Pitrutv books and stories free download online pdf in Gujarati

પિતૃત્વ

રાત્રીના બે વાગ્યા હતા. નાનકડું શહેર જંપી ગયું હતું. રજની ચોતરફ રતાશી મેશ વેરી રહી હતી.

રેડ પાર્ક એવન્યુ ટાવરના ૫૦૨ નંબરના ફ્લેટ પર ટકોર પડ્યા. આંખો ચોળતા સમીરે દરવાજો ઉઘાડ્યો. સામે હાંફતી, ઘબરાતી,રડતી,ડરતી આરતી ઉભી હતી.
તેને જોઈ સમીરની આંખોમાંથી ઊંઘ ગાયબ થઇ આશ્ચર્યે સ્થાન લીધું. 

આરતી તું અત્યારે! આવ... અંદર આવ.

આરતી અંદર આવી.

સમીર બારણું બંધ કરતા બોલ્યો: "આરતી અડધી રાતે તારે શું કામ પડ્યું?"
સમીર...સમીર... આરતી આટલું બોલી સમીરને વળગી રડી પડી.

"સમીર આપણા કેતનને....."
"કેતનને ? શું થયું કેતનને ? બોલ આરતી"- સમીરના ચહેરા પર ચિંતાની રેખાઓ ઉપસી આવી.

"સમીર આજે સવારે તે ધાબા પરથી રમતા રમતા ગબડી પડ્યો, અને......"- આરતીએ વળી પોક મૂકી.

"અને શું આરતી શું થયું? બોલ"- સમીર બેબાકળ બની આરતીના ખભા હહમાચાવી નાખ્યા.
"કેતન હોસ્પિટલમાં એડમિટ છે અને ડૉક્ટર કહે છે કે ઓપરેશન કરવું પડશે. નહીંતર આજીવન ખોડ રહી જશે."

આરતી આટલું બોલી થોડીવાર અટક્યા બાદ ફરી બોલી- "સમીર મારા ઘરની હાલતતો તું જાણે છે હું આટલા પૈસા ક્યાંથી....."

સમીરે આરતીની વાત વચ્ચેથી અટકાવી બોલ્યો: "આરતી હું હજુ જીવું છું અને આપણા કેતનને કશુંજ નહિ થવા દઉં. બોલ ડોક્ટરે કેટલા પૈસા માંગ્યા છે?"

"બે લાખ."-આરતી બોલી
સમીર અંદરના રૂમમાં જઈ બે લાખ કેશ લઈ આવ્યો અને આરતીને આપ્યા.

સમીર આ તારું ઋણ...?
તેની વાત ફરી કાપતા સમીર બોલ્યો- "વધારે કઈ બોલીશ નહિ. કેતન મારો પણ પુત્ર છે અને બાપ ની ફરજે આ કઈ ઋણ ના કહેવાય. ચાલ હું પણ તારી જોડે હોસ્પિટલ આવું છું."

"નહિ..નહિ , સમીર ત્યાં આકાશ પણ છે અને તારું આગમન મારા માટે તકલીફદાયક બની રહેશે."

"ભલે, પણ મારી કઈ જરૂરત હોય તો ની:સંકોચ જણાવજે અને ઓપરેશન બાદ મને કોલ કરજે."

આરતી ચાલી ગઈ સમીરને પિતૃપ્રેમમાં તડપતો છોડી.

સમીર ઓરડામાં અહીં તહીં ચક્કર કાપી રહ્યો હતો. તેની આંખોમાંથી ઊંઘ ચાલી ગઈ અને ચિંતાએ કબ્જો લઇ લીધો હતો. તેની નજર થોડી થોડી વારે ટેલિફોન પર જઈ અટકતી હતી.
તે આરામ ખુરશીમાં બેઠો અને એક સિગરેટ જલાવી.

સમીરને એ વરસાદી રાત યાદ આવી જયારે ભીંજાયેલો દેહ લઇ આરતી સમીરના બારણે આવી ઉભી હતી.

"આવ આરતી."
સમીર આરતીના ભીંજાયેલા દેહ પર નજર ફેરવતા બોલ્યો- "આરતી આ સમયે તારે તારા પતિ પાસે હોવું જોઈએ."

"પતિ પાસે, ક્યાં પતિ પાસે? જે રોજ રાતે દારૂની મહેફિલો માણી આવે છે એ પતિ પાસે?" - આરતી બોર જેવડા મોટા મોટા આંસુ સારતા બોલી.
"સમીર એ વ્યક્તિને મારી કોઈજ પરવાહ નથી."

આરતી તું ચાહે ભલે જે કહે તે પણ હવે તે તારો પતિ છે અને તારે તારા પતિને પ્રેમ આપવો જોઈએ. આપણે તારા લગ્ન પહેલા મળતા તે વાત અલગ છે પણ હવે આપણે ના મળવું જોઈએ. તારે આ રીતે અડધી રાત્રે અહીં ના આવવું જોઈએ.

"હું સમજુ છું સમીર પણ આજે હું તારા પાસે કશુંક માંગવા આવી છું."- આરતી સ્વસ્થતા કેળવતા બોલી.

"બોલ આરતી તારે શું જોઈએ. આ ઘરની તમામ ચીજ પર તારો અધિકાર છે."

સમીર...સમીર..., આરતી થોડા ખચકાટ સાથે બોલી-
"સમીર મારે તારાથી એક સંતાન જોઈએ છીએ."

"શું બોલે છો આરતી તને કઈ ભાન છે?" સમીર ગુસ્સામાં સમસમી જતાં બોલ્યો.

"હા, સમીર આપણા પ્રેમની એક એવી નિશાની જે આપણે બેઉને જીવનભર જોડી રાખે."

"આ શક્ય નથી આરતી , આ પાપ છે. બેશક તારા પરત્વેનો મારો પ્રેમ આજે પણ એટલોજ છે જે પહેલા હતો, પણ હવે તું કોઈકની અર્ધાંગિની છો. તારા શરીર પરનો હક હું ના ભોગવી શકું."- સમીરે આરતી ને સમજાવવાની કોશિશ કરી.

રૂમમાં થોડી વાર શાંતિ છવાઈ.

"ઠીક છે સમીર તો હવે આ દુનિયાથી વિદાય લેતા મને કોઈ જ બંધન નહિ રોકી શકે."- આરતીના ચહેરાના ભાવો બદલાયા અને કઠોરતા ઉપસી આવી.

" બસ.... આવું ક્યારેય ના બોલીશ આરતી."- સમીર પર જાણે વજ્રઘાત થયો.

"બીજું શું કહું સમીર? જીવનમાં તને અનહદ પ્રેમ કર્યો છતાં પતિ તરીકે તને પામી ના શકી, મારા પતિ પાસે તો જરા સરખા વ્હાલની અપેક્ષા પણ નથી રાખી શકતી. અને આ જીવનમાં દુઃખની મહેર જાણે ઓછી હોય તેમ મારો પતિ આકાશ એટલો સક્ષમ નથી કે મને સંતાન સુખ પણ આપી શકે."- આરતી ફરી રડતાં રડતાં બોલી.

"આ શું બોલી રહી છો આરતી?"- અચંબીત થઇ સમીર બોલ્યો.

"હા સમીર મારા પતીમાં પુરુષાતન જ નથી કે મને માં બનાવી શકે. મારા નસીબમાં સંતાન સુખ પણ ના હોય તો આ જીવન કોના સહારે જીવવું?"
આરતીનું રુદન ચાલું જ હતું.

આરતી રડતી રહી, કેટલી વાર સુધી રડતી રહી અને આરતીના આંસુએ સમીરને એવું કર્મ કરવા મજબુર કર્યો કે પાપ છે કે પુણ્ય એ સમીર ના ઓળખી શક્યો. સમીર એ કર્મનું ફળ આજે પણ ભોગવી રહ્યો છે હસતા હસતા.

આરતીનું લગ્નજીવન અપાર કષ્ટોથી ભરેલું રહ્યું. કેતનના જન્મ બાદ સમીરમાં પિતૃત્વ જાગ્યું અને આરતી તરફનો પ્રેમ વધુ ગાઢ બન્યો.

આકાશ ઘરથી બહાર હોવાના સમયે સમીર આરતીના ઘરે આવતો કેતનને ખુબજ રમાડતો તેના માટે મોંઘા કપડાં અને રમકડાં લઇ આવતો. કેતનના ઉછેરમાં સમીરનું યોગદાન મહત્વનું હતું. સમીરે એક બાપથી પણ વધારે કેતનને પ્રેમ આપ્યો હતો અને આજે કેતનના અકસ્માતના સમાચારે સમીરને અંદરથી ખળભળાવી મુક્યો હતો.

વહેલી સવારના પાંચ વાગી ચુક્યા હતા. સમીર પોતાના પુત્ર કેતન સાથે ગાળેલા સમયને વાગોળી રહ્યો હતો.
ત્યારેજ રૂમમાં ફોનની કર્કશ રિંગ ગાજી અને સમીરની તન્દ્રા તૂટી. કેતનના સફળ ઓપરેશનના સમાચારે સમીરને રાહત પહોંચાડી.

