Prarthna books and stories free download online pdf in Gujarati

પ્રાર્થના

અફાટ રણમાં એક ઘોડેસવાર ભૂખ્યો-તરસ્યો જતો હતો. તેને રસ્તાની ખબર હતી પરંતુ હવે ખોરાક-પાણીના અભાવે રસ્તો ખૂટે તેમ ન હતો ,મંઝીલ દૂર હતી. ઘોડો પણ હાંફે ચડ્યો હતો. બસ ઘોડેસવાર અને ઘોડાને હવે કોઈ ચમત્કાર જ બચાવી શકે તેમ હતું. સવારને કંઈ સૂઝતું નહોતું. હવે માત્ર ઈશ્વરને પ્રાર્થના કરવાની જ બાકી હતી. સવાર તો મનોમન પ્રાર્થના કરવા લાગ્યો. ખરા દિલથી તેણે ભગવાનને યાદ કર્યા. પોતાના માતાપિતા , સગાસ્નેહીઓને યાદ કર્યા. જાણે મોતને પામવાની તૈયારી જ કરી લીધી પણ મોતનો ડર કોને નથી લાગતો? ઘોડેસવારે ઈશ્વરને અંતરથી યાદ કર્યા અને મદદની ગુહાર પણ લગાવી.

અને ભગવાને જાણે પ્રાર્થના સાંભળી પણ લીધી હોય તેમ રેતીના સમુદ્રમાંથી એક માણસ ફૂટી નીકળ્યો. અને સાશ્ચર્ય જ તે માણસ પાસે ઘાસના બે પૂળા અને ખોરાકપાણી પણ હતા. ઘોડેસવાર અવાચક બની જોઈ રહ્યો. તેને પોતાની આંખ પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો.

સામે પેલો માણસ પણ આશ્ચર્યમાં હતો. આવા અફાટ અને ધોમધખતા રણમાં તેને જાણે મીઠા પાણીનો વીરડો મળી આવ્યો હોય તેવો આંનદ થયો. તરત જ પેલા માણસે ઘોડેસવારને પૂછયું ,

" ભાઈ , ફલાણી જગ્યાએ જવું છે , રસ્તો માલૂમ છે? "

" અરે , હું ત્યાંજ જઉં છું , પરંતુ મારી પાસે ખોરાકપાણી ન હોવાથી હું થાક્યો છું. ઘોડો પણ હવે લાબું ખેંચે તેમ નથી " ઘોડેસવારે આશ્ચર્ય સાથે જવાબ આપ્યો.

તરત જ પેલા માણસે બધું ઘાસ ઘોડા આગળ નાખ્યું અને સવારને થોડી બ્રેડ ને પાણી આપ્યા. ઘોડો અને સવાર બંને જાણે સ્વર્ગ મળ્યું હોય તેવા તૃપ્ત થઈ ગયા. ઘોડેસવારે મનોમન ભગવાનનો આભાર માન્યો અને આકાશ સામે જોયું.

અને આમ ત્રણેય સાથે ચાલવા લાગ્યા. ઘોડેસવારને હજુ પણ આશ્ચર્ય સાથે શંકા થતી હતી કે શું સાચે જ ઈશ્વરે મદદ કરી હતી કે માત્ર યોગાનુયોગ હતો?. પણ જે હોય તે , સૌ સારા વાનાં થયાં તે જ મહત્વનું હતું.

થોડા સમય બાદ જ રણ પૂરું થયું અને રહેણાંક વિસ્તાર શરૂ થયો. હવે તેઓ સુરક્ષિત અને સલામત હતા. મંઝીલ પણ આવી ગઈ. છુટા પડવાનો સમય થયો ત્યારે ઘોડેસવારે પેલા માણસને પૂછી જ નાખ્યું.

" ભાઈ , તમે તે રણમાં અચાનક ભેગા થઈ ગયા તેમાં મને આશ્ચર્ય થાય છે. આવા અનંત રણમાં ભેટી જવું એ મારી પ્રાર્થનાને કારણે કે કોઈ અલગ કારણ છે. મને તો તમે ભગવાને મોકલેલ દેવદૂત લાગો છો. તમે કોણ છો??? "

સાથે જ પેલો માણસ પણ અવાક્ થઈ ગયો અને રડી પડ્યો. તેણે આંખમાં આંસુ સાથે કહ્યું ,

" અરે ભાઈ , હું બે દિવસથી રણમાં ખોવાયો હતો. મારો ઘોડો પણ તે પહેલાં છૂટો પડી ગયો હતો. હું પણ ઝાઝા દિવસો કાઢી શકું તેમ નહોતો. પછી મને મારી માની શિખામણ યાદ આવી કે ખરા દિલથી ભગવાનને યાદ કરો તો ભગવાન મદદ મોકલે જ છે , બસ ભરોસો રાખી યાદ કરવા. આથી હું ઈશ્વરસ્મરણ કરતો ભટકી જ રહ્યો હતો ત્યાં તમે જ મળી ગયા. હું તો તમને જ દેવદૂત માની બેઠો હતો. મારો ઘોડો કદાચ મળે તેમ માની મેં ઘાસ સાચવ્યું હતું 'ને તમે જ મળી આવ્યા 'ને તમારા ઘોડાને કામ લાગ્યું. "

હવે રડવાનો વારો ઘોડેસવારનો હતો. તેણે ગળગળા સાદે આકાશ તરફ જોઈ માત્ર એટલું કહ્યું, " આભાર તારો , પ્રભુ "...

અને બંને ગળે મળી છુટા પડ્યા અને પોતપોતાના પંથે ચાલતાં થયાં...

ખરા દિલથી કરેલી પ્રાર્થના કદી ખાલી જતી નથી , ઈશ્વર જવાબ અને મદદ આપે જ છે , આવું લગભગ સૌ કોઈએ અનુભવ્યું હશે. આપણે ઈશ્વરનો આભાર માનીએ કે તેણે આપણને માંગ્યા વગર પણ ઘણું બધું આપ્યું છે.

બીજા રસપ્રદ વિકલ્પો