Samarpan - 12 books and stories free download online pdf in Gujarati

સમર્પણ - 12

આગળના ભાગમાં આપણે જોયું કે નિખિલે રુચિને પ્રપોઝ કરતાં જ તેને શરમાઈને ઇશારાથી જ હા કહ્યું હતું, બંને થોડીવાર સુધી રૂમમાં એકલા જ રહ્યા, નિખિલના મિત્રો દરવાજે ટકોર કરતાં રૂમમાં દાખલ થયા અને ત્યારબાદ નિખિલ અને રુચિને લઈને મઝાક કરવા લાગ્યા, નિખિલ પણ તેના મિત્રો ઉપર ખોટો ગુસ્સો કરવા લાગ્યો, નિખિલના મમ્મી-પપ્પા પણ રૂમમાં આવ્યા અને તેના મિત્રો જાણી જોઈને નિખિલ અને રુચિને હેરાન કરતા રહ્યા. રુચિ શરમાઈને બસ નીચું જોઈ રહી કઈ બોલી ના શકી. બધા જવા માટે તૈયાર થયા ત્યારે નિખિલના મમ્મીએ જમીને જવાનો આગ્રહ કર્યો, પણ તેના મિત્રો મઝાકમાં જ નિખિલ અને રુચિના લગ્નમાં જમીશું એમ કહી અને ઘરે જવા માટે નીકળ્યા. રુચિ પણ જવા માંગતી હતી પરંતુ નિખિલની મમ્મીએ નિખિલના પપ્પા મૂકી જશે તેમ જણાવી રોકી લીધી. પરંતુ રુચિએ ફરી ક્યારેક આવવાનું જણાવ્યું, નિખિલે પણ રુચિની વાતમાં સાથ આપ્યો, નિખિલના પપ્પા રુચીને તેના ઘરે મૂકી ગયા. ઘરે આવીને રોજની જેમ જ રુચિએ બધી જ વાત દિશાને કરી દીધી, પરંતુ એ સમયે દિશાએ કોઈ જવાબ આપ્યો નહિ. સાંજે જમીને આંટો મારવા જતાં દિશાએ રુચિ સાથે વાત કરી, દિશાને પણ આ બધું અજગતું લાગ્યું કે અચાનક નિખિલના પરિવારે રુચિને કેમ સ્વીકારી લીધી? રુચિએ પણ તેની મમ્મીને સમજાવતા કહ્યું કે તેને પણ કોઈ વાતની ખબર નહોતી. બીજા દિવસે દિશાએ રુચિને કોલેજ ના જવા અને ઘરે જ રોકાઈ જવા જણાવ્યું, રુચિએ પણ દિશાની વાત માની લીધી. દિશાએ રુચિને સમજાવી કે તેને નિખિલના ઘરે આ રીતે નહોતું જવાનું, રુચિએ પણ એમ જ કહ્યું કે મને પણ આ કઈ ખબર નહોતી. દિશાએ એને ભવિષ્યની પરિસ્થિતિઓ વિશે અવગત કરાવી, અને આમ અચાનક જે બની રહ્યું હતું તેની પાછળ પણ ચિંતા વ્યક્ત કરી. "જો તારી ઈચ્છા નહિ હોય તો નિખિલ સાથે આગળ નહિ વધે" એમ રુચિએ પણ દિશાને જણાવી દીધું.. હવે જોઈએ આગળ શું થાય છે !!!!


સમર્પણ..12


રુચિ : ''મમ્મી, હવે તું ફાઈનલી મને કહી દે હવે મારે શું કરવું જોઈએ? તું કહીશ એમજ કરીશ ...''
દિશા : ''જરાય નહી. મારે તારા વિચાર જાણવા છે.તું કહે. હવે તારે શુ કરવું જોઈએ ?''
રુચિ : ''યાર તું તો જો... આમ ચિંતા કરે છે ને પાછી કહેતી બી નથી.કે હવે હું શું કરું ? તારા જેટલી તો સમજ નથી ને મારામાં..! ''
દિશા : ''જો બેટા નિર્ણય તારે લેતા શીખવું પડશે. તું મારી પાસે છું ત્યાં સુધી તારા બધા જ નિર્ણયમાં તારી સાથે જ હોઇશ. ખોટું થતું હશે ત્યાં અટકાવીશ અને સમજાવીશ પણ ખરી. બોલ હવે આ પરિસ્થિતિમાં શુ કરવું જોઈએ આગળ ?''
રુચિ : ''આગળ તો હવે ઓનલાઇન ઓર્ડર કરીને કંઈક જમવાનું મંગાવું જોઈએ...''
બંને જણા ગંભીર મુદ્દાના વચ્ચે ની અચાનક આવેલી હળવાશથી ખીલખીલાઈને હસી પડ્યા.
દિશા : ''હા, દોઢ ડાહી, તું મંગાવી લે. જમીને પછી વાત કરીશું હવે.''
બનેએ પોતાનું લંચ પૂરું કર્યું અને બપોરે બેડરૂમના એસીની ઠંડકમાં પોતાની વાત આગળ વધારવાનું નક્કી કર્યું.
જમ્યા પછી દિશા ઘરના થોડા કામમાં અટવાઈ, ત્યાં સુધીમાં રુચિ સુઈ ગઈ હોવાથી એને જગાડવું યોગ્ય ન લાગ્યું, એટલે દિશા મોબાઈલમાં પોતાના લેખન કાર્યને આગળ વધારવા બેઠી. એ એપ્લિકેશનમાં આવતી લેખનસ્પર્ધાઓમાં પણ ભાગ લેતી થઈ હતી. લાઈક કે કૉમેન્ટ્સ મેળવવાને પ્રાધાન્ય આપવાને બદલે પોતાને ગમતા વિચારોને તો ક્યારેક ખૂટતી લાગણીઓને પંક્તિઓમાં ઢાળી દેતી. એજ એપ્લિકેશનમાં ઘણી બધી ઈ-બુક વાંચવા મળી જતી હોવાથી હવે લાઈબ્રેરી જવાનું પણ એણે ઓછું કર્યું હતું. ઘરે જ રહીને પોતાનો શોખ પૂરો કરવા મળતો હોઈ, હવે નવરાશનો સમય પણ એને વધુ મળતો હતો. આજે રાત્રે હંમેશ મુજબ ચાલતા આંટો મારવા જવાનું આજે એમણે ટાળ્યું હતું.
દિશા : ''તને એમ નથી લાગતું, કે નિખિલની વાતમાં થોડી ઉતાવળ થઈ રહી છે ?''
રુચિ : ''યાર, મને કાઈ ખબર પડતી નથી. તું કહે એમ જ કરીશ હું તો.''
દિશા : ''હમ, મને લાગે છે કે હમણાં તારે એના ઘરે જવાનું ટાળવું જોઈએ, પછી જ્યારે એને મળે, ત્યારે સીધી જ આ વિશે વાત કરીને જાણી લેવું કે એના મનમાં શું છે ? અથવા ઘરે જે થયું એનું કારણ શું છે ? તું એને પસંદ કરે છે એ ભલે, પણ આપણી જાતે જ આપણે બધું વિચારીને માની લેવું યોગ્ય નથી લાગતું મને તો. એના કરતાં ચોખવટ થઈ જાય એ સારું.''
રુચિ : ''ઓકે, એમ જ કરીશ.''
એ પછી પણ ત્રણ-ચાર દિવસ સુધી નિખિલ કોલેજ આવ્યો નહીં, રુચિએ એને ફોન કરીને હવે કોલેજમાં જ મળવા માટે સમજાવી લીધો હતો. વધારે માહિતી આપવાનું જાણી જોઈને ટાળ્યું હતું. રોજ ઉમેશને એના ખબર-અંતર પૂછી લેતી. અને અભ્યાસમાં પરોવાઈ જતી.
દિશાને પણ ગમતી એક્ટિવિટી મળી ગઈ હોવાથી હવે પહેલાની જેમ વારે ઘડીએ આંસુઓ છલકાતાં ન હતા. જ્યારે પણ સમય મળે, એ કંઈક ને કંઈક લખવા બેસી જતી. એ એપ્લિકેશનમાં રોજ અચૂક લખાણ મુકતી હોવાથી ઓનલાઈન એક લેખકનું ગ્રૂપ પણ બની ગયું હતું. જેમાં ક્યારેક ક્યારેક લખાણને લગતી, તો ક્યારેક આજુ-બાજુ થઈ રહેલી ગતિવિધિઓ કે ક્યારેક સમાચાર ઉપર પણ ચર્ચાઓ થતી. દિશા પણ વિના સંકોચ પોતાના અભિપ્રાયો જાહેર કરતી હોવાથી એની વિચારશક્તિઓને પણ વેગ મળ્યો હતો. બીજા લેખકો દ્વારા મળતાં લાઈક અને કોમેન્ટ રૂપી પ્રોત્સાહનના લીધે તે વધું ને વધુ લખવા પ્રેરાતી. આજે પણ દિશાએ પોતાના હૃદયમાં ઘર કરી ગયેલા શબ્દોને બહાર કાઢતાં થોડીક પંક્તિઓ ટાંકી...
દિવસ અને રાત,
દુનિયાની મોહમાયામાં...
બેબાકળી થઈ નીકળી પડું,
શોધું મને તારા જ પડછાયામાં.

થોડા જ દિવસોમાં નિખિલ સાજો થઈને આજે કોલેજ આવ્યો હતો. એની નજરો રુચિને જ શોધતી હતી. ઉમેશના કહેવા પ્રમાણે તે લાઇબ્રેરીમાં જ મળી ગઈ. રુચિ પણ એને જોઈ સફાળી ઉભી થઇ ગઇ પરંતુ પરિસ્થિતિનું ભાન થતાં જ પોતાના ખુશીના આવેગોને શાંત કરતા નિખિલની પાછળ ચાલી, બંને જણા એક ઝાડ નીચે આવીને બેઠાં.
નિખિલ : ''તને ખોટું લાગ્યું હતું તે દિવસે ?''
રુચિ : ''ના, મને શેનું ખોટું લાગે ?'' (કેમ છે પૂછ્યા પહેલાં જ અણધાર્યો સવાલ આવી જતા થોડી ઉદાસ થઈ ગઈ)
નિખિલ : ''મારા ઘરે, કોઈએ કાઈ કીધું તને ? પપ્પા તને મુકવા આવ્યા હતા, તો એમણે કાઈ કીધું ?''
રુચિ : ''મને કોઈએ કાઈ કીધું નથી, પણ તું કેમ આવું પૂછે છે ?''
નિખિલ : ''તને ખબર હોવી જોઈએ એ તો''
રુચિ : ''હું એ પછી આવી શકી નહીં એજ ને ?''
નિખિલ : ''હા એ તો ઠીક, પણ તે ઉમેશ કે કોઈ સાથે કોઈ સમાચાર પણ ના મોકલાવ્યા.''
રુચિ : '' મેં વિચાર્યું કે તું આવીશ એટલે સીધી વાત કરીશ. બીજા કોઈને શુ કામ ઇનવોલ્વ કરવા ? ''
નિખિલ : (હંમેશ મુજબના તોફાની સ્મિત સાથે આંખ મિચકારતાં) સાચે ?
રુચિ : (થોડી શરમાઈ આડું જોઈ ગઈ) એવું કંઈ નહીં હવે..
નિખિલ : ''તો શું હવે ?'' (આગળ નમીને પોતાની એક જ આંગળીથી રુચિનો સ્મિત છુપાવા ફેરવી લીધેલો ચહેરો પોતાની સામે લાવી દીધો.)
બંનેની આંખો મળી. રુચિ અપલક એને નિહાળતી જ રહી. નિખિલ પણ એકીટશે રુચિની આંખમાં ડૂબવા મથી રહ્યો.
ત્યાં જ અચાનક નિખિલને પાછળથી ધબ્બો વાગતા જ રુચિ સાથે અથડાતાં બચ્યો.
બને જણાના સ્વપ્ન વિહારમાં ખલેલ પડવાથી એક ક્ષણ તો બંનેનું મોઢું વિલાઈ ગયું.
અનિલના એ અણધાર્યા ધબ્બાથી એ પરાણે સરખો થઈ શક્યો.
અનિલ : ''શુ ચાલે..રાજા ? પાર્ટી ક્યારે છે ?
નિખિલ : '' મગજની... (અપશબ્દોને પરાણે કાબુ કર્યા) નસ ના ખેંચ, ને જા તારું કામ કર.. હું પછી મળું છું.''
અનિલ : ''વાહ બેટા, ભાભી શું મળી ગયા ...હવે અમારે એપોઇન્ટમેન્ટ લેવી પડશે એમ ?''
નિખિલ, આંખોના ઈશારા અને ચહેરાના હાવભાવથી એને ટાળવા મથી રહ્યો. છતાં એ પીછો છોડે એમ લાગતું ના હોવાથી, રુચિનો હાથ પકડી, કોલેજની બહાર આવેલા એક કોફીબારમાં આવીને બેઠાં.

દિશા આજે લખાણની એક સ્પર્ધામાં વિજેતા જાહેર થઈ. જીમેલ ચેક કરતા 1000rs ની રકમ પુરસ્કાર રૂપે મળી હોવાની જાણ થઈ. ''અભિવ્યક્તિ''માં ઢગલાબંધ શુભેચ્છાઓની સાથે સાથે આવેલી કેટલીક અણગમતી કોમેન્ટ્સને અવગણીને બીજા બધાને એણે મેસેજમાં જ હૃદયપૂર્વક આભાર માન્યો.
રુચિ ઘરે આવતા જ બધી ખુશીઓ એના ઉપર ઢોળી દીધી, અને પોતાને આ જગ્યા પર જોવા માટે ખરેખર એનો આભાર માન્યો.
બે ત્રણ દિવસ સુધી દિશા, એ શુભેચ્છાઓનો આભાર માનવામાં જ વ્યસ્ત રહી.
અચાનક, એક મેસેજ તરફ એનું ધ્યાન વળ્યું,
''લખી તો કોઈ પણ શકે છે, પરંતુ સ્વચ્છ કાંચ જેવા હૃદયને કાગળ પર ચિતરવું સહેલું નથી, એક એક શબ્દમાં રહેલા ગૂઢ રહસ્યને માત્રને માત્ર પોતેજ સમજી શકતા હશો કદાચ. હું કોઈ જાણકાર નથી, પરંતુ એટલું અનુભવી શક્યો છું કે જીવનમાં કોઈ પણ સમયે જો આવી વ્યક્તિનો ભેટો થઈ જાય, તો એને ખોઈ નાખવાને બદલે કોઈ પણ સંબંધે હું જોડાવા માંગીશ ''અભિવ્યક્તિ''માં સાચા અર્થમાં પોતાના અંતરને અભવ્યક્ત કરી શકતા એક માત્ર લેખિકાને હૃદયપૂર્વક ખૂબ બધી શુભેચ્છાઓ..''
ધરબાયેલી ઈચ્છાની એક આછી લહેરખી અજાણતાં જ દિશાની આંખ સામેથી પસાર થઈ ગઈ. રોજ ઘણાં બધા મેસેજ ઈનબોક્સમાં આવતા પણ ખબર નહીં કેમ પણ આ મેસેજ કંઈક અલગ લાગ્યો હતો, પરંતુ જરાય મન વિચલિત ના થાય એનું ધ્યાન રાખતાં એને એ મેસેજને અવગણ્યો હતો.

કોફીબારમાં રુચિએ નિખિલને મળીને પોતાની મમ્મીની ચિંતાઓનો એક ચિતાર આપી દીધો. નિખિલ પણ એ વાતથી સહમત થઇ ગયો.
નિખિલ : ''તારી મમ્મીની ચિંતા વ્યાજબી છે, પણ સાચી નથી. એ બતાવવા માટે તારે મને તારે ઘરે લઈ જવો પડશે ? બોલ, ક્યારે લઇ જાય છે ?
રુચિ : (મનોમન હરખાતાં) ''એ હું તને મમ્મી સાથે વાત કરીને જણાવીશ.''

લગભગ એક અઠવાડિયા પછી દિશાને ફરી પાછો એક મેસેજ મળ્યો.
''લેખિકા તરીકે તમને દરેક પ્રકારના પ્રસ્તાવ, આલોચના તથા શુભેચ્છાઓ મળતી જ હશે, પરંતુ મારી પાઠવેલી શુભેચ્છાને અવગણવું પડે એવું મેં કાઈ જ લખ્યું નહોતું, છતાં અજાણતાં તમારી લાગણી દુભવી હોય તો માફ કરશો.''
દિશાને થોડું લાગી આવ્યું, એણે જવાબ આપ્યો
દિશા : ''સોરી, મારા તરફના ખોટા વર્તન ના કારણે ...'' તમારી શુભેચ્છાઓ બદલ ખૂબ ખૂબ આભાર..''
તરત જ સામેથી જવાબ આવ્યો.
''તમારું વર્તન જરાય ખોટું નથી, અત્યારના સમય પ્રમાણે વ્યક્તિને માપવાનું કોઈ સાધન ઉપલબ્ધ નથી. તો કોઈ પણ પર વિશ્વાસ ન કરવો એ અવગુણ ની જગ્યાએ ગુણ સાબિત થઈ રહે છે ..''
દિશા : ''જી''
દિશાના ટૂંકા જવાબથી સામેની વ્યક્તિને વધારે વાત કરવી યોગ્ય નહીં લાગી કદાચ.
વધુ આવતાં અંકે...

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED