Featured Books
શ્રેણી
શેયર કરો

જોકર – સ્ટૉરી એક લુઝરની – 65 (અંતિમ)

જોકર – સ્ટૉરી એક લુઝરની

ભાગ – 65 (અંતિમ)

લેખક – મેર મેહુલ

જૈનીતે વિક્રમ દેસાઈને ધરાશાય કરી દીધો હતો.નેહા શાહ કોણ હતી એ રહસ્ય હજી બહાર નહોતું આવ્યું પણ તેનાં વિશે જાણીને વિક્રમ દેસાઈના હોશ ઉડી ગયાં હતાં. જૈનીતે કોઈને કૉલ કરીને બોલાવી હતી.

સૌ દરવાજા પર મીટ માંડીને ઉભાં હતાં.થોડીવારમાં એક સ્ત્રી દરવાજામાંથી પ્રવેશી.એ કૌશલ્યાબેન હતાં.કૌશલ્યાબેન એટલે બીજું કોઈ નહિ પણ જૈનીતના બડી જ.વિક્રમ દેસાઈને કારણે જેઓના પર બે વર્ષ સુધી અત્યાચાર થયાં હતાં,અગાઉ જણાવ્યું હતું એ મુજબ સ્ત્રીઓનું સૌથી કિંમતી ઘરેણું તેનું સન્માન,તેની ઈજ્જત હોય છે.વિક્રમ દેસાઈએ જે છીનવી લીધું હતું.

તેઓ અંદર આવ્યાં ત્યારે કોઈની સાથે આંખો નહોતાં મેળવી શકતાં. જૈનીતે આગળની રાત્રે જ શંકરકાકાને ફોન કરી સુરત બોલાવી લીધાં હતાં.જૈનીત ઇચ્છતો હતો કે જેને કારણે તેનાં બડીની જિંદગી બરબાદ થઈ હતી,જેણે તેનાં પતિનાં મૃત્યુનું કારણ હતો એને એ પોતાનાં હાથે મારે.

અહીં એ જાણવું જરૂરી છે કે જૈનીતના પિતાની હત્યા અને તેનાં મમ્મીનું અપહરણ લાલજી પટેલના કહેવાથી થયું હતું પણ તેને આવું કરવાની સલાહ વિક્રમ દેસાઈએ આપી હતી. જેથી વિક્રમ દેસાઈ નિધિને મેળવી શકે.

કૌશલ્યાબેન જૈનીત પાસે આવીને ઊભા રહ્યાં.જુવાનસિંહે તેનાં હાથમાં રહેલી સર્વિસ રિવોલ્વર જૈનીતને આપી.જૈનીતે એ રિવોલ્વર કૌશલ્યાબેનને આપી અને મૌન ઉભો રહ્યો.કૌશલ્યાબેને આંખો બંધ કરી,પોતાનાં અતીતને યાદ કર્યો,પાછળના બે વર્ષમાં જે બન્યું હતું એ બધું યાદ કર્યું.

એ બધું યાદ આવતાં તેઓનું શરીર ધ્રૂજવા લાગ્યું.ગુસ્સાને કારણે તેઓની શ્વાસ લેવાની પ્રક્રિયા આપોઆપ તેજ થઈ ગઈ હતી.તેણે વિક્રમ દેસાઈ તરફ રિવોલ્વર તાંકી અને રિવોલ્વરમાં જેટલી ગોળીઓ હતી એ બધી વિક્રમ દેસાઈના શરીરમાં ભોંકી દીધી.

બે-ત્રણ ઝટકા સાથે વિક્રમ દેસાઈનું શરીર પ્રતિક્રિયા આપતું બંધ થઈ ગયું.વિક્રમ દેસાઈ મરી ચુક્યો હતો.રિવોલ્વરને દૂર ફેંકી કૌશલ્યાબેન જૈનીતને ભેટીને રડવા લાગ્યાં. જૈનીતની આંખોમાં પણ આંસુઓની ધારા વહી રહી હતી.બધા લોકોએ બંનેને રડવા દીધાં.ઘણાં સમયથી એક છોકરો તેની માતાની મમતા માટે તરસી રહ્યો હતો અને એક માતા તેનાં દીકરાને વહાલા કરવા માટે.

થોડી ક્ષણો પછી બંને જુદાં પડ્યા.કૌશલ્યાબેને વહાલથી જૈનીતના માથાં પર હાથ ફેરવ્યો અને બીજા લોકો જે તરફ ઉભા ત્યાં જવા ઈશારો કર્યો.

અહીં બધાના મનમાં એક સવાલ હતો,એ સવાલ નેહા શાહ વિશે હતો.કોણ હતી નેહા શાહ,જેનાં વિશે આજ સુધી જૈનીતે કોઈને કહ્યું નહોતું.જૈનીત એ લોકો પાસે પહોંચ્યો ત્યારે સૌ તેની સામે પ્રશ્નસૂચક નજરે જોઈ રહ્યા હતાં.

“હું જાણું છું તમે લોકો શા માટે મારી સામે આવી રીતે જુઓ છો”જૈનીતે કહ્યું.

“તો હવે જણાવી જ દે”મહેતાએ કહ્યું, “કોણ છે આ નેહા શાહ?”

“દોઢ વર્ષ પહેલાની વાત છે”જૈનીતે કહ્યું, “હું કોલેજેથી જોબ પર ગયો ત્યારે મારી ઑફિસમાં નેહાએ નવું જોઇનિંગ કર્યું હતું,થોડા દિવસોમાં એ મારી સારી દોસ્ત બની ગઈ”

ઘણીવાર એ કોઈને કહ્યા વિના જોબ પરથી જતી રહેતી અને અમારાં બોસ તેને કંઇ કહેતાં પણ નહીં,હું એને ક્યાં છે એ પૂછતો તો એ વાતને હસીમાં ઉડાવી દેતી,એક દિવસ ચોરીછુપે હું તેની પાછળ ગયો તો એ કોઈ હોટેલમાં ગઈ હતી અને એક કલાક પછી જ્યારે એ બહાર આવી એટલે હું તેની સામે જઈ ઉભો રહી ગયો.

એ દિવસે તેણે મને પોતાની કહાની કહી,એનાં કોલેજના સમયમાં એ અને વિક્રમ દેસાઈ એકબીજાનાં પ્રેમમાં હતા.વિક્રમ દેસાઈ તેની સાથે લગ્ન કરવા ઇચ્છતો હતો એટલે બંનેનું પ્રેમ પ્રકરણ બધી સીમાઓને વટાવી ચૂક્યું હતું.

એક દિવસે નેહાને વિક્રમ દેસાઈના કુકર્મો વિશે ખબર પડી ગઈ.એ સમયે વિક્રમ દેસાઈ કૉલેજના વિદ્યાર્થીઓને દારૂ અને ડ્રગ્સ સપ્લાય કરતો.નેહાની બદનસીબી એ રહી કે જ્યારે એને આ વાતની ખબર પડી ત્યારે તેનાં પેટમાં વિક્રમ દેસાઈનો અંશ પોષણ લઈ રહ્યો હતો.

નેહાએ વિક્રમ દેસાઈને વાત કરી ત્યારે તેણે નેહાને વૈશ્યા કહીને તરછોડી દીધી.નેહાએ તેને મનાવવાની કોશિશ કરી પણ વિક્રમ દેસાઈ એકનો બે ન થયો.

નેહાએ વિક્રમ દેસાઈને છોડી દીધો અને પોતાની નવી લાઈફ શરૂ કરી.પણ નસીબ નેહા પર નજર રાખીને બેઠું હતું.પોતાનાં સ્વાભિમાન માટે એ જ્યાં જોબ કરતી હતી ત્યાં તેની સાથે દુર્વ્યવહાર થયો અને એક સિલસિલો શરૂ થયો.જેમાં હેવાનીયતની દુર્ગંધ હતી,સ્ત્રીઓના શરીરને હેવાનો ગીધની જેમ ચૂંથતા.

સમય જતાં નેહાને ખબર પડી કે આ બધાં પાછળ બીજું કોઈ નહિ પણ એ જ વ્યક્તિ છે જેને એ અનહદ પ્રેમ કરતી હતી.એ પડી ભાંગી હતી.

બસ એ દિવસથી મેં વિક્રમ દેસાઈને બરબાદ કરવાનું નક્કી કરી લીધું હતું.

“નેહા અત્યારે ક્યાં છે?”મહેતાંએ પૂછ્યું.

“તમને જાણીને આશ્ચર્ય થશે કે એ હાલ તમારી સંસ્થામાં છે”જૈનીતે કહ્યું, “તમારી સંસ્થામાં કોઈ દીપ્તિ જોશી છે?”

“મતલબ એ દીપ્તિ….”મહેતાંની આંખો મોટી થઈ ગઈ.

“હા એ દીપ્તિ જોશી એ જ નેહા શાહ છે.મેં જ તેને તમારી સંસ્થામાં આવવા સલાહ આપી હતી”

સૌ જૈનીતને આશ્ચર્ય સાથે જોઈ રહ્યા હતાં. જૈનીતે આજે એ કામ કરી બતાવ્યું હતું જે અત્યાર સુધી કોઈ નહોતું કરી શકતું.

“જુવાનસિંહ તમારે આ ઘટનાને પોલીસ રેકોર્ડમાં આવવા નથી દેવાની”જૈનીતે કહ્યું, “તમે એન્કાઉન્ટર બતાવો કે અકસ્માત એ મને નથી ખબર પણ આજે સમાચારમાં જ્યારે આ ન્યૂઝ આવે ત્યારે આપણાં કોઈનું નામ શામેલ ન હોવું જોઈએ”

“એ બધું થઈ જશે,તું ચિંતા ના કર”જુવાનસિંહે કહ્યું.

“આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે,તેની ઉજવણી ધામધૂમથી થવી જોઈએ.પુરી સંસ્થાને શણગારી દો, મિષ્ટાન વહેંચો,સ્વાદિષ્ટ ભોજન બનાવો,આજે આપણાં માટે મોટો ઉત્સવ છે”મહેતાએ જાહેરાત કરતાં કહ્યું.

સૌ મહેતાની વાત સાંભળી ખુશ થઈ ગયા અને એકબીજાને શુભેચ્છાઓ પાઠવવા લાગ્યાં.જૈનીત પણ ઘણા સમય પછી આજે ખુશ હતો.તેણે આજે તેની બડી સાથે અન્ય યુવતીઓને મહિલા દિવસની જે ભેટ આપી હતી એ અમૂલ્ય હતી.

*

એ જ દિવસે સવારે ન્યૂઝ ચેનલમાં આ ઘટના બ્રેકીંગ ન્યૂઝ બની ગઈ હતી અને ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે સેક્સ રેકેટ પરથી પડદો હટાવી એક સાથે 450 મહિલાઓને બંધનમાંથી મુક્ત કરી’ એવી હેડલાઈન સાથે આ વાત સુરત શહેર સાથે પૂરાં ભારતભરમાં ફેલાય ગઈ હતી.

કેટલાક ન્યૂઝ ચેનલવાળા આ ઘટનાને એક પોલિટિકલ સ્ટંટ ગણાવતાં હતાં તો ઘણાં ન્યૂઝ ચેનલવાળા એક રેસ્ક્યુ ઓપરેશન કહેતાં હતા પણ આ ઘટના પાછળ કોણ છે એ સત્તાવાર રીતે કોઈ નહોતું જાણતું.

*

આ ઘટના બની તેને પંદર દિવસ થઈ ગયાં હતાં.સાંજનો સમય હતો,સૂરજ ક્ષિતિજ રેખા વટાવી ચુક્યો હતો.ઉનાળાનો અંત થવા પર હતો અને ચોમાસાનું વાજતેગાજતે આગમન થઈ રહ્યું હતું.આજે જ સુરત શહેરમાં માવઠું થયું હતું એટલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

‘The Joker’ બંગલામાં જુનાં ગીતો બેકગ્રાઉન્ડમાં વાગી રહ્યા હતાં.બગીચામાં ચાર લોકો બેસીને કૉફીની લિજ્જત માણી રહ્યા હતા.એ ચાર લોકોમાં ખુશાલ, ક્રિશા, નિધિ અને જૈનીત શામેલ હતાં.ચારેય લોકો વચ્ચે એક મુદ્દા પર ચર્ચા થઈ રહી હતી.

“એક મહિના પછીનું મુહૂર્ત સૌથી શ્રેષ્ઠ છે”જૈનીતના હાથમાં પંચાંગ હતું.તે ક્યારનો તેમાં નજર ફેરવી રહ્યો હતો.

“આપણે જપ તો નહીં કરવા પડેને?”ક્રિશાએ હસીને પૂછ્યું.

“ના,જ્યાં બે આત્માનું મિલન થતું હોય ત્યાં એકપણ ગ્રહ અડચણ રૂપ નથી બનતો”જૈનીતે પંચાંગને બાજુમાં રાખીને કહ્યું, “મારાં પપ્પા કોઈની પાસે જપ ના કરાવતાં”

“તો પછી એક મહિના પછી એક સાથે લગ્ન કરી લઈએ”ખુશાલે કહ્યું.

“વિચાર સારો છે પણ મેં અને નિધીએ બીજું કંઈક વિચાર્યું છે”જૈનીતે નિધિ તરફ જોઈ સ્મિત કરતાં કહ્યું.

“હું તો તૈયાર જ હતી”નિધીએ બંને હાથ ઊંચા કરીને કહ્યું, “ પણ જૈનીતે મારો વિચાર બદલી નાંખ્યો”

“અમે બંને ‘પ્રજ્વલા સંસ્થા’માં રહેવા ઇચ્છીએ છીએ”જૈનીતે ચોખવટ પાડતાં કહ્યું, “હવે એ જ અમારું ઘર છે અને એ લોકો જ અમારો પરિવાર”

“વિચાર સારો છે”ખુશાલે કહ્યું, “જરૂર પડે અમે પણ આ સેવાનો લાભ ઉઠાવીશું”

“તો તમારાં લગ્નની તારીખ નક્કી કરી લઈએ?”જૈનીતે પૂછ્યું.

“અમારાં નહિ આપણાં”ક્રિશાએ મોં બગાડીને કહ્યું, “તમે બંને લગ્ન કરો ત્યારે જ અમે પરણીશું ત્યાં સુધી આ લગ્ન પેન્ડિંગ રાખો”

“ક્રિશા જિદ્દી છે જૈનીત”ખુશાલે હસીને કહ્યું, “કોઈ પણ રીતે પોતાની વાત મનાવીને જ છોડશે”

“તને તો હું એ પછી પણ નહીં છોડું”ક્રિશાએ ખુશાલ તરફ જોઈ આંખ મારીને કહ્યું.

“તું ચૂપ રે અત્યારે”ખુશાલે ક્રિશાનાં માથે ટપલી મારીને કહ્યું.

આ જોઈ નિધિ અને જૈનીત હસવા લાગ્યાં.

“મને એક સવાલનો જવાબ આપ જૈનીત”ક્રિશાએ કહ્યું, “તને આ કાર્ય કરવાની પ્રેરણા ક્યાંથી મળી?”

“મારી પ્રેરણાનો મુખ્ય સ્ત્રોત નિધિ જ રહી છે” જૈનીતે નિધિને જોઈને સ્મિત કર્યું, “અને બીજીવાત,ભવ્ય સાંસ્કૃતિક વારસો ધરાવતાં ભારતમાં બળાત્કારનાં કેસ વધી રહ્યા છે,ટાઈમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ મુજબ ભારતમાં એક દિવસમાં 90 બળાત્કાર થાય છે,મતલબ દર પંદર મિનિટે એક યુવતી બળાત્કારનો શિકાર થઈ રહી છે,આ રેશિયો ગયાં વર્ષ કરતાં બે ગણો થઈ ગયો છે, ગયાં વર્ષે ટાઈમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલમાં જ દર ત્રીસ મિનિટે એક બળાત્કાર થવાની વાત હતી.બળાત્કાર એ ભારતમાં મહિલાઓ સામે ચોથો સૌથી સામાન્ય ગુનો છે.

આપણે જ્યારે બળાત્કાર થયાનાં સમાચાર સાંભળીએ ત્યારે સોશિયલ મીડિયામાં #_justice, #_hanging_repist ના સ્ટેટસ રાખીએ છીએ અને બે દિવસમાં બધું ભૂલી જઈએ છીએ.આગળ આવું કંઈ ના થાય એનાં માટે કોઈ આગળ આવતું જ નથી.

