શિક્ષણ અને સંતાપ - દિવ્યેશ ત્રિવેદી Smita Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શિક્ષણ અને સંતાપ - દિવ્યેશ ત્રિવેદી

અમારા ગામથી દસ-બાર કિલોમિટર દૂર અંતરિયાળ વસેલા ગામના જીવરાજ ભગતની વાત સાંભળવા જેવી છે. જીવરામ ભગત અને એમના નાના ભાઈ પુરુષોત્તમભાઈ એક જ ઓરડામાં વર્ષોથી સાથે રહે છે અને બાપ-દાદાની જમીન ખેડે છે. સાંજનાં સમય ભજન-ભક્તિમાં વિતાવે છે. એમને એક જ દીકરો છે, લાભુ. દીકરાના જન્મ પછી લાભુની મા સ્વર્ગે સિધાવી અને લાભુને પુરુષોત્તમભાઈ અને એમનાં પત્નીએ ઉછેર્યો. પુરુષોત્તમભાઈને ત્રણ દીકરા અને એક દીકરી છે. લાભુને એમણે દીકરા તરીકે જ ઉછેર્યો છે. જીવરાજ ભગતને આ એકનો એક દીકરો હતો. એથી એમને એને ભણાવવાની ઈચ્છા થઈ. બધાના કહેવાથી એમણે લાભુને ભણાવ્યો. લાભુ કૃષિ મહાવિદ્યાલયમાંથી ભણીને આવ્યો અને એણે ખેતીમાં પોતાની બુદ્ધિ લગાવી ઉપરાઉપરી રોક્કડિયા પાક લીધા અને ખૂબ પૈસા કમાયો.

થોડા વખત પછી લાભુએ કાચા મકાનની જગ્યાએ પાકું મકાન બનાવ્યું. પુરુષોત્તમભાઈએ પોતાના ત્રણ દીકરાઓને ગામમાં થયેલી નાની નિશાળમાં ચાર ધોરણ સુધી ભણાવીને ઉઠાડી લીધા. જીવરામ ભગતે લાભુના લગ્ન કર્યા અને વહુ આવી એટલે લાભુએ પાકા બાંધેલા મકાનમાં બે ભાગ કર્યા અને એક ભાગ કાકા પુરુષોત્તમભાઈને રહેવા આપ્યો. આટલા વર્ષો સુધી એક જ રસોડે જમ્યા પછી અને સાથે જ રહ્યા પછી બાજુ બાજુમાં જ અલગ રહેવાની વાત જીવરામ ભગતને અને પુરુષોત્તમભાઈને રુચિ નહીં છતાં નવા જમાનાની તાસીર છે એમ સમજીને બંને ભાઈઓએ આ દુઃખ સહન કરી લીધું. પરંતુ હવે જીવરામ ભગતનું હૃદય દીકરાની વાત સાંભળીને ભાંગી ગયું છે. લાભુ જમીનમાં ભાગ પાડવાની વાત કરે છે, જીવરામ ભગતને એ મંજૂર નથી. પરંતુ બે ભાઈઓ વચ્ચે મન ઊંચા ન થાય એવી ગણતરીથી પુરુષોત્તમભાઈએ વાત મંજૂર રાખી છે. જીવરામ ભગત જમીનના ભાગ પાડવા કમને મંજૂર તો થયા, પરંતુ ખેતરમાં આવેલા કુવાનો પુરુષોત્તમભાઈ પણ ઉપયોગ કરી શકે એવો એમનો આગ્રહ હતો. લાભુનું કહેવું હતું કે કાકાએ એમના ખેતરમાં આગવો કુવો ખોદાવી લેવા જોઈએ. લાભુ મોટરસાયકલ લાવ્યો છે અને હવે ટ્રેક્ટર લાવવા વિચારે છે. નાનકડા ગામમાં આજે એ સૌથી સમૃદ્ધ ખેડૂત બની ગયો છે. પરંતુ જીવરામ ભગત આ સમૃદ્ધિથી સુખી નથી એમનો જીવ રાત દિવસ બળે છે, ભજન કીર્તનમાં પણ મન લાગતું નથી. એક દિવસ ગામના ચોરે બંને ભાઈ ભેગા થઈ ગયા. જીવરામ ભગત પુરુષોત્તમભાઈ પાસે રડી પડ્યા અને વ્યથિત થઈને બોલી પડ્યા, “મારે આ જ દિવસ જોવાના હતા તો ભગવાને મને પણ લાભુની મા ભેગો ઉપાડી લેવો હતો, સાચું કહું તો મને મારા હાથના કર્યા હૈયે વાગ્યા છે. મેં લાભુને ભણાવીને બહુ મોટી ભૂલ કરી છે. ભણતર સીધા સાદા માણસને આવો સ્વાર્થી અને લાલચુ બનાવી દેતું હશે એની મને ખબર નહીં. મારું ચાલે તો હું બધી નિશાળ અને બધી કોલેજો બંધ કરાવી દઉં. હું અને તું કશું ભણ્યા નથી છતાં છે કઈ ચિંતા? હું તો બધા મા-બાપને વિનંતી કરીશ કે તમારાં છોકરાને ભણાવશો જ નહીં.”

જીવરાજ ભગતની વાત સાંભળીને કદાચ આપણને હસવું આવે પરંતુ એમની વ્યથાનો વિચાર કરવા જેવો છે. કેરળ જેવા રાજ્યમાં આજે એક માણસ અશિક્ષિત નથી એ વાતનું આપણે ગૌરવ લઈએ છીએ અને તેનું અનુકરણ કરવાના પ્રયત્ન કરીએ છીએ. આપણે ઈચ્છીએ છીએ કે એક પણ વ્યક્તિ અભણ ન રહે. આપણે સાર્વત્રિક મંત્ર જપીએ છીએ પરંતુ આપણે જે શિક્ષણ આપીએ છીએ તે છેવટે કેવા પરિણામો લાવે છે, એ વિચારતા નથી. જીવરામ ભગતનો દીકરો લાભુ ભણીને તૈયાર થયો અને કુશળ ખેડૂત બન્યો. પરંતુ સાથે સાથે જીવરામ ભગતનો નાનકડો માળો પણ એ જ શિક્ષણના પ્રતાપે પીંખાઈ ગયો. જીવરામ ભગતની વ્યથા આપણને શિક્ષણ પાછળની ગાંડી દોટમાં સહેજ અટકીને વિચારવા મજબૂર કરે છે.

થોડું વિચારીએ તો લાગે છે કે, લોકો મોટી સંખ્યામાં શિક્ષિત થઈ ગયા છે એને કારણે જ મોટા ભાગની સમસ્યાઓ સર્જાઈ છે. આપણે જેને સમજદાર કહીએ છીએ એવા લોકો સાર્વત્રિક શિક્ષણ યુનિવર્સલ એજયુકેશનની હિમાયત કરે છે. કોઈને ભણવું હોય કે ન ભણવું હોય એની કોઈ ચિંતા કરતું નથી. ચારે તરફ એવી ગળાકાપ સ્પર્ધા જામી છે કે, ભણ્યા વિના એ સ્પર્ધામાં ટકી રહેવાનું મુશ્કેલ બન્યું છે. પરંતુ આપણે શિક્ષણનું જે માળખું રચ્યું છે એમાં તો માણસનું દિમાગ ચકચકતું બનવાને બદલે કાટ ખાવા માંડ્યું છે. માણસ એ જ શિક્ષણના પ્રતાપે પોતાની સહજતા અને સરળતા ગુમાવતો ગયો છે. એની બધી સૌમ્યતા અને સંવેદનશીલતાનું સ્થાન કઠોરતાએ લઈ લીધું છે. એ હૃદયને બદલે બુદ્ધિથી જીવવા લાગ્યો છે.

થોડું વધુ વિચારીએ તો સમજાય છે કે સરેરાશ શિક્ષિત માણસ બીજાનું વધુમાં વધુ શોષણ કઈ રીતે થઈ શકે એ જ વિચારે છે. જેટલું વધુ ભણેલો માણસ હશે એ એટલી વધુ વ્યક્તિઓ શોધી કાઢશે જેથી અને પોતાને ઓછામાં ઓછું કામ કરવું પડે અને એના માટે બીજા લોકો કામ કરે તથા એના મહત્તમ લાભ એને મળતા રહે. એની સાથે સાથે જ શિક્ષિત માણસ સહજતા અને સરળતાથી દૂર જતો રહીને ચાલાક બનવા માંડે છે. આ ચાલાકી સ્વાર્થનું સર્જન કરે છે. શ્રમનો મહિમા એ ભૂલી જાય છે. શ્રમ કર્યા વિના બધા જ લાભ મેળવી લેવાની વૃત્તિ દિવસે અને દિવસે વધુ બળવાન બનતી જાય છે. મહેનત કર્યા વિના લાભ ઉઠાવવો એ શુદ્ધ અર્થમાં ચોરી જ છે. એટલે જીવરામ ભગત જેવાને શિક્ષણ માણસને ચોરી શીખવે છે એવું લાગે તો એમનો વાંક કાઢી શકાય નહીં.

શિક્ષણની સાથે સાથે જ અનિવાર્યપણે મહત્વાકાંક્ષા આવે છે. જીવરામ ભગત અને એમના ભાઈ સુખેથી રહેતા હતા અને આનંદ કરતા હતા. એમને પાકા મકાનની, મોટર સાઈકલની, ટ્રેક્ટરની કે રોકડિયા પાક લેવાની સહેજ પણ મહત્વાકાંક્ષા નહોતી. પરંતુ લાભુને તો હજુ વધુ કમાવવું હતું. સમૃદ્ધ થવાની મહત્વાકાંક્ષા તરત જ પ્રેમની લાગણીનો ભોગ લે છે. મહત્વાકાંક્ષા જાગે એટલે પ્રેમ, સમર્પણ અને જીવનની બધી જ સુંદરતાનું બાષ્પીભવન થઈ જાય છે એને તો માત્ર રૂપિયા અને સાધન-સંપત્તિનો હિસાબ જ દેખાય છે. હિસાબની ચોપડીમાં કદી પ્રેમની કે સમર્પણની કવિતા નથી હોતી.

વીસમી સદીના એક ચિંતક ડી. એચ. લોરેન્સે એક વખત કહ્યું હતું કે સો વર્ષ માટે બધી સ્કૂલો, કોલેજો અને યુનિવર્સિટીઓને તાળાં મારી દેવા જોઈએ. સો વર્ષ માટે માણસને કોઈ જ ઔપચારિક શિક્ષણ આપવું જોઈએ નહીં. પાછલાં આઠ-દસ હજાર વર્ષ દરમિયાન માણસના મનનાં કાગળ પર જે ચિતરામણ કર્યું છે, એ સો વર્ષના વરસાદમાં ધોવાઈ જાય. ખેડૂતો જેમ ચાર પાંચ વર્ષ ખેતરમાં ઉપરાઉપરી પાક લીધા પછી કમ સે કમ છ મહિના અથવા એક સીઝન માટે ખેતરમાં પાક લેવાનું છોડી દે છે, જેથી જમીન પુનઃ ઉર્જાનો સંચય કરીને તાજગી પ્રાપ્ત કરી શકે. એવું જ શિક્ષણની બાબતમાં કરવા જેવું છે. સો વરસ માટે માણસને શિક્ષણની જંજાળથી મુક્ત કરી દેવામાં આવે તો માણસ પોતાના મૂળ સ્વભાવ પર કદાચ આવી જાય. સરળતા, સંવેદનશીલતા અને સહાનુભૂતિ જેવા લક્ષણો ફરી પ્રગટ થાય. માણસના મનમાંથી શોષણ અને ચોર્યવૃત્તિ દૂર થાય તો પછી રાજકીય રીતે અને સમાજવાદ કે મૂડીવાદ જેવા કૃત્રિમ વ્યંજનોની જરૂર ન રહે. લોકો બહુ ઝડપથી અને બહુ ઓછી જરૂરિયાત વડે સંતોષનો અનુભવ કરી શકે, કુદરત પાસે માણસની પાયાની જરૂરિયાતને સંતોષવા માટે પુરતા સાધનો છે એ ભૂલવા જેવું નથી.

ચીનમાં માઓએ ‘સાંસ્કૃતિક ક્રાંતિ’ દરમિયાન થોડા સમય માટે આવો જ એક પ્રયોગ કર્યો હતો. શિક્ષણ સંસ્થાઓ બંધ કરી દીધી હતી. પરંતુ એની પ્રજામાં જ પરિવર્તનનો અણસાર આવ્યો એ માઓને પણ ભડાકાવી દે તેઓ હતો. એટલે જ માઓએ ‘ગ્રેટ લિપ ફૉર્વર્ડ’ પછી ‘ગ્રેટ લિપ બેકવર્ડ’નો આદેશ આપવો પડ્યો. જો એ પ્રયોગ લાંબો ચાલ્યો હોત તો કદાચ એના જુદા જ પરિણામો જોવા મળ્યા હોત.

આજનું શિક્ષણ જે કંઈ આપે છે એનું એક પરિણામ એ આવ્યું છે કે સરેરાશ માણસનું મન મહત્વાકાંક્ષાની દોડમાં અશાંતિગ્રસ્ત થઈ ગયું છે. શિક્ષિત માનવીનું મન અવનવા વિચારોથી ઘેરાયેલું રહે છે. વિચારેલું વાવાઝોડું શાંતિનું દુશ્મન છે આ વાત છેક યુદ્ધ સુધી પહોંચે છે. એ વાત આપણને સમજાતી નથી. એક પછી એક શક્યતાઓને તપાસતા જઈએ તો છેક છેલ્લે યુદ્ધના મૂળમાં શિક્ષણ જ કારણભૂત હોય છે.

હજુ જગતમાં એવી કેટલીક આદિવાસી જાતિઓ જીવે છે જેમને શિક્ષણનો કોઈ પરિચય નથી. એમના જીવનમાં ગજબનો સંતોષ છે. કદી ઝઘડા નથી થતા એમનામાં ખળખળ વહેતા ઝરણાં જેવો નિર્મળ પ્રેમ સદા વહેતો અનુભવાય છે. આવી પ્રજા કોઈ બુદ્ધિ પેદા નથી કરી શકી એ કબૂલ પણ એમણે આપણા શિક્ષિત સમાજો જેવું કોઈ યુદ્ધ પણ કદી કર્યું નથી.

ગાંધીજી કહેતા હતા કે શિક્ષણ તો હૃદયની કેળવણી હોવું જોઈએ પરંતુ આપણે તો શિક્ષણને બુદ્ધિનો દાવપેચ બનાવી દીધું છે. મહર્ષિ અરવિંદ શિક્ષણને ઉર્ધ્વગામી બનાવવાના મતના હતા. આપણું શિક્ષણ તો પતનની ખાઈઓ જ ખોદે છે. મનોવિજ્ઞાન કહે છે કે અનુભવ દ્વારા વર્તનમાં પરિવર્તન લાવે એનું જ નામ શિક્ષણ. આપણે તો મનોવિજ્ઞાનની આ સમજૂતીને પણ શીર્ષાસન જ કરાવ્યું