કાવ્યાને આજે છોકરો જોવા આવવાનો હતો. મમ્મી એ ઘરે વહેલા આવવા માટે કીધેલ, પરંતુ કાવ્યા ની સ્કૂટી સવારે કોલેજ જતી વખતે જ બંધ થઈ ગયેલ હોવાથી તેની સ્કૂટી ગેરેજ માં મૂકીને જ કોલેજ જતી રહેલ.
કાવ્યા કોલેજ થી છૂટી બસ ની રાહ જોઈને ઉભી હતી. એટલા માં અચાનક મોસમ નો પહેલો વરસાદ શરુ થયો. પહેલા વરસાદ ની એ માટીની સોડમ ચારે બાજુ ફેલાઈ રહી હતી અને વરસાદ પોતાના સંગીત ની ધૂન નાં તાલે નાચી રહ્યો હતો અને બીજાને નચાવવા પણ મથામણ કરી રહ્યો હતો.
ઘણા વર્ષો બાદ આજે જાણે વરસાદ ધરતીને મળી રહ્યો હોય અને ચૂમી રહ્યો હોય એવું લાગતું હતું. પહેલા વરસાદની ખુશ્બુથી કાવ્યા પણ પોતાના પર નિયંત્રણ નાં રાખી શકી.
કાવ્યા રોડની બરાબર વચ્ચે આવી વરસાદ ને હંમેશા માટે પોતાની બાહોમાં ભરી લેવા મથતી હતી. કાવ્યા નાં વરસાદ માં પલળેલા વાળ ની લટો કાવ્યા નાં ગાલ પર આવી એને વહાલ કરી રહી હતી. કાવ્યા મોસમ નાં પહેલા વરસાદ ની મોજ લેતા લેતા અચાનક કંઈક યાદ આવતા તેના ભૂતકાળમાં સરી પડી.
કાવ્યાનો જન્મ એક નાનકડા ગામ માં થયેલો અને તે તેના મમ્મી પપ્પા સાથે ગામ રહેતી. કાવ્યા તેના મમ્મી પપ્પા ની એક ની એક દીકરી હતી.
કાવ્યા પંદર વર્ષ ની હતી. તેની બાજુ માં જ રહેતા રામભાઈ અને કાવ્યા નાં પપ્પા લક્ષ્મણભાઇ બંને ખૂબ સારા મિત્રો હતાં, બંને સાથે જ ભણેલા. રામભાઈ અને લક્ષ્મણભાઇ સગા બે ભાઈઓની જેમ જ રહેતા. આ બંને મિત્રો એક બીજા માટે જીવ આપી દેવા માટે પણ અચકાતા નહી એટલી ગાઢ દોસ્તી હતી તેમની. કાવ્યા ની મમ્મી અને શ્યામ ની મમ્મી ને પણ ખૂબ બનતું, બંને સગી બહેનો ની જેમ રહેતી.
રામભાઇ નો દીકરો શ્યામ કાવ્યા ની જ ઉંમરનો. શ્યામ અને કાવ્યા એક જ કલાસ માં ભણતા એટલે સ્કૂલ પણ સાથે જ જતા અને સાથે જ આવતા, સાથે જ હોમવર્ક કરતા અને સાથે જ રમતા, પરીક્ષામાં રાત્રે વાંચતા પણ સાથે જ. પહેલા વરસાદ માં ભીંજાતા ભીંજાતા બંને પાગલ થઈ જતા. હંમેશા પહેલા વરસાદની મજા સાથે જ લેતા. બંને ને એકબીજા વિના એક મિનિટ પણ નાં ચાલતું. શ્યામ અને કાવ્યાની દોસ્તી તેમના પપ્પા ની દોસ્તીને પણ ચાર કદમ આગળ વટાવે એવી ગહેરી હતી. કદાચ આ સંબંધ માં પ્રૅમ ની કૂંપળ પણ ફૂટી હોય શેકે!.
શ્યામ અને કાવ્યા ની દસમાં ધોરણ ની બોર્ડ ની પરીક્ષા પૂર્ણ થઈ. કાવ્યા અને શ્યામ નાં ફેમિલી એ સાથે ઉત્તરાખંડ ફરવા જવા માટેનો પ્લાન બનાવ્યો. અચાનક કાવ્યાનાં નાની ની તબિયત ખરાબ થઈ હોવાથી કાવ્યા તેના ફેમિલી સાથે મામાં નાં ઘરે મુંબઈ જતી હતી અને શ્યામ અને તેનું ફેમિલી પંદર દિવસ માટે ઉત્તરાખંડ ફરવા માટે ગયેલું અને એવું નક્કી કરવામાં આવેલ કે બંને પરત આવી જાય પછી તેઓ સૌરાષ્ટ્ર દર્શન માટે જશે.
પંદર દિવસ પછી કાવ્યા અને તેનું ફેમિલી મુંબઈ થી પરત આવી ગયું, પરંતુ શ્યામ અને તેનું ફેમિલી પરત નહી આવ્યું. થોડાં દિવસ માં જાણ થઈ કે શ્યામ અને તેની ફેમિલી જે ટ્રેન માં આવતા હતાં તે ટ્રેન નો અકસ્માત થયો છે અને તે અકસ્માત માં તેની આખી ફેમિલી મૃત્યુ પામી છે. શ્યામ નાં મમ્મી પપ્પા ની ડેથ બોડી મળી આવેલ, પણ શ્યામ નો કોઈ પતો નહી હતો. સૂત્રોનાં જણાવ્યા મુજબ, ઘણા બધા લોકોની ડેથ બોડી મળી આવેલ નહી હતી એટલે શ્યામ ને પણ મરણ જાહેર કરવામાં આવેલ, કાવ્યા નું મન એ માનવા તૈયાર નહી હતું કે શ્યામ હવે આ દુનિયામાં નથી રહ્યો. તેને ભરોસો હતો કે ક્યારેક તો શ્યામ આવશે જ. કાવ્યા અને તેના ફેમિલી ને આ ઘટનાથી ખૂબ જ અધાત લાગેલ.
કાવ્યાને શ્યામ વિના ખૂબ જ એકલું એકલુ લાગતું. કાવ્યાનાં બાર ધોરણ સુધીનો અભ્યાસ પૂર્ણ થતા કાવ્યા અને તેનું ફેમિલી કાવ્યા આગળનો અભ્યાસ સારી રીતે કરી શકે તે માટે અમદાવાદ રહેવા માટે આવી ગયેલ. કાવ્યા હાલ એક નામાંકિત કોલેજ માં પ્રોફેસર તરીકેની ફરજ બજાવે છે.
કાવ્યા મોસમ ની મજા માણી રહી અને તેની ભૂતકાળની સારી અને ખરાબ બધી જ ક્ષણો ને વાગોળી રહી હતી અને શ્યામ ને યાદ કરી રહી હતી. કાવ્યા અને શ્યામ દૂર થયાં તેને બાર વર્ષ ઉપરાંત નો સમય વીતી ચુક્યો હતો, પણ એક દિવસ એવો નહી હતો કે કાવ્યા ને શ્યામ યાદ નાં આવ્યો હોય. વરસાદની મોસમનાં પહેલા વરસાદમાં હંમેશા કાવ્યા શ્યામ ને યાદ કરતી અને શ્યામ જાણે તેની પાસે જ છે તેવું મહેસુસ કરતી.
અચાનક રસ્તા પર પૂર ઝડપે એક ટ્રક કાવ્યા ની સામે ધસી આવતો જણાય છે. ટ્રક ડ્રાઈવર હૉર્ન મારે છે પણ કાવ્યા ભૂતકાળમાં એટલી સારી પડી હોય છે કે તેનું ધ્યાન જાય છે ત્યાં સુધી માં તો તે ટ્રક કાવ્યા થી પાંચેક ફૂટ જ દૂર દેખાય છે. કાવ્યા એકદમ ગભરાય જાય છે. તેના પગ જડ બની જાય છે, તે ભાગી નથી શકતી. તે આંખો બંધ કરી અને આંખ આગળ હાથ રાખી મોટી ચીસ પાડે છે.
અચાનક કોઈ માણસ આવીને કાવ્યાનો હાથ પકડીને તેને ખેંચી લે છે. કાવ્યા ને અજાણ્યા માણસનો જાણીતો સ્પર્શ મહેસુસ થાય છે. કાવ્યા ને લાગે છે કે તેના પરથી ટ્રક ચાલી ગઈ અને તે મૃત્યુ પામી છે અને ત્યાં તેને શ્યામ મળી ગયો અને હમણાં જ શ્યામે જ તેને સ્પર્શ કર્યો. થોડી વાર કાવ્યા એ જ સ્પર્શની સુખદ ક્ષણો ને મહેસુસ કરે છે. વાહનોના અવાજ થી કાવ્યાને લાગે છે કે તે પેલા ટ્રક થી બચી ગઈ છે એટલે તે આંખ ખોલે છે. આંખ ખોલતાની સાથે જ પેલા માણસ ને જોઈને કાવ્યા ની આંખ માંથી વરસાદની સાથે કાવ્યાનાં આસું પણ વરસવા લાગે છે અને પેલા માણસ ની સામે જોઈને બોલે છે, શ્યામ તું??
શ્યામ પણ કાવ્યા ને ઓળખી જાય છે અને બંને લાગણીઓ પર કાબુ ગુમાવી એકબીજાને ભેટી પડે છે. છેલ્લા બાર વર્ષ નહી મળી શકેલ કાવ્યા અને શ્યામ આજે જ તેની વસૂલી કરવા લાગ્યા હોય એમ દસ મિનિટ સુધી કંઈ પણ બોલ્યા વિના એક બીજાને ભેટી જ રહે છે અને ભૂતકાળનાં દિવસો ફરીથી જીવવા લાગે છે.
વરસાદ બંધ થાય છે અને બંને ભાન માં આવે છે. કાવ્યા શ્યામ પર પ્રશ્નો નો વરસાદ વરસાવે છે એટલે શ્યામ કહે છે કે પહેલા ઘરે જઇયે પછી તારા બધા જ પ્રશ્નો નાં જવાબ આપું.
કાવ્યા અને શ્યામ બંને કાવ્યા નાં ઘરે જાય છે અને શ્યામ બધાને જણાવે છે કે," હું તે અકસ્માત માં દૂર ઝાડીમાં ફેંકાઈ ગયેલ અને મને એક અંકલ તેના ઘરે લઇ ગયેલ. તે અંકલને છોકરો નહી હતો. મમ્મી પપ્પા નું અકસ્માત માં મૃત્યુ થયેલ તેથી મને ભગવાન નો સંકેત સમજી તેમનો દીકરો માની લીધો અને નસીબ નો ખેલ પણ જુઓ આજે બાર વર્ષ પછી આપણે મળ્યા અને એ પણ હું કાવ્યા ને જોવા માટે આવ્યો. કદાચ કુદરત ની એવી જ ઇચ્છા હશે કે આજે ભલે આ દુનિયામાં મારા મમ્મી પપ્પા નથી પણ તમારી દોસ્તી હંમેશા માટે અકબંધ રહેશે." શ્યામ ની વાત સાંભળી બધા જ ભાવુક થઈ જાય છે.
એટલી વાર માં શ્યામનાં પાલક પિતા ત્યાં આવી જાય છે અને બધા સાથે મળી નાસ્તો કરે છે અને ઘણી બધી વાતો કરી કાવ્યા અને શ્યામની સગાઇ નક્કી કરે છે.
કાવ્યા અને શ્યામ મનોમન પહેલા વરસાદ ને આભાર વ્યક્ત કરી રહ્યા હતા.
___સુમિતા સોનાણી "સુમી"