

અલયે અનુપમાની સામે જોયું. એની આંખોમાં થોડો આક્રોશ હતો અને એક ઘવાયેલી વાઘણ જેવું ઝનૂન, ‘‘છોકરીનું ચારિત્ર્ય કોઈ ચ્યૂંઈગમ નથી કે એક વાર કોઈ ચાવી લે એટલે બેસ્વાદ થઈ જાય! આ કોઈ સિગરેટ નથી કે ફૂંકી મારો એટલે રાખ થઈ જાય ! વજિર્નિટી સાથે મન સંકળાયેલું છે, શરીર નહીં...’’

‘‘અનુ, હું તારી વાત સમજું છું. હું તારા ચારિત્ર્ય ઉપર કોઈ ડાઘ પડે એવા બધા દકિયાનુસી વિચારોથી તને ના નથી પાડતો. હું તને એટલા માટે સમજાવું છું, કારણ કે હું તને ઓળખું છું. તારી ધસમસતી લાગણીઓ પછી તને ક્યાંય ઠરીને જીવવા નહીં દે એની ખબર છે તને? તું સતત અને સ્વાભાવિક રીતે મને ઝંખીશ અને હું શ્રેયાને પરણેલો હોઈશ, એટલે મારા માટે...’’

અનુપમાએ અલયને ખભામાંથી પકડીને હચમચાવી નાખ્યો, ‘‘કેટલી વાર સમજાવું તને કે હું તારી પાસે કંઈ માગતી નથી, તને આપવા માગું છું. આ મન, એમાં ધબકતી લાગણીઓ અને આ શરીર, જેમાં એ મન વસે છે...’’

‘‘પણ અનુ... મારે માટે કોઈ પણ સ્ત્રીને શરીર સોંપવું કે એની સાથે શરીરનો સંબંધ બાંધવો એટલે જીવનભર એની જવાબદારી લેવી... જો હું એ ન કરી શકવાનો હોઉં...’’

અનુપમાએ અલયના હોઠ પર હોઠ મૂકી દીધા. પછી એના નાક સાથે નાક ઘસતા કહ્યું, ‘‘હું જાણું છું એ વાત... અને એટલે જ, કદાચ... તને આ શરીર સોંપી દેવાનો મોહ છે મને ! હું ઇચ્છું છું કે જિંદગીભર તું મને સાચવે અલય, મનથી !’’

‘‘ફિલ્મ રિલીઝ થશે કે તરત હું ને શ્રેયા પરણી જઈશું.’’

‘‘જાણું છું અને એટલે જ એ પહેલાં તને આ શરીર સોંપી દેવા માગું છું, જેથી લગ્ન પછી તને શ્રેયાને છેતર્યાની લાગણી ના થાય.’’

હસી પડ્યો અલય, ‘‘લગ્ન ?’’ અલયે અનુપમાને બાહુપાશમાં જોરથી જકડી લીધી, ‘‘મારી અને શ્રેયા વચ્ચે લગ્ન, એ માત્ર ચાર ફેરા ફરીને એક છતની નીચે સાથે રહેવાની શરૂઆત કરવા પૂરતું બાકી રહ્યું છે.’’

‘‘એટલે જ. એ ચાર ફેરાની વિધિ, એ એક ચપટી સિંદૂર અને એ એક કાળા મણકાની સેર તમારી વચ્ચે સાત ભવનું બંધન બાંધે એ પહેલાં એક વાર મને સ્વીકારી લે અલય... એક વાર...’’ બોલતી બોલતી અનુપમા ઘૂંટણિયે પડીને અલયના પગ પાસે બેસી ગઈ. એણે બે હાથના અંકોડા ભીડી દીધા અને ક્રિશ્ચિયન પ્રેયર કરે એવી રીતે અલયની આંખોમાં ઊંચે જોયું, ‘‘મને નથી ખબર હું કેમ કરગરું છું આટલું, તું મને નહીં સ્વીકારે કે આપણી વચ્ચે આ પળ કોરી પસાર થઈ જશે તો હું મરી જઈશ કે જીવી નહીં શકું એવું નથી, પણ મારામાં કશુંક બટકીને તૂટી જશે અલય, જેની કરચ મને જીવનભર ખૂંચતી રહેશે. તું મારામાં ખૂબ ઊંડો ઊતરી ગયો છે એક ઝંખના બનીને, એક જીજીવિષા બનીને મારામાં તરફડી રહ્યો છે તું. મને સ્વીકારી લે, મારી આ તરસ, આ મારી આ ઝંખના, મારી આ જીજીવિષા શાંત કરી દે. મારો મોક્ષ કરી દે અલય, મારું તર્પણ કરી દે.’’ અનુપમાએ રીતસર અલયના પગ પર માથું મૂકી દીધું. એનાં આંસુ અલયના પગના પંજા પલાળી રહ્યા હતા.

‘‘અનુ.’’ અલય પીગળી ગયો. એને સમજાયું નહીં કે એક સ્ત્રીના આવા સમર્પણની સામે શું થઈ શકે? એણે નીચા નમીને ખભેથી પકડીને અનુપમાને ઊભી કરી. અનુપમા એના બંને હાથ ગળામાં નાખીને અલયને વીંટળાઈ વળી. હવે અલય માટે પણ જાતને રોકવી અઘરી હતી...

અનુપમાનાં આંસુની સાથે જાણે અલયની અંદરનો પથ્થર પીગળતો હતો...

શ્રેયાની ફ્લાઇટ દાબોલિમ એરપોર્ટ પર ઊતરી ત્યારે રાતના બાર વાગી ચૂક્યા હતા.

શ્રેયાએ પ્રિપેઇડ ટેક્સી લીધી અને સીધી બોગમાલો બીચ તરફ નીકળી ગઈ.

અનુપમા અલયની છાતી પર માથું મૂકીને સૂતી હતી. ખરેખર જાણે નિર્વાણ કે મોક્ષ પામી ગઈ હોય એમ તૃપ્ત થઈને પરમ સંતોષમાં આંખો મીંચીને એ ઘસઘસાટ ઊંઘી ગઈ હતી. સાવ નાનું બાળક પોતાની માના ખોળામાં ઊંઘે એટલા વિશ્વાસથી અને શ્રદ્ધાથી ઊંઘતી હતી એ. એના વાળ અલયના ચહેરા પર ફેલાયેલા હતા. ઉઘાડી આંખે છત તરફ જોઈ રહેલા અલયને કેટલાય વિચારો આવી રહ્યા હતા. એનું મન ખરા-ખોટાની વચ્ચે એક ગજબનાક યુદ્ધ ખેલી રહ્યું હતું ! જે કંઈ થયું એને માટે જાતને અપરાધી ગણવી કે નહીં એ વાત વિશે પોતાના જ મન સાથે દલીલ કરતો અલય મા અને શ્રેયાનો વિચાર કરી રહ્યો હતો.

એ જાણતો હતો, શ્રેયાનો પોતાના માટેનો ગાંડપણની હદ સુધીનો માલિકીભાવ ! આજે જે કંઈ થયું એ વિશે એના મનમાં મિશ્રભાવ હતા. થોડી ગુનાની લાગણી હતી અને છતાં પોતે જાતને સમજાવવાની કોશિષ કરતો હતો કે અનુપમાની આ ઘેલછા સામે કોઈ એક દિવસ તો પોતે તૂટી જ જવાનો હતો...

અલય એક વાત સાવ નિર્મળ અને શુદ્ધ મનથી કહી શકે એમ હતો, કે પોતે શ્રેયાને જ ચાહતો હતો, પણ અનુપમા એને માટે એના જીવનની ખૂબ મહત્ત્વની અને ખૂબ અગત્યની વ્યક્તિ હતી. એ અનુપમાને મળ્યો પણ નહોતો ત્યારથી અનુપમા માટે એના મનમાં એક અજબ આકર્ષણ હતું. પોતાના ઉછેર અને સંસ્કારને કારણે કદાચ એ આકર્ષણ સ્વીકારતા એને તકલીફ પડતી હતી અને તેમ છતાં અનુપમા સાથેની આ પળો તદ્દન સાચી અને હૃદયથી જીવાયેલી પળો હતી. એણે કોઈ છળ નહોતું કર્યું અનુપમા સાથે, એટલો સંતોષ હતો એને ! પણ શ્રેયા સાથે છળ હતું આ ? એ જાણે તો સ્વીકારી શકે આ વાતને ? હજી અલયના મનમાં આવા વિચારો ચાલતા હતા કે અલયના કોટેજની બેલ વાગી.

