વાર્તા- મોક્ષ લેખક- જયેશ એલ.સોની- ઊંઝા મો.નં. 9601755643
નરસિંહભાઇ હાજર થાઓ, નરસિંહભાઇ હાજર થાઓ, નરસિંહભાઇ હાજર થાઓ.કોર્ટના બેલિફે એની ફરજ અદા કરી.નરસિહભાઇ આરોપીના કઠેડામાં આવીને ઊભા રહ્યા.વકીલો હાજર થઇ ગયા અને થોડીવારમાં જજ સાહેબ પણ આવી ગયા.
જજ સાહેબની નજર નરસિંહભાઇ ઉપર પડી અને તેમના ચહેરા ઉપર થોડો નવાઇનો ભાવ આવ્યો પણ એક ક્ષણ માટે જ.તુરંત તેમણે કોર્ટ કાર્યવાહીનો ઓર્ડર કર્યો.એટલે કાર્યવાહી ચાલુ થઇ.
'ભાઇ નરસિંહ, તારી જન્મકુંડળી તપાસી.બીજું બધું તો બરાબર છે પણ તારી કુંડળીમાં એક યોગ જોરદાર છે.આવો યોગ પ્રાપ્ત થાય એ માટે તો લોકો હિમાલયમાં જઇને તપ કરેછે.'
' એવો તો કેવો યોગછે ભગીરથકાકા?' નરસિંહભાઇ ને જાણવાની ઉત્સુકતા હતી. નરસિંહભાઇ ને આજથી ત્રીસ વર્ષ પહેલાં થયેલો આ સંવાદ બરાબર યાદ હતો અને અત્યારે પણ યાદ આવી ગયો હતો.ભગીરથકાકા એટલે જ્યોતિષી તરીકે અત્યંત વિશ્વાસુ નામ હતું.
વકીલે નરસિંહભાઇ ને ખભો પકડીને હચમચાવ્યા ' ક્યાં ખોવાઇ ગયાછો નરસિંહભાઇ? જજ સાહેબ તમને કયારના પૂછી રહ્યા છે કે ગુનો કબૂલછે કે બચાવમાં કશું કહેવુંછે?'
નરસિંહભાઇ સફાળા જાગ્યા અને જજ સાહેબ સામે જોઇને બે હાથ જોડીને કહ્યું ' સાહેબ ગુનો કબૂલછે.' કોર્ટ રૂમમાં બેસેલા બધા લોકોને નવાઇ લાગી.ફરિયાદી સરોજબેન તો તેમને માફી આપવાની તૈયારી સાથે કોર્ટમાં હાજર રહ્યા હતા.તેમને પણ અચરજ થયું.
નરસિંહભાઇ શહેરના પ્રતિષ્ઠિત વેપારી અને અનેક સંસ્થાઓમાં લાખો રૂપિયાનું દાન કરનારા દાતા હતા.જજ સાહેબ વિચારમાં પડી ગયા હતા પણ આરોપીએ ગુનો કબૂલ કર્યો એટલે સજા તો કરવીજ પડે.
' આરોપીને બે મહિનાની જેલની સજા કરવામાં આવેછે' આટલું બોલીને જજ સાહેબ એમની ચેમ્બરમાં જતા રહ્યા.
સરોજબેન ખરીદી કરવા નરસિંહભાઇ ના ' વૈભવ એમ્પોરિયમ' માં ગયા હતા ત્યારે નરસિંહભાઇએ તેમની મશ્કરી કરી હતી.સરોજબેનને પણ આશ્ચર્ય થયું હતું કે પચાસ વર્ષ ની ઉંમરે આ માણસ આવું વર્તન કરે?' અને જ્યારે સરોજબેન શો રૂમમાંથી બહાર નીકળતા હતા એ વખતે બિભત્સ માગણી કરવાની ગુસ્તાખી કરી.સરોજબેન સમસમી ગયા.અને ફરિયાદ નોંધાવી.
' શાસ્ત્રીજી, ભગીરથકાકાએ મારી જન્મકુંડળી જોઇને જે યોગ વિશે કહ્યું છે એ સાચું છે?' નરસિંહભાઇ એ બીજા મોટા જ્યોતિષી પાસે જઇને આ સવાલ કર્યો હતો.
' છોકરા,તારી ઉંમર હજી વીસ વર્ષની છે અને તું ભગીરથભાઇ જેવા પ્રકાંડ ભવિષ્યવેત્તા ઉપર શંકા કરેછે? આવો જોરદાર યોગ તારા નસીબમાં છે તેથી હવે તારે એકપણ પાપ ના કરાય.'
' યોગ શું કહેછે દાદા?'
' ભાઇ નરસિંહ, જન્મ્યા પછી મૃત્યુ નિશ્ચિત છે અને મૃત્યુ પછી બીજો જન્મ પણ નિશ્ચિત છે.શુભ અશુભ કર્મો ના ફળ ભોગવવા માટે જીવને પુનર્જન્મ લેવો જ પડેછે.પરંતુ જે વ્યક્તિના કર્મોનો હિસાબ ચૂકતે થઇ ગયો હોય એને પુનર્જન્મ લેવો પડતો નથી.આવી વ્યક્તિનો મોક્ષ થાયછે એટલેકે આવો જીવ ઈશ્વરની સમીપ રહેછે.આવો મોક્ષ મેળવવા માટે તો ઋષિઓ હિમાલયમાં આકરૂં તપ કરતા.
નરસિંહ, આ તારો છેલ્લો જન્મ છે આ તારો મોક્ષ અવતાર છે.હવે તારે મૃત્યુ પછી પૃથ્વી ઉપર આવવાનું નથી પણ પરમાત્મા પાસે જવાનું છે.એટલે કોઇ ખરાબ કર્મ કરીને આ યોગ બગાડીશ નહીં દીકરા.તું ભાગ્યવાન છે'
' પણ શાસ્ત્રીજી તો પછી મારાં માબાપ,ભાઇઓ બહેનો, મિત્રો કોઇ મને હવે પછીના જન્મમાં જોવા નહીં મળે? નરસિંહ ધ્રુસકેધ્રુસકે રડવા લાગ્યો.મારે નથી જોઇતો મોક્ષ.મારેતો અનેક જન્મો લેવાછે.જન્મોજન્મ માબાપની સેવા કરવીછે.ભાઇઓ બહેનોનો પ્રેમ મેળવવો છે.મિત્રો સાથે સુખદુઃખ વહેંચવા છે.નથી જોઇતો મારે મોક્ષ.શાસ્ત્રીજીએ તેને પરાણે છાનો રાખ્યો અને સમજાવીને ઘરે મોકલ્યો.શાસ્ત્રીજીની આંખો પણ ભીની તો થઇ જ હતી.
જજ સાહેબ એમની ચેમ્બરમાં ગયા પછી પણ ગમગીન તો થઇ જ ગયા હતા.આજથી છ મહિના પહેલાં આ જ નરસિંહભાઇ સામે તેમની જ કોર્ટમાં ફરિયાદ આવી હતીકે તેમણે દીકરાની વહુ પાસે દહેજની માગણી કરી હતી અને વહુને પિયર મોકલી દીધી હતી.બહુ સમજાવટ પછી તેમણે ગુનો કબૂલ કર્યો હતો.કોર્ટે તેમને દંડ ફટકાર્યો હતો.પણ દીકરાની વહુએ કોર્ટરૂમમાં સ્ટેટમેન્ટ આપ્યું હતું કે મારા સસરા ઇશ્વરતુલ્ય છે.એમણે કોઇની ચઢવણીથી કદાચ આવું કર્યું હશે.તેમના હાથે કદી કોઇ પાપ ના થાય.મને જન્મોજન્મ તેઓ પિતા તરીકે મળે એવું હું ઇચ્છું છું.
કોર્ટરૂમમાં સોપો પડી ગયો હતો.
જોતજોતામાં બેમહિના વિતી ગયા.આજે નરસિંહભાઇ ને જેલમાંથી છૂટવાનો દિવસ હતો.છૂટવાનો સમય થયો એટલે જેલરે એમનાં કપડાં આપ્યાં અને બેમહિના જેલમાં કામ કર્યું હતું તેનું મહેનતાણું આપ્યું.જેલરને પણ અચરજ થતું હતું કે આ નખશીખ સજ્જન માણસ કેમ ગુનો કરીને જેલમાં આવતો હશે?
નરસિંહભાઇએ વિદાય થતી વખતે જેલરને નમસ્તે કરીને કહ્યું કે 'બહુ જલ્દી ફરી મળવાનું થશે સાહેબ' જેલર સાહેબ કંઇ જવાબ આપે એ પહેલાં તો નરસિંહભાઇ નીકળી ગયા.
જેલના ઝાંપાની બહાર નીકળ્યા એ વખતે જ સરકારી ગાડી આવીને તેમની બાજુમાં આવીને ઊભી રહી.ડ્રાઇવરે બહાર આવીને વિનયપૂર્વક કહ્યું ' અંકલ જજ દવેસાહેબ એમની ચેમ્બરમાં તમારી રાહ જુએછે.હું આપને લેવા આવ્યો છું.'
નરસિંહભાઇ ગાડીમાં બેસી ગયા.
જજ સાહેબ નરસિંહભાઇ ની સામે એકીટશે જોઇ રહ્યા.એ કંઇ પૂછેએ પહેલાં જ નરસિંહભાઇ બોલ્યા' સાહેબ મને ખબરછે તમે શું પૂછવા માગોછો.'
' તો પછી મને જણાવો વડીલ કે આપ જેવા સુખી, સમૃદ્ધ અને પ્રતિષ્ઠિત પ્રૌઢ વ્યક્તિ આવું શા માટે કરે?'
ગંભીર ચહેરે અને નીચું જોઇને વડીલે જવાબ આપ્યો' સાહેબ, મારે મોક્ષ નથી જોઇતો.મારે આ સુંદર અને સ્વર્ગસમી પૃથ્વી ઉપર અનેક જન્મો લેવાછે.માબાપની સેવા કરવીછે,ભાઇઓ બહેનોનો પ્રેમ મેળવવો છે, મિત્રો બનાવવાછે.'
' હું સમજ્યો નહીં વડીલ.મોક્ષ નથી જોઇતો એ તમારી વાત મને ગમી કેમકે સાચું સુખ તો જીવનની ઘટમાળમાં જ છે.પણ એને અને ગુનાને શું સંબંધ?'
' સાહેબ, મારાં બધાં જ પાપકર્મો નો નાશ થઇ ગયો છે અને આ મારો આખરી અને મોક્ષ અવતાર છે એવું વર્ષો પહેલાં બે વિદ્વાન જ્યોતિષીઓ એ મને કહ્યું હતું.પણ મારે મોક્ષ નથી જોઇતો એટલે જ મેં જાતેજ પાપકર્મો કરવાનું ચાલુ કર્યું અને તો જ મને પાપ ભોગવવા પુનર્જન્મ મળે.સાહેબ, તમેતો મને બે ગુનાઓમાં સજા કરીછે પણ મેં તો અનેક એવા ગુના પણ કર્યા છે જે જાહેર થયા નથી એટલે મને સજા પણ થઇ નથી.બસ સાહેબ હવે પુનર્જન્મ માટે આટલાં પાપ કાફીછે એટલે હવે શાંતિથી જીવવું છે.'
નરસિંહભાઇ વિદાય થયા પછી પણ જજ સાહેબ ક્યાંય સુધી વિચારતા રહ્યા કે નરસિંહભાઇ એ જ્યોતિષીઓની આગાહીઓ ને સાચી માનીને નાજાણે કેટલાં પાપ કર્યા હશે.અને આવા તો કેટલાય માણસો હશે.
લેખકનો સંદેશ- મારા પ્રિય વાચકમિત્રો, આ વાર્તા જો ગમી હોયતો લાઇક કરજો, મને સ્ટાર આપજો અને મારા ફોલોઅર બનજો.આભાર.....