આગળના ભાગમાં આપણે જોયું કે રુચિ હવે નિખિલ સાથેની વાતોમાં વ્યસ્ત થઈ જાય છે. દિશાને દિવસે સાસુ સસરા સાથે સમય વીતી જાય છે પણ રાત્રે એકલતા સતાવે છે, દિશા ''અભિવ્યક્તિ'' ઉપર પોતાના દિલની અભિવ્યક્તિને ઠાલવે છે. સાથે જ એકાંત સાથેની તેની વાતો પણ આગળ વધવા લાગે છે. કેટલાક પ્રશ્નો એકાંત, દિશાને પૂછે છે જેના યોગ્ય લાગવા જેટલા જ જવાબ દિશા આપે છે. એકાંતના વિચાર દિશાને સતાવવા લાગે છે, ત્યારે જ રુચિ તેને આવીને વળગી જાય છે. રુચિ જણાવે છે કે નિખિલ કૉલેજ પુરી થયા પછી લગ્નનું કહે છે. જે વાતથી રુચિ થોડી ઉદાસ પણ થાય છે. દિશા રુચિને થોડી સમજ આપે છે. સવારે દિશાના સસરા એક મહિના બાદ લંડન જવાનું હોવાથી નિખિલના ઘરે જઈને સગાઈની તારીખ નક્કી કરવાનું વિચારે છે. દિશા પણ સહમતી આપે છે. આ વાતથી રુચિ અને નિખિલ પણ ખુશ થાય છે.. હવે જોઈએ આગળ....
સમર્પણ - 17
રાત્રે રુચિ ઘરે આવીને ખૂબ જ ખુશ દેખાઈ રહી હતી. ખુશીનું કારણ પણ સૌની સામે જ હતું. નિખિલ સાથેની સગાઈ. દિશા હજુ એકાંતને લઈને મૂંઝવણ અનુભવી જ રહી હતી. હજુ દિશાએ એકાંતના છેલ્લા મેસેજનો જવાબ આપ્યો નહોતો. રાત્રે જ્યારે બેડરૂમમાં આવીને રુચિ નિખિલ સાથે વાતોમાં વળગી હતી ત્યારે દિશાએ એકાંતના મેસેજનો જવાબ આપ્યો...
દિશા : ''self analysis''
જાણે કે જવાબની આતુરતામાં ફોન હાથમાં જ રાખીને બેઠા હોય એમ તરત જ જવાબ આવ્યો.''
''એક એક શબ્દ જાણે કે તોલી તોલીને લખે છે...
કવયિત્રી છો કે ત્રાજવું લાગણીનું ?''
દિશાએ જવાબ આપવાનું ટાળ્યું. થોડી વાર જવાબ ના મળવાથી ફરી એક મેસેજ આવ્યો...
''કોઈ એક વ્યક્તિ કે જેને તમે મળવા માંગતા હોય ? જેમ કે કોઈ celebrity અથવા તો કોઈ મોટા લેખક વગેરે ???''
દિશા : ''કોઈ નહીં, માણસ માત્ર એટલા મહાન નથી હોતા કે ભીડ ચીરીને તમારે એક સેલ્ફી માટે ધક્કા-મુક્કી સહન કરવા પડે. એમના ગુણ જરૂરથી અપનાવવા ગમે, પરંતુ એના માટે મળવું જરૂરું નથી હોતું.''
એકાંત : ''દરેક પ્રશ્નના જવાબ સારા જ આપવા જરૂરી નથી. Ms. Breath.'' (એકાંતે લાગ જોઈને એક સિક્સ મારી દીધી અને દિશાના ego ઉપર વાર કર્યો )
દિશા : ''જેવી આપની સોચ..Bye''
દિશાએ છેલ્લા મેસેજમાં તો એકાંતને Bye..કહી દીધું, પણ તેના હૈયામાં ઉઠતા સવાલોને Bye ના કહી શકી. તેને અંદરથી એવો અનુભવ થઈ રહ્યો હતો કે તે આગળ વધી રહી છે. અને પોતાની જાતને એકાંત તરફ ઢળતા તે ચાહવા છતાં રોકી શકે એમ નથી. એકાંતના શબ્દો અને તેની સમજ દિશાને પોતાની તરફ ખેંચી રહ્યા હતા, અને એજ ખેંચાણમાં આજે દિશાના હૃદયથી અભિવ્યક્તિ ઉપર શબ્દો પણ ઠલવાયા....
''કોણ જાણે કોણ મને ખેંચી રહ્યું એક અલગ દુનિયામાં,
જ્યાં ખુદ ઉપર કાબુ નથી, ચાલી રહી છું સપનામાં,
ના મુલાકાત, ના લાંબી લચક કોઈ વાત,
ના જોયા છે ક્યારેય, ના સાંભળ્યો છે અવાજ.
છતાં હું એની તરફ ખેંચાઈ રહી છું,
ધીમે-ધીમે એનામાં ખોવાઈ રહી છું,
જાણે વાંસળીના સૂરથી જેમ
ગોપીઓ મંત્રમુગ્ધ થતી હતી એમ !!!!''
દિશાએ આ પોસ્ટ તો ''અભિવ્યક્તિ''માં મૂકી દીધી. પણ થોડી જ વારમાં તેને લાગ્યું કે કઈ ખોટું પોસ્ટ થઈ ગયું છે, તેના મનમાં થયું કે આ પોસ્ટને એકાંત એમ સમજી જશે કે મારા માટે જ છે, અને એ એક ખોટી આશા પણ મનમાં બાંધી લેશે. માટે તેને તરત ''અભિવ્યક્તિ'' ખોલી. પોસ્ટ ઉપર ગણતરીની બે-ત્રણ લાઈક આવી હતી જેમાં એકાંતની લાઈક નહોતી. તરત દિશાએ પોસ્ટ ડીલીટ કરી નાખી અને એપ બંધ કરી સુવાનો પ્રયત્ન કરવા લાગી.
બીજા દિવસે રુચિની સગાઈની વાત કરવા માટે નિખિલના ઘરે જવાનું હતું. સવારે ઘરના બધા વહેલા ઉઠી તૈયાર થઈ રુચિના આવવાની રાહ જોઈ રહ્યા હતા. દિશાએ રુચિને જલ્દી તૈયાર થવા માટે કહ્યું પણ રુચિ જાણે સોળે શણગાર સજી રહી હોય એમ સમય લગાવી રહી હતી. રુચિ તૈયાર થઈને બહાર આવી ત્યારે વિનોદભાઈએ પણ થોડી મઝાક કરતા કહ્યું : "બેટા, હવે તો તને નિખિલ અને તેના ઘરવાળાએ પસંદ કરી લીધી છે, હવે આટલા સાજ શણગાર ના સજો તો પણ કોઈ વાંધો નહિ. હવે તો એ એમ પણ ના નથી પાડવાના"
રુચિએ "શું દાદા તમે પણ?" એમ કહીને મઝાકમાં એક છણકો કર્યો.
વિજયાબેને ઊભા થઈને રુચિને એક કાળું ટીપકું પણ કર્યું, અને બોલ્યા "નજર ના લાગી જાય !, કેટલી મોટી થઈ ગઈ મારી દીકરી, વર્ષો વીતતા વાર પણ ના લાગી..આજે જો....રીતેષ હોત તો...." બોલતા બોલતા જ તેમની આંખોમાંથી આંસુઓ સરવા લાગ્યા, દિશાની આંખો પણ આંસુઓથી ભરાઈ ગઈ... વિનોદભાઈએ તેમની આંખોમાં આવેલા આંસુઓને પોતાની જાતે જ દૂર કરતા કહ્યું : "ચાલો હવે બસ, આવા ખુશીના પ્રસંગે આંખોમાં આંસુ સારા ના લાગે. દિશા ચાલો આપણને પહેલાથી જ મોડું થયું છે આ રુચિના તૈયાર થવામાં. નિખિલના ઘરે બધા રાહ જોઈને બેઠા હશે અને ખાસ નિખિલકુમાર હાથમાં ફૂલો લઈને રુચિનું સ્વાગત કરવા ઊભા હશે દરવાજે જ."
બધા હસવા લાગ્યા અને આંખોના આંસુ લૂછતાં ગાડીમાં બેસી ગયા.
નિખિલના ઘરની બહાર ગાડી ઊભી રહી સૌને આવકારવા માટે નિખિલના મમ્મી પપ્પા અને નિખિલ બહાર આવીને તેમને આવકારવા ઊભા રહી ગયા. ગાડીમાં ઉતરતા જ નિખિલ અને રુચિની આંખો એકબીજા સાથે ટકરાઈ અને નિખિલે આંખોથી રુચિના વખાણ કરી લીધા. રુચિએ આગળ વધી નિખિલના મમ્મી પપ્પાને પગે લાગીને પ્રણામ કર્યા. વિનોદભાઈએ હાથ મિલાવી નિખિલના પપ્પા સાથે અભિવાદન કર્યું. દિશા અને વિજયાબેને પણ હાથ જોડીને સૌની સામે પ્રણામ કર્યા. આ વખતે વિનોદભાઈએ નિખિલને સામેથી હળવું હગ આપ્યું અને એ જોતાં જ રુચિના ચહેરા ઉપર હાસ્ય ફરી વળ્યું. સૌને મીઠો આવકારો આપી ઘરમાં આવવા માટે કહ્યું. નિખિલનું ઘર ખૂબ જ વૈભવી હતું. આલીશાન ઘરના મસમોટા હોલની અંદર રુચિનો પરિવાર અને નિખિલનો પરિવાર બેઠો હતો.
નિખિલના મમ્મી જયાબેને નોકર દ્વારા સૌને પાણી આપ્યું. વિનોદભાઈએ વાતને શરૂ કરતાં નિખિલના પપ્પા અવધેશભાઈને કહ્યું..
"ભાવેશભાઈ મારા સારા મિત્ર હતા. પહેલા અમે મળતાં રહેતા પણ હું લંડન ચાલ્યો ગયો અને પછી અમારી મિત્રતા ઓછી થઈ ગઈ."
અવધેશભાઈએ કહ્યું : "હા, પપ્પા તમારી વાત ઘણીવાર કરતા. જો આજે હોત તો આપણા બંને પરિવારના આ સંબંધથી ખૂબ જ ખુશ હોત."
વિનોદભાઈ : "હા, ખરેખર. પણ અમે ખાસ આજે અહીંયા એટલા માટે આવ્યાં છીએ કે અમારે આવતા મહિને લંડન પાછું જવાનું છે, તો અમે વિચારીએ છીએ કે નિખિલ અને રુચિની સગાઈ એ પહેલાં થાય તો પછી અમે સીધા એના લગ્નમાં જ આવીએ."
અવધેશભાઈએ જવાબ આપતા કહ્યું : "હા, અમે પણ છોકરાઓની સગાઈનું વિચારી રહ્યાં હતાં. આ જેટલું જલ્દી થાય એટલું સારું છે, અમે તો લગ્ન માટે પણ નિખિલને કહ્યું, પણ એ હમણાં કૉલેજ પુરી કરી મારી સાથે બિઝનેસમાં જોડાઈને પછી જ લગ્ન કરવા માંગે છે."
વિનોદભાઈ: "નિખિલ બહુ સારું વિચારી રહ્યા છે, બાકી આજના જમાનામાં આવું કોઈ વિચારે નહિ. જેનો પરિવાર આટલો સુખી સંપન્ન હોય એ પરિવારના છોકરાઓ આજે કેવા રસ્તે ચાલ્યા જાય છે એ આપણાથી અજાણ્યું નથી."
"ખરું કહ્યું તમે વિનોદકાકા" અવધેશભાઈએ જવાબ આપ્યો.
વિનોદભાઈ : "અમે પણ આજના જમાના સાથે તાલ મિલાવીને ચાલીએ છીએ એટલે જ જ્યારે રુચિની વાત જાણીને અમે નિખિલને ઘરે બોલાવી અને બધી વાત કરી. અને ખબર પડી કે આ તો ભાવેશનો જ પૌત્ર છે. એ જાણીને વધારે આનંદ થયો. એક વિશ્વાસપાત્ર ઘર અમને મળ્યું. એટલે અમે પણ આ સંબંધ માટે રાજી થયા."
"હા, અમને પણ જ્યારે નિખિલે રુચિ વિશે જણાવ્યું, અને તપાસ કરતાં ખબર પડી કે રુચિ તમારા ઘરની દીકરી છે ત્યારે અમે પણ નિખિલની પસંદગી ખૂબ જ ગમી. અને રુચિ જ્યારે ઘરે આવી ત્યારે એને જોઈને અમને લાગ્યું કે આજ અમારા ઘરની વહુ બનવી જોઈએ."
નોકર નાસ્તો લઈને પ્રવેશ્યો. જયાબેને બધાને નાસ્તો કરવા માટે અનુરોધ કર્યો. અવધેશભાઈએ ફોન કરીને બ્રાહ્મણને ઘરે આવી જવા માટે જણાવ્યું.
થોડીવારમાં જ મહારાજ પણ આવી પહોંચ્યા. અને 15 દિવસ બાદનું સગાઈનું મુહૂર્ત નક્કી થયું.
મુહૂર્ત નક્કી થતા જ મીઠાઈ પણ વહેંચાઈ. બધા શાંતિથી હોલમાં જ બેઠા હતા. નિખિલ અને રુચિ આંખોમાં જ વાતો કરી રહ્યાં હતાં. દિશાની નજરથી એ છૂપું ના રહ્યું. દિશાએ નિખિલને કહ્યું : "નિખિલ અમારી દિશાને તમારું ઘર તો બતાવો.. " બેઠેલા બધા સમજી ગયા કે નિખિલ અને રુચિને થોડો સમય માટે એકલા રાખવા જોઈએ. તેથી જયાબેને પણ કહ્યું .. "હા હા, નિખિલ જા રુચિને ઘર બતાવી આવ. " નિખિલ અને રુચિ ઊભા થઈ અને ગયા.
વિનોદભાઈએ વાતનો દોર પોતાના હાથમાં લેતા કહ્યું. "અવધેશભાઈ, સગાઈની તારીખ તો નક્કી થઈ ગઈ, અને થોડા સમયમાં બંનેના લગ્ન પણ લેવાઈ જશે. પણ મારા મનમાં એક મૂંઝવણ છે."
"હા, કાકા બોલોને, શું મૂંઝવણ છે ?" અવધેશભાઈએ ઉતાવળા થતા પૂછ્યું.
"રુચિ અમારી એકની એક દીકરી છે, રીતેષના અવસાન બાદ દિશાએ એને સાચવીને આટલી મોટી કરી છે. અમે તો લંડન ચાલ્યા ગયા, દિશાને પણ રુચિને લઈ લંડન આવવા માટે કહ્યું, પણ રીતેષનું સપનું હતું કે રુચિના લગ્ન પણ આપણા દેશમાં જ થાય. અને રીતેષનો દેશપ્રેમ દિશામાં પણ આવ્યો અને તે બંને અહીંયા જ રહ્યા. દિશાએ એને સંસ્કાર આપવામાં કોઈ કસર બાકી નથી રાખી, છતાં થોડી નાદાની તો રુચિમાં છે જ. જો એનાથી કોઈ ભૂલ થાય તો માફ કરી દેજો."
વિનોદભાઈએ બે હાથ જોડતાં અવધેશભાઈને કહ્યું.
અવધેશભાઈએ પણ એમના હાથ ઉપર પોતાનો હાથ મુકતા કહ્યું : "કાકા, અમે અમારા ઘરમાં વહુ નહિ પણ દીકરી લાવી રહ્યા છીએ, અમારા પરિવારમાં પણ એક જ દીકરો છે. દીકરીની ખોટ અમને પહેલાથી જ સતાવતી હતી. એ હવે રુચિના આ ઘરમાં આવવાથી પુરી થશે, તમે જરા પણ ચિંતા ના કરો. રુચિને અમારી દીકરીની જેમ સાચવીશું."
વિનોદભાઈએ કહ્યું : "ખૂબ ખૂબ આભાર તમારો અવધેશભાઈ ! બીજી એક વાત કે અમારી પાસે ભગવાનનું આપેલું ઘણું બધું છે, અમે અમારી ઈચ્છાશક્તિ અનુસાર રુચિને બધું આપીશું. છતાં પણ તમારી કોઈ માંગણી હોય કે કોઈ ઈચ્છા હોય તો વિના સંકોચે જણાવી શકો છો."
"આ શું બોલ્યા કાકા ? અમે દીકરીને લાવી રહ્યાં છીએ, ખરીદી નથી રહ્યા, અને ભગવાને અમને પણ ઘણું બધું આપ્યું છે. અમારે કોઈ વાતની ખોટ નથી. બસ અમને તો રુચિ જેવી વહુના રૂપમાં દીકરી મળી એ જ અમારું સૌભાગ્ય છે."
અવધેશભાઈની વાત સાંભળીને દિશા, જયાબેન, વિજયાબેન અને વિનોદભાઈ પણ ખુશ થયા. રુચિ અને નિખિલ પણ આવી ગયા. બધાએ રજા લઈ અને વિદાય લીધી.
વધુ આવતા અંકે....