બાજુમાં પડેલો મોબાઇલ ઉઠાવીને એણે સમય જોયો. એક ને દસ! એણે અનુપમાને ખૂબ હળવેથી પોતાના ખભા પરથી ખસેડી. અનુપમા ઘસઘસાટ ઊંઘતી હતી, એ ઊભો થયો. પોતાનો બાથરોબ પહેર્યો અને દરવાજો ઉઘાડ્યો.

દરવાજાની બરોબર વચ્ચોવચ્ચ બારશાખ ઉપર શ્રેયા એના ગળામાં લટકી પડી, ‘‘અ...લ...યયય !’’

‘‘તું ? હમણાં ?’’

‘‘અગિયાર વાગ્યે પહોંચી ગઈ હોત, પણ ફ્લાઇટ ડીલે...’’ એ અલયને ચુંબનો પર ચુંબનો કરી રહી હતી, ‘‘કેવી રહી સરપ્રાઈઝ ?’’

‘‘હેં !’’ અલયને એ નહોતું સમજાતું કે અંદર પલંગ પર સૂતેલી અનુપમાને જોઈને શ્રેયાને સરપ્રાઇઝ મળશે કે શોક લાગશે...

સમય પસાર કરવાના ઇરાદાથી એણે શ્રેયા સાથે વાતો કરવા માંડી. અલયને જોઈને ઘેલી થઈ ગયેલી શ્રેયા પણ ત્યાં જ કોટેજના પગથિયા પર બેસી પડી, બંને જણા ખાસ્સી દસેક મિનિટ શ્રેયાની ડીલ વિશે, એની ફ્લાઇટ વિશે, અલયના શૂટિંગ વિશે વાતો કરતા રહ્યા અને અલય એક પળ એવી શોધતો રહ્યો કે એ અનુપમાને જગાડે...

આખરે શ્રેયા ઊભી થઈ, ‘‘હવે અંદર આવું કે બહાર જ બેસી રહેવાનું છે ?’’ કહેતી ઓરડામાં દાખલ થઈ. પાછળ પાછળ ચિરાતી છાતીએ દાખલ થઈ રહેલા અલયની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. એની ચાદર જાણે કોઈ સૂતું જ ના હોય એવી કરચલી વગરની હતી અને ડ્રિન્કનો એક જ ગ્લાસ ટેબલ પર પડ્યો હતો. એની ફાઇલ, જે એના હાથમાંથી ખેંચીને અનુપમાએ બંધ કરી હતી એ ખુલ્લી પડી હતી અને એમાં પેલી પેન્સિલ પણ યથાવત મૂકેલી હતી.

અનુપમા આ ઓરડામાં હતી એવું અલયને માનવામાં પણ તકલીફ પડે એવી રીતે જાણે બધું જાદુથી યથાવત થઈ ગયું હોય એમ ગોઠવાઈ ગયું હતું... માત્ર અનુપમાએ ખોલી નાખેલી સ્લાઇડિંગ વિન્ડો હજી ખૂલ્લી જ હતી અને દરિયા કિનારાનો પવન ફરફરાટ કરતો એવી જ રીતે ઓરડામાં ધસી રહ્યો હતો.

અલયે દોડીને સ્લાઇડિંગ વિન્ડોમાંથી નીચે જોયું. ખાસ્સી દસ ફૂટની ઊંચાઈ હતી !

‘‘માય ગોડ !’’ અલયથી બોલાઈ ગયું.

‘‘શું થયું ?’’ બાથરૂમમાં મોઢું ધોઈ રહેલી શ્રેયાએ ચહેરા પર સાબુ સાથે બંધ આંખે પૂછ્‌યું.

‘‘કંઈ નહીં.’’ અલયે જવાબ આપ્યો અને મનોમન અનુપમાના ગાલ પર એક હળવી ટપલી મારી દીધી.

વૈભવી, રાજેશ અને વસુમા હોસ્પિટલ પહોંચ્યાં ત્યારે પ્રિયા અભયના પલંગ પાસે બેઠી હતી. અભય પલંગમાં સૂતો હતો અને એની છાતી પર પાંસળીની ક્રેક માટેનો ઇલેસ્ટો પ્લાસ્ટ બાંધેલો હતો. દાખલ થતાની સાથે વૈભવીએ પ્રિયાને ખભેથી પકડીને ઝંઝોળી નાખી, ‘‘શું જોઈએ છે તારે ? શું કામ અભયની પાછળ પડી છે ? શા માટે મારા સુખી સંસારમાં આગ લગાડે છે ? હું છોડીશ નહીં તને.’’ પ્રિયા કંઈ સમજે એ પહેલાં તો વૈભવીએ એને આખેઆખી હચમચાવી નાખી હતી.

વસુમાએ આગળ વધીને વૈભવીનો હાથ છોડાવ્યો, ‘‘આ શું કરો છો વૈભવી ?’’

‘‘હું મારી નાખીશ આને...’’ વૈભવીએ એના હાથ ઊંચકીને પ્રિયાના ગળા તરફ લંબાવ્યા. અભય પલંગમાંથી બેઠો થવા ગયો.

‘‘વૈભવી.’’ વસુમાના અવાજમાં કંઈક એવું હતું જેનાથી વૈભવી અચાનક જ ઠંડી પડી ગઈ, ‘‘કેમ છે અભય ? શું કહે છે ડોક્ટર ?’’ વસુમાએ જઈને અભયની છાતી પર પ્રેમથી હાથ ફેરવ્યો.

‘‘બસ, આ જ કહ્યું હતું એમણે.’’ અભયે કહ્યું અને હસી પડ્યો.

‘‘શું કહ્યું હતું ?’’ વસુમાના ચહેરા પર પણ એક સ્મિત આવ્યું.

‘‘તમારી મા આવીને છાતી પર હાથ ફેરવશે એટલે એકદમ સાજા થઈ જશો.’’ અભય ખડખડાટ હસી પડ્યો. પછી એણે હળવેથી છાતી પર હાથ દબાવ્યો.

‘‘દુઃખે છે ?’’

‘‘થોડું.’’ એણે વૈભવી સામે જોઈને ઉમેર્યું, ‘‘પણ હું સિંગાપોર જઈ શકીશ.’’ વૈભવી કરન્ટ લાગ્યો હોય એમ ઊભી થઈ ગઈ, ‘‘જીવ જશે તોય સિંગાપોર જશો, ખરું ?’’ પછી પ્રિયાની સામે આગઝરતી નજરે જોયું એણે, ‘‘આટલું ઓછું છે ? શું જીવ લેવો છે મારા વરનો?’’ એણે અવાજ થાય એમ જોરથી હાથ જોડ્યા, ‘‘જીવવા દે અમને શાંતિથી...’’ અને વસુમાની સામે એવી રીતે જોયુંં જાણે એમને કંઈ બોલવા માટે આગ્રહ કરતી હોય.

‘‘વૈભવી, આ બધી ચર્ચા કરવાનું આ સ્થળ નથી ને આ સમય પણ નથી. તમે ઘરે જાવ. અમે પ્રિયાની ગાડીમાં આવી જઈશું.’’

‘‘હું શું કામ ઘરે જાઉં ? એને જ ઘરે મોકલો. હું તો રહીશ અહીંયા મારા વર પાસે.’’

‘‘વૈભવી...’’ વસુમાએ ખૂબ ધીરજપૂર્વક પરિસ્થિતિને સંભાળતાં હળવેથી એને કહ્યું, ‘‘અભયને તમારી પાસેથી કોઈ નહીં છીનવી શકે. સિવાય કે તમારું પોતાનું વર્તન. આ એક એક ડગલું તમે અભયની નજીક જવાના બદલે એને તમારાથી દૂર ધકેલી રહ્યા છો...’’

વૈભવી એક ક્ષણ અભયની સામે જોઈ રહી, ‘‘અભય, આ છોકરીની હાજરીમાં પૂછું છું, તમે મને માફ નહીં કરી શકો ? શું મારો ગુનો એટલો મોટો છે કે મારે આટલું બધું અપમાન સહન કરવું પડે ?’’

‘‘માન-અપમાનની ચર્ચા ક્યાં છે વૈભવી ? હું જે દિશામાં નીકળી ગયો છું ત્યાંથી પાછા ફરવું અશક્ય છે. હવે આ પરિસ્થિતિ આપણે ત્રણેયે સ્વીકારીને જીવવાનું છે.’’

‘‘વૈભવીબેન, તમને લાગતું હશે કે આમાં સૌથી મોટો ફાયદો મારા પક્ષે છે, ખરું ?’’ ક્યારની ડઘાયેલી- ચૂપ ઊભેલી પ્રિયા ધીમેથી બોલી, ‘‘મારે પક્ષે તો નુકસાન જ નુકસાન છે. અભય ક્યારેય મારી સાથે જીવી નહીં શકે. હું ક્યારેય એમની પત્ની બની નહીં શકું.’’ પછી એનાથી રાજેશ સામે જોવાઈ ગયું, ‘‘ને એના સંતાનની મા પણ નહીં જ બની શકું. તમારી પાસે તો આ બધું જ છે... અભય તમને ઘર ક્યારેય છોડવાના નથી. માત્ર થોડા કલાકો કે ક્યારેક થોડા દિવસ હું એક સપનું જીવી લઉં છું. જાણું છું કે આંખ ઊઘડે કે સત્ય ભેંકાર એકલતા થઈને વીંટળાઈ મળશે મને.’’ એની આંખો ફરી વહેવા માંડી હતી, એણે વસુમા સામે જોયું, ‘‘યુવાન અને સુંદર સ્ત્રી માટે એકલા જીવવું કેટલું અઘરું છે તમને ક્યારેય ના સમજાય એવી હું ઈશ્વરને પ્રાર્થના કરું !’’ વસુમાથી અનાયાસે આગળ વધીને પ્રિયાના ખભે હાથ મુકાઈ ગયો. સહાનુભૂતિનો સ્પર્શ મળતાં જ પ્રિયા વસુમાના ખભે માથું મૂકીને રડી પડી, ‘‘કોઈ કંઈ પણ કહે, સમાજના બીજા લોકોની દૃષ્ટિએ હું અભયની રખાત છું વૈભવીબેન, બે-ચાર મુઠ્ઠીભર માણસો કે મારા અને અભય માટે આ ‘સંબંધ’ છે, પણ મોટા ભાગના લોકો આને લફરું કે સ્કેન્ડલ કહે છે...’’

વૈભવી એક ક્ષણ માટે અંદરથી હચમચી ગઈ. જોકે એણે દેખાવા ના દીધું. પછી એ કશું જ બોલ્યા વિના ઓરડાની બહાર નીકળી ગઈ. અભયે એ જોયું, પણ એને રોક્યા વિના વાત બદલી નાખી, ‘‘બહુ જ ઝીણી ક્રેક છે. હેરલાઇન જેવી. થોડો વખત પટ્ટો પહેરવો પડશે, બાકી ચિંતાનું કોઈ કારણ નથી.’’

‘‘પ્રિયા બેટા,’’ વસુમા એક ડગલું આગળ આવ્યાં, ‘‘હું તમને રોકતી નથી, પણ મને એમ લાગે છે કે વૈભવીને દુઃખ પહોંચાડી તમારો સંબંધ સુખ મેળવી શકશે ખરો ?’’

‘‘તો શું કરું મા ?’’ ક્યારનો રોકી રાખેલો પ્રિયાનો ડૂમો છૂટી ગયો, ‘‘હું અભય વિના જીવી શકું એમ નથી.’’

‘‘ને હું પણ પ્રિયા વિના નહીં જીવું.’’ અભયે મક્કમતાથી વસુમા સામે જોયું, ‘‘પ્રિયા મારી જવાબદારી છે, મારો પ્રેમ છે.’’

‘‘ને વૈભવી ?’’ વસુમાના સવાલથી ઓરડામાં સોપો પડી ગયો. ક્યારનો ચૂપચાપ ઊભેલો રાજેશ અભયની નજીક આવ્યો અને એણે અભયના ખભે સહાનુભૂતિનો હાથ મૂક્યો.

‘‘અભયભાઈ, વૈભવીભાભીને અન્યાય ન થવો જોઈએ એવું તો હું પણ માનું છું.’’

‘‘મા...’’ પ્રિયા રડી રહી હતી, ‘‘આખી વાતમાં હું જ ગુનેગાર છું. બધું જાણતી હોવા છતાં... મેં જ...’’

‘‘બેટા, ઘણી બધી પરિસ્થિતિ આપણા હાથમાં નથી હોતી, પણ જયારે પરિસ્થિતિ આપણા હાથમાં ના રહે ત્યારે જાતને દોષ દેવો જરૂરી નથી જ.’’

‘‘હું જતી રહું તો બધું બરાબર થઈ જશે.’’ પ્રિયા એકદમ લાગણીવશ થઈ ગઈ હતી.

‘‘તને શું લાગે છે ?’’ અભય ઉશ્કેરાટમાં બેઠો થઈ ગયો. એણે પોતાનો એક હાથ પાંસળીના દુખાવા પર દબાવી રાખ્યો હતો, એનો અવાજ ઊંચો થઈ ગયો હતો, ‘‘તું મારી જિંદગીમાંથી ચાલી જઈશ એટલે હું વૈભવી પાસે પાછો જઈશ એમ માનતી હોય તો ભૂલ કરે છે અને આ આપણી જિંદગી છે, જવાનો નિર્ણય તું એકલી કેવી રીતે કરી શકે?’’

‘‘અભયભાઈ, શાંત થઈ જાવ.’’ રાજેશે અભયને પકડીને પાછો સુવાડી દીધો, ‘‘વૈભવીભાભીને અન્યાય ન થવો જોઈએ એ વાત સાચી, પણ એથી પ્રિયાને અન્યાય થવો જોઈએ એવું મેં નથી કહ્યું.’’

‘‘બેમાંથી એક જ રહી શકશેને અભયની સાથે ?’’ પ્રિયાએ આંખો લૂંછી નાખી અને સોંસરોઊતરી જાય એવો સવાલ પૂછ્‌યો, ‘‘તો એ એક કોણ ? હું કે વૈભવીબેન ?’’

‘‘મને લાગે છે પરિસ્થિતિ બહુ ગૂંચવાઈ ગઈ છે.’’ રાજેશે વસુમા સામે જોયું.

‘‘આવી ગૂંચવણભરી પરિસ્થિતિ હોય ત્યારે સામસામે બેસીને વાત કરવાથી નીવેડો લાવી શકાય.’’ વસુમાએ કહ્યું, ‘‘એ સિવાય બીજો કોઈ રસ્તો નથી બચતો.’’

‘‘હું સિંગાપોરથી આવીને વૈભવી સાથે વાત કરીશ.’’ અભય હજી પોતાની વાત પર મક્કમ હતો, ‘‘ડોક્ટરે કહ્યું છે, બે કલાકમાં રજા આપશે.’’

‘‘તને જેમ યોગ્ય લાગે તેમ કર બેટા, હું રોકીશ પણ નહીં અને જા એમ પણ નહીં જ કહું.’’ વસુમા સામે પડેલી એક ખુરશી ખેંચી એમાં ગોઠવાઈ ગયાં.

બે કલાક એમ જ , લગભગ વજનદાર મૌનનો બોજ ઊંચકતા પસાર થઈ ગયા હતા. વસુમા, રાજેશ અને અભય ઘરે જવા નીકળ્યાં.

પ્રિયાની ગાડીમાં પ્રિયા એકલી પોતાને ઘેર જવા નીકળી ત્યારે અભયે પ્રિયાને કહ્યું, ‘‘સાડા દસ વાગ્યે એરપોટર્ જવા માટે પીક-અપ કરીશ.’’

ઘરે પહોંચ્યા ત્યારે વૈભવી ડ્રોઇંગરૂમમાં સાવ એકલી અન્યમનસ્ક જેવી બેઠી હતી. અભયે એની સામે જોયું, પણ એને ખલેલ પહોંચાડવી યોગ્ય ના લાગતા ઉપર ચાલી ગયો. અભય બેગ પેક કરીને સાડા દસ વાગ્યે પગથિયા ઊતર્યો ત્યાં સુધી વૈભવી નીચે ડ્રોઇંગરૂમના સોફામાં બેસી રહી. પોતાના રૂમમાં ન જ ગઈ.

જાનકી અને અજય પણ પોતાના જ રૂમમાં જાણે આ ઘટનાના સાક્ષી ના બનવા માગતા હોય એમ ચૂપચાપ બેસી રહ્યા.

વસુમા પોતાના ઓરડામાં ઠાકોરજીના મંદિર પાસે બેસીને કશું અજુગતું ના બને એના માટે હાથ જોડીને પ્રાર્થના કરતાં રહ્યાં, ‘‘હે ઈશ્વર! મને જેમ સાચું લાગ્યું એમ કર્યું છે મેં. જાણું છું કે આખી વાતમાં વૈભવીને દુઃખ પહોંચશે, અને લગ્ન કોઈને દુઃખી કરવાના અધિકારો નથી આપતું એવું હું પહેલેથી માનું છું.’’

‘‘વસુ, વૈભવી અભયની પત્ની છે. આ ઘરની સૌથી મોટી વહુ - કુળવધૂ ! અભય જે કરે છે તે બરોબર તો નથી જ... લગ્ન એટલે વફાદારી, એકબીજાના થઈને જીવવાનું વચન...’’ એમના જ મને દલીલ કરી, ‘‘સૂર્યકાંત જ્યારે યશોધરા સાથે... ત્યારે તને દુઃખ નહોતું થયું ?’’

‘‘થયું હતું.’’ વસુમાએ સ્વસ્થતાથી પોતાના જ મનને જવાબ આપ્યો, ‘‘પણ વૈભવીએ આ પરિસ્થિતિ ઊભી કરવામાં ઓછો ફાળો નથી આપ્યો. લગ્નના લગભગ બે દાયકા સુધી અભયે ક્યારેય એનું અપમાન નથી કર્યું, એની તમામ ઇચ્છાઓ પૂરી કરી છે. એને સાચા હૃદયથી પ્રેમ કર્યો છે... પોતાની બધી જ જવાબદારીઓ નિભાવી છે.’’

‘‘એટલે ? અભયને હક મળી જાય છે ?’’ વસુમાની અંદરના સંસ્કાર, એમનો ઉછેર, એમનું વાંચન અને એમની બુદ્ધિએ વળતી દલીલ કરી, ‘‘વૈભવીએ અભય સાથે ખરાબ વર્તન કર્યું એટલે સામે અભયે બેવફાઇ કરવાની ? આ લગ્નેત્તર સંબંધ છે...’’

‘‘તો ?’’ વસુમાના મને અંદર ને અંદર જાત સાથે ચર્ચા ચાલુ રાખી, ‘‘ચોકીપહેરો, મહેણા-ટોણા અને ધાકધમકી સિવાય એમની વચ્ચે કઈ વાતચીતનો વ્યવહાર હતો ? જ્યાં ધાક હોય ત્યાં ધિક્કાર હોય...’’

‘‘પણ વસુ, આખીય વાતમાં વૈભવીએ શું કરવાનું ? એ આને નહીં સ્વીકારે તો... એણે જીવનભર આ અસ્વીકારની ચિતા ઉપર સળગતા રહેવાનું ?’’

‘‘સોમાંથી નવ્વાણુ યુગલોને કદાચ લગ્ન પછી તરત જ સમજાય છે કે એમણે ભૂલ કરી છે, પણ એમાંનાં નેવું સમજણ અને સમાધાન કેળવીને જીવી જાય છે. સુખ બહુ વિચિત્ર શબ્દ છે. બે લોકો કદાચ જુદી જુદી દિશામાં ચાલતા ચાલતા એટલા દૂર નીકળી જાય છે કે એકબીજાના સુખ વિશે વિચારવાનું પણ ભૂલી જાય છે. રણ રેતી પાથરીને ઊભાં ન કરી શકાય, રણ તો હતાં જ... પહેલાં પણ ને પછી પણ ! એકબીજાનું સુખ થઈને વરસવાનું ભૂલી જનાર યુગલ ધીરે ધીરે પોતાની વચ્ચે એ રણને લઈ આવે છે.’’

‘‘એટલે તું અભયના પક્ષમાં છે.’’

‘‘પક્ષ? અહીં બે પક્ષ જ ક્યાં છે ? એણે છેતરીને કશું નથી કર્યું, એટલો સંતોષ છે મને મારા ઉછેરનો.’’ વસુમા પોતાના જ મનની સામે જાણે પોતે જ યુદ્ધે ચડ્યાં હતાં, ‘‘સુખનો અધિકાર સૌનો છે. સમય બદલાયો છે એટલે બીજી સ્ત્રીને કાયદો ગુનો ગણે છે.’’

‘‘પણ સૂર્યકાંતે...’’

પોતાના જ મનને વસુમાએ ચૂપ કરી દીધું, ‘‘સૂર્યકાંત ચાલ્યા ગયા હતા પોતાનો પરિવાર અને જવાબદારી છોડીને, કંઈ કહ્યા વિના, હંમેશ માટે...’’ પછી મક્કમતાથી જાતને જ કહ્યું, ‘‘મારો દીકરો જવાબદારી નહીં છોડે. બે-ચાર દિવસ એ પોતાની જિંદગી જીવવા જાય છે, હું એને રોકીશ નહીં !’’ પછી એમણે હાથ જોડીને આંખો મીંચી દીધી. ક્યાંય સુધી એ એમ જ બેઠાં હશે, કોણ જાણે! અભયે એમના ઓરડાના દરવાજે આવીને કહ્યું, ‘‘મા !’’ અભય આગળ વધ્યો અને વસુમાને પગે લાગ્યો. વસુમાએ એના માથે હાથ મૂક્યો પણ એકેય અક્ષર ના બોલ્યાં. અભય ઊભો થયો. મા-દીકરો બંને એકબીજા સામે એક પળ માટે જોઈ રહ્યા. વસુમાની આંખોએ એ બધું જ કહ્યું જે અભયને સાંભળવું હતું...

અને અભયની આંખોમાં એ છલકાયું, જે એણે શબ્દોમાં વસુમાને કહેવાનું હતું !

અભય ઊંધો ફરીને સડસડાટ ડ્રોઇંગરૂમમાં આવ્યો. સોફામાં બેઠેલી વૈભવીની સામે એક ક્ષણ માટે ઊભો રહ્યો.

વૈભવી ઊભી થઈને અભયને ભેટી પડી, ‘‘ના જાઓ અભય...’’ એની આંખોમાં કદાચ સાચાં આંસુ હતાં.

‘‘છ દિવસમાં પાછો આવીશ વૈભવી, વિશ્વાસ રાખજે. મારું સરનામું...’’ એક ઊંડો શ્વાસ લઈને અભયે કહ્યું, ‘‘પરમેનન્ટ એડ્રેસ શ્રીજી વિલા છે અને શ્રીજી વિલા જ રહેશે.’’

‘‘તમે પ્રિયાને ક્યારેય...’’ વૈભવીનાં આંસુ અભયનું શર્ટ ભીંજવી રહ્યા હતા.

‘‘...નહીં છોડી શકું. પ્રિયા તારા જેટલી જ મારી જવાબદારી છે.’’ વૈભવીએ ધીમે રહીને અભયને છોડી દીધો.

અભય નીચે મૂકેલું હેન્ડ લગેજ ખભે લટકાવવા ગયો, પણ એને દર્દનો એક સબાકો આવ્યો. વૈભવીએ નીચા નમીને હેન્ડ લગેજ લઈ લીધો અને બહારની તરફ ચાલવા લાગી.

‘‘ક્યાં જાય છે ?’’ અભયે પૂછ્‌યું.

‘‘ઘરમાં ગાડી છે.’’ વૈભવીએ અભય સામે જોયા વિના કહ્યું, ‘‘અને ગાડી ચલાવી શકે એવી વ્યક્તિ પણ... ટેક્સીમાં જવાની જરૂર નથી. હું એરપોર્ટ મૂકી જાઉં છું.’’

‘‘પણ પ્રિયા...’’

‘‘એને પણ લેતા જઈશું.’’ વૈભવીની આંખોમાં હજી પાણી હતાં. અત્યાર સુધી મક્કમ રહેલા અભયની આંખો પણ આ સાંભળીને સહેજ ભીની થઈ ગઈ.

(ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED