યોગ-વિયોગ - 25 Kajal Oza Vaidya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

યોગ-વિયોગ - 25

યોગ-વિયોગ

કાજલ ઓઝા વૈદ્ય

પ્રકરણ -૨૫

વૈભવી ચૂપચાપ રૂમનું બારણું બંધ કરીને પાછી આવીને અભયની બાજુમાં આવીને સૂઈ ગઈ હતી, પણ આજે એની ઊંઘ વેરણ થઈ ગઈ હતી. અભયે સૂતેલી સાપણની પૂંછડી મરડીને એને જગાડી હતી...

‘‘તમારા માતુશ્રીએ ભગાડી મૂક્યા તમારા પિતાશ્રીને.’’ અભયે જવાબ જ ના આપ્યો.

‘‘મારું માનવું છે કે તમારે કાલે જઈને પપ્પાજીને અહીંયા લઈ આવવા જોઈએ.’’ વૈભવીએ ઊંધા ફરીને સૂતેલા અભયને હાથ લપેટ્યો. અભયની ચૂપકિદી વૈભવીને અકળાવા લાગી, ‘‘હું જાણું છું કે તમે બહેરા નથી.’’

‘‘હોત તો સારું થાત.’’ અભયે હાથ ઝટકાવી નાખ્યો અને ઊંઘવાનો પ્રયત્ન કરવા લાગ્યો, પણ વૈભવી કોઈ પણ રીતે સૂર્યકાંતને આ ઘરમાં લઈ આવવા માગતી હતી. એ જાણતી હતી કે સૂર્યકાંતના આ ઘરમાંથી આવવાથી લગભગ બધાં જ સમીકરણો બદલાઈ જશે અને સૂર્યકાંતને અહીં લાવવા માટે વસુમાને તેમના દીકરાઓ જ કહી શકે તેમ હતા.

‘‘તમારે કહેવું જોઈએ માને.’’ વૈભવીએ એની એ વાત ચાલુ રાખી.

‘‘સારુ.’’ અભયે કહ્યું.

‘‘બિચારા પપ્પાજી, કેવું લાગ્યું હશે એમને આ ઘરમાંથી જતા. પહેલી વાર પણ જાકારો આપીને કાઢી મૂક્યા, બિચારા પાછા આવ્યા તો પણ કોઈએ રોકાવાનું કહ્યું નહીં. માણસ કેટલું અપમાન સહન કરે?’’

‘‘બંધ થઈશ હવે તું ?’’ અભયે કહ્યું.

‘‘હા, હું તો બંધ જ થઈ જઈશ, પણ હું માનું છું કે હવે તમારે ચાલુ થવાનો સમય છે.’’ વૈભવી બેઠી થઈ ગઈ, ‘‘કરોડપતિ છે કરોડપતિ... અને એ પણ રૂપિયામાં નહીં, ડોલરમાં. ક્યારેક પોતાના ફાયદાનું વિચારતા શીખો. આખી જિંદગી ઘસાયા, શું મળ્યું ?’’

‘‘એ તને નહીં સમજાય. તું સૂઈ જાપ્લીઝ, અને મને પણ સૂવા દે. આપણે સવારે વાત કરીશું.’’ કહીને અભયે ઊંઘવાનો પ્રયાસ કરવા માંડ્યો. પરંતુ વૈભવીએ એના મનમાં એક વિચારનું બીજ રોપી દીધું હતું.

’’આવતી કાલે સવારે હું બાપુનેઘરે બોલાવવા મા સાથે વાત જરૂર કરીશ. આટલા વર્ષે માણસ ઘેર આવે છે, આપણે સામેથી બોલાવ્યો છે, હવે કડવશો સંઘરી રાખવાનો શો અર્થ છે ?’’ બંધ આંખે અભય જાણે એક સુખી કિલ્લોલતા કુટુંબને સાથે જીવતું જોઈ રહ્યો.

કેટલો સમય થયો, આ ઘર જાણે એક હાઈબરનેશનની લાંબી ઊંઘ ખેંચી રહ્યું હતું. ઘરના દરેક સભ્યને છૂટીછવાઈ પોતાની જિંદગી હતી, પણ કોઈ એક પાંચ આંગળી બંધ થાય ને મુઠ્ઠી વળે એવી કોમન જિંદગી નહોતી અહીં ! સવારે સાડા આઠના બ્રેકફાસ્ટ ટેબલ ઉપર એક ખુરશી ખાલી રહેતી, રોજ. આજે અભયને એ ખુરશી ભરી દેવાનો વિચાર બહુ સુખ આપી ગયો.

સાવ કિશોર હતો ત્યારથી જ આ ઘરના મુખ્ય પુુરુષ તરીકે એણે પોતાના ગળામાં ધૂંસરી ભરાવી હતી. સૂર્યકાંત મહેતાના આવતા જ મુક્ત થઈ જવાની ઇચ્છા જાણે ટળવળી ઊઠી...

એને આ ઘરમાંથી મુક્તિ નહોતી જોઈતી કે નહોતું કોઈ જવાબદારીઓમાંથી છટકવું. એને માત્ર પોતાની જિંદગી જીવવી હતી હવે, જેટલી બાકી રહી હતી એટલી...

સવારના સાડા છ થયા હતા. સ્વીટ નંબર ૧૦૧૧ આખેઆખો બેચેન હતો. એક માત્ર નિરાંતે ઊંઘતી લક્ષ્મીને બાદ કરતાં આખો કમરો જાણે અજંપ હતો. સૂર્યકાંત મહેતા એક ખૂણેથી બીજા ખૂણે આંટા મારતા હતા. સત્તર વિચારો આવીને નીકળી જતા હતા.

આગલી રાત્રે અઢી-ત્રણ વાગ્યે પાછી ફરેલી લક્ષ્મી આવીને કપાયેલા થડની જેમ પડી હતી. પડખું પણ બદલ્યા વિના એ ઘસઘસાટ ઊંઘતી હતી. એના વાળ એના ચહેરા પર ફેલાઈ ગયા હતા. મેક-અપ વગરનો ચહેરો એકદમ નિદરેષ અને નાના બાળક જેવો કોમળ લાગતો હતો. એનું નાઇટ ડ્રેસનું ટોપ ઊંચું થઈ ગયું હતું. એમાંથી તાલબદ્ધ શ્વાસની અવર-જવર સાથે ઊંચું-નીચું થતું એનું પેટ દેખાતું હતું. સૂર્યકાંતે એને ખૂબ લાડથી ઓઢાડ્યું. એના માથે હાથ ફેરવ્યો. ગાઢ ઊંઘમાં પણ લક્ષ્મીએ સૂર્યકાંતનો હાથ પકડી લીધો. પોતાના ગાલ નીચે મૂકીને એ બબડી, ‘‘આઈ લવ યુ ડેડી !’’

‘‘લવ યુ ટૂ માય ચાઇલ્ડ...’’ અને સૂર્યકાંત ફરી બેચેન થઈને આંટા મારવા લાગ્યા, ‘‘એણે એક વાર પણ રોકાવાનું ના કહ્યું. એમ પણ ના પૂછ્‌યું કે પાછા ક્યારે આવશો ? મારું ઘર છે, મારે હોટેલમાં શું કામ રહેવું જોઈએ ? એણે મને કહેવું જોઈએ કે હું આ રૂમ છોડીને ઘરે પહોંચી જાઉં.... પણ એ તો બોલી જ નહીં.’’

સૂર્યકાંત મહેતાનું મન એકદમ ઉદ્વેગમાં આવી ગયું, ‘‘એ કહે તો જ મારાથી ઘરે જવાય ? મારાં સંતાનો જ્યાં છે, મારાં સંતાનોનાં સંતાનો જ્યાં છે ત્યાં હું શું કામ ના રહું ? આ બધું નકામું છે. વસુંધરાની રાહ જોતો રહીશ તો બાકીનાં વર્ષો પણ હોટેલમાં જ કાઢવા પડશે. હું આજે જ ઘરે જઈશ અને ત્યાં જ એની નજર સામે રહીશ. એને ઇચ્છા હોત તો એણે બોલાવ્યો જ હોત, પણ એણે નથી બોલાવ્યો એટલે તો મારે ખાસ જવું જોઈએ... એને ના ગમે એટલે મારે ઘરમાં રહેવા નહીં જવાનું ? આટલે દૂરથી હું મારે ઘેર આવ્યો છું. હું મારે ઘેર જઈશ...’’

‘‘એક વાર દેવશંકર મહેતાનો કાઢ્યો તો નીકળી ગયો, પણ વસુ, હું શ્રીજી વિલામાં રહેવા આવું છું. તને ગમે તો સારું ને ન ગમે તો વધારે સારું...’’ એમણે મનમાં ગાંઠ વાળી.

સૂર્યકાંતે ફોન ઉઠાવ્યો, નીચે રિસેપ્શન પર ફોન કરીને ચેક-આઉટ માટેની સૂચના આપી. ઓરડામાં વીખરાયેલો પોતાનો સામાન ધીમે ધીમે પેક કરવા માંડ્યો. લક્ષ્મીની વસ્તુઓ સમેટીને એની બેગ પાસે મૂકી અને ત્યાં જ જઈને પોતે શું કહેશે એ વિશે જાત સાથે મથામણ કરવા માંડી...

એ મથામણ દરમિયાન એમણે જાણે જિંદગીનો એક ટુકડો ફરી વાર જોઈ લીધો. ‘‘દેવશંકર મહેતાએ મારી જિંદગી બરબાદ કરી નાખી.’’ એ વિચાર એમના મનમાંથી કોઈ રીતે જોતો જ નહોતો.

સૂર્યકાંતનો સ્વભાવ કદાચ બાળપણથી જ આવો હતો. દેવશંકર મહેતાના એકના એક સંતાન તરીકે માએ એમને બહુ લાડકોડ કર્યા હતા, પછી મોટી ઉંમરે જન્મેલા ચંદ્રશંકરનું માનસિક સંતુલન બરાબર ન હોઈને માનો તમામ પ્રેમ સૂર્યકાંત પર ઢોળાયો હતો. એનું કારણ કદાચ એમ પણ હોય કે સૂર્યકાંત એના ઘડપણની એકમાત્ર લાકડી હતી એવું ગોદાવરીબહેન માનવા માંડ્યાં હતાં.

પિતા દેવશંકર જ્યારે જ્યારે પણ એમને શિસ્ત શીખવવાના કે જિંદગી વિશે કંઈ કહેવાના પ્રયત્ન કરતા ત્યારે મા હંમેશાં આડી ઊતરતી અને એમને બચાવી લેતી. દેવશંકરથી છુપાઈ પૈસા આપવા, એમની કુટેવો પર પડદો પાડવો કે બીજી કેટલીયે બાબતોમાં ગોદાવરીબહેન સૂર્યકાંતને બચાવતાં રહેતાં. આનું પરિણામ એ આવ્યું કે સૂર્યકાંતના મનમાં પિતા ખરાબ અને મા સારી એવો એક ભાવ ઘર કરી ગયો.

એ ઘરથી દૂર રહેવા માંડ્યા. મિત્રોની સાથે ક્યારે કુસંગે ચડી ગયા એની એમને પોતાનેય ખબર ના રહી. નાટક-ચેટક, ક્યારેક બીડી-સિગરેટ તો ક્યારેક છાંટોપાણી...

