"શું થયું? કેમ આમ ચૂપચાપ બેઠો છું?"
"તમે પૂછી રહ્યા છો કે, હું કેમ ચૂપચાપ બેઠો છું? કેમ તમે નથી જાણતા મારા આ મૌનનું કારણ?"
"હું બધુ જાણું છું પણ, તું જ કે આમાં આપણે શું કરી શકીએ? અને આમ નિરાશ થવાથી થોડીને કઈ સારું થઈ જવાનું છે."
"આ ઘરમાં આવું પહેલા પણ બન્યું છે. પણ, આટલી કડવાશ તો ત્યારેય નહોતી ઉભી થઇ જેટલી આજે પેલીના આવવાથી થઈ છે."
"તું જ વિચાર જો તને આટલું ખરાબ લાગે છે તો મને કેવું થતું હશે.?"
"આ તો તમે આટલું સહન કરો બાકી હું તો ના કરું." કહીને નાનકાએ મોઢું ચડાવ્યું.
"મારી વાત તો સાંભળ નાનકા." દ્રશ્યન્તિએ કહ્યું.
આજે નાનકો બહુજ ઉદાસ હતો. ઉદાસ થવાનું કારણ પણ હતું. ઘરમાં દ્રશ્યન્તિના હોવા છતાં હસમુખભાઈ પેલી સુંદરીને લઈ આવ્યા હતા. હજુ તો આજે સવારે જ આવી હતી અને ઘરમાં બધા પર જાદુટોણા કરી દીધા અને બધાને પોતાના વશમાં કરી લીધા. તે આવી ત્યારથી હસમુખભાઈ, તેમના બંને બાળકો, ઘરના મુખ્યા માવજીકાકા અને રમીલાકાકી બધાની નજરમાં તે જ રહેતી. કોઈની પણ નજર નાનકા કે દ્રશ્યન્તિ પર નહોતી પડતી.
નાનકાને દુઃખ એ વાતનું નહોતું કે, કોઈ તેની સામુ ધ્યાન નહોતું આપતું. તેના પ્રત્યેનો પ્રેમ તો દ્રશ્યન્તિ ઘરમાં આવી ત્યારથી જ ઘટી ગયો હતો પણ, દ્રશ્યન્તિએ ઘરમાં પ્રવેશતા જ નાનકાનું બધું કામ સંભાળી લીધું હતું. માવજીકાકા અને રમીલાકાકીને પણ તેની સાથે મજા આવતી. હસમુખભાઈ તો ઘરે હોય એટલે દ્રશ્યન્તિને એકલી મુકતા જ નહીં. દ્રશ્યન્તિ ટૂંક સમયમાં જ ઘરમાં બધાની વ્હાલી બની ગઈ હતી અને બધા ખુશ પણ હતા એ જ કારણ હતું કે ત્યારે નનાકાએ પોતાની થતી ઉપેક્ષા ભૂલી જઈ દ્રશ્યન્તિની ઉપસ્થિતને સ્વીકારી લીધી હતી.
ઘણા વર્ષો થઈ ગયા હતા નાનકાને આ ઘરમાં. ઘણા વર્ષો પહેલા માવજીકાકા અને તેમનો દીકરો હસમુખ જેને નાનકો મોટાભાઈ કહેતો તેઓ નાનકાને રોડ પરથી ઉઠાવીને પોતાના ઘરે લાવ્યા હતા. નાનકો બહુ બોલકણો હતો અને દેખાવે નાનો એટલે જ માવજીકાકાએ તેનું નામ નાનકો પાડ્યું હતું. તે હંમેશા કશું ને કશું બોલતો જ રહેતો. રાત્રે વાળુ-પાણી પતે એટલે માવજીકાકા અને રમીલાકાકી તેમજ હસમુખ આંગણામાં બેસતા અને નાનકો બોલવાનું શરૂ કરતો કે જ્યાં સુધી બધા થાકે નહીં ત્યાં સુધી બોલતો રહેતો. ક્યારેક જોક્સ કહેતો, તો ક્યારેક ગીત ગાતો અને બધાને ગમ્મત કરાવતો.
હસીખુશી માવજીકાકાનો સંસાર ચાલી રહ્યો હતો. હસમુખભાઈના લગ્ન કરવામાં આવ્યા અને દ્રશ્યન્તિ આ ઘરમાં આવી. થોડો સમય તો બધા નાનકાને ભૂલી જ ગયા હતા અને બધા દ્રશ્યન્તિમાં જ પોરવાય ગયા હતા. નાનકાને ત્યારે પણ ઘણું દુઃખ થતું પણ માવજીકાકા અને રમીલાકાકી ઘણી વખત રાત્રીના સમયે નાનકા પાસે બેસતા અને નાનકો મૂડમાં આવી જતો અને આદત મુજબ બોલવાનું શરૂ કરી દેતો. આજે નાનકો ઉદાસ હતો કેમકે, આજે તેના અને દ્રશ્યન્તિ બંનેના અસ્તિત્વ પર જોખમ આવી પડ્યું હતું. પોતે તો બધુ સહન કરી લે પણ દ્રશ્યન્તિને લઈને તેને ચિંતા થઈ રહી હતી.
"તમે તેમની બધી જરૂરિયાત તો પુરી કરતા હતા પછી આ સુંદરી શા માટે?" નાનકો બોલ્યો.
"તું આટલું બધું શા માટે વિચારે છે? નસીબમાં જે લખ્યું હોય તે તો ભોગવવું જ પડે અને એમ પણ મને આ ઘરમાં આવ્યે ઘણો સમય થયો છે અને બધાએ આજ સુધી મને સાચવી જ છે, મારું ધ્યાન રાખ્યું છે તો મને હવે કોઈ ફરિયાદ નથી.." ઉદાસ હોવા છતાં પોતાના ભાવ સંતાડતા દ્રશ્યન્તિ બોલી.
"તમે તેની અકળ જોઈ? કેવી નખરા કરે છે અને અવાજ પણ કેટલો ઊંચો છે તેનો, માવજીકાકા ઘરે હોય ત્યાં સુધી હું પણ ક્યારેય આટલા ઊંચા અવાજે નથી બોલ્યો અને આ કાકળી જેવી કેટલું ભાંભરે છે." નાનકાએ સુંદરીની ખામીઓ ગણાવવાનું શરૂ કર્યું.
"મને તો તેનો અવાજ સુરીલો લાગ્યો." દ્રશ્યન્તિના આ શબ્દોએ નાનકાને વિચારતો કરી મુક્યો. તે મનોમન વિચાર કરવા લાગ્યો કે, આટલી સહનશક્તિ કોઈનામાં કેવી રીતે હોઈ શકે?
"રાત્રે માવજીકાકાને ભજન સંભળાવ્યું હતું કે નહીં.?" નાનકાએ દ્રશ્યન્તિને પૂછ્યું.
"હા, કાકા એકલા આવ્યા હતા રમીલાકાકી અને બાકી બધા બીજા રૂમમાં સુંદરી પાસે હતા. મેં કાકાને ભજન પણ સંભળાવ્યું, તેમણે થોડીવાર સાંભળ્યું અને જતા રહ્યા, તેમને ઊંઘ આવતી હોય એવું લાગ્યું મને. મારી પાસે ભજન સાંભળે કે ના સાંભળે મને કોઈજ ચિંતા નથી પણ તું તો મારા કરતાં પણ પહેલાથી આ ઘરમાં છો અને હમણાંથી કાકા કે કાકી તારી વાત પણ નથી સાંભળતા કે, નથી તારી પાસે ભજન સાંભળવા આવતા તેની મને ચિંતા છે." દ્રશ્યન્તિ ચિંતાસ્વરે બોલી.
સમય ઘડિયાળની ગતિએ પસાર થઈ રહ્યો હતો. હસમુખભાઈના બને બાળકો પણ મોટા થઈ ગયા હતા. ઘરની બધી જૂની વસ્તુનું સ્થાન નવી વસ્તુએ લઈ લીધું હતું. હવે પહેલા જેવું કશું રહ્યું નહોતું. ના ઘરના સભ્યો સાથે બેસીને જમતા, ના રાત્રે સાથે બેસીને વાતો કરતા. હસમુખભાઈ અને બાળકો પણ સુંદરી સાથે જ વાતો કરવામાં તલ્લીન રહેતા. બાળકોને પણ સુંદરીએ પોતાના વશમાં કરી રાખ્યા હતા. હવે ઘરમાં પહેલા જેવો માહોલ રહ્યો નહોતો જેને નાનકા અને દ્રશ્યન્તિ સિવાય માવજીકાકા તેમજ રમીલાકાકી પણ મહેસુસ કરી શકતા હતા.
એક દિવસ અચાનક રમીલાકાકી આ દુનિયા છોડી ચાલ્યા ગયા અને તેમના મૃત્યુના થોડા દિવસો પછી જ અચાનક માવજીકાકાની પણ તબિયત ખરાબ થઈ અને તેવો પણ સ્વર્ગની સફરે નીકળી પડ્યા. નાનકો અને દ્રશ્યન્તિ ખરા અર્થમાં તો હવે અનાથ થયા હતા. બંનેએ એક સાથે મૌન ધારણ કરી લીધુ. બંને સામસામે ખૂણામાં બેસી રહેતા અને એકબીજાને જોયા કરતા. નાનકાને હવે આ ઘરમાં રહેવું વહમૂ લાગી રહ્યું હતું અને એવીજ સ્થિતિ દ્રશ્યન્તિની પણ હતી.
રવિવારનો દિવસ હતો હસમુખભાઈનો દીકરો નાનકા પાસે આવ્યો અને તેની સામું જોયું પછી એક ઊડતી નજર દ્રશ્યન્તિ પર નાખી અને બોલ્યો: "પપ્પા, હવે આ રેડિયો અને બ્લેક એન્ડ વાઈટ ટીવીને ભંગારમાં આપી દેવું છે.?"
નાનકો અને દ્રશ્યન્તિ બંને એકબીજા સામે જોવા લાગ્યા. આજે ઘણા વર્ષો બાદ કોઈએ તેઓનો તેમના મૂળરૂપ પ્રમાણે ઉલ્લેખ કર્યો હતો. જ્યારથી તે બંને આ ઘરમાં આવ્યા હતા ત્યારથી રેડિયો રેડિયો મટીને નાનકો બન્યો હતો જ્યારે ટીવી, ટીવી મટીને દ્રશ્યન્તિ. બંને હસમુખભાઈના જવાબની રાહ જોઈ રહ્યા હતા. રેડિયો સાંભળનાર તો બંને સ્વર્ગ સિધાવી ગયા હતા જ્યારે દ્રશ્યન્તિની જગ્યા સુંદરીએ લઈ જ લીધી હતી.
"હા, બેટા ભંગારવાળાને બોલાવીને બંનેને આપી દે.." હસમુખભાઈના આ શબ્દો સાંભળતા જ બંનેએ એકબીજા સામે સ્મિત વેરયુ અને હંમેશા માટે મૌન ધારણ કરી લીધું.
સમાપ્ત: