પ્રતિશોધ પ્રથમ અંક - 22 Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

પ્રતિશોધ પ્રથમ અંક - 22

પ્રતિશોધ પ્રથમ અંક

ભાગ:22

મે 2002, અબુના, કેરળ

હેનરીએ જ્યારે પોતાની જાતને અસહાય સમજી ત્યારે એ સેટાનીક પેન્ટાગોનની મધ્યમાં જઈને ઉભો રહ્યો અને પોતાનાં હાથમાં રહેલાં મીટ કટરને ગરદન પર ફેરવી વાળ્યું.

એનાં આમ કરતાં જ પંડિતે ગુફામાં મોજુદ ગામલોકોને બહાર નીકળી જવા આદેશ આપ્યો. પંડિતની વાત માની ગામલોકો ફટાફટ ગુફાની બહાર નીકળી ગયાં. પણ ગયાં પહેલાં એ લોકોએ હેનરી જોડે ગુફામાં હાજર ઈલ્યુમીનાટી સંસ્થાનાં અનુયાયીઓને મૃતપાય હાલતમાં પહોંચાડવામાં કોઈ કસર નહોતી છોડી.

ઈલ્યુમીનાટી વિશે જ્યારે કેશવના ઘરે મળેલાં વૃદ્ધાએ જણાવ્યું ત્યારે પંડિતના મગજમાં એક ઝબકારો થયો. ઈલ્યુમીનાટી સંપ્રદાયનાં લોકો હંમેશા પોતાનાં રહેઠાણ અને કામની જગ્યાએ પેન્ટાગોન કે આંખનું નિશાન અવશ્ય બનાવે છે. હેનરીનાં ઘરે આવા ડઝનેક નિશાન બનેલાં હતાં અને એની કારમાં પણ આંખનો સિમ્બોલ ધરાવતું એક કપડાંનું બનેલ સુશોભન લટકતું હતું.

શરૂઆતમાં તો પંડિતે આ બધી વસ્તુઓ પર ધ્યાન નહોતું આપ્યું પણ જેવું જ એમને ઈલ્યુમીનાટી વિશે સાંભળ્યું એટલે એમને અંદાજો આવી ગયો કે હેનરી નક્કી ઈલ્યુમીનાટી સંસ્થા જોડે જોડાયેલો છે. ગામમાં જે વિપદાઓ આવી છે એ પોતાનાં દુષ્કર્મોનાં લીધે આવી છે એ બાબતથી અજાણ હેનરીએ ફાધર પોલનાં કહેવાથી પંડિતને બોલાવ્યાં હતાં. ફાધર પોલની વાતને અવગણીને એ ગામલોકોની નજરોમાં ખોટો સાબિત થવા નહોતો માંગતો એ પણ એક કારણ હતું પંડિતને બોલાવવાનું.

હકીકતમાં હેનરીને ગામલોકોથી કોઈ નિસ્બત જ નહોતી, એને તો બસ આજની આ રિચ્યુઅલ પુરી થઈ જાય એની જ ચિંતા હતી. ગામલોકો જીવે કે મરે એ વાતની જરાઅમથી પણ દરકાર ન હોવાં છતાં હેનરીએ ફાધરનાં કહેવાથી પંડિતને બોલાવ્યાં; પંડિત જેવો વૃદ્ધ વ્યક્તિ અબુનામાં આવેલી ભયંકર વિપદાઓને જોઈને એકાદ-બે દિવસમાં ગામ છોડીને નાસી જશે એવો હેનરીનો વિશ્વાસ હતો. હેનરીની પત્નીને પોતે અબુના છોડીને પાછાં મયાંગ જાય છે એવું કહી પંડિતે હેનરીનો આ વિશ્વાસ મજબૂત કર્યો જેથી સમય આવે ઓચિંતો હુમલો કરી એને માત આપી શકાય.

પોતાની શક્તિથી પંડિતે જ ગુફામાં મોજુદ બધી જ રોશની બુઝાવી દીધી હતી. આ રીતે ગુફામાં અંધકાર કરી પંડિતે ફાધર પોલની સહાયતાથી નયનતારાને સહીસલામત પેન્ટગોનમાંથી નીકાળી લીધી હતી. આ જ સમયે સૂર્યા પણ ગામલોકોને લઈને ગુફા સુધી આવી ગયો હતો. જે ત્વરાથી બધું બન્યું હતું એ જોઈ હેનરી સ્તબ્ધ થઈ ગયો અને એનાં બધાં પત્તાં અવળાં પડી ગયાં.

હેનરી પેન્ટાગોનની મધ્યમાં તરફડીયા મારી રહ્યો હતો, એનાં ગરદન પર મીટ કટરથી જે મોટો ઘસરકો પડ્યો હતો એમાંથી દડાદડ રક્ત વહી રહ્યું હતું. દયનિય હાલતમાં તરફડીયા બાદ હેનરીએ જીવ મૂકી દીધો. હવે શું થવાનું છે એ વાત પંડિત સમજતાં હતાં એટલે એમને સૂર્યા અને ફાધર પોલને થોડાં પાછળ ઊભાં રહી ઈશ્વરનું સ્મરણ કરી શક્ય એટલી હકારાત્મક ઉર્જા પેદા કરવા કહ્યું.

અચાનક હેનરીના શરીરમાં એક સફેદ ધુમાડા જેવું પ્રવેશ્યું..બીજી જ ક્ષણે મૃત હેનરીનાં શરીરમાં હલચલ જોવા મળી. હેનરી પોતાની જગ્યાએથી ઊભો થયો અને પોતાની બંધ આંખો ખોલીને શૈતાની સ્મિત સાથે પંડિત તરફ જોવા લાગ્યો. પંડિતે એની આંખો તરફ જોયું તો પંડિતને સમજાઈ ગયું કે હવે હેનરીની આત્મા શૈતાનનાં કબ્જામાં હતી. હેનરીની કાળા રંગની ચમકતી આંખો એ વાતનું પ્રતીક હતી કે એની અંદર શૈતાન પ્રવેશી ચૂક્યો હતો.

ધીરે-ધીરે હેનરીના શરીરમાં પરિવર્તન આવવા લાગ્યું. એનાં શરીરનો રંગ હવે ભૂખરો પડી ગયો અને ત્વચા ખરબચડી થઈ ગઈ. સૌપ્રથમ હેનરીની ગરદન ત્રણેક ફૂટ લાંબી થઈ અને એનો ચહેરો એક ડ્રેગન જેવો બની ગયો. એનાં ધડથી નીચેનાં ભાગનાં અંગ-ઉપાંગો પણ ખૂબ ઝડપથી બદલાઈ ગયાં અને એ એક સમુદ્રી દૈત્યમાં પરિવર્તિત થઈ ગયો.

હેનરીનું બદલાયેલું રૂપ એને ભયાવહ બનાવી રહ્યું હતું..ગુફાની છત વીસેક ફૂટ ઊંચી હોવાં છતાં દૈત્ય બનેલાં હેનરીનું માથું છતને સ્પર્શી રહ્યું હતું. પોતાની સંમુખ ઉભેલાં આવાં દૈત્યને જોઈને પણ પંડિત શંકરનાથ ચલિત નહોતાં થયાં. એમને એ દૈત્ય તરફ સ્મિતપૂર્વક જોતાં વ્યંગમાં કહ્યું.

"તો લ્યુસિફરે તને મોકલ્યો છે. સ્વાગત છે તારું ઈર્ષ્યાનાં રાજા લેવીએથન..!"

"મતલબ કે તું મને ઓળખી ગયો..!" લેવીએથન અચંબિત સ્વરે બોલ્યો. "એક રીતે આ સારું જ થયું કે તને પોતાને મોત આપનારનું નામ તો ખબર હશે."

"કેમ નહીં.!" પંડિતે કહ્યું. "જે રીતે લોર્ડ જીસસ દ્વારા તને અને તારાં જેવાં બાકીનાં અહંકારી ફરિશ્તાઓને નર્કમાં મોકલી દેવામાં આવ્યાં એમ હું પણ તને તારાં ગંતવ્ય સ્થાને મોકલીને રહીશ."

"તને મારી શક્તિનો અંદાજો નથી લાગતો..!" પંડિતની વાતોથી ચિડાઈને લેવીએથન ક્રુદ્ધ સ્વરે બોલ્યો.

"અજમાવી જો તારી બધી શક્તિ..તને સમજાઈ જશે કે કોણ વધુ શક્તિશાળી છે. આમ પણ તું પોતાની જાતને ગમે તેવો શક્તિશાળી કેમ ના કહે, તું છેવટે તો લ્યુસિફરનો દાસ છો." પંડિત ખૂબ જ ચાલાકીથી લેવીએથનને વધુ ને વધુ ઉકસાવી રહ્યાં હતાં. લેવીએથન જોડે વાતો કરતાં-કરતાં પંડિતે લેવીએથનની ફરતે કેસરી રંગનો ભૂકો ભભરાવી એની જાણ બહાર એક ત્રિકોણ બનાવવાનું શરૂ કરી દીધું હતું.

"આહહહહ...હમમ..!" પોતાનાં ગળામાંથી આક્રોશભર્યો ધ્વનિ નિકાળતાં લેવીએથને પંડિત પર પોતાનાં મોંમાંથી આગનાં ગોળ વરસાવવાનું શરૂ કર્યું.

પંડિત લેવીએથનના આ હુમલા માટે પહેલેથી જ તૈયાર હતાં, એમને એક ક્ષણ પણ વ્યય કર્યાં વિનાં ફાધર પોલ જોડેથી લીધેલાં હોલી ક્રોસને પોતાનાં અને આગનાં ગોળા વચ્ચે લાવી લીધો. આમ કરતાં જ એ આગનાં ગોળા નાજુક બરફ બનીને હિમવર્ષાની માફક જમીન પર પથરાઈ ગયાં.

પોતાનો હુમલો વિફળ જતાં અકળાયેલા લેવીએથને પોતાની મોટી અણીદાર પૂંછડીની મદદથી પંડિત પર હુમલો કર્યો. લેવીએથનના આ ઓચિંતા હુમલાથી પંડિત થોડો સમય તો ચકિત થઈ ગયાં પણ પગમાં થયેલ નાનકડાં ઘસરકા સિવાય લેવીએથન એમને વધુ નુકશાન ના પહોંચાડી શક્યો.

"શું થયું?" પંડિતે કટાક્ષ કરતા લેવીએથનને કહ્યું. "બસ આટલી જ શક્તિ છે તારી જોડે લ્યુસિફરના તુચ્છ સેવક.!"

"હવે હું તારો ખેલ ખતમ કરી દઈશ મૂર્ખ મનુષ્ય..!" ગુસ્સાથી રાતોચોળ થઈ ચૂકેલો લેવીએથન ગર્જના કરતાં બોલ્યો.

બીજી જ ક્ષણે લેવીએથન એક વિશાળકાય પક્ષીમાં પરિવર્તિત થઈ ગયો. એને પોતાની પાંખોથી એક આંધી પેદા કરી અને પંડિત પર તરાપ મારવા માટે અતિ ઝડપે આગળ વધ્યો.

પણ આ શું? લેવીએથનના અપાર આશ્ચર્ય વચ્ચે એ થોડે જ આગળ વધ્યાં પછી એક આંચકા સાથે પાછો ધકેલાયો. એનાં શરીરને જાણે જ્વાળામુખીમાં ધકેલી દેવાયું હોય એવું લેવીએથને અનુભવ્યું.

"શું થયું..? ડર લાગે છે હવે?" પંડિતે લેવીએથનની નીચે જમીન પર બનેલાં ત્રિકોણ ભણી જોતા કહ્યું. લેવીએથને પણ નીચે નજર કરી તો એની આંખો ફાટીને ફાટી રહી ગઈ.

"ટ્રાયએંગલ ઓફ હેવન.!" લેવીએથન આશ્ચર્યાઘાત અનુભવતા બોલ્યો. "જે વ્યક્તિ આ ટ્રાયએંગલ બનાવી શકે એ કોઈ સામાન્ય મનુષ્ય ના જ હોય."

"લેવીએથન!" પંડિતે આગ ઝરતી આંખે લેવીએથનની આંખોમાં જોતાં કહ્યું. "ઈશ્વરમાં પૂર્ણતઃ શ્રદ્ધા ધરાવતો કોઈપણ વ્યક્તિ સામાન્ય નથી હોતો. તમારાં જેવાં શૈતાનોની માયાજાળમાં ફસાઈને જે મનુષ્યો ઈશ્વરને ભૂલી જાય છે એ હોય છે સામાન્ય મનુષ્યો."

"તું મને અહીંથી જવા દે, હું ક્યારેય અહીં પગ નહીં મુકું.!" ટ્રાયએંગલ ઓફ હેવનની અંદર ઊભાં હોવાનાં લીધે લેવીએથન પોતાનું આખું શરીર સળગી રહ્યું હોવાનું અનુભવી રહ્યો હતો.

"અહીં તો શું આ જગતનાં એકપણ ખૂણે તું પગ ના મૂકે એમાં જ તારી ભલાઈ છે.!" ક્રુદ્ધ સ્વરે પંડિતે કહ્યું. "તું હવે તારાં મૂળ સ્થાને સમુદ્રનાં પેટાળમાં ચાલ્યો જવા તૈયાર હોવ તો જ હું તને આ ટ્રાયએંગલ ઓફ હેવનમાંથી જીવીત જવા દઈશ."

"મને તારી બધી શરતો મંજુર છે..!" દયનીય સ્વરે લેવીએથન બોલ્યો. "બસ મહેરબાની કરી મને અહીંથી નીકાળ."

લેવીએથનને એની અસલી ઔકાત બતાવી પંડિતે ફાધર પોલને અવાજ આપ્યો અને હોલી વોટર લઈને પોતાની જોડે આવવા કહ્યું. ગુફાનાં એક ખૂણે ઊભાં રહી લેવીએથનને આ હાલતમાં મૂકાયેલો જોઈ ફાધર પોલ અને સૂર્યા નિશ્ચિન્ત બની શંકરનાથ પંડિત જોડે આવ્યાં.

ફાધર પોલે આપેલી કાચની બોટલમાં રહેલું હોલી વોટર ટ્રાયએંગલ ઓફ હેવનનાં એક ભાગમાં નાંખી પંડિતે લેવીએથનને ઉદ્દેશીને કહ્યું.

"હવે તું અહીંથી જઈ શકે છે..!"

પંડિતના મુખેથી આટલું સાંભળતા જ લેવીએથન એક સફેદ રંગનાં ધૂમડામાં પરિવર્તિત થઈને તીવ્ર વેગે ત્યાંથી ચાલ્યો ગયો. એનાં જતાં જ હેનરીનું મૃત શરીર ધડામ કરતું નીચે પટકાયું અને સળગીને ભસ્મીભૂત થઈ ગયું.

આ શૈતાની ખેલ પૂરો થતાં જ અબુનાનું આકાશ મૂળ પોતાનાં રૂપમાં આવી ગયું. દૈવી શક્તિ સામે ફરીવાર શૈતાનીયતની હાર થઈ હતી. ફરીવાર અંધકારનું સ્થાન પ્રકાશે લઈ લીધું હતું

********

ગામલોકોને ઈલ્યુમીનાટી સંસ્થાનાં ખૌફમાંથી મુક્ત કર્યાં બાદ શંકરનાથ પંડિતે અબુનામાંથી વિદાય લીધી. જે ખ્રિસ્તી લોકોએ આ સમગ્ર પ્રવૃત્તિ વિશે સાંભળ્યું એ હચમચી ગયાં. ઈલ્યુમીનાટી સંપ્રદાય સાથે જેટલાં પણ લોકો સંકળાયેલા હતાં એ બધાં ગુફામાં જ ગામલોકોનાં હાથનો માર ખાઈને મૃત્યુ પામ્યાં હતાં.

પોતાનો પતિ ઈલ્યુમીનાટી સાથે સંકળાયેલો છે એ જાણ્યાં બાદ કૅથરિનને ભારે આઘાત લાગ્યો અને એને આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવી દીધું. પંડિતના કહેવાથી ગામલોકોએ એલેક્સને પોતાનો નવો સરપંચ બનાવી લીધો. અબુનામાં પુનઃ ખુશીઓ પાછી આવી ગઈ.

ગામલોકોએ પંડિત શંકરનાથ અને સૂર્યાનો અંતઃકરણથી આભાર માની એમને ભાવભીની વિદાય આપી. ફાધર પોલે પણ પંડિતને ગળે લગાવી એમનો આભાર વ્યક્ત કર્યો.

જતાં-જતાં ફાધર પોલે પંડિત શંકરનાથને એક વણમાંગી સલાહ પણ આપી.

"ઈલ્યુમીનાટી સંસ્થાનાં આકાઓને જ્યારે તમારાં કર્યાની જાણ થશે ત્યારે એ તમને શોધતાં મયાંગ સુધી આવશે."

જેનો હસીને જવાબ આપતાં પંડિત બોલ્યા.

"આવશે ત્યારે જોયું જશે..!"

***********

પંડિત શંકરનાથના ગયાં બાદ અબુનામાં પુનઃ શાંતિ અને સમૃદ્ધિ આવી ગઈ. ધર્માંતરણ હેઠળ ખ્રિસ્તી બનેલાં હિંદુઓએ પુનઃ હિંદુ ધર્મ અંગીકાર કરી લીધો. ધર્મનો ભેદ ભુલાવી ગામમાં બધાં હળીમળીને રહેવા લાગ્યાં.

આમને આમ છ મહિના વીતી ગયાં, ફાધર પોલ જોનાથન પણ અબુનામાં આવેલી આ રોનકને જોઈને ખુશ હતાં. એક સાંજ ફાધર પોલના મોબાઈલની રિંગ વાગી, એમને ફોન રિસીવ કર્યો એ સાથે જ સામેથી જે કંઈપણ કહેવામાં આવ્યું એ સાંભળી એમનું શરીર ઢીલું પડી ગયું અને એ પોતાની જગ્યાએ અર્ધબેહોશીની હાલતમાં ફસડાઈ પડ્યાં.

************

ક્રમશઃ

આગળ શું થવાનું છે એ જાણવા વાંચતા રહો આ સુપર સસ્પેન્સ હોરર નવલકથા "પ્રતિશોધ". આ નવલકથા દર મંગળવારે અને શુક્રવારે આવશે એની નોંધ લેવી.

આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની

અને મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)