ડાયરી – ભાગ ૨
નાં. નિયતીએ પપ્પા ને જોઈ એની આંખોમાં જોયા જ કર્યું અને ગોઠણ પર હાથ ઘસતા ફરી ઇશારે બોલી.
નાં નાં. નથી વાગ્યું.
રાજેશ ભાઈ હજુ પણ ઝળઝળિયાં સાથે દિકરીને જોઈ રહ્યા વ્હાલી ઢીંગલીએ એના નાનકડા હાથથી પપ્પાની આંખો લૂછતાં ફરી કહ્યું.
સોરી. હું પડી ગઈને ? હવે આવું નહિ કરું.
મંદબુદ્ધિની દિકરીની ભાષા એના પપ્પાને જ સમજાતી હતી, પપ્પા એને ભેટી પડ્યા. આસપાસથી અમુક હજુય બાપ દિકરીને જોતા હતા. આખરે બન્ને ગાડીમાં બેસી ઘરતરફ રવાના થયા. ગાડીમાં પપ્પાની બાજુમાં આગલી સીટ પર બેઠેલી નિયતિ ઘર તરફ જતા રસ્તામાં આવતી અમદાવાદની નાની મોટી દુકાનો, રીક્ષા, અને ક્યારેય ન અટકતા લોકોને જોતા જોતા વિચારતી કે આ લોકો શું કામ કરતા હશે ? આમ તેમ ક્યાં જતા હશે ? ઘરના આંગણે ગાડી આવીને ઉભી રહી. સંધ્યા સમય થઇ ગયો હતો ઘરે આવ્યા બાદ રાજેશ ભાઈએ નિયતિને એના રૂમમાં મુકતા કહ્યું.
ચાલો બેટા, તમે કપડા બદલીને નાઈટ ડ્રેસ પહેરી લ્યો. પપ્પા તમારા માટે ડીનર બનાવશે. આજે શું ખાશે મારી પરી દિકરી ?
હું..હું..મસાલા રાઈસ કહેતા બંને હોઠોને ભેગા કરી આનંદથી આંખો બંદ કરી પા.....બોલી , અને ખુબજ મસ્ત છે એવો એક હાથે ઈશારો કરતા કહ્યું બેસ્ટ..યમ્મી..આ સાભળતા જ રાજેશભાઈ હસી પડ્યા અને દિકરીને ભેટી પડ્યા. માથે કિસ કરતા બોલ્યા.
ઓહ તને શું પહેલેથી ખબર પડી જાય છે કે હું સાંજે શું બનાવવાનો છું ?
મમ્મીએ કીધું. કહેતા નિયતીએ દીવાલ પર મમ્મીના ફોટા સામે ઈશારો કર્યો. રાકેશે ત્યાં જોયું અને ફોટામાંથી મમ્મી ભારતી ની પણ સંમતી હતી કે હા મેં જ કહ્યું છે એને. બે ઘડી રાજેશભાઈ ભારતી અને નિયતિ બંનેને વારાફરતી જોઈ રહ્યા અને નિયતિનાં માથે હાથ ફેરવતા રસોડા તરફ નીકળ્યા.
ગયા જનમમાં કોઈ સારા પુણ્ય કર્યા હોય એના પ્રતાપે જ આ જન્મમાં દિકરીનાં પિતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય. દિકરીનો જન્મ થતા જ કહેવાય કે લક્ષ્મી આવી. જેના પગલાં હંમેશા શુકનિયાળ ગણાય. જેના એક સ્મિતથી પપ્પાનો આખા દિવસનો થાક ઉતરી જાય અને એક પપ્પીથી ગમે તેટલો દુખી બાપ ખુશ ખુશ થઇ જાય. બીજા દિવસની સવારે રોજની જેમ નિયતિ વહેલી ઉઠી ગઈ હતી પપ્પા રાજેશ નિયતિનું માથું ઓળી રહ્યા હતા.., એના મોઢા ઉપર પાવડર લગાડ્યો , નિયતિની સ્કુલ બેગ તૈયાર કરી , વોટર બેગ લાવી ને મૂકી..અરીસા સામે નિયતિ પોતાને જોઈ ચાળા પાળતી હતી...
ચાલો લ્યો આ ખાઈ લ્યો બેટા.
પપ્પા નાસ્તો લઈને આવ્યા હતા. નિયતીએ પ્રથમ આનાકાની કરી,
બેટા સ્કુલમાં જવું છે ને, મોડું થાય છે. ચાલો. લ્યો ફટાફટ ખાઈ લ્યો. પ્લીઝ. પપ્પાના પ્લીઝ છતાય નિયતિની ખાવાની આનાકાની ચાલુ જ હતી.
ચાલો હું કાન પકડું ? ભૂલ થઇ હોય તો માફ કરજો મને.
નિયતિ એની મસ્તીમાં મગ્ન હતી આખરે પપ્પા રિસાઈ ગયા અને હવે વારો હતો નિયતિનો.
પપ્પા...સોરી...
નિયતિએ પપ્પાને મનાવવા કાન પકડ્યા, માફી માંગી અને આખરે પપ્પાએ નિયતિને નાસ્તો ખવડાવ્યો. નિયતિના ગળામાં રૂમાલ લાળીયું બાંધીએ એમ બાંધ્યો હતો તોય નિયતિનાં મોઢે અને ડ્રેસ પર ખાવાનું પડ્યું. જે પપ્પાએ સાફ કરી આપ્યું. દિકરીએ પણ પપ્પાને વ્હાલથી નાસ્તો ખવડાવ્યો. અને પપ્પાનું અનુકરણ કરતી હોય એમ નિયતિએ પણ એમનું મોઢું સાફ કર્યું. નાસ્તા બાદ પાણી પીધું અને નિયતિ અરીસા સામે પોતાને જોઈ હરખાવા લાગી. ત્યાં સુધી પપ્પા નાસ્તાની ડીશ અને ગ્લાસ રસોડામાં મૂકી આવ્યા. બેડ પર પડેલી એકાદ બુક ઉપાડીને જોવા લાગ્યા.
પપ્પા હું કેવી લાગુ છું...??
ઢીંગલી જેવી. નોટબુકમાં ધ્યાન જતા જ પપ્પા બોલ્યા.
આ શું ? હોમવર્ક કેમ બાકી રાખ્યું ?
થોડીવાર સુધી શાંતિ છવાઈ ગઈ, પપ્પા દીકરીને જ જોઈ રહ્યા હતા, અને દીકરી ચોરી પકડાઈ ગઈ હોય એમ આંખ નહોતી મેળવી શકતી. ચકલી દાણો ઉપાડતા આમતેમ જુએ એમ જોતા નિયતિ બોલી.
એમજ.
એમજ ન હોય ચાલો પૂરું કરો જલ્દી.
નાં..
બેટા જીદ નહિ યુ આર માય બેસ્ટ પરી ને ?
યસ. હું પપ્પાની પરી. કહેતા પપ્પાને વળગી પડી.
તો ચાલ હવે ફટાફટ જે થોડું હોમવર્ક બાકી છે...એ લખી નાખ...
નાં નાં મારે હોમવર્ક નથી કરવું..
બેટા હોમવર્ક તો કરવું જ જોઈએ...મારી ડાહી દીકરી....આવ જોઉં.
પપ્પાએ હોમવર્કની બુક આપતા કહ્યું અને નિયતિએ એમાં ફટાફટ બાકીનું લેશન કરવા માંડ્યું.
અરે અરે બેટા , અક્ષર તો સારા કાઢ...ચાલ બરાબર લખ. લાવ હું લખાવું.
આખરે રાજેશે નિયતિને લખતા શીખવ્યું અને જોતજોતામાં તો કોઈ સ્કોલર સ્ટુડન્ટની જેમ નિયતિએ લેસન પૂરું કરી નાખ્યું, કહેવાય છે કે સ્પેશ્યલ ચાઈલ્ડ ને ઉપરવાળો કોઈ આંતરિક શક્તિ આપે છે. જે સામાન્ય લોકોથી અલગ હોય છે. નિયતિમાં પણ કોઈક એવી શક્તિ ઉપરવાળાએ આપી જ હશે. લેશન પૂરું થયું પપ્પાએ નિયતિનાં ચોપડા બેગમાં મુક્યા. અને નિયતિ ને સ્કુલ બેગ પહેરાવતા વોટર બોટલ આપી.
ચાલો બેટા બ્હાર નીકળો હું ઘરને તાળું મારીને આવું છું.
ક્રમશ: