આગળના ભાગમાં આપણે જોયું કે રુચિ સગાઈની વાતથી ખૂબ જ ખુશ હોય છે, પણ હવે રુચિ માત્ર થોડો સમય રહેશે એ વિચારે દિશાને થોડું દુઃખ થાય છે. દિશા પોતાની વેદના કોઈ સામે વ્યક્ત પણ નથી કરી શકતી. સસરા વિનોદભાઈ દિશાના પપ્પા-મમ્મી અને બહેનને સગાઈમાં આવવા માટે કહે છે. પરંતુ દિશા જણાવે છે કે તેના મમ્મી-પપ્પા જાત્રાએ ગયા છે એ ત્રણ મહિના પછી આવશે અને બહેન USAમાં હોવાના કારણે આવી નહિ શકે. રુચિ નિખિલ સાથે વાતોમાં વ્યસ્ત થઈ જાય છે અને દિશાના સાસુ-સસરા એમના રૂમમાં ચાલ્યા જાય છે. દિશાને એકલતા સતાવે છે, તે ''અભિવ્યક્તિ'' ઉપર એકાંત સાથે થોડી વાતો કરે છે, એકાંતના પ્રશ્નો અને તેની વાતો દિશાને તેની વધુ નજીક લઈ જાય છે. પરંતુ દિશા કોઈપણ રીતે પોતાની જાતને રોકી રાખે છે. બે દિવસ સુધી એકાંતના મેસેજ ના આવતા દિશા પણ થોડી મૂંઝાય છે, પરંતુ બે દિવસ બાદ એકાંતના મેસેજ જોતા તેને થોડી ખુશી પણ થાય છે. રુચિની સગાઈનો દિવસ પણ આવી જાય છે. ધામધુમથી બન્ને પરિવારો સગાઈ કરે છે. સગાઈના થોડા દિવસ બાદ દિશાના સાસુ સસરા લંડન ચાલ્યા છે. રુચિ નિખિલ સાથે વાતોમાં વ્યસ્ત બની જાય છે અને દિશા પોતાની એકલતામાં વ્યસ્ત. આ દરમિયાન એકાંત સાથે વધુ વાતો થવા લાગે છે. એક બીજાને પોતાનું સાચું નામ પણ જણાવી દે છે. દિશા હવે એકાંત સાથેના સંબંધની વાત રુચિને જણાવવા માંગે છે. રાત્રે તે રુચિને બધી હકીકત જણાવે છે.. હવે જોઈએ આગળ શું થાય છે....!!!
સમર્પણ -19
દિશાની વાત સાંભળીને રુચિ થોડી વિચારમાં પડી ગઈ. તેની મમ્મીને શું જવાબ આપવો તે તેને પણ સમજાઈ રહ્યું નહોતું. બાળપણથી લઈને આજસુધી તેના અને દિશાની વચ્ચે કોઈ ત્રીજી વ્યક્તિનું આગમન થયું નહોતું. આજે પહેલીવાર દિશાએ પોતાના જીવનમાં પ્રવેશેલા ત્રીજા વ્યક્તિ વિશેની વાત કરી એ સાંભળીને રુચિને પણ એકદમ નવાઈ લાગી. થોડીવાર માટે તો તે કઈ બોલી ના શકી. દિશાએ જ વાતને આગળ વધારતા કહયું,
"હું સમજી શકું છું રુચિ, કે તને થોડું અજુગતું લાગશે, પરંતુ આજસુધી મેં પણ ક્યારેય પણ આવું કાંઈ થશે એમ વિચાર્યું નહોતું. મારી પહેલી પ્રાયોરિટી હંમેશા તું જ રહી છે અને તું જ રહેવાની છે. પરંતુ જ્યારથી તું નિખિલ સાથેના સંબંધે જોડાઈ છું ત્યારથી હું પણ સાવ એકલતામાં ગરકાવ થઈ ગઈ હતી. પરંતુ એ વ્યક્તિની વાતો મને કેમ કરી ગમવા લાગી એજ સમજાઈ રહ્યું નહોતું. અને હજુ સુધી ના હું એ વ્યક્તિ વિશે કઈ જાણું છું, ના એ મારા વિશે કઈ જાણે છે, એનું સાચું નામ ધૈર્ય છે, અને એને પણ કદાચ જીવનમાં બની ગયેલી કોઈ ઘટના ને લીધે એકલતા સતાવે છે. ના મારા તરફથી એની સાથે અંગત કોઈ વાત થઈ છે કે ના એના તરફથી. પરંતુ મને એ વ્યક્તિ સાથે વાત કરવી ગમે છે. જાણું છું આ ખોટું છે, મેં પહેલા મારી જાતને અટકાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો પણ અટકી ના શકી. જ્યારે પણ નવરાશ મળે, અમે વાત કરીએ છીએ. મારે આ હકીકત તને જણાવવી હતી. હું તારાથી કોઈ વાત છુપાવવા નથી માંગતી. માટે જ મેં તને કહ્યું.!
રુચિ હજુ પણ મૌન જ હતી. શું જવાબ આપવો તે હજુ પણ તેને સમજાઈ રહ્યું નહોતું. તેના કાન દિશાની વાતો સાંભળી રહ્યા હતા અને મન તેને તેની મમ્મીથી દૂર લઈ જતું હોય એમ લાગી રહ્યું હતું. દિશા રુચિની હાલત સમજી શકતી હતી. તેથી કહ્યું.
"જો રુચિ, તને આ ના ગમતું હોય તો હું એ વ્યક્તિ સાથે વાત નહિ કરું. અમારી વચ્ચે એવો કોઈ સંબંધ નથી જેના કારણે અમને છુટા પડવાનો અફસોસ થાય. રુચિએ થોડું વિચાર્યું, અને સ્વાભાવિક રીતે જ ઉભી થઇ અને મમ્મીની પાછળથી એને વળગી, ''મમ્મી, આમાં ખોટું શું છે ? કે તું મને કહેતા ગભરાય છે ? આ તો નોર્મલ વાત છે. એકબીજા સાથે વાત કરવી ગમતી હોય એમાં કાઈ ખોટું નથી. બધા જ કરતાં હોય. મને તો ગમ્યું કે તને કોઈ વાત કરવા વાળું મળ્યું તો ખરું! Online ની દુનિયા જ એવી છે કે તમને એકલા પડવા જ ના દે. અને સામે કોઈ તમારા યોગ્ય પાત્ર મળી જાય તો બધી જ વાતો શેર પણ કરી શકાય. Online મિત્રતામાં સ્ત્રી-પુરુષ નો ભેદ રહેતો નથી, છતાં થોડુંક સમજી વિચારીને પાત્ર પસંદ કરવું જોઈએ, કારણ કે અહીં પણ લાગણીથી લૂંટી લેવા વાળાઓની કમી નથી. રુચિની વાત સાંભળી દિશાને થોડો હાશકારો થયો. અને પોતે કાંઈ ખોટું નથી કરી રહી એવી સાંત્વના પણ મળી.
રુચિને હાથ પકડી ગળે લગાવી, ''ચાલ સુઈ જા, મોડું થયું છે.''
બંને સુઈ તો રહ્યા હતા પરંતુ કોઈની આંખમાં ઊંઘ નહોતી. બંનેનું મન વિચારોમાં જ ખોવાયેલું હતું. દિશા વિચારી રહી હતી કે તેને રુચિ સામે તો હકીકતનો સ્વીકાર કરી લીધો. પણ આ વાત રુચિ મનથી ખરેખર સ્વીકારી શકશે કે નહીં. અને રુચિના મનમાં વિચારો ચાલી રહ્યાં હતાં કે, ખરેખર એના લગ્ન પછી મમ્મી એકલી પડી જશે, તો શું આવું કોઈ સારું પાત્ર મળી જાય તો શું મમ્મીને લગ્ન માટે રાજી કરાવી લેવાય ? એને પણ એની ખુશીઓ જીવવાનો હક છે.
બીજા દિવસે સવારે જાણે કઈ બન્યું ના હોય એમ જ રુચિ સામે દિશા રોજની જેમ જ એક મમ્મી તરીકેની પોતાની ફરજો નિભાવી રુચિને કૉલેજ માટે વિદાય આપી. રુચિના ગયા બાદ થોડા ઘરના કામ પુરા કરી મોબાઈલ લઈને બેઠી. એકાંતના થોડા મેસેજ હતા. એના જવાબ આપીને પોતાનું હૈયું ઠાલવતી થોડી પંક્તિઓ તેને કંડારી.
''પાણીને વહેવા માટે પણ એક કિનારો જોઈએ,
જીવતરમાં પોતાનો કહી શકાય એવો સહારો જોઈએ !
મળે છે હાથ પકડનારા લાખો ચહેરાઓ જમાનામાં,
હૃદયમાં ઘર કરે એવો એક ઈશારો જોઈએ !!!''
દિશાએ પોસ્ટ કરીને બીજી પોસ્ટ વાંચવામાં સમય વિતાવ્યો. થોડીવારમાં જ લાઈક અને કૉમેન્ટના ઢગલા થઈ ગયા. પણ એકાંતની ના લાઈક હતી, ના કોમેન્ટ.. થોડીવાર સુધી તે એમ જ ઓનલાઈન રહી. એ જોવા કે એકાંતનો કોઈ મેસેજ કે કોમેન્ટ આવે છે કે નહીં. પણ ના આવતા તે મોબાઈલ મૂકી અને ઘરના કામમાં લાગી ગઈ.
કામ કરતા પણ દિશાના મનમાં વિચારો ચાલી રહ્યા હતા કે રુચિ તેના વિશે કોઈ ખોટી ધારણા ના બાંધી લે. પણ અંદરથી એક અવાજ આવ્યો કે જે કર્યું છે એ બરાબર છે. જો રુચિને નહીં ગમે તો તે એકાંત સાથે હવે વાત નહિ કરે. કારણ કે જીવનના આટલા વર્ષો રીતેષ વિના વિતાવ્યા છે. હવે આગળના વર્ષો પણ વીતી જ જશે. આટલા વર્ષોમાં કોઈની જરૂર નથી પડી તો ભવિષ્યમાં પણ નહીં જ પડે એમ વિચારીને દિશાએ મન મક્કમ કરી લીધું.
રુચિએ કોલેજમાં જઈને નિખિલને પહેલા જ જણાવ્યું કે "મારે તારી સાથે થોડી વાત કરવી છે, આપણે લેક્ચર પુરા થાય પછી ક્યાંક શાંતિ વાળી જગ્યાએ બેસીને વાત કરીએ." નિખિલે પણ વધારે સવાલો પૂછ્યા વગર જ ''ઓકે''માં જવાબ આપી દીધો.
લેક્ચર પુરા થયા બાદ નિખિલ અને રુચિ બહાર આવ્યા. સાથે નિખિલના મિત્રો પણ હતા. જેના કારણે રુચિ વાત કરી શકે એમ નહોતી. નિખિલ સમજી ગયો કે રુચિ કોઈ જરૂરી જ વાત કરવાની હશે, માટે બાઈક ઉપર રુચિને બેસાડી દૂર એક ગાર્ડનમાં ચાલ્યા ગયા. જ્યાં કોઈની ખાસ અવર જવર નહોતી.
ગાર્ડનમાં બેસીને નિખિલે રુચિના બંને હાથ પકડી લીધા. અને પ્રેમથી કહ્યું : "તો શું વાત છે ? મારા ફ્યુચર શ્રીમતીજી, જેના કારણે આપણે એકલા આ રીતે આટલું દૂર આવવું પડ્યું ?"
રુચિએ જવાબ આપતા કહ્યું : "કેવી રીતે કહું એ સમજાઈ નથી રહ્યું, વાત મમ્મી સાથે જોડાયેલી છે એટલે કહેવામાં પણ થોડો સંકોચ થાય છે."
નિખિલે મઝાકના મૂડમાં જ કહ્યું : "કેમ ? મમ્મી હવે લગ્નની ના પાડે છે કે શું ?" આટલું બોલીને જ નિખિલ હસવા લાગ્યો.
રુચિએ નિખિલ સામે આંખો કાઢતા કહ્યું : "ના, એવું કંઈ નથી. સાંભળ, મમ્મી પહેલા સાવ સુનમુન રહેતી હતી, અને પછી મેં એની એકલતા દૂર કરવા માટે સોશિયલ મીડિયા વાપરવાનું શીખવ્યું, મમ્મી સારું લખે પણ છે. એટલે મેં જ એને એક એવી એપ્લિકેશન બતાવી જેના ઉપર તે પોતાના હૈયામાં ઉઠતા શબ્દોને ઠાલવી શકે. ઘણાં સમયથી મમ્મી ત્યાં એક્ટિવ છે."
નિખિલે રુચિને વચ્ચે જ રોકતા કહ્યું "તો એમાં ખોટું શું છે ? આ તો ઘણી જ સારી બાબત કહેવાય. અને સોશિયલ મીડિયા દ્વારા તો ઘરમાં બેસીને દુનિયા જાણી શકાય છે, તો પછી તને એમાં કઈ વાંધો છે ?"
"પહેલા આખી વાત તો સંભાળ, મને એમાં કોઈ વાંધો નથી, ઉપરથી મને તો એ ગમે છે કે એ આ રીતે પોતાનો સમય પસાર કરી શકે છે. પરંતુ ગઈકાલે મમ્મીએ એક વાત કરી,ત્યારથી મને કંઈક અલગ વિચાર આવ્યો છે" રુચિએ જવાબ આપ્યો.
નિખિલે ઉત્સુકતાભેર સામે પ્રશ્ન પૂછતાં કહ્યું : "કેવી વાત ?"
"મમ્મીએ કાલે મને કહ્યું કે ''અભિવ્યક્તિ'' ઉપર તેને કોઈ એક વ્યક્તિ સાથે વાત કરવાની ગમે છે. છેલ્લા ઘણાં સમયથી એ બંને વાતો શેર કરી રહ્યા છે. હું પણ તારી સાથે જોડાયા પછી મમ્મીને સમય નથી આપી શકતી. રોજ રાત્રે જમી અને સીધી તારી સાથે જ વાતો કરવામાં લાગી જાવ છું, રવિવારે પણ આપણે ક્યાંક બહાર કે તારા ઘરે જ મળતા હોઈએ છીએ.જેના કારણે મમ્મી સાવ એકલી પડી ગઈ હતી અને એ દરમિયાન જ ''અભિવ્યક્તિ'' ઉપર તેને એ વ્યક્તિ સાથે વાત થઈ. હવે કાલે મમ્મીએ મને આ વાત કરી અને મને પૂછ્યું છે કે પોતે કાંઇ ખોટું તો નથી કરી રહી ને ? મને થોડું વિચિત્ર લાગ્યું પહેલા, કેમકે આ પહેલા ક્યારેય મમ્મીને મારા સિવાય કોઈની જરૂર પડી નથી કે એવા કોઈ મિત્રો પણ બનાવ્યા નથી.
રુચિની વાત સાંભળીને નિખિલ ક્ષણવાર માટે કઈ બોલી શક્યો નહીં, થોડી વાર પછી બોલ્યો, ''રુચિ તું અત્યારના મોડર્ન જમાના માં આ શું વિચારો લઈને બેઠી ? એ વાત કરે છે તો કરવા દે ને, એમનું મન હળવું થતું હોય, કોઈ નવું મિત્ર બનતું હોય તો એમાં તારે શું આટલું બધું વિચારવાનું હોય? ખુશ થા, કે મમ્મી સાવ એકલુ feel નહીં કરે હવે....!!!
વધુ આવતા અંકે !!!