સમીરના લગ્ન સંજના સાથે થયાને આજે 3 વર્ષ થઇ ચુક્યા હતા. આ વર્ષોમાં સમીરની હાલત કફોડી બની હતી. સંજના જેવી સીધી, સુશીલ અને પ્રેમાળ પત્ની સાથે વિશ્વાસઘાત કરવા ઈચ્છતો નહતો. તેણે સંજના સાથે લગ્ન પહેલા  પોતાના મન સાથે નક્કી કર્યું હતું કે હવે આરતી સાથે તમામ સબંધોનો અંત લાવશે, પણ કેતન તરફનો પ્રેમ બેઉને એક તાંતણે જોડી રાખતો હતો.

હવે ઉંમર સાથે કેતનની જરૂરિયાતો પણ વધી હતી.
અને સમીર તે જરૂરિયાતોને પોતાની જવાબદારી સમજી પોષી રહ્યો હતો.

આખરે સમીરે નિર્ણય કર્યો કે પોતે બાપ બનશે અને સંજનાથી આવનાર સંતાનને કારણે આરતી અને કેતન તરફનું પોતાનું વલણ બદલાઈ જશે.
પરંતુ વિધિની વિડંબના કે લગ્નના 3 વર્ષ પછી પણ સંજનાનો ખોળો ભરાયો નહતો. સમીર સમયની રાહમાં હતો. વધુ એક વર્ષ વીત્યું છતાં સંજના માં ના બની શકી.

એક દિવસ સંજનાના દબાણવશ બંને શહેરના પ્રખ્યાત ડોક્ટર પાસે પોતાની તકલીફ લઇ પહોંચ્યા. બંનેની પુરી શારીરિક તપાસ થઇ. તમામ રિપોર્ટ આવતા ડોક્ટરે બંનેને પોતાની ચેમ્બરમાં બોલાવ્યા.

થોડી ઔપચારિક વાતો બાદ ડોક્ટર બોલ્યા: "મી.સમીર સાચું કહુતો તમારા પત્નીમાં નહિ પણ તમારા ખુદમાં ખામી છે તમે કદાપિ બાપ નહિ બની શકો."

આટલા શબ્દોએ સમીર ને હતો ના હતો કરી મુક્યો.

"તમે આ શું કહી રહ્યા છો ડોક્ટર સાહેબ? કદાચ તમારી તપાસ માં કોઈ ભૂલ રહી ગઈ હોય?"-  સમીર બેબાકળ બનતા બોલ્યો.
ડોક્ટરની વાત સાંભળી સંજનાની આંખો આંસુથી ઉભરાઈ.

"હું તમારી હાલત સમજી શકું છું મી.સમીર પણ હું લાચાર છું. આ જ સત્ય છે. તમે દુનિયાના કોઈ પણ ડોક્ટર પાસે જઈ શકો છો પણ તમારો કોઈ જ ઈલાજ નથી."- સમીરને સમજાવતાં ડોક્ટર બોલ્યા.

"પણ ડોક્ટર સાહેબ મેં ક્યારે પણ સમીરમાં આવી કોઈ ખામી અનુભવી નથી તો આપ કેવી રીતે કહી શકો કે સમીરમાં પુરુષાતન નથી."-સંજના ડોક્ટરની વાતનો વિરોધ કરતા બોલી.

"જુઓ મેડમ, હું ક્યાં કહું છું કે તમારા પતિમાં પુરુષાતન નથી. હું તો એટલું જ કહું છું કે તેમનામાં સંતાન પેદા કરવાના જવાબદાર તત્વોની ખામી છે."

"હું તમારી વાત સમજ્યો નહિ ડોક્ટર સાહેબ?"- સમીર આશ્ચર્યભાવે બોલ્યો.

મી.સમીર તમારો કેસ થોડો અટપટો છે તમે પુરુષ છો એક સ્ત્રીને પુરેપુરો સંતોષ આપી શકો છો પણ સંતાન નહિ.

અને ડોક્ટર સાહેબ આ ખામી મારામાં ક્યારથી....?

આ ખામી નો કોઈ ગાળો કે પિરિયડ નથી હોતો, આ ખામી જન્મજાત જ હોય છે  અને તેનો કોઈજ ઈલાજ નથી. મારે અફસોસ સાથે કહેવું પડે છે કે તમે ક્યારેય ભૂતકાળમાં બાપ બનવા સમર્થ ના હતા કે ના તો ભવિષ્ય માં બાપ બની શકશો.

સમીર અને ડોક્ટર વચ્ચે વાતો ચાલી રહી હતી ત્યારેજ સમીરનો સેલફોન રણક્યો.

"હેલો?"
"સમીર....સમીર હું આરતી બોલું છું આપણો કેતન સખત બીમાર છે તેને હોસ્પિટલમાં લઇ જવો પડશે, તમે આવો છો ને?"

સમીર દુનિયાભરના આશ્ચર્ય સાથે થોડીવાર ડોક્ટર તો થોડી વાર રિપોર્ટ તો થોડી વાર સેલફોનને તાંકી રહ્યો.
                                                                       -સમાપ્ત


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED