સ્વાધીનતા Paru Desai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્વાધીનતા

સ્વાધીનતા

વાહ! શું જીંદાદિલી છે! લાઈફ હો તો ઐસી. આ ઉંમરે પણ કેવા લહેરથી રહે છે. ઉંમરનો જાણે કોઈ બાધ જ નથી નડતો. આ બધું જ કિશોરકાકા માટે કહેવાતું. સમાજમાં તેનું માન તો હોય જ ને. એણે તો જિંદગીની દરેક મુશ્કેલીને હરાવતા સૌને શીખી શકાય તેવું કાર્ય કર્યું હતું. ૬૦ વર્ષની ઉંમરે પ્રાઇવેટ કંપનીમાંથી રીટાયર થયા પછી તો પોતાની મૂડીના વ્યાજમાંથી જ ‘ઘર’ ચલાવતા. સંતાન તો હતા નહિ એટલે બીજી કોઈ ચિંતા ન હતી. પેન્શન નથી મળતું પણ ‘બે જણાને જોઈએ કેટલું?’ એવો સંતોષી અભિગમ એટલે જીવનમાં કોઈ તકલીફ નહતી. કયારેક આપણે વિચારીએ એ મુજબ ન પણ થાય. એવું જ બન્યું કિશોરકાકા ના જીવનમાં. કહેવાય છે ને કે જિંદગીનું બીજું નામ “શિક્ષક” છે એ પણ એવા ટીચર કે કોઈ ટાઇમટેબલ આપ્યાં વગર કોર્ષ શીખવાડ્યા વગર કસોટી લેવાની એની આદત. તેમના સુખી સંસારમાં પણ એક અડચણ આવી.

કિશોરકાકાના પત્ની ગીતાબેન ઓચિંતા જ કોઈ અગમ્ય બીમારીમાં સપડાયા. શરુમાં તો સામાન્ય ડોક્ટર પાસે નિદાન કરાવ્યું પણ કઈ ખબર ન પડે. આર્થિક તાણને લીધે પણ સ્પેશિયાલિસ્ટ પાસે જવાની ના પાડે. પણ અચાનક જ બેભાન જ બની ગયા. ત્યારે તો જેમતેમ કરીને ડીપોઝીટ તોડાવીને ઈલાજ કરાવ્યો. પણ કાયમ અમુક દવા ને ઇન્જેક્શનના ખર્ચા હતા. સગાઓએ થોડી મદદ કરવાની ઉપરછલ્લી તૈયારી બતાવી. પણ સાથે એમ કહે કે એવી આ બીમારીના ખર્ચા ઘણા છે હવે આર્થિક સ્થિતિ તો સારી નથી તો જે થાય એ ચલાવી લેવાય. કિશોરકાકાનું આત્મ સન્માન ઘવાયું. એમ કઈ ભગવાન ભરોસે છોડી ને મારી ગીતાને તકલીફ નહિ આપું. તેણે વિચાર્યું, “ મારી પત્ની ની બધી જ જવાબદારી લેવાના લગ્ન વખતે સોગંધ લીધા છે. આજીવન સાથ આપવાનું વ્રત લીધું છે. આ તો એક સહવાસની પ્રતિજ્ઞાનું પ્રતિક છે. આટલા વર્ષો સુધી મે બધી રીતે સુખ આપ્યું છે. અમે એકબીજાના સાચા સાથી બની રહ્યા છીએ તો હવે હું એના ઈલાજ માટે કોઈ સામે હાથ લાંબો નહિ કરું. કે કોઈની આર્થિક મદદથી તેનો ઈલાજ નહિ કરાવું.” ઊંડો શ્વાસ લઈને વિચાર કરતા રહ્યા કે આ ઉંમરે કઈ રીતે સારી કમાણી કરી શકાય. પોતે પ્રાઇવેટ કંપનીમાં સીનીઅર એકાઉન્ટન્ટ હતા. કંપ્યુટર પણ જાણે એટલે કાબેલિયત તો છે જ. બસ થોડી તૈયારી કદાચ કરી લઈશ તો તકલીફ નહિ પડે. પોતાના જાણીતી કંપની અને બેંકમાં ફોનથી સંપર્ક કરી રૂબરૂ મળવા ગયા. અનુભવ જ આત્મવિશ્વાસ વધારે છે ને. અનુભવ તો ૩૦ વર્ષની નોકરી કરેલી તે હતો જ. બસ, ૧૦ દિવસમાં તો સવારે ૧૦ થી સાંજે ૫ ની સહકારી બેન્કમાં હેડ એકાઉન્ટન્ટ તરીકે નોકરી મળી ગઈ. પગાર પણ સારો. પીઢ વ્યક્તિ નવા કર્મચારીઓને સારી રીતે શીખવે અને પોતાનો મળતાવડો સ્વભાવ થોડા જ દિવસોમાં કિશોરકાકા તો સૌના માનીતા થઇ ગયા. કિશોરકાકા વિચારી રહ્યા હતા કે પોતે સમયને ઘણો વેડફ્યો પણ હવે તો કાર્યરત રહેવું છે. અંતિમ શ્વાસ સુધી કાર્ય કરીશ ભલેને કોઈ વારસ નથી તો અહીંનું અહીં વાપરશું અને બાકીનું કોઈ જરૂરિયાતમંદને આપતા જઈશું.

ગીતાબેનનો હકારાત્મક સ્વભાવ, કિશોરકાકાની સરભરા અને પ્રેમાળ સ્વભાવ અને દવાની અસરને લીધે બીમારી તો ગાયબ જ થઈ ગઈ. ગીતાબેન પણ હવે પતિની આર્થિક સ્થિતિ સારી હોવાથી ખુશ હતા. હવે સ્વસ્થ જીવનમાં પોતે પણ ખુશ અને કિશોરકાકા પણ ખુશ. બેન્કમાંથી રજા લઈને બંને કેરાલાની ટુર પર જઈ આવ્યા પછી ત્યાની બધી વાતો સૌને કહે છે. તેઓ એમ કહે છે, “તનથી યુવાન હોવું એના કરતા મનથી યુવાન હોવું જરૂરી છે. હૈયે હામ ન હોય તો ૨૫ વર્ષે પણ “બુઢા” બાકી જીવનના છેલ્લા શ્વાસ સુધી પ્રવૃત રહી ખુમારીથી જીવવું.” તેઓ યુવાનોને વાતવાતમાં જ વિનોબાજીની વાત યાદ અપાવે છે કે “શરીર તો શરીરનું કામ કરે, આપણે આપણું કામ કરવાનું. કામની ઝડપ થોડી ઓછી થઇ ગઈ હોય તો એમ પણ કામ તો કરો જ.” એક જ વાત ધ્યાનમાં રાખવી કે ઉંમરની અસર શરીરને થાય છે મનને નહિ. મનથી યુવાન હોઈએ તો ધાર્યું કાર્ય કરી શકાશે.

તેઓ કહે છે કે ભલે પૈસો જ પરમેશ્વર નથી પણ જીવનમાં સ્વસ્થતા આપી શકે અને અન્યના જીવનમાં થોડી મદદ કરી ખુશીઓ લાવી શકે તેટલું મહત્વ તો છે જ. ‘KINDNESS NEVER GOES OUT OF FASHION.’

પારુલ દેસાઈ