સમીરના ઘરે પહોંચીને પાર્કિંગમાં કાવ્યાને ફરી પડછાયો દેખાયો. સમીર અને અમન બંને આગળ ચાલી રહ્યા હતા અને કાવ્યા તેમની પાછળ ચાલી રહી હતી. તેણે પાછળ ફરીને કાર પાસે જોયું તો પડછાયો ત્યાં જ હતો અને કાવ્યાને હાથના ઈશારાથી પોતાની પાસે બોલાવી રહ્યો હતો. કાવ્યા તેને જોઈને ખુબ જ ડરી ગઈ. તે દોડીને અમન અને સમીર પાસે પહોંચી ગઈ અને તેમની સાથે ઘરમાં ચાલી ગઈ.
અમન અને સમીર આ વાતથી અજાણ પોતાની વાતોમાં જ પડ્યા હતા. કાવ્યાના શ્વાસોચ્છવાસની ગતિ વધી ગઈ. તેના પર કાબૂ મેળવવા પ્રયત્ન કરવા લાગી અને થોડી જ વારમાં તે સ્વસ્થ થઈ ગઈ અને ત્યાં સામેથી સમીરની પત્ની શબાના આવતી દેખાઈ. કાવ્યાએ તેની સામે સ્મિત કર્યું. શબાના નજીક આવીને કાવ્યાને ભેટી જ ગઈ.
"કેટલા સમય બાદ મળ્યા ને આપણે.. જન્નતનો જન્મ થયો ત્યારે આવી હતી મળવા, તે પછી તો આપણે મળ્યાં જ નથી." હગ માંથી છૂટી શબાના બોલી.
"હા જો ને નવરાં જ નથી થતાં. છોડ એ બધું પહેલાં કહે કે કેમ છે તને અને બર્થ-ડે ગર્લ જન્નત ક્યાં છે?" કાવ્યા એ પૂછ્યું.
"ઠીકઠાક છું અને મારો આખો સમય જન્નત સાથે ક્યાં વીતી જાય ખબર જ ન પડે.. જન્નત મારી એક કઝિન આવી છે દુબઈથી એની પાસે છે." શબાનાએ જવાબ આપ્યો અને પોતાની કઝિનને સાદ પાડી જન્નતને એમની પાસે લાવવા કહ્યું.
શબાનાની કઝિન જન્નતને લઈને ત્યાં પહોંચી ત્યાં જ કાવ્યાએ જન્નતને તેના હાથમાંથી લઈ લીધી અને વ્હાલ કરવા લાગી. અમન પણ કાવ્યા પાસે આવીને જન્નતને રમાડવા લાગ્યો. આ જોઈ શબાનાએ બંનેને કહ્યું,"હવે તમારે ક્યારે ખુશખબરી આપવી છે.." આ સાંભળી કાવ્યા તો શરમાઈ જ ગઈ અને અમન પણ નીચું મોં કરીને ત્યાંથી સમીર પાસે જતો રહ્યો. આ જોઈ શબાના કાવ્યા અને શબાનાની કઝિન હસવા લાગ્યા અને પછી વાતોએ વળગ્યાં.
થોડી વાર પછી સમીર ત્યાં આવી કહેવા લાગ્યો, "બધા ગેસ્ટ આવી જ ગયા છે હવે કેક કાપી લઈએ.." શબાનાએ એમાં હામી ભરી દીધી અને કેક લાવવાનું કહી દીધું.
થોડી જ વારમાં મોટા હોલની વચ્ચોવચ કેકનું ટેબલ આવી ગયું. કાવ્યા અમન પાસે જઈને ઊભી રહી ગઇ. ટેબલ પાસે સમીર અને શબાના જન્નતને તેડીને ઊભા રહી ગયા અને કેક પરની કેન્ડલ બૂઝાવી કેક કાપ્યો. હોલ બર્થ-ડે સોંગના અવાજથી ગુંજી ઉઠ્યો. બધા કિલકારીઓ કરવા લાગ્યા. નાનકડી જન્નત આ બધું જોઇને ખિલખિલાટ હસવા લાગી અને તેને જોઈને બાકી બધા હસવા લાગ્યા. શબાનાએ કેકનો નાનો ટુકડો જન્નતના મોં માં મૂક્યો તો જન્નત તો ચાટી જ ગઈ તે. શબાના અને સમીરે બધા ગેસ્ટને કેક ખવડાવ્યો.
બધા હસી મજાક કરી રહ્યા હતા અને અમુક તો જાણે જમવા જ આવ્યા હોય એમ ફૂડ કાઉન્ટર ચાલું થાય એની રાહ જોવા લાગ્યા.
થોડી વારમાં ફૂડ કાઉન્ટર ચાલું થઈ ગયા અને બધા જમવા લાગ્યા. અમુક મ્યુઝિક વાગી રહ્યું હતું એમાં નાચી રહ્યા હતા. સમીર અને અમનની ઓફિસના ફ્રેન્ડ નાચી રહ્યા હતા. સમીર અમનને ત્યાં લઈ ગયો અને બધા તેમને આવતા જોઈ પાગલોની જેમ નાચવા લાગ્યા. તે બંને પણ પાગલની જેમ નાચવા લાગ્યા. કાવ્યા અને શબાના તેમને જોઈ ખુબ જ હસવા લાગ્યા.
કાવ્યા તો બસ અમનને જ જોઈ રહી હતી. છ ફૂટની ઊંચાઈ, ગોરો વાન, ફ્રેન્ચ કટ દાઢી, વ્યવસ્થિત ઓળેલા વાળ, શૂટ બૂટમાં અમન કોઈ ફિલ્મી હીરો કરતા પણ સોહામણો લાગી રહ્યો હતો. કાવ્યા તો તેને જોઈ જ રહી. અમન દેખાવડો હોવાની સાથે સાથે કાવ્યાને પ્રેમ પણ ખૂબ જ કરતો હતો અને કાળજી પણ એટલી જ રાખતો. આ વિચારી કાવ્યા પોતાની જાતને અતિ ભાગ્યશાળી માની રહી.
"ક્યાં ખોવાઈ ગઈ કાવ્યા?" શબાનાએ હસતાં હસતાં કહ્યું.
"ક્યાંય નહીં, હું તો બસ..." કાવ્યાની ચોરી પકડાઈ ગઈ હોય એમ એ શરમાઇ ગઇ.
શબાના હસવા લાગી અને બોલી, "એ લોકો તો નાચતા જ રહેશે, ચાલ આપણે જમી લઈએ." કાવ્યા હા કહીને તેની સાથે જમવા જતી રહી. થોડી વાર પછી અમન સમીર અને તેમના ફ્રેન્ડસ પણ જમવા આવી ગયા. બધા મજાક કરતા કરતા જમવા લાગ્યા.
જમીને બધા કપલ કપલ નાચી રહ્યા હતા. અમને પણ કાવ્યાને ડાન્સ કરવા માટે હાથ લંબાવ્યો અને કાવ્યા એ પોતાનો નાજુક હાથ અમનના હાથમાં મૂકી દીધો અને અમન કાવ્યાને લઈને વચ્ચે આવી ગયો અને કાવ્યાની કમર પર એક હાથ અને બીજો હાથ કાવ્યાના હાથ માં રાખી દીધો તેવી જ રીતે કાવ્યા એ પણ એક હાથ અમનના ખભા પર અને બીજો હાથ અમનના હાથમાં રાખી દીધો અને બંને નાચવા લાગ્યા.
હળવા મ્યુઝિક પર બધા જ કપલ ડાન્સ કરી રહ્યા હતા. માહોલ એકદમ રોમેન્ટિક બની ગયો હતો. સમીર પણ એક હાથમાં જન્નતને ઊંચકીને શબાના સાથે ડાન્સ કરી રહ્યો હતો.
"અમન, હું જરા વોશરૂમ જઈ આવું ઓકે.." વીસેક મિનિટ સુધી ડાન્સ કર્યા બાદ કાવ્યાએ અમનને કહ્યું.
"હા જરૂર, પણ જલ્દી આવજે.. ડાન્સ અભી બાકી હૈ મેરી જાન.." અમન રોમેન્ટિક મૂડમાં બોલ્યો.
"હા મારા ઓમ શાંતિ ઓમ, હમણાં આવી.." કહેતી કાવ્યા હસી પડી અને સેકન્ડ ફ્લોર પરના એક રૂમના બાથરૂમમાં ગઈ.
કાવ્યા ફ્રેશ થઈને વૉશબેસીનમાં હાથ ધોઇ રહી હતી અને ત્યાં જ બાથરૂમની લાઈટ બંધ થઈ ગઈ. કાવ્યાને કંઈ જ દેખાતું નહોતું. તે બાથરૂમની બહાર જવા માટે તે બાજુ ફરી રહી હતી ત્યાં જ લાઈટ ચાલુ થઈ ગઈ. પાવર કટ થયો હશે એમ વિચારી તે પોતાના કપડા સરખા કરવા માટે વૉશબેસીનની ઉપર રહેલા મિરરમાં જોવા ગઈ ત્યાં મિરરમાં તેને પડછાયો દેખાયો. તે એકદમ જ ડરી ગઈ અને પાછળ સરકી ગઈ અને દીવાલ સાથે ટકરાઈ ગઈ. તે પાછળ ફરીને જોવા લાગી ત્યાં દીવાલ હતી. તેને એટલો ડર લાગી રહ્યો હતો કે તે દીવાલથી પણ ડરી ગઈ. આમ પણ ડર ચીજ જ એવી છે કે માણસ ગમે તેટલો શક્તિશાળી કેમ ના હોય પોતાની જાતને નબળો માનવા લાગે છે અને ડર વધુ ને વધુ તેને પરેશાન કરે છે.
કાવ્યાએ ફરી મિરરમાં જોયું તો કોઈ ન હતું ત્યાં. તેને થયું કે તેને આભાસ થઈ રહ્યો છે. તે હાંફી રહી હતી. તે બાથરૂમની બહાર જવા માટે ફરી કે તેને પાછળથી ફરી એ જ
અવાજ સંભળાયો જે નીચે પાર્કિંગ લોટમાં સંભળાયો હતો. તે જ પડછાયો તેનું નામ લઈને તેને બોલાવી રહ્યો હતો. તે આ વખતે પાછળ ફરવા જ નહોતી માંગતી. તે ભાગવા ગઈ તો તેના પગ જમીન સાથે ચોંટી ગયા. તે ભાગી જ ના શકી. તે પોતાની મરજી વિરુદ્ધ પાછળ ફરી રહી હતી. તેને લાગી રહ્યું હતું કે કોઈ તેને જબરદસ્તી પાછળ ફેરવી રહ્યું છે.પાછળ ફરીને પણ તેણે આંખો ના ખોલી. તે ખૂબ જ ડરી ગઈ હતી. આવું તેની સાથે પહેલી વખત થઈ રહ્યું હતું.
અચાનક તેને લાગ્યું કે હવે પોતાને બીજું કોઈ કાબૂ નથી કરી રહ્યું એટલે તેણે આંખો ખોલી તો પોતે અરીસાની સામે ઊભી હતી અને પડછાયો તેમાં હતો અને તેની સામે જોઈ રહ્યો હતો. કાવ્યા ફરી ભાગવા ગઈ ત્યાં દીવાલ પરના શાવર ચાલુ કરવાના હેન્ડલ પર તેનો હાથ ટકરાઈ ગયો અને શાવર ચાલુ થઈ ગયો. કમનસીબે કાવ્યા એ જ દિશામાં ભાગી રહી હતી અને શાવરમાંથી નીકળતું પ્રવાહી તેની ઉપર પડ્યું. કાવ્યાને તે પ્રવાહી ગરમ મહેસુસ થયું તેણે જોયું તો એ રક્ત હતું. કાવ્યા ના તો હોંશ જ ઉડી ગયા. તે આખી રક્તથી પલળી ગઈ હતી. તે જોરજોરથી ચિલ્લાવા લાગી. જેમતેમ દોડીને બાથરૂમના દરવાજા પાસે ગઈ તો દરવાજો બહારથી બંધ હતો. તે વધુ જોરજોરથી ચિલ્લાવા લાગી, "અમન... અમન... શબાના... સમીરભાઈ..." કાવ્યા દરવાજો જોરજોરથી ખટકાવવા લાગી અને મદદ માટે ચીસો પાડવા લાગી હતી.
કાવ્યાએ પાછળ જોયું તો પડછાયો અરીસામાંથી બહાર આવી રહ્યો હતો. તે વધુ જોરજોરથી ચિલ્લાવા લાગી અને દરવાજો ખખડાવવા લાગી.
નીચે બધા કાવ્યાની ચીસો અને દરવાજો ખખડાવવાનો અવાજ સંભળી ઉપર દોડ્યા. અમન બધાથી આગળ દોડી ગયો હતો અને બાથરૂમનો દરવાજો ખોલ્યો.
**************
વધુ આવતા અંકે
કોનો છે આ પડછાયો?
તે કાવ્યાને શામાટે દેખાય છે?
બાથરૂમમાંથી કાવ્યા સહીસલામત બહાર આવશે?
આ બધા સવાલોના જવાબ મેળવવા માટે વાંચતા રહો આ દિલધડક સસ્પેન્સ હોરર નોવેલનો આગલો ભાગ...