safar books and stories free download online pdf in Gujarati

સફર-સંઘર્ષથી સફળતા સુધીની

વ્હીસલ વાગી , અને એક સાથે સો યુવતીઓએ મુઠ્ઠીવાળીને દોટ લગાવી. 'પતિની પાછળ પાછળ પાલતું પ્રાણી જેમ ચાલી જતી અબળા પત્નીઓ વિશેની, દીકરીને ગાય જેમ દોરે ત્યાં જાય' જેવી માન્યતાઓનો છેદ ઉડાડતી આ યુવતીઓને જોઈને કોઈને પણ હિંમત આવી જાય. અને આ જ યુવતીઓમાંથી એક હતી 'હેમા'. મોટા ભાગની યુવતીઓ હસતાં હસતાં વાતો કરતી હતી. પણ હેમા ચૂપ હતી. છાતીમાં ઊંડે ઊંડે ધબકારા ધુમાડાની જેમ ગોટાતા હતા. ચિંતાઓ સવિશેષ હતી. નવ મિનિટમાં ૧૬૦૦ મીટર દોડવાનું હતું.

'હેમા', બારમા ધોરણમાં જ પિતાની છત્રછાયા ગુમાવી બેસેલી હેમાએ જ્યારે બારમું ધોરણ પૂરું કર્યું ત્યારે એને આગળ અભ્યાસ કરવાની તીવ્ર ઈચ્છા હતી. પણ છોકરીને કોલેજ કરાવાય? ક્યાંક અવળા રસ્તે ચઢી જશે તો? પાછળ બે છોકરા છે એમનો ખર્ચો કોણ કાઢશે? આટલા દૂર અપડાઉન કેવી રીતે કરશે? આવા અનેક પ્રશ્નોથી લોકોએ હેમાની મા નર્મદાનું મગજ ભરી દીધું હતું. એટલે જ હેમાનું આગળ અભ્યાસનું સપનું થોડું મુશ્કેલ બનતું જતું હતું. નર્મદા આમેય વિધવા સ્ત્રી હતી,સમાજમાં રહેવાનું અને એમાંય એ અભણ સ્ત્રીને પહેલેથી એટલી જવાબદારીઓ આવી પડેલી કે એ હવે કોઈ મહેણાં સાંભળી શકે એટલી સક્ષમ નહોતી. પણ કહેવાય છે ને કે સિક્કાની બે બાજુ હોય એમ દુનિયામાં બંને પ્રકારના લોકો મળે. કેટલાક લોકોએ નર્મદાબેનને સમજાવ્યા. 'છોકરી ભણવાનું કહે છે તો ભણવા દે નર્મદા. ભણશે તો સારો છોકરો મળશે અને સૌ સારાવાના થશે'. ને નર્મદાબેને ભારે હૈયે હેમાને આગળ ભણવા સંમતિ આપી. હેમાએ કોલેજ પૂરી કરી. અને કોલેજ પછી બી.એડ સમયે હેમાના લગ્ન થઈ ગયા. પણ હેમાને યાદ હતું કે એ પૂરું થતાં થતાં નર્મદાબેનના ઘણા ઘરેણાં વેચાઈ ગયાં હતાં.

લગ્ન બાદ હેમા સાસરે ગઈ. સમાજમાં છોકરીઓ માટે લગ્ન પહેલા સાસરીનું ઘર જોવાની કોઈ સિસ્ટમ ત્યારે ન્હોતી.(ઘણા સમાજોમાં આજે પણ નહીં હોય, હા વોટ્સેપ કે વિડિયોકોલથી જોઈ લે એ અલગ વાત છ) એટલે સાસરીનું ઘર જોયું ન્હોતું. પછી હેમાનું સાંસારિક જીવન ચાલું થયું. હેમાની સાસરીમાં કાચું ઘર હતું, ઘરે ભેંસો પણ ખરી. સવારે વહેલા ઉઠીને એ બધું કામ કરવાનું. પતિને નોકરી ન્હોતી અને ખાસ કમાણીનાં સાધનો નહીં, બધો આધાર ખેતી પર રાખવો પડતો પણ જમીન પણ પૂરતી નહીં. હેમાને પિયરમાં ખેતર ખરાં, પણ ભેંસો ને એ બધું તો એના માટે નવું જ હતું. વળી ઘરમાં બાથરુમ હતું પણ શૌચાલય ન હોવાથી બહાર જવાનું. પણ હેમાએ જે જોઈને 'હા' પાડી હતી એ એના પતિ બહુ જ સારા હતા અને એ એક વાતથી હેમા ઘણી ખુશ હતી. સાસુ -સસરા પણ ઘણા જ સારા.હેમાને કદી લાગતું નહીં કે એ આ ઘરની વહુ છે. એને પોતાનાપણા નો ભાવ ત્યાં બહુ જલ્દી થઈ ગયો. હેમાને સંતાનમાં એક દીકરો થયો. અને એ પછી ખર્ચા પણ વધ્યા. હવે હેમાને એમ લાગવા માંડ્યુંકે એમની કમાણી એમના ભવિષ્ય માટે પૂરતી નથી. 'આપણે તો જીવી લઈએ છીએ પણ કે મારા છોકરાનું ભવિષ્ય શું?' હેમાથી પણ ઓછી ભણેલી છોકરીઓ જયારે નોકરી કરતી થઈ ગઈ ત્યારે હેમાને લાગવા માંડ્યું કે પોતે ઘણો સમય બગાડી દીધો છે.

ગામની શાળામાં મધ્યાહન ભોજન સંચાલકની જાહેરાત પડી. એમ.એ બી.એડ ભણેલી હેમાએ પરિસ્થિતિને વશ થઈને એમાં ફોર્મ ભર્યું. ને એમાં સિલેક્ટ થઈ. પણ માંડ હજાર બારસો રુપિયાના પગારવાળી નોકરીથી શું થાય? છતાં હેમાએ ત્રણ -ચાર વર્ષ એ નોકરી કરવાનો નિર્ણય કર્યો. પણ એમાંય હેમાએ વિચાર્યું નહોતું એવા પ્રશ્નો થયા. હેમાની જાતિ ભૂતકાળમાં ગણાતી અસ્પૃશ્ય જાતિઓમાંથી હતી. અને નોકરી મધ્યાહન ભોજનની.એટલે જમવાવાળા વિદ્યાર્થીઓ ઓછાં થઈ ગયાં. પણ સમય જતાં હેમાના કામથી ખુશ થઈને પ્રમાણ વધ્યું. છતાં કેટલાક અનુભવોથી હેમાનો પીછો છોડી ન શક્યા. એનું મન સતત ત્યાંથી ક્યાંક બહાર જવા મથતું હતું. અને પછી સ્પર્ધાત્મક પરીક્ષાઓનું ચલણ વધ્યું. પિયર પક્ષે ભાઈ ભાભી પરીક્ષાઓ પાસ કરી જોબ કરતાં હતાં એટલે સહકાર હતો જ, પણ લગ્ન પછી કોણ જાણે કેમ સુસ્ત થઈ ગયેલા સપનાઓ આળસ મરડીને ઊભાં થયાં કે મારે મારા છોકરાને સારું ભણતર આપવું છે. ને હેમાએ સ્પર્ધાત્મક પરીક્ષોની તૈયારી ચાલું કરી. આર્ટ્સમાં ભણેલી હેમા અંગ્રેજીમાં થોડી કાચી હોવાથી અન્ય પરીક્ષાઓનો વિકલ્પ ખાસ નહોતો
. એટલે હેમાએ પોલિસ બનવાનું ધ્યેય બનાવી લીધું. અને એણે રાત-દિવસ એ માટે તૈયારીઓ ચાલુ કરી. સવારે ઉઠીને ઘરકામ, શાળાની નોકરી , નાનું બાળક અને વાંચન. છતાંએણે મહેનત કરી અને આ મહેનતમાં એટલા જ ખંતથી જોડાયા એના સાસુ-સસરા અને પતિ. હેમા પહેલા જ પ્રયત્ને બહુ સારા માર્ક્સથી લેખિત પરીક્ષામાં પાસ થઈ. અને હવે હતી શારીરિક કસોટી. જે હેમા માટે વધુ અઘરી હતી. દોડ. જેમાં ઘણી યુવતીઓ નાપાસ થતી હતી. લેખિતમાં સારા માર્ક્સ હોવાથી હેમાએ ખાલી પાસ થવાનું હતું. પણ લગ્ન પછી દસ વર્ષે આમ દોડવું એ અઘરું કામ હતું. પણ હેમાએ મહેનત કરી. સાડીનો પાલવ કમર પર બાંધીને પણ હેમા દોડતી. જેમાં એના પરિવારે એને સારો સહયોગ આપ્યો હતો. કહેવાય છે ને કે જે જાતે નથી દોડતા એને સમય દોડાવે છે, અને સમય આજે હેમાને આ મેદાન પર લઈ આવ્યો હતો. તેત્રીસ વર્ષે પહોંચેલી હેમાએ પણ બધી જ યુવતીઓ સાથે દોટ લગાવી અને દસેક પગલાં આગળ પહોંચી હશે ને ઠેસ લાગતાં પડી ગઈ. ઢીંચણેથી લોહી વહેવા લાગ્યું.

'હેમાભાભી તમે પરીક્ષા તો કદાચ પાસ થઈ જશો,પણ દોડવું તમારું કામ નથી. આટલું ભારે શરીર લઈને કેવી રીતે દોડશો?' , ભણવાનું હતું ત્યારે ભણ્યા નહીં ને હવે છોકરાને ભણાવાનો થયો એટલે પરીક્ષાઓ આપવા નીકળ્યા છે. છોકરીઓ તો વળી પોલિસ બને? આ બધા જ વાક્યોથી વિશેષ હેમાને એક વાક્ય વધું પ્રેરણા આપતું હતું, એ હતું એના એકના એક બીજા ધોરણમાં ભણતા દીકરા વિહાનનું વાક્ય, 'મમ્મી તું જોર લગાવીને દોડી જજે, પછી તારે નોકરી આવશે , મારી મમ્મી પોલિસ બની જશે ' . ને એક ઝબકારે હેમા ફરી ઊભી થઈ. હિંમત કેળવી ને એણે ફરી દોટ મૂકી. નવ મિનિટમાં ૧૬૦૦મીટરના રાઉન્ડ પૂરા કરવાના હતા.યુવાનીમાં પ્રવેશ કરતી છોકરીઓય જ્યાં હિંમત હારી જાય એવા મેદાનમાં લગ્ન પછી વધી ગયેલું શરીર લઈને એક આઠ વર્ષના બાળકની માતા દોડતી હતી. અને તે દોડીને જ રહી. બહાર ઊભેલા પતિ અને ભાઈ એને દેખાતા નહોતા પણ એના માથે શાયદ જવાબદારીનો ભાર હતો કે એમને જઈને ગુડ ન્યુઝ આપવાના હતા. અને એવા અનેક વિચારોથી ઘેરાયેલી હેમા દોડના મેદાનમાં દોડી ગઈ. અને એના જેવી અનેક યુવતીઓ. જ્યાં તલવારો વીંઝાતી હોય એવા યુદ્ધના મેદાન કરતાં આ મેદાન પણ જરાય કમ નહોતું. કારણકે અહીં પણ લડાઈ હતી અસ્તિત્વની, સ્વમાનની, જીવનની.

હેમા દોડી ગઈ,'પાસ'ની મહોર લેટર પર લાગી. અને હેમા બહાર આવી. બહાર જઈને જ હેમાએ પતિની આંખાં પ્રેમથી જોયું. ભાઈને ભેટી પડી અને એની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી. ને ભાઈની આંખોમાંથી પણ. એ અશ્રુઓ અનેક વર્ષોની યાદોનાં હતાં, અનેક અનુભવો, મહેણાંઓ, નિરાશાઓ અને મુશ્કેલીઓ. છોકરીને ભણાવીને શું કરીશ નર્મદાથી લઈને હેમાભાભી આટલું ભારે શરીર લઈને શું દોડશો? જેવા ઘણા સવાલોનો જવાબ હવે હેમાની પાસે હતો.

-મિલન કુમાર

બીજા રસપ્રદ વિકલ્પો