Yog-Viyog - 33 books and stories free download online pdf in Gujarati

યોગ-વિયોગ - 33

યોગ-વિયોગ

કાજલ ઓઝા વૈદ્ય

પ્રકરણ -૩૩

અંજલિની બંધ આંખોમાંથી આંસુનું એક ટીપું સરી પડ્યું.

રાજેશે એ ટીપું લૂછી નાખ્યું, એનો હાથ પકડ્યો, ‘‘આઈ લવ યુ અંજુ. તું ધારે છે અને માને છે એનાથી ઘણો વધારે પ્રેમ કરું છું હું તને...’’

અંજલિએ હળવેકથી આંખો ઉઘાડી. પોતાના સૂકા હોઠ પર જીભ ફેરવી, પછી રાજેશની સામે જોયું-

‘‘રાજેશ, કદાચ આજે સમજી છું પ્રેમનો અર્થ...’’

વસુમા નજીક આવ્યાં. એમણે અંજલિના માથે હાથ ફેરવ્યો, ‘‘કોઈ વાત માટે જીવ ના બાળીશ બેટા, પહેલાં સાજી થઈ જા. પછી બધી વાત.’’

‘‘સાજી ? સાજી થતાં તો હવે દોઢ મહિનો થશે. ફ્રેક્ચર છે પગમાં...’’ પછી ચહેરો બીજી તરફ ફેરવી જતાં આંખો મીંચીને પીડામાં ડૂબેલા અવાજે પૂછ્‌યું, ‘‘રાજેશ, આપણું બચ્ચું ?’’

‘‘તું સલામત છે એ વધારે અગત્યનું છે મારા માટે.’’

‘‘એટલે...’’ હવે અંજલિનું ડૂસકું છૂટી ગયું. એક તરફ વસુમા અને એક તરફ રાજેશ ઊભા હતા. અંજલિનો જમણો પગ પ્લાસ્ટરમાં હતો. નર્સ બ્લડની બોટલ લઈને બાજુમાં ઊભી હતી. એણે ધીમેથી કહ્યું, ‘‘પેશન્ટને રૂમમાં ટ્રાન્સફર કરવાના છે, પછી વાતો કરજો ને.’’

‘‘ઓહ યેસ યેસ.’’ અત્યાર સુધી ચૂપચાપ ઊભા રહીને પરિસ્થિતિ જોઈ રહેલા સૂર્યકાંત આગળ આવ્યા. એમણે રાજેશના ખભે હાથ મૂક્યો અને સહેજ પોતાની તરફ ખેંચી લીધો. નર્સ અને વોર્ડબોય સ્ટ્રેચર લઈને આગળ વધી ગયા. વસુમા એમની સાથે સાથે ચાલવા લાગ્યાં.

‘‘આપણે નીચે ફોર્માલિટિઝ પતાવી દઈએ.’’ અને પોતાનો હાથ રાજેશના ખભા પર જ રહેવા દઈને બંને જણા ચાલવા લાગ્યા, ‘‘મારી દીકરી છે. બાપ વગર ઊછરી છે. તમે... ખરાબ નહીં લગાડતા.’’

રાજેશનું ‘‘સોરી ’’ અને અંજલિનો સંવાદ સાંભળીને સૂર્યકાંત એટલું જરૂર સમજ્યા હતા કે બે જણા વચ્ચે કોઈ પ્રોબ્લેમ છે, જેના પરિણામ સ્વરૂપ આ આખીય દુર્ઘટના સર્જાઈ હતી.

‘‘ખરાબ? મને અંજલિનું કશું ખરાબ લાગે જ નહીં. હું એને ખૂબ ચાહું છું...’’ પછી સહેજ અચકાઈને, સહેજ ધીમા અવાજે ઉમેર્યું, ‘‘હું એના જેટલો વિદ્વાન કે કલારસિક નથી, પણ મારી તમામ મર્યાદાઓ સાથે હું અંજલિને અપાય એટલું સુખ આપવાનો પ્રયત્ન કરું જ છું.’’

‘‘હું જોઈ શકું છું બેટા ! અંજલિને હજી જિંદગીની સમજ જ નથી. પહેલાં માના લાડ અને પછી તારા પ્રેમે દુનિયાનો તાપ એના સુધી પહોંચવા દીધો જ નથી.’’ પછી એક બાપના ભીના, ગદગદ કંઠે ઉમેર્યું, ‘‘જિંદગીભર એને આટલો જ પ્રેમ કરજે બેટા, મારા ભાગનો પ્રેમ પણ તારે જ આપવાનો છે.’’

રાજેશે સૂર્યકાંતનો હાથ પકડી લીધો, ‘‘તમે જરાય ચિંતા ના કરો.’’ બંને જણા વાતવાતમાં રિસેપ્શન કાઉન્ટર સુધી આવી પહોંચ્યા હતા. રાજેશ કાઉન્ટર પર આવીને ઊભો રહ્યો અને કંઈ બોલે એ પહેલાં સૂર્યકાંતે હજાર રૂપિયાનું બંડલ કાઢ્યું.

‘‘આ શું કરો છો ?’’

‘‘ડિપોઝિટ મૂકવી પડશે ને ?’’

‘‘આ મારી પત્ની છે પપ્પાજી, એના સારા-નરસાની, ભલા-બૂરાની બધી જ જવાબદારી મારી હોય.’’

‘‘આજ સુધીતો કોઈ જવાબદારી નથી લીધી મેં. હવે થોડીક જવાબદારી લઈને પણ જો મને સંતોષ થતો હોય તો...’’

‘‘આઈ એમ સોરી પપ્પાજી.’’ રાજેશે કહ્યું અને પોતાના ખિસ્સામાંથી હજારની નોટોનાં બે બંડલ કાઢીને રિસેપ્શન પર બે લાખ રૂપિયા જમા કરાવ્યા.

‘‘મા, મારે તને કંઈક કહેવું છે.’’ ધીમે ધીમે પેઇન કલરની અસર ઓછી થતી જતી હતી. અંજલિને પગને દુખાવો વધતો જતો હતો.

‘‘મને ખબર છે.’’ વસુમાએ એના માથા પર હાથ ફેરવ્યો, ‘‘હમણાં આરામ કર.’’ ડોક્ટરે લખી આપેલી દવાઓ લઈને જાનકી દાખલ થઈ, ‘‘અંજલિબેન, મને માફ કરી દો. કોફીશોપમાં મેં જે કર્યું એને લીધે...’’

‘‘ભાભી, ઇટ્‌સ ઓ.કે. જે થવાનું હતું તે થઈ ગયું.’’

‘‘આઇ એમ સોરી અંજલિબેન.’’

‘‘ભાભી, બચ્ચું કેટલી અગત્યની વસ્તુ છે નહીં ? હજી જન્મ્યુંયે નથી એ બાળક માટે મને આટલું મમત્વ થઈ ગયું, તો અમને ચાર જણને છોડીને બાપુ કેવી રીતે ગયા હશે ?’’

‘‘અંજલિ, હવે કંઈ પણ વિચારવાનું છોડીને તું આરામ કર.’’

રાજેશ અને સૂર્યકાંતની પાછળ પાછળ હાંફળો-ફાંફળો અભય પણ દાખલ થયો, ‘‘અંજુ... અંજુ...’’

‘‘ક્યાં હતો તું ?’’ પહેલી વાર અભય વસુમાના અવાજમાં ઉચાટ અને આવો સવાલ સાંભળતો હતો, ‘‘ગુસ્સો આવે દીકરા, પણ એમાં ફોન બંધ કરી દેવાનો ? કંઈ જરૂર પડે તો...’’

‘‘સોરી મા.’’

‘‘ક્યાં હતો આખો દિવસ ? કંઈ ખાધું-પીધું કે પછી...’’

રાજેશ અને અંજલિની નજર મળી. બંને વગર કહ્યે ઘણું સમજી ગયા. અભયે પણ એ બંનેની સામે અછડતી નજર નાખી. એ જાણતો હતો કે આ બંનેને પ્રિયા વિશે ખબર છે.

એણે મનોમન નક્કી કર્યું. અંજલિ સાજી થાય એટલે સૌથી પહેલાં માને પ્રિયા વિશે કહી દેવું. અભયના ફોનની રિંગ વાગી, ‘‘બોલ !’’

‘‘ઘરે આવવાના જ નથી કે શું ?’’

‘‘હું હોસ્પિટલ છું વૈભવી, અંજલિને એક્સિડેન્ટ થયો છે.’’

‘‘ઓહ, મા અને....’’

‘‘એ બધા જ અહીંયા છે.’’

‘‘વ્હોટ ? હું ઘરમાં જ, ઉપર જ હતી અને એ લોકો મને કહ્યા વિના નીકળી ગયા ? તમારા ઘરની પરંપરા કંઈ પણ હોય અભય, આવા ખબર તો ઘરના દરેક સભ્યને મળવા જ જોઈએ કે પછી તારી માને હું એ લાયક પણ નથી લાગતી ? જ્યારથી અમેરિકન પતિ આવ્યો છે ત્યારથી તારી માને કોઈનીય જરૂર નથી રહી.’’ પછી છેલ્લા છોગાની જેમ ઉમેર્યું, ‘‘કહેજે એને, ખરેખર જરૂર તો અમારી જ પડવાની છે.’’

‘‘પછી વાત કરીએ વૈભવી ?’’ અભયે જવાબની રાહ જોયા વિના ફોન કાપી નાખ્યો.

‘‘મા, વૈભવીને કોઈએ કહ્યું નહોતું ?’’

‘‘અમે ભૂલી જ ગયા અભયભાઈ, એટલી ઉતાવળમાં અને ચિંતામાં નીકળ્યા કે...’’

‘‘થાય એવું... હું તો સમજી શકું છું, પણ વૈભવી...’’

‘‘એય સમજશે બેટા, લાવ હું વાત કરું.’’

‘‘કોઈ જરૂર નથી.’’ અભયનો ચહેરો તમતમી ગયો હતો. એણે દાંત ભીંસ્યા, ‘‘એને બોલવાનું ભાન નથી.’’

‘‘અભય બેટા, વાત નીકળી જ છે તો કહી દઉં. વૈભવીને થોડીક સમજદારીની જરૂર છે. ઘરની મોટી વહુ છે એ. આમ તો કેમ ચાલશે ?’’

‘‘વીસ વર્ષ ચાલ્યુ છે બાપુ, પણ હવે હુંય ગળે આવી ગયો છું. ક્યારેક ઘર છોડીને જતો રહું એમ થાય છે. પછી લોકો ભાગેડુ બાપનો ભાગેડુ દીકરો ના કહે એટલે સમસમીને, મન મારીને બેસી રહું છું.’’ એણે થૂંક ગળે ઉતાર્યું. વસુમા એના તરફ જોઈ રહ્યાં. સામાન્ય રીતે અભય ક્યારેય પોતાની વાત શબ્દોમાં કહેતો નહીં, આજે એને પોતાની વાત આટલા બધા આત્મવિશ્વાસથી ગોઠવતા અને સ્પષ્ટતાથી કહી દેતા જોઈને વસુમાને નવાઈ લાગી, પણ એ કશું બોલ્યાં નહીં.

‘‘પણ તું હતો ક્યાં બેટા ?’’ સૂર્યકાંતે ફરી એ જ પ્રશ્ન પૂછ્‌યો, ‘‘છેક સવારનો ગયો હતો...’’

‘‘બહુ કામ હતું બાપુ, મને થયું રવિવારનો ઉપયોગ કરીને પતાવી નાખું.’’ અભયે સૂર્યકાંત સાથે નજર મેળવ્યા વિના કહ્યું. વસુમાએ આ નોંધ્યું, છતાં કશું બોલ્યાં નહીં. રાજેશ પણ કશું બોલ્યો નહીં, પણ સમજી ગયો.

એ જ વખતે અંજલિએ પણ મનોમન નક્કી કર્યું કે મા સાથે એકાંત મળશે તો એ ભાઈ અને પ્રિયાની વાત કહી દેશે, ચાડીની જેમ નહીં, પણ ભાઈના પક્ષની દલીલો કરીને. માએ એમનો સંબંધ સ્વીકારવો પડશે !

અનુપમાના ઘરેથી નીકળેલો અલય પોતાના ઢગલાબંધ કામો પતાવતો, બીજા દિવસના શૂટની તૈયારી કરતો ઘરે પહોંચ્યો ત્યારે સૂરજ ડૂબી ગયો હતો. અજય હૃદયને લઈને જૂહુ રમવા ગયો હતો.

ઘરમાં કોઈને ન જોતાં અલયે ચારે તરફ ફરીને બૂમ પાડી, ‘‘મા... ભાભી...’’ કોઈ જવાબ નહીં ! એણે ફરી બૂમ પાડી, ‘‘ભાભી...’’

સીડી પર વૈભવી દેખાઈ. સ્કાય બ્લૂ કલરની ડેનિમની શોર્ટસ, જેમાંથી એના માખણ જેવા લાંબા પગ દેખાતા હતા. પેડીક્યોર કરેલા સુંદર ચોખ્ખા પંજા ઉપર પર્પલ કલરની નેઇલ પોલિશ લગાવેલી હતી.

‘‘વેલ કમ હોમ અલયભાઈ.’’

‘‘થેન્ક યુ ભાભી, પણ ઘરમાં કેમ કોઈ નથી ?’’

‘‘બેટા... લજ્જા... આદિત...’’ પછી હસીને કહ્યું, ‘‘છીએ ને ? અમે બધા ઘરમાં જ છીએ.’’

‘‘હું મા, જાનકીભાભી, અજયની વાત કરું છું.’’

‘‘કેમ ? અમે માણસ નથી ? અમારા હોવાથી ઘર, ઘર નથી લાગતું તમને ?’’ વળી હસીને ઉમેર્યું, ‘‘તમે તમારા પપ્પા વિશે ના પૂછ્‌યું?’’

‘‘ભાભી, મારે ફાલતું દલીલો નથી કરવી.’’

‘‘તે ન કરો. હું ક્યાં કહું છું કે કરો.’’ વૈભવી પોતાના ઓરડા તરફ જવા લાગી.

‘‘ભાભી... બધા ક્યાં ગયા છે ?’’

એણે ઊંધા ઊભા રહીને જ જવાબ આપ્યો, ‘‘આ ઘરમાં કોઈ હવે કોઈને કશું કહીને નથી જતું.’’ પછી ફરીને ઉમેર્યું, ‘‘એક માણસના આવવાથી આખી સિસ્ટમ પલટી ખાઈ જાય, નહીં ?’’

આની સાથે દલીલો કરવી વ્યર્થ છે એમ માનીને અલય રસોડા તરફ જતો હતો ત્યારે વૈભવીએ ખૂબ હળવેથી મમરો મૂક્યો, ‘‘તમારી લાડકી બહેનને અકસ્માત થયો છે.’’

‘‘લક્ષ્મીને ? પણ એ તો નીરવ સાથે હતી .’’

ખડખડાટ હસી પડી વૈભવી, ‘‘હું અજલિની વાત કરું છું અલયભાઈ, એ તમારી બહેન છે એવું યાદ છે કે પછી ડોલરની ચમકમાં તમે પણ અંજાઈ ગયા ?’’

વૈભવીના કટાક્ષનો જવાબ આપ્યા વિના અલયે સાદો સવાલ કર્યો, ‘‘અંજલિને ? કેવી રીતે ?’’

‘‘અહીંયા ક્યાં કોઈ કશું કહે જ હવે. હું ઉપર જ હતી, ઘરમાં જ. પણ મને કોઈએ કહ્યું નહીં.’’

‘‘એ તો જાણે સારું કર્યું.’’ પછી અલયે અભયનો નંબર ડાયલ કર્યો અને બહારની તરફ ચાલવા લાગ્યો, ‘‘હોસ્પિટલ જાવ છો ?’’

‘‘ના. જૂહુના દરિયાકિનારે...’’ અને અલય ઘરની બહાર નીકળી ગયો.

આજે વૈભવીને બરાબરનો ગુસ્સો ચડ્યો હતો. પહેલાં સવારે અભય ચાલી ગયો, પછી આ અંજલિવાળો કિસ્સો બન્યો અને એટલું ઓછું હોય એમ અલયે બળતામાં ઘી હોમીને ચાલવા માંડ્યું !

એણે દાંત કચકચાવ્યા. પેસેજમાં મૂકેલા ક્રિસમસ ટ્રીના કુંડાને ઉપરથી નીચે ફેંકવાની ઇચ્છા થઈ આવી વૈભવીને...

એ કશુંયે બોલ્યા વિના પોતાના રૂમમાં ચાલી ગઈ અને એણે ગાંઠ વાળી કે છેલ્લા થોડા દિવસના વર્તન બદલ અભય પાસે માફી મગાવશે!

હોસ્પિટલના કાફેટેરિયામાં ખાસ્સી ચહલપહલ હતી.

સૂર્યકાંત અને વસુંધરા સામસામે બેસીને કોફી પી રહ્યાં હતાં. રાજેશ ઘેરથી જરૂરી વસ્તુઓ લાવવા ગયો હતો. જાનકી અને અભય ઘરે જવા નીકળ્યાં હતાં.

‘‘શું વિચારે છે ?’’ વસુમાને ઊંડા વિચારમાં ગરકાવ જોઈને સૂર્યકાંતથી રહેવાયું નહીં.

‘‘આમ જ, જિંદગી વિશે વિચારું છું, તમે નહોતા ત્યારેય પ્રશ્નો તો આ જ હતા. પછી તમે આવ્યા છો પછી એ જ પ્રશ્નો એટલા વિચલિત નથી કરતા.’’

‘‘વસુ, આ જ વાત મારે તને કહેવાની હતી. આજે રોહિતનો ફોન આવ્યો હતો.’’

‘‘રોહિત ?’’

‘‘સ્મિતાનો દીકરો.’’

‘‘કેમ સ્મિતાનો ?’’ પછી સહેજ તોફાની સ્મિત સાથે વસુમાએ ઉમેર્યું, ‘‘તમારો નહીં ?’’

‘‘ના.’’ સૂર્યકાંત ખાસ્સી વાર સુધી ચૂપ રહ્યા. એમ ધારીને કે વસુંધરા આગળ કંઈક પૂછશે, પરંતુ વસુમા તો ચૂપચાપ કોફી પીતાં રહ્યાં. સૂર્યકાંતે એમની સામે જોયું, ‘‘તારે મને કંઈ જ પૂછવું નથી ?’’

‘‘કઈ બાબતે ?’’

‘‘સ્મિતા વિશે, મારાં સંતાનો વિશે.’’

‘‘તમારે કહેવું છે કંઈ ? તો સાંભળીશ હું, પણ મને પૂછવા જેવું કંઈ નથી લાગતું.’’

‘‘ગુસ્સોય નથી આવતો ?’’

‘‘ગુસ્સો ? કઈ વાતનો ?’’

‘‘તને મૂકીને ગયો... લગ્ન કરી લીધાં અને સંતાનો પણ...’’

‘‘કાન્ત, દરેક માણસે સમય અને સંજોગોને આધિન રહી વર્તવું પડે છે. તમારા એ સમયના સંજોગો તમને એ દિશામાં ખેંચી ગયા... ગુસ્સે થવાથી શું થાય કાન્ત ? પરિસ્થિતિનાં સત્યો આપણે બદલી શકતાં હોત તો કેવું સારું થાત ?’’

‘‘વસુ, સ્મિતા સાથે લગ્ન...’’

‘‘કહેવું જરૂરી છે કાન્ત ?’’

‘‘કેમ ? તારે નથી સાંભળવું ?’’

‘‘એવું તો નથી, પણ...’’

‘‘વસુ, હું ઘરમાંથી તો ગયો હતો યશોધરાની સાથે નાટક કંપની ખોલવા. મનમાં એમ હતું કે ખૂબ પૈસા કમાઈશ. દેવશંકર મહેતાને દેખાડી આપીશ... એમનાથીયે મોટો બંગલો બાંધીશ.’’ થૂંકનો એક ઘૂંટડો પરાણે ગળે ઉતારીને એમણે ઊંડો શ્વાસ લીધો, ‘‘જેના સહારે બધું છોડવા નીકળ્યો હતો એણે જ મને છોડી દીધો.’’ કડવું સ્મિત આવી ગયું એમના ચહેરા પર, ‘‘પોએટિક જસ્ટિસ !’’

‘‘કાન્ત, જૂની વાતો યાદ કરીને જો મન ઉદાસથાય તો એ વાતો યાદ જ શું કામ કરવાની ?’’

‘‘ઘણી વાર ઘણી વસ્તુઓ યાદ કરવી નથી પડતી, આવી જાય છે...’’ એમણે વસુંધરાની આંખોમાં જોયું, ‘‘તું પણ મને બહુ યાદ આવતી વસુ !’’

એક પણ શબ્દ બોલ્યા વિના વસુમા થોડી વાર સૂર્યકાંતની આંખોમાં જોઈ રહ્યાં. પછી એમણે આંખો નમાવી દીધી. એક-બે ક્ષણ સાવ ચૂપકિદીમાં પસાર થઈ ગઈ, ‘‘હું તમને યાદ આવતી, ખરું ? પરંતુ તમને ભૂલવાના મારા બધા જ પ્રયત્નો નિષ્ફળ ગયા કાન્ત.’’

‘‘તેં મને ભૂલવાનો પ્રયત્ન કર્યો હતો ?’’

‘‘શરૂઆતમાં.’’ એમણે સૂર્યકાંતની આંખોમાં જોયું અને એક એક શબ્દ જાણે સત્યના રંગમાં બોળીને, લાગણીમાં ભીનો ભીનો થઈને આવતો હોય એમ કહ્યું, ‘‘હા, શરૂઆતમાં કર્યો હતો તમને ભૂલવાનો પ્રયત્ન.પછી મને સમજાઈ ગયું કાન્ત કે તમે તો મારા હોવાનો, મારા અસ્તિત્વનો જ એક ભાગ છો... પછી ક્યારેય તમને ભૂલવાનો પ્રયાસ નથી કર્યો મેં.’’ ક્ષણેક શાંત રહ્યાં, આંખો મીંચી દીધી, ‘‘જોકે એવા યાદેય નથી કર્યા.’’

‘‘શું કામ કરે ? મેં આપ્યું શું તને ?’’

‘‘ચાર સુંદર સંતાનો...’’

‘‘જવાબદારી.’’

‘‘ના... મા હોવાનું સુખ ! આજે મારાં સંતાનો જે રીતે વર્તે છે એ જોતાં...’’

‘‘એ તારા સંસ્કાર છે, તારો ઉછેર છે વસુ !’’ નિઃશ્વાસ નાખીને ઉમેર્યું, ‘‘એ ઉછેર, એ સંસ્કાર હું નથી આપી શક્યો મારા દીકરાને. રોહિત સાવ હાથથી ગયો છે. મારી સાથે પણ નથી રહેતો. એની અને મારી વચ્ચે એક જ સંબંધ છે... ડોલર્સનો !’’ સૂર્યકાંતની આંખોમાં ભીનાશ તરવરી ઊઠી હતી, ‘‘હું તારો ગુનેગાર છું... સ્મિતાનો પણ ગુનેગાર જ છું. તારી તો માફીયે માગી શકું. સ્મિતાને શું કહીશ ?’’

‘‘સ્મિતાની મને ખબર નથી કાન્ત, મને તમારી સામે કોઈ કડવાશ નથી.’’

‘‘જેટલી વાર તું આ વાક્ય બોલે છે ને એટલી વાર મારું મન એક એવી પીડાથી ઉભરાઈ જાય છે...’’

‘‘પીડા ?’’

‘‘શા માટે બોલાવ્યો છે મને અહીંયા ? એવું કહેવા કે તને કડવાશ નથી ? એવું દેખાડવા કે તારાં સંતાનોને કેટલી સારી રીતે ઉછેર્યાં છે ? એવું સમજાવવા કે હવે તમારા બધાની િંજદગીમાં મારી કોઈ જગ્યા નથી? જો એટલું જ હોય તો તારો પ્રયત્ન સફળ થયો છે વસુ...’’

‘‘કાન્ત, સમય સાથે હું એક વાત શીખી છું. દુઃખ માણસની જિંદગીનો ભાગ છે, પીડા નહીં. પીડા એ જાતે ઊભી કરતો હોય છે. ’’

‘‘વસુ, આપણે એક સારા કુટુંબની જેમ હળીમળીને આનંદથી ના રહી શકીએ ? ચાલ, અમેરિકા... મારી સાથે !’’ એમણે ટેબલ પર મુકાયેલા વસુમાના હાથ પર હાથ મૂકી દીધો, ‘‘આથમતા સૂરજ જેવી જિંદગીના છેલ્લા થોડા દિવસો સાથે ગાળી લઈએ વસુ.’’

‘‘કાન્ત !’’ વસુમાના અવાજમાં થર્રાટી હતી. એમણે ગળું ખંખેર્યું, ખોંખારો ખાધો, ટેબલ પર પડેલા ગ્લાસમાંથી પાણીનો એક ઘૂંટડો પીધો, ‘‘પતિ-પત્નીનો સંબંધ ખરા અર્થમાં તો વાનપ્રસ્થ પછી જ શરૂ થતો હોય છે. ત્યાં સુધી તો શરીર, ઝંખનાઓ, સંતાનો, એષણાઓ, ધ્યેય... કેટલું બધું હોય છે બે જણાની વચ્ચે ! ખરું પૂછો તો સાથે જીવવાનો સમય તો હવે જ શરૂ થાય છે.’’

‘‘તો ?’’ સૂર્યકાંતે વસુંધરાનો હાથ સહેજ દબાવ્યો. એમના હાથમાંથી ઉષ્માની એક લહેર નીકળીને વસુમાના શરીરમાં વીજળી વેગે પ્રસરી ગઈ. એમણે હળવેથી હાથ છોડાવ્યો. નીચું જોયું અને જાણે જાતને કહેતાં હોય એમ લગભગ સ્વગત બોલવા માંડ્યું, ‘‘છેલ્લાં કેટલાંય વર્ષોથી આપણે જુદી જુદી દિશામાં પ્રવાસ કર્યો છે કાન્ત, હવે જો મારે તમારી સાથે આવવું હોય તો પહેલાં મારા ભાગનો અને પછી તમારા ભાગનો પ્રવાસ કરવો પડે. એટલાં વર્ષો ક્યાં રહ્યાં છે હવે ?’’

‘‘તું હા પાડે છે કે ના ?’’

સ્મિત કર્યું વસુમાએ.

‘‘ચાલો, રાજેશ આવી ગયા હશે. અંજલિને મળીને ઘરે પહોંચીએ.’’ વસુમા ઊભાં થઈ ગયાં.

‘‘વસુ !?’’ સૂર્યકાંત ઊભા ન થયા, ‘‘મારે મારી વાતનો જવાબ જોઈએ છે. તું નક્કી કર, બાકીનું બધું હું સંભાળી લઈશ.’’

‘‘જવાબ ?’’ ઊભાં થયેલાં વસુમા સ્મિત કરીને બેસી ગયાં, ‘‘આપણે શું નક્કી શકતા હોઈએ છીએ કાન્ત, મારી સાથેનું તમારું લગ્ન? શેરબજારમાં નુકસાન ? યશોધરના સાથેનો તમારો સંબંધ ? ચોથા સંતાનનો ગર્ભ? તમારું ઘર છોડવું... મારું તમને પાછા બોલાવવું ને તમારું આવવું... આમાંનું શું આપણે નક્કી કર્યું, કહેશો મને ?’’

‘‘એટલે ?’’

‘‘સમયના પ્રવાહમાં વહેતા રહેવાનું કાન્ત ! જે બને તે સાક્ષીભાવે જોવાનું. સુખ થાય તો સુખ અનુભવવાનું, દુઃખ થાય તો દુઃખ પણ અનુભવવાનું... કશાયની સાથે જાતને જોડવાની નહીં. કંઈ બને તો વિરોધ નહીં કરવાનો, પણ જો ધાર્યું ન થાય તો ઝાંવા ય નહીં જ મારવાના...’’

‘‘સન્યાસ લઈ લે તું.’’ સૂર્યકાંતને અવાજ ઉશ્કેરાઈ ગયો હતો, ‘‘ભગવા પહેર, ભગવા...’’

સહેજ સ્મિત કર્યું વસુમાએ. ફરી ઊભાં થયાં, ‘‘સન્યાસ એટલે ભગવાં વસ્ત્રો નહીં, સન્યાસ મનની સ્થિતિ છે.’’ પછી એક ડગલું ભરતાં સૂર્યકાંતની સામે જોઈને પૂછ્‌યું, ‘‘આવો છો ને ?’’

કંઈ બોલ્યા વિના સૂર્યકાંત ઊભા થયા. એક તરફ એમના મનમાં ભયાનક ધૂંધવાટ હતો, તો બીજી તરફ એમને નહોતું સ્વીકારવું છતાંયે વસુમા માટેનું માન રોજ એક તસુ વધતું જતું હતું.

એમને હવે વસુંધરાથી વિખુટા પડીને જીવવું અઘરું લાગવા માંડ્યું હતું. આટલાં વર્ષ એના વિના એ કેવી રીતે જીવી શક્યા એની એમને પોતાને નવાઈ લાગતી હતી.

‘‘આવી અદભુત વિદૂષી સ્ત્રીને હું ઓળખી ન શક્યો... સાચવી ના શક્યો.’’ એ વિચારે રોજ એમનું મન કચવાતું હતું. આજના સંવાદે એ કચવાટને સહેજ વધુ તીણો કરીને દૂઝતા ઘામાંથી સહેજ વધુ રક્ત ટપકાવ્યું હતું.

ઘરેથી જરૂરી વસ્તુઓ લઈને રાજેશ અંજલિના રૂમમાં દાખલ થયો ત્યારે અંજલિ એક મેગેઝિનનાં પાનાં ઉથલાવતી હતી. રાજેશે આવીને બધી વસ્તુઓ મૂકી એના માથે હાથ ફેરવ્યો, ‘‘કેવું લાગે છે, બેબી ? પગમાં દુઃખે છે ?’’

‘‘દુઃખતું હતું, થોડું.’’ અંજલિએ મેગેઝિન સાઇડમાં મૂક્યું. પછી રાજેશ સામે જોઈને સહેજ હસી, ‘‘હવે નથી દુઃખતું.’’

‘‘એટલે ?’’

‘‘એટલે એમ, કે તમે આવી ગયાને એટલે, હવે નથી દુઃખતું...’’

‘‘સ્ટૂપીડ.’’ રાજેશે કહ્યું, ‘‘આવું કરાય ? મારો તો જીવ જ નીકળી ગયો હતો.’’ અંજલિની બાજુમાં બેસીને એણે એનો હાથ પકડી લીધો, ‘‘હું મારી જાતને માફ નથી કરી શકતો. મારે તને જવા જ નહોતી દેવી જોઈતી.’’

‘‘આઈ નો.’’ અંજલિની આંખોમાં ફરી એક વાર પાણી ધસી આવ્યાં, ‘‘હું સ્ટૂપીડ જ છું. નહીં તો તમારા જેવા માણસને આમ...’’

‘‘બેબી ! વાંક તો મારો જ છે. હું જ નાનકડી વાતમાં...’’

‘‘નાનકડી ?’’ અંજલિએ હતી એટલી તમામ હિંમત ભેગી કરીને કહ્યું, ‘‘કદાચ નાનકડી વાત નથી આ, પણ છતાંય મારે તમને કહેવી જોઈએ...’’

‘‘અત્યારે નહીં.’’ રાજેશે એની આંખો પર હાથ મૂકી દીધો, ‘‘હમણાં તું સૂઈ જા, આપણે ઘરે જઈને શાંતિથી વાત કરીશું.’’ એ જાણે આવનારી ક્ષણનું સત્ય એને વીંધીને આરપાર નીકળી જવાનું હોય એમ ફફડી રહ્યો હતો. એને એવી કોઈ વાત નહોતી સાંભળવી, જેમાં એની અંજલિનું સ્વમાન ઘવાય, કે એેણે આંખો નીચી કરીને પોતાને કશું કહેવું પડે.

‘‘ના રાજેશ, જ્યાં સુધી આ વાત તમને નહીં કહું ત્યાં સુધી મારા આત્મા પર બોજ રહેશે.’’ અંજલિએ બેઠા થવાનો પ્રયત્ન કર્યો, ‘‘પ્લીઝ મારી વાત સાંભળી લો.’’ રાજેશે બેડનો જેક નાખીને પલંગની પીઠ ઊંચી કરી. અંજલિને તકિયો મૂકીને સરખી બેસાડી.

‘‘બોલ.’’ એણે અંજલિની સામે જોયા વિના કહ્યું.

‘‘રાજેશ, તમે શફ્ફાક... શફ્ફાક અખ્તરને તો...’’

રાજેશે અંજલિના હોઠ પર હાથ મૂકી દીધો, ‘‘અંજુ, હું આવ્યો હતો તે દિવસે- એન.સી.પી.એ...’’

‘‘એટલે તમે !!!!’’ અંજલિનો અવાજ ચીરાઈ ગયો. એના અવાજમાં એક ભય, એક આતંકની ધ્રુજારી ફરી વળી. એણે રાજેશની સામે ફાટેલી આંખે જોયું.

‘‘અંજુ, વીતી ગયેલી વાતોને ભૂલી જવી એ સુખની પહેલી સીડી છે. આપણે તો ઘણું સાથે જીવવું છે હજુ... ઘણું બધું જોવાનું છે, ઘણું માણવાનું છે. એક નાનકડી વાતની આસપાસ દુઃખના જાળાં શું કામ ગૂંથવા અંજુ ?’’

‘‘પણ રાજેશ... મેં એને...આઈ મિન, ખબર નહીં કયા નશા હેઠળ... શું વિચારીને પણ...’’

‘‘મેં જોયું.’’ રાજેશે આંખ મીંચી દીધી. જાણે અત્યારે પણ એને એ દૃશ્ય એને ઉઝરડા પાડી રહ્યું હતું.

‘‘એટલે તમે ? ત્યાં? કંપાઉન્ડમાં ?’’

‘‘હું મારી ગાડીમાં જ હતો ! તને મોડું થયું એટલે લેવા આવેલો... પણ...’’ હજીયે રાજેશની હિંમત નહોતી થતી આંખ ખોલવાની. જાણે એ ગુનેગાર હોય એમ એ અંજલિની સાથે આંખ નહોતો મેળવવા માગતો... અથવા અંજલિની આંખોમાં એ અપરાધનો, ગુનાનો કે ગિલ્ટનો ભાવ નહોતો જોવા માગતો ?!

‘‘ઓહ રાજેશ ! એટલે આ બે દિવસ તમે... એ બોજ હેઠળ...’’

‘‘ભૂલી જા અંજલિ, એવું કશું બન્યું જ નથી.’’ રાજેશે આંખ ખોલી. અંજલિની સામે જોયું. એ આંખોમાં વહાલનો એવો તો દરિયો ઉમટ્યો હતો કે અંજલિ એમાં છાકમછોળ ભીંજાઈ ગઈ. બંને જણાની આંખોમાંથી આંસુ વહી રહ્યાં હતાં. બંને એકબીજાનો હાથ પકડીને ચૂપચાપ બેઠા હતા.

શબ્દહીન, એક એટલો બધો લાગણીભીનો સંવાદ ચાલતો હતો બંને વચ્ચે -

કે સ્પેશિયલ રૂમ નંબર ચારના દરવાજે ઊભેલાં વસુમા અને સૂર્યકાંત એમને વિક્ષેપ કર્યા વિના જ પાછા વળી ગયા.

ટેક્સીમાં આખા રસ્તે સૂર્યકાંત એક પણ અક્ષર બોલ્યા વિના વસુમાનો હાથ પકડીને બેસી રહ્યા.

એમના હાથમાંથી વહી રહેલા લાખો-કરોડો શબ્દો વસુમાની હથેળી ઉપર એ બધું જ લખી રહ્યા હતા, જે પચીસ વર્ષો દરમિયાન એમણે પોતાની ભીતર સંઘરી રાખ્યું હતું.

અભય અને જાનકી શ્રીજી વિલામાં દાખલ થયા ત્યારે વૈભવી ડ્રોઇંગરૂમમાં બેસીને એમની રાહ જોતી હતી.

‘‘પધારો.’’ વૈભવીએ હસીને એમનું સ્વાગત કર્યું, ‘‘માણસ ગમે તેટલું રખડે, આખરે તો ઘરે આવવું જ પડે ! ધરતીનો છેડો ઘર, નહીં અભય ?’’

‘‘ભાભી... અમે બધા થાકેલા છીએ.’’

‘‘ખાસ કરીને અભય, નહીં અભય ?’’

‘‘વૈભવી, મહેરબાની કરીને અત્યારે તું મારી સાથે માથાકૂટ ના કરે તો સારું.’’ અભયે હાથ જોડીને કહ્યું.

‘‘ઓ.કે.’’ વૈભવીએ નજીક આવીને જાનકીની હાજરીમાં અભયના ગળામાં હાથ નાખ્યા, ઝૂલી પડી, ‘‘તો ક્યારે માથાકૂટ કરું એ તો કહેશો ને ?’’

‘‘બની શકે તો ક્યારેય નહીં.’’ અભયે ગળામાંથી હાથ કાઢી નાખ્યા, ‘‘લીવ મી અલોન, પ્લીઈઈઈઈઝ !’’

‘‘આવું પ્રિયાને પણ કહો છો ?’’ સ્મિત કરીને ઉમેર્યું, ‘‘ક્યારેક?’’

‘‘આખી વાતમાં પ્રિયા ક્યાંથી આવી ?’’

‘‘એ જ તો મારે તમને પૂછવાનું છે.’’ પછી જાનકીને પગથી માથા સુધી જોઈ એક ક્ષણ શ્વાસ લઈને વૈભવીએ કહ્યું, ‘‘આમની સામે જ વાત કરવાની છે કે ઉપર જઈને ?’’

‘‘વાત ?’’ અભયે બને એટલા સ્વસ્થ રહેવાનો પ્રયત્ન કર્યો, પણ એની અસ્વસ્થતા છાની રહી શકે એમ નહોતી, ‘‘શાની વાત કરવાની છે ?’’

‘‘પ્રિયાની, અભય !’’ પછી આંખ મારીને ઉમેર્યું, ‘‘એની વાત કરવી તો તમને ગમશે, આઈ એમ શ્યોર ! સેક્સી, સુંદર, જુવાન, એકલી અને એમ્બિશિયસ ! વોટ અ ડેડલી કોમ્બિનેશન, અભય ! અને એમાંય તારા જેવો પત્નીથી દુઃખી, એકલો-અટૂલો-ભોળો અને સહારો શોધતો બોસ !’’ જાનકીની સામે જોઈને ઉમેર્યું, ‘‘ફિલ્મી સ્ટોરી જેવું લાગે છે, નહીં ?’’

અભય એની સામે ઝેર ઓકતી નજરે જોઈને ઉપર ચડી ગયો.

જાનકી જવાબ આપ્યા વિના પોતાના ઓરડા તરફ આગળ વધી ગઈ. ડ્રોઇંગરૂમની વચ્ચોવચ ઊભેલી વૈભવી ફસ્ટ્રેશનમાં બરાડી, ‘‘હું આજે આ વાત કરવાની છું, ઘરના બધા લોકોની હાજરીમાં...’’ અને પછી પોક મૂકીને રડી પડી.

(ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED