હું એક અરીસો છું.
અને કહે છે કે અરીસો કદી અસત્ય નથી બોલતો.
હું પણ નહિ બોલું.
તમે મનુષ્યો ભલે એવો મનમાં ફાંકો રાખો કે બુદ્ધિમતા, લાગણી ફક્ત તેમનામાં હોય છે પણ એ વાત સાચી નથી.જો એ વાત સાચી હોત તો અત્યારે હું આ કેફિયત ના કરી રહ્યો હોત.
એક અરીસો પોતાની સમક્ષ જે દૃશ્ય ઉદભવે છે તેને જોતો જ નથી,અનુભવી પણ શકે છે. એટલે જ મને મનહરલાલ પર બહુ દયા આવતી.
મનહરલાલ મારો માલિક હતો.રસ્તા પર થી તે મને ખરીદી લાવ્યો હતો એટલે મને તે ખૂબ ગમતો.રોજ ધૂળ અને તાપ સહન કરવાની જગ્યા એ એક ચોખ્ખી જગ્યામાં મને એના લીધે રહેવા મળ્યું હતું.જોકે મનહરલાલ નું ઘર એટલે એક નાનકડી ઓરડી! એપણ તેની ખુદની માલિકી ની નહોતી. દર મહિને પહેલી તારીખે મકાનમાલિક ભાડું લેવા આવતો તે હું જોતો. પણ મને નવાઈ તો એ વાતની લાગતી કે તેને મળવા મકાન માલિક સિવાય કોઈ આવતું નહોતું.મને નવાઈ લાગતી કે આ માણસ ના કોઈ મિત્રો નહિ હોય? કોઈ સગા વહાલા નહિ હોય? તો કોઈ તેને મળવા કેમ નહોતું આવતું?
મનહરલાલ ની દિનચર્યા એકદમ સરળ હતી. સવારે ઉઠીને બ્રશ કરે, ચા બનાવીને પીએ, ઘરની સાફસફાઈ કરે.
પછી ખુરશી પર બેસી જાય આરામ કરવા.
ઘણી વાર તો એ કલાકો સુધી બેસી રહેતો ચૂપચાપ...અને બોલે પણ કોની સાથે?
ઘણી વાર તેના ચેહરા પર થી આંસુ પડતા મે જોયા હતા. આ દૃશ્ય જોઈને હું પણ દુઃખી થઈ જતો. મારી પાસે વાચા હોત તો હું મનહરલાલ ને પૂછત તેના રુદન નું કારણ. શું તે કોઈને યાદ કરી રહ્યો હતો? કોને?
હું તો એક અરીસો છું. મનુષ્યને સલાહ આપવાની મારી શું લાયકાત? પણ જો કહી શકત તો હું મનહરલાલ ને સલાહ આપવા માંગતો હતો કે ગમે તેટલું દુઃખ હોય,એમ દુનિયા થી દુર થઈને થોડું જીવન જીવાય છે?
એક વાર તો મનહરલાલએ મને ડરાવી જ દીધો હતો.રાત્રે તેને ઊંઘ ના આવતી એટલે એક ગોળી રોજ સૂતા પેહલા ગળતો.
એક વાર જાણે તેને શું સૂઝ્યું કે મુઠ્ઠી ભરી ને ગોળી હાથમાં ભરી લીધી.મારો જીવ તે સમયે તાળવે બંધાઈ ગયો હતો. આ માણસ દવાનો ઓવેરડોસ લઈને આપઘાત કરશે કે શું?
પણ એ ક્ષણ વિતી ગઈ.મનહરલાલ પાછો બધી દવા તેની બોટલ માં મુકવા માંડ્યો અને મને હાશકારો થયો.
તો આ હતી મનહરલાલ ની જીવનશૈલી!
મહિના માં એક વાર મકાનમાલિક તેને મળવા આવતો.અમુક વાર તે ઘરનો સામાન લેવા બહાર જતો.એના સિવાય મનહરલાલ તદ્દન એકાકી જીવન જીવતો. તેની પાસે મોબાઇલ ફોન મે જોયો હતો, પણ આજ સુધી ના તો તેણે કોઈને ફોન કર્યો હતો , અને ના તો તેના પર કોઇનો ફોન આવ્યો હતો.
મને મનહરલાલ થી ખુબ સહાનુભૂતિ થતી.પણ મારા હાથમાં શું હતું?
ત્યાં એક દિવસ...
મનહરલાલ ચા બનાવી રહ્યો હતો ત્યાં બારણે ટકોરા પડ્યા.
કૅલેન્ડર બતાવી રહ્યું હતું કે આ મહિનાની પહેલો દિવસ નહોતો.એટલે મુલાકાતી મકાનમાલિક સિવાય કોઈ હતો!
મને ખરેખર આનંદ થયો, પણ આ શું? મનહરલાલ તો આનંદ માં નહોતો! બલ્કે તેના ચેહરા પર ભય સ્પષટતાપૂર્વક જણાઈ રહ્યો હતો.મનહરલાલ એ ધીરે થી બારણું ખોલ્યું, અને અગંતુકને જોઈને ત્યાંજ જમીન પર બેસી પડ્યો.
આગંતુક એ ખાખી કપડાં પહેર્યા હતા. ખિસ્સામાથી એક કાર્ડ કાઢીને એણે મનહરલાલ ને બતાવ્યું."ઇન્સ્પેકટર પ્રધાન" તે બોલ્યો હતો. આગળ ઇન્સ્પેકટર પ્રધાન જે બોલ્યા તેના પર તો મને વિશ્વાસ જ ના થયો!
મનહરલાલ એક ગુનેગાર હતો,પોતાની પત્નીનું જ ગુસ્સામાં આવી ને ગળું દબાવીને હત્યા કરનાર ગુનેગાર! અત્યાર સુધી તે સંતાતો ફરતો હતો પણ અંતે પોલીસે તેના સગડ મેળવી જ લીધા.
મનહરલાલ પોલીસ સાથે વિદાય થઈ ગયો, મને વિચારમગ્ન દશા માં મુકીને! તો આ માણસ ની હું દયા ખાતો હતો એટલા વખત થી! ખરેખર, દેખાવ કેટલા ભ્રામક હોય છે!
એ વાત તો સાચી કે અરીસો કદી અસત્ય નથી કહેતો..
પણ અરીસા ને ગેરસમજ તો થઈ જ શકે ને!