Featured Books
શ્રેણી
શેયર કરો

શોધ – પુર્નજન્મની ગાથા – પ્રકરણ – ૨૦

‘આ ઘડિયાળ વિષે સંપૂર્ણ માહિતી મળી ગઇ છે...?’, શ્યામાએ પરેશ સામે જોયું.

સવારના ૦૭:૦૦ કલાકે, પરેશના રૂમમાં શ્યામા અને પરેશ ટેબલ પર બન્ને ઘડિયાળ મૂકીને તેનો અભ્યાસ કરી રહેલા. વિવેક તેમની પાસે બેસીને બધી ગતિવિધીઓ નિહાળી રહ્યો હતો. શ્યામાએ ઘડિયાળોના ઉપરનો ભાગ દેખાય તેવી રીતે ટેબલ પર મૂકેલી. અર્ધમાનવ અને અર્ધપશુ તેમજ તાજ અને તલવાર એક તરફ તો બીજી તરફ ઇસ્ટ ઇંડિયા કંપનીની સંજ્ઞા દેખા આપી રહેલી.

‘તારી પાસે બન્ને ઘડિયાળ કેવી રીતે આવી?’, પરેશે શ્યામા તરફ આશ્ચર્યથી જોયું.

‘એ જાણવા કરતા આનું રહસ્ય ઉકેલવામાં મારી મદદ કરો.’

‘હા! એ તો હું કરીશ જ...પણ મારે જાણવું છે.’

શ્યામાએ તેના વાંકડીયા વાળમાં આંગળી ફેરવી અને લટ સાથે આંગળી રમાડતા પરેશ સામે ખંધુ હસી,‘ઇસ્ટ ઇંડિયા કંપની વાળી ઘડિયાળ તો મને ત્રણ વર્ષ પહેલાં જ મળી ગઇ હતી. અહીં મૈસુરુમાં જ નીરજની માફક એક હત્યા થઇ હતી. જેની પોલીસ તપાસ પણ બંધ થઇ ચૂકી છે. તે વખતે મને આ ઘડિયાળ મળી, જેની હત્યા થઇ તે વ્યક્તિ પાસેથી...’, શ્યામાએ ઇસ્ટ ઇંડિયાની સંજ્ઞાવાળી ઘડિયાળ ટેબલ પરથી ઉપાડી, ‘ત્રણ વર્ષ રાહ જોઇ મે... આ બીજી ઘડિયાળ માટે... મૈસુરુ યુનિવર્સિટીના પ્રખર પ્રાધ્યાપક પાસેથી ચાર વર્ષ પહેલા મેં આની માહિતી મેળવી…’, તેણે બીજી ઘડિયાળ પણ ઉપાડી.

‘તો... ક્યાંથી મળી બીજી ઘડિયાળ...’, વિવેક શ્યામાની વાતમાં આડો આવ્યો.

‘ચૂપ! તું વાત ચાલુ રાખ... મેં પણ આ ઘડિયાળ બહુ શોધી, પરંતુ મારા નસીબમાં નહોતી.’, પરેશે વિવેકને અટકાવ્યો અને શ્યામાના હાથમાંથી ઘડિયાળો લઇ ટેબલ પર મૂકી.

શ્યામા થોડી અકળાઇ, પરંતુ તેણે વાત ચાલુ રાખી, ‘તે પ્રાધ્યાપકે મને જણાવ્યું કે હું જેની શોધમાં હતી, તે ઘડિયાળ ઇશાન નામના કોઇ એમ.એ. કરતાં વિદ્યાર્થીને તેમણે આપી હતી અને તે મુંબઇમાં નોકરી કરી રહ્યો હતો. તેના વિષે દરેક પ્રકારની જાણકારી મેળવી હું ત્રણ વર્ષ પહેલાં મુંબઇ આવી અને એવી રીતે મુલાકાત ગોઠવી કે તેને મારા પર વિશ્વાસ બેસી ગયો.’

‘પછી...’, વિવેક ફરી વાતમાં વચ્ચે પડ્યો.

‘પછી... શું? મારા રૂપનો ફાયદો ઉઠાવી મેં તેને મારા પ્રેમમાં પાડ્યો... પરંતુ’

‘પરંતુ... શું?’, પરેશે શ્યામાના ખભા પર હાથ મૂક્યો.

‘પરંતુ... મેં ઘણી વખત તેને પૂછ્યું? ઘણી વખત તેને પ્રતીત કરાવવાનો પ્રયાસ પણ કર્યો કે તે પાછળના જન્મમાં ટીપુ સુલતાન હતો...મારા કહેવાથી પરેશભાઇ તમે પણ તે પ્રયાસ કર્યો...’

‘હા! પણ તેને તો વિશ્વાસ જ નહોતો બેસતો.’

‘મેં મનોચિકિત્સકની સલાહ મુજબ તેને દવા પણ આપી. સાથે સાથે ઘણો ખરો સમય તેને વારેઘડિયે ટીપુની જ વાતો કરી. તેના મનમાં એક વહેમ બેસાડી દીધો. છતાં તેણે કોઇ દિવસ તે ઘડિયાળ વિષે વાત પેટમાંથી બહાર કાઢી નહિ. આખરે મેં કંટાળીને એક વ્યક્તિ તૈયાર કર્યો, જેણે ઇશાનને ફોન કરી મહારાજ તરીકે સંબોધિત કર્યો. તો પણ...’, શ્યામાએ ગુસ્સમાં ઘડિયાળ ઉપાડી.

‘ઇશાન તેના વિષે તપાસ ન કરે માટે જ, તે મારા હાથે તે વ્યક્તિની હત્યા કરાવી દીધી.’, પરેશે શ્યામા તરફ ઘૂરીને જોયું.

‘હા, નીરજને પણ કહેલું કે એક સાચા મિત્રની જેમ જે ઇશાન માંગે તે માહિતી આપવી. જેથી ઇશાનને તેની પર વિશ્વાસ જામેલો જ રહે. પણ તે ગભરાયો અને મને, હતું જ કે એક દિવસ ઇશાન તેને શોધી કાઢશે, અને પૂરી યોજના ઇશાનના ગુસ્સામાં ધસમસતા પૂરની માફક વહી જશે.’

‘આથી જ તમે તેને...’, વિવેક અવાક અવસ્થામાંથી અચાનક બહાર આવ્યો.

‘તેની મૃત્યુ ત્યારે જ નક્કી થઇ ગઇ હતી, જે દિવસે ઇશાન તેના વિષે જાણી ગયો. યોજના મુજબ તમે ઇશાનને અહીં લઇને આવ્યા. તેને ગઢની મુલાકાત પર પણ લઇ ગયા. પ્રાધ્યાપકે આપેલ માહિતી મુજબ તે બધું જ જાણે છે, પરંતુ આટઆટલા પ્રયત્નો કરવા છતાંય તેણે મગનું નામ મરી નથી પાડ્યું. એટલે જ હવે આ ઘડિયાળોની મદદથી આપણે રસ્તો જાતે શોધીશું.’ શ્યામા ઇસ્ટ ઇંડિયા કંપનીની સંજ્ઞાવાળી ઘડિયાળને હાથમાં રમાડવા લાગી.

‘આ ઘડિયાળો મૂંઝવણ ઊભી કરે છે. આજથી – ના, પણ અત્યારથી જ આપણે ઇસ્ટ ઇંડિયાવાળી ઘડિયાળને ઘડિયાળ “એ” અને ટીપુવાળી ઘડિયાળને ઘડિયાળ “બી” કહીશું. જેનાથી કોઇ મૂંઝવણ રહે જ નહિ.’, પરેશે સુઝાવ આપ્યો.

‘હા, ચોક્કસ… તમે તો જોરદાર છો પરેશભાઇ... પણ આ બાઇ... શ્વેતાબેન તો ખતરનાક છે.’, વિવેકથી બોલ્યા વિના રહેવાયું નહિ.

‘યુ...ઇડિયટ! કેટલી વાર કહેવાનું મારૂં નામ શ્યામા છે, શ્વેતા નહિ.’, શ્યામાએ ગુસ્સામાં ઘડિયાળ વિવેક તરફ ફેંકી.

વિવેક નીચેની તરફ નમી ગયો અને ઘડિયાળ-એ, દિવાલ સાથે અથડાઇ. તેના ટૂકડા થયા અને બધા વિભાગો જમીન પર વેરણછેરણ થયા. જાણે અતિવર્ષાની આશા જગાડનાર કાળાડિબાંગ વાદળો પવનના જોર સામે વિખરાઇ ગયા હોય અને નભમાં અસ્તવ્યસ્ત ગોઠવાઇ ગયા હોય.

‘આ શું કર્યું તે?’, પરેશ તુરત જ ઘડિયાળના ટૂકડાઓ પાસે ગયો.

‘આ બેને વાતો કરી, અને વાતોનું વતેસર કરી નાંખ્યું.’, વિવેક માથા પર હાથ મૂકી જમીન પર જ બેસી ગયો.

પરેશ દરેક ભાગને એકત્રિત કરવામાં વ્યસ્ત બન્યો. પરંતુ તેના હાથ અટકી ગયા, ‘શ્યામા! અહીં આવ...’

પરેશના બોલાવવાની સાથે શ્યામા તે તરફ ગઇ. તેણે જોયું કે દરેક ભાગ વિવિધ પ્રકારની સંજ્ઞાઓ હતી. શ્યામાએ તુરત જ દરેક ભાગને પરેશની મદદથી ટેબલ પર ગોઠવ્યા.

‘આ વખતે, આ ડોબાએ મહત્વનું કામ કર્યું.’, પરેશે વિવેક સામે જોયું.

‘હું તો છું જ માસ્ટર માણસ...પણ તમે માનો ત્યારેને.’, વિવેકે શર્ટનો કોલર ઊંચો કર્યો.

‘હા હવે...શાંતિ રાખ.’, શ્યામાએ વિવેકને ચૂપ કરાવ્યો, ‘પરેશભાઇ... આ દરેક વિભાગને તેઓ એકબીજાની તરફ ગોઠવવા પડશે.’

ઘડિયાળ તૂટવાથી જે વિવિધ ભાગો સામે આવ્યા. તેમાં મુખ્ય હતા તેના પર અંકિત રોમન આંકડા. દરેક આંકડાની નીચેની તરફ એક સૂક્ષ્મ સિપાહી કંડારેલો હતો અને પ્રત્યેક સિપાહીના ભાલા એકબીજાની સામે તાકેલા હતા. આમ, એક સિપાહી બીજાને, બીજો સિપાહી ત્રીજાને, તેમ જ બારમો સિપાહી પહેલાને ભાલો બતાવી રહ્યો હતો. જે ઘડિયાળનું જ એક ચક્ર હતું.

‘આ તો એક ગોળ જ બન્યું.’, પરેશે સિપાહીઓની ગોઠવણ કરી.

‘એટલે ગોળ ગોળ ભર્યા કરવાનું.’, વિવેક બોલ્યો.

‘તને કહ્યું ને, થોડી વાર ચૂપ મર...’, પરેશ ગુસ્સે થયો અને માથા પર હાથ ફેરવ્યો.

‘ના, એવું નથી, તમે જે ગોઠવણ કરી તે ઘડિયાળના કાંટાની ગોઠવણ છે. પણ તમે તમારી નજર તેજ કરો અને જુઓ... તો છ સિપાહીના માથા પર ફેંટો બાધેલો છે અને બાકીના છ સિપાહીના માથા પર ટોપી છે, જે મારા માનવા મુજબ બ્રિટીશ સેનાની નિશાની છે.’, શ્યામાએ એક સિપાહી હાથમાં લઇ, પરેશની આંખો નજીક લાવ્યો.

‘અર્થાત...’

‘અર્થાત… આમાંથી છ સિપાહીઓ એક તરફ અને છ સિપાહીઓ નહિ, પણ બ્રિટીશ સેનાના સૈનિકો તેમની સામેની તરફ... આમનેસામને…’, શ્યામાએ સિપાહીઓની ગોઠવણ બદલી.

‘વાહ...’, પરેશે શ્યામાને વખાણી.

‘આ સામસામે ગોઠવી દીધા, એટલે આ લોકો એકબીજા સાથે લડવા આવી રહ્યા છે, એમ ને.’, વિવેકે ચતુરાઇ સાબિત કરવા અનુમાન લગાવ્યું.

‘તે અનુમાન બરોબર લગાવ્યું છે. પરંતુ ટીપુ અને બ્રિટીશ સેનાએ ઘણા યુદ્ધ કર્યા. તેના આધારે કંઇ પણ કહેવું મુશ્કેલ છે.’, પરેશે માથું ખંજવાળ્યું.

‘હા! પણ આ માહિતી અડધી જ છે. ઘડિયાળ – બીને આની સાથે જોડવી પડશે...તો જ પૂરી જાણકારી મળી શકશે.’, શ્યામાએ બી ઘડિયાળ વિવેકના હાથમાં મૂકી.

વિવેક શ્યામાનો ઇશારો સમજી ગયો. તેણે તુરત જ તે ઘડિયાળને જમીન પર પછાડી અને વિભાજનથી મળેલા દરેક ટૂકડાઓ ટેબલ પર મૂક્યા.

‘હવે...ગોઠવણી કરીએ.’, પરેશે હાથ મસળ્યા.

ઘડિયાળ – બીમાંથી આંકડાઓની નીચે તો કોઇ સિપાહીઓ નહોતા. પરંતુ બધા આંકડાઓ વિવિધ કદના હતા. તેમજ તેમાંથી કોઇને ઝળહળતા બતાવવાનો તો કોઇને ઝાંખપ આપવાનો પ્રયાસ કર્યો હોય તેવું પ્રતીત થતું હતું.

‘આ ઘડિયાળ થોડી અટપટી નીકળી.’, વિવેકે, પરેશ અને શ્યામા સામે નજર નાંખી.

‘હા, પણ જોવા જેવું એ છે કે આમાં દરેક આંકડાઓની નીચે વિવિધ આકૃતિઓ કંડારેલી છે... આટલી સૂક્ષ્મ કારીગરી, અને તે પણ એવા સમયમાં જયારે ટેકનોલોજી આટલી વિકસિત નહોતી. ધન્ય છે તે સમયના કારીગરોને. બ્રિટીશરોએ આપેલી ઘડિયાળને ખોલી તેમાં આવી કારીગરી કરી પાછી કાર્યરત અવસ્થામાં રાખવી...વાહ…!’, પરેશે ટીપુના સમયના કારીગરોને વખાણ્યા.

‘બાર આકૃતિ, તેમાં ચમકતી અને ઝાંખી આકૃતિ..., કયાંક પ્રાચીન મંદિરોની વાત તો નથી ને...’, શ્યામાએ કપાળ પર બે આંગળીઓ ઘસી.

‘બની શકે... કારણ કે મંદિરોની રક્ષાનું કાર્ય સોંપતી પ્રતિકૃતિ તરીકે બારેય દિશાઓમાં બાર દિકપાલ નિમવામાં આવતા, અને દરેક દિક્પાલને જે તે દિશા તરફ નજર રહે તે રીતે મંદિરોની દિવાલો પર કંડારવામાં આવતા હતા.’, પરેશે શ્યામાની વાતને સમર્થન આપતા જણાવ્યું.

‘એનો અર્થ એ થયો કે, આ ઘડિયાળ દિશા બતાવવા માટે બનાવવામાં આવેલ છે.’, શ્યામાએ ચપટી વગાડી.

‘હા... ચાલો ચકાસીએ.’, પરેશે બધી આકૃતિઓને દિશા મુજબ ગોઠવવાનું શરૂ કર્યું.

‘જુઓ, આમાં યમ દિક્પાલને ખાસ રીતે ચમકાવવામાં આવ્યા છે અને તેમના હાથમાં ધગધગતો આગનો ગોળો પણ દર્શાવ્યો છે....’, શ્યામા એ યમની આકૃતિ તરફ આંગળી ચીંધી.

‘અને...યમ દક્ષિણ દિશાના દિક્પાલ છે. તેમજ અગ્નિ દેવતા દક્ષિણ-પૂર્વ દિશાના...’, પરેશે શ્યામાની તરફ જોયું.

‘વળી, તેમના માથા પર તારો ઝગમગતો દેખાડ્યો અને સૌથી ચમકતો તારો તો શુક્ર ગ્રહનો છે. એટલે બધી વસ્તુઓ દક્ષિણ દિશા તરફ જ ઇશારો કરી રહી છે.’

‘હવે, આપણે બન્ને ઘડિયાળોના અર્થને ભેગા કરીએ.’, પરેશે શ્યામા તરફ મંદહાસ્ય ફરકાવ્યું.

‘જુઓ, ઘડિયાળ–એ દર્શાવે છે યુદ્ધ, અને ઘડિયાળ ૧૭૯૨ની સંધિની ભેટ હતી. તેના પછી ટીપુના ગઢ, એટલે કે શ્રીરંગપટમ ખાતે યુદ્ધ થયું ૧૭૯૯માં, જેમાં ટીપુ શહાદત પામ્યા. ઘડિયાળ – બી દર્શાવે છે દક્ષિણ દિશા તે પણ ૧૭૯૨ અને ૧૭૯૯ વચ્ચેના સમયગાળામાં... તેમજ શુક્ર ગ્રહ… બસ આટલું જ આપણે સમજ્યા...’, શ્યામા એ તરસ છુપાવવા પાણીનો પ્યાલો ઉપાડ્યો.

‘આગળ શું…’, પરેશે વિચારોમાં માથા પર હાથ મૂક્યા.

વિવેક આમની વાતોને ધ્યાનથી સાંભળી રહેલો અને અચાનક તે બોલ્યો, ‘આ તમારી વાતોમાં શુક્ર આવ્યો એટલે મને યાદ આવ્યું કે મારા દાદી કહેતા કે, મારી શુક્રદશા સારી નથી અને એટલે જ મારે તેના ૧૮૦૦૦ જાપ કરવા જોઇએ.’

‘આ જ તો છે, જુઓ પરેશ ભાઇ યમના માથા પર શુક્ર, એટેલ શુક્રદશા અને નિવારણ ૧૮૦૦૦ જાપ, તે પણ દક્ષિણ દિશા તરફ…’ શ્યામા ઉછળીને વિવેક તરફ આવી અને તેના ગાલ ચૂમી લીધા.

વિવેક અવાક બની પૂતળાની માફક ઊભો જ રહ્યો.

‘હા… પણ આનાથી શું ખબર પડે?’, પરેશે શ્યામા પ્રત્યે આશ્ચર્ય દર્શાવ્યું.

‘ટીપુના સમયમાં અંતર કેવી રીતે મપાતું?’

‘ગજમાં…’

‘ઓ.કે., હવે ધ્યાનથી સાંભળો... ૧૮૦૦૦ જાપ એટલે અંદાજીત ૧૮૦૦૦ ગજ... અને યુદ્ધ એટલે શ્રીરંગપટમ... યમ-અગ્નિ-શુક્ર એટલે દક્ષિણ દિશા...’. શ્યામાએ પરેશને સમજાવ્યું.

‘બરોબર...પણ એનું શું?’, પરેશ અકળાયો.

‘એનું એમ કે.... ખજાનો શ્રીરંગપટમથી દક્ષિણ દિશામાં ૧૮૦૦૦ ગજના અંતરે જ્યાં સૌથી વધુ ઊર્જા છે, તે જગા પર જ છે.’, શ્યામાએ ખુશીમાં અટ્ટહાસ્ય કર્યું.

‘અને તે જગા કઇ છે?’, પરેશે તેની સામે અકળાઇને જોયું.

‘વિવેકે મોબાઇલમાં શોધી નાખી, કેમ વિવેક?’, શ્યામાએ મોબાઇલ પર આંગળીઓ રમાડતા વિવેક તરફ જોયું.

‘હા...’, વિવેકે માથું ધુણાવ્યું.

‘તો જલ્દી બોલ?’, પરેશ વિવેકની નજીક આવ્યો.

‘એ જગા છે... મૈસુરુ પેલેસ...!’

*****