પ્રતિશોધ પ્રથમ અંક - 23 Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • આળસુ સજ્જન

    આળસુ સજ્જન आलस्यं हि मनुष्याणां शरीरस्थो महान् रिपु:। नास्त्...

  • અશોક સુંદરી

    અશોક સુંદરી  ભગવાન શ્રી મહાદેવ વિશે આપણે સૌ જાણીએ છીએ. તથા ત...

  • વનવાસ

    વનવાસ- રાકેશ ઠક્કર          નિર્દેશક અનિલ શર્માની નાના પાટેક...

  • લખપત - એક ભૂલાએલો ઇતિહાસ

    લખપત - એક ભુલાયેલો ઇતિહાસતો મેં આગલા લેખ જણાવ્યું એમ કોટેશ્વ...

  • ફરે તે ફરફરે - 53

    ફરે તે ફરફરે - ૫૩   "બા,આ તો લખ ચોર્યાસીના ફેરા છે...તમ...

શ્રેણી
શેયર કરો

પ્રતિશોધ પ્રથમ અંક - 23

પ્રતિશોધ પ્રથમ અંક

ભાગ:23

ઓક્ટોબર 2019, માધવપુર, રાજસ્થાન

આધ્યા, જાનકી, રાઘવ, રેહાના, યુસુફ અને જુનેદ એ જોઈને સ્તબ્ધ હતાં કે ગઈકાલે એમને ગલીનાં પ્રવેશદ્વાર જોડે જે ત્રણ મૃતદેહો જોયાં એ અત્યારે નહોતાં.

"સાહેબ, અહીં કાલે તો ત્રણ લાશો પડી હતી..!" ગુજરાલની સામે જોઈ રાઘવ બોલ્યો.

"તો ભાઈ, રાતોરાત એ લાશો ક્યાં ગાયબ થઈ ગઈ.?" ગુજરાલે પ્રશ્નસૂચક નજરે રાઘવ અને આધ્યા ભણી જોતાં કહ્યું.

"એની તો અમને ક્યાંથી ખબર હોય ઓફિસર." આધ્યા હજુપણ એ વિચારી આશ્ચર્યમાં હતી કે ત્યાં પડેલાં મૃતદેહો ક્યાં ગયાં હતાં.

"તો કોને ખબર હોય મેડમ!" ક્રુદ્ધ સ્વરે ગુજરાલ તાડુક્યો. "તમે જ એ કહેવા આવ્યાં હતાં કે અહીં પંદર લોકોની લાશ પડી છે, પણ અહીંતો એકપણ નથી."

"બાકીની લાશો અંદર છે.!" યુસુફે કહ્યું. "ચલો અંદર બાકીની લાશો તમને બતાવીએ."

"સારું, અહીં આવી જ ગયાં છીએ તો અંદર જઈને પણ જોઈ લઈએ." ગુજરાલ બોલ્યો.

ગુજરાલના આમ બોલતાં જ રાઘવ અને એનાં જોડે આવેલાં તમામ લોકો અંધિયારી ગલીમાં પ્રવેશ્યાં. ગુજરાલ અને એનાં સાથી કોન્સ્ટેબલો પણ એમની પાછળ અંદર ગયાં.

થોડું ચાલીને એ લોકો ખુલ્લાં ભાગમાં આવી પહોંચ્યાં. આધ્યા સમેત બાકીનાં લોકોનાં આશ્ચર્ય વચ્ચે એ જગ્યાએ પડેલાં પગલાંનાં નિશાન ગાયબ હતાં. એ વિશેનો ઉલ્લેખ કર્યાં વગર એ બધાં ગુજરાલને લઈને એ રસ્તે આગળ વધ્યાં જ્યાં એ લોકોએ મોતનું તાંડવ જોયું હતું.

ગલીનાં મુખ પરથી ભલે ત્રણ લાશો ગાયબ હતી પણ આગળ બાકીની બાર લાશો તો મળી જ આવશે એવી ગણતરી સાથે સમીરની શોધમાં આવેલાં છ જણા એ સ્થાને આવી પહોંચ્યાં જ્યાં એમને એકપછી એક ક્ષત-વિક્ષત મૃતદેહો જોયાં હતાં.

અહીં એ બધાં માટે દુનિયાભરનું આશ્ચર્ય મોજુદ હતું. પગથિયાં પર પડેલી લાશો પણ ગલીનાં મુખ જોડે મળેલી અન્ય લાશોની માફક એનાં સ્થાનેથી અદ્રશ્ય હતી. આટલું ઓછું હોય તો ત્યાં લાશ હોવાની નાની અમથી નિશાની પણ નહોતી.

પગથિયાં ઉતરીને એ લોકો છેક એ રૂમમાં આવી પહોંચ્યા જ્યાં એમને ધડ વગરની એ લાશ જોઈ હતી જેને એ લોકો સમીર સમજી બેઠાં હતાં.

"સાહેબ, અહીં સાચેમાં પંદર લોકોની લાશો હતી." પોતાની તરફ ગુસ્સેથી જોઈ રહેલાં ગુજરાલને ઉદ્દેશીને રાઘવ બોલ્યો.

"મિસ્ટર, અમને મૂર્ખ બનાવવાનું બંધ કરો..!" ગુજરાલ ક્રોધિત સ્વરે બોલ્યો. "મને સમજાય છે કે આખરે તમે શું ઈચ્છતા હતાં. અહીં આવીને અમે વહેલી તકે શોધ કરીએ એટલે તમે અહીં પંદર લોકોની લાશો મળી આવવાની વાત ઉપજાવી કાઢી, જેથી તમારાં મનની શાંતિ માટે અમે અહીં આવીએ. હકીકત એ છે કે તમે લોકો ગઈકાલે અહીં આવ્યાં જ નથી."

"ઈન્સ્પેકટર તમને કઈ રીતે સમજાવું કે અમે ગઈકાલે અહીં પંદર લોકોની લાશો જોઈ હતી." અસમંજસભરી સ્થિતિમાં મૂકાયેલો રાઘવ બોલ્યો. હિન્દી પર ઓછી પકડ હોવાનાં લીધે રેહાના, યુસુફ અને જુનેદ ભાગ્યે જ બોલતાં હતાં.

"જો તમારાં મનને શાંતિ મળી ગઈ હોય તો અમે અહીંથી નીકળીએ." આટલું કહી ગુજરાલ પગથિયાં તરફ આગળ વધ્યો. એની જોડે આવેલાં કોન્સ્ટેબલો પણ એની પાછળ-પાછળ ચાલી નીકળ્યાં.

"આવું કઈ રીતે બને..!" ગુસ્સા અને આશ્ચર્યનાં બેવડા ભાવ સાથે આધ્યા બોલી. "રાતોરાત પંદર લાશો અચાનક ક્યાં ગાયબ થઈ ગઈ."

"હવે એ ઓફિસર આપણી કોઈ વાત નહીં માને.." નિરાશ સ્વરે રાઘવ બોલ્યો. "લાગે છે મારે ખાલી હાથ જ દુબઈ જવું પડશે."

હતાશ ચહેરે એ લોકો પગથિયાં તરફ આગળ વધી રહ્યાં હતાં ત્યાં જાનકીને કંઈક સ્ફૂરતાં એ ચપટી વગાડતાં બોલી.

"દીદી, આપણે જીજાજીનું લોકેટ ઈન્સ્પેકટર સાહેબને બતાવી શકીએ જે આપણને કાલે અહીંથી મળ્યું હતું. એ લોકેટ પર હજુપણ લોહીનાં ડાઘ છે, એ જોઈ ઈન્સ્પેકટરને શાયદ આપણી પર વિશ્વાસ આવી જાય."

"યસ યુ આર રાઈટ." જાનકીની વાત સાથે સહમત થતાં આધ્યા બોલી.

ગુજરાલ ત્યાંથી નીકળીને પોલીસ સ્ટેશન જવા નીકળી જાય એ પહેલાં એનાં સુધી પહોંચવા એ લોકો ત્વરાથી આગળ વધ્યાં. ઉતાવળાં ડગલે ચાલીને એ લોકો અંધિયારી ગલી વટાવીને બહાર આવ્યાં જ્યાં રાઘવે સ્કોર્પિયો પાર્ક કરી હતી. એ લોકો માટે વધુ નિરાશ કરનારી ખબર એ હતી કે ગુજરાલ ત્યાંથી નીકળી ગયો હતો.

ગુજરાલને મળવાં પોલીસ સ્ટેશન જવાનું મન બનાવીને બધાં સ્કોર્પિયોમાં બેઠાં એટલે રાઘવે સ્કોર્પિયોને મોહનગઢ તરફ દોડાવી મૂકી. કલાકમાં તો એ લોકો મોહનગઢ પોલીસ સ્ટેશન આવી પહોંચ્યાં હતાં. પોલીસ સ્ટેશન પહોંચતાં જ બધાં સ્કોર્પિયોમાંથી હેઠે ઉતર્યા અને ગુજરાલની પર્સનલ કેબિન તરફ આગળ વધ્યાં.

હમીર અને ગણપતે એ લોકોને રોકવાની કોશિશ કરી પણ એમને ગણકાર્યા વિનાં જ એ લોકો ગુજરાલની કેબિનમાં જઈ પહોંચ્યાં.

"હવે શું છે..?" એ બધાંને અચાનક પોતાની કેબિનમાં આવેલાં જોઈ ગુજરાલ ક્રુદ્ધ સ્વરે બોલ્યો. "તમારાં પર ભરોસો કરી એકવાર તમારી મદદ કરી જોઈ, હવે હું ડફોર નથી કે તમારી કોઈ નવી વાત પર વિશ્વાસ મુકીશ."

"સાહેબ, પહેલાં મારી વાત સાંભળો પછી તમતમારે જે નિર્ણય લેવો હોય એ લેજો." આધ્યાએ સપાટ અવાજમાં કહ્યું.

"હા બોલો." ના મનનું ગુજરાલ બોલ્યો.

"આ લોકેટ જોવો..!" સમીરનું લોકેટ ગુજરાલના હાથમાં મૂકતાં આધ્યા બોલી.

"આ અમને ગઈકાલે કિલ્લામાંથી મળ્યું હતું. આ મારાં હસબંડનું લોકેટ છે, જે હંમેશા એ પોતાની સાથે જ રાખતાં. ગતરોજ એક ધડ વગરનાં મૃતદેહ જોડે આ લોકેટ અમને મળ્યું હતું, આની ઉપર લોહીનાં ડાઘા પણ જોઈ શકાય છે."

આધ્યાએ આપેલું બાજની પ્રતિકૃતિ ધરાવતું સોનાનું લોકેટ હાથમાં લઈને ગુજરાલ ધ્યાનથી નીરખી રહ્યો હતો ત્યાં ગણપત ગુજરાલની નજીક ગયો અને લોકેટને જોતાં જ આશ્ચર્ય સાથે બોલ્યો.

"શું કહ્યું..? આ લોકેટ તમારાં પતિનું છે.?

"હા આ લોકેટ મારાં હસબંડનું છે." પોતાનાં મોબાઈલની ગેલેરી ખોલી સમીરનો ફોટો બતાવતાં આધ્યાએ કહ્યું. "આ જોવો, આ મારાં હસબંડ છે અને એમનાં ગળામાં આવું જ લોકેટ છે, જેવું મેં તમને આપ્યું."

"આ શક્ય જ નથી..!" ગુજરાલ જોડેથી લોકેટને પોતાનાં હાથમાં લઈને ચારેતરફથી જોતાં ગણપતે કહ્યું.

"શું થયું ગણપત?" આશ્ચર્યભરી નજરે લોકેટ તરફ તકતાં ગણપતને જોઈ ગુજરાલે પૂછ્યું. "કંઈ ગરબડ છે?"

"મેડમ, તમારાં પતિનું આખું નામ શું છે એ જણાવી શકશો?" ગણપતે આધ્યાને ઉદ્દેશીને કહ્યું.

"સમીરસિંહ રાજપૂત."

"એમનાં જમણાં હાથ પર મ્યાનમાં રાખેલી બે તલવારોનું છૂંદણું છે?"

"હા..!" નવાઈ સાથે આધ્યા બોલી. "પણ, એ તમને કઈ રીતે ખબર."

"મેડમ, તમારાં પતિ માધવપુરનાં રાજકુમાર છે. જે કિલ્લામાં તમે એમને શોધો છો એ કિલ્લાનાં અસલી વારસદાર." ગણપત ઘટસ્ફોટ કરતાં બોલ્યો.

ગણપતની વાત સાંભળી કેબિનમાં હાજર સર્વેનાં મનમાં એકસાથે કંઈકેટલાય પ્રશ્નો ચક્રવાત બનીને ઉમટી પડ્યાં. સમીર માધવપુરનો રાજકુમાર હતો એ વાત ગુજરાલની કેબિનમાં વીજળી બનીને ત્રાટકી હતી.

***********

ઓક્ટોબર 2019, અસમ

એક દસેક વર્ષનું નાનું બાળક ભયભીત થઈને પોતાની ચારેતરફ જોઈ રહ્યું હતું. એનાં ચહેરા પર અને પૂરાં શરીર પર પરસેવાની બુંદો દેખાઈ રહી હતી.

પોતાનાં બંને હાથની મુઠ્ઠીઓ વાળીને એ નાનું બાળક પૂરઝડપે દોડી રહ્યું હતું. એનાં હાથમાં એક નાનકડી બેગ હતી જેને ખભે ભરાવી એ બાળક બસ ભાગી જ રહ્યું હતું. સતત દોડવાના લીધે એનાં શ્વાસ અનિયંત્રિત થઈ ગયાં હતાં. એનાં પગનાં તળિયે ફોલ્લા પડી ચૂક્યાં હતાં. પોતાની જોડે લાવેલી પાણીની બોટલમાંથી પાણીની છેલ્લી ઘૂંટ ભરી એ બાળક પુનઃ દોડવા લાગ્યું. સતત બીજો અડધો કલાક દોડ્યા બાદ એ બાળક એક રોડ પર આવીને ઊભો રહી ગયો.

જેવો એ રોડ ઉપર પહોંચ્યો ત્યાં એને દૂરથી એક બસને આવતી જોઈ; બસને જોતાં જ એ દોડીને રોડની વચ્ચે જઈ, હાથ ઊંચો કરી ઊભો રહી ગયો. બસનાં ડ્રાઈવરે બસને થોભાવી એ સાથે જ એ બાળક ફટાફટ બસમાં ચડી ગયું.

"ક્યાં જવાનું છે..?" બસનાં કંડક્ટરે એ બાળકને પ્રશ્ન કર્યો.

"ગુવાહાટી..!" જોરજોરથી શ્વાસ લેતાં-લેતાં એ બાળકે જવાબ આપ્યો.

"ચોવીસ રૂપિયા..!" ગુવાહાટીની ટીકીટ એ બાળકને પકડાવતાં બસ કંડકટર બોલ્યો.

એ બાળકે પોતાની બેગમાં હાથ નાંખ્યો અને એક વીસની નોટ અને એક દસની નોટ કંડક્ટરને આપી, કંડકટર જોડેથી બાકી નીકળતાં છ રૂપિયા લઈને એ બાળક બસની છેલ્લી સીટમાં જઈને બારી જોડે બેસી ગયું.

બસમાં બેઠાં બાદ એનાં શ્વાસ થોડાં નિયંત્રિત થયાં. થોડી મિનિટો સુધી બારીમાંથી બહાર જોયાં બાદ એ બાળકે પોતાની બેગમાંથી એક ફોટો નિકાળ્યો. ફોટાને પોતાની છાતી સાથે લગાવી જોરજોરથી હીબકાં લેતાં-લેતાં એ બાળક બોલી પડ્યું.

"દાદાજી, તમારાં વગર આ દુનિયામાં મારું શું થશે."

"દાદાજી...દાદાજી...!" અચાનક અદિત્યની આંખ ખુલી ગઈ.

અત્યારે આદિત્ય અસમ સરકારની એક એસ.ટી બસમાં બેઠો હતો. ઉબળ-ખાબળ રસ્તે આગળ વધી રહેલી બસની વિન્ડો સીટ જોડે બેસેલાં અદિત્યની અનાયાસે આંખ લાગી ગઈ અને એને એક બાળકનું સપનું આવ્યું જે પોતાનો જીવ બચાવવા દોડી રહ્યું હતું. આ સપનું આદિત્યને હજારો વખત આવી ચૂક્યું હતું કેમકે એ બાળક બીજું કોઈ નહીં પણ એ પોતે હતો.

આદિત્ય જેમાં સવાર હતો એ બસ અચાનક આંચકા સાથે ઊભી રહી. બસ થોભતાં જ બસ કંડકટર ઊંચા અવાજે બોલ્યો.

"મયાંગ આવી ગયું. જેને ઉતરવાનું હોય એ ઉતરી જાય."

આદિત્યએ પોતાની શોલ્ડર બેગ ખભે ભરાવી અને બસનાં પગથિયાં તરફ અગ્રેસર થયો.

*********

વધુ પ્રતિશોધ અંક 2 માં....

તો દોસ્તો આ સાથે જ આ હોરર ટ્રાયોલોજીનો પ્રથમ અંક અહીં પૂર્ણ જાહેર કરું છું. આ અંકને જે રીતે આપે પ્રેમ અને પ્રતિસાદ આપ્યો એ ખરેખર અતુલ્ય છે. મારી નવી નવલકથાઓ અંગે જાણવા મને ફેસબુક પર અનુસરો.

નજીકમાં આ સીરીઝનો નવો અંક આપ માતૃભારતી પર વાંચી શકશો. સીરીઝનો નવો ભાગ પ્રતિશોધ અંક 2 - ભાગ 1 તરીકે ચાલુ થશે..જે મૂળ રીતે સીરીઝનો 24મો ભાગ હશે.

આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો. તમે મને ઈન્સ્ટાગ્રામ પર jatiin_the_star સર્ચ કરીને ફોલો કરી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની

અને મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)