Emporer of the world - 14 books and stories free download online pdf in Gujarati

Emporer of the world (જગતનો સમ્રાટ) - 14

જગતનો સમ્રાટ (ભાગ-14)

આગળના ભાગમાં આપણે જોયું કે રાજ્યકક્ષાની સ્પર્ધામાં પ્રથમ વિજેતા ઘોષિત કર્યા બાદ જૈનીષ, દિશા અને બીજા વિદ્યાર્થીઓની સાથે સાથે આનંદ સર અને મીતાબેનનું સ્કુલમાં ભવ્ય સ્વાગત કરવામાં આવે છે. સ્કુલના મેદાનમાં પંડાલ બાંધીને તેમાં એક સ્ટેજ તૈયાર કરી તમામ વિજેતાઓને ઇનામો આપી સન્માનિત કરવામાં આવે છે, તથા જૈનીષ અને દિશાને પણ વિશેષ મહત્ત્વ આપીને તેમનું સન્માન તેમના માતા પિતા દ્વારા કરાવવામાં આવે છે. તદુપરાંત આનંદ સર અને મીતાબેનને પણ તેમના વિશેષ પ્રયત્નો અને મેહનત માટે તેમનું પણ અભિવાદન કરવામાં આવે છે. સન્માન સમારોહ દરમિયાન આનંદ સરને એક ફોન આવે છે અને તેઓ ફોન પર થયેલ વાતચીત આચાર્ય સાથે શેર કરે છે. આચાર્ય તેમને આ સમાચાર તમામ વિદ્યાર્થીઓને જણાવવા માટે કહે છે. હવે આગળ,


#####~~~~~#####~~~~~#####

સ્કુલના મેદાનમાં ચાલી રહેલ સન્માન સમારોહના લીધે તમામ વિદ્યાર્થીઓ તેમજ સ્કુલના શિક્ષકો પણ અત્યારે મેદાનમાં હાજર હોય છે, એવામાં આનંદ સરને ફોન કોલથી મળેલ સમાચાર તેઓ પ્રથમ આચાર્યને આપે છે. આચાર્ય સાહેબ આનંદ સરને આ સમાચાર અત્યારે જ બધાને જણાવા માટે પોતાની સંમતિ આપે છે અને આનંદ સર તરત સ્ટેજ પર મૂકવામાં આવેલ માઈક તરફ આગળ વધે છે.

મેદાનમાં ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું ધ્યાન ત્યારે માત્ર જૈનીષ અને દિશાના તેમના માતા પિતા દ્વારા કરવામાં આવતા પ્રેમ અને વહાલ તરફ જ હોય છે. અચાનક આનંદ સર માઈકમાં કઈક બોલીને સ્ટેજ પર હાજર તમામ અને પંડાલમાં ઉપસ્થિત બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચે છે. સ્કુલમાં ઉપસ્થિત રહેલ બધાના મનમાં એક જ પ્રશ્ન હતો કે હજી શું બાકી રહી ગયું ? અને આ પ્રશ્ન જૈનીષ અને દિશાના મનમાં પણ અત્યારે ચાલી રહ્યો હતો. તેમનું ધ્યાન પણ અન્ય લોકોની જેમ અત્યારે આનંદ સર જે બોલવા જઈ રહ્યા છે ત્યાં સ્થિર થાય છે.


આનંદ સર:- " રાજ્યકક્ષાએ પ્રસ્તુત કરવામાં આવેલ "રાધાકૃષ્ણનો રાસ" કેટલો સફળ રહ્યો એ તો આપ સૌને ખબર જ છે. સાક્ષાત નજરે નિહાળ્યો છે જેમણે તેઓ તો આ કૃતિને શબ્દોમાં કહી શકવા માટે અસમર્થ છે. પરંતુ આ કૃતિની રાજ્યકક્ષાએ વિશિષ્ટ નોંધ લેવાઈ છે. રાજ્યના શિક્ષણ મંત્રાલય દ્વારા આપણી કૃતિ "રાધાકૃષ્ણનો રાસ" ને આવતા વર્ષે યોજાનાર રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા માટે પસંદ કરવામાં આવી છે. રાજ્ય સરકાર તરફથી જરૂરી તમામ સુવિધાઓ આખી ટીમને પૂરી પાડવામાં આવશે, અને સ્પર્ધા માટેનો પ્રવાસ ખર્ચ પણ તેઓ જ આપવાના છે."


સમાચાર સાંભળીને વિદ્યાર્થીઓ તો ખુશીના માર્યા નાચવા જ લાગે છે. જ્યારે સ્ટેજ પર ઉપસ્થિત જૈનીષ અને દિશા તો ખુશી અને આશ્ચર્યના મિશ્ર ભાવમાં એકબીજાની સામે જોઈને જ સ્મિત કરી રહ્યા હોય છે. બંનેના માતા પિતા પણ આ સમાચાર સાંભળીને ખૂબ જ ખુશ થઈ જાય છે. દિશા તેના માતા પિતા પાસેથી ચાલીને જૈનીષ પાસે આવીને ઊભી રહે છે. બીનીતભાઈ અને રમીલાબેન દિશાને ગળે વળગાડી એને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. તેમનો આભાર માની દિશા જૈનીષને કહે છે, " જોઈ લે, તારી વાંસળીની અસર. કોણ જાણે ક્યાં ક્યાં સુધી આના પડઘા પડશે."


જૈનીષ :- "કાન્હાની વાંસળી જ પર્યાપ્ત નથી કે જેના પડઘા પડે છે, એ તો રાધાના નૃત્યનો સંગાથ છે જે ગુંજે છે સમગ્ર જીવસૃષ્ટિમાં."


આ સાંભળીને તો દિશા જાણે ખોવાઈ જ ગઈ. બીજી બાજુ જૈનીષના મોઢે આવું પ્રેમભર્યું વાક્ય સાંભળીને સ્ટેજ પર હાજર બીનીતભાઈ, રમીલાબેન, દિનેશભાઈ અને શાલિની બેનના ચેહરાઓ પણ ખીલી ઊઠે છે. શાલિનીબેન તો જૈનીષને "વાહ, મારા કાનુડા !!" એમ કહીને થોડી મજાક પણ કરી લેય છે. બીજી બાજુ આનંદ સરને કંઇક યાદ આવતા તેઓ પાછા માઈક તરફ ફરે છે.


આનંદ સર:- "આપ સૌને એક વાત કેવાનું તો ભૂલાય જ ગયું. રાષ્ટ્રીય કક્ષાની સાંસ્કૃતિક સ્પર્ધા જ્યાં યોજાવા જઈ રહી છે તે સ્થળ છે.......... "વૃંદાવન".......

વૃંદાવનમાં સ્પર્ધા થવા જઈ રહી છે આ સાંભળીને બધાને ખરેખર આશ્ચર્ય થાય છે અને એમાંય થોડી વાર પેહલા જ સ્ટેજ પર જૈનીષ અને દિશાના પરિવાર વચ્ચે બંનેના નાનપણની યાદોને લઈને જે મજાક થતી હતી તેના કારણે તેમને વધારે નવાઈ લાગે છે કે નિયતિએ શું સાચે જ બંનેને રાધાકૃષ્ણની જેમ જોડ્યા છે ? છેવટે જે થશે એ સારું અને શુભ જ થશે એવું માનીને તેઓ પણ ખુશ થાય છે. આખરે બધા સમારોહ સંપન્ન કરીને પોતપોતાના કામે જવા નીકળે છે અને આજના દિવસે સ્કુલમાં રજા આપવામાં આવે છે.

સ્કુલમાંથી વિદ્યાર્થીઓ ઘરે જવા નીકળી જાય છે અને છેલ્લે જૈનીષ અને દિશા તેમના માતા પિતા સાથે નીકળવાની તૈયારી કરી રહ્યા હોય છે ત્યાં જ સ્કુલમાં પાંચ BMW કારોનો કાફલો દાખલ થાય છે. જેવી ગાડીઓ સ્કુલના મુખ્ય ગેટથી અંદર આવે છે તે જ ક્ષણે સ્કુલના આચાર્ય જૈનીષ અને દિશા તથા તેમના માતા પિતાને શોધવા માટે આનંદ સર અને એક ક્લાર્ક સાથે આવે છે. થોડી વાર પેહલા જ આચાર્યને રાજેશભાઈનો ફોન આવે છે અને તેઓ તેમને જણાવે છે કે તેઓ એક મોટી હસ્તીને લઈને સ્કુલમાં આવી રહ્યા છે. તેઓ ખાસ જૈનીષને મળવા માટે આવી રહ્યા છે. એમનું નામ જાણીને આચાર્ય સાહેબ તરત જ આનંદ સર અને એક ક્લાર્કને લઈને જૈનીષને શોધવા નીકળી પડે છે. એમને જાણ હતી જ કે હજી તેઓ સ્કુલમાં જ હશે અથવા નીકળતા જ હશે.


પાંચેય BMW કાર સ્કુલના મેઈન બિલ્ડિંગ પાસે આવીને ઊભી રહી ગઈ. પ્રથમ બે કાર અને છેલ્લી બે કારમાંથી બોડીગાર્ડ ઉતરીને બિલ્ડિંગના મુખ્ય દરવાજા સુધી ગોઠવાય જાય છે અને સાથે ત્રીજી કારને પણ કવર કરે છે. ત્રીજી કારમાં ડ્રાઇવરની બાજુની સીટ પરથી રાજેશભાઈ ઉતારીને પાછળનો દરવાજો ખોલે છે અને તેમનું સન્માનપૂર્વક સ્વાગત કરી તેમને અંદર આવવા કહે છે. બિલ્ડિંગમાં અંદરની તરફ આચાર્ય સાહેબ, આનંદ સર, જૈનીષ, દિશા અને તેમના માતા પિતા આ નજારો જોતા જ રહી જાય છે. બધાને એટલો તો ખ્યાલ આવી જ ગયો કે આ વ્યક્તિ કોઈ સાધારણ વ્યક્તિ હોય જ ના શકે.

તો કોણ છે આ અજાણ્યું વ્યક્તિ ? તે રાજેશભાઈને કેવી રીતે ઓળખે છે ? શા માટે તે જૈનીષને મળવા માટે આવ્યા ?
શું તેનો જૈનીષના ભવિષ્ય કે ભૂતકાળ સાથે કોઈ સંબંધ છે ?


સવાલ ઘણા બધા છે, અને એનો જવાબ પણ મળશે. તો મળીયે આવતા ભાગમાં.......


રાધે રાધે


હર હર મહાદેવ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED