મહત્વાકાંક્ષા ની દોટ Jwalant દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મહત્વાકાંક્ષા ની દોટ

સવારના ચાર વાગ્યા હતા.
સ્થળ હતું મુંબઈ વડોદરા હાઇવે.
વહેલી સવારના સમય છતાં હાઇવે પર ટ્રાફિક પુષ્કળ હતો.આમપણ, ભારદારી વાહનો માટે શું દિવસ કે શું રાત!જોકે અત્યારે પ્રાઇવેટ વાહનો હાઇવે પર ખાસ દેખાતા ન હતા. અપવાદરૂપે એક ઓડી કાર ચીલઝડપથી હાઇવે પર આગળ વધી રહી હતી. ઓડીની ડ્રાઇવિંગ સીટ પર એક યુવાન બેઠો હતો. કારને ખતરનાક ઝડપથી ચલાવી રહેલા યુવાનના ચેહરા પર અત્યારે ગહન એકાગ્રતાના ભાવ હતા.
આ હતો રોહન પંડ્યા!
"ઇન્ડિયન ટ્રેડ" મેગેઝિનએ એને ૨૦૧૯ ના ઇમેરજીંગ બિઝનેસમેન ઓફ ધ યરના એવોર્ડ થી સમ્માનિત કર્યો હતો.
જોકે એવોર્ડ સ્વીકારતી વખતે તેનો પ્રતિભાવ રસપ્રદ હતો.
"તમે આ એવોર્ડ થોડો વહેલો આપ્યો છે.એક વર્ષ વધુ રાહ જોઈ હોત તો તમારે ઇમેરજીંગ બિઝનેસમેન ઓફ ધ યર નહિ બલ્કે બિઝનેસમેન ઓફ ધ યરનો એવોર્ડ આપવાનો આવત.જોકે હજી પણ તમારે એ એવોર્ડ આપવો તો મને જ પડશે.એક વર્ષ કરતા ઓછા સમયમાં હું ટોપ પર હોઈશ!"
તો આ હતી રોહનની મહત્વાકાંક્ષા!
અને આ મહત્વાકાંક્ષા પૂરી કરવા એ કોઈ પણ હદ સુધી જવા તૈયાર રહેતો.રોહનની પીઠ પાછળ લોકો તેણે "રૂથલેસ રોહન" કહેતા.પોતાની મહત્વાકાંક્ષાને આડે આવનારને બરબાદ કરી દેતા પણ તે અચકાતો નહિ.જેમ અર્જુનને ફક્ત માછલીની આંખ દેખાતી તેમ રોહનને ફક્ત પોતાની મંઝીલ દેખાતી.
અત્યારે પણ તેની કારની ખતરનાક ઝડપ નું કારણ પણ એ જ હતું.તે રાત્રે મુંબઈમાં હતો, સવારે વડોદરામાં સવારે આઠ વાગે તેના ડીલર સાથે મીટીંગ હતી, બાર વાગે નડિયાદમાં અને ચાર વાગે અમદાવાદમાં!
રવિવારની રજા હોવાથી અમુક ડીલરોએ વાંધો ઉઠાવ્યો હતો.કઈ નહિ તો મીટીંગનો સમય બદલીને સાંજનો કરવા વિનંતી કરી હતી. આ પ્રસ્તાવ સાંભળીને રોહન ભડકી ગયો હતો. "મિટિંગનો સમય આ રહેશે. હું એક દિવસમાં સો કિલોમીટર થી વધારેની મુસાફરી કરીને ત્રણ મીટીંગ કરી શકું છું ને તમને બધાને પોતાના ઘરમાં થી બહાર નીકળતા તકલીફ થાય છે?"અને અંતે મિટિંગનો સમય એ જ રહ્યો!
આમ રોહન ઘડિયાળના કાંટે જીવતો. આજે પણ છેલ્લી ઘડી એ ડ્રાઇવર બીમાર થઈ ગયો તો તેના ઠીક થવાની રાહ જોવા અથવા કોઈ બીજા ડ્રાઇવરની વ્યવસ્થા કરવાની જગ્યાએ પોતે રાત્રે જ કાર લઈને નીકળી પડ્યો હતો.
પણ હવે ધીરે ધીરે તેના પર ઊંઘ અને થાક હાવી થવા માંડ્યા હતા.રોહન માટે ડ્રાઇવિંગ કરવું તે વધુ અને વધુ મુશ્કેલ સાબિત થઈ રહ્યું હતું.રહી રહી ને તેના પોપચાં ઢળી જતા હતા.તેની સજાગતા ઘટી રહી હતી.
રોહને ડિજિટલ કલોક પર એક નજર નાખી.જો સમયસર વડોદરાની મીટીંગમાં પહોંચવું હોય તો આરામ કરવો પોસાય તેમ નહોતો.
"બસ વડોદરા પહોંચી જાઉં, પછી આગળ માટે ટેક્સી મંગાવી લઈશ" એણે મનોમન વિચાર્યું.
પણ વડોદરા પહોંચવાનો વારોજ ના આવ્યો!
અચાનક રોહને કાર પર કાબૂ ગુમાવ્યો.રેલીંગ તોડીને કાર હાઇવે પર થી કાચા રસ્તા પર ઉતરી આવી.
ઉંચાઇ તો વધુ નહોતી, પણ ઝટકો ખાઈ ને રોહનને તમ્મર તો આવી જ ગયા. કાર બંધ પડી ગઈ હતી,રોહનના પ્રયત્ન કરવા છતાં તે સ્ટાર્ટ ના થઈ તે ના જ થઈ!
ધીરેથી રોહન કારની બહાર નીકળ્યો. થોડે દૂર તેને એક ગામ દેખાઈ રહ્યું હતું.કદાચ કોઈ મેકેનિક મળી જાય...તેવું વિચારીને તે ગામ તરફ ચાલ્યો. જોકે હવે તેને થાક પણ ખૂબ લાગી રહ્યો હતો થોડી વાર કોઈ જગ્યા એ બેસવું પડશે...એણે વિચાર્યું અને આજુબાજુ નજર ફેરવી કોઈ વિશ્રમસ્થલ માટે. અને તેની નજર ઠરી એક મંદિર પર.થાકેલ પગલે રોહન મંદિર તરફ આગળ વધ્યો.
નજીક જઈને રોહને જોયું કે તે એક શીવમંદિર હતું.મંદિરની એક તરફ નાનકડો બગીચો હતો.રોહન મંદિરની બહાર ચબૂતરા પર બેઠો. તેના મનમાં વિચારો નો ઝંઝાવાત ફૂંકાઈ રહ્યો હતો. "આજનો દિવસ તો બગડ્યો! કામ ઘણું પાછળ ઠેલાઈ જશે" તેણે વિચાર્યું અને ઉધેગ અનુભવી રહ્યો.
જોકે થોડા સમય પછી તેનું મન થોડું શાંત થયું.તે તાકી રહ્યો બગીચા તરફ. તેના મનમાં ઘણી સ્મૃતિઓ જે વર્ષો થી ઘરબાયેલ પડી હતી તે અત્યારે સળવળી રહી હતી. તેને યાદ આવ્યું તેનું બાળપણ..તેનું બાળપણ આવા જ કોઈ ગામડામાં વીત્યું હતું.નાનો હતો ત્યારે તેને ઘાસ પર ચાલવું બહુ ગમતું.ખાસ કરીને સવારના જ્યારે ઘાસ પર ચાલવા થી ઝાકળબિંદુ નો સ્પર્શ પગ ને થતો તે તેને બહુ આનંદ આવતો.
રોહન મલકી ઉઠ્યો.કેવા દિવસો હતા! કોઈ ફિકર નહિ,કોઈ ચિંતા નહિ!
પછી જાણે તેને શું સૂઝ્યું, તેણે જૂતા કાઢી ને બાજુ પર મુક્યા અને બગીચા તરફ આગળ વધ્યો. બગીચામાં પગ મૂકતાની સાથેજ તેને લાગ્યું કે જૂની સ્મૃતિઓ ફરી જીવંત થઈ રહી છે.
રોહને આશ્ચર્ય સાથે અનુભવ્યું કે ઘાસ પર ના ઝાકળબિંદુના સ્પર્શ નો જાદુ હજી ઓસર્યો નહોતો. આટલા વર્ષો પછી પણ.. આ એક સામાન્ય ઘટના પણ તેને એક સ્વર્ગીય અનુભૂતિ પૂરું પાડી રહી હતી.
થોડી વાર ચાલીને રોહન ત્યાંજ ઘાસ પર બેસી ગયો. તેણે
જોયું કે મંદિર ખુલી ગયું હતું. પૂજારી અને અમુક દર્શનાર્થીઓ મંદિરમાં પહોચી ગયા હતા. પૂજારી ભજન ગાઈ રહ્યો હતો.
રોહન આંખ બંધ કરીને ભજન સાંભળી રહ્યો.તેના ગંભીર ચહેરા પર ધીમે ધીમે હાસ્ય આવી રહ્યું હતું.જાણે કેટલા દિવસ પછી તે હસ્યો હતો! જાણે કેટલા સમય પછી તે કોઈ પણ જાત નું સંગીત સાંભળી રહ્યો હતો!જાણે કેટલા સમય પછી તે કામના દબાણ વગર એમજ બેઠો હતો!
રોહન વિચારી રહ્યો તેની મહત્વાકાંક્ષા વિશે.સફળતા ની હોડ માં શું તે જીવન જીવવાનું જ ભૂલી ગયો હતો?આ સફળતા હતી કે નિષ્ફળતા?
ત્યાં મંદિરનો પૂજારી તેની સમક્ષ આવ્યો.
"કોણ છો ભાઈ? કોઈ મદદ ની જરૂર છે?" પૂજારીએ પૂછ્યું.
રોહન પૂજારી સામે તાકી રહ્યો. હવે હું કહીશ તો પૂજારી મેકેનિકની વ્યવસ્થા કરી આપશે અને હું અહીથી જઈ શકીશ..
પણ આ વિચારથી તેને આનંદ ના થયો!
અંતે રોહન બોલ્યો,"ના. હું આજે આખો દિવસ મંદિરમાં ગાળવા ઈચ્છું છું."
કહીને રોહન પૂજારી સાથે મંદિરમાં પ્રવેશ્યો.