પડછાયો - ૩ Kiran Sarvaiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પડછાયો - ૩

કાવ્યા સપનામાં પડછાયાને જોઈને ડરી જાય છે અને અમનને જગાવવા તેના તરફ ફરે છે તો ત્યાં અમન હતો જ નહીં.

કાવ્યા બેડ પરથી નીચે ઉતરીને અમનને શોધવા લાગે છે. તે બેડરૂમનું બારણું ખોલી બહાર જવા ગઈ ત્યાં અમન બાથરૂમમાંથી બહાર આવ્યો અને કાવ્યા તેની નજીક જઈ તેેે વળગી જ ગઈ.

અમને કાવ્યાને શાંત પાડી બેડ પર બેસાડી દીધી અને પૂછવા લાગ્યો, "ડિયર, તું ઠીક છે ને? તે ચીસ કેમ પાડી હતી? હું તો ફેેેે બાથરૂમમાં હતો. તું ઠીક છે ને."

કાવ્યા અમનના હાથ પકડીને બોલી, "અમન, પેલો પડછાયો મારા સપનામાં આવ્યો હતો અને તે તારી જગ્યાએ સૂતો હતો મારી સાથે."

અમન તો આ સાંભળીને ખડખડાટ હસી પડ્યો. તેને એટલું હસવું આવ્યું કે પોતે નીચે જમીન પર જ બેસી ગયો.

કાવ્યા અમનને જોઈને થોડી ચિડાઈ ગઈ અને બોલી, "અમન, તને આ મજાક લાગે છે ને. પણ આ સત્ય છે. તે પડછાયો સાચે જ છે. તે મને ડરાવી રહ્યો છે."

"અરે કાવ્યા, એ બસ એક સપનું જ હતું અને સપના સાચા ન હોય. તું એ પડછાયા વિશે જ વિચારતી હોઈશ આથી તે પડછાયો સપનામાં આવ્યો બીજું કશું જ નહીં." અમન કાવ્યાને સમજાવતા બોલ્યો.

કાવ્યા બોલી, "હા એવું બની શકે. હું રાત્રે સૂતા પહેલાં પડછાયા વિશે જ વિચારતી હતી તેથી જ તે સપનામાં આવ્યો હશે."

અમન કાવ્યાની સામે મુસ્કુરાયો અને કાવ્યાને પોતાની પનાહમાં લઈ સૂવાડી દીધી અને પોતે પણ સૂઈ ગયો.

વહેલી સવારે કાવ્યા ઊઠીને નાહી ધોઈને પૂજાઘર માં જઈ માતાજી ની પૂજા કરી અને પડછાયાથી બચાવવા માટે પ્રાર્થના કરી. ત્યાં સુધીમાં અમન પણ જાગી ગયો અને કાવ્યા એ બંને માટે નાસ્તો બનાવવા કિચનમાં ગઈ અને ગરમાગરમ ઢોકળા બનાવીને લાવી. બંનેએ નાસ્તો કર્યાં બાદ અમન ઓફિસ જવા માટે નીકળી ગયો.

આંખો દિવસ કાવ્યા એકલી જ આવડા મોટા ઘરમાં રહી. તેણે સતત માતાજીનું સ્મરણ કર્યા રાખ્યું. માતાજીની કૃપાથી આંખો દિવસ હેમખેમ પસાર થઈ ગયો.

રાતના આઠ વાગ્યે અમન ઘરે આવી ગયો. ઘરના મુખ્ય દરવાજા પર જ કાવ્યા તેની રાહ જોતી ઊભી હતી. અમન કારમાંથી ઉતરી સીધો કાવ્યાને ભેટી ગયો.

"વેલકમ હોમ હસબન્ડ જી.." કાવ્યા અમનના ગાલ પર ચુંબન કરતા બોલી.

"ઘરમાં પ્રવેશ મળશે કે અહીં જ ખાવાપીવાનો અને સૂવાનો પ્લાન છે શ્રીમતી જી.." અમન મશ્કરી કરતા બોલ્યો.

કાવ્યા હસવા લાગી અને પછી અમનનો હાથ પકડીને ઘરમાં લઈ ગઈ. "અમન તું ફ્રેશ થઈ જા, હું જમવાનું પીરસુ છું." અમન ફ્રેશ થવા માટે રૂમના બાથરૂમમાં ગયો અને કાવ્યા ટેબલ પર જમવાનું પીરસવામાં લાગી ગઈ.

અમન ફ્રેશ થઈને સીધો જ ડાઇનિંગ ટેબલ પર આવીને બેસી ગયો અને કાવ્યાએ તેને જમવાનું આપી પોતે પણ જમવાનુ બેસી ગઈ.

"અમન, આ વીક એન્ડનો શું પ્લાન છે? ગયા વખતે તો રેસ્ટોરન્ટમાં પતાવી દીધું તે, હવે આ વખતે એવું કાંઈ નહીં ચાલે. કંઈક સારો પ્લાન બનાવ." કાવ્યા કોળિયો મોંમાં મૂકતાં બોલી.

"અરે યાર, હું તો સાવ ભૂલી જ ગયો તને કહેવાનું.." અમનને કંઈક યાદ આવતાં બોલ્યો.

"શું ભૂલી ગયો? જલ્દી કહે." કાવ્યા અધીરાઈથી બોલી.

"સમીરને ત્યાં જવાનું છે આપણે બંનેએ. તેની ઢીંગલીનો પહેલો જન્મદિવસ છે તો એ લોકોએ પાર્ટી રાખી છે." અમને કાવ્યાને કહ્યું.

"આપણી ઓફિસમાં જ કામ કરે છે એ સમીરભાઈ ને? એમની દીકરી એક વર્ષની પણ થઈ ગઈ બોલો. શું નામ એનું, હા જન્નત. આપણે એમની દીકરીને પહેલી વખત બોલાવવા ગયા હતા ને. કેવી નાની ઢીંગલી જેવી હતી એ. મેં એના માટે નાનું ફ્રોક લીધું હતું." આટલું બોલતાં તો કાવ્યા ખુશ થઈ ગઈ.

"હા ડિયર, આપણે એ સમીરની દીકરીના જન્મદિવસની પાર્ટીમાં જવાનું છે શનિવારે. હું શનિવારે સાંજે પાંચ વાગ્યે જ ઘરે આવી જઈશ. પછી ગિફ્ટ લઈને પહોંચી જઈશું એના ઘરે." અમન પણ ઉત્સાહમાં આવી બોલ્યો.

"ના.. હું અગાઉ જ ગિફ્ટ ખરીદી લાવીશ. તું એની ચિંતા ન કર." કાવ્યા બોલી.

"હા મેડમ જી, જેવી આપની ઈચ્છા.." અમન આટલું બોલી પોતાનું ડિનર લેવા લાગ્યો અને કાવ્યા પણ જમવા લાગી.

જમીને બંને આરામથી સુઈ ગયા. કાવ્યાની વચ્ચે વચ્ચે નીંદર ખુલી જતી તો તે માતાજીનું નામ લઈને પાછી સૂઈ જતી.

આમ ને આમ દિવસો વીતી ગયા છતાં કાંઈ અઘટિત ઘટના બની નહોતી આથી કાવ્યા ખુશ જણાઈ રહી હતી.

તે શનિવારે સવારે અમનને ઓફિસ મોકલીને દસેક વાગ્યે પોતાના સ્કૂટર પર જન્નત માટે ગિફ્ટ લેવા નીકળી. તે એક ગિફ્ટ શોપમાં ગઈ. અંદર પ્રવેશીને તે બધા શોપીસને જોવા લાગી. તેણે એક સરસ મજાનું શોપીસ જોયું. બે પ્રેમી પંખીડા એકબીજાને વળગીને નાચી રહ્યા હતા. એકદમ સુંદર હતું એ શોપીસ. કાવ્યા એ તરત જ તે લઈ લીધું અને નાના બાળકો માટે કોઈ સારી ગિફ્ટ દેખાડવા માટે કાઉન્ટર પર બેઠેલી છોકરીને કહ્યું.

તે છોકરી કાવ્યાને એક તરફ લઈ ગઈ. ત્યાં નાના બાળકો માટેનો બધો જ સામાન હતો. કાવ્યા એમાંથી જન્નત માટે શું લેવું એ વિચારતી એ બધું જ જોવા લાગી અને આખરે તેણે નાનું એવું બાથટબ લીધું જેમાં નાની ઢીંગલી જન્નત નહાઈ શકે. કાવ્યા જન્નતને બાથટબ માં નહાતી ઇમેજિન કરીને જ મુશ્કુરાવા લાગી. તે તેના પૈસા ચૂકવી ત્યાં થી નીકળી ગઈ.

કાવ્યા સ્કૂટર પર પાછી ઘરે આવી રહી હતી ત્યારે તેને એવું લાગ્યું કે તેની કમર પર કોઈ હાથ ફેરવી રહ્યું છે અને સ્કૂટરની પાછળની સીટ પર કોઈ બેઠું છે. તેણે સ્કૂટરના મિરરમાં થી જોયું તો તે પડછાયો તેની પાછળ જ બેઠો હતો અને મિરરમાં થી પણ કાવ્યાને જોઈ રહ્યો હતો.

કાવ્યા એટલી ડરી ગઈ કે તે સ્કૂટરને બેલેન્સ ના કરી શકી અને સામે થી આવતી કાર સાથે ટકરાઈ ગઈ.

************

વધુ આવતા અંકે