જોકર – સ્ટૉરી એક લુઝરની – 63 Mehul Mer દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જોકર – સ્ટૉરી એક લુઝરની – 63

જોકર – સ્ટૉરી એક લુઝરની

ભાગ – 63

લેખક – મેર મેહુલ

જૈનીત અને નિધિ ડીંડોલી વિસ્તારમાં આવેલા કોઠાવાળા બંગલાની અગાસી પર શિવાનીના બાળકને શોધી રહ્યા હતાં.અગાસી પર ઘણાબધાં પાણીના ટેન્ક હતાં, બંને એ ટેન્કોને ખોળી રહ્યાં હતાં.

એક ટેન્કમાં નિધીને કશુંક દેખાયું એટલે તેણે જૈનીત બૂમ પાડી.જૈનીત દોડીને નિધિ પાસે આવ્યો.તેણે ટેન્કમાં નજર કરી તો તેની આંખો પહોળી થઇ ગઇ.એ ખાલી ટેન્કમાં એક નાનું બાળક સુતું હતું,જે શિવાનીનું હતું.તેનાં શરીર પર કેટલાંય ઘાવ હતાં તો પણ એ નિરાંતે ઊંઘી રહ્યું હતું.

જૈનીતે એ બાળકને બહાર કાઢ્યું.દર્દ થવાને કારણે એ બાળક રડવા લાગ્યું.

“આને સારવારની જરૂર છે”જૈનીતે કહ્યું, “નહીંતર આ નહિ બચી શકે”

“એ ભૂખ્યું હશે,પહેલાં એનું પેટ ભરાવી લઈએ પછી હોસ્પિટલે જઈએ”નિધીએ કહ્યું.બંને ઝડપથી નીચે આવ્યાં. પોતાનાં બાળકને જોઈને શિવાનીની આંખોમાં આંસુ આવી ગયાં. તેણે જૈનીતના હાથમાંથી બાળકને લઈ છાતીસરસુ ચાંપી દીધું.

જૈનીતે તેને સંભાળી અને બાળકને સ્તનપાન કરાવવા કહ્યું.ત્યાં સુધીમાં સુનિતાબેન પણ પહોંચી ગયાં.જૈનીતે તેને ઘટનાથી વાકેફ કર્યા.

“તમે સૌને લઈને પહોંચો,અમે આ બાળકને સારવાર માટે લઈ જઈએ છીએ”સુનિતાબેને જૈનીતને સંબોધીને કહ્યું.

થોડીવારમાં આ બંગલો પણ ખાલી થઈ ગયો.જૈનીત સૌને લઈને સંસ્થા તરફ રવાના થઈ ગયો હતો.

***

સુરતથી દૂર મગદલ્લા પોર્ટના વિસ્તારમાં એક મોટું ફાર્મહાઉસ હતું.ફાર્મ હાઉસના મુખ્ય મકાનમાં એક સિંહાસન જેવી મોટી ખુરશી પર અત્યારે ત્યાં એક વ્યક્તિ બેઠો બેઠો સિગાર પી રહ્યો હતો. તેની આજુબાજુમાં દસેક છોકરીઓ તેની ખુશામત કરી રહી હતી.

એ વ્યક્તિ બીજું કોઈ નહિ પણ વિક્રમ દેસાઈ જ હતો.તેને હમણાં કોઈનો કૉલ આવ્યો હતો અને તેનો દુશ્મન ક્યાં છે તેની ખબર આપી હતી.વિક્રમ દેસાઈએ પોતાનાં બધાં જ માણસોને ત્યાં મોકલ્યાં હતા અને જૈનીતને જીવતો લાવવા હુકમ કર્યો હતો.

આ વિક્રમ દેસાઈની ભૂલ હતી.તેણે પહેલાં પણ જૈનીતને જીવતો લઈ આવવા કહ્યું હતું અને જૈનીત નાસી છૂટયો હતો.આ સમયે તો જૈનીતની સાથે મહેતા અને જુવાનસિંહ હતાં તો વિક્રમ દેસાઈ શું કરી લેવાનો હતો?

*

આ તરફ મિશન પૂરું થયું તેથી સૌ ખુશ હતાં.યુવતીઓને કંઈ સમજાયું નહોતું પણ કોઈએ તેઓને પેલી ગંદકીમાંથી બહાર કાઢી હતી એટલે તેઓ વધુ ખુશ જણાતી હતી.હાલ એક વ્યક્તિ ગુસ્સામાં લાલઘૂમ થઈ રહ્યો હતો અને એ જૈનીત હતો.તેણે પેલાં બાળકની એવી હાલત જોઈએ ત્યારથી એણે વિક્રમ દેસાઈને ખતમ કરવા મનમાં ગાંઠ બાંધી દીધી હતી.

થોડીવારમાં સુનિતાબેન અને શિવાની બાળક સાથે સંસ્થાના પરસાળમાં પ્રવેશ્યાં.તેઓના પ્રવેશતાની સાથે જ સૌ તેને ઘેરી વળ્યાં.

“ચિંતા કરવાની જરૂર નથી, બાળક સુરક્ષિત છે”સુનિતાબેને ખુશીને સમાચાર આપતાં કહ્યું.

‘હવે વિક્રમ દેસાઈ સુરક્ષિત નથી રહેવાનો’હાથની મુઠ્ઠીવાળી જૈનીત મનમાં બોલ્યો.

“હવે એ સમય આવી ગયો છે બેન”મહેતાએ કહ્યું, “હવે જૈનીતને સચ્ચાઈથી વાકેફ કરવો જોઈએ”

“તમે જ કહી દો એને”સુનિતાબેને કહ્યું.

“કંઈ સચ્ચાઈ?”જૈનીતે પૂછ્યું.

“મી.મહેતાંની સચ્ચાઈ”આ વખતે જુવાનસિંહે કહ્યું.

“હું કંઈ સમજ્યો નહિ”જૈનીત ગુંચવાયો.

“મી.મહેતાં અમારી સંસ્થાના એક કાર્યકર છે.વિક્રમ દેસાઇ સુધી પહોંચવા માટે અમે તેઓને તેનાં હરીફ બનાવ્યા હતાં. હકીકતમાં તેઓ વિક્રમ દેસાઈનાં આ બધાં કામો અટકાવવા કામ કરી રહ્યા હતાં.તે એ કામ કોઈ સ્વાર્થ વિના કર્યું છે એટલે અમે તારી સામે આ સંસ્થામાં જોડાવવાનો પ્રસ્તાવ રાખીએ છીએ”સુનિતાબેને કહ્યું.

થોડી ક્ષણો માટે જૈનીત ચૂપ રહ્યો.એનાં મગજમાં હજી કંઈક ચાલતું હતું.

“હું વિચારીને કાલે જવાબ આપું તો ચાલશે?”જૈનીતે પૂછ્યું.

“હા.. હા…જરૂર….અમે તારા પર કોઈ દબાણ નથી કરતાં. જો તારી ઈચ્છા હોય તો જ તું સહમત થજે”સુનિતાબેને કહ્યું અને મહેતા તરફ ઘૂમ્યા, “જૈનીતનો નિર્ણય અમને કહેજો અને અમે હવે નીકળીએ છીએ”

સુનિતાબેન અને તેનાં લોકો ત્યાંથી નીકળી ગયાં.

“આ યુવતીઓનું હવે શું કરવાનું છે?”જૈનીતે પૂછ્યું.

“આમાંથી જે પોતાનાં ઘરે જવા ઈચ્છે છે તે ઘરે જશે અને જેને ઘરના લોકો નહિ સ્વીકારે તેઓ આ સંસ્થામાં રહેશે.સંસ્થામાં ઘણાબધાં ગૃહઉદ્યોગ અને લઘુઉદ્યોગ છે જેથી તેઓને રોજગારી મળશે”

“આ સંસ્થા ખૂબ જ સારું કામ કરી રહી છે”જૈનીતે કહ્યું.

“તું આ સંસ્થામાં જોડાય તો અમે ખુશ થશું”મહેતાં સંકોચ અને હાસ્ય મિશ્રિત ભાવે કહ્યું.

“મારું એક કામ અધૂરું છે મહેતાસાહેબ”જૈનીતે ‘અધૂરા’ શબ્દ પર ભાર આપીને કહ્યું.

“ખ્યાલ છે મને”મહેતાએ કહ્યું, “મેં એની પૂર્વ તૈયારીઓ શરૂ કરી દીધી છે”

“તો રાહ કોની જુઓ છો”જૈનીતે દાંત ભીંસીને કહ્યું,”મેં તમને વચન આપ્યું છે,8 માર્ચ એનો છેલ્લો દિવસ હશે”

“હા એ સમય નજીક જ છે જ્યારે વિક્રમ દેસાઈ ધરાશાય થઈને જમીન પર પડ્યો હશે”મહેતાં પણ આવેશમાં આવી ગયો.

“મને કહો ક્યાં જવાનું છે,મારે એક વ્યક્તિને ત્યાં લઈ આવવાની છે”જૈનીતે કહ્યું.

“મગદલ્લા પોર્ટ નજીક એ છુપાયેલો છે,આપણે ત્યાં જ જશું”મહેતાએ કહ્યું, “એ પહેલાં તું મારો પ્લાન સાંભળી લે”

મહેતાએ પોતાનો પ્લાન જૈનીતને કહ્યું.જૈનીતે મહેતાની વાતમાં હામી ભરી એટલે જૈનીત,મહેતાં,જુવાનસિંહ,નિધિ,બકુલ અને થોડાં લોકો મગદલ્લા પોર્ટ તરફ જવા રવાના થયા.

મધરાત્રી તેનાં જુદાં જ મિજાજમાં હતી.રાતના ત્રણ થયાં હતાં અને ચોતરફ અમાવસનું અંધારું ફેલાયું હતું.ઠંડો પવન વાતાવરણમાં ઠંડક પ્રસરાવી આગળ વધતો હતો.એમાં એક જીપ અને એક કાર મગદલ્લા પોર્ટ તરફ પુરવેગે દોડી રહી હતી.

અડધી કલાકમાં વિક્રમ દેસાઈના ફાર્મ હાઉસથી થોડે દુર કાર અને જીપ થંભી ગઈ.જીપમાંથી એક વ્યક્તિ નીચે ઉતર્યો.જેનાં હાથ બાંધેલા હતા.આંખો પર કાળી પટ્ટી બાંધેલી હતી.તેની સાથે કારમાંથી પણ એક વ્યક્તિ નીચે ઉતર્યો જે જીપ નજીક ગયો અને જેનાં હાથ બાંધેલા હતા એ વ્યક્તિનાં ખભે હાથ રાખી તેને ફાર્મ હાઉસ તરફ લઈ ગયો.

ફાર્મ હાઉસમાં સુનસાન હતું જાણે વર્ષોથી અહીં કોઈ આવ્યું જ ના હોય.અંદર મુખ્ય મકાનમાં લાઈટો શરૂ હતી,પેલો વ્યક્તિ એ તરફ ચાલ્યો.

અહીં કાર અને જીપમાંથી બીજાં ઘણાં લોકો ઉતર્યા હતાં, ધીમે ધીમે બધા જુદી જુદી દિશાઓમાં ફેલાય ગયાં અને ફાર્મ હાઉસને ઘેરી લીધું.

મુખ્ય મકાનનો દરવાજો ખખડ્યો એટલે એક વિક્રમ દેસાઈ સચેત થયો.તેણે દરવાજાના હોલમાં આંખો ઝીણી કરી કરી,ખતરો ના જણાતા તેણે હસીને દરવાજો ખોલ્યો.

“આવો મહેતા સાહેબ”વિક્રમ દેસાઈ હસી રહ્યો હતો, “તમે આજે મારુ એ કામ કરી આપ્યું છે જે કોઈ નહોતું કરી શકતું”

“આ કામ તો મારે ઘણાં દિવસો પહેલાં કરવાનું હતું”મહેતાએ પણ હસીને કહ્યું, “અફસોસ તું પહેલાં મારી પાસે ના આવ્યો”

“અંદર લઈ આવો એને”વિક્રમ દેસાઈએ હાથ વડે ઈશારો કરીને કહ્યું.હવે એ તો ખ્યાલ આવી જ ગયો હશે કે જેનાં હાથ બંધાયેલા હતા અને આંખો પર કાળી પટ્ટી હતી એ જૈનીત જ હતો.મહેતાંએ તેને ધક્કો માર્યો,જૈનીત અંદર ફર્શ પર ગબડયો.

“તમે જ આને અહીં સુધી લઈ આવવાના હતા તો મને પહેલાં કહેવું હતું,હું મારાં માણસોને આ હરામીને શોધવા તેઓને ત્યાં ન મોકલેત”વિક્રમ દેસાઈએ કહ્યું.

“તારાં માણસોની અહીં શું જરૂર છે?”મહેતાએ કહ્યું, “તારો દુશ્મન નિ:શસ્ત્ર તારી સામે પડ્યો છે,એક ગોળી માર અને ખેલ ખતમ કરી દે”મહેતાએ કહ્યું.

“આટલી જલ્દી નહિ મહેતા સાહેબ”વિક્રમ દેસાઈએ કહ્યું, “હું તેને તડપાવીને મારવા ઈચ્છું છું,પણ એ પહેલાં બીજું એક કામ બાકી છે એ તો પૂરું કરી દઉં”

વિક્રમ દેસાઈએ કમરેથી રિવોલ્વર કાઢી અને મહેતાં તરફ કરી.

“આ શું કરે છે તું?”મહેતાં ગભરાયો, “હું તારી મદદ કરી રહ્યો છું અને તું મને જ મારવા માંગે છે?”

“તમને તો ખબર છે મહેતા સાહેબ વિક્રમ દેસાઈ આજ સુધી હાર્યો નથી.તમારા કારણે છેલ્લાં બે વર્ષથી અડધા સુરતનો ધંધો મારાં હાથમાંથી છીનવાઈ ગયો છે.અત્યારે એકસાથે હું મારાં બે દુશ્મનને ખતમ કરી દઈશ અને પછી પૂરાં સુરત પર મારી હકુમત હશે”

વિક્રમ દેસાઈએ મહેતાની ખોપરીનું નિશાનું લીધું.તર્જની આંગળી ટ્રિગર પર રાખવા ઉગારી બરોબર એ જ સમયે તેનાં હાથ પર જોરદાર ફટકો લાગ્યો અને રિવોલ્વર ઉછળીને દૂર પડી.

વિક્રમ દેસાઈ જ્યારે મહેતા સાથે વાતો કરવામાં મગ્ન હતો ત્યારે જૈનીતે આંખો પરથી પટ્ટી હટાવી દીધી અને સ્ફૂર્તિથી ઉભો થઇ મહેતાનાં હાથે મુક્કો માર્યો.

“કાળ કોઈ દિવસ છોડતો નથી”જૈનીતે અટહાસ્ય કર્યું, “આ લાઇન યાદ છે ને વિક્રમ દેસાઈ!!”

(ક્રમશઃ)

હજી કંઈ ટ્વિસ્ટ છુપાયેલું છે કે વિક્રમ દેસાઈનું સામ્રાજ્ય ખતમ થઈ જશે.જૈનીત કોને બોલાવવાનો હતો.આખરે પણ કંઈ ટ્વિસ્ટ છુપાયેલું છે?

નવલકથા લગભગ પુરી થવા પર આવી છે. તો સ્ટોરીના મંતવ્યો આપવાનું ના ભૂલતાં અને વાંચતા રહો, જોકર – સ્ટૉરી એક લુઝરની

-મેર મેહુલ

Contact - 9624755226