જગતનો સમ્રાટ (ભાગ-15)
આગળના ભાગમાં આપણે જોયું કે સ્કુલમાં ચાલી રહેલ સન્માન સમારોહમાં આનંદ સરને એક ફોન આવે છે. ફોન પર મળેલ સમાચાર તેઓ પ્રથમ સ્કુલના આચાર્યને જણાવે છે. આચાર્ય સાહેબ આનંદ સરને મળેલ સમાચાર અત્યારે જ જાહેર કરવા માટે જણાવે છે. આનંદ સર તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોની હાજરીમાં રાષ્ટ્રીય કક્ષાની સાંસ્કૃતિક સ્પર્ધા માટે સ્કુલની ટીમની પસંદગી રાજ્ય સરકાર દ્વારા કરાઈ હોવાના સમાચાર આપે છે અને તેઓ આ સ્પર્ધા માટે વૃંદાવન જવાનું રહેશે તે પણ જણાવે છે. વિજેતા બનેલ ટીમથી લઈને સ્કુલના વિદ્યાર્થીઓ ખુશીથી ઝૂમી ઉઠે છે. બીજી તરફ રાજેશભાઈનો આચાર્ય સાહેબ પર ફોન આવે છે. તેઓ એક ખાસ વ્યક્તિ સાથે સ્કુલમાં હાજર થાય છે તે જણાવે છે. અને ખાસ તેઓ જૈનીષ અને દિશાને મળવા માટે આવી રહ્યા છે તેવા ન્યૂઝ આપે છે. જૈનીષ અને દિશા તેના પરિવાર સાથે સ્કુલથી નીકળે એ પેહલા જ તે વ્યક્તિની એન્ટ્રી સ્કુલમાં થાય છે. હવે આગળ,
#####~~~~~#####~~~~~#####
સ્કુલ કેમ્પસમાં પાંચ પાંચ BMW ગાડીઓની એન્ટ્રી થઈ અને સીધી તે મુખ્ય બિલ્ડિંગમાં આવેલ દરવાજા પાસે આવીને ઊભી રહી ગઈ. વચ્ચે રહેલ કારને બધા બોડીગાર્ડ સુરક્ષા કવચમાં ઘેરી લે છે. કારની ડ્રાઇવરની બાજુની સીટ પરથી રાજેશભાઈ ઉતરે છે અને તેઓ પાછળ આવીને કારમાં પાછળ બેઠેલ વ્યક્તિ માટે દરવાજો ખોલે છે. દરવાજો ખુલતા જ તેમાંથી બહાર આવે છે એક વ્યક્તિ. મુખ પર સૂર્ય સમાન તેજ અને ચેહરા પર હલકી મુસ્કાન સાથે તેઓ રાજેશભાઈનું અભિવાદન કરતા સ્કુલમાં દાખલ થાય છે જ્યાં સામે જ આચાર્ય સાહેબ, આનંદ સર અને જૈનીષ તથા દિશા એમના પરિવાર સાથે હાજર હોય છે.
આવનાર વ્યક્તિને જોઈને આચાર્ય સાહેબ ખુશીથી ઉછળી પડે છે અને તેઓ દોડીને તેમનું સ્વાગત કરવા માટે તેમની સમક્ષ પહોંચી જાય છે. ખૂબ જ સરળ વ્યક્તિત્વ ધરાવનાર એ વ્યક્તિ આચાર્ય સાહેબનું નમસ્કાર કરીને અભિવાદન કરે છે. આચાર્ય સાહેબ તેમને તરત જ પોતાની ઓફિસમાં દોરી જાય છે. જતાં જતાં એ વ્યક્તિની નજર જૈનીષ પર સ્થિર થાય છે અને તેઓ થોડી વાર માટે ત્યાં જ થંભી જાય છે. જૈનીષને જોઈને તેમના ચેહરા પર રહેલ તેજ વધારે નીખરી ઊઠે છે અને તેઓ થોડી ક્ષણો માટે પોતાની આંખો બંધ કરીને મુસ્કાન સાથે પોતાના બંને હાથ જોડીને મનમાં ઈશ્વરનું સ્મરણ કરે છે.
રાજેશભાઈ તેમને આચાર્યની ઓફિસમાં જવાનું કહે છે અને તેઓ આનંદ સર સાથે જૈનીષ, દિશા અને તેમના માતા પિતા તરફ આગળ વધે છે અને તેમની સમક્ષ પહોંચી ઊભા રહે છે. રાજેશભાઈ જેવા ઊભા રહ્યા તરત જ જૈનીષ તેમને સવાલ કરે છે કે, "આ વ્યક્તિ કોણ છે?" "શા માટે તેઓ અમને મળવા માંગે છે?" "આજ પેહલા એમને ક્યારેય આપણી સ્કુલના કોઈપણ પ્રસંગમાં જોયા જ નથી, તો આમ અચાનક ક્યાંથી?"
રાજેશભાઈ હલકી સ્માઈલ આપી ત્યાં હાજર બધાના ચહેરા પર એક નજર ફેરવે છે અને તે સમજી જાય છે કે સવાલો ભલે જૈનીષ પૂછે છે પણ જાણવાની ઉત્સુકતા ત્યાં હાજર તમામ લોકોમાં એટલી જ છે જેટલી જૈનીષને હોય છે. તેઓ થોડી ક્ષણો સુધી બધાને જુએ છે અને પછી તેઓ અહી સ્કુલમાં પધારેલ વ્યક્તિનો પરિચય આપવા માટે તૈયાર થાય છે. ત્યાં જ આચાર્ય સાહેબની ઓફિસમાંથી પટાવાળો આવીને બધાને સાહેબની ઓફિસ પાસે આવેલ મીટીંગ રૂમમાં આવવાનું કહીને જતો રહે છે. રાજેશભાઈ કહે છે, "લાગે છે આજે ગુરુજી પોતાનો પરિચય જાતે જ આપવા માંગે છે. તો ચાલો બધા જઈએ."
થોડી જ વારમાં જૈનીષ, દિશા, બંનેના માતા પિતા, રાજેશભાઈ, આનંદ સર મીટીંગ રૂમમાં આવીને પોતાના સ્થાન લઈ લે છે. જ્યાં આચાર્ય સાહેબ અને રાજેશભાઈ જેમને ગુરુજી કહે છે તેઓ પેહલા જ આવી ગયા હોય છે. થોડા સમયના મૌન બાદ આચાર્ય સાહેબ વાતની શરૂઆત કરે છે.
આચાર્ય:- આપનું તો માત્ર નામ અને તમારા કામની ચર્ચા જ સાંભળી છે. વિચાર્યું નહોતું કે જીવનમાં ક્યારેય રૂબરૂ મુલાકાતનો અવસર પણ મળશે. આપની આજ્ઞા હોય તો અહી ઉપસ્થિત લોકોને તમારો પરિચય આપી દવ છું.
જેવા આચાર્ય સાહેબ આગળ બોલવા જાય તે પેહલા તો તે વ્યક્તિ તેમને હાથથી ઈશારો કરીને રોકે છે અને એક મંદ હાસ્ય સાથે આંખોથી જ કહે છે કે "મારો પરિચય હું જાતે જ આપીશ." ત્યારબાદ તે વ્યક્તિ ઊભા થાય છે અને પોતાની ઓળખાણ ઉપસ્થિત લોકોને આપવા માટે તૈયાર થાય છે. પરંતુ રાજેશભાઈ તરત જ આ વ્યક્તિ પાસે આવી ગયા અને તેમને કઈક કહેવા જાય છે અને તે વ્યક્તિ જાણે રાજેશભાઈ ની મનની વાત સાંભળી ગયા હોય તેમ એને મૂક સંમતિ આપે છે.
રાજેશભાઈના ચેહરા પર એક અલગ ખુશી તરી આવી અને આ વ્યક્તિ કે જેને તેઓ ગુરુજી કહીને સંબોધે છે તેમનો પરિચય આપવાની શરુઆત કરે છે.
"સમગ્ર ભારતની એક માત્ર એવી સંસ્થા કે જ્યાં પ્રાચીનકાળની ગુરુકુળ પરંપરા પ્રમાણે આજે પણ આવનાર ભવિષ્યની પેઢીઓને તૈયાર કરવામાં આવે છે, તેવી "કૈલાશધામ" ના સ્થાપક અને સંચાલક, મારા ગુરુજી."
"આ સંસ્થાની ખાસિયત છે તેના વિદ્યાર્થીઓ. આખા દેશમાંથી તેમને ખાસ કૈલાશધામ માટે પસંદ કરવામાં આવે છે. જન્મથી જ ખાસ પ્રતિભા અને ગુણો ધરાવતા કોઈપણ જાતિ કે ધર્મના બાળકને એની ઈચ્છાથી કૈલાશધામમાં આગળ ભણવા માટે તક મળે છે. પરંતુ પ્રવેશનો છેલ્લો નિર્ણય હંમેશા ગુરુજી જ લેય છે. મારા સારા કર્મો ગણો કે નસીબ, હું ગુરુજીની સંસ્થામાંનો જ એક છું અને આજે મને એક તક મળેલ છે ગુરુજી માટે કઈક કરવાની."
#####~~~~~#####~~~~~#####
ગુરુજી વિશે જાણીને બધાના શું હાવભાવ હશે ?
શા માટે તેઓ અહીંયા આવ્યા છે ?
શું એમનું જૈનીષ કે દિશા કે બંને સાથે કોઈ કનેક્શન છે ?
જોઈશું આવતા ભાગમાં,
રાધે રાધે
હર હર મહાદેવ