અનુરાગ અત્યારે ખૂબ કામમાં હતો. એક પ્રેઝન્ટેશન બનાવવાના ચક્કરમાં અનુરાગ છેલ્લા એક કલાકથી પોતાનું લેપટોપ ખોલીને બેઠો હતો. ત્યાં અચાનક તેના મોબાઈલની રીંગટોન વાગી. અનુરાગે સહેજ કંટાળા સાથે મોબાઈલ તરફ જોયું. આ કોનો નંબર હતો? કોલ રીસીવ કરીને અનુરાગ બોલ્યો,"હલો".
"બેટા!" સામેથી એક ધ્રૂજતો અવાજ આવ્યો.
"જુઓ તમે....." અનુરાગે બોલવાનો પ્રયત્ન કર્યો.
"બેટા ફોનના કાપીશ! હું તારો વધારે સમય નહિ લઉં. આ તો ફક્ત મારેે તારી સાથેેેે વાત કરવી હતી એટલે વૃદ્ધાશ્રમમાં એક ભાઈ પાસે થી મોબાઇલ લઇને ફોન કર્યો છે. તું ફક્ત પાંચ મિનિટ મારી સાથે સાથે વાત કરીલે હું પણ મારા અંતર ને ઠંડક થાય.."
"તમે......." અનુરાગે ફરી બોલવાનો પ્રયત્ન કર્યો.
"બેટા આજે મેં છાપા માં વાંચ્યું કે અને father's day છે.
આજ ના દિવસે તો મારી સાથે વાત કરી લે! ખબર છે, મનહરલાલ શું કહે છે? મનહરલાલ નું એવું કહેવું છે કે તું તો સાવ સ્વાર્થી છે મારા બધા પૈસા તારા નામ પર કરાવી લીધા "એટલે હવે તને મારી પડી નથી. ખરેખર તો તને મારા અત્યારે હવે કોઈ લાગણી રહી નથી. આવું મને રોજ કહ્યા કરે છે.પણ હું નથી માનતો. મનહરલાલ તો બોલ્યા કરે એનો છોકરો કપૂત પાક્યો બધાને એવું જ હોય? મેં તો બધાને કહી દીધું છે કે મારા છોકરા નો ફોન નથી આવતો તેની પાછળ કંઈક કારણ હશે. છોકરો મને મળવા નથી આવતો તેની પાછળ કંઈક મજબૂરી હશે. કોઈ ની પરિસ્થિતિ સમજ્યા વગર સીધો કોઈ ફેસલો થોડો આપી દેવાય? મને વિશ્વાસ છે દીકરા તું મને ભૂલી નથી ગયો. એટલે જ આજે ફોન કર્યો. અત્યારે મનહરલાલ પણ અહીંયા જ ઉભો છે. મેં એને રોકી રાખ્યો છે. એને પણ ખબર પડે ને મારા દીકરાને તે વારંવાર વગોવ્યા કરે છે તે કેટલો સારો છે. થોડી વાર એની સાથે પણ વાત કરી લેજે દીકરા. સારું મને કહે, તારી તબિયત કેવી છે? આમ તો મને ખબર છે તું બહુ તંદુરસ્ત છે પણ મેં આજે છાપામાં વાંચ્યું કે કે મુંબઈમાં રોગચાળો ફેલાયો છે એટલે મને તારી ચિંતા થઈ. બસ બીજું તો કંઈ નહીં પણ તારું ધ્યાન રાખજે."
વડીલનું બોલવાનું ચાલુ જ હતું .
એવું લાગતું હતું ઘણા સમયથી બોલવાની ઈચ્છા હતી જે અત્યારે પૂરી થઈ રહી હતી. થોડો સમય બોલ્યા પછી વડીલ અટક્યા.
એક ક્ષણ શાંતિ છવાઈ રહી. અનુરાગ કંઈક વિચારી રહ્યો હતો. પછી ધીમેથી બોલ્યો,"મારી તબિયત તો સારી જ છે પપ્પા પણ થોડો કામનો બોજો વધુ રહે છે. તમે મને યાદ કરો છો એના કરતાં વધુ હું તમને યાદ કરું છું પણ શું થાય મજબૂરી છે. એક રૂમ રસોડા માં અમે બે પરિવાર રહીએ છીએ. મુંબઈના ખર્ચા એટલા બધા છે કે મહિનાના અંતે હાથમાં કશું જ બચતું નથી.એટલે તો તમારે વૃદ્ધાશ્રમ માં રહેવું પડે છે. બાકી કયા દીકરા ને ગમે કે પિતા વૃદ્ધશ્રમ માં રહે?"કહેતા કહેતા અનુરાગ નું ગળું રૂંધાઇ ગયું.
સામે વડીલ નો અવાજ પણ લાગણીભીનો થઇ ગયો હતો."સમજી ગયો બેટા, તું ત્યાં બહુ સંઘર્ષ વાળું જીવન વિતાવી રહ્યો છે.હવે તને વધુ હેરાન નહિ કરુ! ફોન મૂકું છું!"
અનુરાગ બોલ્યો, " એક મિનિટ મનહરલાલ ને ફોન આપો તો"
પછી મનહરલાલ ફોન પર આવ્યા તો અનુરાગે બોલવાનું ચાલુ કર્યું,"વડીલ તમે મારા પિતાની ઉંમરના છો. આમ જોવા જાવ તો તમે મારા પિતા બરાબર જ કહેવાવ. એટલે હું તમને પ્રાર્થના કરું છું કે જોયા સમજ્યા કે વિચાર્યા વગર કોઈના ઉપર ટીપ્પણી ન કરવી. હું મારા પિતાને નથી મળી શકતો કારણ કે મજબૂર છું. એટલે કોઈની મજબૂરીની મજાક ના ઉડાવવી.
બસ આટલી જ તમને વિનંતી હતી." કહીને અનુરાગે ફોન કાપી નાખ્યો.
ફોન મૂકીને અનુરાગી જોયું કે એક વ્યક્તિ તેને ધ્યાનપૂર્વક જોઈ રહી હતી.
"કોનો ફોન હતો?"એ વ્યક્તિએ પ્રશ્ન કર્યો.
પોતાની આંખમાં છલકાઈ આવેલા આંસુઓને લૂંછી ને ફિક્કું હસીને અનુરાગ બોલ્યો, " કોઈ નહિ. રોંગ નંબર હતો પપ્પા!"