Featured Books
  • ખજાનો - 79

    ડર...ભય... ચિંતા...આતુરતા...ને ઉતાવળ... જેવી લાગણીઓથી ઘેરાયે...

  • ભાગવત રહસ્ય - 111

    ભાગવત રહસ્ય-૧૧૧   પશુ-પક્ષીની યોનિમાં અનેક પ્રકારના દુઃખ ભોગ...

  • વિશ્વની ભયંકર જળહોનારતો

    જ્યારે પણ જળહોનારત અંગે વાત નિકળે ત્યારે લોકોનાં મોઢે માત્ર...

  • ખજાનો - 78

    "રાત્રી નો સમય છે, આંદોલન વિશે સુતેલા અંગ્રેજોને જાણ તો થઈ ગ...

  • જે ભગવાનના થયા.

      ગોવર્ધન ગીરધારી ગોવર્ધન તત્વજ્ઞાનિક અર્થ છે – જીવનમાં પ્રક...

શ્રેણી
શેયર કરો

શોધ – પુર્નજન્મની ગાથા – પ્રકરણ – ૨૪

“બે મહાકાયને ચણાવી દીધા ભીંતમાં, મારી તેમને હાર ફેરવી જીતમાં;

જે દેખાય તે હોય નહિ, જુઓ જે તરફ તેમની નજર - એ જ છે હકીકતમાં.”

‘આ, દર વખતે નવું કંઇ હોય છે, કાગળમાં...’, વિવેકે કાગળની ગડી કરી તોપના મુખમાં જ નાંખી દીધો.

‘એ તો, રહેવાનું... ભાઇ... ખજાનો આરામથી થોડી મળી જાય, મહેનત કરવી પડે...’, પરેશે પાણીની બોટલ વિવેકને આપી, ‘ઠંડું પાણી પી અને ટાઢો થા.’

દરેક વ્યક્તિ દોડધામ કરીને થાકી ગયેલ અને ઉખાણાઓ એક પછી એક, એમ નવા નવા પ્રશ્નો તેમની સામે મૂકતા જતા હતા. થોડી વાર માટે તોપની પાસે જ બેસી ગયા. શ્યામાનું ધ્યાન ઇશાન પર જ હતું. તે નહોતી ઇચ્છતી કે શ્રેય ઇશાનને જાય. જ્યારે ઇશાનને ખજાનામાં કોઇ રસ નહોતો. તે તો ફક્ત સુનિતા અને તેના દાદાજી માટે જ અહી આવ્યો હતો. પરેશ અને વિવેકને ખજાના સિવાય કશામાં રસ નહોતો. ડૉ. ભાટિયાને તેમની દીકરી મારફતે ખજાનો મેળવવો હતો. દરેકના હેતુઓ એકબીજાથી વિપરીત હતા.

‘આપણે ક્યાં સુધી ઉકેલ શોધતા રહીશું?’, વિવેકે પાણી પીધું અને થોડી વાર પછી પૂછ્યું.

‘જ્યાં સુધી આપણે ખજાના સુધી પહોંચી જઇએ નહિ.’, શ્યામાએ વિવેક પ્રત્યે અણગમો દર્શાવ્યો.

વિવેક ઉઠીને શ્યામા પાસે આવ્યો અને બોટલ તેને આપી, ‘તો પછી શેની પ્રતિક્ષા છે? ચાલો ડગલા ભરો અને ઉપાડી લો ખજાનો.’

‘તેના માટે, આ નવી કડીનો ઉકેલ મેળવવો પડશે ને...’, સુનિતાએ વિવેક સામે જોયું.

‘ઓ.કે., તો શરૂ કરીએ....’, પરેશે સાથ આપ્યો.

ભાટિયા વિચારતા વિચારતા ગણગણ્યો, ‘મહાકાય એટલે ટીપુનો કોઇ સાથી, જે યુદ્ધમાં તેને મદદ કરતો હશે અને સામાન્ય કરતા વધુ શક્તિશાળી હશે. તેમજ કોઇ મોટી ભૂલના કારણે તેને સજારૂપે દિવાલમાં ચણાવી દીધો હશે.’

‘એવું ના હોય. ટીપુના ઇતિહાસમાં આવી કોઇ વાતનો ઉલ્લેખ કરવામાં જ નથી આવ્યો.’, શ્યામા તેના પિતાની વાત કાપી.

‘તો પછી શું હોઇ શકે?’, પરેશે શ્યામાને અટકાવી.

‘જગુઆરની જેમ આ પણ કોઇ પ્રાણીની વાત હોઇ શકે...’, સુનિતા વચ્ચે બોલી.

‘હા...! મહાકાય એટલે હાથી અને હું જાણું છું ત્યાં સુધી, પેલેસના પ્રવેશદ્વારમાં બન્ને તરફ બે મહાકાય હાથીના મુખોટાઓ દિવાલમાં જડેલ છે. જે સાચે જ તે હાથીઓના મુખોટા છે, જેનો રાજાએ શિકાર કર્યો હતો. એટલે કે તેમની પર જીત મેળવી હતી. સામાન્ય રીતે આપણને તે નકલી લાગે, પરંતુ તે હકીકતમાં સાચા અર્થમાં છે અને અંદરની તરફ ભૂંસું ભરેલું છે.’, ઇશાને વાત બધાની સમક્ષ મૂકી.

‘વાહ... તું તો ઘણું બધું જાણે છે. ચાલો હાથીઓના તે મહાકાય મુખોટા પાસે...’, પરેશે વિવેકને ઇશારો કર્યો.

પરેશ અને વિવેક બન્ને હાથીઓના મુખોટા પાસે પહોંચી ચૂક્યા હતા. બન્નેએ સંપૂર્ણ તપાસને અંતે ત્યાં કંઇ પણ ન હોવાની બાબતને સમર્થન આપ્યું. પરેશ માથા પર હાથ મૂકી પગથીયા પાસે જ બેસી ગયો, ‘આટલી બધી જહેમત બાદ, અહીં તો કંઇ પણ નથી.’

‘અરે... પરેશભાઇ, પૂરી કડી તો ઉકેલો, આ બે મહાકાય હાથીઓના મુખોટા તો ફક્ત પહેલી બે પંક્તિઓનો જ ઉકેલ છે.’, સુનિતા હસવા લાગી.

‘હા...! જે દેખાય તે હોય નહિ, જુઓ જે તરફ તેમની નજર...’, શ્યામાએ હાથીની નજરની દિશામાં નજર નાંખી. તે તરફ હતો કાંસ્ય ધાતુનો બનેલો દરવાજો.

‘સામે તો બહાર જવાનો માર્ગ છે. એટલે ખજાનો અહીં છે જ નહિ.’, વિવેક પણ પરેશની બાજુમાં બેસી ગયો.

ઇશાન દરવાજા પાસે ગયો અને નિરીક્ષણ કરવા લાગ્યો, ‘અહીં તો ફક્ત એક જ નિશાની છે, સિંહની પ્રતિકૃતિ કે જેમના મુખના સ્થાને હાથીનું મુખ જોડેલ છે.’

‘એટલે જ તો દેખાય તે હોય નહિ.’, સુનિતા ઇશાનની પાસે આવી.

‘અને અહીં જો, “સત્યં એવં દોરામ્યહં”, કંડારેલ છે.’, ઇશાને સુનિતાને બતાવ્યું.

‘અર્થાત હું સત્યનું સમર્થન કરૂ છું. આ સંદેશ આપવામાં આવ્યો છે.’, સુનિતાએ તેની સંસ્કૃત ભાષા વિષેની જાણકારી દર્શાવી.

‘હાથીઓની નજરની સમક્ષ જે છે તે જ હકીકત છે. આમેય સત્ય હંમેશા હકીકતથી ઉપર જ હોય છે.’, શ્યામાએ ઇશાનની સામે જોયું અને તેની સમજણ દરેક સમક્ષ મૂકી.

‘તો કેમ નહિ, સત્યને જ દબાણ આપી જોઇએ.’, સુનિતાએ કંડારેલ શબ્દોમાં સત્યં લખાણ પર થોડું દબાણ આપ્યું, સાથે જ નાનકડી પિત્તળની ડબી વિવેકના માથા પર પડી.

વિવેકે ઉપરની તરફ જોયું. તે જ્યાં બેઠો હતો તેની ઉપર રહેલા હાથીના મુખોટા સાથે જોડેલા હાથીદાંતમાંથી તે સરકી હતી, અને દાંત પાછો હતો તેમ ને તેમ ગોઠવાઇ ગયો.

‘આપણા કરતાં તો ઇતિહાસમાં સારા આર્કિટેક્ચર થઇ ગયા લાગે છે, તેમની ગોઠવણ અને કરામત તો જુઓ.’, વિવેક ડબી પરેશના હાથમાં મૂકી.

સુનિતા અને શ્યામા, પરેશ પાસે ડબીમાં શું હતું? તે જોવા પહોંચી ગયા. ઇશાન હજુ પણ દરવાજા પાસે જ ઊભો હતો. પરેશે ડબીનું ઢાંકણ ખોલ્યું અને ધાર્યા મુજબ અંદરથી ફરી એક કાગળ નીકળ્યો. તે કાગળ પરેશે શ્યામાના હાથમાં મૂક્યો.

‘શ્યામા...! ઝડપથી જો કાગળમાં શું છે?’, ભાટિયા અધીરો બન્યો.

શ્યામાએ કાગળ ખોલ્યો અને તેના પર અંકિત થયેલ લખાણ દરેકની સમક્ષ મૂક્યું.

“જોડિયા ભાઇઓની જોડ મળે, અને ચાંલ્લો થાય એકવીસનો;

દરેક દિશાએ એક જ કતાર બને, અવાજ અથડાય કાને ચીસનો”

‘હવે તો થાક્યા ભાઇ, એક જ દિવસમાં આપણે શોધી નાંખીશુ ખજાનાને…’, વિવેકે, ઇશાન અને શ્યામા તરફ જોયું.

‘હા, એમાં શંકાને કોઇ સ્થાન જ નથી.’, શ્યામાએ કાગળ ભાટિયાને આપ્યો.

‘હું શું કરૂ? આનું…તમે ઉકેલો...’, ભાટિયાએ કાગળનો ડૂચો વાળી ફેંકી દીધો.

‘સારૂ… સારૂ...! તમે નિરાંતે બેસો, અમે ખજાનો મળશે એટલે તમને બોલાવી લઇશું.’, સુનિતાએ ટીખળ કરી.

‘ના, ભાઇ, ના...! હું છેક સુધી તમારી સાથે જ આવતો રહીશ.’, ભાટિયાએ સુનિતાની સામે જરાક અમથો અણગમો વ્યક્ત કર્યો.

‘હવે... આટલું મગજ પંક્તિઓમાં લગાડો.’, પરેશ ગુસ્સે થયો.

‘જોડિયા ભાઇઓની જોડ અને ચાંલ્લો એકવીસનો...શું કહેવા માંગે છે...?’, ઇશાને જમણો હાથ પગ પર માર્યો.

‘કદાચ એકવીસ જોડિયા લોકોની વાત હોય... આ... તો મારૂ માનવું છે.’, સુનિતાએ ઇશાનના પ્રશ્નનો જવાબ આપવાનો પ્રયાસ કર્યો.

‘કદાચ નહિ, એવું જ છે. એકવીસ જોડિયા લોકો એટલે કુલ ૪૨ વ્યક્તિઓ, અને આટલી મોટી સંખ્યા ફક્ત દરબારગૃહમાં જ છે. કલ્યાણ મંટપા દ્વાર પાસે સ્વયંવર થઇ શકે તેવડી મોટી જગા અને તેમાં ૪૨ સ્તંભોની ગોઠવણી કે જે ચોતરફથી એક જ જેવી રચના છે. વાહ... સુનિતા...’, ઇશાને સુનિતાને વખાણી અને તેનો હાથ ચૂમી લીધો.

‘એટલે કે પ્રત્યેક દિશામાંથી જુઓ તો જાણે કે કતારમાં ઊભા છે. એમ જ ને?’, શ્યામાએ પોતાનો મત જણાવ્યો.

‘હા...બિલકુલ... હવે આપણે શોધવાની તે જગા જ્યાંથી બોલો તો ગૃહમાં પડઘો પડે. જે અર્થ છે આખરી પંક્તિનો’, સુનિતાએ શ્યામા સામે જોયું.

‘તો ચાલો...’, પરેશે બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું.

*****

૪૨ સ્તંભોની આસપાસ દરેક ઘૂમી રહ્યા હતા. દરેક સ્તંભ પર એક જ જેવી બેનમૂન કારીગરી અને રંગોનું મિશ્રણ ર્દશ્યમાન થતું હતું. જે તેને બનાવનારની આવડતની ચાડી હતી. દરેક સ્તંભને એવી રીતે ગોઠવવામાં આવેલા કે ચોતરફથી પ્રત્યેકને એક જ રેખામાં નિહાળી શકાય. હરેક ચાર સ્તંભના ટેકા પર ગુંબજ જેવી રચના હતી. જેના કારણે ધ્વનિનું પરાવર્તન એકસમાન થાય અને કોઇ પણ ખૂણામાંથી બોલાયેલા શબ્દો સ્પષ્ટ સંભળાય. પરેશ અને વિવેકે વિવિધ પ્રકારના અવાજ ઉત્પન્ન કરી પ્રયત્ન કર્યો, પરંતુ કોઇ રીતે ચીસ કે ચીત્કારનો અનુભવ થયો નહિ.

‘હવે... અહીં તો પંક્તિના ઉલ્લેખ મુજબ કંઇ અનુભવાતું નથી.’, પરેશે શ્યામા સામે જોયું.

‘હા, મારૂં પણ માનવું એવું જ છે.’, વિવેકે પરેશની વાતને સમર્થન આપ્યું.

‘ઇશાન, આ બધું છોડ, તને કંઇક અજુગતું નથી લાગતું?’, સુનિતાએ ઇશાનની સામે જોયું.

‘શું?’

‘એ જ કે, આટલો બધો અવાજ થયો, આપણે અહીં સુધી આવ્યા, આપણને કોઇ પણ જગા પર ફરજ બજાવતા ગાર્ડ, ના તો દેખાયા ના કોઇએ આપણને રોક્યા…’, સુનિતાએ ભાટિયા તરફ શંકાર્દષ્ટિ નાંખી.

‘હા... હું પણ એ જ વિચારૂ છું. પણ પહેલા આપણે પંક્તિઓ ઉકેલીએ તો કેવું?’, ભાટિયાએ સુનિતાની વાતને રદિયો આપ્યો.

‘તારી વાત સાચી છે, પણ પહેલા આ કામ પતાવી લઇએ.’, ઇશાને સુનિતાની વાતને ધ્યાને લીધી નહિ.

સુનિતા ગૃહમાં લગાવેલ દર્પણ કે જેમાં પ્રત્યેક સ્તંભ દેખાતો હતો, તેની સામે ઊભી રહી ગઇ, ‘દર્પણની ગોઠવણી પણ ગણતરી મુજબ કરી લાગે છે.’

‘શું કહ્યું તે... દર્પણ, બાહ્ય રચના જેવી જ સ્તંભોની ગોઠવણ દેખાય છે, કાચમાં અને ચીત્કારથી જ તો કાચ તૂટી જતો હોય છે. એવો સ્તંભ શોધો, જેની પાસે ઊભા રહી બોલવાથી ધ્વનિનું પરાવર્તન એવી રીતે થાય કે દર્પણ તૂટી જાય.’, શ્યામાએ સુનિતાની વાતને સાંભળી અને નિષ્કર્ષ પર પહોંચી.

‘એના માટે તો દર્પણને અહીંથી નીકાળવું પડશે.’, વિવેકે કાચ સામે હાથ કર્યો.

‘તો કાઢી લો. કોણ રોકે છે?’, ભાટિયા તુરત જ બોલી પડ્યો.

‘તો લો, આ દર્પણ છુટું દિવાલથી...’, પરેશે કાચને દિવાલથી જુદો કરી દીધો.

પરેશ અને વિવેક દરેક સ્તંભ પાસે જઇને ચકાસવા લાગ્યા. ત્યાં જ ઇશાનની નજર દર્પણની પૃષ્ઠ તરફ પડી, ‘ એક મિનિટ, પરેશભાઇ... કંઇ શોધવાની જરૂર નથી... આગળનો ઇશારો દર્પણની પાછળ હોય તેવું લાગે છે. દર્પણ અહીં લાવો.’

‘અરે... સાચે જ, અહીં સંદેશ છે.’, પરેશે દર્પણ ઉલટાવીને જોયું.

‘વાંચો તો શું કહે છે…?’, ભાટિયાએ ઇશાનને કહ્યું.

ઇશાને દર્પણ પરેશ પાસેથી લીધું અને વાંચ્યું.

“પ્રત્યેક કણમાં હું છું, દરેક જીવનમાં હું છું, પળેપળમાં હું છું;

સર્જન-વિસર્જન હું છું, ધરતીને ડુબાડતો દરિયો પણ હું જ છું.”

‘પરેશભાઇ! વિસર્જનની વાત આવી, મને લાગે છે આ છેલ્લું ઉખાણું છે.’, વિવેકે મજાક કરી.

‘મને પણ એવું લાગે છે, કારણ કે આખરે અને અંતે તો બધું હું જ હોય છે.’, પરેશ વિવેકની સામે જોઇ હસ્યો અને ઇશાનની સામે આશાભરી નજર માંડી.

‘મારી પાસે કોઇ અપેક્ષા રાખશો નહિ. હું ફક્ત મદદ કરી રહ્યો છું.’, ઇશાને પરેશની નજર પારખી તુરત જ ઉત્તર આપ્યો.

‘હા, હવે આ પંક્તિ ઉકેલો એટલે આગળની ખબર પડે...’, શ્યામા પણ થોડી અકળાઇ.

‘આ પંક્તિમા રહેલા શબ્દોનો ઉલ્લેખ મેં ક્યાંક તો વાંચ્યો છે. પણ યાદ નથી આવતું.’, સુનિતાએ ઇશાન તરફ નજર માંડી.

‘હા... આમ તો સાંભળેલા હોય તેવા લાગે છે...’, શ્યામાએ સુનિતાની વાતને સમર્થન આપ્યું.

‘શું આટલી બધી મહેનત કરો છો...? ગીતામાં બોલાયેલા અને આજના જમાનામાં લખાયેલા શબ્દો છે. શ્રીકૃષ્ણ જ કહે છે કે હું જ બધે છું, અત્ર, તત્ર, સર્વત્ર, જ્યાં સુધી તમારી નજર જાય અને જેટલા જીવ જોઇ શકો, બધામાં હું જ છું. સૃષ્ટિનું સર્જન અને વિનાશ બન્ને હું જ છું.’, વિવેક અકળાયો.

‘તારી વાત સાચી છે, આ પંક્તિઓ શ્રીકૃષ્ણની જ વાત કરે છે.’, ઇશાને વિવેકના ખભા પર હાથ મૂક્યો.

‘પેલેસમાં દરબારગૃહની સામે જ છતમાં ત્રણ મોટા ચિત્રો છે, જેમાં મધ્યમાં જે ચિત્ર છે તે વિષ્ણુના પ્રત્યેક અવતારની ઝાંખી કરાવે છે.’, સુનિતાએ વિવેકની વાતને ધ્યાને લઇ તેનો પક્ષ મૂક્યો.

‘બસ, તો એ જ છે આ પંક્તિઓનો ઉકેલ.’, ઇશાને સુનિતાના પક્ષને સાચો દર્શાવ્યો.

થોડાક ડગલાઓ ચાલતા જ બધા તે ચિત્ર પાસે આવી પહોંચ્યા, જે પંક્તિનો ઉકેલ દર્શાવતું હતું.

‘પણ ધરતી અને દરિયાનો કોઇ ઉલ્લેખ ચિત્રમાં નથી.’, ભાટિયાએ સંપૂર્ણ ચિત્રનો અભ્યાસ કર્યો.

‘હા, વાત તો સાચી છે.’, પરેશે પણ સમર્થન દર્શાવ્યું.

‘દરિયો તો નહિ, પરંતુ અહીં સામે જ એક તળાવ હતું. જીર્ણોદ્ધાર પહેલાં જ્યારે આ પેલેસમાં આગ લાગી, ત્યારે તેને તળાવના પાણીએ જ પોતાનામાં સમાવી લીધી હતી. વળી, ઢાળની રચના એવી હતી કે વરસાદનું બધું જ પાણી તે તળાવમાં જ એકઠું થાય. પરંતુ અત્યારે તે તળાવને પૂરી, આ મેદાન બનાવી દીધું છે, અને પાણીના નીકાલ માટેની રચના એટલે કે પાઇપલાઇન આ ચિત્રની નીચેથી જ જાય છે. એટલે જ દરિયામાં સમાવી લેવાની વાત કરી છે.’, ઇશાને ભાટિયા અને પરેશની શંકાનું સમાધાન કર્યું.

‘એટલે... હવે આપણે નીચે જવાનું છે, નળીઓની હારમાળામાં.’, વિવેકે ઇશાન સામે જોયું.

ઇશાને ચહેરા પર જામી ગયેલ પરસેવાની બુંદોને સાફ કરી, ‘હા, તૈયાર થઇ જાવ, નવી યાત્રા માટે...’

*****