Prernani divadandi books and stories free download online pdf in Gujarati

પ્રેરણાની દીવાદાંડી

એક માસ્તર, પોતાના ગામથી બે કિલોમીટર ખેતરાઉ માર્ગે થઈ ને હાલે ત્યારે એની નોકરીનુ ગામ આવે. ત્યાની ખોરડાવાળી નિશાળમાં એ આચાર્યની પદવી નિભાવે.ત્યારે ગામડામાં કોઇ અતિ શ્રીમંતના ઘેર કદાચ સાયકલ હોય તો હોય !! એવા જૂના સમયની આ વાત. પોતાનાં અને જ્યાં નોકરી કરતા હતા એ બેઉ ગામમાં નાના-મોટા સૌ ના હૃદયમાં માસ્તર નું મોટું સ્થાન ખૂબ લોકપ્રિય...એનું વ્યક્તિત્વ એટલે જાણે હાલતુ-ચાલતુ અંજવાળુ..પણ એ અંજવાળાને'ય એક'દિ..અડધી-પોણી રાતે ફાનસના અંજવાળાની જરુર પડી. એ પોતે આચાર્ય એટલે હિસાબ-કિતાબ એણે જ કરવાનો હોય, હિસાબના પણ પાક્કા. ઉપરી અધિકારી પણ એની ક્યારેય ભૂલ ન કાઢી શકે. ત્યાં પણ એની કિર્તિનો ડંકો વાગે. એણે ધારેલું કામ પૂરુ ન થાય ત્યાં સુધી થાકે ઇ બીજા.
પશુપાલન અને ખેતી સિવાય જાજુ કોઇ મહત્વ નો'તું.,પૈસો ક્યાંય દેખાતો નો'તો ; ગામડામાં લોકો વસ્તુની અદલા-બદલી કરી વ્યવહારો સાચવી લેતાં.પાલી કે છાલીયુ દાણાં (ઝાર્ય કે બાજરી )અથવા લોઢુ આપીને છોકરાવ જામફળ ,તરબૂચ ,શેરડી, ઠેગલી ,વગેરે લેતાં. આના અને કાણા વાળા પૈસા ચલણમાં હતા.અને રૂપિયો તો ગાડાંનું પૈડું કે'વાતુ ઇ વખતની વાત છે. ત્યારે આ માસ્તર શિક્ષણના આગ્રહી.હોશિયાર છોકરાને એના માવતરે ભણતો ઉઠાડી ને ગાડે વળગાડ્યો હોય કે ઝાર્ય વાઢવા ચાહે ચડાવ્યો હોય તો માસ્તર એને ઘરે જઈ ને વઢે..ને ભણાવવા સમજાવે.પણ ત્યારે તો મોટા ભાગના ઘર...,"બાર સાંધે ત્યાં તેર તૂટે"..!! એવા હતા.છોકરાને થોડુંક અક્ષરજ્ઞાન થાય નો થાય ત્યાં જોતર કાં દાતરડી, સણેથા પકડાવી દેવાતા.
એક વાર બન્યું એવું કે એને હિસાબમા એક આના ની ભૂલ મળતી નો'તી.બધાં ચોપડા ખૂબ ઊથલાવ્યા.બહુ સંભારવા મથ્યા પણ મેળ નો બેઠો.આજ પેલી વાર એણે કામને કાલ્ય ઉપર છોડવાનો ક-મને નિર્ણય લીધો.જોકે નિશાળ તો ક્યારની છૂટી ગઈ'તી.બીજા માસ્તરો પણ ઘર ભેગા થઈ ગયા'તા.અંધારું થાવા આવ્યુ ત્યાં સુધી તો માસ્તર મથ્યા જ , પણ મનમાં ગાંઠ્ય વાળી કે ભલે ઘરે જતો રઉ પણ ભૂલ્ય ગોતીશ પછી જ અન્ન નો દાણો મોઢામાં મુકીશ. ઘેર ગયા , ખાધુ તો નહીં પણ સૂતા'ય નહીં.પથારીમાં બેઠાં-બેઠાં રાત્રે દોઢે'ક વાગ્યે આના ની ભૂલ્ય હૈયે આવી, ત્યારે ને ત્યારે ફાનસ પેટાવ્યુ ને ફાનસના અંજવાળે ખેતરાઉ મારગે,માધુબાગના પાળે થાતા'ક ને અડધો કલ્લાક નો થયો ત્યાં પોગી ગ્યા..બાજુ ને ગામ. રાતે વાહુ જાતાં ખેડુ એ માસ્તરને આમ ફાનસ લઇને અડધી રાતે આવેલા જોઈને પૂછ્યું " સાબ્ય ! આમ અત્યારે આવા ટાણે કેમ આવવાનું થયું ?" માસ્તરે કીધું "હિસાબમા એક આનાની ભૂલ હતી ઇ સાંભરી તે ઓફિસે સુધારવા જાવ છું તમારી ખેડ્ય ખેતર ને અમારી ખેડ્ય નિશાળ...તમારી જેમ અમારે'ય ક્યારેક વાહુ જાવું પડે ને !!!"

ખેડુ એ વળી કીધું "પણ સાબ્ય,સવારે આવી ને ઇ ભૂલ્ય સમી કરે'ત તોય હાલેત ને !!આ તો તમે એક આના ની ભૂલ્ય સુધારવા ચાર આના નું ઘાંસલેટ (કેરોસીન)બાળશો.!
ત્યારે માસ્તરે ઉત્તર દીધો ઇ નોંધી લીધાં જેવો જ નહીં પણ આચરવા જેવો હો !! માસ્તરે કીધું "એક આના ની ભૂલ્ય,રાતો-રાત્ય સુધારવા માટે થઈ ને ચાર આના તો શું પણ આઠ આના નું ઘાંસલેટ બળે ઇ પોહાય, પણ ચોંપડામા ભૂલ્ય વાળુ સુધાર્યા વન્યા નું પાનું એકધારું નજર સામુ તર્યા કરે ને જીવ બળે ઇ નો પોહાય."

આ સત્યનિષ્ઠ અને સાચા અર્થમા શિક્ષક એટલે રતનપુર ગાયકવાડી માં નોકરી હતી ને શાહપુર ગામના ગૌરવવંતા માનવી શ્રી 'મોહનભાઈ પ્રાગજીભાઈ ગોટી'.
દેહથી ભલે હયાત નથી પણ લોક હૃદયે હજી જીવે છે.
આજના શિક્ષકો જ નહીં પણ દરેક નાગરિક આવા માનવો માંથી પ્રેરણા લે એવું એમનું જીવન હતુ.
વંદન સાથે...અસ્તુ...

બીજા રસપ્રદ વિકલ્પો