ભાગ 32
પ્રકરણ 14
લઘુતાગ્રંથી દુર કરો
આજે લોકો આત્મહત્યાં શા માટે કરે છે ? તેના કારણો જોઇએ તો તેમા નિષ્ફળતા, એકલતા, ઘરકંકાસ, દગો, નિરાશા જેવા અનેક પરીબળોનો સમાવેશ કરી શકાય. આ બધા કારણો છે અલગ અલગ તેમ છતાય તેમા એક વાત એવી છે કે જે બધામા કોમન છે, જેના લીધેજ વ્યક્તી આત્મહત્યાં કરવા પ્રેરાતા હોય છે. આ કારણ છે લઘુતાગ્રંથી.
લઘુતાગ્રંથી એટલે બીજાઓ કે અન્ય બાબતોથી પોતાની જાતને નીચા કે હલકા સમજવાની વૃત્તી અથવાતો સામાન્ય એવી બાબતોનુ પોતાના જીવ કરતા પણ વધારે મહત્વ આંકવાની વૃત્તી. આવી લઘુતાગ્રંથીને કારણે વ્યક્તી પોતાના જીવનમા ઘટતી ઘટનઓને એટલુ બધુ મહત્વ આપી દેતા હોય છે કે તેની સામે પોતાના જીવનનુ મહત્વ તેઓ સમજી શકતા હોતા નથી. ઘણી વખત લોકો માટે પોતાની કીંમતી જીંદગી કરતા આવા બધા કારણો વધુ અગત્યના થઈ પડવાથીજ તેઓ ખુબ મોટો આઘાત અનુભવતા હોય છે જે તેઓને અંતીમ પગલુ એટલેકે આત્મહત્યાં કરવા મજબુર કરતા હોય છે. આવો આઘાત ત્યારે ખુબ વધી જતો હોય છે જ્યારે વ્યક્તી, લોકો શું વિચારશે કે શું કહેશે તેની ચીંતા કરવા લાગી જતા હોય છે. આમ જ્યારે લોકો પોતાના સીવાય બીજી બધી બાબતો કે લોકોને પોતાના કરતા પણ વધારે મહત્વ આપવા લાગતા હોય છે ત્યારે તેઓને એવો ભ્રમ થઈ જતો હોય છે કે પોતે લોકોની નજરોમા સ્થાન ગુમાવી રહ્યા છે અને લોકો તેના પર હસી રહ્યા છે, હવે બધુજ સમાપ્ત થઈ ગયું છે કે બધાજ લોકો મારા વિરુદ્ધમા થઈ ગયા છે. જ્યારે આવી લાગણી અનુભવાતી હોય છે ત્યારે મનમા એક પ્રકારની નાનપ અનુભવાતી, એક પ્રકારની આક્રોશ યુક્ત પીડા અનુભવાતી હોય છે જે વ્યક્તી માટે અસહ્ય બની જતી હોય છે જેથી વ્યક્તી હાર સ્વીકારી લેવા મજબૂર બની જતો હોય છે. પણ આવા સમયે લોકોએ વિચારવુ જોઇએ કે નિષ્ફળતા કે અન્ય કારણો એ બધુ અંતેતો પોતાના જીવનથી ચઢીયાતા નથીજ. જીવનમા ગમે તેવી નિષ્ફળતા, દુ:ખ કે સમસ્યા હોય, તેના સમાધાન લાવી શકાય તેમ છે પણ એક વખત ગુમાવેલા જીવને પાછો લાવી શકાતો નથી. માટે આપણે આપણા કીંમતી જીવને નિર્જીવ ઘટનાઓથી વધારેજ આકવી જોઈએ.
આપણી સમસ્યાઓના સમાધાન નથી થતા તેના અનેક કારણોમા સૌથી મોટુ કારણ એ આપણી આવી નિરાશા ભરેલી વિચારસરણી કે લઘુતાગ્રંથીજ હોય છે. જો ખુદ આપણેજ પોતાને સમસ્યાઓથી નાના સમજવા લાગીએ તો પછી તેને ઉખેડીને કેવી રીતે ફેકી શકીએ? તેના કરતા જો આપણે પોતાને કે પોતાની શક્તીઓને સમસ્યાઓ કરતા પણ મોટા કદની સમજવા લાગીએ તો તેને દુર કરવાનુ સાહસ આપોઆપ ઉત્પન્ન થતુ હોય છે જેથી નિડરતાથી તેનો સામનો કરી શકાતો હોય છે.
આ લઘુતાગ્રંથી શું છે ?
જ્યારે વ્યક્તી પોતાને કોઇ કામ માટે ગેરલાયક સમજે છે, પોતાનોજ ટીકાકાર બની પોતાની નજરોમા સ્થાન ગુમાવી બેસે છે અથવાતો પોતાના કરતા અન્યોને વધુ મહત્વ આપી પોતાને તેમનાથી ઉતરતા સમજવા લાગે છે, પોતે કોઇ કામ માટે લાયક નથી કે હવે બધુજ સમાપ્ત થઈ ગયું છે તેવુ સમજવા લાગે છે ત્યારે વ્યક્તી લઘુતાગ્રંથી અનુભવી રહ્યો છે તેમ કહી શકાય.
ઘણી વખત આપણને એમ થતુ હોય છે કે હું આ કામ કરવા માટે લાયક નથી, હું તે કામ ક્યારેય કરીજ નહી શકુ, સફળતા કે માન-સમ્માન મારા નશીબમાજ નથી, હું એ જ લાગનો છુ, મારી સાથે આમજ થવુ જોઇએ, વગેરે જેવી હીન ભાવનાઓને કારણે આપણે પોતાનેજ અયોગ્ય સમજવા પ્રેરાતા હોઇએ છીએ, અયોગ્યતા અને નાનપની આવી લાગણીઓનેજ લઘુતાગ્રંથી કહે છે, અને તેના કારણેજ આપણે પ્રયત્નો કર્યા વગરજ વહેલી હાર સ્વીકારીને બેસી જતા હોઇએ છીએ.
તમે અનુભવ્યુ હોય તો જ્યારે પણ તમે પોતાને કોઇ કામ કે વસ્તુ માટે અયોગ્ય સમજતા હતા ત્યારે ત્યારે તમે તેને મેળવવાના પ્રયત્નો કરવાથીજ દુર ભાગતા હતા, પણ જ્યારે એવુ દ્રઢ પણે માનતા હતા કે નહી આ વસ્તુ મારા માટેજ છે, હું તેને મેળવવા સંપુર્ણ લાયક છુ ત્યારે વધુ જુસ્સાથી છેવટ સુધી પ્રયત્નો કરી શકતા હતા જેથી તમે વધુ સફળતા મેળવી શક્યા હતા. આમ લઘુતાગ્રંથી દુર કરવી જોઇએ અને તેને દુર કરવાથી સફળતા મળતી હોય છે તેનુ સૌથી મોટુ કારણ એ પોતાનુ આત્મસમ્માનજ બનતુ હોય છે.
આમ જો તમે તમારી મનચાહી ચીજ મેળવવા હકદાર બનવા માગતા હોવ તો તેને પ્રાપ્ત કરવા માટે પોતાને લાયક સમજો. પોતાને કોઇ વસ્તુ મેળવવાને લાયક સમજશો તો પછી એ બધુ તમારાથી આપોઆપ થવા લાગશે કારણકે તમારી વિચારસરણીજ તે પ્રકારની બની જશે.
તમેતો જાણોજ છો કે જ્યારે આપણી કોઇ ટીકા કરે ત્યારે આપણને કેટલુ દુ:ખ થતુ હોય છે, કેટલો ગુસ્સો કે આઘાત લાગતો હોય છે. આવા વ્યક્તીઓ સાથે કે આવા વાતાવરણમા પછી આપણને કામ કરવુ ગમતુ હોતુ નથી એટલે આપણે ત્યાંથી દુર રહેવાનો પ્રયત્ન કરતા હોઇએ છીએ. બીજા માણસો આપણી ટીકા કરે ત્યારે આપણને દુ:ખ થતુ હોય છે પણ જ્યારે આપણે ખુદજ પોતાના ટીકાકાર બની જતા હોઇએ છીએ ત્યારે અનુભવાતુ દુ:ખ ખુબજ અસહ્ય હોય છે. આવુ દુ:ખ વ્યક્તીને કોઇ કામમા ધ્યાન પરોવવા દેતુ હોતુ નથી. લોકો આપણી ટીકા કરે ત્યારે તેનાથી દુર રહી થોડી વાર રાહત મેળવી શકાય પણ આપણે પોતેજ પોતાના ટીકાકાર બની જઈએ તો પોતાનાથીજ છુટકારો કેવી રીતે મેળવી શકાય? દુનિયાનો કોઇ માણસ પોતાનાથી દુર ભાગી શકે નહી કારણકે તે જ્યાં જાય ત્યાં તેના મન, વિચારો એ બધુ તેની સાથેજ રહેતુ હોય છે. આ રીતે છેવટે લોકો પોતાનાથીજ પીછો છોળાવવા માટે આત્મહત્યા કે નશાના માર્ગે નિકળી પડતા હોય છે. તો આ પરિસ્થિતિમાથી બચવાનો શ્રેષ્ઠ ઉપાય એજ છે કે તમે તમારી નજરોમા પોતાના માટે ખુબજ આત્મસમ્માન અનુભવો. જ્યારે વ્યક્તી પોતાના માટે ખુબજ આત્મસમ્માન અનુભવે છે, પોતાના પર એક માણસ તરીકેનો ગર્વ કરતો હોય છે કે પોતાને સંસારના તમામ સુખ સફળતા ભોગવવા માટે લાયક સમજતા હોય છે, પોતાને ભુલો સુધારવા માટે કટીબધ્ધ બનાવતો હોય છે ત્યારે તેઓ એવી તમામ બાબતોને દુર ફેંકી મહાત આપી શકતા હોય છે કે જે તેને નિરાશ કરવા સક્ષમ હોય. આવુ આત્મસમ્માન અનુભવતી વ્યક્તીઓ ક્યારેય કોઇ બાબતમા કે કોઇની સામે નીચુ જોવુપડતુ હોતુ નથી. ગર્વની આવી લાગણીને કારણેજ તેઓ અન્યોથી વધુ પ્રબળ પ્રયત્નો કરી તેઓને હરાવી શકતા હોય છે.
મોટા ભાગે લઘુતાગ્રંથી અનુભવવાની શરુઆત નાનપણથી શરુ થતી હોય છે, નાનપણમા વ્યક્તીની કોઇ બાબતમા ચારેય બાજુથી એવી ટીકા સાંભળવા મળે કે તુ તો સાવ ડોબા જેવો છો, તને કશી ખબરજ પડતી નથી, તારા અક્ષર ક્યારેય સુધરશેજ નહી કે તુ કોઇ વસ્તુને લાયક નથી ત્યારે તે બાળક ધીરે ધીરે આ બધી વાતો સ્વીકારવા લાગતુ હોય છે. તેના મનમા એ વાત ઘર કરી જતી હોય છે કે હા હું ક્યારેય સફળ થઈ શકીશ નહી. આ રીતે તે નકારાત્મક અભીગમ કે વિચારસરણી સ્વીકારી લેતો હોય છે જેથી ક્યારેય તે તેમા સુધારા કરવા સક્ષમ બનતો હોતો નથી. પણ જો આવા લોકો એક વખત આવી લઘુતાગ્રંથીને દુર કરી દે કે પોતાનીજ ખોટી, નકારાત્મક ટીકાઓ કરવાનુ છોળી દે તો ખરેખર આવા લોકો થોડાક વધારે સારા પ્રયત્નો કરીને ધાર્યા પરીણામો મેળવી શકતા હોય છે.
મારો એક મીત્ર ગણિતમા ખુબ કાચો હતો, તેને સરખી રીતે સામાન્ય એવા સરવાળા બાદબાકીના દાખલાઓ પણ આવળતા ન હતા. બધા તેને ખુબ ખીજાતા, સમજાવવાનો પ્રયત્ન કરતા તેમ છતાય તેને દાખલા આવળતાજ નહી. પછીતો તેણે એમ માની લીધુ કે હવે મને ક્યારેય ગણિત આવળશેજ નહી. એક દિવસ તેના શીક્ષકને આ વાત સાંભળવા મળી એટલે તરતજ તેમણે પેલા છોકરાને બોલાવ્યો. તેનેતો એમ હતુ કે હમણા સાહેબ મને ખીજાશે પણ શીક્ષકે તેને ઠપકો આપવાને બદલે તેને પ્રોત્સાહન આપવાનો પ્રયત્ન કર્યો. તેઓ બોલ્યાકે જો બેટા આ દુનિયામા એવુ કોઇ કામ નથી કે જે માણસ ન કરી શકે. માણસ ધારે તો ચંદ્ર ઉપર પણ જઈ શકે, મોટા મોટા ડેમ બાંધી શકે તો શું તે સરવાળા બાદબાકીના દાખલા ન શીખી શકે. એક વાત હંમેશા યાદ રાખજે કે ગણિતે માણસને નથી બનાવ્યા પણ માણસે ગણિત બનાવ્યુ છે. તુ પણ એક માણસ છો, તારામા પણ ગણિતને સોલ્વ કરવાની શક્તી છેજ. જો તુ ગણિતને તારો મનપસંદ વિષય બનાવીને મહેનત કરવાનુ શરુ કરી દઈશ તો હું ગેરેન્ટી આપીને કહું છુ કે તુ ગણિતમા મોટો વિદ્વાન બની બતાવીશ. શીક્ષકનો પોતાના પર રહેલો આવો વિશ્વાસ જોઇનેતો તે મીત્રને ખુબ શરમ આવી, તે મનોમન વિચારવા લાગ્યો કે જો લોકોને મારા પર આટલો વિશ્વાસ હોય, તો પછી હું મારા પર એક નાનો એવો વિશ્વાસ કેમ ન મુકી શકુ? આ રીતે તેને પોતાની ભુલ સમજાણી અને પછીતો તેણે પોતાના મનમા રહેલી તમામ પ્રકારની નકારાત્મક લાગણીઓ કે લઘુતગ્રંથીને દુર કરી ખુબ મહેનત કરવા લાગ્યો અને ગણિતમા પ્રથમ નંબરે ઉતીર્ણ થયો. આમ કહેવાની જરુર નથી કે જ્યારે માણસમા પોતાના માટે આત્મસમ્માન જાગી ઉઠતો હોય છે કે પોતાને દરેક કાર્ય માટે લાયક સમજવા લાગતો હોય છે ત્યારે તેની આંતરીક શક્તીઓમા વધારો થવા લાગતો હોય છે અને તેનો મહત્તમ ઉપયોગ કરીને સફળતા મેળવી બતાવતા હોય છે.
અહી તમેજ જરા વિચારો જોઇએ કે મારા આ મીત્રને પોતાને ગણિત ક્યારેય આવળશેજ નહી તેવી ગેરમાન્યતા દુર ન કરી હોત તો શું તે ક્યારેય આવી મહેનત કરીને સફળતા મેળવી શક્યો હોત? શું તે નિષ્ફળતાઓ સામે માથુ ઉંચુ કરી શક્યો હોત કે તેનો અસ્વીકાર કરી શક્યો હોત ? આમ આ વાત સાબીત કરે છે કે સફળતા એ પુરી તાકાત લગાવ્યા વગર પ્રાપ્ત થતી નથી પણ આ પુરી તાકાત ત્યારેજ પ્રાપ્ત કરી શકાતી હોય છે કે જ્યારે વ્યક્તી પોતાની તમામ શક્તીઓ સમજી લે અને તેનો આત્મવિશ્વાસથી ઉપયોગ કરી બતાવે.
ઘણા લોકોને બીચારા બાપડા બનીને ફરવાની, લોકોની દયા ખાવાની, પોતાની માથે મોટા મોટા દુ:ખોના પહાડ તુટી પડ્યા છે કે પોતે કોઇના ખરાબ ઇરાદાના શીકાર બન્યા છે તેવુ દર્શાવવાની ખુબ ટેવ હોય છે. આવી ટેવ જ્યાં સુધી તેઓ છોડતા હોતા નથી ત્યાં સુધી તેઓ નિડરતાથી પ્રયત્નો કરી શકતા હોતા નથી પણ જેવા તેઓ આવી લઘુતાગ્રંથીઓમાથી બહાર આવી પોતાની શક્તીઓને ઓળખવા લાગતા હોય છે કે પોતે શું શું કરી શકે તેમ છે તે સમજવા લાગતા હોય છે કે તરતજ તેઓ વળતી લળત આપવા લાગતા હોય છે અને તેમા જીતી પણ બતાવતા હોય છે.
અહી તમેજ જરા વિચારો જોઇએ કે શા માટે આપણે બીચારા બાપડા બનીને ફરવુ પડે, શા માટે આપણે એવુ સાબીત કરવાનો પ્રયત્ન કરીએ છીએ કે આપણે ખુબજ દુ:ખી અને નીઃસહાય છીએ? શું એ આપણુ એક માણસ તરીકેનુ અપમાન ન કહેવાય ? એક સીંહને ક્યારેય બીચારા બનીને ફરવાની જરુર પડતી નથી, તેને શરીરે ગમે તેટલા ઘાવ પડ્યા હોય તો પણ તે સીંહની જેમજ જીવન જીવતો હોય છે અને સીહની જેમજ મરતો હોય છે, આ બાજુ આપણે પણ માણસ છીએ, એવા માણસ કે જેને ભગવાને બુદ્ધીનો ભંડાર અને અખુટ શક્તિઓ આપી છે તો પછી આપણી પણ ફરજ બને છે કે આપણે એક માણસને શોભે તેવુ જીવન જીવી બતાવીએ.
એક દિવસ બે મીત્રો ચર્ચા કરતા હતા, વાત વાતમા એક વાત નીકળી કે આ દુનિયામા સૌથી મોટુ કોણ? તેઓએ ઘણો વિચાર અને દલીલો કરી પણ સાચો જવાબ મળ્યો નહી એટલે બન્નેએ ગામના એક જ્ઞાની વ્યક્તી પાસે જઈ પોતાના પ્રશ્નનો જવાબ મેળવવાનુ નક્કી કર્યુ. બીજા દિવસે તેઓ તે વ્યક્તી પાસે ગયા અને પોતાનો પ્રશ્ન રજુ કર્યો. આ પ્રશ્ન સાંભળીને તો તે વ્યક્તી પણ મુંજાઇ ગયો અને પોતાની અસમર્થતા દર્શાવી કહેવા લાગ્યો કે આ પ્રશ્નનો જવાબ આપણે ખુદ ભગવાન પાસેથીજ મેળવીએ તો કેવુ રહેશે ?
પેલો જ્ઞાની વ્યક્તી અને બન્ને મીત્રો ભગવાન પાસે ગયા. ભગવાને તેમને આદર સત્કાર આપી બેસાળ્યા અને તેઓના આવવાનુ કારણ પુચ્છ્યુ. પેલા બન્ને મીત્રોએ પોતાનો પ્રશ્ન રજુ કરતા કહ્યુ કે ભગવાન આ જગતમા સૌથી મોટુ કોણ ? અમને આ પ્રશ્નનો જવાબ ક્યાંય મળતોજ નથી. જો આપ અમને માર્ગદર્શન આપો તો આપની ખુબ મોટી મહેરબાની કહેવાશે.
ભગવાને હસતા હસતા તરત જવાબ આપતા કહ્યુ કે સૌથી મોટુતો સમુદ્રજ છે. આ સાંભળી પેલા મીત્રો બોલ્યા કે ના ભગવાન સૌથી મોટો સમુદ્ર કેવી રીતે હોઇ શકે ? તેતો વિશાળ પૃથ્વીમા સમાયેલો છે. ભગવાન બોલ્યા તમારી વાત સાચી છે હો, તો પછી મને લાગે છે કે પૃથ્વીજ મોટી હોવી જોઇએ. પેલા મીત્રોએ ફરી પાછો ઇન્કાર કર્યો કે ના પ્રભુ પૃથ્વી કરતાતો આકાશ મોટુ છે. આ સમગ્ર બ્રહમાંડ આકાશમાજ તો સમાયેલુ છે. ભગવાને ફરી પાછી હા પાડી કે તમારી વાત સાચી છે, આકાશજ સૌથી મોટુ હોવુ જોઈએ. આ વાત સાંભળી પેલા બન્ને મીત્રો ખડખડાટ હસવા લાગ્યા. તમે લોકો કેમ હસો છો? ભગવાને પુચ્છ્યુ. અરે પ્રભુ તમેતો જાણોજ છો કે સમગ્ર બ્રહ્માંડના કર્તા હર્તા તમેજ છો તો પછી તમારાથી મોટુ કોણ હોઇ શકે ?
ભગવાને સ્મીત સાથે કહ્યુ, ના બેટા, તમારો જવાબ હજુ ખોટો છે. હજુ પણ એવુ કોઇ છે કે જે મારાથી પણ મોટુ છે. બન્ને મીત્રોએ આશ્ચર્યથી પુચ્છ્યુ, પ્રભુ તમારાથી મોટુ વળી કોણ હોઈ શકે? ભગવાને તે બન્ને તરફ આંગળી ચીંધીને કહ્યુ, તમે બન્ને મારાથી મોટા છો. આ સાંભળીને પેલા બન્ને મીત્રોતો આશ્ચર્યચકીત થઈને બોલી ઉઠ્યા કે પ્રભુ એ કેવી રીતે હોઇ શકે ?
ભગવાને જવાબ આપતા કહ્યુ કે હું તમારા નાના એવા હ્રદયમા રહીને સતત ધબક્યા કરુ છુ, જો હું તમારા શરીરના નાના એવા હ્રદયમા પણ વસી શકતો હોવ તો તમેજ મારાથી મોટા હોવા જોઇએને !
આ વાત સાંભળીને ત્રણેય લોકો એક બીજાની સામે જોતાજ રહી ગયા અને પ્રભુ અદ્રષ્ય થઈ તેઓના હ્રદયમા બેસી ગયા.
આ વાત કહેવાનો મતલબ એટલોજ છે કે જગતના સર્જનહાર જો ખુદ આપણા હ્રદયમા બીરાજમાન હોય, તેઓ ખુદ આપણી પડખે ઉભા હોય તો પછી આપણે શા માટે નાનપ અનુભવવી જોઇએ? શા માટે આપણે પોતાને બેબસ અને લાચાર સમજીએ જ્યારે સર્વશક્તીમાન આપણી અંદરજ બેઠા હોય. માટે આજથીજ નક્કી કરો કે પ્રભુએ આપેલી તમામ શક્તીઓનો હું વિકાસ કરીશ અને તેનો મહત્તમ ઉપયોગ કરી બતાવીશ. ખાલી ખોટી રો કકડ કરવી કે બહાનાઓ કાઢીને બેસી જવુ એ ઇશ્વરે આપેલી શક્તીઓનો અનાદરજ કહેવાશે જે હું ક્યારેય થવા દઈશ નહી. જ્યારે તમે આવો દ્રઢ નિશ્ચય કરી લેશો અને પોતાની શક્તીઓને ઓળખી લેશો ત્યાર પછી ક્યારેય તમારે નીચુ જોવુ પડશે નહી.
લઘુતાગ્રંથી કેવી રીતે દુર કરી શકાય ?
૧) લઘુતાગ્રંથી એ આળસ, નિરાશા, નકારાત્મકતા, અસમર્થતા અને બહાનાઓનુ પરીણામ હોય છે. જે દિવસથી તમે બહાનાઓ કાઢી પોતાની શક્તીઓને ઓછી આંકવાનુ બંધ કરી દેશો, પોતાને કમજોર સમજવાનુ બંધ કરી દેશો તેજ દિવસથી સમ્માનભેર જીવન જીવવાની દિશામા તમે આગળ વધવાનુ શરુ કરી દેશો. પછી તમારે ક્યારેય પાછુ વળીને જોવુ પડશે નહી.
૨) ત્યાર બાદ એવુ દ્રઢ પણે સ્વીકારી લ્યો કે મને માણસ તરીકેની અમુલ્ય જીંદગી મળી છે એટલે હું એક ગૌરવશાળી માણસ બનીનેજ જીવીશ, હું ક્યારેય પણ ભીગી બીલ્લીની જેમ હાર માનીને ભાગીશ નહી. મારી ઉપર ગમે તેવા દુ:ખ, નિરાશાઓના પહાડ તુટી પડે તો પણ હું તેની સામે હાર સ્વીકારીશ નહી. ભગવાને મને મહાન ફેરફારો કરવાની બુદ્ધીશક્તી આપી છે તો પછી શા માટે હું તેનો ઉપયોગ ન કરી બતાવુ. આ તો એના જેવી વાત થઈ કહેવાય કે આપણી પાસે અબજો રુપીયાની દોલત હોય તેમ છતાય તેનો ઉપયોગ શું કરવો તેજ સમજાતુ ન હોય.
૩) પોતાની નકારાત્મક ટીકા કરવાનુ બંધ કરી દો, પોતાને કંઈક નથી આવળતુ કે પોતે બહું ખરાબ છે તેમ કહેવાને બદલે હજુ હું સારુ કામ કરી શકુ તેમ છુ અથવાતો હજુ મારે વધારે શીખવુ જોઇએ તેમ કહેવુ જોઇએ. હું આમ નહી કરી શકુ તેમ કહેવાને બદલે હું આટલુતો જરુરથી કરીજ શકીશ તેમ કહેવાથી ઘટનાઓને જોવાનો આપણો દ્રષ્ટીકોણ બદલી જતો હોય છે. તે પોઝીટીવ થઈ જતો હોય છે જેથી મનમા રહેલી નકારાત્મક ભાવનાઓ દુર થઈ જતી હોય છે.
૪) કોઇ વ્યક્તી તમારી ટીકા કરે, તમને નીચા પાળવાનો પ્રયત્ન કરે, ત્યારે તેનો સંપુર્ણ પણે અસ્વીકાર કરી દો, મારા કામમા ભલે થોડી ઘણી ભુલો હોય પણ હું કંઇ ખરાબ કે અસમર્થ માણસ નથી તેવુ દ્રઢ પણે માનશો તો દુનિયાની કોઇ તાકાત તમને તમારી નજરોમા નીચા પાળી શકશે નહી.
૫) છેલ્લેતો એટલુજ કહીશ કે જે કંઈ પણ કરો એ સ્વાભીમાનથી કરો. પોતાનુ સમ્માન જળવાઇ રહે એ રીતે કરો. જ્યાં સુધી તમે તમારી નજરોમા નીચા નહી પડો ત્યાં સુધી દુનિયાનો કોઇ વ્યક્તી કે કોઈ તાકત તમને તમારી નજરોમા નીચા પાળી શકશે નહી.