દેવશંકર મહેતાના ઘરમાં એમનો એકમાત્ર વારસદાર દિશાહીન થઈ રહ્યો હતો. જેની હવેલીની દીવાલોને ખબર નહોતી. એવામાં એમને યશોધરા મળી- નાટકની હિરોઇન... સૂરીલો અવાજ, રૂપાળી ને નખરાળીયે ખરી. સૂર્યકાંતે એક રાતમાં પચીસ રૂપિયા ઉડાડ્યા એની પાછળ. યશોધરાની મા સમજી ગઈ અને એણે ગણતરીપૂર્વકની છૂટ આપવા માંડી...

નાટકની પહેલાં ને નાટક પછી... ક્યારેક ક્યારેક રિહર્સલના સમયમાંથી ભાગીને પણ યશોધરા સૂર્યકાંતને મળવા લાગી. નાટકના સંવાદો જેવી એની ભાષા, એનાં નખરાં, એની આંખનો ઉલાળો... સૂર્યકાંત ધીમે ધીમે એમાં લપેટાતા જતા હતા.

એક રાત્રે સૂર્યકાંત લગભગ સાડા બારના સુમારે હળવેકથી હવેલીના પગથિયા ચડ્યા...

‘‘સાહ્યબો મારો ગુલાબનો છોડ, વેલી હું તો લવંગની...’’

‘‘આવો, કેટલા વાગ્યા એનો ખ્યાલ નહીં હોય તમને.’’

‘‘બાપુજી, તમે ?’’

‘‘ઘણા દિવસથી મને ચોકીદાર માહિતી આપતો હતો, પણ તમારાં માતુશ્રી ખોટું બોલતાં એટલે હું મૂંગો રહ્યો. આજે મેં જાતતપાસ કરવાનું નક્કી કર્યું... ક્યાં હતા હમણાં સુધી ?’’

‘‘જી... જી...નાટક જોવા ગયો હતો.’’

‘‘આપ મેટ્રિકમાં ત્રીજી વાર નાપાસ થયા છો અને નાટક જોવા જવાનો શોખ આપને કેવી રીતે પોસાય ? કાલથી તમે પેઢી પર આવો. મને લાગે છે હવે તમારા માથે જવાબદારી નાખવી પડશે.’’

અને બીજે અઠવાડિયે એ વતન જઈને વસુંધરા જોડે સગાઈ કરી આવ્યા હતા...

‘‘મારા પિતાએ મને સહેજ સમજવાનો પ્રયત્ન કર્યો હોત તો આ બધું આમ વીખરાઈ ન ગયું હોત.’’ સૂર્યકાંતના મનમાંથી દેવશંકર વિરુદ્ધનો રોષ કોઈ રીતે જતો નહોતો અને વસુ પિતાની પસંદગી હતી. એ કદાચ સૌથી પહેલો રોષ હતો વસુંધરા માટે. એને જોયા વિના માત્ર એનું નામ સાંભળીને સૂર્યકાંતના મનમાં એક રોષ છલકાયો હતો અને પછી દરેક વખતે જ્યારે જ્યારે વસુંધરાએ પિતાનો પક્ષ લીધો કે પિતાની આજ્ઞાનું પાલન કરવાનો પ્રયાસ કર્યો એ દરેક વખતે સૂર્યકાંતે વસુંધરાના નામ પર મૂકેલી ચોકડી ફરી એક વાર ઘૂંટી હતી.

‘‘વસુ લગ્નના પહેલા દિવસથી યશોધરા વિશે જાણતી હતી, છતાં એણે કોઈને કહ્યું નહીં. પોતે આટલું દેવું કર્યું તોય સંતાનોને લઈને અહીં અભાવમાં આવીને રહી. પોતે આમ યશોધરા જોડે ભાગી ગયા અને છતાં સંતાનોને એ વિશે જાણ ન થવા દીધી... અને છતાંય ક્યારેય પોતે એકલી છે, મારા વિના નહીં જીવી શકે એવું દેખાવા ના દીધું... આટઆટલું થયા છતાં એક વાર પણ મને પ્રેમ કરે છે એવું નથી કહ્યું એણે. નથી ક્યારેય મારી પાસે પ્રેમની કે પત્નીના અધિકારોની માગણી કરી. ઊલટાનું દરેક વખતે મારા પર એક ઉપકાર કરીને જીતવાની તક શોધે છે જાણે ! પણ એ મને ઓળખતી નથી... જીતવાની ટેવ તો મને પહેલેથી જ છે ને હું જ જીતીશ આ રમતમાં, વસુંધરા ! જિંદગીના અંત કાળે તારી પાસે ઘૂંટણિયે પડીને પ્રેમની ભીખ ના મગાવું તો મારું નામ સૂર્યકાંત નહીં.’’

શ્રીજી વિલાથી પાછા ફરીને સૂર્યકાંતનું મન વસુ સાથે લડી લેવા કટિબદ્ધ થઈ ગયું હતું. આજથી પચીસ વર્ષ પહેલાં જે મનઃસ્થિતિ અને પરિસ્થિતિ હતી ત્યાં જ પાછા પહોંચી ગયા હતા સૂર્યકાંત અને એટલે જ જે ઘરની ચાર દીવાલમાંથી શરૂઆત થઈ હતી આ સમસ્યાની, ત્યાં જ જઈને એનો ઉકેલ ગોતવાનું નક્કી કર્યું એમણે !

રોજની જેમ જ સાડા છ વાગ્યે ઘરમાં વસુમાનો અવાજ ગૂંજવા લાગ્યો, ‘‘અબ સોંપ દિયા ઇસ જીવન કા સબ ભાર તુમ્હારે હાથોં મેં, હૈ જીત તુમ્હારે હાથોં મેં ઔર હાર તુમ્હારે હાથોં મેં.’’

એમના હાથ સૂકાં પાંદડાં વીણતા હતા. હજી થોડા દિવસ પહેલા ં જ વાવેલા લાલ મહેંદીના છોડને હળવેથી પંપાળતાં એમણે નવી કુંપળ ફૂટી કે નહીં એ જોયું... ત્યાં અચાનક અંદરથી એક બીજો અવાજ એમની સાથે જોડાયો, ‘‘મેરા નિશ્ચય હૈ બસ એક યહી, એક બાર તુમ્હે પા જાઉં મેં, અર્પણ કર દું દુનિયાભર કા સબ પ્યાર તુમ્હારે હાથોં મેં...’’

વસુમાના ઓરડામાંથી એક દરવાજો બગીચામાં સીધો ખૂલતો.

સવારના સમયે વસુમા એ દરવાજો આખો ખોલી નાખતાં. ત્રણ ભાગમાં વહેંચાયેલો એ દરવાજો આખો ખૂલે તો ઓરડાની અડધી દીવાલ ખૂલી જતી. સવારના સૂરજનો કૂણો તડકો સીધો ઠાકોરજીના મંદિર પર પડતો ને ઓરડો કેસરી પ્રકાશથી ઝળાહળા થઈ જતો. શ્રીજી વિલાનો આ માસ્ટર બેડરૂમ દેવશંકર મહેતાએ કદાચ પોતે રહેવાના ઇરાદાથી બંધાવ્યો હતો...

વસુમા સવારે એ દરવાજામાંથી સીધા બગીચામાં નીકળી જતાં. એટલે જ એમણે ડ્રોઇંગરૂમમાં સૂતેલી અનુપમાને નહોતી જોઈ, પણ પોતાના રોજના સમયે અનુપમાની આંખ ઊઘડી જ ગઈ હતી. એટલે છ વાગ્યાની જાગી ગયેલી અનુપમાએ મોઢું ધોઈ વાળ બાંધીને જાતને ઠીકઠાક કરી હતી. બીજું કોઈ જાગ્યું નહોતું એટલે ઘરના બંધ દરવાજાઓની પાછળ કોણ કોણ સૂતું હશે અને જાગીને એની સાથે કઈ રીતે વર્તશે એની કલ્પના કરતાં ચારે બાજુ જોઈને ગઈ કાલની રાતની ઘટનાઓ એકમેક સાથે સાંકળવાનો પ્રયાસ કરી રહી હતી... શું બન્યું અને કેવી રીતે બન્યું એનો વિચાર કરતી પડી હતી એ. ત્યાં જ એણે વસુમાના અવાજમાં ગવાતું ભજન સાંભળ્યું...

એ જાતને રોકી ના શકી, અને પોતાના સૂરીલા અવાજમાં એ ભજનનો આગળનો અંતરો ગાતી બહાર નીકળી. એણે વસુમાને બગીચામાં કામ કરતાં જોયાં. વસુમાએ સાવ સ્વાભાવિકપણે બીજો અંતરો જવા દઈ ત્રીજો અંતરો અનુપમા સાથે મળીને ગાવા માંડ્યો, ‘‘જો જગમેં રહૂં તો ઐસે રહે, જ્યોં જલ મેં કમલ કા ફૂલ રહે, મેરે સબ ગુણદોષ સમર્પિત હો, કીરતાર તુમ્હારે હાથોં મેં...’’

થોડી તંદ્રમાં ને થોડી જાગતી વૈભવીએ એક બીજો અવાજ પણ સાંભળ્યો, પણ પછી એને થયું કે કદાચ ભ્રમ હશે. અત્યારે સવારના પહોરમાં વસુમા સિવાય કોણ નવરું હતું ભજન ગાવા ? એટલે ઊંઘતા અભય ઉપર એક પગ અને એક હાથ નાખીને ફરી ઊંઘવાનો પ્રયત્ન કરવા માંડ્યો.

ભજન પૂરું થયું અને વસુમાએ કહ્યું, ‘‘અલયની સાથે આવી ?’’

‘‘તમે ?’’

‘‘હું અલયની મા છું. મારો દીકરો તારા ભારે વખાણ કરે છે. અનુપમા ઘોષ છે ને તું ? બહુ ફિલ્મો નથી જોતી હું, પણ તારી ફિલ્મો મારો દીકરો જબરદસ્તી બતાવે છે.’’ એમના ચહેરા પરના મૃદુ હાસ્યે અનુપમા આકર્ષાઈ ગઈ.

‘‘અલય લકી છે, તમારા જેવી મા મળી છે. તમે બહુ સુંદર ગાવ છો અને કેટલા સુંદર દેખાવ છો...’’

‘‘સુંદર તો તું પણ છે બેટા, અને કેટલી સારી અભિનેત્રી છે.’’

‘‘ખરેખર ? મને તો એક્ટિંગ કરવી ગમતી જ નથી. રોજ રોજ ભાગી છૂટવાનું મન થાય છે. એવા અર્થ વગરના સંવાદ બોલાવે છે ઘણી વાર...ગમે તેટલી સ્ક્રિપ્ટ વાંચો, ગમે તેટલું નક્કી કરો પણ છેલ્લે તો એ જ નોનસેન્સ... એમાં જ હું નીકળી ગઈ કાલે સેટ પરથી... પેલો શર્માનો બચ્ચો મેડમ-મેડમ કરતો સમજાવતો રહ્યો, પણ મેં ના પાડી દીધી. જરૂર વગરના સીનમાં શું કામ ભેટવાનું ને શું કામ ચોંટવાનું ? ખરી લાગણી તો આંખમાં પણ વ્યક્ત થઈ શકે.’’

‘‘સાચી વાત છે બેટા, અમારા જમાનાની ફિલ્મોમાં શરીરનું આટલું બધું મહત્ત્વ નહોતું. હવે તો જાણે પેઢી જ બદલાઈ ગઈ છે, વિચારો બદલાઈ ગયા છે...’’

‘‘ના, ના, ખરેખર તો સમય બદલાઈ ગયો છે.’’

વસુમા જોઈ રહ્યાં એક ક્ષણ માટે આ છોકરીની સામે. કેટલી મોટી વાત કહી હતી એણે ! સમય જ તો બદલાઈ ગયો હતો અને સમય બદલાય ત્યારે બધું જ બદલાઈ જાય. આ જ ઘર, આ જ સંતાનો, એ જ સૂર્યકાંત અને એ જ પોતે... પણ આજે બધું જ જુદું હતું !

‘‘ચાલ, તારે ચા પીવી છે ?’’

‘‘ક્યારની... રાતનું હેન્ગઓવર છે, માથું ફાટી જાય છે મારું.’’

‘‘દારૂ ? બેટા...’’ નહોતું કહેવું છતાં આ વહાલસોઈ છોકરીને જોઈને વસુમાથી રહેવાયું નહીં.

‘‘હું નથી પીતી, કાલે કોઈકે મારા ફ્રેશ જ્યુસમાં બકાડર્ી મિક્સ કરી દીધી. થોડી હું ગુસ્સામાં હતી અને થોડી કંટાળેલી. એક જ ઘૂંટડામાં જ્યૂસનો ગ્લાસ ખાલી કરી ગઈ...’’ એનું નિદરેષ હાસ્ય એની વાત સાચી છે એવું માનવા મજબૂર કરતું હતું.

બંને રસોડામાં પહોંચ્યાં ત્યારે જાનકી ચા લઈને બહાર આવતી હતી. એની ટ્રેમાં ત્રણ કપ જોઈને વસુમા માત્ર હસ્યાં. ત્રણે જણા બેસીને ચા પી રહ્યા હતા ત્યારે લજ્જા કોલજ જવા નીચે ઊતરી...

‘‘ઓહ માય ગોડ ! ઓહ માય ગોડ ! ઓહ માય ગોડ ! ચાચુ.. ચાચુ.. ચાચુઉઉઉઉ...’’ એણે ઘર ગજાવી મૂક્યું.

‘‘શું છે ?’’ જાનકીએ પૂછ્‌યું.

‘‘આ... આ...’’

‘‘અનુપમા છે. સાચી છે.’’ જાનકી હસી.

‘‘ચાચુને ખબર છે ?’’

‘‘તારા ચાચુની સાથે જ આવી છે.’’

‘‘હાયલ્લા ! ચાચુ તો ખરા છે હોં. જ્યારે એ મને કહેતા હતાને કે એક દિવસ અનુપમાને આ ઘરના ડાઇનિંગ ટેબલ પર જમાડીશ ત્યારે મારા માન્યામાં નહોતું આવતું, પણ હી ડીડ ઇટ, હી મેઇડ ઇટ !’’ લજ્જાએ નજીક આવીને અનુપમાનો હાથ પકડી લીધો, ‘‘તમે, તમે છો ને અહીંયા ? હું... હું મારી ફ્રેન્ડસને ફોન કરું ?’’

અનુપમાએ હસીને ડોકું ધુણાવ્યું.

‘‘રહેવા દે બેટા, અહીંયા ભીડ ભેગી કરવાનો કોઈ અર્થ નથી.’’

‘‘દાદી, શું તમે પણ... તમને ખબર છે, અમે બધા અનુપમાજીના કેટલા મોટા ફેન છીએ ?’’

‘‘બેટા, લોકોને ખબર પડશે તો ભીડ ભેગી થઈ જશે. બિચારીને અહીંથી નીકળવું ભારે થઈ પડશે.’’ જાનકીએ લજ્જાને સમજાવી.

‘‘ઓ.કે. પણ તમે અહીંયા રહેજો હોં, હું બ્રેકફાસ્ટ કરીને જઈશ, અને તરત જ પાછી આવી જઈશ.’’

‘‘એને કામ હશે બેટા, એ તો અલયને મળીને નીકળી જશે.’’

‘‘અલય...’’ અનુપમા જાણે યાદ કરતી હોય એમ બબડી, ‘‘ક્યાં છે એ ?’’

‘‘ઉપર... છેક ઉપર રૂમ છે એમનો...’’ જાનકીએ કહ્યું.

‘‘હું આવું.’’ ચાનો ખાલી કપ મૂકીને અનુપમા ઊભી થઈ અને સીડી ચડવા લાગી, ‘‘ઉપર જઈને કઈ બાજુ ?’’

વસુમા એની અનૌપચારિકતા જોઈ રહ્યાં. પછી હળવેથી હસીને કહ્યું, ‘‘આ સીડી એના રૂમમાં જ પૂરી થશે.’’

‘‘રાત્રે શ્રેયા આવી હતી.’’ જાનકીએ કહ્યું, ‘‘ખૂબ ગુસ્સામાં હતી. અલયભાઈ આને ઊંચકીને લાવ્યા રાત્રે...’’

‘‘એટલે પતિ-પત્ની ઔર વૌહ ?’’ લજ્જાએ ગોસિપના રસથી તાળી પાડી, ‘‘વાઉ !’’

‘‘લજ્જુ...’’ જાનકીએ જરાક આંખો કાઢી, ‘‘મા, રાત્રે અજય...’’

‘‘જાણું છું. સૌ ઇચ્છે છે કે એમના પિતા અહીંયા આવીને રહે, પણ બેટા, આ એમનું ઘર છે. મને શું વાંધો હોય ? આજે નાસ્તાના ટેબલ પર બધા ભેગા થાય ત્યારે કહીશ હું.’’ પછી વસુમા ઊભાં થઈને રસોડા તરફ ચાલી ગયાં.

‘‘કાકી, શું લાગે છે ? લફરું થશે ?’’ લજ્જાની આંખોમાં કુતૂહલ હતું.

‘‘કાંઈ નથી થવાનું... હવે તારા ચાચુની ફિલમ બનશે એ નક્કી.’’

‘‘ફિલમ બનશે કે ફિલમ ઊતરશે ?’’ લજ્જા જોરથી હસી.

પહેલા માળનો બેડરૂમ અને બે ગેસ્ટરૂમ વટાવીને જે પેસેજ સીડી તરફ જતો હતો એની બંને તરફ મોટાં મોટાં કુંડાં મૂક્યાં હતાં. બ્લ્યૂ પોટરીના બે હાથમાં સમાય એવડા મોટા કુંડામાં રોપેલાં બે ક્રિસ્મસ ટ્રી પાસેથી પસાર થઈને એક સીડી અલયના માળ તરફ જતી. એ સીડી અલયના ઓરડામાં જ પૂરી થતી. એક બેડરૂમ, એની સાથે જોડાયેલો નાનકડો સ્ટડી, અને બાથરૂમ અને પેન્ટ્રી સાથેનો આ સેલ્ફ સફિશિયન્ટ સ્ટૂડિયો અપાર્ટમેન્ટ હતો. અલયની ખૂબ ઇચ્છા હતી કે એની સીડી ઘરથી બહાર મૂકવામાં આવે, પરંતુ વસુમાએ એની સ્પષ્ટ ના પાડી હતી. ‘‘ઘરની બહારથી કોઈ ઘરમાં દાખલ નહીં થાય... ઘરમાં દાખલ થવા માટે એક જ રસ્તો રહેશે...’’

અલયના ઓરડામાં દાખલ થતાંની સાથે એક અસ્તવ્યસ્તતાનું સામ્રાજ્ય જોવા મળતું. જમીન પર નાખેલી ગાદી, એની આસપાસ વીખરાયેલાં પુસ્તકો, રાતના જોતાં જોતાં ચાલુ રહી ગયેલું ટેલિવિઝન તો ક્યારેક ચાલુ રહી ગયેલું કમ્પ્યુટર...

આજે અલયની છાતી ઉપર એક પુસ્તક ઉઘાડું હતું. ઘસઘસાટ ઊંઘતા અલયને જોઈને અનુપમાને વહાલ આવી ગયું. એ જે દુનિયામાં જીવતી હતી ત્યાં સ્ત્રીની કિંમત શરીરથી વધારે નહોતી જોઈ એણે. પુરુષોની નજરો એનાં વસ્ત્રોની આરપાર થઈને નીકળી જતી, એને ટેવ પડી ગઈ હતી એવી નજરોની...

ફિલ્મી દુનિયામાં જ્યાં એ જીવતી હતી ત્યાં બધું જ બનાવટી હતું. હસવું, રડવું, સંબંધો, દોસ્તી બધું જ લેવડ-દેવડ પર આધારિત હતું. કોઈ કોઈની મદદ શું કામ કરે? જો એને કંઈ મળવાનું ના હોય તો ?

‘‘મેરા ક્યા ?’’ એ ફિલ્મી દુનિયાનો ફેવરિટ પ્રશ્ન હતો.

અનુપમા બાળપણથી જ અનાથ હતી. કોલકતાના એક મિશનરી અનાથઆશ્રમમાં ઊછરીને મોટી થયેલી અનુપમા જ્યારે કોલેજમાં હતી ત્યારે શૂટિંગ જોવા ઊભી હતી. પહેલી ટેલિવિઝન સિરિયલની ઓફર આવી... માત્ર પૈસા ખાતર એ વખતે અભિનય કરવાનું સ્વીકાર્યું અને પછી એ ટેલિવિઝન સિરિયલથી સીધી પહેલી ફિલ્મ...

અનુપમાએ જાતે બહુ સ્ટ્રગલ નહોતી કરવી પડી, પણ એ જોતી- રોજેરોજ છોકરીઓને અહીંયા આવતી, અભિનેત્રી બનવાનાં સપનાં લઈને કોકની પથારીમાં રગદોળાતી... કોકને વળી બે-ચાર રોલ મળતા તો કોઈક સાવ ભુલાઈ જતી.

આવી દુનિયામાં એક આવો માણસ પણ હોય કે જેણે નશામાં ધૂત છોકરીને પોતાના ઘરમાં લાવીને આશ્રય આપ્યો હતો !

ઘસઘસાટ ઊંઘતા અલયનો ઝભ્ભો ખભા પરથી સરકી ગયો હતો. એની આંખો મીંચેલી હતી. ચહેરા ઉપર જાણે એક અત્યંત સરળ-નિદરેષ ભાવ હતો. અનુપમાને જઈને એને વહાલ કરવાનું મન થઈ ગયું. એ એની નજીક ગઈ. એના પર ઝૂકી... અને હળવેથી અલયના ચહેરા પર હાથ ફેરવ્યો...

પછી અચાનક પોતે જ ચોંકી ઊઠી, ‘‘આ શું થઈ ગયું છે મને? આ શું કરી રહી છું હું ? હું કોઈના ઘરમાં છું, આવી રીતે ઉપર આવી જવું શોભે છે મને ? શું ધારશે એ લોકો ? આ છોકરાને કેટલો ઓળખું છું હું? ઓહ માય ગોડ ! ઓહ માય ગોડ !’’ એ ઊભી થઈ ગઈ અને સડસડાટ પગથિયાં ઊતરીને નીચે આવતી જ હતી કે વૈભવીના રૂમનો દરવાજો ખૂલ્યો.

ઓરેન્જ કલરનો ડ્રેસિંગ ગાઉન પહેરીને વૈભવીએ બારણું ખોલીને બૂમ પાડી, ‘‘જાનકી... કોફી નથી બની હજુ ?’’ એના છેલ્લા શબ્દો જાણે એના ગળામાં પાછા જતા રહ્યા. એ અનુપમા ઘોષને જોઈને ડઘાઈ ગઈ.

‘‘ત...ત... તમે ?’’

‘‘હું કોઈ ભૂત હોઉં એમ બધા ડઘાઈ કેમ જાય છે ?’’ અનુપમા ખડખડાટ હસી. પછી એણે હાથ લંબાવ્યો. વૈભવીનો હાથ લગભગ ખેંચીને પોતાના હાથમાં લઈને હેન્ડશેક કર્યા, ‘‘અનુપમા ઘોષ... તમે?’’

‘‘વ...વ...વૈભવી ! પણ તમે અહીંયા કઈ રીતે ?’’

‘‘લાંબી સ્ટોરી છે, તમે કોફી પી લો પછી કહીશ.’’

અને અનુપમા પેસેજ વટાવીને સડસડાટ ડ્રોઇંગરૂમમાં ઊતરવા જ જતી હતી કે એની નજર મુખ્ય દરવાજો ખોલીને ઊભેલાં વસુમા પર પડી. દરવાજા ઉપર એક પ્રતિભાશાળી પુરુષ અને એક પરદેશી છોકરી બેગ-બેગેજિસ સાથે ઊભાં હતાં અને વસુમાની અનુપમા તરફ પીઠ હોવા છતાં એક અભિનેત્રી તરીકે, એક સ્ત્રી તરીકે એ એમના શરીરમાં આવેલાં કંપનો અનુભવી શકતી હતી...

‘‘આવો કાંત.’’ એમણે લક્ષ્મીને ભેટીને માથે હાથ ફેરવ્યો અને પાછળ ફરીને બૂમ પાડી, ‘‘અજય... અભય... બાપુનો સામાન અંદર લઈ લો.’’

‘‘વસુ, મેં નક્કી કર્યું કે હું જેટલા દિવસ ભારતમાં છું એટલા દિવસ ઘરમાં જ રહીશ.’’ સૂર્યકાંતે ડ્રોઇંગરૂમમાં દાખલ થતાં થતાં કહ્યું. એમના અવાજમાં સહેજ તોછડાઈ કે રુક્ષતા હતાં, કદાચ.

અનુપમા અડધી સીડી પર ઊભી રહીને એમને જોઈ રહી હતી. જીન્સ, ઓપન કોલરનું સ્કાય બ્લ્યૂ ગેપનું ટીશર્ટ, મોંઘી ઘડિયાળ અને દાખલ થતાંની સાથે આખા ઘરમાં પ્રસરી ગયેલી જ્યોજિર્યો અરમાનીની સુગંધ...

‘‘ખૂબ સારું કર્યું.’’ વસુમાનો અવાજ એટલો જ મમતાળું અને સ્નિગ્ધ હતો.

પોતાના ઓરડામાંથી નીકળીને અજય દોડતો આવ્યો. એ સૂર્યકાંતને ભેટી પડ્યો. માની બૂમ સાંભળીને અભય પણ સડસડાટ સીડી ઊતરીને નીચે આવ્યો. એણે રસ્તામાં ઊભેલી અનુપમાને જોઈ ખરી, પણ બહુ નોટિસ ના કરી. આગળ આવીને એણે પણ સૂર્યકાંતનો હાથ પકડી લીધો, ‘‘હું આજે તમને લેવા આવવાનો જ હતો.’’

‘‘પણ હું જાતે જ આવી ગયો.’’ સૂર્યકાંતે અભયને ખભો થાબડ્યો અને એના ખભે હાથ મૂકીને સોફા તરફ આગળ વધવા માંડ્યું. પછી વસુમા તરફ જોઈને એક પત્તું ફેંકતા હોય એમ ઉમેર્યું, ‘‘આટલે દૂરથી જાહેરખબર આપીને બોલાવ્યો છે મને તો હવે હોટેલમાં શું કામ રહું ? આ ઘર મારું છે. તમે મારાં સંતાનો છો, મારું કુટુંબ છો...’’

અજયની આંખોમાં હજીયે પાણી હતાં.

‘‘બાપુ... બાપુ...!’’

‘‘હું સમજું છું બેટા, તમારી માએ આટલાં વર્ષ તમારી કાળજી લીધી છે, પ્રેમ કર્યો છે તમને, ઉછેર્યા, ભણાવ્યા-ગણાવ્યા, તમે એની મરજી વિરુદ્ધ જઈને મને આ ઘરમાં રહેવાનું કઈ રીતે કહી શકો ?’’

‘‘કાંત ! મારી મરજી વિરુદ્ધ ? પણ મારી મરજી શું કામ ન હોય ?’’

‘‘શું કામ હોય ? આટલાં વર્ષ એકચક્રી શાસન કર્યું છે તેં... આ ઘર ઉપર, તારાં...’’ પછી તરત સુધાર્યું, ‘‘ આપણાં સંતાનો ઉપર.’’

‘‘કાંત, જે ફરજ બજાવે એ અધિકારો તો ભોગવે જ ને ?’’

‘‘વસુ, પચીસ વર્ષ ઘરથી દૂર રહીને મને એક વાત સમજાઈ ગઈ છે. માણસે પોતાનું ખોવાયેલું ધન ત્યાં જ શોધવું જોઈએ જ્યાં ખોવાયું હોય... બીજે ક્યાંય જઈને શોધવાથી એ નથી મળતું.’’

ઉપર ઊભેલી વૈભવીના ચહેરા પર એક સ્મિત આવી ગયું. કોઈ કંઈ પણ કરે, નસીબ એનો સાથ આપતું હતું. સૂર્યકાંત આ ઘરમાં આવ્યા હતા એટલું જ નહીં પણ વસુમા માટેની કડવાશનો પચીસ વર્ષ જૂનો એકડો પાટીમાં લખીને ભેગો લઈ આવ્યા હતા. એ ઘૂંટાવતા વૈભવીને વાર નહોતી લાગવાની.

‘‘પપ્પાજી, વેલ કમ હોમ. આજે તમે સાચા અર્થમાં તમારે ઘેર પાછા ફર્યા છો અને અમે સૌ તમારું સ્વાગત કરીએ છીએ.’’ એણે ઉપર જ ઊભા ઊભા કહ્યું અને ચૂપચાપ ઊભી રહીને આ આખું દૃશ્ય જોઈ રહેલી લજ્જાને કહ્યું, ‘‘દાદાજીને પગે લાગ.’’ અને પછી ખૂબ ચાલાકીપૂર્વક ઉમેર્યું, ‘‘લક્ષ્મી ફોઈનો સામાન ઉપર લઈ આવ અને દાદાજીને સામાન દાદીના રૂમમાં...’’

લજ્જા સામાન ઊંચકવા જ જતી હતી કે જાનકીએ વસુમાનો ચહેરો જોઈને કહ્યું, ‘‘હમણાં રહેવા દે, પહેલાં નાસ્તો કરી લઈએ. આવો પપ્પાજી...’’

સૂર્યકાંત આવીને ડાઇનિંગ ટેબલ પર ગોઠવાયા.

લક્ષ્મી વસુમાને અડોઅડ એમના ગળામાં બંને હાથ બાંધીને પાછળ ઊભી રહી.

‘‘મા, તમે ક્યાં બેસશો ?’’ એણે પૂછ્‌યું.

‘‘કેમ, તારે મારા ખોળામાં બેસવું છે ?’’ વસુમા હસ્યાં.

‘‘બેસાડશો ?’’ લક્ષ્મી એમના ખભે દાઢી ટેકવીને એમને વહાલ કરી રહી હતી. સૂર્યકાંતને અચાનક જ ઇનસિક્યોરિટી થઈ આવી.

‘‘ચલ, હવે લાડકી થયા વિના, બેસી જા ચૂપચાપ.’’ લક્ષ્મી પિતાની સામે જોઈ રહી. આ ટોનમાં પિતાએ પહેલા ક્યારેય વાત નહોતી કરી.

‘‘ચાલ બેટા.’’ વસુમાએ કહ્યું અને વારાફરતી બધાં ગોઠવાયાં. અનુપમા હજી ત્યાં જ, સીડી ઉપર જ ઊભી હતી. સૂર્યકાંતના આગમન સાથે જ બદલાઈ ગયેલા વાતાવરણમાં કોઈને એની હાજરી યાદ જ ના આવી કદાચ.

સડસડાટ નીચે ઊતરતો અલય રસ્તામાં ઊભેલી અનુપમાને ઘસાયો. અનુપમા એ જ વખતે પાછળ ફરી અને અલયની છાતી સાથે અથડાઈ. એને પડતી બચાવવા અલયે એની આસપાસ હાથ વીંટાળ્યો અને અનુપમાએ કઠેડાનો સહારો લીધો. બંને માંડ પડતાં બચ્યાં, પણ એકબીજાના શ્વાસ અથડાઈ જાય એટલાં નજીક આવી ગયાં...

અનુપમાએ અલયની આંખોમાં જોયું...

આવી ઊંડી, પૌરુષત્વથી સભર આંખોમાં જાણે એક ડૂબકી મારી દીધી એણે...

‘‘દરેક વખત મને મળો ત્યારે પડી જવું જરૂરી છે ?’’ અલયે પૂછ્‌યું.

‘‘તમે જ પાડી નાખો છો ને તમે જ સંભાળી લો છો...’’

ખડખડાટ હસી પડ્યો અલય, ‘‘કેટલો ફિલ્મી સંવાદ છે નહીં ? પણ મેડમ, આ સેટ નથી, મારું ઘર છે... અને હું એક્ટર નથી બનવા માગતો, ડિરેક્ટર બનવા માગું છું...’’

‘‘ક્યારે શરૂ કરશો ફિલ્મ ?’’ અનુપમાની આંખોએ હજીયે અલયની આંખો સાથેનો તાર બાંધી જ રાખ્યો હતો.

‘‘એ તો તમારા ઉપર છે મેડમ, તમારા વિના ફિલ્મ ના કરવી એવું નક્કી છે અને એટલે જ કદાચ આજ સુધી મારી ફિલ્મ કાગળ પર રહી છે.’’

‘‘તમારી ફિલ્મ આવતા વર્ષે મેટ્રોમાં પ્રીમિયર જોશે... સ્ટાર સ્ટડેડ પ્રીમિયર.’’

‘‘લેટ અસ સી, મારી પાસે સફેદ કાગળ ઉપર કાળા અક્ષરથી વધારે કંઈ નથી.’’

‘‘લાલ-લીલા કાગળની વ્યવસ્થા હું કરી દઈશ, ગીવ મી ધ બજેટ એન્ડ મેક ધ કોન્ટ્રેક્ટ રેડી...’’ એના હાથમાંથી માછલીની જેમ સરકીને અનુપમા ક્યારે સીડી ઊતરી ગઈ, એ ડઘાયેલા, બઘવાયેલા અલયને સમજાયું જ નહીં.

બ્રેકફાસ્ટ પૂરો થયા પછી અજય સામાન ઉપાડીને વસુમાના ઓરડા તરફ જતો હતો. ત્યારે વસુમાએ હળવેથી પૂછ્‌યું, ‘‘શું કરે છે અજય ?’’

‘‘બાપુનો સામાન તારા રૂમમાં મૂકું છું.’’

‘‘રહેવા દે...’’ બધાના ચહેરા ઉપર એક અસમંજસ, એક કુતૂહલ તરી આવ્યું.

‘‘કેમ ?મને પાછો હોટેલમાં મોકલવાનો છે ?’’

‘‘દેવશંકર મહેતાના ઘરમાં આવેલા મહેમાનને પાછા કાઢવાનો રિવાજ ક્યાં છે ?’’ અને પછી હળવેકથી અજય તરફ ફર્યાં, ‘‘ઉપરના બંને ગેસ્ટરૂમ ખોલી નાખ અને સામાન ઉપર લઈ જા.’’

ઘરમાં હાજર આખુંય મહેતા કુટુંબ સ્તબ્ધ... અશબ્દ હતું.

વસુમાના ચહેરા પર બધાની આંખો જાણે કશું શોધી રહી હતી પણ એ ચહેરા પર કોઈ ભાવ જ નહોતો. સિવાય કે શાંતિ અને સ્પષ્ટતા.

(ક્રમશઃ)