Vedana books and stories free download online pdf in Gujarati

વેદના.

માનવ વસતીથી દૂર શહેરના છેવાડે લગભગ હજારેક ચોરસ મીટર વિસ્તારમાં પથરાયેલી વિશાળકાય રાજાશાહી હવેલીના દીવાનખંડમાં અંધારી મેઘલી રાતે દર્દભર્યા પણ ઠંડા સ્ત્રી કંઠી ગાયનો ચાલી રહ્યા હતા.
જૂમ જૂમ ઢલતી રાત
લે કે ચલી મુજે અપને સાથ
જૂમ જૂમ ઢલતી રાત,
જાણે કહા લે જાયે દર્દ ભરા યે ગીત
જે સે સદા દેતી હે ખોઈ હુઈ મંજિલ
છોડો પિયા મેરા છોડો હાથ
જૂમ જૂમ ઢલતી રાત

સકલ બ્રહ્માંડમાંથી પોતાના અસ્તિત્વને વેગળું કરી અશ્રુઓથી ઉભરાતી આંખે હૃદયમાં સંઘરાયેલી યાદોને માનવ તેની વર્તમાન ક્ષણો સાથે તોલી રહ્યો હતો.
જાણે આજે તે નિર્ભય હતો સર્વ બંધનોમાંથી મુક્ત હતો. સાથે સાથે અંધકારના ઓથારમાં પોતાના દુઃખને પોષી રહ્યો હતો.પોતાના વિખરાયેલા જીવનના તાણાવાણા સમેટી પોતાની સ્વપ્નસૃષ્ટિમાં સાંગોપાંગ રચવા મથી રહ્યો હતો. અતીતના સ્મરણો વાગોળી તેના હૃદયમાં એક પ્રકાર નો અજીબ ભાવ પ્રગટી રહ્યો હતો. કેમ જાણે આજે તેનો જીવ ખુબજ દર્દ અનુભવી રહ્યો હતો. એકલતા તેના માટે સમયના આવરણમાં પીડા ધરી અભિશાપ બની હતી.
તેજ પવન, અનરાધાર વરસાદ અને સર્વત્ર અંધકાર સાથે કાળજાને કંપાવતી એકલતા એકલતા બસ એકલતા.
અને ત્યારેજ ગાઢ અંધકારને ચીરતી એક તેજ જ્યોતિ આળસ મરડી સરવાળી. એ તેજોમય રેખામાંથી એક અસ્પષ્ટ આકૃતિ પોતાની ઝાંખપ છોડી મંદ મંદ માનવની દ્રષ્ટિ મર્યાદામાં પ્રવેશી. તેના અસ્તિત્વની ઓળખાણ માનવ માટે આકરી હતી,છતાં નજદીક આવતા તે કોઈ સ્ત્રી આકૃતિ જણાઈ.
તે સ્ત્રી માનવ પાસે આવી અટકી અને માનવ સમીપે બેસી.
તેનું વદન મુક્ત મુસ્કાન વેરી રહ્યું હતું. તેની આંખોમાં એક અલગજ પ્રકારનું ખેંચાણ હતું પોતાનાપણું હતું.
તેની આંખો તેનો ચહેરો અને ચહેરાના ભાવ માનવ માટે કઈંક અંશે જાણીતા હતા અને તેના આગમનમાં માનવની પીડા પણ પ્યારી થઇ પડી હતી.
માનવ એકીટશે તેની આંખોને નીરખી રહ્યો જેમાં માનવ માટે પ્રેમ ઉભરી આવતો જણાયો.

માનવ વધુ સમય મૌન ના રહી શક્યો અને બોલ્યો - હે સુંદરી કોણ છે તું? મારા નિર્થક જીવનમાં શીદને પ્રવેશી? મારી પાસે તને આપવા કશુંજ નથી, શું મેળવવા મારી પાસે આવી છો?

માનવ.....માનવ.... મને ના ઓળખી? - સાક્ષાત રતીના અવતાર સમી એ અપ્સરાના શબ્દે શબ્દમાંથી ફૂલો ઝરી રહ્યા હતા.
માનવ મને ના ઓળખી ? મને ખ્યાલ છે કે તારી પાસે આજે કશુંજ નથી. હું તો તારી સાથે જ હતી બસ તું મને ઓળખી શક્યો ના હતો. મારા સિવાય કદાચિત જ તને કોઈ સારી પેઠે જાણતું હશે.
પણ હું કશું તારી પાસે મેળવવા નહિ પરંતુ ખુદનો તારાથી મેળાપ કરાવવા આવી છું.  મારો સાથ અગર તું અપનાવીશું તો તારી દુઃખ સહન કરવાની શક્તિમાં વધારો થશે. -- તે ખુબજ આત્મીયતાથી માનવ સાથે વાતો કરી રહી હતી.

આજે મારી પાસે, મારી સાથે કોઈ નથી. બધા મારા મને છોડી જતા રહ્યા મારા કશા પણ અપરાધ વગર.
આ સજા મારા માટે ખુબજ કષ્ટદાયક છે.આ જગતમાં એકલતાનો ભાર વેંઢરતા મારુ મન દિન-પ્રતિદિન ક્ષીણ થતું જાય છે. કદાચ હવે આ મારી સમાપ્તિના એંધાણ છે.--- માનવ રડી રહ્યો હતો પોતાની વ્યથા કહી રહ્યો હતો.

તારી ધારણા મિથ્યા છે હે માનવ. આ સમાપ્તિ નથી આતો શરૂઆત છે, તે આ જગતના અન્યાયો સહન કરી મને પામી છે .જેમ નવ મહિનાના આકાર તપ બાદ શિશુ માતાના ઉદરમાંથી ઉભરી ફળરૂપી આ જગતને પામે છે તેમ તે તારા દુઃખના  ઉદરમાંથી ઉભરી મને પામી છે. હવે તારા જીવનમાંથી સુખ કે દુઃખની ભેદરેખા જ ભૂંસાઈ જશે.- તેના અવાજમાં ઘણી માદકતા હતી.

પણ હે સુંદરી કોણ છે તું? - માનવ બોલ્યો.

માનવ મેં કહ્યું ને હું તો તારી સાથે જ હતી પણ તું મને ઓળખી શક્યો નહિ, પામી શક્યો નહિ. આજે તે મને પામી લીધી છે. હવે તારા દુઃખ તને જરા પણ કષ્ટદાયી નહિ લાગે.

છતાં તારું કોઈ નામ તો હશે? માનવ પ્રશ્નાર્થ જોઈ રહ્યો.
હા છે જ, મારુ નામ વેદના.
વેદના.....? માનવ મન આશ્ચર્ય પામ્યું.
હા, સાચે જ આ જગતમાં હું વેદના નામે જ ઓળખ પામી છું.
હે વેદના તારું અસ્તિત્વ કોઈપણ હોય છતાં તારા આગમને મારા અંતરમાં નવો જોમ પ્રગટાવ્યો છે. મને શક્તિ મળી છે અને આ ક્ષણે મારી પીડા પણ પ્યારી થઇ પડી છે. --- માનવ ના ભાવ પલટાયા તેના મુખમાંથી ઉદાસી વાદળો હટતા જતા હતા. છતાં તેની આંખોમાં આંસુ હજુ પણ ડોકિયું કરી રહ્યા હતા .
વેદના માનવની એકદમ સમીપે આવી માનવના કપાળ પરના પ્રસેવબિંદુ અને ચક્ષુમાંથી વહેતા અશ્રુઓને તેની સાડીના પાલવથી મુલાયમ હાથો વડે લૂંછી રહી.
માનવથી હવે રહેવાયું નહિ તે તેના મનના સર્વ બંધનો તોડી વેદનાની છાતીએ વળગી રડી પડ્યો.ખુબજ રડ્યો માનવ.

વેદનાએ પણ માનવના મુખને પોતાની છાતી સરસું ચાંપી તેના આંચળોના ઓથારમાં માનવ મન ને સલામતી બક્ષી.
માનવે પણ વેદનાની પ્રેમાળ હૂંફમાં પોતાની જાત ને રક્ષિત માની. કેટલો સમય માનવ એજ અવસ્થામાં રહ્યો.
સમય પણ જાણે તેની અવિરત યાત્રામાંથી થંભી ગયો.  
અને અચાનક ફરી સર્વત્ર અંધકાર વ્યાપી ગયો. બધું છૂટતું ગયું, અલોપ થતું ગયું.
માનવને કોઈ ચીસો પાડી જગાડી રહ્યું હતું. એ અવાજ પણ એક સ્ત્રીનો હતો માં નો હતો.

બેટા  માનવ ચાલ ઉઠ, કોલેજ જવા મોડું થશે. નાહી તૈયાર  થઇ જા મેં નાસ્તો બનાવી રાખ્યો છે.

માનવ ઉઠ્યો ચોતરફ નજર ફેરવી પણ ક્યાંય વેદના નજર ના આવી છતાં તેને હજુ પણ અનુભવી શકતો હોય તેમ તેના અસ્તિત્વમાં જોડાઈ ગઈ હોય એવો આભાસ થયો.

ઘરની બહાર નીકળતા જ ચારેબાજુ ભીડ જોવા મળી.
અને ફરી જીવનની એક મંગલ સુપ્રભાતે માનવ દુનિયાની ભીડમાં વેદનાને ખોજવા નીકળી પડ્યો.

                                                                ---- સમાપ્ત

ઘણા વર્ષ પહેલા દિવ્યભાસ્કરમાં કોલમીસ્ટ શ્રી કાંતિ ભટ્ટનો એક આર્ટીકલ વાંચ્યો હતો.
કાંતિ ભટ્ટના શબ્દો-- "તમારા જીવનમાં એકલતા છે પીડા છે તો તેનો સાથ અપનાવી લો. તમારા જીવનમાં પીડા છે તો તમારે કોઈપણ ની જરૂરત નથી તમારી પીડાને તમારો જીવનસાથી બનાવી જીવનપથ પર ચાલતા રહો".
એ આર્ટીકલ વાર્તા લખવા પ્રેરણાસ્ત્રોત રહ્યો. 

                                                     -- વિજય વારગિયા 

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED