Junu ghar books and stories free download online pdf in Gujarati

જૂનું ઘર

‘આવજો કહેવું શું પથ્થરોને ?’ ગણી કોઈએ ના કહ્યું આંખ માંડી જનારાને જોતી રહી ભીંત મૂંગી રહી.
-મનોજ ખંડેરિયા

'મિલનનું ઘર વરસાદ પછી'
ચાર મિત્રોના ગ્રુપમાં મારા મિત્ર રાજુએ ફોટો મૂક્યો .રાજુ એની સ્કૂલમાં રજા હોવાથી ઘરે આવેલ હતો ને મિત્રોને યાદ કરતો કરતો રોજ ગ્રુપમાં ફોટા મૂક્યા કરતો. ને ફોટો જોતાં જ હું ફરી ખોવાઈ ગયો.

સામાન ભરવા ગાડી આવીને ઊભી છે, અત્યાર સુધી તો અહીં જ નોકરી હોવાથી મેં આ ઘરને એકલું ન્હોતું પડવા દીધું , પણ હવે તો નાનું બાળક પણ હોવાથી અપડાઉન પરવડે તેમ નહોતું. નહીંતર મિલન ઘર છોડે? દશ્યો બદલાયા. સામાન ભરીને ગાડી ચાલી ગઈ, એમાં ભાવના , આદિ , ને સામાન સાચવવા પાછળ બેસેલી મમ્મી. ને મમ્મીની આંખમાંથી દળ દળ વહેતા આંસુ. હું સ્તબ્ધ હતો. એક ઊંડો નિસાસો મનમાં ધરબીને ચૂપચાપ ઊભો. હવે ઓફિસથી આવીને મારો થાક ઉતારી દેતાં આ મારા હરિયાળાં ફૂલછોડ અને ઝાડવાં એકલા તો નહી પડી જાયને? એમને ફાવશે ખરું? હું પણ છેલ્લે ઘરના દરવાજા બંધ કરીને બાઈક લઈને નીકળ્યો. પડોશીઓમા બે ત્રણ ઘરના લોકો પણ સખેદ 'આવજો' કહી રહ્યા હતાં. એ મારા મિત્રોના પરિવાર હતા. મિત્રો નોકરી માટે બહાર રહેતા હોવાથી એમની થોડી ઘણી ઝલક મારામાં મળતી. એટલે એ ખુશ રહેતાં. હવે હું પણ નીકળી જવાનો હોઈ એમના માટે પણ આ વિદાય વસમી હતી. ને હું બાઈકને સેલ મારીને નીકળી ગયો. હું આવી સ્થિતિનો સામનો કરવામાં પહેલેથી કમજોર હતો.

દશ્યો ત્રીસેક વરસ આગળ ચાલ્યાં ગયાં. ત્રણ ભાઈ, ત્રણ બહેન, મોટા ભાભી, મમ્મી -પપ્પા , અને મોટા બાપુજી. એ વખતે ખેતર પણ ખરાં , ખેતરમાં જવાનુ થાય એટલે આખું ઘર જતુ. હું નાનો એટલે મારા ભાગે કાળી માટીના રમકડાં બનાવીને બેસી રહેવાનો લ્હાવો પણ આવે. ખેતરમાં પાકતી મકાઈ. એ સૂકવવા મૂકેલા ડોડા આજેય ધાબા પર પડ્યા હોય આવો ભાસ થયો. સૌથી મોટા ભાઈ પછી બે બહેનોના લગ્ન થયા. ને બહેનોમાં પણ કેવું , તુ વાસણ કર, હું પોતું મારી દઈશ. ને એમાંય મીઠા ઝઘડા. હું ને મારાથી મોટો ભાઈ તો રોજ ઝઘડીએ ને હું એને મારીને ફળિયામાં નાસી જતો. ભાઈ-બહેનોના ઝગડામાં તૂટેલી ઘણી વસ્તુઓ તેમની તેમ હતી. પપ્પાના અવસાન પછી સૌથી મોટા ભાઈ નોકરીના કારણે પરિવાર સાથે બહાર ગયા. પછી લગ્ન થવાથી બહેનો. ભાભીને નોકરી આવવાથી વચોટ ભાઈ -ભાભી અને એમને દીકરો આવવાથી મમ્મી પણ એમની સાથે ગયા. ને ઘર ખાલી થઈ ગયું. હવે અહી હું મોટા બાપુજી અને ભાવના હતાં. મોટા બાપુજીને પણ ભાઈ ને કાકા વગેરે બહાર લઈ ગયા પણ એમને ગામ વગર ના ચાલ્યું. અને ગામમાં જ દેહ છોડ્યો.
ઉપરનો માળ અને કેબિન તો મમ્મીએ પપ્પાના અવસાન પછી બનાવડાવ્યા હતા. પપ્પા વખતે ખાલી નીચેનું ઘર હતું. ને શિક્ષકની દૂર દષ્ટિ પણ કેવી? એ વખતે પાંચ પગથિયા ઊંચુ ઘર બનાવેલું, તો બધા કહેતાં કે 'માસ્તર આટલુ ઊંચું ઘર ના હોય.' પણ આજે બધાના ઘરોમાં પાણી ભરાતા ને અમારે હજી એક પગથિયું બાકી હતુ. ઘરના દરવાજા પણ આખા ફળિયામાં બધાથી અલગ સાગના અને ડિઝાઈન વાળા. હું નાનો પણ.દર રવિવારે કપડું લઈને છ રૂમના દરવાજા અને બારીઓ સાફ કરતો. ને એ આદત છેક સુધી રહી. આજે ફોટામાં જોઈને થયું કે કેટલી ધૂળ જામી હશે? હું બાયડ હતો ત્યાં સુધી દર રવિવારે ઘરે જતો,બધું સાફ કરતો ને પાછો આવતો. ન જાઉં તો અઠવાડિયું બગડ્યું જ સમજો. પછી આદિ આવ્યો, જવાબદારીઓ વધી ને એ અવસર પણ ગયો.

કેટલા સંભારણા હોય છે? એ રસોડું જયાં મમ્મી રસોઈ બનાવતી હોય ને શાળાએથી આવીને 'જલ્દી કરને ભૂખ લાગી છે' ની બૂમો પાડતા આપણે, દિવાળી પર નવા કપડાની જીદ કરીને પપ્પા ના માને ત્યા સુધી પછાડેલા દરવાજા અને એના હેન્ડલથી દીવાલ પર પડી ગયેલા નિશાન. કોઈ મિત્રએ આપેલ શો-કેસમાં પડેલી ગિફ્ટસ અને જયાં બેસીને દિવસ રાત વાંચન કર્યું હોય એ ઘરના ખૂણાઓ. બધાને છોડીને જવુ કેટલું અઘરું હોય છે?

આ બધું વિચારતો જ હતો ને પાછળ હજી દોઢેક વર્ષ પહેલા જ લગાવેલ વેલ જાણે કે પોતાની હાજરી ન પૂરાવવા માંગતી હોય એમ પવનમાં ઝૂલતી હોય એમ લાગ્યું. પાછળના ભાગે થાંભલા પર લગાવાલ લક્ષ્મીવેલ. એની બાજુમાં ઊભા રહીને પડાવવામાં આવતા ફોટા. અને હવે પૂરતી માવજત વગર નબળા પડી ગયેલા ગુલાબના છોડ. એમનેય આપણી કમીનો અહેસાસ હશે? બાબાસાહેબના વિચારોથી પ્રભાવિત થઈને મેં મમ્મીને કીધુ હતું કે ઘર પર 'જય ભીમ' લખાવીએ. કારીગર નવા હોવાથી ભીમમાં થોડા અક્ષરની સાઈઝ નાના મોટી થઈ ગઈ છે અને કલર પણ આછો થઈ ગયો છે. હવે એય કયાં સરખું કરાવાય છે. આજુબાજુથી નીકળતા બાળકો પણ હવે બંધ ઘર જોઈ નિરાશ થઈને આગળ વધી જાય છે. એક સમયે દિવસ-રાત આ ઘર ભણાવવા માટે બોલાવેલ બાળકોથી ધમધમતુ. અને બાળકો ઈચ્છે ત્યારે સ્હેજ પણ સંકોચ વિના કંઈ પણ પૂછવા આવી જતાં. હવે ઘરમાં વર્તમાનના ખાલીપા સિવાય કંઈ નહોતું. હા ધીંગામસ્તીની યાદો ખરી, પણ દુનિયાદારીના બોજા હેઠળ હવે એ પણ ઘરડી થઈ રહી હતી. મેં મિત્રને કહ્યું થેંક્સ. મને મારુ ઘર બતાવ્યું. કાશ એનેય એમ હું જોવા મળતો હોત. જેની ઘણી ટાઈલ્સ પર મારી પાપા પગલીનાં નિશાન આજેય પોતાનું અસ્તિત્વ સાચવીને બેઠા છે. સાચે જ ઘર બહુ યાદ આવે છે.

બીજા રસપ્રદ વિકલ્પો