નિયતિનો ખેલ Sumita Sonani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નિયતિનો ખેલ

"નિયતિ"

સવાર નાં 7 વાગ્યાં હતાં. સુરજ ઉગ્યો 'તો હતો પૂર્વ દિશા માં જ, પરંતુ આજે તે પણ દરરોજ કરતા વધારે ખુશ હતો-વધારે ચળકાટ હતો એના માં જાણે કે આજે એને વર્ષો પશ્ચાત પશ્ચિમ દિશા માં ઉગવાનો લ્હાવો મળ્યો હોય, પક્ષીઓ પણ ગીતો ગાતાં - ગાતાં નાચી રહ્યા હતાં. ગોવાળ પણ નાચતો - કૂદતો પોતાની ગાયો ને લઈને ચરાવવા નીકળી પડ્યા હતા. બાળકો પણ આજે રડવાના બદલે જાગીને શાંતિ થી રમવા લાગ્યા હતાં. છાપરા માં બાંધેલા ગાય, ભેંસ અને તેના વાછરડાઓ પણ શાંતિ થી ઘાસ ખાવાની મોજ લઇ રહ્યા હતાં. ખેડૂતો પોતાના બળદો ને બળદગાડાં સાથે જોડી વાડીયે જવા માટે નીકળી પડ્યા હતાં.

સરલાબેન : બા, આજે તમે વાડીયે નાં જતા, મને આજે બહુ પેટ માં દુખે છે.

કંચનબેન : "અરે, એ તો આ સમય માં દુખ્યા કરે, એવુ કંઈ ધ્યાન માં નાં લેવાનું હોય, હું તો આ હાલી ખેતરે."

એમ કહીને કંચનબેન વાડીયે જતા રહ્યા.

સરલાબેન ને તો ચિંતા થવા લાગી કે શું થશે મારું??
એક તો આ નવમોં મહિનો બેસી ગયો છે ને બા પણ વાડીયે જતા રહ્યા,

પ્રસુતિ ની પીડા થશે તો???

એટલી વાર માં નરેશભાઈ જાગે છે.

સરલાબેન : એ તમને કહું છું, સાંભળો છો??
આ વહેલી સવાર થી મને પેટ માં દુખે છે અને બા ને કહ્યું તો પણ તે વાડીયે જતા રહ્યા છે.

નરેશભાઈ : અરે એ તો તે કાલે રાત્રે ભજીયા ખાધેલા ને એટલે દુખતું હશે.

સરલાબેન તો મન માં ને મન માં મુંજાય છે કે એક તો આ પીડા ને ઉપર થી બધા મજાક માં લઈને વાત ને જતી કરે છે.

આમ ને આમ થોડો સમય વીતે છે ત્યાં ગામમાંથી નર્સ ને બોલાવામાં આવે છે અને ફૂલ જેવી પરી નો જન્મ થાય છે, પણ.... પણ આ શું??

સરલાબેન નર્સ ના હાથ માં રહેલી બાળકી ને જોવે છે તો તે નર્સ બાળકી ને ઉલ્ટી પકડીને ફંગોળતી હતી.
સરલાબેન ના મન માં વિચારો ની ગડ મથલ નો દોર શરુ થઈ જાય છે.

આ તો રડતી પણ નથી??
સરલાબેન નો તો જીવ તાળવે ચોંટી ગયો. હે ભગવાન!!! મારી દીકરી જીવતી તો હશે ને ક્યાંક મરેલી તો નઈ જન્મી હોય ને??

પછી મન માં જ વિચારે છે કે... ના ના હું વધારે પડતું જ ખોટું વિચારું છું.

(હા હા હા...એમ તો હું કઈ આ દેહ ત્યજી ને, આ દુનિયા છોડીને થોડી જવાની હતી.??? હજુ તો ઘણું કરવાનું હતું, ઘણા બધા સ્વપ્ન જોવા ના હતા ને એ સ્વપ્ન ને જીવવાના હતાં.)

ત્યાં જ બાળકી ના રડવાનો અવાજ આવે છે ને આખું ઘર એની કિલકારીઓ થી ગુંજી ઉઠે છે.

આખું ઘર ખુશીઓથી નાચવા લાગે છે અને ઘરમાં દૈવી ઉર્જા નો પ્રવેશ થાય છે.

(આવો હતો મારો જન્મ પ્રસંગ.)

છઠ્ઠી ના દિવસે ફઈ દ્વારા બાળકી નું નામકરણ કરવામાં આવ્યું અને "સુમી" નામ પાડવામાં આવ્યું.

આપણા વડીલો કહે છે કે બાળક ના જન્મ ના છઠ્ઠા દિવસે "વિધાતા" - "ભાગ્ય દેવતાં" ભાગ્ય લખવાં આવે છે અને એ જ દિવસે બાળક ની નિયતિ નક્કી થઈ જાય છે. બસ, આ જ દિવસે સુમી ની નિયતિ પણ નક્કી થઈ જાય છે.

ધીમે ધીમે એક જ ફળીયામાં પિતરાઈ ભાઇ બહેનો સાથે હસતા રમતા- રમતા "સુમી" મોટી થઈ.

એકદમ મધ્યમ વર્ગ ની ફેમિલી માં સુમી ને પરિવારમાં મમ્મી, પાપા, એક મોટો ભાઇ અને એક બહેન હતા. જેથી તે પ્રાઇવેટ શાળા માં અભ્યાસ તો ના કરી શકી, પરંતુ એને સરકારી શાળા માં પોતાની જિંદગી ના શિખરો ચડવા માટે પા - પા પગલી તો કરવા જ લાગી.

---------------------------------------------------------------

શાળા નો એ પ્રથમ દિવસ,.....
હજુ યાદ છે મને.....

મમ્મી શાળામાં મુકવા આવેલા. પ્રથમ દિવસ હોય એટલે બાળકોને ચોકલેટ આપવામાં આવે, જેથી બાળકો શાળા માં ટકી રહે.

મને પણ અન્ય બાળકોની જેમ ચોકલેટ આપવામાં આવેલી.
હા એ વાત થી મને કોઈ ફર્ક નહોતો પડતો, મને ચોકલેટ આપે કે નહી.

હું તો બસ બેસી ગઈ શાળા માં જઈને મસ્ત-બિન્દાસ અને અન્ય બાળકોનું નિરીક્ષણ કરવા લાગી અને જોવા લાગી કે એ બાળકોમાંથી મોટા ભાગ ના બાળકો ચોકલેટ તો લઇ લે છે, ઉપરથી તેની મમ્મી ને પણ ઘરે જવા દેતા નથી અને સમજાવી ને જવાની કોશિશ કરે તો સ્કૂલ ના દરવાજા સુધી પાછળ દોડે છે અને રડવાનું તો બંદ જ નહોતા કરતા, છેવટે બીચરી માઁ એમના બાળક ને શિક્ષક ની પરવાનગી લઈને ઘરે લઈને જતા રહે છે.

મમ્મી થોડી વાર ત્યાં જ ઉભા રહે છે, પણ અહીંયા મમ્મી સામે ધ્યાન જ કોનું છે???

હું તો બસ આ નવી દુનિયા ને જોવામાં જ મશગુલ થઈ ગઈ છું.

થોડી વાર પછી મમ્મી પૂછે છે,.. બેટા,... હું જાવ?
તું રડીશ તો નઈ ને?? થોડીક જ વાર ભણવાનું છે હો. એમાં પણ શિક્ષક તમને રમાડશે ને ગીત ગવડાવશે. પછી હું તને લેવા આવીશ.
તો હું જાવ??

મેં કહ્યું, હા મમ્મી તમે જાવ. મને તો અહીંયા બોવ ગમે છે. તમે મારી ચિંતા ના કરતા હો.

અને ત્યાં જ અમારી શાળા ના શિક્ષક નયનાબેન બોલ્યા, "તમે ચિંતા ના કરો, એ રડશે નહી અને એને ખુબ મજા પડશે."

બસ...એ જ દિવસ થી આપડે તો શિક્ષક ના પ્રિય વિદ્યાર્થી બની ગયા ને શિક્ષક મારાં પ્રિય.

હું તો બસ એક જ ભણવા જતી હોય અને મારાં વહાલા શિક્ષક મને એક ને જ ભણાવવા આવતા હોય એમ ભણ્યે જ ગઈ. જેમ માછલી ને પાણી માં તરવાની મજા આવે, જેમ કોયલ ને ગીત ગાવાની મોજ પડે, જેમ મોર ને વરસાદ ના આગમન માં નાચવાની મજા પડે એમ મને ભણવા માં મજા આવા લાગી.

શિક્ષક બધા વિદ્યાર્થી સામે ને એમના માતા - પિતા સામે મારાં વખાણ કરીને મારો ભણવા માટેનો ઉત્સાહ વધારતા રહ્યા ને મને ભણતર પ્રત્યે વધુ ને વધુ રૂચી વધતી ગઈ. હા સ્વભાવ માં થોડું બોલવાનું ઓછું હતું. શરુ માં કોઈ સાથે જલ્દી મિત્રતા ના થાય, પણ એક વાર મિત્રતા થાય પછી એ મિત્ર આપણને ક્યારેય ભૂલે નઈ એવી મિત્રતા નિભાવી જાણીયે.

શાળા નો એ નાનો પણ રમણીય દરવાજો, પાણી પીવા માટે ની પરબ, વર્ગખંડો, શાળા નું એ પ્રાંગણ ને એ પ્રાંગણ માં પક્ષીઓ ની જેમ ઉડતા અને કિલકારીઓ કરતા બાળકો અને એ રમતો રમતા આવતો આનંદ...આહા...શું મજા આવતી!!!

શાળા ના દરેક શિક્ષક ની ખાસિયતો ને એમના વહાલા બની રહેવા માટેના પ્રયત્નો, અને હા શાળા ના એ પ્રિન્સિપાલ કેવી રીતે ભુલાય??? કનૈયા સાહેબ, જેને અમે ફુવા સાહેબ કહીને બોલાવતા.
(ફુવા સાહેબ ના ધર્મ પત્ની અમારા ગામ ના દીકરી એટલે એ નાતે એ બાળકો ના ફુવા થાય એટલે અમે ફુવા સાહેબ કહીને બોલાવતા.)

ફુવા સાહેબ ક્યારેય પણ એમની ઓફિસ માં બોલાવે ત્યાં જ ડર લાગવા લાગતો કે નક્કી આપણી કોઈ ફરિયાદ આવી હશે એ ઠપકો આપવા માટે જ બોલાવ્યા હશે.

હું છઠ્ઠા ધોરણ માં હતી.

એક દિવસ ફુવા સાહેબે મને એમની ઓફિસમાં બોલાવી, મારાં તો મોતિયા મરી ગયા. શું થયું હશે? કેમ બોલાવી હશે?? એવા વિચારો કરતા કરતા હું તો પહોંચી ગઈ ફુવા સાહેબ ની ઓફિસમાં. ત્યાં ગઈ તો ફુવા સાહેબે એમના પ્રથમ અંદાજ માં ચશ્મા ની ફ્રેમ અર્ધી નાક ના ટેરવા પર અટકાવી મને જોઈ અને બોલ્યા, આવ બેટા. આ ઉષ્મા બેને મને કહે છે કે તું ખુબ હોશિયાર છોકરી છે. (ઉષ્મા બેન જે મારાં વર્ગશિક્ષક હતાં.)

બેટા, ગુજરાત કક્ષાએ વિજ્ઞાનમેળા નું આયોજન થયેલ છે, તેથી જો તું તેમાં ભાગ લેવા ઈચ્છે તો આપણી શાળામાંથી તને મોકલી શકીયે તેમ છીએ.

મેં હા પાડી. જિલ્લા કક્ષાએ વિજ્ઞાનમેળા માં ઉત્તીર્ણ થયાં. એટલે સ્પર્ધા આવી પહોંચી રાજ્ય કક્ષાએ.

ત્રણ દિવસ નો વિજ્ઞાનમેળો. આ વિજ્ઞાનમેળો મોટી પાણીયાળી ગામ માં (પાલીતાણા નજીક) યોજાયેલ હતો. ગામ તો ખુબ નાનું પણ આદર્શ ગામ કહી શકાય એટલું સુંદર, સ્વચ્છ અને રમણીય. ગામ લોકો પણ પ્રેમાળુ અને મળતાવીયા સ્વભાવનાં.

સ્પર્ધા ની કૃતિ માં ચાડિયો- ખેડૂત નો એક રક્ષક ની કૃતિ બનાવેલી. ખુબ જ સરસ. જેને જોઈને લાગે કે માણસ જ ઉભું હોય.

ચાડિયા ને ઉપર કેડિયું ને નીચે ચુડીદાર પહેરાવેલ. ખભે એક ટોર્ચ ટાંગી દેવામાં આવેલ અને થોડાં - થોડાં સમયે ચાડિયો ગોળ - ગોળ ફરી શકે તે માટે એક પાણી થી ચાલતી નાની મોટર મુકવામાં આવેલી, જેથી રાતે જાનવરો ને દૂર થી એમ લાગે કે અહીંયા કોઈ ખેડૂત ખેતરમાં હાજર છે, જેથી ત્યાં જવું હાનિકારક છે.

(સ્વભાવે થોડી ઉતાવળી, બોલવામાં પણ ઉતાવળી એટલે મમ્મી વારંવાર કહ્યા કરે, શાંતિ થી બોલ. પણ સ્વભાવ થોડી એમ બદલે?? )

ઉતાવળિયા સ્વભાવને કારણે ચાડિયા બાબતે પ્રેક્ષકોને અને જજીસ ને ડર્યા વિના ખુબ સરસ રીતે ને સડસડાટ સમજાવી દેતી. એનો ફાયદો ત્યારે ખબર પાડી જયારે અમારી સાથે આવેલા મારાં વર્ગશિક્ષક ઉષાબેને મને કહેલ કે તમે પણ બીજા ની કૃતિઓ જોઈ આવો. અમે આજુ બાજુ માં ઘણી બધી કૃતિઓ જોઈ, ઘણું બધું જાણવા મળ્યું. જે સામાન્ય જીવન માં ઉપયોગી થઈ પડે તે શીખવા મળ્યું.

બધા ની કૃતિઓ જોવા ગયેલા ત્યાં મારાં કાને વાત પડી કે, લીમડા (હનુભા) ગામ થી ચાડિયાની કૃતિ લઈને આવેલ છે એ છોકરી તો કંઈ બોલે છે સડસડાટ. અને હું વાતો નો વિષય બની ગઈ.

મજા આવી. ઉંમર તો નાની હતી, પણ ત્યારે પણ પીઠ પાછળ અજાણ્યા લોકો થી વખાણ સાંભળવા મળ્યા.

(અમારા જમાના માં છઠ્ઠા ધોરણ માં ભણતા ને એટલું બધું બોલતા એ ખુબ ગર્વ ની વાત કહેવાતી.)

અમારી આ કૃતિ ને ખુબ સારા એવા પ્રતિસાદ મળ્યા.
1 થી 3 સુધી માં તો નંબર ના મળ્યો, પરંતુ 1 તો 10 માં આવી ગયો. પરિણામ સ્વરૂપે થોડાક કેશ અને ટ્રોફી આપવામાં આવી.
અંતે, જીવનનો આ પ્રસંગ ખુબ પ્રેરણાદાયક, આનંદદાયક અને રોમાંચિત અનુભવ રહ્યો.

-------------------------------------------------------------

ધીમે ધીમે પ્રાથમિક શાળા નો અભ્યાસ પૂર્ણ થયો. ત્યારબાદ આગળના અભ્યાસ માટે મારાં જ ગામ માં આવેલ "નવજીવન માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળા" માં પ્રવેશ મેળવ્યો.

ખુબ જ વિશાળ જગ્યા માં બનાવેલી શાળા. જોઈને જ ભણવાનું મન થાય એવી એની સુંદરતા અને એટલી જ સ્વચ્છ. શાળાનાં મુખ્ય દરવાજે થી સીધા અંદર જાવ એટલે ખુબ વિશાળ મેદાન, થોડું આગળ ચાલો એટલે સરસ્વતી માતા નું મંદિર, ત્યાર પછી તરત વચોવચ એટલો મોટો હોલ કે જેમાં આખી શાળા નાં વિદ્યાર્થીઓ પ્રાર્થના કરવા માટે એકઠા થઇ શકે. હોલ ની ડાબી બાજુ પ્રિન્સિપાલ સાહેબ ની ઓફિસ તો જમણી બાજુ શાળા નાં કલાર્ક ની ઓફિસ. પ્રિન્સિપાલ સાહેબ ની ઓફિસ ની બાજુ માં સ્ટાફ રૂમ. શાળા ની પાછળ નાં ભાગે બોય્સ હોસ્ટેલ અને રસોઈ ઘર. ખુબ જ સુંદર શાળા અને તેનાથી વિશેષ શિક્ષકો. શિક્ષકો પણ એટલી સરસ રીતે ભણાવે અને જાણે ઘર નો પરિવાર હોય એવું લાગે, હકીકત માં ઘર માં જ હોય એવું લાગે.

( મારી શાળામાં આજુ બાજુ નાં ગામ થી પણ વિદ્યાર્થીઓ આવતા.)

10 માં ધોરણ ની બોર્ડ ની પરીક્ષા પૂર્ણ કરી. ધોરણ - 11 કોમર્સ પ્રવાહ માં ભણવાનું નક્કી થયું.

11 માં ધોરણ માં સ્પોર્ટ્સ સબ્જેક તરીકે NSS (National Service Scheme) પસંદ કરેલ. NSS નાં કાર્ય નાં ભાગરૂપે અમારી શાળામાંથી ધારુકા ગામ માં કેમ્પ માટે જવાનું આયોજન કરવામાં આવેલ.

મેં તો મારાં મોટા ભાઇ - બહેનો પાસેથી એ કેમ્પ ની વાતો સાંભળેલી એટલે કોઈ જાય કે નાં જાય, હું તો જઈશ જ એવું નક્કી કરી લીધેલ. કેમ્પ માં જનાર વિદ્યાર્થીઓનું લિસ્ટ બનાવામાં આવેલ. છોકરાઓનાં 47 નામ અને છોકરીયોમાં 15 જેટલાં હતાં.

(હવે પછી હું છોકરાઓને ભાઈઓ અને છોકરીઓને બેહનો કહીને સંબોધીશ.)

આખરે કેમ્પમાં જવાનો દિવસ આવી ગયો. ખુબ ઉત્સાહ હતો, ખુબ જ. પ્રવાસ માં જવાનો જેટલો ઉત્સાહ નાં થાય એના કરતા 100 ગણો વધારે. બધા જ શાળા નાં પ્રાંગણ માં આવી પહોંચ્યા. ભાઈઓમાં 47 હાજર, જેવી રીતે નામ લખવામાં આવેલ એમ જ અને બેહનોમાં માત્ર અમે 4 જ. ( 4 બેહનો માં હું, વૈશુ, ભૂમિ અને હેતલ) નામ તો 15 એ લખાવેલ તો પછી આમ કેમ?? હમણાં આવશે એમ વિચારી થોડી વાર થોભ્યા. પણ જવાનો સમય આવી ગયો. રહેવાયું નહી એટલે જોશી સર ને પુછાય જ ગયું કે સર બાકી ની છોકરીયો ક્યાં ગઈ?

( જોશી સર......શાળા નાં લગભગ 90% છોકરાઓ નાં પ્રિય શિક્ષક. ખાસ્સા સમય થી તેઓએ આ જ શાળા માં શિક્ષક તરીકેની ફરજ બજાવતા આવેલ. શરીર એકદમ ખડતલ. જિંદગીમાં એકપણ વાર બીમાર નહી પડેલ એવું તો એમણે યોગ અને પ્રાણાયામ કરીને પોતાના શરીર ને સાચવેલ. સ્વભાવે એકદમ પ્રેમાળ, સ્વાભિમાની, નિખાલસ, પણ કોઈનાથી કંઈ પણ ભૂલ થાય અને ખબર પડે કે જોશી સરને ખબર પડશે તો એના પગ તો પહેલેથી જ ધ્રુજવાલાગતા.)

સાહેબે કહ્યું કે એ કોઈ નથી આવાનાં. તમારે પણ નાં આવવું હોય તો રહેવા દો. અમે કીધું, અમે તો આવશુ જ.

ઉપડ્યા પછી મંજિલે. જિંદગી જીવતા શીખવા, બીજાને મદદરૂપ થવા.

અંતે, ધારુકા ગામ નાં એક મંદિર પર પહોંચ્યા. તે મંદિર ભાથીજી મહારાજ નું ખુબ વિશાળ મંદિર હતું. એકદમ સ્વચ્છ હતું આ મંદિર. મંદિર નું પરિસર પણ ખુબ વિશાળ, મંદિર ની ફરતે ઘણા બધા વૃક્ષો હતાં, જે મંદિર ની સુંદરતામાં વધારો કરતા હતાં. શાંતિ તો જાણે બધી અહીંયા જ હોય એવું લાગતું હતું. આ જ મંદિર માં થોડાં રૂમ પણ હતાં, જેમાં ભાઈઓને રહેવાનું હતું. બેહનો માટે અલગ અને મોટી જગ્યાએ વ્યવસ્થા કરવામાં આવેલી, પરંતુ હવે અમે માત્ર 4 જ બેહનો હોય, જેથી સુરક્ષા ને ધ્યાન માં લઈને મંદિર ની દીવાલ ને અડીને જ એક આંગણવાડી આવેલ હતી ત્યાં અમને ઉતારો આપવામાં આવેલ. જ્યાં રસોઈઘર સહીત ની સુવિધા હતી.

આ કેમ્પ માં સ્વછતા ની જુમ્બેશ સાથે જ ઘર ઘર જઈને ગામ લોકો ને જાગૃત કરવા માટેના કાર્યો કરવાના હતાં. કેમ્પ નાં પ્રથમ દિવસે જ જોશી સર દ્વારા અમને એટલે કે 4 બહેનપણીઓને કહી દીધેલ કે, સ્વછતા માટે ભાઈઓ કામ કરશે. તમે જાગૃતિ અભિયાન માટે દરેક ઘર ની મુલાકાત લો અને એમને રોગચાળો, ચોખ્ખાઈ, શિક્ષણ બાબતે સમજ આપો અને ભીંતસૂત્ર લખવાનું કામ પણ અમને જ સોંપવામાં આવેલ.
પ્રથમ દિવસે વાલી મિટિંગ પતાવી, સાંજ જમી-પરવારી, રાત્રી નાં સાંસ્કૃતિક કાર્યક્રમ પતાવી સુવા માટે પહોંચ્યા આંગણવાડી. જોશી સર ત્યાં સુધી મુકવા આવેલ. ડર નહી લાગે ને....???? એ પણ પૂછ્યું.

જોશ માં ને જોશ માં તો કહી દીધું કે નહી લાગે ડર. સાહેબે સાથે જ કટોકટી નાં સમય માટે એમનો મોબાઈલ પણ આપતા ગયાં. ત્યાંથી છુટા પડ્યા. દરવાજો બંદ કર્યો. બધા સુવા માટે આડા પડ્યા. થોડી વાર માં જોર થી પવન ફુંકાયો. દરવાજો હલવા લાગ્યો. તપાસ કરી તો ખબર પડી કે એ દરવાજા ને જો કોઈ જોર થી લાત મારે તો તૂટી જાય એમ હતો. આ વાત ની મને અને વૈશુ બંને ને જ ખબર. ભૂમિ તો એકદમ ડરપોક એટલે એને કંઈ કહેવા જેવું નહી હતું. ભૂમિ તો સુતા સાથે જ ઘસઘસાટ ઊંઘી ગઈ. હેતલ પણ ઊંઘવાની તૈયારી માં હતી પણ એને તો અમારા બંનેનાં વાત કરવાનાં અવાજ થી ઊંઘ નો'તી આવતી એટલે એ પણ જાગી એટલે એને પણ બધું કહ્યુ.

હવે શું કરવું??
વિચારતા - વિચારતા 'ને મન ને આશ્વાસન આપતા રહ્યા કે કઈ નઈ થાય. એમ ને એમ રાત્રી નો 1 વાગી ગયો.

હેતલ કહે, "સુઈ જઇયે ભઈ. એમ તે કઈ કોઈ આવતું હશે."

ત્યાં થોડી જ વાર માં જોર થી પવન આવ્યો હશે ત્યાં જ દરવાજો એવી રીતે હલવા લાગ્યો કે જાણે કોઈએ ખટખટાવ્યો હોય. અમે ખુબ જ ગભરાઈ ગયાં.

થોડી વાર ઉભા થઈને દરવાજા ને ટેકો દઈ ઉભા રહ્યા. ફરીથી કોઈએ દરવાજો ખટખટાવ્યાનો અવાજ આવ્યો. ખબર પડી કે, પવનનાં લીધે જ એવું બનેલ એટલે થોડોક હાશકારો થયો ત્યાં વૈશુ બોલી, "આખા ગામ ને ખબર છે કે અહીંયા કેમ્પ માં ખાલી 4 જ છોકરીઓ આવેલી છે અને એને આંગણવાડી માં જ ઉતારો આપ્યો છે. અહીંયા રહેતા હોય એને તો ખબર જ હોય કે આનો દરવાજો જોર થી લાત મરીયે ત્યાં તૂટી જાય એમ છે."

ફરી પાછો ડર ઘૂસો ગયો. હવે શું કરવું.??? ઊંઘ આવતી નો'તી.

વૈશુ કહે, "જોશી સાહેબ ને કોલ કરીયે? "
પછી વિચાર્યું કે અર્ધી રાતે કોઈને કઈ હેરાન કરવા નથી અને જે થશે તે જોયું જશે. એટલે સેફટી માટે રસોઈઘર માંથી જ હાથ માં જે આવ્યું તે લઇ આવ્યા અને અને આડા પડ્યા. ને મોબાઈલ માં સાહેબ નો મોબાઈલ નંબર ડાયલ કરી કટ કરી નાખ્યો, જેથી કંઈ થાય તો નંબર શોધવા જવું નાં પડે.

(😁ડર- કઈ પણ કરાવે છે માણસ પાસે.)

બીજા દિવસે સવારે 5 વાગ્યાં માં જાગવાનું હતું. જોગિંગમાં જવા માટે, ગામ ફરતે જોગિંગ કરવાનું હતું એટલે સૂવું પડશે થોડી વાર એમ વિચારી, સુઈ ગયાં. ખુબ ડરાવની હતી એ રાત.

જેમ તેમ કરી રાત વીતી ને સવાર થઇ. જલ્દી જલ્દી તૈયાર થઇ જોગિંગ માટે નીકળ્યા. ભૂમિ ને રાત વાળી બધી વાત કહી. એ તો ખુબ ડરી ગઈ. અમે વિચાર્યું કે કાલ રાત વિશે જોશી સાહેબ ને હમણાં જ કહી દઈએ?

પછી વિચાર્યું કે, ના હમણાં નહી. શાંતિ થી વાત કરીશું એટલે હાલ પૂરતું મોકૂફ રાખ્યું.

જોગિંગ પછી પ્રાણાયામ, યોગા, સૂર્ય નમસ્કાર માટે મંદિર નાં પરિસર માં એકઠા થયાં. અત્યારે તો સારો મોકો હતો કહી જ દઈએ એમ વિચાર્યું, પરંતુ ફ્રેશ થઈને આવીએ ત્યારે કહીશું વિચારી ફ્રેશ થવા જતા રહ્યા. ફ્રેશ થઇ નાસ્તો કર્યો, વાલી મિટિંગ, ભીંત સૂત્રો સહીત નાં કામો કરતા કરતા વિચારતા રહ્યા કે, એવું તે કંઈ સાહેબ ને કહેવાતું હશે?
શું વિચારશે આપડા વિશે કે કેટલી ડરપોક છે?
એટલે અંતે નહી કેહવું એવો નિર્ણય કર્યો.

સાંજ પડી. જમ્યા. ત્યાર પછી સાંસ્કૃતિક કાર્યક્રમ ચાલુ થયો. ગામ લોકો કાર્યક્રમ જોવા માટે આવેલ હતાં. મંદિર નાં મુખ્ય દરવાજા ની એકદમ સામે અમે ચાર બહેનપણીઓ બેઠેલી હતી. પેલા ભૂમિ પછી અમે બાકીની ત્રણ. કાર્યક્રમ શરુ થયો. થોડી વાર થઇ હશે ત્યાં જ ભૂલી નો રડવાનો અવાજ આવ્યો.

પૂછતાં ખબર પડી કે બહાર થી કોઈ દીવાલની પાછળ સંતાઈને લેસર લાઈટ દ્વારા અમારા તરફ કરી તાકી રહ્યું હતું.

(લેસર લાઈટ એટલે કે જ એકદમ આછો પ્રકાશ ફેંકે પણ જ્યાં નિશાન તાક્યું હોય ત્યાં પ્રકાશ જાય અને જો જોનાર ની નજર ત્યાં જાય તો જ તેને ખબર પડે કે તેમના તરફ કંઈક ટોર્ચ જેવું થાય છે.)

બસ પછી તો વધારે ડર લાગવા લાગ્યો. ગઈ કાલ ની રાત્રી યાદ આવી ગઈ. આવી રીતે જો બધા ની વચ્ચે હિમ્મત કરી શકે તો તે રાતે તો શું નું શું નાં કરીશ શકે....???

માંડ માંડ ભૂમિ ને શાંતિ પાડી.
અમે પણ ચુપચાપ એક બીજા ને ખબર નાં પડે એમ રડી લીધું હતું.

કાર્યક્રમ પત્યો. બધા સુવા માટે ગયાં. અમે ત્યાં જ ઉભા હતાં. જોશી સર ને ગઈ કાલ ની રાત્રી અને આજનાં બનાવ વિશે કેહવા માટે. હેતલ આ વખત પણ નાં પડતી હતી કે સાહેબ ને નથી કેહવું, પણ હવે વધુ નહી.

છેલ્લે હિમ્મત કરી સાહેબ ને કહી જ દીધું અને રાતો રાત જ નજીક નાં ઘરે જ અમારી રહેવાની વ્યવસ્થા કરાવી.
એ જ ઘર માં અમારી એક ફ્રેન્ડ પણ બની ગઈ. રૂપલ દીદી. ઉંમર માં થોડાં મોટા પણ મળતાવીયા સ્વભાવ ને એટલે અમારી સાથે મિત્રતા કરતા વાર નાં લાગી.

કેમ્પ નાં 4 દિવસ પુરા થયાં. એક સ્વપ્ન પુરી કરીને અને ઘણી બધી યાદો નાં પોટલાં લઈને ઘરે આવી પહોંચ્યા.

બીજા દિવસે શનિવાર હતો. શનિવાર એટલે P.T.-practical theory નો તાસ હોય. P.T. જોશી સર જ કરાવતા હતાં. આ તાસ એક કલાક માટેનો હોય. અમારી શાળા માં P.T. દરેક માટે ફરજીયાત. જેમને P.T. na કરવી હોય તેમને હોલ માં જ્યાં સુધી P.T. નાં પતે ત્યાં સુધી આંખો બંધ કરીને બેસવાનું.

તે દિવસે ખબર નહી કેમ પણ અમારા વર્ગ ની બધી બેહનો કહે, અમારે નથી જવું P.T.માટે. એટલે કોઈ પણ વર્ગખંડ ની બહાર જ નહી આવ્યાં.

અમે 3 બહેનપણીઓ (હું, વૈશુ, ભૂમિ) તો જવા માટે તૈયાર હતાં કેમ કે અમને P.T. ખુબ ગમે, હેતલ ને નાં ગમતું એટલે કદાચ એ નહી આવેલ. અમે ત્રણેય બહેનપણીઓ નીચે પરિસર માં પહોંચ્યા.

દરેક વર્ગ ની અલગ અલગ લાઈન કરી ગોઠવવામાં આવ્યાં. અમારા વર્ગ માંથી માત્ર અમે 3 જ હતાં. એટલે જોશી સર ને કંઈક યાદ આવ્યું હોય એમ ગુસ્સા માં ભાગતા ગયાં ને અમારા ક્લાસ ની બધી બેહનો ને બોલાવી આવ્યાં અને હોલ માં બેસવા કહ્યું એક કલાક સુધી, જ્યાં સુધી P.T. પુરી નહી થઇ ત્યાં સુધી.

P.T. પત્યા પછી બધા પોતપોતાના વર્ગ માં આવી બેઠા. થોડી વાર માં જોશી સર આવ્યાં. દરેક બહેનો એ P.T. માં નહી જઈને કરેલ ભૂલ માટે કડક શબ્દો માં સૂચન આપ્યું અને બીજી વાર એવું નાં કરવા જણાવ્યું.

અને અમારા તરફ ઈશારો કરીશ અમારી પાસેથી કંઈક શીખવા માટે કહ્યું. અને બાકીની બહેનોએ NSS કેમ્પ માં નહી આવવા માટે પણ સાહેબ ને જાણ નહી કરેલ એ બાબતે પણ ઠપકો આપેલ અને અમારા તરફ જોઈ કહેલ કે," તમે તો ઇતિહાસ બનાવ્યો છે આ શાળા નો. આજ પેહલા NSS કેમ્પ માં ભાઈઓ કરતા બેહનો ની સંખ્યા હંમેશા વધારે રહી છે, પરંતુ આ વખત જ એવું બનેલ કે તમે માત્ર 4 બહેનો એટલા બધા ભાઈયો ની વચ્ચે રહી કામ કર્યું. ખુબ સરસ. આજ પછી ક્યારેય આ શાળામાંથી બહેનો ને બહાર લઇ જવામાં નહી આવે, જો કદાચ લઇ જવામાં આવશે તો માત્ર સવાર થી સાંજ સુધી જ હશે. આવનારા વિદ્યાર્થીઓને અમે તમારું ઉદાહરણ આપશું કે, તમે હતી અમારી શાળાની વીરાંગનાઓ".

આટલા બધા વખાણ સ્વપ્ન જવુ લાગ્યું. ખરી હકીકતમાં આ બધું ફિલ્મ જેવું લાગતું હતું. આ બનાવ બાદ અમારું ખુબ મન વધી ગયું અને શાન પણ.

આજે પણ મારી શાળા ખુબ યાદ આવે છે. યાદ આવતા જ મુલાકાતે પણ જાવ છું અને ફરી એ દિવસો જીવ્યા નો આનંદ આવે છે.

---------------------------------------------------------

ધીરે -ધીરે સમય વિતતો જાય છે. ધોરણ - 12 ની બોર્ડ ની પરીક્ષા આવે છે. અમારા વખતે ધોરણ- 12 ની બોર્ડ ની પરીક્ષા નું સેન્ટર ગઢડા (સ્વામિના) મુકામે આવતું. જેથી ત્યાં પરીક્ષા આપવા માટે જવાનું થયું. મારાં ગામથી ગઢડા ખાસ્સું દૂર. તેથી અપડાઉન માં સમય જાય તેમ હોય, જેથી હું મારી પિતરાઈ બહેન ત્યાં સાસરે હોવાથી તેના ઘરે જ રોકાવાનું નક્કી કરેલ. પરીક્ષા નાં આગળ નાં દિવસે સોનલ દીદી ને ત્યાં ગઈ.

પહેલું પેપેર હતું એકાઉન્ટ નું. બુક ખોલી.

અરે..! પણ આ શું...?

જાણે મારાં હાથ માં કોઈ બીજા ધોરણ ની બુક આપી દેવામાં આવી હોય એવું લાગ્યું મને તો. કેટલું ટેન્શન આવી ગયું. એક પણ એન્ટ્રી યાદ આવવાનું નામ જ નાં લે ને. શાળા માં તો ફટાફટ દેશી હિસાબ નાં દાખલા અને વાર્ષિક હિસાબ નાં દાખલા નાં જવાબ આવતા ને અત્યારે તો કંઈ નવું નવું જ લાગવા લાગ્યું.

આવું કેમ થતું હશે કંઈ સમજ જ નાં પડી. પાછળ થી ખબર પડી કે નવું ઘર અને નવું વાતાવરણ હતું એટલા માટે કદાચ એવું થયું હશે.

પરીક્ષા નો દિવસ આવ્યો. મારું પરીક્ષા કેન્દ્ર જ્યાં હતું ત્યાં પોહચ્યાં. મને મારી દીદી મુકવા આવેલી.

જેમ તેમ કરી વર્ગખંડ મળ્યો, ને ફાઈનલી પરીક્ષા શરુ થઇ. પેપર આવ્યું. થોડું હાર્ડ હતું, પણ પેપર સારુ ગયું.

ઘરે પહોંચી. ફ્રેશ થઇ, નાસ્તો કરી વાંચવા માટે બેઠી.
હવે બધું નોર્મલ હતું. વાંચેલું યાદ રહેતું હતું. વાંચતા વાંચતા સાંજ પડી.

જમી ને ફરીથી બુક લઇ વાંચવા બેઠી. થોડુ વાંચ્યું હશે ત્યાં તો ખુબ જ ઊંઘ આવવા લાગી.

(મને કોઈ પણ પરીક્ષા હોય ક્યારેય ઊંઘ આવતી જ નથી. ને કદાચ આવે તો પણ ઊંઘ માં વાંચતી હોય, બધું યાદ કરતી હોય એવું જ ચાલ્યા કરતું.)
પણ આ શું....?

અરેરે....આ શું થાય છે મારી સાથે....? કેટકેટલા પ્રયત્નો કર્યા. પણ આ ઊંઘ તો ઉડવાનું નામે જ નાં લે ને. આગળ ની રાતનાં પણ કંઈ એટલાં ઉજાગરા તો ન્હોતા જ કે આટલી ઊંઘ આવે.

પછી તો શું..?? પરાણે પરાણે થોડું વાંચી સુઈ ગઈ. પછી તો દરરોજ નું આવું થઇ ગયું.

પરીક્ષા નો છેલ્લો દિવસ આવ્યો. મમ્મી નો કોલ આવ્યો. આપણે સુરત શિફ્ટ થઈએ છીએ એ કેહવા માટે.

કલ્પના પણ નહોતી કરેલી ક્યારેય કે ગામ મૂકીને ક્યાંય જઈશ. આગળ નાં અભ્યાસ માટે ભાવનગર હોસ્ટેલ માં રહીને ભણીશ એવું નક્કી કરેલ.

પરંતુ, નિયતિ એ તો કંઈક અલગ જ નક્કી કરેલ હતું, મારાં માટે. જે નિયતિ એ નક્કી કરેલ હોય તે થઇ ને જ રહે. ચાહે તમે લાખ પ્રયત્નો કરી લો.

પરીક્ષા પૂર્ણ થઇ. હું ઘરે આવી. 2-3 દિવસ માં સુરત જવા માટેની તૈયારી કરી. પહોંચી ગયા સુરત શહેર માં.

આમ તો હું ઘણી વખત સુરત ગયેલી.
પણ આજે સુરત ખુબ જ સુંદર લાગી રહ્યું હતું. પેલી કેહવત છે ને -" સુરત સોનાની મુરત". બસ એની જેમ જ આજે સુરત સોનાની જેમ ચમકી રહ્યું હતું. આ મારો જોવાનો અંદાજ હતો કે કેમ?? ખબર નહી. પણ યાર.....ખુબ જ સુંદર.
ત્યાં નાં રસ્તાઓ, શેરીઓ, બિલ્ડીંગો, માણસો બધું જ..... બધું જ.... ખુબ ખુબ ખુબ જ સુંદર લાગી રહ્યું હતું.

થોડાં દિવસ વીત્યા. 12 માં ધોરણ ની પરીક્ષા નું પરિણામ આવ્યું. અમે 4 પિતરાઈ ભાઇ બહેન એક જ શાળા માં એક જ ક્લાસ માં સાથે ભણતા હતાં. બધા માં હું હોશિયાર. પરિણામ જોયું તો મારે 76% આવેલાં. બાકી 2 પિતરાઈ ભાઇ બહેન સારા માર્ક્સ સાથે પાસ થયેલાં, પરંતુ એક ભાઇ કે જે 12 માં ધોરણમાં બસ ક્રિકેટ જ રમ્યા કરતો એને મારાં કરતાં વધુ પર્સન્ટેજ આવેલ. ખરેખર....મને મારાં ધાર્યા મુજબ નું પરિણામ નાં આવ્યાનું ખુબ જ દુઃખ હતું.

એ દિવસે ખુબ રડી.
બધા એ કેટકેટલી સમજાવી તો પણ નાં સમજી.
2 દિવસ જમી નઈ.
ધીમે ધીમે બધું બરાબર થઇ ગયું.
મારે ભણવું નથી એવું ગુસ્સામાં જ નક્કી કરી લીધેલ.

થોડાં દિવસ પછી કોલેજનાં એડમિશનની પ્રક્રિયા ચાલુ થઇ. પેહલાનો ગુસ્સો અને ઉપર થી નવું શહેર.

કેમ ભણવા જાવ કૉલેજ માં.?
એ પણ અજાણ્યા શહેર માં..?
જેમાં મારું ઓળખીતું તો કોઈ જ નહી.

બધા એ બોવ કહ્યું મને કે ખાલી ફોર્મ તો ભર.
પછી નું પછી જોયું જશે.

બાજુ માં જ મામાં રહેતા હતાં. એની છોકરીએ કહ્યું કે, આપણી સામે ભૂમિ રહે છે એ પણ કોલેજ માં જ આવી છે. એ પણ ભણવાની છે.

એ પરાણે મને ભૂમિ પાસે મળવા લઇ ગઈ.
ભૂમિ પણ એના અંદાજ માં જ બોલી, " હા હું તો વાડિયા વિમેન્સ કોલેજ માં એડમિશન લેવાની છું અને એ ગર્લ્સ કોલેજ છે."

મને તો જે જો'તું હતું એ મળી ગયું.
મન માં બોલી વાવ...!!!
ગર્લ્સ કોલેજ....?
આવું પણ હશે આ સુરત માં?
એકલી છોકરીઓ ની કોલેજ...?
એ હું કંઈ છોકરાઓ થી ડરતી નહી હતી. પણ આ અજાણ્યા શહેર માં થોડો ડર લાગતો હતો.

ખરી હકીકતમાં, છોકરીઓનો પણ થોડો ડર હતો.
કેવી હશે બધી એટ્ટીટ્યૂડવાળી, મારી સાથે વાત તો કરશે ને..???
મારી મિત્ર તો બનશે ને...?
વિગેરે વિગેરે.....

બી.કોમ. માટે એડમિશન ફોર્મ ભર્યું,
મેરીટ લિસ્ટ મુકાયું,
કાઉન્સિલ નો દિવસ પણ આવી ગયો.

અને મને જે કોલેજ માં એડમિશન જોઈતું હતું ત્યાં એડમિશન પણ મળી ગયું.

મને તો એડમિશન મળી ગયું. પણ ચિંતા હતી કે, ભૂમિ ને એડમિશન મળશે કે કેમ..??

(આટલી ચિંતા તો મારાં એડમિશનની પણ નહી થયેલી.)

ભૂમિ ને મારાં કરતા ઓછા પરસન્ટેજ હતાં.
એટલે એને 2 દિવસ પછી કાઉન્સીલીંગ હતું.

ભૂમિ ને એડમિશન નહી મળે તો હું એકલી શું કરીશ.?? કોલેજ કેમ જઈશ.??? એની જ ચિંતા માં 2 દિવસ પસાર થયાં.
અંતે, ભૂમિ ને પણ એ જ કોલેજ માં એડમિશન મળી ગયું.

કોલેજ શરુ થઇ. અમે બંને અલગ અલગ ક્લાસ માં હતાં.
કોઈને જ નો'તી ઓળખતી. બધા જ અજાણ્યા. ખુબ અસમંજસ માં હતી.
પેહલો લેકચર પત્યો.
બીજા લેકચર માં એક છોકરી સામેથી મારી બેન્ચ પર આવીને બેઠી.

હાય...હેલ્લો....કર્યા. થોડી વાતો કરી.
ધીમે ધીમે સારા એવા ફ્રેન્ડ બની ગયા.

ક્લાસ માં પણ ધીમે ધીમે ઘણી બહેનપણીઓ બની.
ઘર થી કોલેજ અને કોલેજ થી ઘર રીક્ષા માં જ આવતા.
એટલામાં રીક્ષા માં જ નવી ઓળખાણ થઇ અને મનીષા, વર્ષા, ધારા, સારિકા એ બધા મળ્યા અને નવી બહેનપણીઓ બની.

ઘર થી કોલેજ અને કોલેજ થી ઘર ની સાથીદારો.

બસ પછી તો ખાસ બહેનપણીઓ બની ગયાં. આવવા જવાનું સાથે, પ્રોફેસર છુટ્ટી પર હોય ત્યારે ચોપાટી માં બેસવા જવાનું, કોલેજ બંક કરીને વાડિયા ની ગલીનાં આન્ટીનો લોચો ખાવા જવાનું, ક્યારેક સવાર સવાર માં મૂડ થઇ તો કોલેજ બંક કરીને મૂવી જોવા જવાનું, પરીક્ષાઓ માં સાથે વાંચવાનું, વિગેરે વિગેરે ..... ખુબ ખુબ મજા પાડવા લાગી..

બસ હવે તો જીવવું હતું, મન ભરીને,
ઉડવું હતું ઊંચે આકાશ સુધી,
બોલવું હતું પુરી દુનિયા સાંભળી શકે એટલું,

સપના પુરા થતા ગયાં, જે હાલ જ જોયેલા અને જેટલાં જલ્દી જોયા એટલા જ જલ્દી પુરા પણ કર્યા.

કોલેજ પતવા આવી.
આગળ ભણવું કે નહી એ પણ નક્કી નહી હતું.
ઘર ની પરિસ્થિતિ એવી નહી હતી કે આગળ કંઈ ભણી શકું.

ભણવા માટે ખોટા ખર્ચા કરવા ને પછી નોકરી મળે કે કેમ..??
ને સસરા વાળા નોકરી કરવા દે કે કેમ..??
એ બધું વિચારી નહી ભણવા માટે નક્કી કર્યું.

બી. કોમ. નું પરિણામ આવ્યું. સારા માર્ક્સ હતાં. બધા કહે ભણ. મેં કીધું ખોટા ખર્ચા ક્યાં કરવા..??
ભણીને કંઈ કરી નહી શકી તો મારો બોવ જીવ બળશે.

(મારાં બા હંમેશા કહેતા, બેટા જેટલું ભણાય એટલું ભણી લેજો...જિંદગી માં ભણતર અને ભક્તિ બે સુવાંગ(એટલે કે પોતાનું એકલાનું) છે, એમાં કોઈ ભાગ નાં પડાવે. જીવો ત્યાં સુધી તમારું જ રહે અને આખી જિંદગી કામ લાગે. બાકી બાપ - દાદા ની મિલકત માં ભાગલા જ પડે છે. મારાં માતા-પિતા ને બધા ભાઇ બહેન ને ભણાવવા હતાં, પરંતુ એકેય નહી ભણ્યા, મારે ભણવું હતું એટલે મને ભણવા બાબતે ઘરેથી હંમેશા પોઝિટિવ રિસ્પોન્સ જ મળેલ.)

છેલ્લે, ભણવાનું નક્કી કર્યું. પણ આગળ શું ભણું....??? એ નક્કી કરવાનું હતું. શરુ માં એમ.બી.એ. માટે વિચારેલ. એમાં તો બોવ ખર્ચો થાય તેમ હતો ને ખર્ચો કરીને પણ કંઈ કર્યું નહી તો મારાં પપ્પા ને ખર્ચો પણ વસુલ નાં કર્યા નો અફસોસ આખી જિંદગી મારે નહોતો કરવો.

એટલા માટે રિસર્ચ ચાલુ કર્યું. શું ભણવું...??
એક ઓપ્શન તો પેલેથી હતો. એલ.એલ.બી. કરીને વકીલ બનવાનો. બીજો વિકલ્પ એમ.કોમ. પણ હતું. પણ એ કરીને બધા વિદ્યાર્થીઓ સાથે ભણાવાની મજગમારી કોણ કરે એમ વિચારી એમ.કોમ. તો કરવું જ નથી એમ નક્કી કર્યું.

પપ્પા એ કહ્યું, તારે જ ભણવું હોય તે ભણ. પૈસા ની ચિંતા તું નાં કરતી. તને ભણાવવાં માટે મારે જો જમીન વહેંચવી પડે તો તે પણ વહેંચીશ.

આ બધી પરિસ્થિતિ નાં બધા પાસા ને વિચારતા છેલ્લે નક્કી કર્યું કે, એલ.એલ.બી. જ કરવું.

(હકીકત માં આ બધું મારી નિયતિ એ પહેલેથી જ નક્કી કરી રાખેલ કે મારે શું કરવાનું છે અને શું બનવાનું છે ..? આ તો બસ આપણને એમ થાય કે બધું મેં નક્કી કર્યું..😁)

----------------------------------------------------------

બી.કોમ. ની એક ફ્રેન્ડ ધારાએ પણ એમ.બી.એ. કરવું છે એમ કરતા કરતા એ પણ એલ.એલ.બી. કરવા આવી ગઈ.

બસ પછી કોની જરૂર હતી આપણને....???

સુરત ની લૉ ફેકલ્ટી ની સારા માં સારી કોલેજ વી.ટી.ચોક્સી સાર્વજનિક લો કોલેજ માં એડમિશન લીધું.

હજુ બધું બરાબર નહી હતું.
કોલેજ નો પ્રથમ દિવસ હતો, પણ હા આજે જ કોલેજ નો પ્રથમ દિવસ હતો.
કોલેજ તો પેહલા પણ ગયેલી, પરંતુ આ કોલેજ માત્ર ગર્લ્સ કોલેજ નહી હતી.

અહીંયા તો છોકરાઓનો સામનો કરવાનો હતો, ઘણી હિમ્મત જોઈએ. પેહલા તો ગર્લ્સ કોલેજ માં ભણી, પણ હવે તો અહીંયા જ ભણવું પડે એમ હતું, ડર સામે લડવાનો સમય આવી ગયેલ.

બસ પછી તો લડી લેશ એવું નિર્ધારિત કરી લીધેલ.
એટલા માં અમારી જ કોલેજ માં એક દૂર નો ભાઇ મળ્યો, બસ પછી એના લીધે અન્ય છોકરાઓ સાથે સંપર્કમાં આવ્યાં, ક્યારેક એસાઇમેન્ટ માટે વાત થવા લાગી.
પછી તો જે મહા ડર હતો છોકરાઓ બાબતે એ ઓછો થવા લાગ્યો.
સ્ટડી ની સાથે સાથે કોર્ટ પ્રેકટીસ ચાલુ કરી.

હા વકીલ બન્યા પેહલા વકીલ બનવાની તૈયારી.
એમાં પણ એટલો જ સંઘર્ષ.
પેલી કાઠિયાવાડ માં કેહવત છે ને કે, "ઘર ની ખીચડી ખાઈને વકીલાત ના કરાય."

મેં તો એ પણ કરેલ.

એલ.એલ.બી. પત્યું એટલે વકીલાત માં લાગી પડ્યા. હાલ બધું જ બરાબર ચાલી રહ્યુ હતું.

હવે થયું કે હાશ.!
હવે શાંતિ. ત્યાં નવી તકલીફ આવી.
લગ્ન!!
લગ્ન માટે છોકરો શોધવો.
એમ કહીયે કે, જિંદગી નું અઘરા માં અઘરું કામ તોય ચાલે.

લગ્ન માટે છોકરા જોવાનું ચાલુ કર્યું.
છોકરી તો સારી છે, પણ નોકરી નાં કરવા દઈએ.

એ શું વળી?
કંઈ દુનિયા માં જીવે છે આ લોકો?
ખબર નહી ક્યારે સુધરશે અને સમજશે આ સમાજ મારી અને મારાં જેવી અન્ય સહેલીઓને.

ખેર, આટઆટલું ભણ્યા, ગણ્યા ને હવે ચાર દીવાલ ની વચ્ચે કેદ કરી દેવાની વહુ ને?

આવો તે કેવો ન્યાય?
આ તો વૈકલ્પિક થયું ને? કાં તો વર કાં તો કરિયર.
બંને માંથી એક જ નક્કી કરવાનું.?
ક્યાં સુધી આ સંઘર્ષ ચાલ્યા કરશે?
શું વિચાર્યું હશે, નિયતિ એ મારાં વિશે?

------------------------------------------------

"નિયતિ એ જે નક્કી કરેલ હોય એ જ થાય આપણી લાઈફ માં, આપણે ગમે તે કરી લઈએ.

મેં ક્યારેય નહી વિચારેલ કેમ હું જીવન માં ક્યારેયસ્થાન પર પહોંચીશ.
નિયતિ એ મને હંમેશા મારાં વિચાર્યા કરતા બેસ્ટબેસ્ટ આપ્યું છે.
તો નિયતિ પર એટલે કે ભાગ્યવિધાતા પર હંમેશા ભરોસો રાખવો.


✍️ સુમિતા સોનાણી "સુમી"