બળાત્કાર જેવા કિસ્સામાં તો અદાલત દ્વારા પીડિતને ન્યાય મળી રહે છે પણ જ્યારે યુવતીઓને બ્લેકમેઇલ કરવામાં આવે છે અને તેની મજબૂરીનો લાભ ઉઠાવવામાં આવે છે ત્યારે એ કેસ સરકારનાં એકપણ ચોપડામાં નોંધાતાં નથી.

હવે આપણે સરકાર પગલાં ભરે અને કંઈક થાય એની રાહ જોઈએ તો ક્યારેય આ ગંદકી સાફ નથી થવાની માટે એક જવાબદાર નાગરિક તરીકે આપણી આજુબાજુમાં આવી ઘટના બની રહી હોય તો નીડર બનીને એને રોકવી જોઈએ.જો હવે આ સમસ્યાનો ઉકેલ લાવવામાં મોડું થશે તો એ સમય પણ દૂર નથી જ્યારે આ ગંદકી બારણાં સુધી પહોંચી જશે.

બસ આ જ વિચારો સાથે મેં મારાથી શરૂઆત કરી.હું કોઈને સલાહ આપીને જવાબદારીઓમાંથી છૂટવા નહોતો માંગતો માટે મેં જ પહેલ કરી.”

“આપણી આસપાસ આવી અનેક ઘટનાઓ બનતી રહે છે” નિધીએ કહ્યું, “આવી ઘટનાનો ભોગ બનનાર યુવતીઓ ક્યારેક મજબૂરી,ક્યારેક સમાજનાં ડરને કારણે તો ક્યારેક પોતાની ઈજ્જતની બીકથી પણ ચૂપચાપ સહન કરતી રહે છે,જેના કારણે વિક્રમ જેવા માણસો એનો લાભ ઉઠાવે છે પણ જો નીડરતાથી તેમનો સામનો કરવામાં આવે તો વિક્રમ જેવા માણસો પેદા જ ન થઈ શકે.

હજી તો એક વિક્રમ દેસાઈ ખતમ થયો છે પણ વિશ્વમાં આવા અનેક વિક્રમ ક્યાંક કોઈ ખૂણે અનેક યુવતીઓનું જીવન બરબાદ કરી રહ્યા હશે, માટે આવા તત્વો સામે જુકવું ના જોઈએ અને નીડરતાથી તેમનો સામનો કરવો જોઈએ, તેમની સામે ઝુકવાથી જ તેમની તાકાત વધતી હોય છે”

“સાચી વાત છે”ક્રિશાએ કહ્યું, “હું જ્યારે હાયર સ્કૂલમાં હતી ત્યારે મારા ક્લાસની એક છોકરી સાથે સ્કુલના જ એક સર દ્વારા એની જાતીય સતામણી થતી હતી,છોકરીના પપ્પાનો સ્વભાવ ખૂબ કડક હતો અને તેના મમ્મી હતા નહિ આથી તે કોઈને કઈ કહી નહોતી શકતી, એક દિવસ કંટાળીને તે સ્યુસાઇડ કરવા જતી હતી પણ મારી નજર પડતા મેં તેને રોકી લીધી.

તેની વાત જાણ્યા પછી મેં તેને હિંમત આપી અને એ સરનો સામનો કરવા કહ્યું,બીજા દિવસે તેણે બહાદુરીથી એ સરનો સામનો કર્યો અને તેને આખી સ્કૂલ સામે એક્સપોઝ કર્યો,એ દિવસે તે ખુબ ખુશ હતી અને દિલથી તેને મારો આભાર વ્યકત કર્યો.

ત્યારે મને અહેસાસ થયો કે મેં તો માત્ર તેને હિંમત જ આપી હતી,આપણો નાનો એવો સપોર્ટ પણ કોઈને આવી મુશ્કેલીથી બચાવી શકે છે, એટલે જ જ્યારે મેં તમારા લોકોના આ મિશન વિશે વાત જાણી કે તમે એક નહિ પણ અનેક યુવતીનું જીવન બચાવાનું કાર્ય કરો છો ત્યારે જ મેં તમારો સાથ આપવાનું નક્કી કરી લીધું હતું”

“મને એક વાત હજી નથી સમજાતી”ક્રિશાએ અટકીને કહ્યું, “હસમુખ પટેલની શું ગુંથી છે?,આ હસમુખ પટેલ એ મારાં અંકલ છે એ જ કે બીજું કોઈ છે?”

“એમાં પણ એક રહસ્ય છુપાયેલું છે”જૈનીતે કહ્યું, “હસમુખ પટેલ કોણ છે એ તો ખબર નથી પણ સમાચાર મળ્યા છે કે વિક્રમ દેસાઈએ તેને અમદાવાદ મોકલી દીધો હતો અને તેની ચિંતા કરવાની જરૂર નથી,થડ કપાઈ ગયું છે તો ડાળી એકલી શું કરશે?”

“હા એ વાત પણ છે”ક્રિશાએ કહ્યું.

“તે દિવસે તું જૈનીતની લાઈફ પર બાયોગ્રાફી લખવાની વાત કરતી હતી,જો તું આ સ્ટૉરી લખે તો લાખો લોકો સુધી આપણો મૅસેજ પહોંચશે”ખુશાલે વાત બદલતાં કહ્યું.

“હા એ તો જૈનીતની પરમિશન લઈને હું લખવાની જ છું પણ….”ક્રિશાએ વાક્ય અધૂરું છોડી દીધું.

“જો તું આપણે જે વાત કરી રહ્યા છીએ એ સંદેશો લોકો સુધી પહોંચાડવા ઇચ્છતી હોય તો મને કોઈ પ્રોબ્લેમ નથી”જૈનીતે કહ્યું.

“પ્રોબ્લેમ એ નથી”ક્રિશાએ કહ્યું, “આપણે સ્ટોરીનું નામ શું રાખીશું?”

થોડીવાર બધાં વિચારમાં પડી ગયાં. ખુશાલને એક નામ યાદ આવ્યું, “જૈનીત અને નિધિની લવ સ્ટૉરી કેવું રહેશે?”

“ના,કંઈક યુનિક હોવું જોઈએ જેમાં પુરી સ્ટોરીનો સાર આવી જાય”ક્રિશાએ કહ્યું.

“મિશન જોકર”નિધીએ સૂચન કરતાં કહ્યું.

“હા એ રાખી શકાય”ક્રિશાએ કહ્યું, “પણ તેમાં માત્ર મિશનની જ વાત આવે.મારે તમારી બંનેની લવ સ્ટૉરી પણ એડ કરવી છે”

“જો તારે પરફેક્ટ નામ જોઈતું હોય તો જૈનીત જ પુછવું પડશે”ખુશાલે હસીને કહ્યું.

“બોલ જૈનીત શું નામ રાખવું જોઈએ તારી બાયોગ્રાફીનું” ક્રિશાએ જૈનીત સામે જોઇને નેણ નચાવ્યાં.

જૈનીતે એક રહસ્યમય સ્મિત કર્યું, ઊભાં થઈ બાજુમાં રહેલી પોતાની ડાયરી હાથમાં લીધી અને ક્રિશાનાં હાથમાં આપી.ક્રિશાએ ઝડપથી ડાયરી લઈ પહેલું પેજ ખોલ્યું.તેમાં લખ્યું હતું, જૉકર – સ્ટૉરી એક લુઝરની.

(સમાપ્ત)

કોઈ વ્યક્તિના અંગત જીવનને ધ્યાનમાં લઈને મેં કશું નથી લખ્યું માટે જો કોઇના અંગત જીવનને લગતું આ સ્ટોરીમાં લખાય ગયું હોય તો માફ કરી દેજો.આ સ્ટૉરી લખવાનો હેતુ માત્ર મનોરંજન પૂરું પાડવાનો હતો. મનોરંજન સાથે એક મૅસેજ પણ આપવાની મેં કોશિશ કરી છે.

કોન બનેગા કરોડપતિનાં એક એપિસોડમાં જ્યારે કરમવીર સુનિતાબેન કૃષ્ણન આવ્યાં હતાં તેઓને સાંભળીને મને આ મૅસેજ મળ્યો હતો.તેઓ જે કાર્ય કરી રહ્યા છે બિરદાવવા લાયક છે અને જરૂર પડે ત્યાં આપણે તેની સાથે પણ ઉભા રહીશું.

અંતે સ્ટૉરી કેવી લાગી એનાં રિવ્યુ જરૂર આપજો.

-મેર મેહુલ

Contact - 9624755226