એ સમયે મારી પ્રેકટીશની શરૂઆત જ હતી, અને ઠીક ઠીક જામી પણ હતી. દૂરના અંતરિયાળ ગામના સાવ સામાન્ય કહી શકાય એવા મકાનમાં મારું નાનકડું દવાખાનું ચાલતું હતું. આસપાસ ના ચાર - પાંચ ગામોમાં દવાખાનું ના હોવાથી એ ગામના લોકો પણ મારી પાસે પોતાની બીમારી લઇ આવતા.
મારાં નાનકડા દવાખાનામાં હું અને કનુ અમે બે જ સ્ટાફ માં. કનુ મારાં દવાખાનાનો કમ્પાઉન્ડર, નર્સ બધુજ. સવારથીજ દર્દીઓનો ધસારો શરુ થઇ જતો જે મોડી સાંજ સુધી રહેતો. ક્યારેક કોઈ દર્દીની તબિયત વધુ બગડી હોય તો રાતના પણ તપાસવા જવું એવો સ્વનિયમ બનાવ્યો હતો મેં.
એક રાતે મારાં ઘરના બારણે ટકોર પડ્યા.
મેં આંખો ચોળતા દરવાજો ખોલ્યો તો સામે લાખન ચિંતિત ચહેરે મારી સામે બે હાથ જોડી ઉભો હતો.
હું લાખનને ઓળખતો હતો એક્દમ ભલો માણસ હતો. હજુ થોડા દિવસ પહેલાજ હું જયારે બાજુના શહેરથી આવી રહ્યો હતો ત્યારે ગામના બસ સ્ટોપ પર મોડી સાંજે કોઈ વાહન ના મળતા હું પગપાળા ચાલ્યો જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં ગાડું લઇ જતા લખને મને આગ્રહ કરી પોતાના ગાડાંમાં બેસાડ્યો હતો.
"બોલ લાખન શું થયું? " -- હું મારાં ચશ્માંના કાચ સાફ કરતા બોલ્યો.
'સાયબ મારો દીનો તાવમાં ફફડે સે, તમે આવી જોઈ જાવ ઇટલી દયા કરો સાયબ ' -- લાખન મને કરગરતા બોલ્યો.
'હા..હા... એમાં રડવા જેવો શા માટે થઇ ગયો? ચાલ હું આવી તપાસી લઉં છું. ' -- હું લાખનને મીઠો ઠપકો આપતાં બોલ્યો.
ત્વરિતજ હું મારી બેગ લઇ લાખન સાથે ચાલી નીકળ્યો. આ અંતરિયાળ ગામમાં રાત્રી પ્રકાશ માટે કોઈ સ્ટ્રીટ લાઈટ ના હતી. લાખન મારી આગળ હાથમાં ફાનસ લઇ ચાલતો હતો.
થોડીજવારમાં અમે લાખન ના ઘરે પહોંચ્યા. લાખનની બૈરી પોતાના ખોળામાં દિનાનું માથું રાખી વ્યાકુળ બેઠી હતી મને જોઈ મૂક આજીજી ભરી નજરે ખાટલા માંથી બેઠી થઇ ગઈ.
મેં લાખનના છોરા દિનાને તપાસી ઈન્જેકશન લગાવ્યું અને દવા આપી. સાચેજ બિચારો દીનો તાવમાં ફફડતો હતો.
' તાવ ખુબ વધી ગયો છે, ભલા માણસ તારા છોરાને દવાખાને તપાસી તો જવાય ને ! ' -- હું લાખનને ઠપકાની ભાષામાં બોલ્યો.
'સાયબ બપોર સુધીતો મજાનો હતો પાદરેથી આવી ખાટલામાં પડ્યો ઈ પડ્યો વાળું કરવા એની માં એ જગાડ્યો તો 'ય ના ઉઠ્યો.
--- લાખને વીલા મોં એ બીના કહી.
'લાખન તારા છોરાના લોહી રિપોર્ટ કરાવવો પડશે આવતીકાલે સવારે એને લઇ દવાખાને આવજે.' આટલુ બોલી મેં જવા માટે પગ ઉપાડ્યા.
વચ્ચેજ મારો રસ્તો રોકતા લાખન બોલ્યો -- ' સાયબ તમારી ફી કીટલી થાય? '
બસ આજે કઈ નથી જોઈતું પછી ક્યારેક ' - હું બોલ્યો.
' નઈ સાયબ ઇમ ના હાલે, રાત વખતના તમે મારાં દિનાને તપાસવા આવ્યા તમારી ફી તો આપવીજ પડે ને !' -- લાખન ગળગળો થઇ બોલ્યો.
' કાલે તારા છોરાને તપાસી જજે ત્યારે આપી દેજે, અત્યારે કઈ નથી જોઈતું. '--- આટલુ બોલી મેં ચાલતી પકડી.
બીજા દિવસે સવારે મેં લાખનના છોરાંનો લોહી રિપોર્ટ કરાવ્યો અને ઝેરી કમળ ની અસર જણાઈ.
મેં લાખન ને કહ્યું -- 'તારા છોરાના ઈલાજ માટે મોટા ડોક્ટર પાસે જવું પડે, હું ના કરી શકું એને આજે જ શહેરની મોટી હોસ્પિટલ માં દાખલ કરી દે.'
લાખન ચિંતિત બોલ્યો -- સાયબ શું બીમારી છે? મારાં છોરાને હારું તો થશે ને?'
' હા સમયસર સારવાર કરાવી લે સારુ થઇ જશે. ' - હું આશ્વાસન આપતાં બોલ્યો.
' સાયબ તમારી ફી કીટલી થાય? ' -- લાખન વળી મારી સામે બે હાથ જોડી ઉભી ગયો.
' તારા પાસે પૈસા વધી ગયા છે? ' -- મેં મજાક માં કહ્યું.
' ના..રે.. સાય્બ, પૈસા વધી તો નથી ગયા પણ તમારા થોડા રખાય? વે'વાર તો ચોખ્ખો રાખવો પડે ને !' --- લાખનના ચહેરા પર ની આ પ્રામાણિકતા મારાં હૃદય ને સ્પર્શી ગઈ.
હું ગરીબ લાખન અને તેના વ્યવહારને જોતો જ રહી ગયો. બાદમાં મેં મારી જરૂરી ફી લઇ લાખનને વિદાય આપી.
લાખનના ગયા બાદ મારો કમ્પાઉન્ડર કનુ બોલ્યો -- 'સાય્બ આ લાખનનો રુંએ રુઅ કરજમાં ડૂબ્યો છે છતાં વ્યવહારનો ચોખ્ખો છે. પેટમાં નઈ ખાય પણ કોઈ ના પણ પૈસા હરામ નઈ કરે.
હોય કનુ, દુનિયામાં ઘણા સ્વમાની જીવ હોય '-- હું બોલ્યો.
બીજા દિવસે મારે 5 દિવસ ના મેડિકલ સેમિનાર માં જવાનુ હતું એટલે મેં જવાની તૈયારી આદરી.
પાંચ દિવસ બાદ હું સેમિનારમાંથી આવ્યો ત્યારે અમારા નાનકડા ગામમાં ગજબની ઘટના બની ગઈ. લાખનને પોલીસ પકડી લઇ ગઈ. ક્યારેય ગામલોકોએ પોલીસ જીપ જોઈ ના હોય એ ગામમાંથી લાખનને પોલીસ પકડી ગઈ એ કોઈ અજાયબીથી ઓછું ના હતું.
મને મારાં કમ્પાઉન્ડર કનુ પાસેથી વાત જાણવા મળી કે વેજા પટેલે લાખન પર ચોરી કર્યા ની આળ મૂકી પોલીસ કેસ કર્યો, અને પોલીસ લાખનને પકડી ગઈ.
પછી તો કોર્ટમાં કેસ ચાલ્યો, વકીલો નિમાયા પણ લાખન જેવા ગરીબ મંજુર પાસે સારા વકીલ રોકવાના પૈસા ક્યાંથી હોય? કોર્ટે લાખનના વિરુદ્ધમાં ચુકાદો આપ્યો અને એક વર્ષ કારાવાસની સજા ફટકારી.
લાખનના બૈરી છોકરાના બુરા હાલ થયાં. મોટી હોસ્પિટલમાં સારવાર ના મળતા લાખનના છોરાનો બીમારીએ જીવ લીધો. લાખનની બૈરી માનસિક સ્થિરતા ગુમાવી પાગલ જેવી થઇ ગઈ. એક ના એક દીકરાના મોત નો આઘાત ના જીરવી સકતા તે અર્ધપાગલ અવસ્થામાં ગામમાં જ્યાં ત્યાં ભટકવા લાગી. ગામલોકો તેની ટીખળ કરતા, ત્રાસ આપતાં, પથ્થર મારી ચીડવતા.
આ બધું જોઈ મારું હૃદય દ્રવી ઉઠ્યું. મેં ગામલોકોની પરવાહ કર્યા વગર મેં લાખનની બૈરીને શહેર ના માનસિક ચિકિત્સાલય માં દાખલ કરાવી સારવાર શરુ કરી.
સજાની અવધિ પુરી થતા લાખન જેલમાંથી છૂટી સીધો પોતાના ઘરે આવ્યો, પણ અહીં તો તેની દુનિયા વેરાન થઇ ગઈ હતી. તે મારાં પાસે આવ્યો અને તેની બૈરી વિશે જાણ મેળવી તે મળવા માટે શહેરની હોસ્પિટલ ગયો. પાગલ બનેલી બૈરીની હાલત જોઈ લાખનના રોમેરોમમાં આગ લાગી. તે સીધોજ ગામમાં આવ્યો અને વેજા પટેલને ઢસડી ગામના ચોક માં મારતો મારતો લઇ આવ્યો બાદ માં દાંતરડાથી તેનું માથું વાઢી નાખ્યું.
આજે લાખન કારાવાસમાં 14 વર્ષની સજા ભોગવી રહ્યો છે.
લાખનનો વાંક એટલોજ કે તેને વેજા પટેલને વ્યાજના નાણા ચૂકવવા એક દિવસનો વિલંબ થયો અને વેજા પટેલની પોતાની બૈરીની આબરૂ સાથે મજા કરવાની વાતને માંની નહિ. આથી છંછેડાઈ વેજા પટેલે લાખન પર ચોરીનો ખોટો આરોપ મૂકી જેલમાં પુરાવ્યો. લાખન ખોટો આરોપ અને એક વર્ષની જેલ સજા તો સહન કરી ગયો પણ પોતાની ગેરહાજરીમાં પરિવારનું પતન અને પોતાના લાડકવાયાનું મરણ ના સહન કરી શક્યો અને આવેશમાં વેજા પટેલનું ખૂન કરી નાખ્યું.
હવે લાખનની બૈરીની તબિયત સારી છે તે મારાં દવાખાનામાં રહી દર્દીઓની સેવા કરે છે પરંતુ પોતાની પાછલી જિંદગી ભૂલી ચુકી છે.
લાખનને હું ક્યારેક જેલમાં મળવા જવું છું તો તેના મોં એ થી સાંભળવા મળે છે કે - ' સાય્બ તમે મારાં બીજા ભગવાન ! મારી બૈરીને મરતી બચાવી મારાં પર મોટો ઉપકાર કર્યો છે. જેલમાંથી છૂટી હું તમારું ઋણ જરૂરથી ચુકવીસ.'
---- સમાપ્ત