Jokar - 54 books and stories free download online pdf in Gujarati

જોકર – સ્ટૉરી એક લુઝરની – 54

જોકર – સ્ટૉરી એક લુઝરની

ભાગ – 54

લેખક – મેર મેહુલ

વિક્રમ દેસાઈ રોષે ભરાયો હતો.હસમુખ નિધીને મળીને આવ્યો હતો. નિધીએ જે જે શબ્દો કહ્યા હતા એ જ શબ્દો હસમુખે આવીને વિક્રમ દેસાઈને કહ્યા હતા.વિક્રમ દેસાઈ કોઈ નાનીસૂની વ્યક્તિ નહોતો.એક છોકરી માટે પોતાની આબરૂ સરેઆમ રોળાઈ એ વિક્રમ દેસાઈ કોઈ દિવસ સહન નહોતો કરી શકતો.

“કાલે સવારે બંને મારી નજર સામે જોઈએ”વિક્રમ દેસાઈએ લાલ આંખો કરીને કહ્યું.

એ જ સમયે રેંગો આવી ચડ્યો. મામલો શું ચાલતો હતો એ જાણ્યાં વિના રેંગાએ પોતાની વાત કહી,“પેલો વ્યક્તિ કોણ છે એની બાતમી મળી છે”

“કોણ છે?”વિક્રમ દેસાઈએ પૂછ્યું.

“જૈનીત જોશી”રેંગાએ કહ્યું, “મને એનાં પર શંકા જાય છે”

“આ એ જ છોકરો છે ને?”વિક્રમ દેસાઈએ પૂછ્યું.

“હા એ જ છોકરો છે”હસમુખે કહ્યું, “દોઢ વર્ષ પહેલાં આપણે એને કૉલેજમાં બદનામ કર્યો હતો. મને લાગે છે એ બધી વાતોનો બદલો લઈ રહ્યો છે”

“એનાં વિશે નાનામાં નાની માહિતી મેળવો”વિક્રમ દેસાઈએ આદેશ કર્યો, “છેલ્લાં બે વર્ષમાં એ ક્યાં હતો,તેણે શું શું કર્યું,કોને મળ્યો હતો એ બધી માહિતી મારે જોઈએ છે.એનાં માટે જેટલાં લોકોને ખરીદવા પડે ખરીદી લો.જેટલાં રૂપિયા આપવા પડે આપી દો.કાલે એ મારાં કદમોમાં જોઈએ”

“થઈ જશે”રેંગો અને હસમુખ એક સાથે બોલ્યા.

“જાઓ હવે,મારું મોઢું જોઈને શું ઉભા છો?”વિક્રમ દેસાઈએ રાડ પાડી.બંને પહેલી ફુરસતમાં બહાર નીકળી ગયાં.

*

હું સુવાની કોશિશ કરતો હતો પણ મને ઊંઘ નહોતી આવતી.કંઇક અજુગતું બનવાનું છે તેનો અંદેશો મને આવી ગયો હતો.હસમુખ પટેલ કોણ છે એ મને અચાનક યાદ આવ્યું હતું. આબુમાં હું જ્યારે ક્રિશાને મળ્યો હતો ત્યારે તેણે તેનાં અંકલનું નામ હસમુખ પટેલ જ કહ્યું હતું અને એ પણ સુરતના જ હતાં.હવે ક્રિશા જે હસમુખ પટેલની વાત કરી રહી હતી અને આ જે હસમુખ પટેલ હતો એ એક જ હતા કે જુદાં જુદાં એ જાણવા માટે મારે ક્રિશાને મળવાનું હતું.એનો નંબર મારી પાસે હતો,સવારે ઉઠીને પહેલાં ક્રિશાને મળવાનું હતું.

હું વિચારોમાં ખોવાયેલો હતો એટલામાં જ મારો ફોન રણક્યો.કોઈ અજાણ્યો નંબર હતો.

“હેલ્લો કોણ?”મેં કહ્યું.

“નિધીનો ભવિષ્યનો પતિ બોલું છું”થોડો ઘેરો અને અજાણ્યો અવાજ હતો.

“અરે કોણ બોલે છે તું”જાણીજોઈને હું અજાણ્યો બન્યો.સામે કોણ હતું એ મને ખબર હતી.

“તું જેને પ્રેમપત્રોવાળી ચિઠ્ઠી લખીને મીઠી મીઠી વાતો કરે છે ને એ જ વ્યક્તિ બોલું છું. આજે મેં ફેસ ટુ ફેસ મિટિંગ ગોઠવી છે.આવી જા”

“તું બોલે છે કોણ એ તો કહે પહેલા…”

“વિક્રમ દેસાઈ બોલું છું”આખરે એ બોલ્યો.

“કોણ વિક્રમ દેસાઈ?,હું કોઈ વિક્રમ દેસાઈને નથી ઓળખતો”

“તારી મમ્મીને તો ઓળખે છે ને?”તેણે કહ્યું, “લાલજીએ જે કર્યું એ મને ખબર છે અને તારી મમ્મી અત્યારે મારી પાસે છે.મળવું હોય તો એડ્રેસ સેન્ડ કરું છું. જલ્દી આવી જા નહીંતર એ ફરી એ જ જગ્યાએ ચાલી જશે જયાંથી હું એને લઈને આવ્યો છું”

ફોન કટ થઈ ગયો.શું કરવું એ મને સમજાતું નહોતું. મારાં મમ્મી વિશે એ જાણી ગયો હતો.કોઈપણ હાલતમાં હું તેને મળવાનો હતો.મને જુવાનસિંહ યાદ આવ્યાં.હું જ્યારે પણ મુસીબતમાં ફસાઉ ત્યારે તેને યાદ કરવા તેણે મને કહ્યું હતું.જેવો વિક્રમ દેસાઈનો મૅસેજ આવ્યો એટલે મેં જુવાનસિંહને મૅસેજ ફોરવર્ડ કરી એ જગ્યા પર આવી જવા કહ્યું.

મને ખબર નહોતી મારી સાથે શું થવાનું હતું.જો મારું મિશન અહીં અટકી જાય તો કોઈ મારી ડાયરી વાંચીને આ મિશન આગળ ધપાવે એ ઈરાદાથી મેં આ બધી વાતો ડાયરીમાં ઉતારી દીધી,બેગમાં જરૂરી સમાન ભર્યો.મેં પહેલેથી જ આવા સમય માટે બુલેટપ્રુફ જેકેટ લઈ રાખ્યું હતું.એ જેકેટ પહેરી ઉપર કેસરી શર્ટ પર લાલ સ્યુટ પહેરી લીધો.ચહેરાને ફરી મેકઅપ નીચે છુપાઈને હું નીકળી પડ્યો.

***

“બસ અહીં સુધીની વાત મને ખબર છે, આગળ શું થયું એ જૈનીતે ડાયરીમાં નથી લખ્યું”ખુશાલે કહ્યું.ક્રિશાએ ઊંડો શ્વાસ લઈ છોડ્યો.

“મતલબ હસમુખ પટેલ કોણ છે એ જાણવા તમે લોકો મારાં સુધી પહોંચવા ઇચ્છતાં હતા?”ક્રિશાએ કહ્યું.

“જૈનીતની આ હાલત પાછળ હસમુખ પટેલ જ છે.તેણે જ કોઈ વ્યક્તિને ખરીદીને જૈનીતની માહિતી મેળવી હતી.રેંગા પાસેથી તો મેં બધી માહિતી ઓકાવી નાંખી છે.એણે પણ હસમુખ પટેલનું જ નામ આપ્યું હતું”

“એ કોઈ બીજી વ્યક્તિ હશે”ક્રિશાએ કહ્યું, “મારાં અંકલ કોઈ દિવસ આવું ન કરી શકે”

“બની શકે એવું”ખુશાલે કહ્યું, “મારે તો ખાતરી કરવી હતી”

“હું હવે તમારી સાથે છું”ક્રિશાએ સસ્મિત કહ્યું, “જો એ હસમુખ પટેલ મારાં અંકલ હશે તો પણ હું તમારો સાથ આપીશ અને મારે જૈનીતને મળવું છે.એ ક્યાં છે હાલ?”

“હાલ એ સુરક્ષિત છે અને સેફ જગ્યાએ છે.કાલે હું એની પાસે તને લઇ જઈશ.તેનાં જીભમાં દાંત પેસી ગયાં હતા એટલે એ હાલ બોલી નથી શકતો,હવે એ પણ ઠીક થવા આવ્યું છે. કાલે આપણે બધા તેની સાથે શું થયું એ જાણી લેશું”

“સારું”ક્રિશાએ કહ્યું, “હું તેને મળવા બેચેન છું”

“વહેલી સવારે હું તને પિક કરી જઈશ”કહેતાં ખુશાલ ઉભો થયો.

“ચોક્કસ”ક્રિશા પણ ઉભી થઇ અને ખુશાલને હગ કર્યો.બંને છુટા પડ્યા.

*

જૈનીતે આંખો ખોલી ત્યારે તેની સામે ચાર વ્યક્તિ ઊભાં હતાં.જેમાં બકુલ,નિધિ,ખુશાલ અને ક્રિશા શામેલ હતા.જૈનીતને સાજો થયેલો જોઈને સૌના ચહેરા પર એક ખુશીની લહેર ફરી વળી હતી.તેઓમાં નિધિ સૌથી વધારે ખુશ જણાતી હતી.નિધિ જ હતી જેણે છેલ્લાં બે અઠવાડિયામાં જૈનીતની સંભાળ લીધી હતી.જૈનીતની બદલાતી સ્થિતિમાં પળપળની ખબર રાખી હતી.જૈનીત પંદર દિવસમાં બોલવા લાયક સ્થિતિમાં આવ્યો તો એ નિધીને આભારી જ હતું.પહેલાં જ્યારે જૈનીતને નિધિની જરૂર હતી ત્યારે એ એની પાસે નહોતી અને એની જ કમી નિધીએ આ વખતે પુરી કરી દીધી હતી.

જૈનીતે ખુશાલ સામે જોયું.જૈનીત રોજ ખુશાલનો અવાજ સાંભળતો.ખુશાલ દિવસ દરમિયાન જે જે ઘટના બની હોય એ આવીને જૈનીતને જણાવતો.જૈનીતે ખુશાલ સામે સ્મિત કર્યુ,એ ખુશાલનો આભાર વ્યક્ત કરતો હતો. ખુશાલે જે પરિસ્થિતિમાં જૈનીતનો સાથ આપ્યો હતો એ જોતાં ખુશાલ જૈનીત માટે ફરિસ્તાથી ઓછો નહોતો.

જૈનીતને સૌની સાથે વાતો કરવી હતી પણ હજી તેની જીભ એ હાલતમાં નહોતી.જૈનીત માત્ર તૂટક તૂટક શબ્દો બોલી શકતો હતો.

“નિધિ…”જૈનીતે નિધિ તરફ જોયું.છેલ્લાં કેટલાક દિવસોમાં નિધિ નિઃસ્વાર્થપણે જૈનીતનો સાથ આપીને એ સાબિત કરી બતાવ્યું હતું કે નિધિ હજી જૈનીતને એટલો જ પ્રેમ કરે છે.

“અહીં જ છું”નિધીએ જૈનીતનો ચહેરો હથેળીમાં લઈને કહ્યું.

“આઈ…એમ…સૉરી”જૈનીતે તૂટક અને દર્દ ભર્યા અવાજે કહ્યું.

“કશું બોલવાની જરૂર નથી તારે”નિધીએ જૈનીતના હોઠ પર આંગળી રાખી કહ્યું.

“આ બાજુ પણ નજર કરી લે દોસ્ત”બકુલે હસીને કહ્યું, “અમે પણ અહીં ઉભા છીએ”

જૈનીતે બકુલ સામે જોયું.બકુલની આંખોમાં આંસુ હતા,ચહેરા પર સ્મિત હતું અને બંને હાથો ફેલાયેલા હતા.બકુલ જૈનીત તરફ આવ્યો અને ગળે લાગી ગયો.

“ક્રિશા..?”બકુલની પાછળ ઉભેલી ક્રિશાને જોઈને જૈનીતે કહ્યું.

“હજી ઓળખે છે?”ક્રિશાએ હસીને કહ્યું.

“તને..કેવી..રીતે..ભૂલું”જૈનીતે એ જ તૂટક અવાજે કહ્યું.

“હસમુખ અંકલ સુધી પહોંચવા યાદ રાખીને મને?”ક્રિશાએ હસીને કહ્યું.

“તને કેવી રીતે ખબર પડી?”જૈનીતે કહ્યું,તેનો અવાજ હજી ધીમો હતો.

“મેં જ બધી વાત કહી એને”ખુશાલે કહ્યું, “તને જોઈને ખુશી થઈ,હવે મારે આ લિબાસ નહિ પહેરવો પડે”

“કોણે કહ્યું એક જ જોકર છે?”જૈનીતે કહ્યું, “મારી સાથે જેટલા લોકો છે એ બધાં જોકર જ છે”

“હાહા..સારું તો કામની વાત કરીએ હવે?”ખુશાલે પૂછ્યું.

(ક્રમશઃ)

જૈનીત ઠીક થઈ ગયો છે. તેની સાથે શું થયું હતું એ જાણવાનો સમય આવી ગયો છે.એ વ્યક્તિ કોણ છે જેણે જૈનીતની બાતમી આપી એ પણ ખબર પડી જવાની છે.કોણ હશે એ વ્યક્તિ?

સ્ટોરી કેવી લાગી એ જરૂર જણાવજો.મારી અન્ય સ્ટૉરી પ્રોફાઈલમાં છે જ.એ પણ જરૂર વાંચશો.અને આખરે વાંચતા રહો, જોકર – સ્ટૉરી એક લુઝરની.

-મેર મેહુલ

Contact - 9624755226

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED