માણસો કેટલા સ્વાર્થી અને વિચિત્ર હોય છે નહીં. કામ કરી આપો તો ખુશ અને ન કરી આપો તો શંકા કરવા લાગે. ચાની કિટલી ઉપર ચાલતી પત્રકારોની બેઠકમાં ચિંતન બોલી પડ્યો. મેં અનાયાસ તેની સામે જોયું તો વધારે અકળાઈ ગયો. તું યાર સામે ના જોઈશ. મારી નજરમાં સવાલ હતો એટલે તે અકળાયો હતો. તેણે ચાનો કપ હાથમાં પકડતા કહ્યું કે, યાર પેલી આપણા ગ્રૂપમાં વૈભવી હતી તેનાથી હું કંટાળી ગયો છું. મિત્રતાના નામે સતત ઈમોશનલ કર્યા કરે અને કામ ન કરી આપો તો શંકા કરે. જો કામમાં મદદ કરો, સ્ટોરી લાવવામાં મદદ કરો, પ્રમોશનમાં મદદ કરો તો તમે તેના ખાસ મિત્ર નહીંતર તમારા નામે શંકા કરવાની શરૂ. ચિંતનની વાત ઉપરથી ખબર પડી કે, તેઓ જે ચેનલમાં કામ કરે છે તેમાં વૈભવીને ઈનપૂટ હેડ બનવું છે. થોડા વખત પહેલાં વૈભવી આ જ પોસ્ટ ઉપર હતી પણ સતત રિપોર્ટરો અને અન્ય સ્ટાફ સાથે તેને ચકમક ઝર્યા કરતી. તેનો ઈરાદો ખરાબ નહોતો પણ તેને ગુસ્સાની આદત પડી ગઈ હતી. તેના કારણે તેની ઈમેજ ઊભી થઈ ગઈ કે આ વ્યકતિને ઝઘડા કર્યા વગર ફાવતું નથી. લોકો ધીમે ધીમે તેનાથી દૂર જવા લગ્યા. બીજી બાજુ વૈભવીને એવું થતું હતું કે, તેનામાં પોટેન્શિયલ છે પણ ચિંતન તેને મદદ કરતો નથી. ચિંતન પાસે પોસ્ટ છે, પાવર છે છતાં વૈભવીને આગળ લાવવા માટે તે કંઈ કરતો નથી. બંને સતત આ દ્વિધામાં ફર્યા કરતા હતા. તેમાં એક દિવસ વૈભવીએ અકળાઈને આ વાત ચિંતનને કહી દીધી કે, તારે ખાલી મિત્રતાની વાતો જ કરવી છે, મારા ડેવલપમેન્ટમાં તને રસ જ નથી. હવે ચિંતન વિચિત્ર સ્થિતિમાં હતો. ટુ બી ઔર નોટ ટુ બી. આ સ્થિતિ સૌથી વધુ જોખમી હોય છે. તે મિત્રતા તોડી શકે તેમ નહોતો અને તેને હવે વૈભવી સાથે સંબંધ રાખવો પણ નહોતો. તે કંટાળ્યો હતો સતત આ શંકાઓ અને સવાલોથી.
ચિંતનની સ્થિતિ જોઈને માહિર ઉલ કાદરીનો એક શેર યાદ આવે કે,
अक़्ल कहती है दोबारा आज़माना जहल है
दिल ये कहता है फ़रेब-ए-दोस्त खाते जाइए
રિલેશનશિપની વાત કરીએ ત્યારે તેના કેટલાક મૂળ નિયમો હોય છે. તેમાંય જ્યારે ઓફિસમાં અને તે પણ વિજાતીય મિત્રતા હોય ત્યારે તેમાં અપેક્ષાઓ ઘણી બધી હોય છે. અહીંયા શારીરિક અપેક્ષાઓની વાત જ નથી. (ફેસબુક ઉપર સાહિત્યના નામે પાથરણા પાથરીને બેસનારા અને અડ્ડાઓ ચલાવતા બુદ્ધિજીવીઓને સવાલ ન થાય એ માટે નમ્ર ખુલાસો). માત્ર આગળ વધવાની અને એકબીજા થકી વિકસતા રહેવાની અપેક્ષાઓ હોય છે. આ ધરતી ઉપરના બુદ્ધિજીવી ગણાતા માણસના અન્ય માણસ સાથેના કોઈપણ પ્રકારના સંબંધમાં અપેક્ષા ના હોય તેવું શક્ય નથી. ક્યાંક પ્રેમની, ક્યાંક વાફાદારીની, ક્યાંક સ્નેહની, ક્યાંય વ્યવસાયની તો ક્યાંક સમજદારીની પણ અપેક્ષા તો હોય જ છે. હવે સંબંધોના ચક્રનું એવું છે કે, તમે જ્યારે સ્પષ્ટતા સાથે સમજણનું ઓઈલ પૂરી દીધું હોય તો બધું સરળ રીતે ચાલતું રહે છે. તેમાં તમારી અપેક્ષાનું આઉટપુટ ન આવે ત્યારે મુશ્કેલી શરૂ થાય છે. પછી આ સંબંધોમાં શંકાના પાના-પક્કડ લગાડવામાં આવે છે અને વારાફરતી એક એક નટબોલ્ટ ખોલવામાં આવે છે. તેમાં સૌથી મોટી ગાઈડલાઈન આપે છે. ધારણા. તમે ધારણાના આધારે જ સંબંધ વિકસાવ્યો હોય તો ક્યાંક ને ક્યાંક અથવા તો ક્યારેક ને ક્યારેક તે ખોટકાવાનો જ છે.
સંબંધોમાં જો સિમ્પલ ઓબ્ઝર્વેશન કરો તો ખ્યાલ આવશે કે, અપેક્ષાઓ પૂરી થતી રહે ત્યાં સુધી કોઈ સમસ્યા આવતી જ નથી. માતા-પિતા સંતાનોને તમામ સુખ સગવડો આપે તો તેની સામે માત્ર સારી કારકિર્દી અને અભ્યાસની જ અપેક્ષા હોય છે. પત્ની પોતાના સ્વજનોને છોડીને આજીવન પતિના ઘરે રહે અને તેના પરિવારને સાચવે અને તેનું સંવર્ધન કરે તેના બદલામાં માત્ર સ્નેહ અને વફાદારીની જ અપેક્ષા રાખતી હોય છે. પુરુષ પણ આજીવન નોકરી કે વ્યવસાય કરતો હોય તો સામે પરિવાર પાસે સુખ અને શાંતિની જ અપેક્ષા રાખતો હોય છે. આવી અપેક્ષાઓ ખોટી નથી પણ જ્યારે સામેની વ્યક્તિ કોઈપણ રીતે પોતાની ધારણાથી કે અપેક્ષાથી વિમુખ થાય ત્યારે સમસ્યા શરૂ થાય છે. ત્યારે તરત જ તે વ્યક્તિ કે, સંબંધ સામે સવાલો થવા લાગે છે, શંકા થવા લાગે છે.
સામાન્ય રીતે કોઈપણ સંબંધ અથવા તો સંબંધિત વ્યક્તિને આપણે ઈવેલ્યુએટ કરીએ ત્યારે તેનો સાચો રસ્તો કયો? દરેક વખતે દરેક વ્યક્તિ આપણી અપેક્ષા મુજબ જ વર્તન કરે અથવા તો કામ કરે તેવું ખરેખર શક્ય છે? આપણી અપેક્ષા કે ધારણા ન સંતોષાય ત્યારે સામેની વ્યક્તિ બદલાઈ ગઈ છે અથવા તો તેના વિશે શંકા કરવા લાગવું કે કેટલા અંશે ગ્રાહ્ય છે? સંબંધોમાં એક સમસ્યા એવી છે કે, કોઈ વ્યક્તિ તેના સ્નેહી, સ્વજન કે મિત્ર માટે તમામ ભોગ આપે, સમાધાન આપે, સુખ આપે, સગવડ કરે, સમજદારી દાખવે કે પછી જતું કરે ત્યારે કોઈ સમસ્યા થતી નથી. જે દિવસે આ બધું જ ધારણા પ્રમાણે ન થયું તે દિવસે આ વ્યક્તિએ કરેલું બધું જ ઝીરો થઈ જાય છે. સંબંધીઓ, સ્નેહીઓ, મિત્રો કે પછી અન્ય કોઈ રીતે આપણી સાથે જોડાયેલા લોકો મૂળ રીતે બે પ્રકારના હોય છે. એક જેમને હંમેશા આપણા પ્રત્યે આદરભાવ કે ગ્રેટિટ્યૂડની લાગણી હોય છે. બીજા હોય છે કે, સતત મનમાં દુઃખ લઈને ફરનારા. તેમને ક્યારેય સંતોષ મળતો જ નથી. તેમને સતત અભાવનું જ દુઃખ રહ્યા કરતું હોય છે. ગ્રેટિટ્યૂડવાળા માણસો તમામ સ્તરે અહોભાવમાં જીવતા હોય છે અને કદાચ સામેની વ્યક્તિથી એકાદ વખત ભુલ થાય તો પણ તેઓ જતું કરવામાં નાનપ નથી અનુભવતા. દુઃખી અને ફરિયાદી સ્વભાવના લોકોને એકાદ કામ ન થયું હોય કે એકાદ અપેક્ષા પૂરી ન થઈ હોય તેની આજીવન ફરિયાદ હોય છે. તેને સામેની વ્યક્તિના અવગુણો જ દેખાવા લાગે છે. શંકાઓ શરૂ થઈ જાય છે. અપેક્ષા રાખવી ખોટી નથી પણ વધુ પડતી અપેક્ષા માણસને દુઃખી કરે છે અને સંબંધને ખરાબ કરે છે. ઓફિસ કે વ્યવસાયની જગ્યાએ વિકસતા સંબંધોમાં આ બાબત સૌથી મોટી રહેલી છે. કોઈ વ્યક્તિ એવું વિચારતી જ નથી કે મારે જે કરવું છે તે હું કરું છું અને સામેની વ્યક્તિને જે કરવું છે તે એ કરે છે. કામન સ્થળે, બિઝનેસમાં કે પછી અન્ય કામગીરી દરમિયાન ચિંતન અને વૈભવી જેવું યુગોથી ચાલતું આવ્યું છે અને ચાલતું રહેશે. તેના કારણે જ દુલા ભાયા કાગે કહ્યું છે કે,
કમતિયાને લાખો કરો, એક દિ અવગુણ થાય...
તો ભવ ના ભુલી જાય, કરિયલ ગુણને કાગડા