કૂબો સ્નેહનો - 48 Artisoni દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કૂબો સ્નેહનો - 48

🌺 આરતીસોની 🌺
પ્રકરણ : 48

જીવાઈ રહેલી ચઢાવ ઉતાર ભરી ક્ષણોમાં બે શબ્દ વચ્ચે કશું નહીં લખાયેલી સ્પેસમાં પોતાની જગ્યા શોધીને મલકાતા રહેવું એ એક સુલેખન કળા છે.. સઘડી સંઘર્ષની......

❣️કૂબો સ્નેહનો❣️

દિક્ષા અને અમ્મા હૉસ્પિટલ જવા નીકળ્યાં. પાંચ-પાંચ છ-છ લેનના મોટા રોડ અને એક એક્ઝિટમાંથી બીજી એક્ઝિટમાં સડસડાટ નેવુંથી સૉની માઇલે કાર ડ્રાઇવ કરી રહેલી દિક્ષાને અમ્માએ ગભરાઈને ધીમેથી ચલાવવા કહ્યું,
"દિક્ષા વહુ ધીરેથી ચલાવો.. આટલી બધી જડપે ચલાવવાથી અકસ્માત થઈ જાય !!"

"અમ્મા.. અહીં તો અમુક સ્પીડે કાર ચલાવવી જ પડે, નહિંતર એક્સિડન્ટ થઈ શકે છે.. અને બહુ ધીરે ધીરે ચલાવવાથી પોલીસ ઊભા રાખી ટિકિટ આપે અને ઉલ્ટાનો દંડ ભરવો પડે.."

"અરે બાપરે.. એ જબરું.. ધીમે ચલાવવાનો દંડ?"

"હા અમ્મા.. અહીંના કાયદા બહું વિચિત્ર છે.. ત્રણ ટિકિટ પછી કોઈ રુલ તોડીએ પછી તો ટિકીટ નહીં પણ, ડ્રાઇવિંગ લાયન્સ જ કૅન્સલ કરે આ લોકો.."

અમ્માને આવી ઝાકમઝોળ અને જોખમ ભરી લાઇફથી થોડું અડવું ફીલ થઈ રહ્યું હતું. એમના મનમસ્તિષ્કમાં તો અનેક પ્રકારના વિચારો એકબીજા સાથે અથડાઈ રહ્યાં હતાં. પણ વિરાજની જ પસંદ કરેલી આ ભૂમિ પર અત્યારે તો પોતાની જાતને સંભાળીને વિરુને બેઠો કરવામાં ધ્યાન કેન્દ્રિત કરવું એ જ લક્ષ્ય રાખવું યોગ્ય છે એ એમની સમજદારી હતી.

કારના વિન્ડો ગ્લાસ પર ચઢતાં તડકાને ઢાંકવા છૂંદણાં ત્રોફાવેલા હાથની હથેળી પર માથું ટેકવી માયામી શહેરના મસમોટા રસ્તાઓની સાઇડની ભરપૂર ગ્રીનરીને અમ્મા નીહાળી રહ્યાં. દૂર સુધી સળંગ કાળા પટ્ટા ભાસી રહેલા ડામરના રોડ, આંખોને હાથતાળી દઈને ક્યાંય પાછળ નીકળે જતાં હતાં. બ્રિજ પરથી પસાર થતાં દૂર દરિયા વચ્ચો વચ્ચે લાગરેલા મોટા મોટા જહાજો અને કિનારાના તોતિંગ બિલ્ડીંગો ઉડીને આંખે વળગતાં હતાં.

બીજી બાજુ દિક્ષાના વિચારોમાં ચિંતાભર્યું વાદળ એના ખોળે આવી અનેક પ્રશ્નો સાથે ઘેરાઈ વળ્યું હતું. 'વિરુનું લવ પ્રકરણ અમ્માથી છુપાવીને શું હું કોઈ ભૂલ તો નથી કરી રહી ને? શું વિરુને અમ્મા માફ તો કરશે ને?

'ફરીથી પહેલાં જેવો જ પ્રેમ, શું હું વિરુ તરફથી પામી શકીશ?? એમના જીવનમાં મારું કોઈ સ્થાન રહેશે કે નહીં? આખી જિંદગી સિંગલ સાઇડ લવ સ્ટોરી માફક હું જીવન વિતાવી શકીશ?'

'વિરુની ફક્ત યાદોને સહારે આયુષ-યેશાને સહારે શું હું મારું જીવન ખરેખર વ્યતિત કરી શકીશ? વિરુ વિના આ જન્મારો કાઢવો મુશ્કેલ તો છે જ પણ અમ્માને ન બતાવવું એ મૂર્ખામી નથી? અમ્મા પોતાના સંસ્કાર અને સંસ્કૃતિ ભૂલી શું પશ્ચિમની આ ગંદી લીલાઓને અપનાવી શકશે?'

કંઈ કેટલાય પ્રશ્નો સાથે એને ચિંતા કોરી ખાવા લાગી હતી.

હૉસ્પિટલના પાર્કિંગમાં બ્રેક વાગતાની સાથે જ વિચારો વચ્ચે ઘેરાયેલા બેઉં સાસુ વહુ બહાર આવ્યાં હતાં. હૉસ્પિટલ રૂમમાં પહોંચી અમ્માએ વિરાજના બેડની બાજુના ટેબલ પર, સાથે લાવેલી ગીતા મૂકી અને રેશમી કપડું પાથરી, રાધાકૃષ્ણની મૂર્તિ મૂકીને ફૂલ ચઢાવી પગે લાગ્યાં. નિશ્ચેતન વિરાજના માથે હાથ ફેરવી, "ખમ્મા મારા લાલને.." કહીને, બેઉં હાથે ઓવારણાં લઈને દશે આંગળીએ ટચાકા ફોડીને મનોમન વધાવીને શ્રી કૃષ્ણ શરણં મંમઃ નું મનોમન રટણ કરવા લાગ્યાં હતાં.

દિક્ષાની આંખો ફક્ત વિરાજને જ નહીં પણ !! એના થકી થયેલા દગાને નિહાળી રહી. અમ્માની અતૂટ અને બેબુનિયાદ શ્રદ્ધા જોઈને દિક્ષાના કકળી રહેલાં અસ્તિત્વમાં વિરાજને બેઠો કરવા માટેનો આત્મવિશ્વાસ દ્રઢ થયો હતો. સુમનભાઈ પણ અમ્માની શ્રદ્ધા જોઈને અભિભૂત થઈ ગયા હતા.

સુમનભાઈ રાતના વિરુ સાથે ત્યાં જ હોવાથી બોલ્યા,
"દિક્ષા બેટા ડૉક્ટરને કંઈ કામ હતું, મળીને હું નીકળું ?! કંઈ કામ તો નથી ને?"

"ના અંકલ કંઈ કામ નથી. પણ.. કેમ ડૉકટરે બોલાવ્યા છે, કંઈ તકલીફ નથી ને?"

"ના..ના.. કોઈ તકલીફ વાળી વાત નથી.. એમ જ ગયા મહિનાનો કોઈ હિસાબ કિતાબ અને મેડિસીન ચેન્જ કરવા બાબતે મળવાનું કહેતાં હતાં.."
આટલું બોલીને સુમનભાઈ નીકળ્યા.

"સુમનભાઈ ઘણું સારું કામ કરી રહ્યાં છે.. અત્યારે આ જમાનામાં જરૂર પડે નજીકના હોય એ પણ દૂરથી જ સલામ કરી નીકળી જતાં હોય છે.."

"હા અમ્મા.."
અને ઉંડા વિચારોમાં ગરકાવ થઈ ગઈ અને સ્હેજ વાર રોકાઈને દિક્ષા બોલી,
"વિરાજે સુમનભાઈના દિલમાં એક આગવું સ્થાન મેળવ્યું છે. એમને બંનેને એકબીજાથી એટલો બધો લગાવ છે કે, એ બેઉં મળે એટલે એમના વચ્ચે વાતો ખૂટતી જ નહોતી, એટલો સ્નેહ છે બંને વચ્ચે.. વિરાજ એમને પિતા સમાન માન આપતો. પોતાના તો અમારાથી ઘણાં દૂર હતાં, અહિયાં તો એ જ એક અમારાથી નજીક હતાં."

"વિરુના એક્સિડન્ટ પછી મારા આંસુ લૂછવાં, વાંસે હાથ ફેરવી આશ્વાસન આપવાં કે, સાંત્વના દઈ નાની મોટી ખોટ અંકલ-આન્ટીએ જ પૂરી છે.. મને જરાય લાગવા નથી દીધું કે હું અહીં એકલી છું. ખડે પગે આખા પરિવારે મારો સાથ નીભાવ્યો છે, એમણે જે કર્યું છે એ કલ્પના બહારનું, સમર્પણની ભાવનાથી કર્યું છે એ અદ્વિતીય છે !! હૉસ્પિટલમાં ઇમરજન્સીમાં જ્યાં જ્યાં જરૂર પડી બધે જ વિના ખિચખિચાટ એમણે સહકાર આપ્યો છે, અને એક પરિવારજન્ય ભૂમિકા એમણે નિભાવી છે.."

"સુખદુઃખની વાતો વહેંચવાની મોકળાશ અને ભાવજગતની મીઠાશ મેળવવાનું સ્થળ એટલે અંકલ-આન્ટી.. એમનું બેઉંનું વ્યક્તિત્વ જ એવું સ્વયંસુવાસિત, સત્ય, પ્રેમ, કરુણાના વૃક્ષના છાંયડે હોવાનો અહેસાસ થાય.. સુમન અંકલને જ્યારે પણ મળીએ પોતીકા લાગે.. નિસ્વાર્થ ભાવે દરેક જવાબદારી નિષ્ઠાથી નિભાવે. બપોરે ઑફિસમાં કામગીરી ધમરોળાય અને મધરાત સુધી હૉસ્પિટલમાં સમય વિતાવી નિરાંત શોધવા ઘર તરફ પ્રયાણ કરે."

આ બધું સાંભળીને અમ્માને સાતા થઈ હતી, 'ચાલો કોઈ તો હતું, જે એમનો સાથ નિભાવી જાણે એવું અહીં પારકા દેશમાં..'

અમ્માના આવવાનાં સમાચાર જાણીને વિઝિટર્સ અવર્સ થતાં, ઑફિસના કલિંગ અને ફ્રેન્ડ્સ દરેક જણ ફ્લાવર બુકે કે ફ્રૂટ્સ સાથે મળવા આવવાના શરૂ થઈ ગયાં હતાં અને કંઈ પણ મદદ માટે દિક્ષા અને અમ્માને કહી રહ્યાં હતાં.

"તમે હારી નહીં જતાં.. અમે તમારી સાથે જ છીએ.. પરિસ્થિતિ પર તો આપણો કાબુ નથી, પણ તમારે અહીં રહીને એને સાજા કરવામાં તમારે હિંમત બાંધવાની છે.. નાની-મોટી કંઈ પણ જરૂરિયાત હોય બેજિજક જણાવજો.. અમે બધાં તમારી સાથે જ છીએ.."

ઑફિસમાંથી અને મિત્રોને સૌ કોઈને એના પર અખંડ ભરોસો અને લાગણી હોવાથી
પરિશ્રમના ફળ રૂપે ત્યાં રહેતો આખો ગુજરાતી પંથક જ નહીં, પણ ઇન્ડિયા સિવાયના પાડોશી દેશના લોકો પણ એના પડખે અડીખમ ઊભા રહેવા તત્પર હતાં અને અત્યારે અમ્માને મળવા આવવા લાગ્યાં હતાં. એ જોઈને અમ્માની આંખો અને દિલ ભરાઈ આવ્યાં હતાં.

એ દરેકને સાદર ભાવ સાથે અમ્મા જુહાર પાઠવીને આભાર વ્યક્ત હતાં. આમ તો આ બધું હકીકતમાં દેખાવ પૂરતું અને આભાસી હોય છે, પણ વાસ્તવિક દર્દને દૂર કરવા મલમ બની શકતું હોય છે. અને એક હૂંફની લાગણી મહેસૂસ થાય છે !!

સંધ્યા ટાણે આયુષ-યેશાને બંસરીના ભાભી નજીકના પાર્કમાં રમવા લઈ ગઈ અને એના મમ્મી, અંજનાબેન અને એનો ભાઈ હૉસ્પિટલમાં આવી પહોંચ્યા હતાં. સાવ જુદો તરી આવતો અમ્માનો હોંશીલો અને નરવા હોંકારાથી અંજનાબેન અમ્માથી અભિભૂત થઈ ઉઠ્યાં હતાં.

અંજનાબેન આવતાં વેંત વિરાજની બાજુમાં બેસી ગયાં અને નિશ્ચેતન માથે હાથ પસવારવા લાગ્યાં. હાથ ફેરવતાં ફેરવતાં મહા મૃત્યુંજયના મંત્ર જાપ ચાલુ કર્યા. એમની આટલી બધી લાગણીશીલ ભાવના જોઈને અમ્માની આંખે જલધારા વહી નીકળી હતી. અને મનને સ્હેજ હવે કળ વળી હતી, સવિશેષ અંજનાબેનને મળ્યાં પછી.

"ભગવાનનું કરવું સૌ સારાવાના થશે.. તમારા આવવાથી વિરુને બહુ જલ્દી સારું થઈ જશે.. તમે મનથી મજબૂત રહેશો અને સ્વીકારવા તૈયાર હશો તો એને સંભાળી શકાશે !" અંજનાબેન હાથ ફેરવે જતાં હતાં અને બોલે જતાં હતાં.

અમ્માએ કહ્યું,
"આસ્થામાં પ્રબળ શક્તિ છે.. વિરુ મારો પ્રાણ છે !! એના આંખોના અજવાળાં સામાન્ય નહીં પણ એય અદકાં, મુઠ્ઠી ઊંચેરા છે.. જેના મોલ ન થાય.. જો ઈશ્વરે વિરુના શ્વાસ ટૂંકાવવાનું ફરમાન કર્યું હશે તો હું મારા ઉછીના શ્વાસની ઈશ્વરને ફેર બદલ કરવાની અરજ કરીશ પણ એનો એક વાળ વાંકો નહીં થવા દઉં !!"

વરસાદની હેલી, જેમ ભીંજવે એવા ભાવ નીતરતા શબ્દો અમ્મા બોલ્યે જતાં હતાં અને
લાગણીની કદી ન ખૂટે એવી સરવાણી હતી એમાં. વિરુ પ્રત્યેના સમર્પણની વિરાટ વ્યાખ્યાના વ્યાપની પરિભાષાનો પરિચય અમ્માએ પળમાં કરાવી દીધો હતો.. આંખોની ભીની કોર લુછી અંજનાબેને કહ્યું હતું,

"ખુશીઓથી હિલ્લોળા લેતું ઘર અને છોકરાઓ ભાળીને માનું મન તો જાણે કંકુભીનું થઈ ખમ્મા ખમ્મા બોલતું હોય અને હરખ તો ચારે કોરના પંથકમાં ઢોલ વાગતો હોય એટલો થાય અને જીવન સંસારય કેવો રૂડો રૂપાળો લાગે !!.. આ બધાંમાંથીય આમ તો આપણે ઘણું બધું ગુમાવી જ ચુક્યા છીએ.."

અમ્મા કંઈ બોલી ન શક્યા.. બસ વિરાજને માથે હાથ ફેરવી તાકી રહ્યાં.

અમ્મા નિત્ય પરોઢે વિરાજને કપાળ પર હાથ ફેરવી મંગળાષ્ટક બોલતાં, પછી યમનાષ્ટકના પાઠ બોલીને લાલાનું લાલનપાલન કરતાં હોય એમ જ સ્પંજ કરીને તૈયાર કરતાં હતાં.

શ્રી કૃષ્ણ શરણં મંમઃ નું રટણ કરી માળા કરતાં, તો વળી પાછાં બપોર પડે એટલે મહાદેવજીને યાદ કરીને મહા મૃત્યુંજય મંત્રનો જાપ કરીને માથે હાથ પસવારતા રહેતાં હતાં !! આ બધો અમ્માનો નિત્ય ક્રમ થઈ ગયો હતો.. નાના બાળગોપાળનું લાલનપાલન કરે એમ જ વિરાજની સારસંભાળ કરતાં.©

ક્રમશઃ વધુઆવતાપ્રકરણ : 49 માં સતત રાતોના ઉજાગરા આંખોમાં ભરી ભરીને આમ્માએ કુદરતના વિનાશને આત્મસાત્ કરી હતી, ત્યારે એમને સુરજનું એક કિરણ દૂર ક્ષિતિજે દ્રષ્ટિ ગોચર થતું ભાસ્યું હતું.

-આરતીસોની©