યોગ-વિયોગ - 38 Kajal Oza Vaidya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

યોગ-વિયોગ - 38

યોગ-વિયોગ

કાજલ ઓઝા વૈદ્ય

પ્રકરણ -૩૮

‘‘મદદ એટલે ?’’ સૂર્યકાંતે વસુમાની સામે જોયું.

વસુમાએ જવાબ આપ્યા વિના નજર ફેરવી લીધી, પરંતુ સૂર્યકાંતની આંખો હવે યશોધરા તરફ ફરી હતી.

યશોધરાની આંખોમાંથી હજીયે પાણી વહી રહ્યાં હતાં, ‘‘મદદ... મારા હોસ્પિટલનાં બિલો ચૂકવવાથી શરૂ કરીને આજ સુધી વસુ દર મહિને મને પૈસા મોકલે છે.’’ ડગમગતા અને હાલતા શરીરે, વાંકા મોઢે યશોધરા વારે વારે વસુમાને હાથ જોડી રહી હતી.

સૂર્યકાંતે વસુમા સામે જોયું, ‘‘વસુ !’’ અને એમની આંખોમાં વસુંધરા માટેનો અહોભાવ છલકાઈ ગયો.

‘‘કાન્ત, હવે એ વાત કંઈ બહુ મહત્ત્વની નથી.’’

‘‘અરે ! મહત્ત્વની કેમ નથી ? તમારા હસબન્ડ તમને જેના માટે છોડીને ભાગી ગયેલા એનો તમે જીવ બચાવ્યો... આજ સુધી તમે એને...’’ શૈલેષ સાવલિયાને એક સ્લોટ મળી ગયો બોલવા માટે. અત્યાર સુધી એમને એ જ નહોતું સમજાતું કે પોતે આ વાતચીતમાં ક્યાંથી દાખલ થઈ શકે, ‘‘યશોધરા ખોટું નથી કહેતી. તમે સાચે જ દેવી છો...’’

વસુમાએ શૈલેષ સાવલિયા સામે જોયું. એમની એ એક જ નજરમાં છેલ્લી વીસ-પચીસ મિનિટની દરેક ક્ષણનો જવાબ હતો. તેમ છતાં જાણે ન રહેવાયું હોય એમ વસુમાએ શૈલેષ સાવલિયાને બહુ હળવેથી પણ બહુ દૃઢતાથી કહ્યું, ‘‘કોઈ કોઈને છોડી જતું નથી શૈલેષભાઈ... સમય બે વ્યક્તિઓને એકબીજાથી દૂર લઈ જાય છે અને એ જ સમય વ્યક્તિઓને પાછા એકબીજાની નજીક લઈ આવે છે.’’

સૂર્યકાંત વસુમાની સામે હજીયે એ જ ભીંજવતા અહોભાવથી જોઈ રહ્યા હતા. એમણે લગભગ હોઠમાં જ શબ્દો રહી જાય એવી રીતે કહ્યું, ‘‘ને સમય જ એમને એકબીજા વિશે થયેલી ગેરસમજ દૂર કરી આપે છે.’’

‘‘સૂઉઉરજ...’’

‘‘મારું નામ સૂર્યકાંત મહેતા છે. સૂર્યકાંત દેવશંકર મહેતા...’’ અને એ ત્યાંથી ચાલવા લાગ્યા.

પહેલો શોટ બહુ જ સુંદર રીતે ઓ.કે. થઈ ગયો હતો. અલય બીજા શોટની તૈયારીમાં પડ્યો હતો. અનુપમા દૂર બેઠી બેઠી દરિયા તરફ જોઈ રહી હતી, પણ એના મનમાં વિચારોનો લોઢ ઊછળતો હતો. અલય જે રીતે કામ કરતો હતો એ જોતાં અનુપમાના મનમાં અલય વિશેની લાગણીઓ વધુ ને વધુ મજબૂત થતી જતી હતી. એને હંમેશાં આવા વકરેહોલિક વ્યક્તિઓ માટે આકર્ષણ થતું. હાથમાં સ્ક્રિપ્ટ લઈને કેમેરામેનને શોટ સમજાવી રહેલા અલયનું શર્ટ પરસેવાથી એની પીઠ સાથે ચોંટી ગયું હતું. એના વાળ સમુદ્રની સામેની પવનમાં ફરફરાટ ઊડતા હતા. એની સ્વપ્નીલ આંખોમાં એનો આખો શોટ જાણે જોઈ શકાતો હતો. એના ચહેરા ઉપર પોતાનું કામ પૂરું કરવાના કમિટમેન્ટની દૃઢતા હતી. અનુપમા એકીટશે દરિયાના બેકડ્રોપમાં ઊભેલા અલયને જોઈને ક્ષણ ક્ષણ ઓગળતી જતી હતી...

મહેતા પરિવાર સાથે બેઠેલી શ્રેયાની નજર પણ હતી તો અલય તરફ જ. અલય જે રીતે કામ કરતો હતો એ જોઈને શ્રેયાને એ માણસ ‘પોતાનો’ હોવા વિશે એક ગર્વ થતો હતો. એને એવું સમજાવા લાગ્યું હતું કે પૂરા થતા દરેક શોટની સાથે એનું એક એક પગલું અલયની દિશામાં આગળ વધતું હતું કે પછી અલય દૃઢતાથી એક એક પગલું પોતાની તરફ આવી રહ્યો હતો.

બબ્બે અદભુત સ્ત્રીઓ જેના નામે શ્વાસ લેતી હતી એ માણસના મગજમાં અત્યારે એની ફિલ્મ સિવાય કોઈ વિચાર નહોતો. મુંબઈનું ત્રણદિવસનું શિડ્યુઅલ પૂરું થાય એ પછી તરત એણે ગોવાનું આઉટ ડોર શિડ્યુઅલ ગોઠવ્યું હતું. અલયના મગજમાં અત્યારે ગણતરીઓ ચાલતી હતી...

સાત દિવસનું ગોવાનું શિડ્યુઅલ જો હેમખેમ પૂરું થઈ જાય તો ઇનડોરના થોડાક જ દિવસ બાકી રહેતા હતા. અલયે દરિયા તરફ જોયું. ‘‘વરસાદના દિવસોમાં ગોવાનું શિડ્યુઅલ ! કોને ખબર શું થશે ?’’

બીજો શોટ સમજાવતા અલયની સામે અનુપમા ટગર ટગર જોઈ રહી હતી. અલય શું કહેતો હતો એ જાણે એને સમજાતું જ નહોતું. એને અલયના હાલતા હોઠ, એની આંખોનું પેશન, એના ઊડતા વાળ, એનું શર્ટનું ખૂલી ગયેલું બટન, એમાંથી દેખાતા છાતીના વાળ અને એના હાલતા હાથની લાંબી લાંબી આંગળીઓ મંત્રમુગ્ધ કરી રહી હતી.

અલયે અનુપમાની સામે જોયું અને બોલવાનું બંધ કરી દીધું.

પછી એણે અભિષેકની સામે જોયું, બંને જણા કોણ જાણે શું સમજ્યા, પણ બંને એકસાથે જોરથી હસી પડ્યા.

અનુપમાની તંદ્રા તૂટી. એણે સાવ ભોળા ભાવે પૂછ્‌યું, ‘‘શું ? શું થયું ?’’

‘‘કંઈ નહીં, શોટમાં ધ્યાન આપ.’’ અભિષેકે કહ્યું અને ફરી બંને જણા હસી પડ્યા. એ જ વખતે લક્ષ્મી અલયની પાસે આવી.

‘‘ભાઈ, અમે બધા નીકળીએ છીએ.’’

‘‘બધા જ !’’ અલયે આશ્ચર્યથી પૂછ્‌યું, ‘‘કેમ ?’’

‘‘બસ... હવે તમે કામ કરો.’’

‘‘ને તું નીરવ સાથે રખડવાનાં બહાનાં શોધ.’’ અલયે હસીને કહ્યું.

લક્ષ્મી શરમાઈ, ‘‘નીરવ તો ઓફિસ જાય છે.’’

‘‘હા, પણ લંચ પછી ને ?’’ અલયના ચહેરા પર હજીયે એ જ સ્મિત હતું.

‘‘ભાઈ !!’’ લક્ષ્મીએ અલયના ખભે હળવો મુક્કો માર્યો અને અલયે એના બંને એક્ટર્સને હળવેથી કહ્યું, ‘‘એક્સક્યૂઝ મી...’’ અને અલય પોતાના પરિવાર તરફ આગળ વધી ગયો.

અલયની દિશામાં જોઈ રહેતા અભિષેકે અનુપમાના ખભે હાથ મૂક્યો, ‘‘નાઇસ ગાય !’’

‘‘આઇ લાઇક હીમ.’’ અનુપમાએ અભિષેક તરફ જોયું. એ બંનેની આ ચોથી ફિલ્મ હતી. બીજા કોઈ પણ સ્ટાર્સ કરતાં અનુપમાને અભિષેક સાથે વધારે ફાવતું. સાહિત્યના વાતાવરણમાં ઊછરેલો સુપરસ્ટારનો દીકરો અભિષેક મૂળ તો બંગાળી માનો દીકરો હોઈને ચોખ્ખું બંગાળી બોલી શકતો. અનુપમાને અભિષેક સાથે દોસ્તી પાકી થવાનું એક કારણ કદાચ પોતાની માતૃભાષા પણ હશે જ...

‘‘આમી બુઝતે પાછી જે તુઈ ઓર કાછા કાછી જાચ્છતીશ’’ અભિષેકે બંગાળીમાં કહીને આંખ મારી.

‘‘કે ના.’’ અનુપમાએ વાત ટાળવાનો પ્રયત્ન કર્યો.

‘‘મારાથી નહીં છુપાવ.’’ અભિષેકે અનુપમાના વાળમાં એકદમ દોસ્તાના હાથ ફેરવ્યો, ‘‘તું મિત્ર છે મારી, આઈ રિયલ્લી કેર ફોર યુ. તું સુખી થાય એનાથી વધારે મારી શું શુભેચ્છા હોય ?’’

‘‘સુખી ?’’ અનુપમાના ચહેરા પર એક દદર્ીલું સ્મિત આવી ગયું.

‘‘કેમ ? એક માણસ પોતાના કામ પ્રત્યે સિરિયસ છે, એને સપનાં છે અને સપનાં સાચાં પાડવાની તાકાત અને આવડત બંને છે એનામાં. તને સમજે છે. માન આપે છે. આપણી જ લાઇનનો છે... પરણવા માટે એનાથી વધારે કેટલાં કારણ જોઈએ, સ્ટૂપીડ ?’’

‘‘તું સ્ટૂપીડ.’’ અનુપમાએ પોતે હળવી છે એવું દેખાડવાનો પ્રયત્ન કર્યો, પણ એના ચહેરા પર પેલું દર્દભર્યું સ્મિત તો હતું જ, ‘‘પરણવા માટે ઓછામાં ઓછા બે માણસોની મરજી હોવી જોઈએ અને પેલ્લી ઊભી છે ને, સફેદ સાડીમાં... એ એની સાત વર્ષથી રાહ જુએ છે.’’ અભિષેકથી અનુપમાના ખભે હાથ મુકાઈ ગયો, ‘‘ધે લવ ઇચ-અધર... માત્ર અલયની ફિલ્મ પૂરી થાય એની જ રાહ જોવાય છે. કદાચ રિલીઝના દિવસે જ પરણી જશે બંને જણા.’’

‘‘ઓહ !’’

‘‘પણ તું ખોટો નથી.’’

‘‘એટલે ?’’

‘‘હું ક્યારનીય તરફડું છું કોઈનેય કહેવા માટે કે હું અલયને ચાહવા લાગી છું.’’

‘‘તને પણ ચેન નથી પડતું.’’ અભિષેકના અવાજમાં સહેજ ચિંતા તરી આવી, ‘‘બધું જાણે છે તેમ છતાંય...’’

અનુપમાના મોતીના દાણા જેવા બત્રીસ દાંત ઝળકી ઊઠ્યા, ‘‘ઇશ્ક પરે ઝોર નહીં, યે હૈ વો આતિશ ગાલિબ,જલાયે ન જલે, બુઝાયે ન બુઝે...’’ એની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં હતાં. એણે હસીને અભિષેકને કહ્યું, ‘‘કેવું છે નહીં, જિંદગી આખી મને પ્રેમ સમજાયો નહીં, અને જ્યારે સમજાયો ત્યારે એ પ્રેમ કોઈ બીજાની હથેળીની હસ્તરેખા છે.’’

‘‘એનું જ નામ લાઇફ, સ્વીટહાર્ટ.’’ અભિષેકે કહ્યું. હજી હમણાં જ અભિષેકના એક જાણીતી એકટ્રેસ સાથે થયેલા એન્ગેજમેન્ટ તૂટ્યા હતા. એ પણ આવી જ કોઈ મનોદશામાંથી પસાર થઈ રહ્યો હતો. પોતાની જાતને બબ્બે શિફ્ટ કામમાં ખૂંપાડીને એ પોતાની પીડામાંથી બહાર નીકળવા પ્રયાસ કરી રહ્યો અને કદાચ એટલે જ એ અનુપમાની સ્થિતિ બરાબર સમજી શકતો હતો.

એણે નજર અલયનો પરિવાર ઊભો હતો એ તરફ ફેરવી.

વસુમા, સૂર્યકાંત, નીરવ, લક્ષ્મી, જાનકી, નાનકડા હૃદયને ઊંચકીને ઊભેલો અજય અને હસતા હસતા અલયના ખભે માથું મૂકીને ઊભેલી શ્રેયા...

ધીરે ધીરે સૌ ગાડીમાં ગોઠવાઈ રહ્યા હતા. શ્રેયાને અલયે જે સંભાળપૂર્વક ગાડીમાં બેસાડી, એની સાડીનો છેડો બહાર ન રહી જાય એવી રીતે સાડી બરાબર અંદર નાખી, ગાડીનો દરવાજો બંધ કર્યો અને હળવેથી શ્રેયાના ગાલ પર હાથ થપથપાવ્યો...

એ બધું જોઈને અનુપમાને જાણે એક નાકડી ઇર્ષા થઈ આવી, સાવ એકલી-અટૂલી ઊછરેલી એ છોકરીના મનમાં આ પરિવારનો ભાગ બનવાની ઇચ્છા જોર કરી ઊઠી... એ દોડી.

ગાડી ચાલુ થાય એ પહેલાં પાછલી સીટમાં બેઠેલાં વસુમા તરફ ઝૂકીને એણે કહ્યું, ‘‘ફરી ક્યારે આવશો ?’’

‘‘હું આવું કે ના આવું, તું આવજેને તને મન થાય ત્યારે...’’ વસુમાએ વહાલ નીતરતો હાથ એના ગાલ પર ફેરવ્યો.

‘‘પણ તે દિવસે આવ્યા એવા નહીં આવતા.’’ જાનકીએ કહ્યું અને બધા હસી પડ્યા.

જતી ગાડીને જોઈ રહેલી અનુપમાએ આંખોમાં ધસી આવેલાં આંસુ રોકીને જોરથી બૂમ પાડી, ‘‘મેક-અપ...’’ અને એનો બોય, મેક-અપમેન દોડતા આવીને એની આળપંપાળ કરવા લાગ્યા.

યશોધરા અને શૈલેષ સાવલિયા જાણે કોઈ બીજી જ દુનિયામાં આવી પડ્યા હોય અને એકબીજાને ઓળખતા પણ ન હોય એમ ચૂપચાપ બેઠા હતા.

સાવ અણધાર્યું બની ગયાની ભોંઠપ હજી શૈલેષ સાવલિયાના ચહેરા પરથી જતી નહોતી. એમણે ધીમેથી યશોધરાને પૂછ્‌યું, ‘‘જવું છે? તો તને ડ્રાઈવર ઉતારી આવે...’’

‘‘બેએએએઠી છું... કેટલા દિવસે બહાર નીકળી.’’ યશોધરાના અવાજમાં જાણે પોતાને ન મોકલી આપવાની આજીજી હતી, પરંતુ શૈલેષ સાવલિયા માટે હવે યશોધરાની જરૂરિયાત પૂરી થઈ ગઈ હતી. એને તો યશોધરાને અહીંયા લાવીને મહેતા પરિવાર સામે જીતી જવું હતું, પણ એ તો થઈ શક્યું નહીં. એટલે હવે સાવલિયાના અવાજમાં ચીડ ઊતરી આવી હતી.

‘‘સામે જો જરા, વાદળ ઘેરાયાં છે. ઘરભેગી થઈ જા. ટાંટિયા તો સખણા રહેતા નથી.’’

‘‘એક દિવસ આ જ ટાંટિયા નાચતા ને એના ઉપર પૈસા પડતા, સાવલિયા.’’

‘‘ગયો એ જમાનો. હવે શું છે ?’’ શૈલેષ સાવલિયાનો અવાજ હજીયે ચીડ અને કંટાળાથી ભરેલો હતો.

‘‘તેં તો મને કીધું કે તારી નવી ફિલ્મના મુહૂર્તમાં લઈ જાય છે. મને જો ખબર હોત કે તું મને વસુની સામે મહોરું...’’

‘‘તો શું કરી લેત તું ?’’

‘‘તો હું ના આવત.’’ યશોધરાની આંખમાં ફરી પાણી ઊભરાયાં, ‘‘આ શરીર નકામું થયું પછી તું તો ફરીને જોવાય આવ્યો નથી... વસુ જ હતી જેણે મને...’’

‘‘મૂરખ છે તારી વસુ, જેની પાછળ ધણી ખોયો એનો જીવ બચાવવા નીકળી પડી...’’ શૈલેષ સાવલિયાએ વાત પૂરી કરતા હોય એમ યશોધરાને કહ્યું અને જોરથી બૂમ પાડી, ‘‘ડ્રાઈવર !’’

કામ ઝડપભેર ચાલી રહ્યું હતું. પહેલી ફિલ્મ છે એ જાણ્યા પછી સૌને આશ્ચર્ય થાય એટલી ક્લેરિટી અને ઝડપભેર અલય આગળ વધી રહ્યો હતો. લંચ સુધીમાં એમણે લંચ પછી કરવાના બે શોટ પણ કરી નાખ્યા હતા.

અલય કેમેરામેનને સીન સમજાવી રહ્યો હતો અને એના ગાલ પર વરસાદનું એક ટીપું પડ્યું. એણે આકાશમાં જોયું, ‘‘શીટ ! દિવસ બગડશે કે શું ?’’

એણે કેમેરામેનના ખભે હાથ મૂક્યો, ‘‘દાદા, બારિશ આ ગઈ તો મર જાયેંગે...’’

‘‘નહીં આયેગી !’’ આકાશમાં જોઈને શબ્બીરે અલયના ખભે હાથ મૂક્યો, ‘‘ખુદા ભી મહેનત કરને વાલોં કે સાથ રહેતા હૈ. યે ફિલ્મ સિર્ફ આપના મુસ્તકબિલ નહીં હૈ, હમ સબ કે નસીબ જુડે હૈં ઇસ ફિલ્મ કે સાથ...’’ પછી હસીને પોતાના બે હાથ બંદગીની જેમ આકાશ તરફ ઉઠાવ્યા, ‘‘ખુદા બેરહમ હૈ યે જાનતા હૂં, મગર જીજાન સે માગી દુઆ નહીં ઠુકરા સકતા.’’

મેક-અપવેનના કાચમાંથી અનુપમાએ ઘેરાયેલા આકાશ તરફ જોયું, ‘‘ભગવાન, ભગવાન ! વરસાદ મોકલ.’’ એનાથી કહેવાઈ ગયું અને જાણે એની દુઆ કબૂલ થઈ ગઈ હોય એમ દુઆ માટે ઉઠાવેલા શબ્બીરના હાથ પર મોટા મોટા ફોરા પડવા લાગ્યા.

અલય અને શબ્બીર સામસામે જોઈને હસી પડ્યા.

‘‘ઇસકા મતલબ હૈ, કિસી ઔર ને જીજાન સે દુઆ માંગી હૈ...’’

રિફલેક્ટર્સ ફટાફટ કવર થવા લાગ્યા. કેમેરો વેનમાં મુકાઈ ગયો. અભિષેક પોતાની વેનના દરવાજા પર આવીને માથું બહાર કાઢી, વરસાદ જોઈને પાછો અંદર ચાલી ગયો.

‘‘યેસ્સ...’’ અનુપમાએ ઉત્સાહમાં ચીસ પાડી. લેપટોપ પર કામ કરતા સંજીવે ચશ્મામાંથી અનુપમા સામે જોયું. એક વહાલસોયું સ્મિત કર્યું અને કંઈ જ બોલ્યા વિના પોતાનું કામ ચાલુ રાખ્યું...

વરસાદના ફોરા ધારમાં બદલાઈ ગયા હતા. મુંબઈનો ભરચોમાસાનો વરસાદ શરૂ થઈ ગયો હતો... દરિયો પણ ચોમાસું માણવા લાગ્યો હતો.

‘‘સાહેબ, આતા પાઉસ થામનાર નાહીં.’’ રિફલેક્ટર સાચવતો કેશવ અલય પાસે આવ્યો, ‘‘ત્યાં જુઓ, આકાશ કેટલું ઘેરાયું છે...’’

‘‘પેક-અપ !’’ અલયે બૂમ પાડી.

‘‘થેન્ક યુ ભગવાન !’’ વેનમાં બેઠેલી અનુપમા લગભગ નાચી ઊઠી. પછી ભૂસકો મારીને વેનમાંથી બહાર નીકળી અને બંને હાથ પહોળા કરીને ધોધમાર વરસાદમાં પલળવા લાગી.

અલય ક્ષણભર એની સામે જોઈ રહ્યો. પેક-અપની સૂચના આપ્યા પછી બધું બરાબર બંધ થાય એ જોવાની ફરજ કેપ્ટન ઓફ ધ શિપ - અલયની હતી. એટલે એ તો સ્વાભાવિક રીતે પલળી જ રહ્યો હતો. એના કાળા વાળ એના કપાળ ઉપર આવી ગયા હતા. સરાબોર ભીંજાયેલા અલયનું શરીર એના કોટન શર્ટમાંથી ઉજાગર થઈ રહ્યું હતું. રોમન શિલ્પ જેવું એ શરીર, લાંબા-ટૂંકા થતાં એના હાથની સાથે દેખાતા બાવડાનો આકાર, ભીંજાયેલા લેમન યલ્લો શર્ટમાંથી આરપાર દેખાતી ત્વચા અને છાતીના વાળ... અનુપમાને થયું કે એ અલયને ભેટી પડે...

‘‘પત્યું કે નહીં ?’’ એણે અલય પાસે જઈને પોતાના લાંબા વાળ સાડીના પાલવની જેમ નીચોવ્યા.

‘‘શું ?’’ અલયનું ધ્યાન અનુપમામાં સહેજેય નહોતું.

ઓફ વ્હાઇટ કલરના શિફોનના સલવાર-કમીઝ ટપકી રહ્યા હતા અને અનુપમાના શરીરનો એક એક વળાંક જાણે કમાન પર મૂકેલા તીરની જેમ વીંધી નાખવા માટે તૈયાર હતો.

પેકિંગ કરી રહેલા સ્પોટબોય, લાઇટમેન, કેમેરા અટેન્ડન્ટ... ત્યાં ઊભેલો એકપણ પુરુષ એવો નહોતો જેને એ શ્યામ ત્વચા પરથી સરી જતા પાણીનાં બિંદુઓ જોઈને શોષ ન પડ્યો હોય, પણ એક અલય હતો, જેને પોતાની શિફ્ટ અધૂરી રહી ગયાનો પારાવાર અફસોસ હતો.

‘‘હવે શું કરીશ ?’’ અનુપમાએ પૂછ્‌યું.

‘‘કપાળ કૂટીશ.’’ અલયે જવાબ આપ્યો, ‘‘અડધી ડેટ બગડી મારી...’’

‘‘વેલ ! એક વાર સ્ટારની ડેટ લીધા પછી એને કાઢી ના મુકાય.’’ અનુપમાએ પોતાના હાથમાં ઝીલેલા વરસાદનું પાણી અલયના ચહેરા પર છાંટ્યું.

‘‘તો શું તને માથે બેસાડું ?’’ અલય ભયાનક ચીડાયો હતો અને એમાં અનુપમાનું આ તોફાન એને વધારે ઇરિટેટ કરતું હતું.

આ બધા અહીંયા જે રીતે એને જોઈ રહ્યા હતા એ પણ અલયથી સહન નહોતું થઈ શકતું. એણે અનુપમાની સામે જોયું, ‘‘અંદર જા, વેનમાં !’’

‘‘કેમ ?’’ અનુપમાના અવાજમાં બાળસહજ નિદરેષતા હતી, ‘‘મને વરસાદમાં ભીંજાવું બહુ ગમે છે.’’

‘‘આ બધા તને જુએ છે.’’ અલયથી રહેવાયું નહીં.

‘‘હિન્દુસ્તાનના કરોડો લોકો મને ભીંજાતી જોવા માટે ટિકિટના રૂપિયા ખર્ચે છે.’’ અનુપમા હસી. એના માથા પર પડતો એના ચહેરા પર, એની પાંપણ પર, એના આરસપહાણ જેવા લીસા ગાલ પર થઈને લસરી જતો હતો. એના લાંબા-કાળાવાળ ભીંજાઈને થોડા ગાલ સાથે, થોડા ખભા સાથે અને થોડા પીઠ સાથે ચોંટી ગયા હતા...

‘‘તો દેખાડ બધાને, મફતમાં તારો શો...’’ અલયે કહ્યું, ‘‘પ્રદર્શન કરવામાં શું મજા આવે છે તને ? મને લાગે છે તને ગમે છે આવી નજરો...’’ અને પછી પીઠ ફેરવીને પોતાના કામે લાગી ગયો. ઘડીભર પહેલાની ઊછળતી-કૂદતી નાની બાળકીની જેમ વરસાદ માણી રહેલી અનુપમા અચાનક જ જાણે ધીરગંભીર સ્ત્રી બની ગઈ. પોતાના બંને હાથ પોતાના ખભા પર લપેટીને છાતી ઢાંકતી, શરીર બચાવતી પોતાની વેન તરફ ભાગી.

વેનમાં જઈને અનુપમા અચાનક જ રડી પડી.

સંજીવ જોઈ રહ્યો. પછી ઊભો થઈને અનુપમા પાસે આવ્યો, એના ખભે હાથ મૂક્યો, ‘‘અનુ !’’

‘‘સંજીવ... દાદા... આજે પહેલી વાર કોઈએ મને એક્ટ્રેસ નહીં, સ્ત્રીની જેમ જોઈ છે. એક સારા ઘરની, રિસ્પેક્ટેબલ છોકરીની જેમ... એણે મને અંદર જવાનું કહ્યું દાદા !’’ અનુપમાના વાળ અને આંખમાંથી ટપકતું પાણી એક થઈ ગયાં, ‘‘તમને લાગે છે હી લવ્સ મી?’’

સંજીવ લગભગ અસહાય થઈને અલય માટે વધતી જતી અનુપમાની ઝંખના જોઈ રહ્યો હતો. એને સમજાતું કે અનુપમા એ અને એટલું જ જોઈ રહી હતી જે એને જોવું હતું. અલયની લગભગ બધી જ સાદીસીધી વાતનો ધાર્યો અર્થ કાઢવાનું કામ અનુપમાની ઘેલછા એની પાસે કરાવી રહી હતી.

કદાચ આ જ વાત એને સંજીવે પણ કહી હોત, પરંતુ એ વાત અલયે કહી એટલે અનુપમા માટે એનું આગવું મહત્ત્વ થઈ ગયું હતું.

‘‘દાદા, એને ગમે તેમ કરીને ઘરે લઈ લો.’’ સંજીવે આશ્ચર્યથી અનુપમા સામે જોયું, ‘‘પ્લીઈઈઝ...’’

‘‘પણ...’’

‘‘હું એનો અંગત સમય નથી ખાતી દાદા, શૂટિંગ કર્યું હોત તો છ વગાડત કે નહીં ? હજી તો ખાલી અઢી વાગ્યા છે... પ્લીઝ દાદા... કંઈ પણ કરો.’’

સંજીવ વિચારમાં પડી ગયો. આ ગાંડી છોકરીની મદદ કરવી એ એની ઘેલછાની આગને પવન આપવા બરાબર હતું અને એને મદદ ન કરવાથી એને માંડ માંડ મળી શકતી સુખની બે-ચાર પળોથી પણ એને વંચિત રાખવાનું પાપ કરવાનું હતું.

‘‘જોઉં છું.’’ સંજીવ વેનમાંથી નીચે ઊતર્યો.

શૈલેષ સાવલિયાનો ડ્રાઇવર એના માથે છત્રી લઈને ઊભો હતો. સાવલિયા લપેટાઈ રહેલી પરિસ્થિતિનું સુપરવિઝન કરી રહ્યા હતા. સંજીવ એમની બાજુમાં જઈને ઊભો રહ્યો, ‘‘શું પ્રોગ્રામ છે હવે ?’’

‘‘મારો ?’’ શૈલેષ સાવલિયાના મોઢા પર પહેલા જ દિવસે અડધી શિફ્ટના પૈસા માથે પડ્યાના ભાવ હતા, ‘‘કાંઈ નહીં.’’

‘‘ચાલો, જરા તાજમાં જઈને બેસીએ... બિયર-વિયર પીએ. મોસમની મજા લઈએ.’’ સંજીવે સેક્રેટરીની કૂનેહથી સાવલિયાને ધીમે ધીમે ઘેરવા માંડ્યો.

‘‘ના ભઈ ના...’’

‘‘કેવા પ્રોડ્યૂસર છો, આજે ઘણા વખતે નવી ફિલ્મ શરૂ કરી અને ેસેલિબ્રેશન પણ નહીં ?’’

‘‘અરે ભાઈ, મારે તો ઘેર જવું પડશે. વાઇફનો ફોન આવી ગયો છે... પણ તમે કરોને સેલિબ્રેશન, હું પછીથી આવી જઈશ.’’

‘‘હા, હા, હું અને મેડમ તો કરીશું જ અમારી રીતે. તમારા ડિરેક્ટરનો પણ મૂડ ખરાબ લાગે છે. એટલે એને પૂછવાનો તો કોઈ અર્થ જ નથી.’’ સંજીવે એક બીજો ગોલ કર્યો.

‘‘અરે !એમ મૂડબૂડ ખરાબ કર્યે થોડું ચાલે ? તમારી વાત સાચી છે. આજે પહેલો દિવસ છે... ને એની તો પહેલી ફિલ્મ...’’ સાવલિયા પણ ઇન્ડસ્ટ્રીનો માણસ હતો. ઘણી લીલી-સૂકી જોઈ હતી એણે. સંજીવે ગોઠવેલી આખી બાજી એક ઝટકામાં એના મગજમાં ઊતરી ગઈ, ‘‘મેડમની ઇચ્છા હોય તો ડિરેક્ટર તો શું, એના બાપે પણ આવવું પડે.’’

સંજીવ જરાક ઝંખવાયો. સાવલિયાને એની બાજી સમજાઈ ગઈ એ વાતની એને બહુ મજા ના પડી, પણ પછી એણે સાવલિયાને કોન્ફિડન્સમાં લીધો, ‘‘આમાં શું છે સાહેબ કે હિરોઇન અને ડિરેક્ટરની કેમેસ્ટ્રી તો...’’ જોેકે આવું બોલ્યા પછી એને પોતાને જ અફસોસ થયો.

‘‘હેં... હેં...હેં...’’ સાવલિયા હસ્યો, ‘‘આર.કે.નું બેનર આજે પણ સાક્ષી પૂરે છે એ કેમેસ્ટ્રીની...’’ પછી એણે સંજીવના ખભે હાથ મૂક્યો,‘‘હું ગોઠવું છું .’’ એણે કહ્યું અને વરસાદમાં પલળતા પલળતા સૂચનાઓ આપતા અલય તરફ આગળ વધી ગયો.

હોસ્પિટલમાંથી ઘરે આવીને અંજલિને રાજેશે ગાડીમાંથી ઉતારી. વરસાદ પડી રહ્યો હતો. બિલ્ડિંગના કંપાઉન્ડમાં ઠેર ઠેર નાનાં નાનાં ખાબોચિયાં ભરાયાં હતાં. અંજલિ ગાડીમાંથી ઊતરી અને એણે રાજેશના ખભે હાથ મૂક્યો. નવા પ્રકારનો ઇલેટ્રોપ્લાસ્ટ બાંધ્યો હોવાના કારણે અંજલિની ઘૂંટી અને પાનીનો થોડો ભાગ માત્ર પાટામાં હતો. બાકી સુંદર તૈયાર થયેલી અંજલિ રોજ જેવી જ આકર્ષક દેખાતી હતી. લોહી વહી જવાને કારણે એના ચહેરા પર થોડીક ફિક્કાશ આવી હતી.

‘‘ચલાશે ?’’ રાજેશે ગાડી બિલ્ડિંગના પોર્ચની એકદમ નજીક ઊભી રાખી હતી.

‘‘ટ્રાય કરું છું.’’ અંજલિએ કહ્યું અને રાજેશના ખભે હાથ મૂકીને એક પગ ઊંચો રાખીને લંગડી કરતાં ચાલવાનો પ્રયાસ કરી જોયો. એને ચાલવામાં તકલીફ પડતી હતી. ધીમે ધીમે ચાલતી અંજલિને લંગડીના દરેક કૂદકા વખતે આવતા પ્રેશરને કારણે પગ સહેજ દુઃખતો...

રાજેશે આ જોયું.

એણે અંજલિને ઘૂંટણની નીચે હાથ નાખી, ખભેથી ઢાળી દીધી અને અંજલિ કશું સમજે એ પહેલાં એને ઊંચકી લીધી !

રાજેશના હાથમાં ઊંચકાયેલી અંજલિ એક ઢીંગલીની જેમ સૂતી હતી. એના વાળ પાછળ લહેરાતા હતા. એને ઊંચકીને ચાલતા રાજેશની છાતી પાસે અંજલિનું માથું હતું... એના ડિયોડરન્ટની સુગંધ અંજલિના મગજ સુધી ચાલી ગઈ. અંજલિને જાણે પોતે વાદળ પર સૂતી હોય એવી લાગણી થઈ આવી. એણે રાજેશની સામે જોયું, ‘‘આ માણસ ! આને છોડીને હું કયા આભાસી સંબંધ પાછળ દોડતી હતી?’’

‘‘અંજુ ! હજી દુઃખે છે ?’’ રાજેશે પોતાની સામે માર્દવથી જોઈ રહેલી અંજલિની આંખમાં પાણી જોઈને પૂછ્‌યું. ‘‘ના’’માં માથું ધુણાવતી અંજલિએ પોતાની માથું રાજેશની છાતીસરસું કરી દીધું અને પોતાના બંને હાથ એના ગળામાં લપેટી લીધા.

કંપાઉન્ડમાં નાહી રહેલાં ટાબરિયાંઓ અને વોચમેન, માળીની ચિંતા કર્યા વગર રાજેશે અંજલિના હોઠ પર વરસાદના ફોરા જેવું એક ચુંબન કરી લીધું.

‘‘રાજેશ, મને આમ જ જિંદગીભર તમારા હાથમાં સંભાળીને રાખજો... ક્યાંય જવા નહીં દેતા હવે.’’ અંજલિથી કહેવાઈ ગયું.

રાજેશે જે રીતે એની આંખમાં જોયું, એમાં કેટલીયે વાતોના જવાબો હતા. રાજેશની આંખો જાણે અંજલિને કહેતી હતી, ‘‘હું તો વર્ષોથી આ પળની રાહ જોતો હતો અંજલિ, તેં પાંચ પાંચ વરસ તરસાવ્યો મને !’’

અભયના મનમાંથી હજી ગઈ કાલે રાત્રે થયેલી ઘટનાઓ ભૂંસાતી નહોતી, ‘‘કોઈ આટલું ઝડપથી નોર્મલ કેવી રીતે થઈ શકે ?’’ અભયને વિચાર આવ્યો.

‘‘તમે રાતની વાત ભૂલી શકશો કે નહીં ?’’ વૈભવી નજીક આવી. એણે અભયને એના આશ્ચર્ય વચ્ચે હાથ ખેંચીને ઊભો કર્યો, ‘‘ચાલોને અભય પ્લીઝ, આવું શું કરો છો...’’

‘‘ઓ.કે. ઓ.કે.’’ અભયે હાથ છોડાવ્યો અને બાથરૂમ તરફ ગયો.

નહાતા નહાતા અભયને વિચાર આવ્યો, ‘‘આજે તો નથી જ જવું. ગઈ કાલે થયેલો આટલો મોટો તાયફો સાવ ઝીરો થઈ જશે, જો હું વૈભવીને લઈને શૂટિંગમાં જઈશ તો...’’ શાવરનું પાણી એના શરીર પર પડી રહ્યું હતું, ‘‘એ નોર્મલ થઈ જાય, સ્વભાવ છે એનો, પણ જો હું આખી વાતને નોર્મલ થઈ જવા દઈશ તો ફરી એ જ વિષચક્ર શરૂ થઈ જશે.’’

અભય નાહીને બહાર નીકળ્યો ત્યારે વૈભવીએ એના કપડાં વોર્ડરોબમાંથી કાઢીને બેડ પર મૂક્યા હતા.

અભયે એ જોયું. તેમ છતાં ડ્રેસિંગરૂમમાં ઊભા રહીને વોર્ડરોબ ખોલ્યું, સાદા - ઓફિસ જવાના કપડાં કાઢ્યાં.

‘‘આ શું ? તમે આવું પહેરીને આવશો ?’’

‘‘હું ઓફિસ જાઉં છું.’’

‘‘અલયભાઈને કેવું લાગશે ?’’ અભય જવાબ આપ્યા વિના કપડાં પહેરતો રહ્યો. વૈભવી બોલતી રહી, ‘‘એમના જીવનનો આટલો મહત્ત્વનો પ્રસંગ, અને સગો ભાઈ જ ના આવે ? તમે એના પિતાની જગ્યાએ છો. તમે ન જાવ તો કેમચાલે ?’’

‘‘હું નથી જવાનો.’’

‘‘પણ કેમ ?’’ હવૈ વૈભવીનો અવાજ ઊંચો થયો હતો.

‘‘કારણ કે હું તારી સાથે ક્યાંય જવા માગતો નથી.’’

‘‘કેમ ?’’

‘‘મારું મન નથી માનતું.’’

‘‘અને ઓફિસ જવા માટે મન ઉતાવળું થાય છે, કેમ ?’’ વૈભવીના અવાજમાં તીક્ષ્ણતા વધતી જતી હતી, ‘‘ત્યાં શું દાટ્યું છે?’’

‘‘મારે ઓફિસમાં કામ છે.’’

‘‘મને ખબર છે, કેવું કામ છે તે...’’ વૈભવીનો ચહેરો બદલાઈ ગયો, ‘‘એક વાત યાદ રાખજો, હું આ બધું ચલાવી લેવાની નથી. હું તમારી મા જેવી નથી.’’

‘‘એ તો મને પહેલા જ દિવસે સમજાઇ ગયું હતું.’’ અભયે કહ્યું અને મોજાં પહેરવા માંડ્યાં.

‘‘એટલે તમે ધાર્યું કરવાનું નક્કી કર્યું છે એમ ને ?’’

અભયે એકપણ અક્ષર બોલ્યા વિના બૂટની દોરી બાંધી. લેપટોપની બેગ ઊંચકી અને બહાર જવા માંડ્યું. વૈભવી દોડી અને બે હાથ પહોળી કરી એના રસ્તામાં ઊભી રહી ગઈ.

‘‘મને જવાબ આપો, તમે શું કરવા માગો છો ?’’

‘‘ધાર્યું !’’ અને વૈભવીના હાથને પોતાના શરીરનો હળવો ધક્કો મારીને અભય બહાર નીકળી ગયો. વૈભવી અભયના શરીરનો ધક્કો વાગવાથી ૧૮૦ ડિગ્રી ફરી ગઈ અને બહાર જતા અભયને આગ વરસાવતી આંખોથી જોઈ રહી. એનું આવું અપમાન અભય કરી શકે એ વાત હજી એના માન્યામાં નહોતી આવતી...

‘‘હું હાર નહીં માનું.’’ વૈભવીએ મનોમન કહ્યું અને અરીસામાં દેખાતા પોતાના પ્રતિબિંબ સામે જોઈ રહી... એક- બે- ત્રણ- ચાર... કોણ જાણે કેટલી ક્ષણ પસાર થઈ અને વૈભવીએ અભયની ગાડી ેગેટની બહાર નીકળવાનો અવાજ સાંભળ્યો. એના ચહેરા પર એક સ્મિત આવ્યું અને અચાનક વૈભવીએ ડ્રેસિંગ ટેબલ પર પડેલી પરફ્યુમની બોટલ ઊંચકીને અરીસામાં દેખાતા પોતાના પ્રતિબિંબ પર છૂટ્ટી મારી.

અરીસામાં પ્રતિબિંબના ટુકડે ટુકડા થઈ ગયા.

એમાંથી તૂટીને નીચે પડેલા કાચના એક ટુકડાને એણે સાવચેતીથી ઉપાડ્યો. એ ટુકડો વાગે નહીં એમ હાથમાં લઈને એ ધીરે ધીરે નીચે ઊતરી.

ડ્રોઇંગરૂમમાં બેસીને શ્રીજી વિલાના કંપાઉન્ડનો દરવાજો ખૂલવાનો અવાજ આવે એ પળની બેચેનીથી પ્રતીક્ષા કરવા માંડી.

(ક્રમશઃ)

રેટ કરો અને રિવ્યુ આપો

Dilip Pethani

Dilip Pethani 2 અઠવાડિયા પહેલા

ETDS CONSULTANCY

ETDS CONSULTANCY 1 માસ પહેલા

Hemant Sanghvi

Hemant Sanghvi 2 માસ પહેલા

Vinod Bhai  Patel

Vinod Bhai Patel 5 માસ પહેલા

Zankhana Lad

Zankhana Lad 11 માસ પહેલા