Samarpan - 15 books and stories free download online pdf in Gujarati

સમર્પણ - 15

આગળના ભાગમાં આપણે જોયું કે દિશાના સાસુ સસરા નિખિલને ઘરે બોલાવવાનું કહેતા નિખિલ ઘરે આવે છે. રુચિએ આપેલી ટિપ્સ પ્રમાણે નિખિલ દાદા અને બાને hug કરે છે અને અંગ્રેજીમાં જ વાત કરવા લાગી જાય છે. રુચિના દાદા નિખિલને ગુજરાતીમાં બોલવાનું કહે છે અને નિખિલ સમજી જાય છે કે રુચિએ તેની સાથે મઝાક કર્યો હતો. દાદા વિનોદભાઈ નિખિલને તેના પરિવાર વિશે પૂછે છે. નિખિલ પોતાના પરિવાર વિશે જણાવતા માલુમ થાય છે કે રુચિના દાદા અને નિખિલના દાદા બંને મિત્રો હતા. વિનોદભાઈ નિખિલને રુચિ જ્યારે ઘરે આવી હતી ત્યારે જે ઘટના બની હતી તેના વિશે પૂછે છે. આ સવાલથી નિખિલ થોડો ગભરાય છે. સરખી રીતે બોલી પણ શકતો નથી, રુચિના દાદા રુચિ પાસે પાણી મંગાવીને નિખિલને આપે છે. નિખિલ પાસેથી જ જાણવા મળે છે કે તેના પરિવારે પહેલેથી જ રુચિ વિશે બધી તપાસ કરાવી હતી. વિનોદભાઈ નિખિલને સારી રીતે સમજાવે છે અને પોતે પણ જૂનવાણી વિચારો ધરાવતા ના હોવાનું કહે છે અને તેના પરિવાર સાથે વાત કરી અને રુચિ અને નિખિલના લગ્ન માટે વિચારવાનું નક્કી કરે છે. રુચિ પણ આ વાતથી હવામાં ઉડવા લાગે છે, દિશાને પણ એ વાતનો સંતોષ અને ખુશી થાય છે કે તેમને ઓળખાણ વાળું જ ઘર મળ્યું છે. હવે જોઈએ આગળના ભાગમાં શું થાય છે !!!


સમર્પણ -15


વિજયાબેન પણ ભાવેશભાઈને ઓળખતાં હોવાથી રુચિના ભવિષ્ય માટે નિશ્ચિન્ત લાગી રહ્યાં હતાં.
બધાએ સાથે મળીને આઈસ્ક્રીમ ખાધો. અને વિનોદભાઈએ નિખિલના પપ્પાનો ફોન નંબર લઈને નિખિલને વિદાય આપી.
એના ગયા પછી વિનોદભાઈએ રુચિ અને દિશાની ઈચ્છા જાણવાનો પ્રયત્ન કર્યો. અને અનુકૂળ સમયે નિખિલના ઘરે જવાનું નક્કી કર્યું.
રાત્રે દિશા અને રુચિ રૂમમાં સુવા માટે આવી ગયા.
દિશા : ''રુચિ, તું તો હવે બહુ સમય નહીં રહેવાની મારી સાથે !'' (કહેતાં જ ગળે ડૂમો ભરાઈ ગયો.)
રુચિ : (તરત જ એને વળગી પડી.) ''મમ્મી, તું રો નહીં, તને ક્યારેય એકલું નહીં લાગવા દઉં, પ્રોમિસ. અને એ તો જો કે હું ક્યાંય દૂર નથી જવાની. નજીકમાં જ રહીશ ગમે ત્યારે આવી પણ શકીશ.''
દિશા : ''જાણું છું બેટા, પણ તોય વિચાર તો આવે ને ? ''(આ વિષય ઉપર રુચિ ને વધારે વિચારવા દેવી નહોતીએ એટલે એના ગાલ ઉપર હાથ મૂકીને) ''ચાલ, સુઈ જા, જે થશે બધું સારું જ થશે, હે ને ?''
એક નિશ્ચિન્ત સ્મિત સાથે રુચિ સુઈ ગઈ. એ રાત દિશાની આંખ જ ના મીંચાઈ શકી. એણે મોબાઈલ લીધો. અને પોતાના લખાણના આવેલા નોટિફિકેશન વાંચવામાં વ્યસ્ત થઈ. આ બધામાં ભુલાઈ ગયેલા ''એકાંત'' નું પ્રોફાઈલ ફરી ઉડીને આંખે વળગ્યું. એમાં એકાંતરે દિવસે કરેલા મેસેજો હતા.
એકાંત : ''તમે કદાચ ખોટું સમજી રહ્યાં છો મને, બની શકે એવી કોઈ ઘટના બની હોય તમારી સાથે કે તમને વિશ્વાસ નથી આવી રહ્યો અથવા તો કોઈ બીક તમને રોકી રહી છે તમને આમ કરતાં.''

એકાંત : ''તમારા મન માં મારા વિશે જે ગ્રંથી બંધાઈ હોય તે, પરંતુ મારા તરફથી તમે નિશ્ચિન્ત રહી શકો છો. હું મારા આ વર્તનનું કારણ તમને જણાવી શકું છું. દુનિયાથી અલિપ્ત એક લેખિકા જેને હું ઓળખતો પણ નથી, તેના દ્વારા લખાયેલાં એક એક શબ્દ મારુ કાળજું ચીરી જાય છે. પ્રેમ હોય કે વેદના, એ લાગણીને હૂબહૂ કાગળ ઉપર કંડારીને મૂકી દે છે. જાણે કે વાંચતી વખતે એક એક લાઈનનું લખાણ આંખ સામેથી આબેહૂબ પસાર થતું જોઈ શકાય છે. તમને આ અતિશયોક્તિ લાગી શકે છે પરંતુ વિશ્વાસ કરજો, સાચે જ મગજ બાજુ પર મૂકીને હૃદયને અનુભવવા માટે મજબૂર કરી દે, એ લખાણ લખનાર મારા માટે ખૂબ જ આદરણીય છે. કોઈ જાતના ખોટા વિકાર નથી મારા મનમાં.''

એકાંત : ''Miss Breath, લાગે છે, તમને હજુ વિશ્વાસ આવી નથી રહ્યો. છતાં હજુ એક પ્રયત્ન હું કરવા માંગીશ. તમારી સાથેની વાત-ચીતમાં મારો કોઈ નિજી સ્વાર્થ રહેલો નથી. બસ એક ગમતી લેખિકા વિશે થોડું જાણવું છે, જો તમારી પરમિશન હોય તો. Promis આપું છું કે જે કોઈ વાત તમે જણાવવા ના માંગતા હોય તે ક્યારેય પૂછીશ નહીં. Please ?''

એકાંત : ''માફ કરશો, હું માનસિક પીડા આપી રહ્યો હોઉં એવું જણાય છે, કેમકે તમે થોડા દિવસથી કાંઈ લખ્યું જ નથી, તમે તમારા કામમાં આગળ વધો, અટકવાની જરૂર નથી. આજ પછી મારા તરફથી કોઈ હેરાનગતિ નહીં થાય.''

બધા જ મેસેજો વાંચતા વાંચતા દિશાને ફરી એ વ્યક્તિ વિશે જાણવાનું મન થઇ આવ્યું. એના પ્રોફાઈલ ઉપર નજર ફરી વળી પરંતુ જાણવાજોગ કાંઈ દેખાયું નહીં. થોડીવાર વિચારો સાથે સંઘર્ષ કર્યા પછી દિશાએ યંત્રવત ફરી એના મેસેજો ખોલ્યા, એકવાર ફરી વાંચ્યા, અને જવાબ આપ્યો.

દિશા : ''કૌટુંબિક વ્યસ્તતાના લીધે લખાણ મૂકી શકી નથી. થોડા સવાલ તમે પૂછી શકો છો, યોગ્ય નહીં લાગે એના જવાબ હું આપી શકીશ નહીં મારી કેટલીક મર્યાદા છે.''

જવાબ આપીને દિશા સુઈ ગઈ. સવારે જ્યારે ઉઠી ત્યારે તેને ઘરના કામ કરવામાં મોબાઈલ જોવાનો સમય ના મળ્યો, પરંતુ બપોરે તેના સાસુ સસરા જમીને તેમના કોઈ મિત્રને મળવા માટે ગયા હતાં. રુચિ પણ કોલેજમાં હતી, ઘરનું કામ કામ પતાવી દિશા મોબાઈલ લઈને બેઠી અભિવ્યક્તિ ખોલતા જ તેના ઈનબોક્સમાં ઘણાં બધાં મેસેજ હતા, પરંતુ એ બધા જ મેસેજને ઇગ્નોર કરી દિશાનું ધ્યાન એકાંતના મેસેજ ખોલ્યા. તેના ત્રણ મેસેજ હતા.
પહેલા મેસેજમાં તેને લખ્યું હતું : "આપના વિશે જાણવાની તો ઘણી જ ઈચ્છા છે, કારણ કે આપના શબ્દોમાં જે દર્દ છલકાય છે તે કોઈ સામાન્ય વ્યક્તિના જીવનનું નથી, જીવનના ઘણાં ઉતાર-ચઢાવ પાર કરીને તમે બેઠા લાગો છો."
"ના મેં તમને ક્યારેય જોયા છે, ના ક્યારેય તમને સાંભળ્યા છે, પણ તમારા શબ્દો પાછળ છુપાયેલી વેદનાને હું બરાબર ઓળખી શકું છું, તમારા શબ્દો લોકોને આનંદ પહોંચાડે છે, પણ મને તમારા શબ્દો તમારી વેદનાથી પરિચિત કરાવે છે." બીજા મેસેજ વાંચતા જ દિશા થોડી વિચારમગ્ન બની, પહેલા તો તેને એમ લાગ્યું કે "આ કોઈ પરિચિત વ્યક્તિ જ હોવું જોઈએ, પણ પછી તેની જાતે જ નક્કી કર્યું કે આ એપ્લિકેશન ઉપર તો મારા વિશે કોઈને ખબર નથી." વિચારોમાંથી બહાર આવીને દિશાએ ત્રીજા મેસેજ તરફ નજર કરી.
"માફ કરજો, કદાચ મેં કઈ વધુ કહ્યું હોય તો, પણ મને તમારા માટે જે અનુભૂતિ થઈ તે મેં આપને જણાવી, અને મને દિલથી એવું લાગી રહ્યું છે કે હું ખોટો તો નથી જ. છેલ્લા ઘણાં દિવસથી હું તમારા વિશે જ વિચારતો રહ્યો છું, પરંતુ જો તમે આ બાબતે થોડો ખુલાસો કરશો તો મારા વિચારોનો ભાર હળવો થશે અને તમારા દિલમાં વ્યાપેલા દર્દના ભારને તમે મારી આગળ અભિવ્યક્ત કરી શકશો."
એકાંતના ત્રણેય મેસેજ વાંચીને દિશાએ એપ્લિકેશન બંધ કરી back નીકળી ગઈ, મોબાઈલ પણ બાજુ ઉપર રાખી દીધો.. શું જવાબ આપવો તેને સમજાઈ રહ્યું નહોતું, પરંતુ વિચારોનું ઘોડાપુર તેના દિમાગમાં ચાલવા લાગ્યું હતું, તેના મનમાં થવા લાગ્યું કે "કોઈ વ્યક્તિ કેવી રીતે દિલની વાત સમજી શકે છે ? ના એ મને ઓળખે છે, ના મને મળ્યો છે, ના મારા વિશે મેં એને અથવા બીજા કોઈને જણાવ્યું છે તે છતાં પણ તે આટલું બધું મારા વિશે કેમ કરી જાણી શક્યો ?" દિશાની આંખમાં એક તાજું આંસુ છલકાઈ આવ્યું, એક હાથની આંગળીથી આંખનું આંસુ લૂછતાં બીજા હાથથી મોબાઈલ લીધો.. ''અભિવ્યક્તિ'' એપ ખોલી ''એકાંત'' ના મેસેજ ના reply માં કંઈક લખ્યું, થોડું વિચાર્યું અને delete કર્યું, ફરી લખ્યું, ''આપવા જોગ દરેક સવાલના જવાબ આપીશ, આપ પૂછી શકો છો.''
એકાંતના જવાબની રાહ જોયા વિના તે મોબાઈલ બેડરૂમમાં મૂકીને જ બહાર ચાલી ગઈ.
રુચિ કોલેજમાં નિખિલને મળી, નિખિલના મિત્રો પણ હવે તો રુચિને ''ભાભી..'' ''ભાભી..'' કહીને ચીડવવા લાગ્યા હતા, રુચિ એ લોકો આગળ ખોટો ગુસ્સો બતાવી મનમાં જ હસી રહી હતી. પરંતુ નિખિલ તેનાથી નારાજ થવાનો ડોળ કરી રહ્યો હતો. રુચિ કંઈપણ પૂછતી તો નિખિલ મોઢું ચડાવીને જવાબ આપતો. હવે રુચિને પણ ગુસ્સો આવી રહ્યો હતો. તેને નિખિલને પૂછ્યું :
"શું છે તારે ? કેમ આમ કરે છે ? હવે તો બધું સારું થઈ ગયું છે તો કેમ મોઢું ચઢાવે છે ?"
નિખિલ કઈ બોલ્યો નહિ અને ત્યાંથી ઊભો થઈ મેદાન તરફ ચાલવા લાગ્યો, રુચિ પણ તેની પાછળ પાછળ ચાલવા લાગી. એક ઝાડ નીચે જઈને નિખિલ બેસી ગયો તેની સામે જ જઈને એ પણ બેઠી અને કહ્યું "શું થયું છે હવે બોલીશ ?"
નિખિલ પોતાનું મૌન તોડતા બોલ્યો : "કાલે કેમ તે મને એવું કહ્યું કે દાદાજી સાથે ઇંગ્લીશમાં વાત કરજે ? દાદીને અને દાદાને hug કરજે ? બધા કેટલું હસતા હતા મારા ઉપર ?"
રુચિને પણ નિખિલની વાત સાંભળતા જ હસવું આવી ગયું , નિખિલના ગાલ તરફ પોતાનો હાથ લઈ જઈને ગાલ ખેંચતા તેને કહ્યું : "હું તો મઝાક કરતી હતી."
નિખિલ : "બહુ સારો મઝાક કર્યો, હો.."
નિખિલના બંને હાથ પોતાના હાથમાં લેતા રુચિએ કહ્યું:
"સારું હવે, નારાજગી છોડ અને ખુશ થા, ઘરમાં બધાને તું પસંદ આવ્યો છે, અને બહુ જ જલ્દી આપણે એક થઈ જઈશું."
નિખિલ ખુશ થતા બોલ્યો : "હા રુચિ હવે આપણે એક થઈ જઈશું, આ બધું કેટલું જલ્દી થઈ ગયું નહિ, સપનાઓ જાણે સાચા થતા હોય એમ લાગી રહ્યું છે."
નિખિલના હાથને પોતાના હાથથી દબાવતા રુચિએ પણ ચહેરા ઉપર બ્લશ કરતા કહ્યું "હા".

થોડીવાર બેસી અને રુચિ અને નિખિલ ઘરે જવા માટે નીકળ્યા, દિશાના સાસુ-સસરા પણ ઘરે આવી ગયા હતા, રુચિ પણ ઘરે પહોંચી, સાંજનું જમવાનું બનાવીને દિશા કામ પૂરું કરી બેઠી હતી. તેના સાસુ સસરા ગેલેરીમાં બેસી વાતો કરી રહ્યા હતા. રુચિ પણ નિખિલ સાથે ફોન ઉપર વાત કરી રહી હતી.. દિશાએ પોતાનો મોબાઈલ હાથમાં લીધો અને એકાંતે શું ઉત્તર આપ્યો છે એ જોવા લાગી.....

વધુ આવતા અંકે.....!!!

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED