ખરી આઝાદી Milan Chauhan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

ખરી આઝાદી

ધડામ.. દઈને પ્રિયલે મોબાઈલ ફેંક્યો. ઉપરના રૂમમાં ફેંકાયેલા ફોનનો અવાજ છેક નીચે સોફામાં બેસેલા એના પપ્પા વિરાજ અને રસોઈ બનાવતી નિયતિના કાન સુધી પણ અથડાયો. છતાં બંન્ને ચૂપ રહ્યા. વિરાજ ઉપર ગયો, પણ દરવાજો અંદરથી લૉક હતો.
'પ્રિયલ? બધું ઠીક છે બેટા? ચાલ જમી લે હવે.'
'હા, પપ્પા. આવું થોડી વારમાં' ( ગળગળા સ્વરમાં પ્રિયલે કહ્યું)
વિરાજ સમજી ગયો હતો જે થયું એ, એની ઈચ્છા થઈ દરવાજો ખોલીને અંદર જલાની પણ વ્હાલસોયી દીકરી, જેના પડ્યા બોલથી વિરાજ તરત જ વસ્તુ હાજર કરી દેતો, ઓફિસથી આવીને આખુ ઘર પ્રિયા પ્રિયાના નામથી ગજવી દેતો. એ પ્રિયલથી એક વાતમાં નારાજગી ઊભી થઈ. અને એ નારાજગી પણ કદાચ વિરાજને અત્યારે દરવાજો ખટખટાવતાં ન રોકત, પણ.
'પપ્પા હું આઝાદ છું યાર , આ તમારો જમાનો નથી, મારા ફ્રેન્ડ્ઝ છે મારી લાઈફ છે ને મને એન્જોય કરવા દો પપ્પા. બસ તમે એમજ ઈચ્છો છો હું સારું ભણી લઉં, તમારા જેમ રાત-દિવસ વાંચીને સરકારી લગામે જોતરાઈ જાઉં? પપ્પા મારે મારી લાઈફ જીવવી છે યાર. જુઓ પેલી ક્રેયા હમણાં જ ફોરેન ટુરમાં જઈ આવી, એલિસા તો વળી એના બોયફ્રેન્ડ સાથે મુંબઈમાં રહે છે, બધા પાસે પોતાની કાર પણ છે ને તમે મને હજી એ જૂના જમાના જેમ ટ્રીટ કરો છો ડીયર,વ્હાય???'
વિરાજની આંખોમાં અનેક વિચારો એક સામટાં આવી ગયા. વર્ષો સુધી પહેલા સંતાનમાં પુત્રી જ હોવાની ઈચ્છા, એ પોતાનાથી પણ અધિક પ્રભાવી હોવાના જોયેલા સપનાં ને બીજું ઘણું બધું. દુનિયાને અડીખમ રહેવાની સલાહો આપતો જિંદાદિલ લેખક આજે પોતાની દીકરીના બે ચાર વાક્યોથી સોફા પર ફસડાઈ પડ્યો. પ્રિયા ઉપરના રૂમમાં ચાલી ગઈ. અને ધડામ કરતો દરવાજો બંધ કરી દીધો. બસ એ દિવસ પછી વિરાજે કદી એના રૂમનો દરવાજે દસ્તક ન્હોતા દીધા. અને આજે હાથ ત્યાંજ આવીને અટકી ગયા.
પ્રિયલ બારમા ધોરણની ડિસ્ટ્રીક્ટ ટોપર વિદ્યાર્થિની હતી. શહેરની સૌથી પ્રતિષ્ઠિત કોલેજમાં એડમિશન મળ્યું હતું એને. પણ જિંદગીની સફળતાનો પ્રથમ કોળિયાનો સ્વાદ બરાબર ચાખી શકે એ પહેલાં જ વિરાજ અને નિયતિને એની કડવાશના અનુભવ થવા લાગ્યા હતા. જે સમાજ અને વિચારધારા અને આદર્શો પર એ બંનેએ પોતાની જિંદગીના વર્ષો પસાર કર્યા એ વિશે પ્રિયલ બહુ જ તુચ્છ વિચારો ધરાવતી થઈ રહી હતી. બીજા ત્રીજા વર્ષમાં તો વળી એના પુરુષ મિત્રો મોડી રાત્રે મૂકવા આવતા. લગ્નની વાત આવે તો એને પ્રિયલ હંસી મજાકમાં ઉડાવી દેતી. કોલેજમાં એક બે વાર જાહેરમાં સિગારેટ પીતાં પણ વિરાજ એને જોઈ ગયેલો. અને હદ તો ત્યારે થઈ જ્યારે એક પરિણિત પુરુષ સાથે પ્રિયલને પ્રેમ થઈ ગયો. પ્રિયલ એની સાથે ફોન પર વાત કર્યા કરતી. વોટ્સેપ ચેટ, વિડિયોકોલ, એના સિવાય પણ અનેક પુરુષ મિત્રોથી ઘેરાયેલી રહેતી. એની મિત્રો પણ એને લગ્નજીવન એક વાહિયાત વ્યવસ્થા હોવાની સલાહ આપતી. અને આ સ્વચ્છંદતાને જ પ્રિયલ 'આઝાદી' માની બેઠેલી.
વિરાજ લેખક હતો, એક રીટાયર્ડ સરકારી અધિકારી પણ ખરો. દુનિયાના અનેક રૂપાળા અને કદરૂપા ચહેરાઓથી એ પરિચિત હતો. પણ નિયતિ તો ગૃહિણી તરીકેના જીવનમાં પ્રિયલનું આ વર્તન જોઈને તદ્દન ભાંગી જ પડી હતી.

ફોન ફેંકાયાનો અવાજ સાંભળીને એણે જ વિરાજને ઈશારો કર્યો હતો કે 'જાઓ જઈને જુઓ.'
ને વિરાજ ઉપર જઈને પાછો આવીને વિચારોમાં ગુમસુમ બેસી ગયો હતો. કલાક થઈ ગયો. જમવાનું ઠંડું થઈ ગયુ હતું, વિરાજ હજું ત્યાંનો ત્યાંજ બેઠો હતો. નિયતિ પિયરમાં ફોન પર વાત કરતાં કરતાં રડતી હતી ને પ્રિયલના રૂમનો દરવાજો ખૂલ્યો, એ ઘણું રડી હતીપણ ચહેરો ધોઈને સ્વચ્છ હતો અને રૂઆબ તો નાનપણથી જ હતો જેના ખુદ વિરાજ અને નિયતિએ પોષ્યો હતો. પણ આજે એમાં ઘણી નરમાશ હતી. એ આવી, વિરાજના ખોળામાં માથું મૂકીને સૂઈ ગઈ. વિરાજે એના માથે હળવેથી હાથ ફેરવ્યો અને એનો ખોળો આંસુઓથી લથબથ થઈ ગયો.
'પપ્પા આઈ એમ સૉરી. હવે હું તમે કહેશો ત્યારે લગ્ન કરીશ. પણ છોકરો ગમવો જોઈએ હોં. ને તમે સાચું જ કહેતા હતા, લગ્ન બંધન છે એવું કહેનારી મારી બધી ફ્રેન્ડ્સની સગાઈ થઈ ગઈ છે. ને પેલો નફ્ફટ આજે મને કહે કે રીલેશન રાખવો હોય તો તારો ન્યુડ ફોટો મોકલ.પપ્પા એને મારી એક બીજી ફ્રેન્ડ સાથે પણ એવા જ રીલેશન છે. અને એ કહેતો હતો એની વાઈફ કેરેક્ટરલેસ છે પણ હકીકતમાં તો એ પીને એની વાઈફ સાથે બહુ મારઝૂડ કરે છે. તમે સાચા હતા ડિયર. સૉરી ફોર એવરીથીંગ. લવ યુ ઑલ્વેઝ ડિયર. મારી સાચી આઝાદી હવે મને મળી. નિયતિ પણ ફોન મૂકીને બાજુમાં આવીને બેસી. વિરાજે દિવાલ પર લગાવેલી પોતાની મમ્મીની તસવીર જોઈ. સજલ આંખો પર એક સ્મિતની લહેરખી આવી ગઈ. અને આંસુઓ ચમકાવી ગઈ.
-મિલન કુમાર. (૧૮/૭/૨૦. ૦૦ : ૪૮)