Samarpan - 16 books and stories free download online pdf in Gujarati

સમર્પણ - 16

આગળના ભાગમાં તમે જોયું કે રુચિ અને નિખિલના સંબંધને લઈને પરિવારમાં ખુશી હતી. દિશાના સસરા અને નિખિલના દાદાની પણ જૂની ઓળખાણ નીકળતા વિશ્વાસપૂર્ણ સંબંધ મળ્યાનો આનંદ હતો. વિનોદભાઈએ થોડા સમયમાં નિખિલના ઘરે જવાનું નક્કી કરતાં રુચિ પણ ખૂબ જ ખુશ હતી. રુચિના લગ્ન થઈ જશે એ વાત વિચારીને દિશાની આંખોમાં આંસુ પણ આવી જાય છે, પરંતુ રુચિ તેને સાચવી લે છે. આ તરફ એકાંત પણ દિશા વિશે જાણવા ઉત્સુક હતો. અભિવ્યક્તિ ઉપર એકાંતના મેસેજ જોઈને દિશા પણ તેના માટે વિચારવા મજબુર બને છે. અને તેને થોડા સવાલો પૂછવા માટેની અનુમતિ પણ આપે છે. એકાંત થોડા સવાલો પણ પૂછે છે. રુચિ અને નિખિલ કૉલેજમાં મળે છે. નિખિલ રુચિ દ્વારા તેના ઘરે કરવામાં આવેલા મઝાકથી થોડો ગુસ્સે હોવાનું નાટક પણ કરે છે. પરંતુ રુચિ તેને મનાવી લે છે. બંને પોતાના એક થવાની ખુશીમાં ખોવાઈ જાય છે. દિશાને એકાંતના સવાલોના શું જવાબ આપવા તે સમજમાં નથી આવતું.. હવે જોઈએ આગળ શું થાય છે...!!!

સમર્પણ - 16


બંને પરિવારોની સહમતી મળતા જ રુચિની તો જાણે દુનિયા જ બદલાઈ ગઈ હતી. તે જાણે આકાશમાં ઊડી રહી હોય એવી અનુભૂતિ કરી રહી હતી. ઘરનું વાતાવરણ પણ ખુશખુશાલ હતું. દિશાના સાસુ સસરા પણ ઘણી વાર નિખિલનું નામ લઈને રુચિને ચીડવતા. દિશા પણ ક્યારેક રુચિની સાથે હળવો મઝાક કરી લેતી. રુચિ ક્યારેક સાચે ચિડાઈ જતી તો ક્યારેક ચિડાઈ જવાનું નાટક પણ કરી લેતી. પરંતુ આ બધામાં હવે રુચિ પાસે દિશા માટે સમય ના રહ્યો. આખો દિવસ રુચિ કૉલેજમાં હોય અને કૉલેજથી આવીને મોટાભાગનો સમય નિખિલ સાથે ફોન અને મેસેજમાં વાત કરવામાં વિતાવતી.
દિશાના સાસુ-સસરા ઘરમાં હોવાના કારણે દિશાને એટલી એકલતા સતાવી નહિ. પરંતુ રાત્રે બેડરૂમમાં જ્યારે સુવા માટે જતી ત્યારે રુચિ નિખિલ સાથે નાઈટ કોલિંગમાં વ્યસ્ત થઈ જતી અને દિશા વિચારોમાં ખોવાઈ જતી. દિશા પણ સમજી શકતી હતી રુચિને. તેને રુચિ પાસે કોઈ ફરિયાદ પણ નહોતી. આજના સમયમાં આ થવું સ્વાભાવિક છે તે દિશા બહુ સારી રીતે જાણતી હતી. માટે રાત્રે જ્યારે રુચિ નિખિલ સાથે વાતોમાં વ્યસ્ત હોય ત્યારે તે અભિવ્યક્તિ ઉપર પોતાના શબ્દોને ઠાલાવતી......

''અઢળક લાગણીઓ ઉમટી છે હૃદયમાં,
પણ સાંભળનાર કોઈ સામે નથી,
કોને કહું આ હૈયામાં ઘરેબાયેલી વાતો,
જેને સ્વીકારનાર કોઈ સામે નથી !!!''

દિશાએ પોસ્ટ કરીને ઇનબોક્સ ચેક કર્યું, બીજા ઘણાં મેસેજ હતાં, પણ જવાબની રાહ જોતું માત્ર એક જ વ્યક્તિ હતું ''એકાંત''. એકાંતના મેસેજ હવે જાણે દિશાની અંદર છુપાયેલી એક બીજા દિશાને બહાર લાવી રહ્યા હતા. દિશાએ જ છેલ્લા મેસેજમાં તેને જાણવા જોગ પૂછવાનું કહ્યું હતું તેથી એકાંતે મેસેજમાં લખ્યું....
''પરવાનગી આપવા માટે તમારો ખૂબ ખૂબ આભાર...
તમે મારા માટે કોઈ celebrityથી જરાય ઓછા નથી, તો હું જાણવા માંગીશ કે કોઈ જ કલર પૂર્યા વગર પણ જેના લખાણમાં દરેક પ્રકારના રંગો સ્વચ્છ તરી આવતા હોય, તો એમનો પોતાનો મનગમતો રંગ કયો ?''
દિશા : ''સફેદ..કાળો'' (દિશાએ પોતાની આંતરિક સ્થિતિનો ખ્યાલ આવી રહ્યો હોઈ, મર્યાદાનું ભૂલેચૂકે ઉલ્લંઘન ના થઇ જાય એમ સમજી વિચારીને બને તેટલો ટૂંકમાં જવાબ આપ્યો.''
એકાંત : ''વાહ, બંને વિપરીત રંગો ઉપરની પસંદગીનું કારણ હું જાણી શકું ?''
દિશા : ''રંગબેરંગી દુનિયામાં ફક્ત આ બે રંગો જ સાચા છે.''
એકાંત : ''આફરીન... અપેક્ષા મુજબનો અત્યંત સરળ અને સચોટ જવાબ...'' ''છેલ્લે ખુલીને ક્યારે હસ્યા હતાં ? જેમાં આંખ ભીની ના થઇ હોય ?''
દિશા આવાક્ થઈ ગઈ, ''આ માણસ આટલું ચોખ્ખું કઈ રીતે વિચારી શકે છે ? આ છે કોણ? એને શું કારણ હશે આવી રીતે મને ઓળખવાનું?'' (જવાબ આપું-ના આપુની અસમંજસમાં આંગળીના ટેરવા મોબાઈલ ઉપર ફરવા લાગ્યા.)
દિશા : ''મારા હાસ્ય અને આંસુનો અનોખો તાલ-મેલ છે જે ક્યારેય એકબીજાને એકલા નથી મૂકતાં.''
એકાંત : ''આહ...speechless... Ms. Breath...''
બીજો એક સવાલ.. તમે સાવ free અને એકલાં હોવ ત્યારે શું કરવાનું પસંદ કરો છો ?''
દિશા : '' માફ કરશો, મારે કામ હોવાથી ફરી ક્યારેક જવાબ આપીશ, bye.''
એકાંત : ''જરૂર..''
દિશાને શું જવાબ આપવો તે સમજાઈ રહ્યું નહોતું. તેને તરત એપ્લિકેશન બંધ કરી અને મોબાઈલ બાજુ ઉપર રાખી દીધો. અને વિચારવા લાગી કે "હું જે કરી રહી છું તે યોગ્ય છે ખરું ?, કોઈ વ્યક્તિ માત્ર અનુમાનો દ્વારા કેવી રીતે કોઈને સમજી શકે ?" દિશા વિચારતી હતી ત્યાં જ રુચિ આવીને તેને ભેટી પડી અને વિચારોમાં ખોવાયેલી દિશા અસલ જીવનમાં પાછી ફરી.
રુચિએ અચાનક કરેલું વહાલ જોઈને દિશાએ પૂછ્યું : "કેમ આટલી ખુશ થઈ ગઈ ? અને અચાનક કેમ મમ્મી ઉપર આટલું વહાલ આવી ગયું ?"
રુચીએ જવાબ આપતા કહ્યું : "બસ એમ જ, લે કેમ પોતાની મમ્મીને વહાલ ના કરાય ?"
"કરાય ને ! પણ આમ અચાનક વહાલ આવે એની પાછળનું કંઈક તો કારણ હોય હો બેટા, કે પછી..... કોઈનું વહાલ બીજા કોઈ ઉપર ઠલવાઈ રહ્યું છે ?" દિશાએ રુચિને થોડું ચીડવતા કહ્યું.
રુચિ પણ બાજુમાં રહેલો તકિયો દિશાને હળવેથી મારતાં થોડા શરમાઈને કહ્યું :"જા..ને.. મમ્મી... તું પણ શું ?"
"સારું સારું, ચાલ જવા દે એ વાત, એમ કહે.. શું વાતો કરી તમે બન્નેએ ?" દિશાએ વાતને બદલી રુચિને પ્રશ્ન કર્યો.
રુચિ : "અમે મેરેજની વાતો કરતાં હતા. નિખિલ કહેતો હતો કે કોલેજ પુરી થઈ જાય પછી એ એના પપ્પાના બિઝનેસમાં જોડાઈ જશે, અને પછી આપણે મેરેજ કરીશું."
"વાહ, એ તો ઘણું સારું કહેવાય." દિશાએ રુચિને જવાબ આપ્યો. પણ રુચિ કઈ બોલી નહિ. દિશા સમજી ગઈ કે રુચિને હવે રાહ જોવી ગમતી નથી. તેથી તેને સમજાવતાં દિશાએ જ વાત આગળ વધારી.
"જો રુચિ, નિખિલ સારો છોકરો છે, અને એ જે વિચારે છે તે પણ બરાબર છે. આજકાલના છોકરાઓ પપ્પાના પૈસે જલસા કરવાનું વિચારે ત્યારે નિખિલે પપ્પાના વ્યવસાયને સંભાળવાનું નક્કી કર્યું છે. અને હજુ કૉલેજ પુરી થવામાં દોઢ વર્ષનો સમય છે. ત્યાં સુધી તમે એકબીજાને સારી રીતે ઓળખી પણ શકશો. અને તમારો આ સમય ખૂબ જ ખાસ છે, આ સમયમાં તમે એકબીજા વિશે ઘણી બાબતો જાણી પણ શકશો. અને એક બીજાને સમજી પણ શકશો. આ સમયમાં તમારી વચ્ચે નાના મોટા ઝઘડા પણ થશે, પણ એકવાત યાદ રાખજે રુચિ, તમારા બંનેની સમજણ ઉપર જ તમારો સંબંધ પણ ટકેલો છે. બંનેમાંથી પણ જો કોઈ એક પક્ષ તરફથી કંઈક ખોટું થયું તો તમારો સંબંધ તો તૂટશે જ સાથે બંને પરિવારનો એકબીજા ઉપરનો વિશ્વાસ પણ તૂટશે."
રુચિ દિશાની નજીક આવી અને તેને ભેટી પડી. અને કહેવા લાગી : "મમ્મી, અમારા વચ્ચે ક્યારેય એવું નહિ થાય. પણ સાચું કહું તો મને એમ થાય છે કે આ દોઢ વર્ષ રાહ કેમની જોવાશે ? જે ગમતું હતું એ મળવાનું છે, પણ હવે રાહ જોવી બહુ મુશ્કેલ બને છે."
રુચિની પીઠ ઉપર હાથ ફેરવતા દિશાએ કહ્યું : "હું સમજી શકું છું દીકરા, કે રાહ જોવી બહુ મુશ્કેલ છે, પણ જો સારું મેળવવું હોય અને ગમતું કરવું હોય તો રાહ તો જોવી જ પડે ને ? અને પેલી કહેવત પણ એમ જ નથી કોઈએ કહી કે "ધીરજના ફળ મીઠા હોય છે." એમ જીવનમાં પણ મીઠાશ ભરવા માટે રાહ જોઈ લેવી સારી."
"પણ....મમ્મી..." રુચિને વચ્ચે જ અટકાવતા દિશાએ પોતાનાથી રુચિને થોડી અળગી કરતાં કહ્યું....
"પણ.. તને હવે મારી જોડે રહેવું નથી ગમતું ? આ દોઢ વર્ષ મમ્મી જોડે રહેવાનું છે પછી તો નિખિલ સાથે જ આખી જિંદગી વિતાવવાની છે."
રુચિ હસી પડી. અને દિશાને વહાલ કરતાં કહ્યું.."તું તો જો.. કેવું કહે છે.. હું તારા નજીકમાં જ રહેવાની છું તને છોડીને ક્યાંય નથી જવાની"
"સારું ચાલ હવે સુઈ જા.. બહુ મોડું થઈ ગયું છે, સવારે કૉલેજ પણ જવાનું છે." દિશાએ રુચિને જવાબ આપી સુવા માટે કહ્યું, રુચિ સુઈ ગઈ પણ દિશાની આંખોમાં ઊંઘ નહોતી વિચારો હતા. એકાંતના. દિશા રુચિને એકાંત વિશે જણાવવાનું વિચારી રહી હતી. પણ પહેલા પોતે confirm કરવા માંગતી હતી કે પોતે શું ઈચ્છે છે. તે એકાંત વિશે પણ થોડું જાણ્યા બાદ રુચિને જણાવશે એમ વિચારતી સુઈ ગઈ.
બીજા દિવસે સવારે રુચિ કૉલેજ ચાલી ગઈ. દિશાના સાસુ સસરાને ચા-નાસ્તો આપીને બધા જ બેઠક રૂમમાં બેઠા હતા. વિનોદભાઈએ વાત શરૂ કરતાં કહ્યું :
"દિશા, આવતા મહિને અમારે લંડન પાછું જવાનું છે, અમે એવું વિચારીએ છીએ કે નિખિલના ઘરે જઈ અને એ પહેલાં બધું નક્કી કરી લઈએ, ઠીક લગે તો સગાઈની તારીખ પણ જોવડાવી લઈએ એટલે એક કામ પૂરું થાય. લગ્ન માટે પણ પૂછી લઈએ કે ક્યાં સુધી થઈ શકે ?"
"હા પપ્પા, કાલે રુચિ કહેતી હતી કે લગ્ન માટે તો નિખિલે કૉલેજ પુરી થાય પછીનું કહ્યું છે. એ કૉલેજ પુરી થયા પછી એના પપ્પા સાથે બિઝનેસમાં જોડાવવા માંગે છે." દિશાએ જવાબ આપ્યો.
વિનોદભાઈએ વાતને આગળ વધારતા કહ્યું કે : "એ તો સારી વાત છે કે નિખિલ પોતાના પપ્પાના બિઝનેસમાં જોડાઈને લગ્ન કરવાનું વિચારે છે, પણ એ પહેલાં આપણે સગાઈ તો નક્કી કરી લઈએ. પછી અમે સીધા રુચિના લગ્ન સમયે જ પાછા આવીશું. ત્યાં સુધી બધું તારે જ સાચવવાનું છે."
વિજયાબેને પણ કહ્યું : "હવે સારા કામમાં મોડું શું કરવાનું ? આવતી કાલે જ આપણે નિખિલના ઘરે જઈએ અને બધું નક્કી કરી લઈએ, એમ પણ કાલે રવિવાર છે. રુચિ પણ ઘરે જ હશે. તો બધા સાથે જઈ અને સગાઈની તારીખ નક્કી કરી લઈએ."
"હા. મમ્મી. તમે જેમ કહો એમ હું તૈયાર. હું રુચિને પણ જણાવી દઉં કે એ નિખિલને જણાવી દે કે આવતી કાલે અમે તેના ઘરે આવવાના છીએ."
વિનોદભાઈ: "હા.. તું રુચિને ફોન કરી દેજે. તો આવતીકાલનું ફાઇનલ ""
દિશા અને તેના સાસુ-સસરાએ નિખિલના ઘરે બીજા દિવસે જવાની વાત નક્કી કરી લીધી. દિશાએ પણ રુચિને ફોન કરી અને જણાવી દીધું કે તે નિખિલને જણાવી દે. રુચિ આ વાતથી વધારે ખુશ થઈ ગઈ. અને આવતીકાલની રાહ જોવા લાગી...

વધુ આવતા અંકે......

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED