“ડાયરી”
નિયતિને હું નાની હતી ત્યારથી ઓળખું છું, એમ કહોને કે એ મારા ખોળામાં જ મોટી થઇ છે. આમ તો ઘણા સમયથી નિયતિની ડાયરીનાં પાના આંખ સામે દેખાતા હતા, પણ એને શબ્દોમાં ઉતારવા રોજ વિચારતો અને અટકી જતો, “નિયતિ” એ હંમેશા આંખ સામે આવી જતી અને જ્યારે જ્યારે નિયતિ સામે આવે ત્યારે આંખો ભરાઈ જાય. છતાંય નિયતિ સાથે નિયતિએ કરેલા વ્યવહારને આપ સૌ સાથે શેયર કરવાની ઈચ્છા રોકી ન શક્યો અને આજે કલમ ઉપાડી.
દિકરી મારી લાડકવાયી લક્ષ્મીનો અવતાર , એ સુએ તો રાત પડેને જાગે તો સવાર...
પપ્પા રાજેશ ભાઈની લાડકી નિયતિ, પપ્પાના મોઢે હાલરડું સાભળ્યા વગર સુતી જ નહિ. અમદાવાદનાં વરાછા વિસ્તારમાં સરસ મજાના ટેનામેન્ટમાં રહેતા રાજેશ ભાઈ ડાયમંડનાં વ્યવસાયમાં હતા, ભગવાન સ્વામિનારાયણનાં ચુસ્ત ભગત , રોજ મેમનગર ગુરુકુળ સ્વામિનારાયણ મંદિર જવાનો નિયમ. રાજેશભાઈ એકલા રહે એમના પત્ની ભારતી જેમને એક દિવસ ઓચિંતા જ લાસ્ટ સ્ટેજનું કેન્સર ડિટેકટ થયું અને ત્રણ મહિનાના ટૂંકા ગાળામાં રાજેશભાઈ અને એકની એક દીકરી નિયતિ ને છોડી ધામમાં ચાલ્યા ગયા.
લગભગ ૧૫ વર્ષની નિયતિ દેખાવે સુંદર, રમતિયાળ, એની ભાષા માત્ર એના પપ્પાને જ સમજાય, શબ્દો બોલી ન શકે આંખોની ભાષામાં વાત કરે, માનસિક રીતે અસ્થિર નિયતિ પપ્પાની લાડકી કેમકે રાજેશ ભાઈ જ એની દુનિયા હતા. નિયતિને લઈને રાજેશભાઈ ભગવાન સ્વામિનારાયણનાં દર્શને જતા, નિયતિ ખુબ ખુશ થઇ જતી. એક દિવસ દીકરીને સાથે લઈને મંદિરે આવેલા રાજેશભાઈ દર્શન કરતા હતાં અને અચાનક નિયતિ ગાયબ થઇ ગઈ. રાજેશ ભાઈ પરેશાન થયા ત્યાં અવાજ સંભળાયો.
અરે અરે કોઈ પેલી છોકરીને રોકો, પડી જશે.
મંદિરના લગભગ ૨૧ પગથીયા નિયતિ એકી સાથે ઉતરી રહી હતી. રાજેશ ભાઈએ આ જોયું અને એમના મોઢેથી ચીસ નીકળી.
નિ..ય..તિ...
એ પણ દોડ્યા નિયતિ પાછળ. આસપાસના લોકો એમને સંભાળે એ પહેલાતો રાજેશભાઈ ત્રણ ચાર પગથીયા ઉતારી ગયા અને આગળ વધ્યા.
અરે અરે સંભાળ નીયતિ બેટા પડી જઈશ...
નિયતિ એની મોજમાં ધડાધડ પગથીયા ઉતરી મંદિરના ચોકમાં પહોચી ગઈ, એકસાથે અનેક લોકોના હૈયામાં હાશકારો થયો, બધાએ પ્રભુ સ્વામિનારાયણનો પાડ માન્યો.
ભગવાનના મંદિરે ક્યારેય કોઈ અઘટિત ઘટના નો થાય. જય સ્વામિનારાયણ.
જય સ્વામિનારાયણ.
એક સ્વામીએ સર્વે ભક્તોને સંબોધીને કહ્યું. અને બધાએ એમને જય સ્વામિનારાયણ કર્યા, હાથ જોડ્યા. નીચે મંદિરના પ્રાંગણમાં નિયતિ ઝાડની તરફ દોડી. પપ્પા રાજેશ પણ એની પાછળ પાછળ દોડ્યા. નિયતિ હસતા હસતા ઝાડની આગળ પાછળ દોડવા લાગી જાણે ખિસકોલી કોઈ ઝાડની આસપાસ રમતી હોય એમ. ઓટલે બે ત્રણ વૃદ્ધો પણ બેઠા હતા.
અલી જરાક ધીમે, પડી જઈશ.
સંભાળને બાપલીયા.
નિયતિને પકડવા એની પાછળ એના પપ્પા રાજેશભાઈ હતા. પણ પતંગિયા જેવી ઉડતી દોડતી નિયતિ હાથમાં આવે એવી નહોતી. થોડીક મસ્તીભરી દોડધામ બાદ આખરે રાજેશ ભાઈએ નિયતિને પકડી લીધી, બન્ને ઝાડ નીચે બેઠા.
તે તો પપ્પાને થકવી નાખ્યા, ચાલો હવે.
હા..હ..કરતા નિયતિ ફરી ઉઠીને એની મસ્તીમાં દોડવા લાગી અને આ વખતે નિયતિની મસ્તી પણ વધી હતી એ, એને મઝા પડી ગઈ, પપ્પા સામે જોઈ એમને પડકારતી હતી કે આવો મને પકડી બતાડો. રાજેશ દિકરીને પકડવા જાય કે હાથમાં ન આવે, અલ્લડ નિયતિની સાથે ચોકના પક્ષીઓ પણ ગેલમાં આવી ગયા કાબર, ચકલી બધી જાણે નિયતિની બેનપણી હોય એમ ચી ચી..કાં..કાં...કરી એને પાનો ચઢાવતા હતા. આસપાસના લોકોનેય બાપ દિકરીની પ્રેમાળ રમત જોવાનું ગમવા લાગ્યું બધા એન્જોય કરતા હતા. મગજની અસ્થિર અને ચાલવા દોડવામાં પણ બેલેન્સ ન જાળવી શકનારી નિયતિ અચાનક પડી.
આ......એના મોઢામાંથી ચીસ નીકળી ગઈ.
નિયતિ...નિયતિ..બેટા...વાગ્યું તો નથી ને ? પપ્પા તરત જ નિયતિ પાસે દોડી આવ્યા સાથે આજુબાજુ બેઠેલા બે ચાર ભક્તો પણ પાસે આવ્યા.
લાઈગુ તો નથ ને દિકરીને ? એક વડીલ બોલ્યા.
અલી થોડીક ધીમી દોડતી હો તો.
આ તારા બાપાને શીદ આટલો દોડાવે સે.
લાગ્યું મારી દિકરીને ? પપ્પા બોલ્યા.
નાં. નિયતીએ પપ્પા ને જોઈ એની આંખોમાં જોયા જ કર્યું અને ગોઠણ પર હાથ ઘસતા ફરી ઇશારે બોલી.
નાં નાં. નથી વાગ્યું.
રાજેશ ભાઈ હજુ પણ ઝળઝળિયાં સાથે દિકરીને જોઈ રહ્યા વ્હાલી ઢીંગલીએ એના નાનકડા હાથથી પપ્પાની આંખો લૂછતાં ફરી કહ્યું.
સોરી. હું પડી ગઈને ? હવે આવું નહિ કરું.
ક્રમશ :