સાજન ઘરે આવ્યાં !
સને - 1890 નો સમય ચાલતો હતો. રાજકુંવરી ભાનુમતી સોળે શણગાર સજીને બેઠી છે. સોના - રૂપાના તાર થી મઢેલા ઘરચોળામાં રાજકુંવરી જાણે સ્વર્ગમાંથી અપ્સરા ઉતરી આવી હોય એવું લાગે છે.
આખું સોનીપત ગામ અને આજુબાજુનાં ગામ માંથી નાનેરા બાળકોથી માંડીને વૃદ્ધ સહિતના લોકોને યજમાન તરીકે બોલાવવામાં આવેલાં હતાં અને દરેક લોકો આજે રાજકુંવરી ભાનુમતીને એકીટશે નિહાળી રહ્યા હતાં. રાજકુંવરીને જોઈને કોઈની પણ નજર તેના પરથી હટી નહોતી રહી એટલી સુંદર - સોહામણી-મનોહર લાગી રહી હતી રાજકુંવરી ભાનુમતી !!!.
સૌરાષ્ટ્ર નાં એક નાનકડા સોનીપત ગામનાં મહારાજા ભુપેન્દ્રસિંહ રાજ કરતા હતાં. ગામ લોકો મહારાજા ભુપેન્દ્રસિંહ ને ખૂબ માન - સન્માન આપતા હતાં અને અમુક લોકો તો મહારાજા ભુપેન્દ્રસિંહ ને ભગવાન સમાન ગણતા. મહારાજા ભુપેન્દ્રસિંહ પણ ગામ લોકોની ખુશીમાં જ પોતાની ખુશી માનતા હતાં.
રાજકુંવરી ભાનુમતી મહારાજા ભુપેન્દ્રસિંહ ની એક ની એક કુંવરી હતી. ખૂબ લાડકોડથી ઉછેરવામાં આવેલી રાજકુંવરી ભાનુમતીને. શૌર્યતા તેમને પિતા તરફથી વારસાઈમાં મળેલ હતી અને રૂપ તેમની માતા રાજીબાઈ પાસેથી મળેલ. સંસ્કારી પણ એટલી જ. ક્યારેક મહારાજા ભુપેન્દ્રસિંહ ની તબિયત બરાબર નાં હોય તો રાજકુંવરી ભાનુમતી પોતે ગામની રક્ષા માટે આગળ આવી જતા.
રાજકુંવરી ભાનુમતી પરણવા લાયક થઈ. મહારાજા ભુપેન્દ્રસિંહ માટે તો હજુ તેમની કુંવરી નાની જ હતી, પરંતુ સમય સામે ક્યાં કોઈનું ચાલે છે??
મહારાજા ભુપેન્દ્રસિંહ એ પોતાની કુંવરી ભાનુમતી માટે ખૂબ જ પરાક્રમી, શૂરવીર અને સુશીલ એવા નજીકનાં રૂપાપરા ગામનાં રાજકુંવર સુરજમલ સાથે વિવાહ નક્કી કર્યા. મહારાજા ભુપેન્દ્રસિંહ ખૂબ જ ખુશ હતાં તેમની રાજકુંવરી ને એટલો યોગ્ય સુશીલ અને સંસ્કારી રાજકુંવર સાથે વિવાહ થવાના હતાં.
આખરે વિવાહ નો દિવસ આવી ગયો. આખું ગામ ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. દરબારગઢ આજે કંઈક અલગ જ લાગી રહ્યો હતો. દરબારગઢ ની દરેક દીવાલોને ચાકળાથી મઢવામાં આવેલ હતી, ગામ ની દરેક શેરીઓમાં આભલા ભરેલા તોરણો લટકાવવામાં આવેલ હતાં, ચારે તરફ ફૂલોની સુગંધ પ્રસરેલી હતી, ઢોલી આજે સુધબુધ ખોઈ ઢોલ વગાડવામાં મગ્ન બની ગયેલ, બાળકો ઢોલીની ફરતે વીંટળાઈને રાસ રમી રહ્યા હતાં, જમણવારમાં વિવિધ પ્રકારની મીઠાઈ અને વાનગીઓ બનાવવામાં આવેલ હતી અને તેની સુગંધ આખા ગામ માં ફેલાઈ રહી હતી. ગોરમહારાજ પણ વિવાહ માટેની બધી જ તૈયારી કરીને બેઠા છે.
બસ હવે તો રાહ હતી વરરાજા અને જાનૈયાઓની. મહારાજા ભુપેન્દ્રસિંહે તપાસ કરાવી તો જાન પરણવા આવવા માટે તેમના ગામમાંથી નીકળી ગઈ હતી.
બીજી બાજુ.... રાજકુંવર સુરજમલ અને તેમની જાન વિવાહ માટે નીકળી ગયેલ. રાજકુંવર સુરજમલ રત્નજડિત વિવાહનાં પોશાક માં ખૂબ જ મનમોહક લાગી રહ્યા હતાં. રાજકુંવર સુરજમલ ને જોઈને કોઈની પણ આંખો અંજાઈ જાય એટલા દિવ્ય અને તેજસ્વી લાગતા હતાં.
રાજકુંવર સફેદ ઘોડા પર બેસી વિવાહ નાં સ્વપ્ન જોતા જોતા અને મનમાં જ હરખાતા જતા હતાં. જાન ની આગળ પચ્ચીસેક અન્ય ઘોડાઓ, પચાસેક હાથીઓ અને ડોલીઓમાં ગામની જુવાન દીકરીઓ, મહિલાઓ અને વૃદ્ધાઓ અને થોડાક લોકો ગાડામાં બેસી તો કોઈ કોઈ પગપાળા ચાલવાની મોજ લેતા લેતા જતા હતાં. રાજકુંવરી ભાનુમતી માટે સોના અને ચાંદીના આભૂષણોથી ભરેલ પેટી એક ડોલીમાં મુકવામાં આવેલ અને તે ડોલીમાં રાજકુંવર સુરજમલ માં માતૃશ્રી જીવીબાઈ બેસેલ હતાં. જાનૈયાઓ લગ્ન ગીતો ગાતાં - ગાતાં આગળ વધી રહ્યા હતાં.
એટલામાં જ ડાકુઓનું એક ટોળું સામે ધસી આવ્યું. જાનૈયાઓ પાસે જેટલાં પણ દાગીના અને કિંમતી ચીજવસ્તુઓ છે તે ડાકુઓને સોંપવા માટે ડાકુઓના એક માણસે જણાવેલ. જાનની બધી ચીજવસ્તુઓ અને દાગીના જો ડાકુઓને આપી દેવામાં આવે તો જાનૈયાઓ શું લઈને વિવાહ માટે જશે એમ વિચારી રાજકુંવર સુરજમલ નાં માતૃશ્રી જીવીબાઈએ તે ઘરેણાં આપવાની નાં પાડી.
બસ...પછી તો કોઈ બીજો રસ્તો જ નહી હતો. ધીંગાણું ચાલુ થવાનું હતું.
રાજકુંવર અને તેમના પિતાશ્રી તલવાર ઉઠાવી ધીંગાણાં માટેની તૈયારી બતાવી.
ધીંગાણું ચાલુ થયું. રાજકુંવર અને ડાકુઓમાં બંને તરફ તાકાત પણ સરખી હતી. લડાઈ ચાલુ રહી. બંને પક્ષે તલવારો ઊઠતી રહી. કોઈનાં લોહી પણ ઉડતા રહ્યા તો પણ કોઈ એકબીજાની પરવાહ કર્યા વિના લડતા રહ્યા. ધીમે - ધીમે રાજકુંવરની તાકાત ઓછી થવા લાગી. તેઓ બેભાન થઈ જમીન પણ ઢસડી પડ્યા. હવે એમનો પક્ષ ધીમો પડવા લાગ્યો તો પણ કોઈએ હાર નાં માની. લડાઈ ચાલુ રહી.
સોનીપત ગામમાં મહારાજા ભુપેન્દ્રસિંહ, રાજકુંવરી ભાનુમતી અને આખું ગામ જાન આવવાની રાહ જોઈને બેઠું હતું. સમય ઘણો વીતી ગયો હતો તેથી મહારાજા ભુપેન્દ્રસિંહ એ તપાસ કરવા માટે તેમના માણસોને મોકલ્યા. મહારાજા ભુપેન્દ્રસિંહને જાણ થઈ કે, ડાકુઓ સાથે જાનૈયાઓનું ધીંગાણું ચાલી રહ્યું છે અને રાજકુંવર સુરજમલ મૂર્છિત થઈ ગયેલ છે. આ સાંભળીને મહારાજ તેમની સેના લઈને જાનૈયાઓની મદદ માટે જાય છે જયારે રાજકુંવરી આ બધું સાંભળી મડદું બની જાય છે, તેમના સપના તૂટી ગયાનો ભાસ થાય છે, તેમની મહેંદી વિખાઈ ગયા નો ભાસ થાય છે અને તે પણ મૂર્છિત થઈ જાય છે.
મહારાજા ભુપેન્દ્રસિંહ તેમના સૈનિકો સાથે પહોંચી જાય છે અને ડાકુઓ સાથે ધીંગાણું કરે છે એટલામાં રાજકુંવર સુરજમલ ભાનમાં આવે છે અને બધા સાથે મળી તેમની શૂરવીરતા બતાવી ડાકુઓને હરાવી દે છે અને જાન લઇ સોનીપત ગામ જવા માટે નીકળી જાય છે.
જાન મંડપે આવી જાય છે પણ રાજકુંવરી ભાનુમતી ભાન માં આવતા નથી. જાન આવી ગયાં નાં ખબર લઈને રાજકુંવરીની એક સખી આવે છે અને રાજકુંવરીને ઢંઢોળતી બોલે છે, " ઉઠો રાજકુંવરી ! જાન મંડપે આવી ગઈ છે." આ સાંભળીને રાજકુંવરી તરત જ હોશ માં આવે છે અને હરખાતી હરખાતી તેની સખી સાથે ગોળફદૂડી ફરવા લાગે છે અને બોલે છે, " સાજન ઘરે આવ્યાં !!!"
ગોરમહારાજ કન્યા પધરાવો સાવધાનની હાંક કરે છે અને રાજકુંવરી મંડપમાં આવે છે અને રાજકુંવરને જોઈને શરમાઈને નીચે જોઈ જાય છે અને લગ્નની વિધિઓ પૂર્ણ કરવામાં આવે છે.
મહારાજ ભૂપતસિંહ તેમની એકની એક દીકરીને હરખથી વિદાય આપે છે અને જાન પરણીને રૂપાપરા ગામ જાય છે. રાજકુંવર સુરજમલને થોડાં સમય માં મહારાજ ઘોષીત કરવામાં આવે છે અને એક દિવસ રાજકુંવર સુરજમલ અને રાજકુંવરી ભાનુમતી ઝરૂખે બેઠા બેઠા તેમના વિવાહ નો દિવસ યાદ કરીને હસી પાડે છે અને તેઓ સુખેથી સંસાર જીવે છે.
નોંધ : આ સ્ટોરી, સ્થાન અને તેના દરેક પાત્રો કાલ્પનિક છે.
___સુમિતા સોનાણી "સુમી"