વેધ ભરમ - 13 hiren bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વેધ ભરમ - 13

સી.સી.ટીવીનુ રેકોર્ડીંગ જોઇ નવ્યા એકદમ સ્તબ્ધ થઇ ગઇ. થોડીવાર તો તે કંઇ બોલી નહી પરંતુ પછી તેણે કહ્યું “ હા, હું તે રાતે નિખિલને મળી હતી. નિખિલ અને હું એકબીજાને પ્રેમ કરીએ છીએ. અમે બંને દર્શનની ઓફિસમાં હતા ત્યારથી જ એકબીજાને પ્રેમ કરતા હતા. નિખિલ ત્યાંથી નીકળી ગયો એટલે થોડા સમય પછી મે પણ ત્યાંથી જોબ છોડી દીધી અને નિખિલે મને અહીં જોબ અપાવી દીધી.”

આટલુ બોલી નવ્યા રોકાઇ એટલે રિષભે અશ્વિન સામે જોઇ પૂછ્યું “શુ તમને આ ખબર નહોતી?”

“ના, મને એટલી જ ખબર હતી કે તે બંને સાથે દર્શનની ઓફિસમાં કામ કરતા હતા. પણ મને તે બંને વચ્ચે રહેલા આ સંબંધની ખબર નહોતી.”

આ સાંભળી રિષભના મનમાં એક પ્રશ્ન ઉઠ્યો પણ તેણે પહેલા નવ્યા સાથે વાત કરવાનું નક્કી કરી પુછ્યુ “તારી આ વાત તો સમજમાં આવે છે પણ, તે રાત્રે નિખિલ તને શું કામ મળવા આવ્યો હતો?”

આ સાંભળી નવ્યાએ કહ્યું “તેને કંઇક કામ માટે થોડા પૈસાની જરુર હતી. તેણે મારી પાસેથી ઉધાર માગ્યા હતા. એટલે તે પૈસા લેવા આવ્યો હતો.”

“તો પછી તમે મારાથી આ વાત છુપાવી શુ કામ?”
“ સર, મને ડર લાગ્યો હતો કે જો તમને ખબર પડશે કે નિખિલને હું તે રાત્રે મળી હતી તો તમે મારા પર શક કરશો.” નવ્યાએ કહ્યું.

“ છેલ્લે નિખિલને તમે જ મળ્યા છો. અને તે પછી નિખિલ ગાયબ થઇ ગયો છે. તે રાતે તમારી વચ્ચે એવુ શુ બન્યુ કે તે પોલીસથી ભાગતો ફરે છે?”

આ સાંભળી નવ્યાએ કહ્યું “સાહેબ અમે તો ઘણીવાર મળીએ છીએ. મને શું ખબર કે તે આ રીતે કંઇ કહ્યા વિના જતો રહેશે.” નવ્યાએ એકદમ ધીમેથી કહ્યું.

નવ્યાનો જવાબ સાંભળી રિષભને લાગ્યુ કે આ છોકરી જરુર કરતા વધુ ચાલાક છે અથવા તો ચાલાક હોવાનો ડોળ કરે છે. રિષભને લાગ્યુ કે હવે સીધી આંગળીએ ઘી નીકળી એમ નથી. એટલે તેણે થોડી કડકાઇથી કહ્યું “હા, તો મિસ નવ્યા અમને શક છે કે નિખિલે દર્શનનું ખૂન કર્યુ છે અને તમે જરુર તેમા સાથ આપ્યો છે. એટલે જ તમને જ્યારે ખબર પડી કે અમે નિખિલને શોધી રહ્યા છીએ તો તમે નિખિલને આ વાતની જાણ કરી અને નિખિલ પોલીસથી બચાવા માટે છુપાઇ ગયો.” રિષભ આટલુ બોલી રોકાયો.

પણ આ સાંભળી નવ્યાની હાલત તો એકદમ ખરાબ થઇ ગઇ અને તે રડતા રડતા બોલવા લાગી “સર, મે કોઇનુ ખૂન કર્યુ નથી. મને આ વિશે કશી ખબર નથી. તમે મારો વિશ્વાસ કરો આ ખૂન સાથે મારે કશો સંબંધ નથી.”

આ સાંભળી રિષભે પહેલા નવ્યાને શાંત થવા માટે સમય આપ્યો અને પછી બોલ્યો “તો મને એ કહો કે નિખિલ ક્યાં છે? અને તે શુ કામ ગાયબ થઇ ગયો છે? કેમકે નિખિલને છેલ્લે મળનાર વ્યક્તિ તમે જ છો. જો તમે સાચી વાત નહી કરો તો અમારે હવે તમારી પૂછપરછ પોલીસ સ્ટેશનમાં કરવી પડશે.” આ સાંભળી નવ્યા તો એટલી બધી ગભરાઇ ગઇ કે તેના મોઢામાંથી શબ્દ જ નહોતા નીકળી રહયા. તેની હાલત જોઇ રિષભે ધીમેથી કહ્યુ “જો તમે બધુ સાચુ કહી સહકાર આપશો તો હું પ્રોમિસ આપુ છુ કે તમને હેરાન નહી કરુ. પણ તે માટે તમારે બધુ જ સાચુ અને વિગતવાર કહેવુ પડશે.”

આ સાંભળી નવ્યા ગભરાતા ગભરાતા બોલી “સર, મને એ નથી ખબર કે તે અત્યારે ક્યાં છે. તે દિવસે તમે અહી પૂછપરછ કરવા આવ્યા હતા અને તેના વિશે પૂછપરછ કરતા હતા તે વાત મે તેને ફોન પર કરી હતી. તે તેનાથી ખૂબ ગભરાઇ ગયો હતો. તે રાત્રે તે અચાનક નીચે આવ્યો અને મને ફોન કરી નીચે બોલાવી. તે એટલો ગભરાઇ ગયો હતો એટલે હું તેને સમજાવવા માટે હોટલમાં જમવા લઇ ગઇ. તે ખૂબ ડરેલો હતો. કંઇ બોલતો જ નહોતો. મે તેને જમતા જમતા ઘણો સમજાવ્યો કે તે કંઇ કર્યુ નથી તો પછી પોલિસથી ડરવાનુ કોઇ કારણ નથી. પણ તેણે કહ્યું કે આ પોલીસ તો ગમે તેને ખોટા ફસાવી દે છે. તેને એવુ લાગતુ હતુ કે તેને અને દર્શનને ઝગડો થયો હતો એ વાત તમને ખબર પડી ગઇ છે અને તમે તેને ફસાવી દેશો. આ સાંભળી મે તેને ઘણો સમજાવ્યો ત્યારે તે શાંત થયો. ત્યારબાદ મને એમ હતુ કે તે હવે રીલેક્ષ થઇ ગયો છે એટલે અમે જમીને બહાર નીકળ્યા. ત્યારે તેણે મને કહ્યુ કે તેને કોઇ કામ માટે પૈસાની જરુર છે. ત્યારબાદ અમે ત્યાં નજીકમાં આવેલ એટીએમમાં ગયા અને પૈસા ઉપાડ્યા. આ પૈસા મે તેને આપ્યા અને પછી છુટા પડ્યા. પણ બીજા દિવસથી તેનો ફોન બંધ થઇ ગયો અને પછી મને ખબર પડી કે તે ગાયબ થઇ ગયો છે.”

આ સાંભળી રિષભના મગજમાં ઝબકારો થયો અને તે બોલ્યો “તમે કઇ જગ્યાએથી એટીએમમાંથી પૈસા ઉપાડ્યા હતા? અને કઇ હોટ્લમાં જમ્યા હતા?”

આ સાંભળી નવ્યાના ચહેરા પરના હાવભાવ થોડા બદલાઇ ગયા પણ પછી થોડુ વિચારીને તે બોલી “એટીએમ તો કયુ હતુ તે એક્ઝેટ યાદ નથી પણ અમે જમવા માટે કંસારમાં ગયા હતા.”

“એકઝેટ એટીએમ યાદ ન હોય તો કંઇ નહી પણ કયા એરીયાના એટીએમમાંથી પૈસા ઉપાડ્યા હતા, તે તો યાદ હશે ને?” આ સાંભળી નવ્યાના ચહેરા પર પસીનો આવી ગયો અને તે બોલી “હા, અમે કંસારની બાજુમાં જ ક્યાંકથી પૈસા ઉપાડ્યા હતા.”

આ સાંભળી રિષભે કહ્યુ “વિશ તારીખ પહેલા તમે તેને ક્યારેય મળ્યા હતા?”

“તે પહેલા હું લગભગ તેને એક અઠવાડીયા પહેલા મળી હતી.” નવ્યાએ થોડુ યાદ કરીને કહ્યું.

“તેના ગાયબ થયા પછી તેણે તમારો કોન્ટેક્ટ કરવાની કોશિષ કરી છે?” રિષભે પુછ્યું.

“ના, છેલ્લે મે તે રાતેજ તેની સાથે વાત કરી હતી પછી મારી તેની સાથે વાત થઇ જ નથી.” નવ્યાએ કહ્યું.

આ સાંભળી રિષભે કહ્યું “આ સિવાય તમારે અમને કંઇ જણાવવુ છે? એકવાત યાદ રાખજો જો તમે કંઇ છુપાવશો તો તે તમારા માટે જ સમસ્યા ઊભી કરશે.”

“ના સર મે તમને બધુ જ જણાવી દીધુ છે.” નવ્યાએ કહ્યું.

“ઓકે, જો નિખિલ તમારો સમ્પર્ક કરવાની કોશિષ કરે તો તમે અમને જરુર જાણ કરજો. હવે તમે જઇ શકો છો.” એમ કહી રિષભે હેમલ સામે ઇશારો કર્યો.

આ સાંભળી નવ્યા ઊભી થઇને ઓફિસની બહાર નીકળી ગઇ અને તેની પાછળ હેમલ પણ બહાર નીકળ્યો. તેના ગયા પછી રિષભે અશ્વિન સામે જોયુ. આ બધુ સાંભળી અશ્વિન તો સ્તબ્ધ થઇ ગયો હતો. રિષભે તેની જાણ બહાર જે રીતે સી.સી.ટીવી રેકોર્ડીંગ મેળવી લીધુ હતુ અને તના પરથી જે ઝડપથી માહિતી મેળવી હતી. તે જોઇ તેને નવાઇ લાગતી હતી. તેને તો એમ હતુ કે આ કેસ પણ બીજા બધા કેસની જેમ દબાઇ જશે. પણ આ ઓફિસર જે રીતે કામ કરી રહ્યો હતો તે જોઇ તેને સમજાઇ ગયુ હતુ કે હવે આ કેસ તો સોલ્વ થશે જ. તેની સામે જોયુ એટલે અશ્વિને કહ્યું “સર, મને તો આ બધુ જોઇ નવાઇ લાગે છે કે મારી ઓફિસમાં મારી પાછળ આ બધુ ચાલતુ હતુ અને મને તો ખબર જ ના પડી.”

આ સાંભળી રિષભે કહ્યું “તમને ભલે ના ખબર પડી પણ અમને તો બધી જ ખબર પડે છે.”

આ સાંભળી અશ્વિનને સમજ ના પડી કે આ ઓફિસર વાત કરે છે કે ધમકી આપે છે. અશ્વિન કંઇ બોલ્યો નહીં એટલે રિષભને જે પ્રશ્ન વચ્ચે થયો હતો તે પૂછતા કહ્યું “તમે મને એ કહો કે તમે દર્શનની ઓફિસ છોડીને આવનારાને નોકરી શુ કામ આપો છો? આ બંનેમાં એવી કંઇ લાયકાત હતી કે તમે તેને નોકરી આપી દીધી કે પછી આની પાછળ તમારો કોઇ છુપો હેતુ હતો?”

આ સાંભળી અશ્વિન થોડો ગભરાઇ ગયો. તેણે આ ઓફિસરનો મિજાજ જોઇ લીધો હતો એટલે ગળગળો થતા બોલ્યો “અરે સાહેબ એવુ કશુ નથી. આ નિખિલને દર્શન સાથે દુશ્મની હતી એટલે દર્શનને ઇર્ષા કરાવવા માટે જ મે તેને નોકરી પર રાખી લીધો હતો. અને સાચુ કહુ તો સાહેબ નિખિલને નોકરી પર રાખી મે કોઇ ખોટુ પગલુ ભર્યુ નહોતુ. તે માણસ ભલે ઓછુ ભણેલો હતો પણ તેની કોઠાસુઝ જોરદાર હતી. તેણે મારા માટે ઘણુ સારુ કામ કર્યુ છે. તે મારી સાથે કામ કરતો હતો ત્યારે એક દિવસ તેણે મને કહ્યુ કે મારી એક મિત્ર છે તેને નોકરીની જરુર છે. મારે પણ તે વખતે એક રિસેપ્શનિસ્ટ કમ આસીસ્ટન્ટની જરુર હતી એટલે મે તે છોકરીને મળવા માટે બોલાવી. મને તે વ્યવસ્થિત લાગી એટલે મે તેને નોકરી માટે રાખી લીધી.”

“શુ તમને ત્યારે ખબર નહોતી કે નવ્યા પણ દર્શનની ઓફિસમાં કામ કરતી હતી?” રિષભે વચ્ચે જ પૂછી લીધુ.

“હા, એ મને ખબર હતી પણ તેને મે માત્ર એટલા ખાતર નોકરી નહોતી આપી. તે છોકરીને આ કામનો અનુભવ હતો એટલે મને તે આ નોકરી માટે યોગ્ય લાગી.” અશ્વિને ચોખવટ કરતા કહ્યું.

“ઓકે, મિ. અશ્વિન અત્યાર સુધી તમારી રિશેપ્શનીસ્ટ વિશે તમને ખબર હોય કે નહી તે હું નથી જાણતો પણ હવે તેની ખબર રાખજો અને કંઇ પણ નવુ જાણવા મળે તો મારો કોન્ટેક્ટ કરજો. આ મારુ કાર્ડ છે.” એમ કહી રિષભે અશ્વિનને તેનુ કાર્ડ આપ્યુ અને પછી ત્યાંથી બહાર નીકળી ગયો.

તે લોકો જીપમાં બેઠા એટલે રિષભે હેમલને કહ્યું “શુ થયુ?”

“હા, સર તેને મે સમજાવી દીધુ છે કે જો કંઇ પણ જાણવા મળશે તો તે મને ફોન કરશે. અને તેના મોબાઇલમાંથી કશુ મળ્યુ નથી.” હેમલે ફોન નંબર એડ કરવાને બહાને નવ્યાનો ફોન ચેક કરી લીધો હતો.

“ઓકે, હવે એક કામ કર. આ નવ્યાનો અને અશ્વિનનો ફોન સર્વેલન્સ પર મુકાવી દે મને લાગે છે કે આ બંને કંઇક છુપાવે છે. નિખિલ જરુર આ બે માંથી એક નો કોન્ટેક્ટ કરશે.” આ સાંભળી હેમલ એક ફોન કર્યો અને બંનેના ફોન ટેપીંગ કરવા કહી દીધુ.

હેમલે ફોન મુક્યો ત્યાં રિષભના ફોનમાં અભયનો કોલ આવ્યો. રિષભે ફોન ઉંચકી કહ્યું “હા, બોલ અભય શું સમાચાર છે?”

“સર, પેલી છોકરી શ્રેયાનો કોન્ટેક્ટ થઇ ગયો છે. તે અહીં અઠવાલાઇન્સ પર આવેલ કોઇ કંન્સ્ટ્રક્શન કંપનીની ઓફિસમાં કામ કરે છે.” અભયે વિગત આપતા કહ્યું.

“ઓકે તો તેની સાથે વાત કરી પૂછી લે કે તેને કયા સમયે મળવુ ફાવશે અને કઇ જગ્યાએ મળવા આવશે. છોકરીને પોલીસ સ્ટેશને બોલાવવી યોગ્ય નથી અને તેના નોકરીના સ્થળ પર જઇશુ તો બધા છોકરી પર શક કરશે. આપણા લીધે કોઇ નિર્દોષ છોકરીને હેરાનગતિ ન થવી જોઇએ.” આટલુ કહી રિષભે ફોન મૂકી દીધો એટલે હેમલે પૂછ્યું.

“સર, તમને શું લાગે છે? આ નવ્યા કેટલુ સાચુ બોલતી હશે?” આ સાંભળી રિષભે કહ્યું.

“મને તો લાગે છે કે તે જરુર કંઇક છુપાવે છે. તે કેટલુ સાચુ બોલે છે તે આપણને ખબર પડી જશે. એક કામ કર વિશ તારીખે રાત્રે કંસાર હોટલની આજુબાજુ જેટલા પણ એટીએમ છે તેનુ રેકોર્ડીંગ ચેક કરાવ. અને કંસાર હોટલનુ પણ રેકોર્ડીગ ચેક કરાવ તે સાચુ બોલે છે કે નહી તે ખબર પડી જશે.” આ સાંભળી હેમલે ફોન કરી સ્ટેશન પરથી બે માણસોને એટીએમના કામે લગાવી દીધા. અને અભયને ફોન કરી કંસારમાંથી રેકોર્ડીંગ લાવવાનુ કામ સોંપી દીધુ.

ફરીથી રિષભનો ફોનમાં રિંગ વાગી એટલે રિષભે ફોન ઉંચકી વાત કરવા લાગ્યો એક મિનિટ બાદ રિષભે ફોન કટ કરી હેમલને કહ્યું “ચાલ ગુજરાત ગેસ સર્કલ પર આવેલ મહાલક્ષ્મીમાં જવાનુ છે. પેલી છોકરી શ્રેયા ત્યાં જ આપણને મળવા આવે છે.”

જીપ ઝડપથી રીંગ રોડ પર દોડી રહી હતી. તાપી નદી સુરત શહેરના મધ્યમાંથી પસાર થઇને શહેરને બે ભાગમાં વહેંચે છે. આ બંને ભાગને જોડતા ઘણા બધા બ્રીજ સુરત મહાનગર પાલીકાએ બનાવેલા છે. તેમાનો એક બ્રીજ આ રીંગરોડ પર જ આવેલો છે, જેને સરદાર બ્રીજ કહે છે. સરદાર બ્રીજ ઉતરતા જ એક સર્કલ આવે છે, જેને ગુજરાત ગેસ સર્કલ કહે છે. આ ગુજરાત ગેસ સર્કલ પર જ બ્રીજની એકદમ સામે મહાલક્ષ્મી ફાસ્ટફૂડ એન્ડ જ્યુસ કોર્નર આવેલ છે. મહાલક્ષ્મી સામે જીપ ઊભી રહેતા રિષભ અને હેમલ ઉતર્યા અને અંદર દાખલ થયા. તેને જોઇને છેલ્લા ટેબલ પરથી એક છોકરીએ હાથ ઊંચો કર્યો. આ જોઇ રિષભ અને હેમલ તેના તરફ આગળ વધ્યા. છેલ્લા ટેબલ પર પહોંચ્યા અને છોકરીનો ચહેરો જોયો એ સાથે જ તે બંને ચોંકી ગયા.

-----------********************------------------****************-----------------------------

મિત્રો આ મારી ત્રીજી સસ્પેન્સ થ્રિલર નોવેલ છે. આ પહેલાની મારી બે નોવેલ “21મી સદીનું વેર” અને “વિષાદ યોગ” પણ સસ્પેન્સ થ્રિલર નોવેલ હતી. જો તમે આ નોવેલ હજુ સુધી ના વાંચી હોય તો તે તમે માતૃભારતી પરથી વાંચી શકો છો.

મિત્રો આ નોવેલ તમને કેવી લાગી છે તેનો પ્રતિભાવ મને મારા નીચે આપેલા વોટ્સએપ નંબર પર જરુરથી મોકલી આપશો. તમારા પ્રતિભાવ અને સલાહ સૂચન મારી નોવેલને વધુ સારી બનાવવા માટેની પ્રેરણા પુરી પાડે છે. જો તમને આ નોવેલ ગમી હોય તો તમારા સ્નેહી મિત્રોને તે વાંચવા માટે ભલામણ કરજો.

--------------------*****************------------***************---------------------

HIREN K BHATT

MOBILE NO:- 9426429160

EMAIL ID:- HIRENAMI.JND@GMAIL.COM